[પાછળ] |
વૃદ્ધ સ્નેહ લેખકઃ રમણલાલ વસંતલાલ દેસાઈ બહુ જ સંભાળથી પુત્ર અને પુત્રવધૂએ પ્રભાલક્ષ્મીને પથારીમાં બેઠાં કર્યાં; તેમનો દેહ કૃશ બની ગયો હતો. મોટા તકિયાને અઢેલાવી તેમને બેસાડ્યાં. ચારેપાસ તેમણે વાત્સલ્યભરી દૃષ્ટિ ફેરવી. કુટુંબની ખીલેલી ફૂલવાડી નિહાળી તેમના મુખ ઉપર સંતોષની છાયા પથરાઈ. એ પુત્ર, પુત્રવધૂ , ત્રણ પુત્રીઓ અને એ બધાંનાં સંતાનથી ઓરડો ભરેલ હતો. ડૉક્ટરોએ બધાને એક જ ઓરડામાં બેસવાની મના કરી હતી, પરંતુ હિંદુ કુટુંબમાં એવી મના પાળવામાં આવતી નથી. પ્રભાલક્ષ્મીથી પણ માણસો વગર રહેવાતું નહિ. દિવસમાં ત્રણ ચાર વખત બધાને ભેગાં ન જુએ તો તેમને ચેન પડતું નહિ. બાળકો તો વારંવાર ઓરડામાં દોડી આવી દાદીની ખબર પૂછ્યા કરતાં, અને કોઈ કાઢી ન મૂકે ત્યાં સુધી ઓરડામાં રમ્યા કરતાં. ચારે પાસ ફરતી પ્રભાલક્ષ્મીની નજર સહેજ દૂર બેઠેલા પોતાના પતિ પ્રમોદરાય ઉપર પડી, અને તેમણે નિ:શ્વાસ નાખ્યો. બધાંથી દૂર આરામ ખુરશી ઉપર બેસી છાપું વાંચવામાં રોકાયેલા પ્રમોદરાયને કોઈ સતત જોયા કરે તો તેને સમજાય કે છાપામાંથી વારંવાર નજર બહાર કાઢી તેઓ પ્રભાલક્ષ્મી તરફ જોતા હતા. કોઈ છોકરું બોલે, પુત્ર દવા પાય, પુત્રવધૂ કાંઈ ફળ આપે અગર કોઈ આવે કે જાય એ પ્રસંગોનો પણ લાભ લઈ પોતાની પત્ની તરફ તેઓ નિહાળતા. પ્રભાલક્ષ્મી તરફ સહુનું લક્ષ રહેતું કે પ્રમોદરાયની નજર તપાસવાની ભાગ્યે જ કોઈને ફુરસદ મળતી. માત્ર નાના પુત્રની વહુ વીણા ક્વચિત વૃદ્ધ પતિપત્નીની નજર પકડતી, અને ગમે તે બહાને હસી લેતી. પ્રભાલક્ષ્મીનો આ નિ:શ્વાસ સાંભળી પ્રમોદરાયે તેમની તરફ જોયું. પ્રભાલક્ષ્મીએ નજર ફેરવી નાખી અને હસવાની તૈયારી કરતી વીણાને પૂછ્યું : 'એમને કૉફી કરી આપી?' 'હા, બહેન કોફી કરી લાવે છે. તમે શું કરવા ચિંતા કરો છો ?' કહી પુત્રવધૂએ હસી લીધું. ચાળીશ વર્ષના સતત સહવાસ પછી પત્નીની પતિ માટેની ચિંતા વધે કે ઘટે તેની વીણાને ખબર ન હતી. બધાંએ કોફી પીધી, તે સાથે પ્રમોદરાયે પણ પીધી. 'એમને પાન કરી આપ ને, બેટા !' પ્રભાલક્ષ્મીએ વીણાને વિનવણી કરી. 'હા જી, કરું છું.' કહી વીણાએ પાન કરવા માંડ્યું, અને પોતાની જેઠાણી તથા નણંદોને હસાવવા માટે વૃદ્ધ સાસુની સસરા માટેની કાળજીનું એક દૃષ્ટાંત તેણે મનમાં નોંધી રાખ્યું. 'બા ! હવે તું સૂઈ જા.' પુત્રે માતાને સલાહ આપી પ્રભાલક્ષ્મી માટે સહુને ભાવ હતો. પુત્રપુત્રીને તો સ્વાભાવિક રીતે લાગણી થાય; પરંતુ પુત્રવધૂઓ પણ તેમનું મા સરખું જતન કરતી હતી, કારણ પ્રભાલક્ષ્મીએ કદી સાસુપણું કર્યું નહોતું; એટલે તેમને આરામથી સુવાડવા બધાંએ ટેકો આપ્યો. સૂતે સૂતે પ્રભાલક્ષ્મીએ જોયું કે પ્રમોદરાય પણ પાસે આવીને તેમને સુવાડવામાં મદદ કરવા આવી ઊભા હતા. અલબત્ત, તેમને એ મદદ કરવાની જરૂર નહોતી; તેમણે હાથ અડાડ્યો પણ નહિ. છતાં તેમને પાસે આવી ઊભેલા જોતાં પ્રભાલક્ષ્મીએ કહ્યું : 'તમે શું કરવા મંથન કરો છો? જરા બેસો ને ! છોકરાં બિચારાં મહેનત કરે છે !' પ્રમોદરાય પાછા જઈને ખુરશી ઉપર બેઠા. થોડી વારે કોઈ મળવા આવ્યું એટલે એ ઓરડો છોડવાની તેમને જરૂર પડી. તેમણે પ્રભાલક્ષ્મી પાસે આવી કહ્યું : 'હું તરત પાછો આવું છું.' 'શું કરવાને ? જરા આરામ લ્યો. કોઈની સાથે વાત કરો. ફરવાની તો આવી ટેવ છે. અને અહીં બેસી રહો છો?' પ્રભાલક્ષ્મી હજુ લાંબું બોલત, પરંતુ તેમને થાક લાગ્યો અને તેમણે આંખ મીંચી દીધી. એ આંખ ઊઘડી ત્યાં સુધી પ્રમોદરાય ત્યાં જ ઊભા રહ્યા. પ્રભાલક્ષ્મીએ આંખ ઉઘાડી એટલે તેમણે કહ્યું 'ત્યારે હું જઈ આવું ?' 'હા.' કહી પ્રભાલક્ષ્મીએ વીણા સામે જોયું અને સાસુવહુ બંને સહજ હસ્યાં. પ્રમોદરાયના ગયા પછી પ્રભાલક્ષ્મીએ પુત્ર, પુત્રવધૂ અને દીકરીઓને જરા પાસે બોલાવ્યાં. 'કેમ? કેમ બા? શું જોઈએ ?' સહુએ પૂછ્યું. 'છે તો કાંઈ નહિ, પણ એક વાત જરા ધ્યાનમાં રાખજો.' 'હા હા, કહે.' પુત્રે કહ્યું. 'મને હવે એક બે દિવસની મહેમાન ધારજો.' 'એય, શું તું ય એમ કહે છે? ડૉક્ટર તો એક અઠવાડિયામાં તું બેસતી થઈશ એમ કહેતા હતા.' બીજા પુત્રે કહ્યું. 'ભલે, પણ મને વિશ્વાસ નથી. હું જીવીશ કે મરીશ એ સરખું જ છે.' દીકરીઓ તથા વહુઓની આંખો ભીંજાઈ. 'તમે બધાં કહ્યાગરાં છો–સમજણાં છો, એટલે કાંઈ કહેવાપણું તો નથી. તો ય આટલું કહું છું : એમની મરજી સાચવજો.' પ્રભાલક્ષ્મી થાક લાગવાથી અટક્યાં. તેમનાં સંતાન શાંત ઊભાં રહ્યાં. જરા વારે તેમણે પાછું કહ્યું : 'કોઈને કશું કહે એવા નથી. સામે ચાલીને કાંઈ માગે એવા ય નથી.' એટલામાં પ્રમોદરાય ઓરડામાં આવ્યા. પલંગની આસપાસ બધાને ઊભેલાં જોઈ તેઓ ઝડપથી નજીક આવી પૂછવા લાગ્યા : 'શું છે? શું થયું?' 'કાંઈ નહિ; શું થવાનું છે? આવો શો અધીરો જીવ ?' પ્રભાલક્ષ્મી બોલ્યાં અને આંખો મીંચી. પ્રમોદરાય થોડી વાર ઊભા રહ્યા. એકાએક તેમણે પ્રજાલક્ષ્મીનો હાથ પકડ્યો અને નાડી જોવા લાગ્યા. પ્રભાલક્ષ્મીએ મહા મહેનતે આંખ ઉધાડી. પોતાના હાથનાં આંગળાં પ્રમોદરાયના નાડી જોતા હાથને અડક્યાં, અને તેઓ સહજ હસ્યાં. એ ઊઘડેલી આંખ, અડકી રહેલાં આંગળાં અને સ્મિતભર્યું મુખ એમનાં એમ સ્થિર થઈ ગયાં. 'થયું.' કહી પ્રમોદરાયે હાથ નીચે મૂકી દીધો. ખોટી દોડાદોડ થવા લાગી. ઘરનાં છોકરાંને ભેગાં કરી એકબે માણસો સાથે બહાર મોકલી દીધાં. ડૉક્ટર ઝડપથી આવ્યા. તેમણે પણ હાથ જોયો અને કહ્યું : 'કાંઈ નથી !' સ્ત્રીઓ આછું આછું રડવા લાગી. પ્રમોદરાય ખુરશી ઉપર બેઠા હતા તે ઊઠીને પાસે આવ્યા. તેમણે સહુને ધીરજ આપતાં બોધ કર્યો. સગાંસંબંધીઓ આવ્યાં. એ ઘડી પહેલાં જે દેહની પૂજા થતી હતી તે દેહને ઘરબહાર કર્યો. એટલું જ નહિ, તે અગ્નિમાં ભસ્મ પણ કર્યો. પ્રમોદરાયની આંખમાંથી એકે આંસુ પડ્યું નહિ. પોતાની સંતતિને તેમણે ઊલટું ભારે આશ્વાસન આપ્યું. છતાં ઘર સહુની માફક તેમને પણ ખાલી ખાલી લાગતું જ હતું. પ્રભાલક્ષ્મીની કોઈ જરૂર ન હતી. તેમના અસ્તિત્વ વગર ઘર ચાલે નહિ એવું કશું નહોતું. પુત્ર, પુત્રીઓ અને પુત્રવધૂ ઉમ્મરલાયક હતાં. વળી પ્રભાલક્ષ્મી સાઠ વર્ષની ઉપર પહોંચ્યાં હતાં, એટલે મૃત્યુ સમયની તેમની ઉમર છેક નાની કહેવાય એમ નહોતું, તે છતાં સહુની દિલગીરીનો પાર નહોતો. પ્રમોદરાય સિવાય કોઈ આશ્વાસન આપી શકે એમ નહોતું. આંખો ચોળતી પુત્રવધૂને તેઓ કહેતા : 'ક્યાં સુધી રડશો ? તમારી ચાકરી પામીને એ જીવ તો સુખી થઈ ગયો.' વહુઓ આંખે લૂગડું ઢાંકી વધારે રડતી. પુત્રીઓને તેઓ કહેતા : 'જુઓ, તમને સુખી જોઈ અમે જઈએ એમાં ખોટું શું?' પરંતુ પુત્રીઓને એ દલીલ સમજાતી નહિ. જમવાની ના પાડતા પુત્રને તેમણે પાસે બોલાવ્યો અને સમજાવ્યો : 'આમ ઢીલો બની જઈશ તો દુનિયામાં રહેવાશે કેમ? ઉમ્મર થઈ હતી. એ જાય એનું આવું દુ:ખ ન રખાય. ચાલ જમવા બેસ મારી સાથે.' ત્રીજે પહોરે અનેક મિત્રો અને સંબંધીઓ આશ્વાસન આપવા આવ્યાં. સહુએ પ્રભાલક્ષ્મીનાં વખાણ કર્યા. અને તેમની ખોટ બદલ શોક પ્રદર્શિત કર્યો. વ્યવહારની દૃષ્ટિએ ખરેખર પ્રભાલક્ષ્મીના મૃત્યુથી કાંઈ ભારે ખોટ ગઈ એમ કહેવાય નહિ; છતાં એ સૂચન બીજું કોઈ કરતું ત્યારે પ્રમોદરાયનું હૃદય ઘવાતું. 'ખોટું તો ઘણું થયું, પણ હવે ઉમ્મર થઈ હતી.' કોઈકે મોટી ઉમ્મરમાં આશ્વાસન લેવા જણાવ્યું. પ્રમોદરાય પોતે પણ પોતાનાં પુત્રપુત્રીને એવી જ રીતે આશ્વાસન આપતા હતા; છતાં ઉમ્મરની આ વાત તેમને ગોઠી નહિ. 'શું એ એટલી બધી મોટી હતી કે તેનું મૃત્યુ સહજ ગણાય?' તેમના મનમાં વિચાર આવતો. કોઈ વૃદ્ધે ધીરજ આપી : 'જે થયું તે ખરું; પણ બધાંમાં તમને મૂકીને ગયાં એ સારી વાત.' પ્રમોદરાયે પુત્રીઓને એમ જ કહ્યું હતું છતાં તે વૃદ્ધ સંબંધીનું કથન તેમને જરા પણ રુચ્યું નહિ. ‘મને મૂકી એ ગઈ એમાં સારું શું થયું ? આ બધાં યે મારાં છે એ ખરું, પણ....પણ...' પ્રમોદરાયને આખા જગતમાં એકાંત ફેલાઈ ગયું દેખાયું. ઘરમાં ફરતાં પોતાનાં જ પુત્રપુત્રી ચિત્રપટ સરખાં અસ્પૃશ્ય લાગ્યાં. પોતાના જીવનમાંથી કશું સત્ત્વ ઊડી ગયું હોય એમ સર્વત્ર ખાલીપણાનો તેમને અનુભવ થયો. પ્રમોદરાય એકલા પડ્યા. ખુરશી ઉપર બેસી તેમણે રોજની રીત પ્રમાણે એક બાજુએ નજર ફેંકી, પ્રભાલક્ષ્મી ત્યાં નહોતાં – એટલું જ નહિ પણ તેમનો પલંગ ત્યાં નહોતો. તેમને ભૂતકાળ યાદ આવ્યો. ભૂતકાળનાં મસ્તીતોફાનનાં દ્રશ્ય કંઈક વર્ષોથી રસ ઉપજાવતાં બંધ પડ્યાં હતાં. ગરીબીમાં ઘર ચલાવતી, પતિનાં કપડાં સંભાળતી, મહેમાનો માટે પથારીઓ પાથરતી, કવચિત્ વાસણો માંજી નાખતી યુવાન પત્ની તેમણે નિહાળી. 'કોઈ દિવસ એણે કંટાળો બતાવ્યો નથી.’ પ્રમોદરાયનું મન બોલી ઊઠ્યુ. પલંગ રહેતો હતો તે બાજુએ તેમણે નજર કરી અને નિ:શ્વાસ નાખ્યો. સહજ આંખ મીચી, ત્યાં તેમને ફરી યુવાન પ્રભાલક્ષ્મી દેખાયાં. યુવાન પ્રમોદરાય એક તકિયે આંખ મીંચી પડ્યા હતા. પ્રભાલક્ષ્મીનું યૌવન આકર્ષક હતું, પરંતુ પ્રમોદરાયની દ્રષ્ટિ યૌવનને ખોળતી નહોતી. પ્રભાલક્ષ્મીએ પૂછ્યું : 'શું છે? કેમ આમ ઉદાસ લાગો છો ?' 'કાંઈ નહિ.' 'ના, ના. કશું મનમાં છે.' 'અમસ્તું જ; જરા સૂઈ રહીશ.' 'જેને મારા સમ, મને ન કહે તે !' 'તું તો બહુ જિદ્દી. આજ ને આજ થોડા પૈસાની સગવડ કરવાની છે. બે જગાએ ગયો પણ કાંઈ બન્યું નહિ. ' 'કેટલા જોઈએ?' 'બે હજાર.' ‘હજાર મારા પલ્લાના છે, અને હજાર ઘરેણામાંથી મળશે.' પ્રભાલક્ષ્મીએ કહ્યું. પ્રમાદરાયે ન છૂટકે એ સૂચના સ્વીકારવી પડી. પરંતુ તેમાંથી તેમની શાખ પાછી બંધાઈ, અને ધીમે ધીમે તેઓ ધનવાન બની ગયા. તે દિવસે પ્રભાલક્ષ્મીએ પોતાના પલ્લાનો – ઘરેણાંનો મોહ રાખ્યો હોત તો ? 'વીણા !' એકાએક પ્રમોદરાય બૂમ પાડી ઊઠ્યા. 'જી.' કહી વીણા તરત અંદર આવી. પ્રમોદરાયે ભૂલથી જ બૂમ પાડી. પ્રભાલક્ષ્મીને દવા પાવાનો વખત યાદ કરવા માટે તેમણે વીણાને બોલાવી હતી, પરંતુ પ્રભાલક્ષ્મી તો ગઈ કાલનાં માનવ દવાથી પર બની ગયાં હતાં ! પ્રમોદરાયને તે યાદ આવ્યું, અને તેમણે ભૂલ છુપાવતાં કહ્યું : 'બધાં શું કરો છો? કેમ કોઈ દેખાતું નથી ?' 'બધાં અહીં જ છે. હું બોલાવું?' 'ના. કાંઈ કામ નથી. હું જરા બાગમાં ફરું છું.' 'જી, કોઈને સાથે મોકલું ?' 'અં હં.' એમ પુત્રવધૂને કહી તેઓ બગીચામાં ફરવા નીકળ્યા. ફૂલની ક્યારીઓ ખીલવાને તત્પર હતી, છતાં પ્રમોદરાયની નજર સૌંદર્યભરી કળીઓ ઉપર પડી નહિ. તેમને તો જીર્ણ અમરાઈ અને વડવાઈઓને હિંચોળતી વૃક્ષઘટા જ ગમી. જાણે વૃક્ષરાજિમાં ફેલાયેલું આશ્રયદાતા, સહનશીલ માતૃત્વ ! પ્રભાલક્ષ્મીનાં એ પ્રતીક તો નહોતાં ? વૃદ્ધાવસ્થામાં ક્યું એ ભવ્ય સૌંદર્ય દેખાતું હશે ? વૃક્ષ નીચેની એક બેઠક પર તેઓ બેઠા. 'મારી કાળજી સહુ કોઈ રાખે એમ છે, પરંતુ યૌવનઘેલછાથી પર બનેલી, સવારથી રાત સુધી મારી આસપાસ ફરતી એની નજર તો હવે ગઈ જ ને?' વૃક્ષમાં પવન ભરાયો. ડાળીઓ ચમ્મર કરવા લગી. 'જમતી વખતે આ ઉંમરે પણ એ તો પંખો નાખતી હતી.' પ્રમોદરાયને વિચાર આવ્યો. તે ઊઠીને ઘર તરફ આવ્યા. સંધ્યાકાળનો સમય થયો હતો. સૂર્ય જતાં સૃષ્ટિની આંખો લાલ બની ગઈ. 'મારો યે સૂર્ય અસ્ત પામ્યો.' એક યુવાન પ્રેમીના સરખું મરણ પ્રમોદરાયના મનમાં સતત ચાલ્યા કરતું હતું. એમાં માત્ર ન હતી ઘેલછા, ન હતો દેખાવ, ન હતું અધીરાપણું, ઘા વાગ્યો હતો, પરંતુ તેનો તરફડાટ બતાવી શકાતો નહિ. પ્રિય પત્ની નજર આગળથી ચાલી ગઈ હતી, પરંતુ તેનું રુદન શક્ય નહોતું. જગત ખાલી બની ગયું હતું : તો પણ પોકાર કરી જગતને ભરી દેવા માટેનું ક્ષમાયોગ્ય યૌવન તેમની પાસે નહોતું. અંદર જઈ તેઓ પાછા ખુરશી ઉપર બેઠા. રોજ કરતાં દીવો વહેલો થયો, છતાં તેમને લાગ્યું કે દીવો કરવાનું સંભારનાર પત્નીનું સ્થાન ખાલી હતું. પિતાને એકલા બેઠેલા જોઈ પુત્રી અને પુત્રીઓ પાસે આવી બેઠાં. 'માલિની અને વીણા ક્યાં છે ?' થોડી વારે પ્રમોદરાયે પુત્રવધુઓની ભાળ માગી. 'આવતાં હશે : છોકરાંને જમાડે છે.' એકાએક કોઈ બાળકને રડતું સાંભળી પ્રમોદરાય બોલ્યા : 'કોણ રડે છે ?' 'એ તો ઉષા.' મોટા પુત્રની નાનકડી દીકરીનું નામ ઉષા હતું. 'કોણ રડાવે છે એને ?' પ્રમોદરાયે પૂછ્યું. ‘એને તે કોણ રડાવે? છે જ જિદ્દી.' બાળકીની એક ફોઈએ કહ્યું. 'જરા સમજાવો ! જે માગે તે આપો ! બાળક જીદ ન કરે તો કોણ કરે ?' દાદાએ પૌત્રીનો પક્ષ લીધો. ભાઈઓ અને બહેનોએ પરસ્પરની સામે જોયું, અને એક બહેને કહ્યું : 'એમ જ કરે છે.' પાંચ મિનિટ થઈ, સાત મિનિટ થઈ, દસ મિનિટ થઈ, છતાં રસોડા તરફથી આવતું બાળકનું રુદન બંધ થયું નહિ. 'હજી કેમ રડ્યા કરે છે ?' 'એ તો હમણાં છાની રહી જશે.' 'લાવો એને મારી પાસે.' ‘તમે મોટાભાઈ જરા આરામ લ્યો. હમણાં સૂઈ જશે.' 'રડતી સુવાડાય નહિ. જા, લઈ આવ મારી પાસે.' અણગમતે તેમની પુત્રી ઊઠી અને રસોડા ભણી ગઈ. તેનાથી બને તેટલી સમજુતી કર્યા છતાં ઉષાનું રુદન બંધ પડ્યું નહિ. એટલે પ્રમોદરાયે છોકરીને લઈ આવવા બીજી પુત્રીને મોકલી. ન છૂટકે ઉષાને દાદા પાસે લાવવી પડી. ચારપાંચ વર્ષની બાળકી ડૂસકે ભરાઈ ગઈ હતી. પ્રમોદરાયે તેને ખોળામાં લઈને પૂછ્યું : 'શું થયું બેટા? કોણ વઢ્યું?' 'કોઈ નહિ.' બાળકીએ રુદન વચ્ચે મીઠ્ઠો જવાબ આપ્યો. 'ત્યારે આમ રડે છે શા માટે?' ‘મારે મા પાસે બેસી જમવું છે.' ઉષાએ રડતે રડતે કહ્યું. પ્રભાલક્ષ્મીને બધાં છોકરાં 'મા' કહેતાં હતાં. ઉષાને તો રાત પડ્યે 'મા' પાસે બેસીને જ જમવાની ટેવ હતી. એટલું જ નહિ, તેમનો હાથ અડકે ત્યારે જ ઊંધ આવે એવી આદત તેને પડી હતી. પ્રમોદરાય ગૂંચવાયા. બાળકીને શો જવાબ આપવો તે તેમને તત્કાળ સમજાયું નહિ; છતાં ઉષાની આંખ લૂછતે લૂછતે તેમણે કહ્યું: 'જો. તારી "મા” તો ભગવાનને ઘેર ગઈ છે.' 'તે મને મૂકીને કેમ ગયાં?' ઉષાએ રુદન વધારતાં પોતાની ફરિયાદ રજૂ કરી. પ્રમોદરાયનું હૃદય જરા ધડક્યું બાળકીના દેહ ઉપર હાથ ફેરવતાં તેમણે કહ્યું : 'ચાલ દીકરા, હું જમાડું ?' 'ના, હું તો “મા” પાસે જ જમીશ.' ઉષાનું રુદન અટક્યું નહોતું. '“મા”થી પાછાં ન અવાય, દીકરી !' દાદાએ હકીકત જણાવી. 'ત્યારે મને મુકીને કેમ ગયાં?...' કુમળું લાંબુ રુદન કરતી ઉષા બોલી. —અને પ્રમોદરાયે અત્યાર સુધી દબાવી રાખેલાં આંસુ દૃઢતાની પાળો તોડી વહી રહ્યાં. ઉષાને છાતીસરસી દબાવી રૂદનમય અવાજે તેમણે કહ્યું : 'બધાંને એના વગર ચાલ્યું, તને ન ચાલ્યું, દીકરી !' —અને આખો ઓરડો આંસુથી ભરાઈ ગયો. |
[પાછળ] [ટોચ] |