[પાછળ] |
![]() લેખકઃ અરવિન્દ ગુપ્તા અનુવાદઃ હેમંત સોલંકી કિશોરાવસ્થામાં વિક્રમ સારાભાઈને સાઈક્લિંગની કેટલીક કરામતો કરવી ખૂબ જ પસંદ હતી. સાઈકલને પૂરતો વેગ મળ્યા પછી, તેઓ પોતાના બન્ને હાથ છાતી ઉપર રાખતા અને બન્ને પગ હેન્ડલ બાર ઉપર રાખી દેતા. જો આગળનો રસ્તો સીધો હોય તો તેઓ પોતાની આંખો બંધ કરીને સાઈકલને નાકની દાંડીએ સીધી જવા દેતા જ્યાં સુધી તે જઈ શકે. આ બધી કરામતો દરમિયાન ગભરાયેલા ઘરના નોકરો તેમની પાછળ ભાગતા રહેતા અને તેમને સાઈકલ થોભાવવાની વિનંતી કરતા. કિશોર વયમાં આવી સાહસિક પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિ આગળ જઈને બ્રહ્માંડીય કિરણો જેવા જટિલ વિષય ઉપર ૮૦ જેટલા વિદ્વત્તાપૂર્ણ સંશોધનપત્રો લખશે તે માનવું થોડું અઘરું લાગે.
સારાભાઈ પરિવાર પૈસાદાર હોવાની સાથે સાથે મહાત્મા ગાંધીની પણ ખૂબ જ નજીક હતો તેમ જ તેઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવવા માટે પણ ખૂબ જ જાણીતા હતા. વિક્રમનાં ફોઈ અનુસૂયાએ અમદાવાદ શહેરમાં કાપડની મિલોના સૌપ્રથમ મજૂર સંઘ (Trade Union)ની સ્થાપના કરી. તેમની બહેન મૃદુલા મહાત્મા ગાંધીના વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતી. તેઓ ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં આગળ પડતો ભાગ લઈ ઘણી વખત જેલમાં પણ ગયાં હતાં. શાળાકીય શિક્ષણ પૂરું થયા પછી વિક્રમે અમદાવાદની ગુજરાત કોલેજમાં થોડો વખત અભ્યાસ કર્યો. પણ સ્નાતક થવા પહેલાં જ તેમણે કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલયની સેંટ જોન્સ કોલેજમાં ભણવા માટે ભારત છોડી દીધું. ઈ. સ. ૧૯૩૯માં તેમણે પ્રાકૃતિક વિજ્ઞાનની શાખામાં કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલયની પદવી પરીક્ષા (જે Tripos તરીકે ઓળખાય છે) ઉત્તીર્ણ કરી. તે જ ગાળામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું જેના લીધે તેમને ભારત પાછા ફરવાની ફરજ પડી. ભારત પાછા ફરી તેઓ ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગલોરમાં ડોક્ટર સી. વી. રામનના માર્ગદર્શન હેઠળ બ્રહ્માંડીય કિરણો (Cosmic Ravs) ઉપર સંશોધન કરવા લાગ્યા. બ્રહ્માંડીય કિરણોનો અભ્યાસ કરતાં કરતાં વિક્રમનું ધ્યાન અંતરિક્ષ વિજ્ઞાન અને તેની પ્રૌદ્યોગિક પદ્ધતિઓ તરફ આકર્ષિત થયું. તેમનો આ રસ ત્યાં સુધી નિષ્ક્રિય પડ્યો રહ્યો, જ્યાં સુધી તેમને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા નિભાવવાની તક સાંપડી. પોતાના બેંગલોરના વસવાટ દરમિયાન વિક્રમની મુલાકાત ભરતનાટ્યમનાં પ્રખ્યાત નૃત્યાંગના મૃણાલિની સ્વામિનાથન સાથે થઈ, તે પછી બન્નેએ પ્રભુતામાં પગલાં માંડ્યાં. તેઓ બે બાળકોનાં માતાપિતા બન્યાં - દીકરો કાર્તિકેય અને દીકરી મલ્લિકા (જે ભરતનાટ્યમનાં નૃત્યાંગના હોવાની સાથે સાથે ફિલ્મ અભિનેત્રી પણ છે. તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મોમાં નાયિકાનું પાત્ર પણ ભજવ્યું છે.) ઈ. સ. ૧૯૪૫માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાં વિક્રમ સારાભાઈ કેમ્બ્રિજ પરત ફર્યા. અહીં તેમણે પ્રોફેસર ઈ. એસ. શારના માર્ગદર્શન હેઠળ પોતાની પીએચ.ડી. પૂરી કરી, જેનો વિષય હતો - Cosmic Ray Investigations in Tropical Latitudes. તેમણે તૈયાર કરેલા શોધ-પ્રબંધમાં આણ્વિક વિખંડન (Nuclear Fission) ઉપર પણ થોડું કામ કરવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ હતો. સ્વાતંત્ર પ્રાપ્તિ પછીના આદર્શવાદી યુગમાં વિક્રમ સારાભાઈએ ઘણી બધી સંસ્થાઓની સ્થાપના કરી, જેવી કે - ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (Physical Research Laboratory), દર્પણ નૃત્ય અકાદમી (જેમાં તેમનાં પત્ની મૃણાલિની સહસંસ્થાપક હતાં), અમદાવાદ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિયેશન (જે કાપડ ઉપર શોધ કરનારી ભારતની સૌપ્રથમ સહકારી સંસ્થા હતી), ઓપરેશન રિસર્ચ ગ્રુપ (બજાર ઉપર શોધ કરનારી ભારતની સૌપ્રથમ સંસ્થા), તેમ જ ભારતીય પ્રબંધન સંસ્થાન (The Indian Institute of Management)ની સ્થાપના પણ તેમણે જ કરી. આ જ સાથે National Institute of Design (NID)ની સ્થાપના કરવામાં મદદ કરી. આ વિવિધ પ્રવૃત્તિઓથી વિક્રમ સારાભાઈનો વિવિધ ક્ષેત્રોમાંનો રસ દેખાઈ આવે છે તેમ જ આ બધાંય કાર્યો કરવા માટેના તેમનાં સુસંગત અભિગમ, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ, ઊંડું આર્થિક આયોજન અને રાષ્ટ્રવાદી હેતુના સ્પષ્ટ દર્શન થાય છે. તેઓ ગોખણપટ્ટી કરાવનાર શિક્ષણ પ્રત્યે સખત અણગમો ધરાવતા અને તેથી તેમણે Group For Improvement of Science Education નામના સમૂહની શરૂઆત કરી. પછીથી આ જૂથ Nehru Foundation for Development ભાગ બની ગયું. તેમણે અમદાવાદમાં દેશના સૌપ્રથમ સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર (Community Science Center)ની સ્થાપના કરી, જેનું ઉદ્દઘાટન ઈ. સ. ૧૯૬૮માં સી. વી. રામનના પ્રખ્યાત વ્યાખ્યાન ''આકાશ આસમાની રંગનું કેમ છે?'થી થયું. દરેક ક્ષેત્રમાં આટલું બધું ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે તેઓ કેવી રીતે સમય અને ઊર્જા મેળવતા હતા તે ખરેખર અદ્ભુત બાબત હતી. આવાં ઊર્જા અને અભિગમ ધરાવતો માણસ કેવી રીતે કોઈના ધ્યાન બહાર રહી શકે. ઈ. સ. ૧૯૬૨માં પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ વિક્રમ સારાભાઈને ભારતના અંતરિક્ષ સંશોધન કાર્યક્રમ માટે સંગઠન બનાવવા આમંત્રિત કર્યા. જ્યારે જગતની મહાશક્તિઓ (એટલે કે અમેરિકા અને રશિયા) અંતરિક્ષ પ્રૌદ્યોગિકીનો ઉપયોગ પોતાની સૈન્યશક્તિ અને બીજા દેશો ઉપરનો કાબૂ વધારવા માટે કરવા માગતી હતી ત્યારે સારાભાઈની દૂરદર્શિતા ખૂબ જ અલગ હતી. તેમણે ભારત માટે એક અનન્ય અંતરિક્ષ કાર્યક્રમનું સપનું જોયું જ્યાં ઉપગ્રહોનો ઉપયોગ સામૂહિક શિક્ષણ, સંદેશ વ્યવહારનાં સાધનોનો વિકાસ, હવામાનની સચોટ આગાહી તેમ જ ખનિજોની શોધખોળ માટે કરવામાં આવે. તેમણે પ્રૌદ્યોગિક વિજ્ઞાનનો ઉપયોગ દેશના કરોડો લોકોની જરૂરિયાતો સંતોષવા માટે કર્યો અને તે જ સાથે એક વ્યવહારદક્ષ વૈજ્ઞાનિક પ્રણાલીની પણ સંભાળ લીધી. તેમને ભારતના લોકોની ક્ષમતા ઉપર વિશ્વાસ હતો કે ભારતના લોકો પ્રૌદ્યોગિક વિજ્ઞાનની મદદથી 'હનુમાન કૂદકો' લગાવી પોતાનું જીવનધોરણ ઊંચું લાવશે. તેમને પ્રૌદ્યોગિક વિજ્ઞાનની ક્ષમતા ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી કે જેના દ્વારા વિકાસશીલ દેશોને પશ્ચિમના દેશોની જેમ વિકાસ માટે લાંબી અને દુષ્કર પ્રક્રિયાઓના અવરોધો નહીં નડે. સારાભાઈએ શાળાએ ન જઈ શકતાં લાખો ભારતીય બાળકો માટે Satellite Instructional Television Experiment નામે સામૂહિક શિક્ષણ કાર્યક્રમનો પાયો નાખ્યો. તેમણે કેરળમાં ચુંબકીય વિષુવવૃત્તની ઘણી નજીક આવેલ થુમ્બા ખાતે રોકેટ પ્રક્ષેપણ મથકની સ્થાપના કરી. જે પછીથી વિસ્તાર પામી સંપૂર્ણ સુવિધાયુક્ત Space Science & Technology Centerમાં રૂપાંતર પામ્યું (આજે આ કેન્દ્ર Vikram Sarabhai Space Research Center નામે ઓળખાય છે). તેમણે આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટામાં હજુ એક રોકેટ પ્રક્ષેપણ મથકની સ્થાપના કરી અને અમદાવાદમાં Satellite Communication Centerની સ્થાપના કરી. હોમી ભાભાના વિમાન દુર્ઘટનામાં થયેલ આકસ્મિક મૃત્યુ પછી સારાભાઈ પરમાણુ ઊર્જા આયોગ (Atomic Energy Commission)ના અધ્યક્ષ બન્યા. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત હોવાને લીધે આણ્વિક હથિયારો જેવા સંવેદનશીલ મુદ્દે સારાભાઈનો અભિગમ અત્યંત સૂક્ષ્મ તેમ જ વિચારપૂર્વકના વપરાશનો રહેતો. દેખીતી રીતે જ સારાભાઈનો આ અભિગમ ભારતમાં આણ્વિક સત્તા સ્થાપના કરવા માગતા ઉચ્ચ હોદ્દેદારોને પસંદ ન પડ્યો અને તેમને આ મુદ્દે ટીકાઓનો સામનો કરવો પડ્યો. સારાભાઈએ પુગવોશ પરિષદો (Pugwash Conferences)માં ભાગ લીધો અને આણ્વિક સત્તાના દુરુપયોગ તેમ જ વિશ્વમાં આણ્વિક ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ વિષે ચર્ચાઓ કરી. આજે ભારતે ઓછા ખર્ચે સ્વદેશી બનાવટના ઉપગ્રહો (Satellites) બનાવી દેખાડ્યા છે તેમ જ પોતાનું ચંદ્રની તપાસ કરનાર ઉપગ્રહ ‘ચંદ્રયાન'નું પ્રક્ષેપણ કરી દેખાડ્યું છે, તેનો બધો જ શ્રેય વિક્રમ સારાભાઈએ આ ક્ષેત્રમાં જે પાયાનું કામ કર્યું તેને જાય છે. તેમણે આ કામ માટે જુસ્સેદાર ટુકડી પસંદ કરી અને ખૂબ જ કાળજીપૂર્વક આ ટુકડીના સભ્યોની માવજત કરી તેમને તૈયાર કર્યા. આ ટુકડીમાં અગ્રણી વૈજ્ઞાનિકો જેવા કે એ. પી. જે. અબ્દુલ કલામ, ઈ. વી. ચિટણીસ, વસંત ગોવારિકર, પ્રમોદ કાળે, યુ. આર. રાવ, કસ્તુરી રંગન તેમ જ બીજા સંશોધકોનો પણ સમાવેશ થતો હતો. પોતે ઓછું જીવ્યા છતાં વિક્રમ સારાભાઈ દેશ સદા માટે આભારી રહે તેવાં કાર્યો કરી શક્યા. પોતાનાં આ કાર્યોને લીધે તેમને ઈ. સ. ૧૯૬૨માં ભૌતિકશાસ્ત્ર માટે શાંતિ સ્વરૂપ ભટનાગર મેમોરિયલ પારિતોષિક, અને ઈ. સ. ૧૯૬૬માં પદ્મભૂષણ એનાયત થયાં. તેમ જ મરણોપરાંત ઈ. સ. ૧૯૭૨માં તેઓ પદ્મવિભૂષણથી સન્માનિત થયા. વિક્રમ સારાભાઈ પોતાના કામની પાછળ એક ધૂની જેવી લગન દેખાડતા. એક વાર તો તેમણે એ. પી. જે. અબ્દુલ કલામને રાત્રે ૩.૩૦ વાગે મળવા માટે સમય આપ્યો! તેઓ પોતાનું ધ્યેય સૌથી ઓછા સમયમાં મેળવી લેવા માટે હંમેશાં કૃતનિશ્ચય રહેતા. તેમની આવી વ્યસ્ત અને સખત જીવનશૈલીને લીધે તેમની તબિયતે અચાનક ઊથલો માર્યો અને તા. ૩૦ ડિસેમ્બર ઈ. સ. ૧૯૭૧માં તેમનું હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું. એક પ્રસિદ્ધ અને ધનવાન કુટુંબમાં જન્મ લેનાર વિક્રમ સારાભાઈ જો ઇચ્છતા તો વૈભવી અને આરામપ્રદ જીવનજીવી શક્યા હોત, પણ તેમણે પોતાના દેશની સેવા કરતાં કરતાં અકાળે જ આ દુનિયામાંથી વિદાય લીધી. અંતરિક્ષ મહાસત્તા તરીકે ભારતને આગલી હરોળમાં સ્થાન અપાવવા માટે દેશ હંમેશાં તેમનો ઋણી રહેશે. ઈ. સ. ૧૯૭૪માં ચંદ્ર ઉપર મળી આવેલા એક પોલાણ/ખાડા (Crater)ને વિક્રમ સારાભાઈનું નામ આપવામાં આવ્યું. આ નામકરણ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં Red International Astronomical Unionએ કર્યું. યુનિયને ચંદ્ર ઉપર ‘Sea of Serenity (શાંતિ સાગ૨) તરીકે ઓળખાતા ક્ષેત્રમાં સ્થિત એક પોલાણ (Crater) જે ‘બેસલ' નામે ઓળખાતું હતું તેનું નામ બદલીને ‘Sarabhai Crater’ કર્યું. (ભારતીય વિદ્યાભવન, મુંબઈના સામાયિક ‘નવનીત સમર્પણ’ના ડિસેમ્બર ૨૦૧૯ના અંકમાંથી સાભાર ઉધૃત) --------------------------------------------------------------------- ડૉ. વિક્રમ સારાભાઈએ ૧૯૬૬માં એટમિક એનર્જી કમિશનનું અધ્યક્ષપદ સંભાળ્યા બાદ નેહરૂ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટની સ્થાપના કરી હતી. આ ફાઉન્ડેશનમાં અલગ અલગ વિષય પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટીમ બનાવીને ગામડાઓમાં સામાજિક પરિસ્થિતિઓ વિશે અભ્યાસ કરવા માટે મોકલવામાં આવતા હતાં. ડૉ. પદ્મનાભ કે. જોશી પોલિટીકલ સાયન્સના એક વિદ્યાર્થી તરીકે આ ટીમનો હિસ્સો બનીને આણંદ ગયા હતા. ત્યાં એક સર્વે કરીને રિપોર્ટ તેમણે મોકલી આપ્યો હતો. જોકે રિપોર્ટ બનાવ્યા બાદ તેમને સવાલ થયો કે આ કામ કોણ કરાવી રહ્યું છે અને શા માટે ? તેમણે પૃચ્છા કરતાં ખબર પડી કે આ કામ એટમિક એનર્જી કમિશન ઓફ ઇન્ડિયાના ચેરમેન કરાવી રહ્યા છે. આ જવાબ સાંભળીને ફરી તેમને સવાલ થયો કે એટમિક એનર્જીના ચેરમેનને સામાજિક સર્વેમાં કેમ રસ પડ્યો? ત્યાર બાદ પદ્મનાભ જોશીને આ સવાલોના જવાબ મેળવવા વિક્રમ સારાભાઈને મળવાની ખૂબ ઇચ્છા થઈ. તેમના કહેવા પ્રમાણે એક દિવસ તેઓ અમદાવાદમાં ફિઝીકલ રિસર્ચ લેબોરેટરીની ઓફિસે પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા તો વિક્રમભાઈના સેક્રેટરીએ વિધિસર એક પત્ર લખી મૂલાકાત માટે લેખિત માંગણી મૂકવાની વાત કહી. આ મુદ્દે અમારે વાતચીત ચાલતી હતી. અચાનક વિક્રમભાઈ દરવાજો ખોલીને બહાર આવ્યા. સેક્રેટરીને મારા વિશે પૂછ્યું તો કહ્યું કે આ ભાઈ તમને મળવા આવ્યા છે પરંતુ તેમને શું જોઈએ છે એ જણાવી શકતા નથી. વિક્રમ સારાભાઈ મને ઓફિસમાં મૂલાકાત માટે લઇ ગયા. અહીં પ્રાથમિક ચર્ચા પછી મેં પૂછ્યું કે તમે શા માટે ગામડાઓની સામાજિક અને આર્થિક સ્થિતિ પર સર્વે કરાવી રહ્યા છે ? જવાબમાં વિક્રમ સારાભાઈએ કહ્યું કે આપણે ભવિષ્યમાં ‘સેટેલાઈટ’ મારફતે ગરીબ લોકો અને ગરીબ ગામડાઓના ઉત્કર્ષ કરવા માટે પ્રયોગ હાથ ધરવાનું વિચારી રહ્યા છીએ. ત્યાંની ગરીબી કેટલી છે, લોકોની કેટલી જરૂરિયાત છે તેનો ખયાલ મેળવવા માટે આ સર્વે કરાવવામાં આવી રહ્યા છે. એ વખતે મેં પહેલી વખત ‘સેટેલાઇટ’ શબ્દ સાંભળ્યો તો પૂછ્યું કે ‘સેટેલાઈટ’ એ શું છે? કેમકે ૧૯૬૬ની સાલમાં આ શબ્દ આપણા દેશમાં ખાસ જાણીતો હતો નહીં. તો સારાભાઈએ સામેથી મને પૂછ્યું, -એક અરીસો લઇને તમે છત પર ચોંટાડી દ્યો, અને તેના પર ટોર્ચના કિરણો નાખો તો શું થાય? મેં કહ્યું કે તો એ કિરણો ટકરાઈને નીચે પાછા આવે. તો એમણે કીધું કે બસ એને જ ‘સેટેલાઈટ’ કહેવાય. જેમ આ અરીસાથી કિરણો નીચે પાછા આવે એ રીતે આપણે ૩૫૦૦૦ કિલોમીટર ઉપર સેટેલાઈટ મુકીએ તો તેમાથી ટી.વી., વીડિયો અને અવાજના કિરણો પાછા આવે અને આપણે આખા દેશને કવર કરી શકીએ. હું તો આ સાંભળી ખૂબ ખુશ થઈ ગયો. વિક્રમ સારાભાઈની મહાનતા વિશે કોઇ વાત થઈ શકે તેમ નથી તેવું અદ્ભુત તેમનું વ્યક્તિત્વ હતું. વિક્રમ સારાભાઈ સાથે જોડાયેલા અન્ય એક કિસ્સાને યાદ કરતા જોશી કહે છે કે ‘એક વખત પીઆરએલમાં કોઈ ઉપકરણો મંગાવવામાં આવ્યા હતાં. તે એક રેંકડી પર લઇને એક વ્યક્તિ અંદર આવી રહ્યો હતો. પરંતુ દરવાજા પાસે તે ધક્કો મારી રહ્યો હતો અને અંદર પ્રવેશ થઈ શકતો ન હતો. વિક્રમભાઈ આ દૃષ્ય બાલ્કનીમાંથી જોઈ ગયા અને તરત નીચે આવ્યા. ત્યાં આવીને તેમણે એ લારીને ધક્કો મારવામાં મદદ કરી અને સાધનો અંદર પહોંચાડી દીધા. આટલા સરળ અને મહાન હતા તેઓ.’ ડૉ. વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં શરૂ કરેલી ફિઝીકલ રિસર્ચ લેબોરેટરીમાં વિદ્યાર્થીઓ કોસ્મિક રે (બ્રહ્મ કિરણો) પર સંશોધન કરતાં હતાં. તેમણે અનેક વિદ્યાર્થીઓને આ લેબમાં એમ.એસસી અને પીએચ.ડીનો અભ્યાસ કરાવી તૈયાર કર્યા અને ત્યાર બાદ નેહરૂ સામે ભારતીય અવકાશ કાર્યક્રમ માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો નેહરૂએ આ પ્રસ્તાવ એટમિક એનર્જી કમિશનના પ્રથમ ચેરમેન હોમી ભાભાને મોકલી આપ્યો. ડૉ. હોમી ભાભાએ એક કમિટીની રચના કરી અને અમદાવાદનું કામકાજ તપાસવા મોકલી. કમિટીનો રિપોર્ટ હકારાત્મક આવ્યો એટલે ભારત સરકારે ૧૯૬૧માં ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR)ની સ્થાપના કરી. આ કમિટીના ચેરમેન વિક્રમ સારાભાઈ હતા અને આ રીતે ભારતીય અવકાશ કાર્યક્રમની શરૂઆત થઇ. આ કમિટીનું હેડક્વાર્ટર અમદાવાદની પીઆરએલ હતી. આ કમિટી એટમિક એનર્જી કમિશન હેઠળ કામ કરતી હતી. અહીં રિસર્ચ અને મહેનતનું કામ ધમધોકાર શરુ થયું. ત્રિવેન્દ્રમ નજીક થુમ્બાને ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન તરીકે પસંદ કરાયું અને તા. ૨૧ નવેમ્બર, ૧૯૬૩ના રોજ સાંજે ૬ વાગ્યે ભારતની ધરતી પરથી પહેલું રોકેટ સફળતાપૂર્વક છૂટ્યું. આ કમિટી તા.૧૫મી ઑગસ્ટ, ૧૯૬૯થી ઈસરો (Indian Space Research Organisation) બની. તે વખતે અમેરિકા અને રશિયા બન્ને દેશોએ કરોડો રૂપિયાનું બજેટ સ્પેસ ટેક્નોલોજી પાછળ હોમવાનું ચાલુ કર્યું હતું. ડૉ. પદ્મનાભ આ વિશે વાત કરતા જણાવે છે, ‘એક વખત વિક્રમ સારાભાઇએ તેમના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ માટે નાસા મોકલ્યાં હતાં. છ મહિના બાદ જ્યારે તેઓ પાછા આવ્યા તો તેમણે વિક્રમભાઈને કહ્યું કે અમેરિકામાં તો દરેક વિષય પર એક એક અલગ સેટેલાઈટ છે. ટીવી માટે એક, શિક્ષણ માટે બીજો અને ખેતી માટે ત્રીજો. તેના જવાબમાં વિક્રમભાઈએ કહ્યું કે આપણી પાસે એટલા પૈસા નથી. અમેરિકા પાસે પૈસા છે તો એ ભલે કરે. હવે તમે એવો સેટેલાઈટ બનાવો જે આ બધા કામ એકી સાથે કરે. વિદ્યાર્થીઓએ ડિઝાઇન તૈયાર કરી અને ઇનસેટ નામનો સેટેલાઈટ કર્યો. ગૌરવપૂર્ણ વાત એ છે કે આ સેટેલાઇટ વિશ્વનો પહેલો મલ્ટી ફન્ક્શનલ સેટેલાઈટ હતો. ૧૯૮૨માં તેને લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેણે વર્ષો સુધી ખૂબજ સફળતાપૂર્વક કામ આપ્યું હતું. ત્રિવેન્દ્રમમાં એક મિટીંગ મોડી રાતે એક વાગ્યા સુધી ચાલી. ત્યાર બાદ વિક્રમ સારાભાઈ ઉંઘ લેવા ગયા અને ફરી ક્યારેય ઉઠ્યા નહીં. તા. ૩૦મી ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ માત્ર ૫૨ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા અને એક અત્યંત ગૌરવશાળી યુગનો ત્યાં અંત થઇ ગયો હતો. પદ્મનાભ જોશી કહે છે, ''તમે એક વાર મળો એટલે હંમેશ માટે એમના થઈ જાવ એવું પ્રભાવશાળી તેમનું વ્યક્તિત્વ હતું. તેમની ઈચ્છા એ હતી કે અવકાશ વિજ્ઞાનની મદદથી સામાન્ય લોકોની મદદ કરવી છે. તેમનું સપનું છેવટે સાકાર થયું છે. આજે આપણા દેશમાં ગામડે ગામડે સાવ સામાન્ય માણસો પણ વિના સંકોચે રોજિંદી કામગીરી માટે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે તે માટે આપણે વિક્રમ સારાભાઈનો જ આભાર માનવો જોઈએ. |
[પાછળ] [ટોચ] |