[પાછળ] |
નારી તો જાગૃત જ છે લેખિકાઃ આશા વીરેન્દ્ર છે શું આ બધું ? કોઈ સંસ્થા જુઓ કે વ્યક્તિ, એન.જી.ઓ. હોય કે શાળા-કોલેજ જ્યાં જુઓ ત્યાં સ્ત્રીસશક્તિકરણની ચર્ચાઓ, વક્તૃત્વસ્પર્ધા કે સેમિનાર. થાય, ત્રિદિવસીય વર્કશોપ થાય અને સ્ત્રીને કે વધુ ને વધુ સશક્ત બનાવી શકાય એની વિચારણા થાય. દેશમાં શું કે વિદેશમાં. બધે નારીજાગૃતિના પોકારો ઊઠી રહ્યા છે. પણ જરા ધીરા પડો બાપલિયા ને શાંતિથી વિચારો કે આપણા પૂર્વસૂરિઓ, ઋષિમુનિઓ કે કવિ-મનીષીઓથી ય તમે વધુ ડાહ્યા છો ? નહીં ને ? બસ, તો પછી આજ સુધી આપણા પૂર્વજો જે વચનો કહી ગયા તેને મિથ્યા પુરવાર કરનારા આપણે વળી કોણ (કીસ ખેતકી મૂલી) ને શા માટે આ સબળાને અબળા ગણવાના ને જે ઓલરેડી જાગેલું જ છે તેને નવેસરથી જગાડવાના ધમપછાડા ? અરે મારા ભાઈ (એક સિવાયના) સાચું કહેજો, તમે તમારી જિંદગીમાં કોઈ દિ' એવું કૌતુક જોયું છે કે, ઘરનાં સૌ કોઈ જાગી ગયા હોય અને ઘરની ગૃહિણી નિરાંતે ઘોરતી હોય ? પતિમહાશય ભલે દસ વાગ્યા સુધી ઊંઘે પણ પત્ની સૂર્યવંશી હોય એવી અનહોનીની તો કોઈ કલ્પના પણ ન કરી શકે. આવું થાય તો તો પૃથ્વી રસાતાળ જાય. પ્રલય થઈ જાય, પ્રલય ! પણ એવું કશું નથી થયું એ જ સાબિત કરી આપે છે કે, નારી તો જાગૃત જ છે. આપણાં દીર્ઘદૃષ્ટા સંત-કવિઓએ કે ધર્મપ્રચારકોએ એક પણ ગીત, કાવ્ય કે દુહા-મુક્તકમાં નારીને જાગવાનું ફરમાન કર્યું છે? નહીં જ વળી. કેમ કે તેઓ જાણતા જ હતા કે, નારી તો સદા સર્વદા જાગૃત જ હોય છે. સ્ત્રીની સ્ફૂર્તિ અને જાગરૂકતા પર તેમને સંપૂર્ણ ભરોસો હતો તેથી જ, જે કંઈ શિખામણ આપવી હતી એ એમણે પુરુષવર્ગને જ આપી. ભાઈઓ, મારું આવું લખાણ વાંચીને મારી પર રોષે ભરાવાની કંઈ જરૂર નથી કેમ કે, આ બધી મેં ઉપજાવી કાઢેલી વાત નથી આ તો બધું શાસ્ત્રોમાં કહેવાયેલું છે. આ વાતની પુષ્ટિ માટે આપણે થોડાં ઉદાહરણ તપાસીએ. સાવ નાના હતાં ત્યારે આપણે પગના અંગુઠા પકડીને ગોખતાં, યાદ છે? રાતે વહેલા જે સૂએ, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુખિયું રહે શરીર ઉપરોક્ત પંક્તિઓને ઝીણવટથી તપાસતાં સમજાશે કે એમાં ‘વીર’ને જ વહેલા ઊઠવા કહ્યું છે, વીરાંગનાને નહીં કારણ કે, જે મેળવવા વહેલા ઊઠવાનું છે એ બળ, બુદ્ધિ ને ધનની વીરને જ જરૂર પડવાની છે બાકી વીરાંગનાને તો આ ત્રણમાંથી એક્કેની કે શરીરને સુખિયું રાખવાની શી જરૂર ? પહેલાં વાત કરીએ બળની તો, સ્ત્રી બળ કરતાં કળનો ઉપયોગ વધુ કરતી હોય છે. ત્યાર બાદ આવે બુદ્ધિ - એને માટે તો એને થાય છે કે, દુનિયા ભલે ને માનતી કે, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ, મને શો ફરક પડે છે? મારે તો એનો ઉપયોગ કરવો હશે ત્યારે કરી જ લઈશ, પછી એ બુદ્ધિ મગજમાંથી કાઢી કે પગમાંથી કાઢી- કોઈને શું લેવાદેવા? હવે બાકી રહ્યું ધન-એની પર તો આપણા સમાજમાં સ્ત્રીનો કોઈ હક્ક-દાવો માન્ય રખાતો નથી તો પછી એ વધારે હોય કે ઓછું, એને મન બધું સરખું જ છે. અને સ્ત્રી વહેલી ઊઠીને દળણાં દળે, વાસીદાં વાળે, નદીને ઘાટે જઈને ગાંસડી એક કપડાં ધોઈ આવે ને ગાડાનાં પૈડાં જેવા રોટલા ટીપે એટલે એનું શરીર તો સુખિયું રહેતું જ. (આ બધી વેક્યૂમ ક્લીનર, ઈલેક્ટ્રિક ઘંટી અને વોશિંગ મશીન આવ્યા પહેલાની વાત છે.) આ તો માત્ર એક ઉદાહરણ જ સવિસ્તાર સમજાવ્યું બાકી પ્રાચીન ગ્રંથોમાં થોડા વધારે ખાંખાંખોળા કરીએ તો આવું કેટલુંય મળી આવે! ના, ના, એમ માથું ન ખંજવાળો. તમને યાદ ન આવતું હોય તો અમે નિઃસ્વાર્થ ભાવે નિઃશુલ્ક સેવા આપવા તૈયાર છીએ, તો આપું ઉદાહરણ નં. બે? બાલકૃષ્ણને ઉદ્દેશીને નરસિંહ મહેતાએ કહ્યું છે - જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જશે ? વિચારો, ગંભીરતાપૂર્વક વિચારો કે, જાગવાનું માત્ર કૃષ્ણને જ કેમ કહેવાયું ? ક્યાંય પણ રાધા કે કૃષ્ણની થનારી પત્નીઓમાંથી સત્યભામા, રુકમિણી કે બીજી ૧૦૦૮ (કે જે કોઈ સાચો આંકડો હોય)માંથી એક્કેને એક વાર જાગવાનું કહ્યું છે? બસ ત્યારે, ક્યારના અમે એ જ પુરવાર કરવાની મથામણ (અથવા માથાકૂટ) કરી રહ્યા છીએ કે અબજો વર્ષ પૂર્વે પણ સ્ત્રીઓ જાગૃત રહી છે ને રહેશે. અમારી વાતનાં સમર્થન માટે ફરી એક વાર નરસિંહ મહેતાને તકલીફ આપવી પડશે. (સોરી ટુ ડીસ્ટર્ડ યૂ). આપણા આ આદ્યકવિએ એમનાં એક પ્રભાતિયામાં કહ્યું છે, રાત રહે જાહરે, પાછલી ખટ ઘડી, સાધુપૂરૂષને સૂઈ ન રહેવું. અહીં તો સાધુપુરુષને બદલે સાધ્વી સ્ત્રી પણ કહી શક્યા હોત ને? પણ શા માટે એવું ન કહ્યું તો કે, નિદ્રાને પરહરવાની અને પ્રભુસ્મરણ કરવાની તાતી જરૂરિયાત સાધુપુરુષને જ છે અથવા તો આ રચનાકારનાં મનમાં એમ પણ હોય કે, પાછલી ખટ ઘડીમાં ઊઠીને સ્ત્રી નકામી ખટ ખટ કરવાનું શરૂ કરે અને સાધુની સાધનામાં વિક્ષેપ પાડે એના કરતાં એ સૂઈ રહે તો સારું. કવિના મનમાં બેમાંથી જે વાત હોય તે, પણ એટલું તો સાચું કે વહેલી સવારે નીંદરનો ત્યાગ કરવાનું ફરમાન એમણે માત્ર ને માત્ર પુરુષને જ કર્યું છે, નહીં કે સ્ત્રીને. કદાચ અમારી આટઆટલી મહેનત પછી પણ વાંચક (આગળ સુજ્ઞ લગાડવું-વાંચનારને સારું લાગે) એવી દલીલ કરે કે, આ બધા દૃષ્ટાંતો તો પુરાણકાળનાં અથવા સતયુગનાં છે. આજની નારીને તો આઠ, સાડા આઠ કે નવ વાગે એટલે ગરીબડા પતિએ જાગૃત કરવી પડે કે, ‘ડાર્લિંગ, બેડ ટી ઈઝ રેડી’ આવા સંજોગોમાં નારીજાગૃતિની વાત યોગ્ય છે. પણ ના, આજના વખતમાં પણ આ વાત માની શકાય એમ નથી. જેને બહુ જૂની ન કહી શકાય એવી ફિલ્મ ‘જાગતે રહો'નાં અત્યંત લોકપ્રિય ગીતમાં કોને જાગવાનું કહ્યું છે, જરા યાદ કરો તો ! જાગો મોહન પ્યારે જાગો કલયુગ ચૂમે નૈન તુમ્હારે, જાગો, જાગો... મોહન પ્યારે જાગો... અહીં કોઈ મોહિની પ્યારીને ગીતકાર જાગવાનું કહી શક્યા હોત. વળી આ તો કળિયુગની જ ફિલ્મ હતીને છતાંય ગીતકારે નારીને જગાડવા (છંછેડવા) કરતાં નરને એટલે કે, મોહન પ્યારેને જાગવાનું કહેવું પસંદ કર્યું. બસ, આટ-આટલું સંશોધન કરીને હવે અમે તો થાક્યાં. જો અમારી વાત થોડે-ઘણે અંશે પણ ગળે ઊતરી હોય તો હવે મહેરબાની કરીને નારીજાગૃતિની વાત ન કરશો. ભાઈસા'બ. ચાલો ત્યારે, હવે અમારે થોડી ઊંઘ ખેંચવી પડશે, તો રજા લઈએ. પણ ફિકર ન કરશો, અમે સ્વયં જાગૃત થઈ જઈશું. તમારે જાગૃત કરવાની જરૂર નહીં પડે. (જનકલ્યાણ) |
[પાછળ] [ટોચ] |