[પાછળ] 
સંસારના શીશમહેલમાં વસતા
શ્વાન જેવી છે દશા તમારી

લેખકઃ કુમારપાળ દેસાઈ

મધ્યકાલીન યુગમાં પ્રજાજીવનના આખા ય શરીરમાં ઘર કરી બેઠેલા એકેએક રોગને અને એ સમયની માનવીની સઘળી આધિ, વ્યાધિ, ઉપાધિને જાણનારો કોઈ ‘નિષ્ણાત ડોક્ટર' હોય તો તે સંત કબીર છે. આ કબીરને કઈ રીતે ઓળખી શકાય? સામાન્ય રીતે નરસિંહ મહેતાને ‘ભક્તકવિ' કહીએ કે મીરાંને ‘કૃષ્ણઘેલી મીરાં' કહીએ પણ કબીરને વિશેષણોની બાથમાં લેવો મુશ્કેલ છે. એક બાજુથી એ ધર્મમાં પેસી ગયેલા કુરિવાજો પર ધગધગતું શાબ્દિક આક્રમણ કરે છે, તો વળી ક્યાંક એ સમાજસુધારક અને કર્મયોગી લાગે છે. એ ચિંતક પણ છે અને દાર્શનિક પણ છે. હિંદુ અને મુસલમાનને સાચા રસ્તે લઈ જનારો માર્ગદર્શક છે, તો સમાજમાં વર્ષોથી જડ ઘાલી બેઠેલી અસ્પૃશ્યતાની ભાવના પર આઘાત કરનારો છે. ધર્મગ્રંથોને નામે કે એનો આધાર લઈને ચાલતી રુઢિઓની એ ભારે મજાક ઉડાવે છે. અને ધર્મગુરુઓની અધાર્મિક બાબતોનો ઉપહાસ કરે છે. ક્યાંક એ કવિ લાગે છે, તો ક્યાંક એ સંત લાગે છે. પણ કબીર કોઈપણ ભૂમિકાએ હોય, પણ સદા સત્યની ધાર પર ઊભેલો એક સંત લાગે છે.

સંત કબીર પાસેથી એ જાણવું રસપ્રદ બને કે માનવી એના જીવનમાં કઈ રીતે ભૂલ કરતો હોય છે. વાસ્તવિક જગતમાં વસતા આ કવિ કાશીની વચ્ચોવચ્ચ વસે છે અને સંસારમાં ભૂલા પડેલા અને ભટકી રહેલા માનવીની બીમારીના એ જાણતલ છે. કબીરની માત્ર એક જ પંક્તિનું વિવરણ કરવા જઈએ તો એને વિશે લેખોના લેખો લખવા પડે એવો આ કવિ એના ‘બીજક'ના છોંતેરમાં ‘શબ્દ'ના પ્રારંભે કહે છે -

આપન પૌ આપુહી બિસરયો!

જીવ અજ્ઞાનવશ થઈને સ્વયં પોતાના જ સ્વત્વને ભૂલી ગયો છે. માણસ પોતે જ પોતાની જાતને વિસરી ગયો છે. માણસને ભૂલાવનાર બીજો કોઈ માનવી નથી કે પછી માણસને ભૂલાવનાર બીજી કોઈ દૈવી શક્તિ નથી. એને એના રૂપથી દૂર લઈ જનાર કોઈ શેતાન કે આસુરી તત્ત્વ નથી. અથવા તો એને એના સ્વરૂપથી અળગો રાખનાર કોઈ ભગવાન નથી, તો પછી એ કેમ આટલો બધો ભ્રમિત અને દુઃખી છે ? એ કેમ વ્યથિત છે? એ કેમ ભૂલો પડેલો છે ?

સંત કબીર કહે છે કે આનું કારણ તો એ કે એ માનવી પોતે જ પોતાને ભૂલી ગયો છે. એણે પોતાના સ્વરૂપને પામવા માટે બહાર કાંઈ ફાંફાં મારવાની જરૂર નથી. બીજા કોઈનો આધાર લેવાની આવશ્યક્તા નથી. એણે તો અજ્ઞાનને મિટાવી દઈને સ્વજ્ઞાન પર આવવાની જરૂર છે એટલે કે એણે જાતે પોતાના સ્વરૂપ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

બીજા અર્થમાં કહીએ તો જગતને જાણનારો માનવી પોતાની જાત વિશે માત્ર અજાણ જ છે એટલું નહીં, બલ્કે સંપૂર્ણપણે અજ્ઞાન અને ગુમરાહ છે અને એ અજ્ઞાન જ એના જીવનમાં ભૂલોની અપાર પરંપરા સર્જે છે. એ પોતાના ચેતનસ્વરૂપને ભૂલી ગયો છે અને તેને કારણે એ ખોટી જગાઓએ જ્ઞાન પામવા ભટકી રહ્યો છે. એ બધાને જાણવાનો પ્રયાસ કરે છે, પરંતુ બહારની આખી દુનિયાને જાણનાર આ માનવી પોતાના ભીતરને, પોતાના આત્માને કે પોતાની જાતને જાણતો નથી. આને પરિણામે જ એ જીવનમાં ભૂલો પડતો હોય છે, દુ:ખી થતો હોય છે અને જિંદગી વેડફી નાખતો હોય છે.

‘જૈસે શ્વાન કાંચ મંદિર મેં, ભરમિત ભૂસિ મરયો!'

એટલે કે જેમ કૂતરો કાચના મંદિરમાં ભ્રમને કારણે પોતાના જ પ્રતિબિંબને જોઈને સામે બીજો કૂતરો છે એમ માને છે અને તેની સામે એ એટલું બધું ભસે છે કે એ ભસતાં ભસતાં મરી જાય છે. કોઈને આ ઉદાહરણ સાવ સામાન્ય લાગે, પરંતુ આ ઉદાહરણની પાછળ ઘણા અર્થો સમાયેલા છે. પહેલી વાત તો એ છે કે આ સંસાર એ શીશમહેલ જેવો છે અને શીશમહેલમાં ચોતરફ અરિસાઓ હોવાથી આપણે જ આપણું પ્રતિબિંબ આ સંસારમાં જોઈએ છીએ.

એ વાત સાચી છે કે આપણે આપણા વિચારો, ધારણાઓ અને માન્યતા પ્રમાણે ચાલતા મનથી આ જગતને જોતા હોઈએ છીએ અને એટલે બને છે એવું કે આપણા મનમાં જે અશુદ્ધિ હોય છે, એ જ અશુદ્ધિ આપણે બીજાના જીવનમાં જોતા હોઈએ છીએ, આપણા મનમાં કોઈને માટે વેરભાવ હોય, તો એને જોતા જ આપણા ચિત્તમાં વેરનો વમળો ઉઠે છે. એવી જ રીતે કામ, ક્રોધ, લોભ એ સઘળાં આપણા મનનાં ભાવોનું પ્રતિબિંબ સામી વ્યક્તિમાં જોવાનો પ્રયાસ કરીએ છીએ.

આ જગત એ આપણા મનનું જ પ્રતિબિંબ છે અથવા તો માનવી મનની આંખે જગતને જુએ છે. આપણા મનમાં રહેલી અન્ય વ્યક્તિ વિશેની ધારણા કે માન્યતાને આપણે સામી વ્યક્તિના હૃદયમાં પણ રંગી દઈએ છીએ. આમ શીશમહેલ શબ્દ પ્રયોજીને કબીરે આખા સંસારની વાત કરી દીધી છે.

આ જ વિચારમાં આપણે એક ડગલું આગળ જઈએ તો ખ્યાલ આવે કે આ સંસારના શીશમહેલમાં રહેનારા આપણે સાંસારિક કે ભૌતિક દૃષ્ટિથી અન્યને જોઈએ છીએ, પણ આપણું દુર્ભાગ્ય એ છે કે આપણે એને આત્મદૃષ્ટિથી જોઈ શકતા નથી. જ્યારે વ્યક્તિ પોતે જ પોતાની ભીતરમાં રહેલા આત્માથી અજ્ઞાત હોય, ત્યારે એ કઈ રીતે બીજાની ભીતરમાં ડોકિયું કરીને એના આત્માને જોઈ શકે?

આપણે બીજાના દેહને જોઈએ છીએ, એના રૂપને નિહાળીએ છીએ, પણ એના આત્માને જોતા નથી. જો આપણે એના આત્માને જાણીએ, તો જ ખ્યાલ આવે કે એના ભીતરમાં શું શું પડ્યું છે, પણ આપણો સંસારપ્રેમ, ભૌતિકતાની ચાહના, કષાયો અને વાસનાઓનો અવિરત ચાલતો ખેલ એ બધાને કારણે આપણે સામે વ્યક્તિના ચેતનસ્વરૂપને જોતા નથી અને એનું પરિણામ શું આવે છે? એ વિશે જોઈએ.

સંત કબીર કહે છે કે કાચના મંદિરમાં ઘૂસી ગયેલા કૂતરાએ એના અરિસામાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એને લાગ્યું કે સામે બીજો કૂતરો છે, અને કૂતરાની એ આદત છે કે બીજા કૂતરાને જોઈને એ ભસવા લાગે, એમ આ કાચના મંદિરમાં પ્રવેશેલો કૂતરો પોતાના પ્રતિબિંબ સામે ભસવા લાગે છે. પેલો સામે દેખાતો કૂતરો શાંત રહેતો નથી અને ૨હે પણ ક્યાંથી ? આથી આ કૂતરો વધુ ગુસ્સે ભરાઈને વધુ ભસે છે, છતાંય એ શાંત ન રહેતાં ભસવાનું વધુ જોરજોરથી ચાલુ રાખે છે. વિચારે છે કે મારે મારી સામે ભસતાં કૂતરાને કોઈ પણ ભોગે શાંત કરવો છે. પોતાના પ્રતિબિંબ સામે ભસતો કૂતરો સતત એટલું ભસે છે કે ભસતાં ભસતાં મરી જાય છે!

સંત કબીરનું ઉદાહરણ આમ તો સામાન્ય લાગે, પરંતુ આ ઉદાહરણના મર્મને પારખીએ તો જણાશે કે આ જગતમાં માનવી પોતાની ધારણાઓ, માન્યતાઓ, કલ્પનાઓ અને ખ્યાલો લઈને અને અન્યને એવો જ માનીને સતત ભસતો હોય છે, ભ્રમણ કરતો હોય છે, વ્યગ્ર રહેતો હોય છે. કૂતરાની પેઠે એ સામી વ્યક્તિને પોતાનો વિરોધી માનીને બસ ભસ્યા જ કરે છે અને પછી એ એટલું ભસે છે અથવા તો લડે-ઝઘડે છે કે ભસતાં ભસતાં મૃત્યુ પામે છે. માનવી કેટલાય રાગ-દ્વેષો સાથે અવસાન પામતો હોય છે. એના દેહની અંતિમ ક્રિયા થાય છે, પરંતુ એના કષાયો કે વાસનાની અંતિમ ક્રિયા થતી નથી. એને આ જગતની સમજ નથી અને એ અજ્ઞાનને કારણે જ સતત ભસતો રહે છે. જો એને સાચું ‘જ્ઞાન’ હોત કે આ તો કાચમાં દેખાતું તે મારું જ પ્રતિબિંબ છે તો એ આવી ભૂલ કરત નહી. એ કૂતરો છેક મોતને ભેટ્યો, એનું કારણ એનું અજ્ઞાન છે.

બરાબર શ્વાનના જેવી જ માનવીના મનની ગતિ છે. એ પોતાના આત્મા તરફ દૃષ્ટિ કરવાને બદલે બીજાઓને એમના ગુણદોષ સાથે જોતો હોય છે. એમની સાથે વેરવિરોધ કરતો હોય છે. જો કૂતરાને બીજા કૂતરા પ્રત્યે એવો ભાવ હોય કે આ મારો જાતિબંધુ છે અને મારે એની સામે લડાય નહીં પણ ભાઈચારો રાખવો જોઈએ તો આવું કશું ન થાય!

એ જ રીતે માણસ પણ માણસ પ્રત્યે મનમાં મૈત્રીભાવનું ઝરણું સતત વહેતું રાખે, તો આવું ન થાય! જો એ માનવીના મનમાં બીજા માનવી પ્રત્યે સ્નેહ, સદ્‌ભાવ કે ભલી લાગણી હોય, તો એને સામા માણસમાં પણ એજ ઉમદા ભાવોનું દર્શન થશે. આનો અર્થ એટલો કે માણસનો કોઈ સૌથી મોટો દુશ્મન હોય તો તે એનું અજ્ઞાન છે. એ અજ્ઞાનને કારણે અન્ય માનવીઓમાં જુદી જુદી ધારણાઓ કરે છે. એ અજ્ઞાનને કારણે જ એનું જીવન મોતથી ય બદતર બને છે અને બસ, અંતે ભસી ભસીને મરી જાય છે.
 [પાછળ]     [ટોચ]