[પાછળ] 
કંકોત્રી
લેખકઃ ઈશ્વર પેટલીકર

આજની ટપાલમાં કંકોત્રી આવી હતી, લગનગાળામાં વ્યવહારિયા લોકોને કંકોત્રીની નવાઈ ન હોય, પરંતુ સ્વામી શિવાનંદ ઉપર ભાગ્યે જ કંકોત્રીઓ આવતી. તેમાં વળી પીપળાના પાનના આકારની કંકોત્રી એટલી લાવણ્યમયી હતી કે ટપાલના દસ-બાર કાગળ વચ્ચે એ હતી છતાં સ્વામીજીની નજર સૌ પ્રથમ એના ઉપર પડી. દરરોજ ક્રમબદ્ધ કાગળનાં સરનામાં જોઈ નાખવા ટેવાયેલા સ્વામીજીનો સંયમ પણ ચળ્યો અને એમણે રોજનો નિયમ ભંગ કરીને વચ્ચેથી પ્રથમ એ ચિત્તાકર્ષક કંકોત્રી ખેંચીને બહાર કાઢી. એમણે માનેલું કે કોઈ વિદ્યાર્થી ઉપર એ આવેલી હશે. પરંતુ સરનામું એમનું જોતાં તો એ ઘડીભર એના ઉપર મીટ માંડી રહ્યા, જેમ કોઈ સુંદર સ્ત્રી જોતાં આંખ આપોઆપ એના તરફ મંડાઈ જાય, અને વિવેક મનાઈ કરતો હોય છતાં નફ્ફટ આંખ ઝટ પાછી ન મળે તેમ.

ધ્રુવકુમારની કંકોત્રી હતી, પરંતુ ધ્રુવકુમાર કોણ એનો જ સ્વામીજીને ખ્યાલ ન આવ્યો. સામાન્ય રીતે કોઈ આપ્તજનની કંકોત્રી આવી હોય છતાં એ આશીર્વાદ મોકલતા નહિ. માનતા કે એવા સંસારી કામમાં પોતાને ચિત્ત પરોવવાની શી જરૂર? એટલે એવી કોઈ કંકોત્રી ભૂલી-ભટકી આવી પહોંચતી તો પણ એ ઉપેક્ષા કરતા. પરંતુ આ કંકોત્રીએ એમનું મન હર્યું હતું, એટલે એની અવજ્ઞા કરી શક્યા નહિ. ધ્રુવકુમારને સંભારી કાઢવા એમણે સ્મૃતિને ઘણે દૂર સુધી દોડાવી. પણ એનો પત્તો પડ્યો નહિ. એમના પરિચિતો એમની ઉપેક્ષાવૃત્તિ જાણતા હતા એટલે ઘણા કંકોત્રી લખતા નહિ. છતાં ધ્રુવકુમારે લખી હતી એટલે એ વગર ઓળખાણે કેવળ નામ સાંભળ્યું હોય પછી લખે એમ સ્વામીજીને લાગ્યું નહિ. કોઈ હશે તો ખાસ પરિચિત, પણ અત્યારે પોતાને યાદ આવતું નથી એટલું જ, એમ માની એમણે ફરી સ્મૃતિને ચાબૂક ફટકારી પણ એ રામ એના એ!

ઘડિયાળનાં કાંટે કામ કરતા સ્વામીજીની પંદર મિનિટ વહી, એનો એમને ખ્યાલ ન આવ્યો. પણ વિદ્યાર્થીઓને એ મોટો બનાવ તરત ધ્યાનમાં આવ્યો. ટપાલ જોવા ગયેલા વિદ્યાર્થીનું ધ્યાન પેલી ચિત્તાકર્ષક કંકોત્રી સ્વામીજીના ખોળામાં પડી હતી તે તરફ ગયા વગર કેમ રહે? દરેકને તે હાથમાં લઈને નીરખવાની ઉત્કંઠા થઈ હતી. પરંતુ સ્વામીજીની કડક શિસ્તને લીધે કોઈએ એવી ધૃષ્ટતા કરી ન હતી. પરંતુ દરેકનું મન એમાં રહી ગયું હતું એટલે સ્વામીજી મોડા પડ્યા. જોતાં એમને થયું: એવી કોની કંકોત્રી હશે? એ સવાલનો જવાબ સ્વામીજી પાસે માગવો મુશ્કેલ હતો, પરંતુ એ મનોવૃત્તિને પંપાળતાં દરેક છાની રીતે સ્વામીજી વિચારમાં પડ્યા હતા તે તરફ મીટ માંડી રહ્યા હતા.

સ્વામીજીએ એક વિદ્યાર્થીના નામની બૂમ પાડી. એ પણ તાકીને જોઈ રહ્યો હતો એટલે એને ફાળ પડી કે પોતાની ચેષ્ટા એ જોઈ ગયા કે શું? એ બીતો બીતો આવ્યો એટલે સ્વામીજીએ પૂછ્યું: 'તમારા ગામમાં ધ્રુવકુમાર કરીને કોણ છે?'

પોતાનો ગુનો પકડાયો નથી એમ ખબર પડતાં વિદ્યાર્થી સ્વસ્થ થઈને બોલ્યો: 'કેમ સ્વામીજી! ભૂલી ગયા? તમે જ કહેતા હતા કે આશ્રમનાં બીજ ધીરુભાઈના ઉછેરમાંથી નખાયા છે, એ ધીરુભાઈ એ જ ધ્રુવકુમાર.'

'હા, હા.' ઉમંગમાં આવી જતાં સ્વામીજી હસી પડ્યા: 'આ તો આખું કોળું જ શાકમાં ગયું! એણે નામ સુધારીને ધ્રુવકુમાર કર્યું છે એની મને ખબર તો હતી, પરંતુ મારે મોઢે ધીરુ ચડી ગયેલું એટલે યાદ ન આવ્યું.'

ધ્રુવકુમાર વિધુર થયો હતો અને પરણવા માટે બે મહિનાથી ઘેર આવ્યો હતો એ હકીકત વિદ્યાર્થી વચ્ચે ઘેર ગયો ત્યારે જાણી હતી. એટલે એ સોહામણી કુમકુમ પત્રિકા એની જ હશે. એમ એણે અનુમાન કરી લીધું. છતાં ખાતરી કરી લેવા એણે પૂછી જોયું:

'એમની કંકોત્રી છે?'

સ્વામીજીને સમયનો ખ્યાલ આવતાં, મોટો દોષ થઈ ગયો હોય તેમ તરત ઊભા થઈ ગયા. વધુ વેગથી કામે લાગી ગયા. છતાં ચિત્તમાં ધ્રુવકુમાર હતો. ચાર વર્ષનો હતો ત્યારથી તેમણે ઉછેર્યો હતો. એનો બાપ અને એ પોતે કોલેજમાં સાથે હતા એ કારણે બંનેની મૈત્રી થયેલી. બન્નેએ છેલ્લા વર્ષની પરીક્ષા આપ્યા વગર કોલેજ છોડેલી. ગાંધીજી દેશમાં આવ્યા અને સરકારી કેળવણીનો બહિષ્કાર કરવાની એમણે હાકલ કરી તે પહેલાં બંનેના મગજમાં ખળભળાટ મચ્યો હતો. ધ્રુવકુમારના પિતા પાછળથી ગુજરાત વિદ્યાપીઠ સ્થપાતાં એમાં જોડાયા હતા. સ્વામીજીને થયું કે, સંસારીઓથી જગતનો ઉદ્ધાર ક્યારેય થવાનો નથી. જગતમાં જે કંઈ કરી ગયા છે તે બ્રહ્મચારીઓ, તપસ્વીઓ, સંન્યાસીઓ. કોઈ પણ કાર્ય કરવા શક્તિની જરૂર છે અને બ્રહ્મચર્ય વિના શક્તિ સંભવી ન શકે, એટલે એમણે કોલેજ છોડીને બ્રહ્મચારી જીવન જીવવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. તેથી આગળ વધી એ હિમાલય ગયા. જુદા જુદા સાધુ-સંન્યાસીઓની સેવા કરી યોગની શક્તિ સાધ્ય કરી દેશોદ્વાર કરવા એ દિશામાં પણ જાત ખર્ચી. સંન્યાસની દીક્ષા લઈ, ગત જીવન પર પડદો નાખી સ્વામી શિવાનંદ તરીકે અવતાર ધારણ કર્યો.

પરંતુ દસબાર વર્ષની મથામણ પછી એમને ખાતરી થઈ કે આમ હિમાલયની ગુફાઓમાં ભરાઈને પોતાની જાત ઉપર કોશેટો રચવાથી કોઈ ચમત્કાર થાય અને દેશ પરતંત્રતાની બેડીઓમાંથી મુક્ત થાય એ આકાશ કુસુમવત્ હતું. જે જુસ્સાથી સ્વામીજી હિમાલય ગયા હતા તે જુસ્સાથી પાછા આવ્યા. તે વખતે મહાત્માજીની સત્યાગ્રહની ચળવળ ચાલી રહી હતી. જૂના ગોઠિયાઓએ એમને એમાં ઝંપલાવવાની સલાહ આપી, પરંતુ આમ અજ્ઞાન ટોળું જેલમાં જાય તેનો કોઈ અર્થ લાગતો ન હતો. જેમ બત્તી થાય અને પતંગિયાં બુદ્ધિથી વિચાર કર્યા વગર એમાં ઝંપલાવે તેવી સ્વામીજીને સત્યાગ્રહની જેલભરતી લાગતી હતી. એમને લાગતું હતું કે પ્રજામાં જ્ઞાનનો સાચો પ્રકાશ ન થાય ત્યાં સુધી મુક્તિનું ઝવેર પારખવું અશક્ય હતું. પ્રજાની કોઈ પણ સાચી સેવા હોય તો પ્રજાનું અજ્ઞાન દૂર કરવામાં આવી.

આ નિર્ણય ઉપર આવતા સ્વામીજી રાષ્ટ્રીય કેળવણીના ક્ષેત્રમાં પડ્યા. તે વખતે ધ્રુવકુમારના પિતા રાષ્ટ્રસેવાથી ધરાઈ ગયા હોય તેમ સ્વસેવા કરવાની તૈયારી કરતા હતા. જિંદગીનાં દસ-બાર વર્ષ તો વગર કમાયે, નાચ્યા કૂદ્યામાં કાઢી નાખ્યાં તેનો પસ્તાવો થયો હોય તેમ એકી સાથે કમાઈ નાખવા એ આફ્રિકા જવા તૈયાર થયા હતા. અત્યાર સુધી પરદેશી વસ્તુનો બહિષ્કાર કર્યો હતો અને હવે પરદેશમાં જઈ પરદેશી વસ્તુનો વેપાર કરી લક્ષ્મીને સ્વદેશી બનાવવાના મનોરથ સેવતા હતા! એમાં મુશ્કેલી હતી ધ્રુવકુમારની. ચાર વર્ષનો મૂકીને એની મા ગુજરીત ગઈ હતી. પૈસા કમાવાના મોહમાં ફરી લગ્ન કરવાની પિતાને ઈચ્છા પણ ન હતી, કે પછી અત્યાર સુધી કંઈ નહિ કમાયેલા એવા વિધુર પુરુષને જૂના અનુભવથી ચેતીને કોઈ કન્યા આપવા હિંમત નહિ કરતું હોય એટલે એ એનો વિચાર નહિ કરતા હોય, કારણ કે પરદેશમાં એ તરત પરણ્યા પણ હતા. સ્વામીજીએ મિત્રધર્મ અદા કરતાં ચાર વર્ષના ધ્રુવકુમારને પોતાની પાસે રાખ્યો હતો. એક બાજુએ જેમ કિશોરો-યુવકોને સંસ્કાર સીંચવાનું કામ કરતા હતા. તેમ શિશુની મા બનીને ધ્રુવકુમારને પણ શરૂઆતથી ઘડી રહ્યા હતા.

હિમાલયના પ્રયોગ પછી સ્વામીજીની દૃષ્ટિ જેમ ખૂલી હતી, તેમ દસેક વર્ષ રાષ્ટ્રીય કેળવણીના અખતરા પછી એમની દૃષ્ટિનાં તલસ્પર્શી દ્વાર ઊઘડ્યાં કે પાકી કોઠીએ કાના ચડાવવા પાછળ શક્તિ વેડફવી એ વ્યર્થ હતું. બાળકની ખરી કેળવણી તો એના ગર્ભ સાથે જ શરૂ થાય છે. અને બાળક બે-અઢી વર્ષ જેટલું શીખે છે તેટલું પછી આખી જિંદગીમાં શીખી શકતું નથી. એટલે દેશને આબાદ કરવો હોય તો નેપોલિયન કહી ગયો તેમ માતાને કેળવણી આપવી જોઈએ. કન્યાકેળવણી એ જ ખરી રીતે દેશની મુખ્ય રચનાત્મક પ્રવૃત્તિ કહેવાય, પરંતુ પોતે બ્રહ્મચારી રહ્યા. સંન્યાસીપણું શોભાવવું એ તો ભીષ્મપ્રતિજ્ઞા હતી એટલે સ્ત્રી સંસ્થા કાઢવી કે એમાં જોડાવું એ એમને માટે શક્ય ન હતું.

સ્વામીજીએ છેવટ અર્ધ રસ્તે સમાધાન કર્યું. અને નાના બાળકોથી કેળવણી શરૂ કરવામાં ગુરુકુળની આર્યપદ્ધતિમાં એમને કેળવણીનાં સર્વ શ્રેષ્ઠ તત્વો દેખાયાં. આઠ વર્ષની નાની ઉંમરથી જ જાતના સંસ્કાર પડ્યા હોય તે ટકે પણ ખરા, એટલે એમણે શહેરથી દૂર, આધુનિક ગુરુકુળ ખોલ્યું. લોકો એને આશ્રમ કહેતા. દસ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીને એમાં દાખલ કરવામાં આવતો નહિ. પાંચ વર્ષના ધ્રુવકુમારને એમણે ઉછેર્યો હતો. એણે તેજસ્વી વિદ્યાર્થી તરીકે નામના કાઢી હતી અને પાંચ-સાત વર્ષની ધંધાદારી કારકિર્દી પણ એની એવી ઉજ્જ્વળ હતી કે એટલા વખતથી આજ સુધી ભાગ્યે કલકત્તામાં કોઈ વકીલ કમાયો હોય તેટલી મોટી રકમ એ કમાયો હતો. આજની મોંઘવારીએ એ કમાણીમાં ભાગ ભજવ્યો હતો એ ખરું, પરંતુ મોંઘવારી ન હોત તો પણ એ બીજાં કરતાં વધુ કમાઈ શક્યો હોત તેમાં શંકા ન હતી.

ગુરુકુળ આશ્રમની ઉત્પત્તિનું મૂળ સ્વામીજી વિદ્યાર્થીઓને કહેતા ત્યારે એનું બીજ ધ્રુવકુમારમાંથી પેદા થયું હતું એમ જણાવતા. ચારેક વર્ષ પહેલાં ધ્રુવકુમાર પોતે પણ આશ્રમમાં આવી ગયો હતો. પરંતુ વિદ્યાર્થીઓ અને સ્વામીના મનમાં એ ધીરુભાઈ તરીકે હતો. અને પોતાને પણ ધીરુભાઈ નામ ખરાબ લાગતું ન હતું. પરંતુ કલકત્તાના બંગાળી વાતાવરણમાં અને ઊંચા સમાજમાં ભળતાં એને પોતાનું નામ જુનવાણી લાગવા માંડ્યું. એમાંથી છુટકારો મેળવવા બે વરસ ઉપર એણે ધ્રુવકુમાર નામ બદલ્યું હતું. અને તે પોતે એ નવું નામ અંગ્રેજી પદ્ધતિ પ્રમાણે બે ભાગમાં જુદું પાડતો - ધ્રુવ કુમાર!

સ્વામીજી કોઈને લગ્નપ્રસંગે આશીર્વાદ નહોતા મોકલતા, પરંતુ એમને થયું કે, ધ્રુવકુમારને તો મોકલવા જોઈએ. એનાં પ્રથમ લગ્ન વખતે પોતે શું કરેલું તેનો વિચાર પણ આવ્યો. પરંતુ એવી ક્ષુલ્લક વાતમાં એમનું ચિત્ત પરોવાયું હોય તો અત્યારે યાદ આવે ને? એમને થયું કે ગયે વખતે શું કર્યું હતું અને શું નહિ તેની જરૂર પણ ક્યાં છે? માણસે, તેમાંય સંન્યાસીએ તો ખાસ, જે કરવું હોય તે અનાસક્ત ભાવે કરવું રહ્યું. આસક્તિ હોય તો તેણે ભૂતકાળ અને ભવિષ્યકાળનો વિચાર કરવાનો હોય. આશીર્વાદ મોકલવા તેવું મન સાથે નક્કી કરી સ્વામીજી કામમાંથી છૂટી પોતાના રૂમમાં આવ્યા. વળી એમનું ચિત્ત કંકોત્રીમાં ગયું. ગોખલામાં પડેલી કંકોત્રી હાથમાં લીધી. એનો સુંવાળો સ્પર્શ ગમતો હતો, પીપળાના કોમળ પત્ર જેવો એનો આકાર અને રંગ ભાગતાં હતાં. મંગલફેરા ફરતા દંપતીના ચિત્રમાંની કન્યા અપ્સરા જેવી દેખાતી હતી એમ સ્વામીજીને મનમાં થઈ ગયું. એમણે મનને બીજે વાળી લેવા કંકોત્રી ઉઘાડી અને ચિત્રને આંખથી અળગું કરી દીધું. એમણે કંકોત્રી ફરી વાંચી.

આ બીજા વાચનથી સ્વામીજીને થયું કે, આ લગ્નનું સ્થળ તો અહીંથી દસ માઈલ જ દૂર હતું. પોતે લગ્ન વખતે હાજર રહે તો પણ શો વાંધો? ધ્રુવકુમાર તો એમના દીકરા જેવો હતો. બીજાઓના લગ્નમાં પોતે નથી જતા, તેમાં અને આમાં મોટો ફરક હતો. બીજા કોઈની કંકોત્રીએ જે લાગણી નહોતી જન્માવી તે આજે જાગી હતી. નિર્જીવ વસ્તુ પણ અંતરના પ્રેમનો આવો સબળ પડઘો પાડતી હોય તો સંન્યાસીએ ના પાડવો? કોઈ પણ કામ કેવળ અનાસક્તભાવે થાય એટલે બંધન ક્યાં રહ્યું? આશ્રમના કામકાજ અંગે એ ગામ જ બજારની ગરજ સારતું હતું. રેલવેના સ્ટેશનને લીધે ગામમાં શહેર થયેલા એ સ્થળ સાથે બહારના સંપર્ક માટે આશ્રમ જોડાયેલો હોય. કંઈ કામ અંગે સ્વામીજી એકાદ દિવસ ત્યાં જઈ આવવાનો વિચાર કરતા હતા. તો પછી આવતે અઠવાડિયે એ લગ્નપ્રસંગે જ જાય તો બંને કામ થાય. આશીર્વાદ પત્રથી મોકલવામાં હરકત ન હોય તો રૂબરૂ આપવામાં શી હરકત? એ તો સોનામાં સુગંધ ભળી કહેવાય. સંસારમાં રચ્યાપચ્યા પામર મનુષ્યો બિચારા રૂઢિચુસ્ત થઈ જાય તે સમજાય, પણ જેણે સંસારની માયા ત્યજી હતી, તે રૂઢિની માયાને શું કામ તાબે થાય? આજ સુધી કોઈનાં લગ્નમાં ભાગ લીધો નથી એટલે હવે ન લેવાય એ તો રૂઢિ કહેવાય, એને કારણે પોતે ન જાય તો રૂઢિપૂજન ગણાય કે બીજું? સ્વામીજીએ નક્કી કર્યું કે અનાસક્ત ભાવે આશીર્વાદ આપવા જવામાં કંઈ બાધ હોઈ શકે નહિ.

ધ્રુવકુમારને સ્વામીજી પોતાના લગ્નમાં આવશે તેની કલ્પના જ ક્યાંથી આવે? જાનને ઉતારે બધા બેઠા હતા. ઠંડા પીણાં, સોડા, લેમન, આઈસ્ક્રીમ જેને જે જોઈએ તે મોં સન્મુખ રજૂ થઈ રહ્યાં હતાં ને સ્વામીજી જઈ પહોંચ્યા. સ્વામીજીને આખો પ્રદેશ ઓળખતો હતો એટલે દરેક આશ્ચર્ય પામ્યા. એમના આશ્રમમાં જઈ આવેલા અહીંના ઠાઠ સાથે એમનો મેળ કેવો કઢંગો દેખાતો હતો. તે કલ્પનાથી શરમિંદા પણ પડ્યા. ધ્રુવકુમાર તો એમનો જ શિષ્ય અને સાદાઈનું નામનિશાન નહિ એટલે એને પહેલી ક્ષણે થયું કે પૃથ્વી માર્ગ આપે તો સારું! પરંતુ પૃથ્વીનેય એને ભોગવનાર ન હોય તો નહિ ગમતું હોય, એટલે આજ સુધી એણે માગ્યા છતાં કોઈને માર્ગ નહિ આપ્યો હોય ને ધ્રુવકુમાર ક્ષોભ સાથે ઊભો થયો અને સ્વામીજીને પગે પડ્યો. સ્વામીજીએ એને બે હાથ ઝાલીને ઊભો કર્યો.

ધ્રુવકુમારે સ્વામીજી સામે નજર માંડી ત્યારે એમની આંખોમાં એને પહેલાંનો જ પ્રેમ જણાયો. અહીંના ઠઠારાથી એ ગુસ્સે થયા હોય, મનમાં માઠું લાગ્યું હોય તેમ મોં ઉપરના ભાવ જોતાં સહેજ પણ લાગ્યું નહિ. એ મીઠા સ્વરે હસીને બોલ્યા, તે પછી ધ્રુવકુમારનો ક્ષોભ આપોઆપ અદૃશ્ય થઈ ગયો. એમને પ્રથમ બેસાડી, વિનયથી એમની બાજુમાં સહેજ દૂર બેસતાં ધ્રુવકુમારે કહ્યું : 'આપ આવશો એવી મને કલ્પના પણ ન હતી. પહેલાં લગ્ન વખતે ય આપે આપના નિયમ પ્રમાણે આશીર્વાદ મોકલ્યા ન હતા, એટલે આ વખતે પણ એની મેં આશા રાખી ન હતી. બાકી આવવાની મને ખાતરી હોય તો આગ્રહભર્યો પત્ર લખ્યા વગર રહું?'

જાનૈયામાંથી એમના બે-ત્રણ પરિચિતો બોલી ઊઠ્યા: 'હા સ્વામીજી! આપ આવશો તેવું કોઈ માને જ શી રીતે?'

કોઈ લગ્નમાં ન જવાની રૂઢિનો ભંગ કરીને આ લોકો સમક્ષ પોતે પ્રતિષ્ઠાને ધોકો પહોંચાડ્યો હતો એમ એ અવાજ ઉપરથી સ્વામીજીને ખ્યાલમાં આવી ગયું હતું. પોતે રૂઢિપૂજક નથી એમ કહી પોતાનું અત્યાર સુધીનું વર્તન સુસંગત નહોતું એમ કહેવાની સ્વામીજીની પ્રતિષ્ઠાના ભયે હિંમત ન ચાલી. બીજી બાજુ આવા મોટા બનાવનું કારણ જાણવા સૌ ઇંતેજાર કરતા હતા તેમ દરેકના મોંના ભાવો જોતા સ્પષ્ટ જણાતું હતું. ધ્રુવકુમાર પોતાના દીકરા જેવો હતો એમ કહેવાને પણ અવકાશ ન હતો. હમણાં જ એણે કહ્યું હતું કે, પહેલાં લગ્નમાં આશીર્વાદ મળ્યા ન હતા. સ્વામીજીએ કંઈક તો જવાબ આપવો રહ્યો એટલે યુધિષ્ઠિરની પેઠે 'નરો વા કુંજરો વા' જેવો જવાબ આપ્યો : 'આશ્રમ અંગે અહીં કામ હતું એટલે આવ્યો હતો. ગામમાં હાજર હોઉં એટલે આશીર્વાદ આપવા આવવું એ તો મારો ધર્મ કહેવાય.'

સૌને એ કેટલું ગળે ઊતર્યું એ કોણ જાણે, પણ કોઈએ આગળ ચર્ચા ન કરી અને માંડી વાળ્યું: 'આપ જેવા તપસ્વીનાં પગલાં થયાં એ તો ધનભાગ્ય કહેવાય. આપના આશીર્વાદથી ધ્રુવકુમાર આ વખતના લગ્નથી જરૂર સુખી થશે.'

એકાંત મળતાં ધ્રુવકુમારે સ્વામીજીનો ઘણો આભાર માનતાં કહ્યું: 'આપે પધારી મારા ઉપર ઘણો ઉપકાર કર્યો છે, સાચી રીતે તો હું આપના આશીર્વાદને લાયક પણ નથી.' એમ કહેતાં કહેતાં ધ્રુવકુમાર પોતે જેટલો શરમાઈ ગયો તેથી વધુ સ્વામીજી પોતે સંકોચ પામ્યા હતા. સ્વામીજીની કેળવણી અને સંસ્કાર પ્રમાણે તો ધ્રુવકુમારે પ્રથમ પ્રેમલગ્ન પછી આવી પડેલું વૈધુર્ય દીપાવવું જોઈતું હતું. પરંતુ બાવીસ વર્ષની ગ્રેજ્યુએટ પણ ઓછી રૂપવતી યુવતીને પસંદ ન કરતાં, એ યુવતીની અઢાર વર્ષની નાની બહેન મેટ્રિક પાસ હતી છતાં કેવળ સૌંદર્યને કારણે એને પરણવા એ તૈયાર થયો હતો. બીજી વખતનું લગ્ન એ નાલેશી જ કહેવાય, છતાં પહેલાં લગ્ન જેટલી ધામધૂમ હતી. જાણે એના હૈયામાં પ્રથમ પત્નીની સ્મૃતિનું કોઈ ચિહ્ન જ ન હોય! કાયદાને લીધે જામણવારની મર્યાદા હતી તેનો પણ ભંગ થવાનો હતો. આ બધાનો ખ્યાલ આવતાં સ્વામીજી એવા વિમાસણમાં પડી ગયા હતા કે ધ્રુવકુમાર એ બધું કહી બતાવી પોતાને ન શરમાવે તો સારું.

એ વાતને દબાવી દેતાં સ્વામીજીએ બીજી વાત કાઢી: 'બને તો કલકત્તા જતા પહેલાં આશ્રમમાં એકાદ દિવસ આવી જાઓ.'

ધ્રુવકુમાર : 'આ વખતે, સ્વામીજી ! બિલકુલ વખત નથી, પરમ દિવસે જ હું કલકત્તા જવાનો છું.'

સ્વામીજી : 'કેમ તરત જ?'

ધ્રુવકુમાર : 'જરૂરી કેસ કોર્ટમાં છે. પરાણે મુદ્દત પડાવીને લંબાવ્યું છે. અહીં નકામા અઢી માસ બગડી ગયા. આપણો સમાજ સાવ જુનવાણી છે, એટલે એને ખ્યાલ નથી કે લગ્નમાં રૂઢિઓનાં ધતિંગ ઊભાં કરી કેટલો સમય, શક્તિ અને નાણાંનો વ્યય કરે છે!'

સ્વામીજીએ વાતને આશ્રમના પાટા ઉપર લાવતા કહ્યું: 'મેં ધાર્યું હતું કે તમે ત્યાં આવશો એટલે આશ્રમની મુશ્કેલીઓ નજરે જોવાથી ખ્યાલ આવશે.'

'શી મુશ્કેલી છે?'

'આર્થિક, બીજી શી હોય?'

'હવે તો સ્વરાજ્યની સરકાર મદદ કરતી હશે ને?'

'સ્વરાજ્ય આવતાં જાણે કોઈને કેળવણીની પડી ન હોય તેવી દશા થઈ છે. સ્વરાજ્ય પહેલાં લોકો મદદ કરતા, હવે એ માને છે કે સ્વરાજ્ય આવ્યું એટલે એ જવાબદારી સરકારની. સરકાર એને મદદ આપે, જે એના અમુક પ્રકારનાં ધારાધોરણો સ્વીકારે-બંધન સ્વીકારે. એવી જો રેઢિયાળ કેળવણીની પાંજરાપોળ ચલાવવી હોય તો પછી મારા જેવો લોહીનું પાણી શું કામ કરે? એટલે નથી મળતી સરકારની મદદ કે નથી મળતી લોકોની મદદ.'

ધ્રુવકુમારને એથી દુઃખ થયું હોય તેમ ભારે અવાજે બોલ્યો: 'આ તો ઘણું કરુણ કહેવાય.'

સ્વામીજી: 'એક વખત તને લખવાનું મન થયું હતું કે, કલકત્તામાં તારી લાગવગ સારી છે. એટલે જો ત્યાંથી સારી રકમ ભેગી કરીને મોકલી આપે તો...'

ધ્રુવકુમાર: 'કલકત્તાની સ્થિતિ, પાકિસ્તાન થયા પછી કફોડી થઈ ગઈ છે. વેપારધંધાને ભારે ધોકો પહોંચ્યો છે. સરકારની નીતિ પણ એવી અચોક્કસ છે કે ક્યારે ધંધો દબાઈ જશે તેનું કહી શકાય નહિ. એટલે આજે તો સૌ પૈસા પણ ધંધામાં ન નાખતાં હાથ ઉપર રાખવામાં સલામતી સમજે છે. હું પણ મારા અસીલોને એ જ સલાહ આપું છું. મેં પોતે પણ ઓછામાં ઓછું - મારા જીવનધોરણ પ્રમાણે એક લાખ રૂપિયા સ્થાયી ફંડ પૂરું કર્યા પછી કંઈ દાન કરવું હોય તો વિચારવું એમ સિદ્ધાંત નક્કી કરેલો છે!'

સ્વામીજી લગ્ન પતી રહેતાં આશીર્વાદ આપી વિદાય થયા. ત્યારે જાણે એમનું વર્ષોનું તપ ખલાસ થઈ ગયું તેમ એમની શક્તિ હરાઈ ગઈ હતી. હૃદયમાં વિષાદ છવાઈ ગયો હતો. અનાસક્ત ભાવે પોતે આ કરી રહ્યા હતા એવું ધુમ્મસ એમના અંતરમાં હતું એ ભેદાઈ ગયું હતું. અંતરના કોઈ ખૂણે, એમની નજર ચૂકાવીને આસક્તિ છુપાઈ બેઠી હતી. ધ્રુવકુમાર ઘણું કમાયો હતો, લગ્ન જેવો મંગળ પ્રસંગ હતો, પોતે જશે તો એ સારું દાન આપશે, પોતે પણ કલકત્તામાંથી સારી રકમ મેળવી આપવાની માંગણી કરશે, એ ઈચ્છા બતાવશે તો પોતે પણ કલકત્તા ટહેલ નાખવા જશે. અનાસક્તિનાં ધુમ્મસની પાછળ લપાઈને બેસી ગયેલી આ આસક્તિ સ્વામીજીને અત્યારે ખુલ્લી દેખાઈ ગઈ. એટલું જ નહિ પણ જીવનમાં ક્યારેય નહોતી વાગી તેવી લપડાક પણ એણે લગાવી દીધી હતી.

સ્વામીજીને થયું કે પોતે જે કેળવણી માટે આટલી આસક્તિ રાખે છે તે પ્રયોગ શું સફળ થયો હતો? ધ્રુવકુમારને આશ્રમનું બીજ કહી આજ સુધી ગર્વ લેતા હતા. એમાં ગર્વ લેવા કરતા પસ્તાવાનું પૂરતું કારણ હતું એનો એમને આજે પુરેપુરો અનુભવ થઈ ગયો હતો. ચાર વર્ષના બાળકથી એને પાસે રાખી એની મા બની કેળવણી આપી હતી છતાં એણે એની હોશિયારીનો કેવળ વ્યભિચાર કર્યો હતો. કે બીજું? તો પછી આઠ વર્ષની ઉંમરથી પોતાના આશ્રમમાં ભણી, સંસ્કાર લઈ નીકળનાર વર્ગ સેવાભાવી નીકળશે અને સમાજને સુધારશે જ એવું શા ઉપરથી માનવું?

સ્વામીજીના વિચાર-પગે એથીય આગળ ડગલું ભર્યું. એણે પાયાનો જ પ્રશ્ન કર્યો: જે સમાજને સુધારવાની સેવાધારીઓ ઈચ્છા રાખે છે તેને સુધરવું છે ખરું? અને એ સુધરેલો નથી માટે સેવાધારીઓ માને છે તેટલો દુઃખી છે ખરો? જો એ સાચે જ દુઃખી હોય તો સુધરવાની ઈચ્છા કેમ નથી કરતો? સુધરવાના પ્રયત્ન કરનારને અનુસરતો કેમ નથી? સુધારવાના પ્રયત્નો નિષ્ફળ કેમ જાય છે? તો પછી લોકો જેમાં છે તેમાં સુખી છે છતાં સેવાધારીઓ પોતાની ધૂન એમના ઉપર લાદે છે?

સ્વામીજી હિમાલય છોડીને પ્રવૃત્તિમાં પડવા તૈયાર થયા ત્યારે અલ્મોડામાં ખાખી બાવાએ એક ટૂચકો વર્ષો ઉપર કહ્યો હતો તે એમણે તે વખતે હસી કાઢ્યો હતો, પરંતુ આટલાં વર્ષોના અનુભવ પછી એ જ સાચો હોય તેમ એમને વસી ગયું.

એક મહાતપસ્વી હતા. સિદ્ધપુરુષ તરીકે એમના શિષ્ય એમને માનતા હતા. તપસ્વી પોતે પણ માનતા હતા કે આ પોતાનો છેલ્લો અવતાર હતો, છતાં અંતવેળા આવી એટલે એમને જિજ્ઞાસા થઈ કે પોતાને હવે મોક્ષ થવાનો હતો કે કોઈ જન્મ બાકી હતો? સમાધિ ચડાવી તપસ્વીએ પોતાનું ભવિષ્ય જોયું તો એમાં દેખાયું કે આવતો જન્મ ડુક્કરનો હતો અને તે પછી મોક્ષ હતો!

ડુક્કરના અવતારનું નામ જાણતાં તપસ્વીને દુઃખનો પાર ન રહ્યો. પરંતુ ભાવિ મિથ્યા થાય એવું ન હતું. એમને થયું કે પોતાના શિષ્યો જો જાણે કે ગુરુજીનો આવતો જન્મ ડુક્કરનો છે તો એમને પોતાનામાં જે સિદ્ધપુરુષનો ભાવ હતો તે ચાલ્યો જાય. એટલે એ હકીકત શિષ્યોને કહેવામાં તેમને સંકોચ થયો. બીજી બાજુ ડુક્કરના અવતારમાંથી બને એટલી વહેલી તકે એ મુક્તિ ઈચ્છતા હતા. એમને ડુક્કરનું નામ યાદ આવતાં જ કંપારી આવતી હતી. મનમાં થતું કે પોતાના જેવો મહાતપસ્વી એ હલકા પ્રાણીના ખોળિયામાં એક ઘડી પણ રહી શી રીતે શકે?

એટલે એ અવતારમાંથી વહેલી મુક્તિ મેળવવાનો ઉપાય તપસ્વીએ શોધી કાઢ્યો. નિર્વાણની અંતવેળાએ એમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું : 'જુઓ, મારા દેવત્વ પામ્યા પછી આશ્રમની આજુબાજુ એક ડુક્કર ફરતું દેખાશે, એના માથે ધોળું ટીલું હશે. એને શોધીને હિંસા-અહિંસા કે પાપ-પુણ્યનો વિચાર ન કરતાં ઘાત કરજો. અંતવેળાની મારી એ ગુરુઆજ્ઞા છે.'

એક દિવસ આશ્રમથી થોડે દૂર, એક ગંદા ખાબોચિયામાં ધોળા ટીલાવાળું ડુક્કર એક શિષ્યે જોયું. એણે દોડી આશ્રમમાં જઈ બધા શિષ્યોને વાત કરી. જે હથિયાર હાથ ચડ્યું તે લઈને શિષ્યો ગુરુ આજ્ઞા માથે ચડાવવા દોડી ગયા. એ વખતે પેલા ડુક્કરને વાચા થઈ બોલ્યું: 'હે ધર્મના જાણનારા શિષ્યો! તમે મારો વધ કરીને હિંસાનું પાપ ક્યારે ભોગવશો? મેં તમારું શું બગાડ્યું છે કે તમે મારો જીવ લેવા તૈયાર થાઓ છો?'

શિષ્યોએ કહ્યું: 'તારુ કહેવું સાચું છે. પણ તારો ઘાત કરવો એવી અમારા ગુરુની અંત વખતની આજ્ઞા છે. એટલે અમે લાચાર છીએ.'

ડુક્કરે કહ્યું: 'એ તમારો ગુરુ હું જ મૂઓ તો! એ વખતે હું મહાતપસ્વીના ખોળિયામાં હતો એટલે હું બી ગયો હતો કે ડુક્કરનો અવતાર કેટલોય દુઃખમય હશે, એટલે એમાંથી ઝટ મુક્તિ મેળવવા મેં તમને આજ્ઞા કરી હતી. પરંતુ આજે અનુભવથી સમજાયું કે ડુક્કરના અવતારમાં પણ હું તપસ્વી જેટલો જ સુખી છું. મારો ઘાત કરશો નહિ!'

સ્વામીજીને થયું કે, સમાજને સુધારવાના ફાંફાં મારતા મારા જેવા પેલા તપસ્વીની માફક માનતા હશે કે બિચારા સંસારનાં પામર મનુષ્યો ઘણાં દુઃખી છે, સંસ્કારહીન છે, કેળવણીવિહીન છે, જ્યારે એ લોકો પેલા ડુક્કરની માફક પોતાની જાતને સંપૂર્ણ સુખી માનતા હશે! જો એવું ના હોય તો સૃષ્ટિનું મંડાણ થયું ત્યારથી ઈશ્વરના કેટલાય અવતારો પૃથ્વી ઉપર આવી ગયા પણ સમાજે સુધરવાની વૃત્તિ બતાવી નથી. તો પછી પોતે સુધારનાર કોણ? અમે પોતાના સુધારાના પ્રયત્નો પછી ધ્રુવકુમારની આવૃત્તિઓ પાકવાની હોય તો એ સુધારો કે કુધારો?

સ્વામીજીના વિચાર-પગે છેલ્લું ડગ ભર્યું: તો શું સેવા એ મિથ્યા છે? સેવાધર્મ જો મિથ્યા હોય તો પછી જગતમાં મનુષ્ય અને પશુવાદ વચ્ચે ભેદ શો રહ્યો? અત્યારે એ અનાસક્ત ભાવે વિચારી રહ્યા હતા એટલે એમના હૈયામાંથી અવાજ આવ્યો: સેવાધર્મ એ શ્રેષ્ઠ છે, પરંતુ એ પણ અનાસક્ત ભાવે આચરવો જોઈએ. પ્રકૃતિ-તત્વો-હવા, પાણી, તેજ-સૃષ્ટિને સેવા આપે છે, પરંતુ એ જેમ આસક્તિ રાખતા નથી તેમ મનુષ્યે પણ રાખવાની નથી. હવા, પાણી, પ્રકાશ સેવા માટે હાજરાહજૂર હોય છે, છતાં એ સેવા લાદતા નથી, સેવા લેનારની ઈચ્છા ઉપર છોડે છે. માણસ જેમ હવા સહજ ભાવે લે છે, એને ખબર પડતી નથી, તેમ સેવા આપનારે સહજ ભાવે સેવા આપવી જોઈએ, એને ખબર પણ ન પડે કે પોતે સેવા કરે છે. આ ત્યારે જ બને કે જ્યારે એ સમાજની સામટી સેવા કરવાની આસક્તિ છોડી દે અને સહજ ભાવે પોતાની સમક્ષ આવી પડે તેટલી જ સેવા કરી છૂટે. બાકી સેવાની દુકાન માંડીને બેસનારથી સેવા દૂર અને દૂર ભાગવાની એ ચોક્કસ, અને એના પરિણામે ધ્રુવકુમારો પાકવાના!

સ્વામીજી ઓચિંતા ઊંડી ખાઈમાં ઊથલી પડ્યા હોય તેમ પોકારી ઊઠ્યા: 'તો મારી જિંદગી ધૂળમાં ગઈ, એમ?' ખાઈમાં સામો પડઘો પડ્યો: 'હજુ જે જિંદગી, બાકી રહી છે તે ધૂળમાં ન મેળવવી હોય તો આટલાથી ચેતી જાઓ.'

સ્વામીજી તે ક્ષણે ટટ્ટાર થઈ ગયા. આશ્રમની માયા તજી દઈને કોઈ દૂર દૂરના સ્થળે, જ્યાં પ્રતિષ્ઠા લુપ્ત થતી હોય અને એક સામાન્ય માણસ તરીકે રહીને, સહજ રીતે આવી મળે તેની સેવા કરવાની તક મળે ત્યાં ચાલ્યા જવાનો વિચાર આવ્યો. તે સાથે થયું કે, હવે આશ્રમમાં જવાની પણ શી જરૂર છે? એનું બંધારણ હતું એટલે પોતાની ગેરહાજરીમાં હોદ્દેદારોને જે સૂઝશે તે કરશે.

એ રાત્રે ધ્રુવકુમાર નવા લગ્નના કેફમાં હતો ત્યારે સ્વામીજી સેવાની કંકોત્રીના દોરાયા ગાડીમાં બેસીને એ પોતેય નહોતા જાણતા તેવા દૂરના પ્રદેશ તરફ જઈ રહ્યા હતા.
 [પાછળ]     [ટોચ]