[પાછળ] |
ગુજરાતી ભાષાનો ‘રોકડિયો’ હિસાબ
લેખકઃ મન્નુ શેખચલ્લી
આપણા ગુજ્જુઓ ‘મની માઈન્ડેડ’ છે, છે, ને સાડી સત્તરવાર છે. આપણને કોઈ ’મની માઈન્ડેડ’ કહે છે ત્યારે અમને તો જરાયે ખોટું નથી લાગતું. કારણ શું? દુનિયાની બહુ ઓછી પ્રજા ‘પૈસા’ને પિછાણી જાણે છે. પણ બૉસ, તમે જુઓ, આપણી ગુજરાતી ભાષામાં આ જ કારણસર કેટલા બધા વેપારી શબ્દો ઘૂસી ગયા છે!
‘ટકા’ અમારા અમદાવાદમાં તમને વારંવાર સાંભળવા મળે ‘એમાં મારા કેટલા ‘ટકા’?’ તું નવી કાર લાવે એમાં મારા કેટલા ટકા? પાડોશીનો દીકરો પહેલા નંબર પાસ થાય એમાં મારા કેટલા ટકા? અલ્યા, સચીન સેન્ચુરી મારે કે ઝીરોમાં જાય... મારે કેટલા ટકા? અમદાવાદી તો એના ભાઈબંધ જોડે પણ વેપારી ભાષામાં બોલે, ‘જાને બે, તું મારી જોડે પીચ્ચર જોવા ના આવે એમાં મારે કેટલા ટકા?’ હવે ભાઈબંધ એની જોડે પીચ્ચર જોવા આવે કે ના આવે, એમાં ભાઈને કેટલા ‘ટકા’ કમિશન મળવાનું છે? પણ એવો સવાલ જ ના કરાય. ‘ડિસ્કાઉન્ટ’ આવું જ ‘ડિસ્કાઉન્ટ’નું છે. હંમેશા મોટી મોટી છોલતા હોય એવા લોકો માટે કહેવાય કે, ‘એની વાતમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ ગણીને જ ચાલવાનું!’ મતલબ કે વાતમાં પચાસ ટકા જ સાચું હોવાનું. ભાવનાત્મક ‘ભાવ’ જરા વિચારો તો ખબર પડશે કે ઓહોહો, કેટલા બધા ધંધાદારી શબ્દો ઘરઘર વપરાતા થઈ ગયા છે! કોઈ બહુ ઘમંડી હોય તો કહેવાય કે ‘બહુ ભાવ ખાય છે!’ છતાં એને મનાવવો હોય, આપણું કામ કઢાવવું હોય તો ‘ભાવ આપવો પડે!’ જરા લખી રાખજો સાહેબ, ‘ભાવ ખાનારા’ અને ‘ભાવ માગનારા’ જુદા હોય છે! સામાન્ય લોકો પણ સિદ્ધાંત બનાવતા હોય છે કે ફાલતું લોકો જોડે બેસીને આપણો ‘ભાવ નહીં બગાડવાનો!’ ધંધાનો ટાઈમ ખરાબ થાય ‘કવિરાજા કવિતા કે મત કાન મરોડો, ધંધેકી કુછ બાત કરો, કુછ પૈસે જોડો...’ એમ લખનારા કવિ પ્રદીપજી પોતે ગુજરાતી નહિ હોય તો; કમસે કમ એ જ્યાંનો લોટ ખાતા હશે એ ઘંટીવાળો ગુજરાતી હશે. વેપારી ભાષાની કેટલી બધી કહેવતો આપણી ગુજરાતી ભાષામાં ‘મફત’ના ભાવે ઘૂસી ગઈ છે? ‘રાઈના ભાવ રાતે ગયા’, ‘તેલ જુઓ; તેલની ધાર જુઓ’, ‘બોલે તેના બોર વેચાય’, ‘લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ના જવાય’, ‘બાંધી મૂઠી લાખની’, ‘લાખ ભેગા સવા લાખ’, ‘બક્ષિસ લાખની; હિસાબ કોડીનો’ અને ‘સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા!’ કોઈ કામ સહેલાઈથી પતે તો કહેવાય કે, ‘સસ્તામાં પત્યું!’ અને કોઈ ‘સસ્તા માણસની ફીરકી’ લેવાની હોય તો કહેશે, ‘તમે તો ભૈશા’બ બહુ મોંઘાં માણસ થઈ ગયા ને કાંઈ ?’ શેઠિયા, જરા સમજો ને! માત્ર વેપારીઓ જ ‘શેઠિયા’ હોય એવું નથી. આજકાલ તો અમદાવાદમાં બધાને ‘આવો ને, શેઠિયા!’ એમ કહીને બોલાવવાનો રિવાજ છે. ભાઈ મહીને માંડ બે હજાર રૂપૈડી કમાતા હોય અને એ જ કારણસર બિચારાં સાવ નવરાધૂપ બેઠા હોય તો એમને કહેવાય કે, ‘યાર, તમે તો શેઠ માણસ! તમને કંઈ તકલીફ અપાય?’ અમારા એક ભાઈબંધ પેટ ભરીને જમ્યા પછી રોજ બોલે, ‘આપણે જમી લીધું, એટલે પછી કસ્તુરભાઈ લાલભાઈ!’ પ્રતિષ્ઠિત વેપારીને શાહુકાર કહેવાય એ સાચું; પણ વધારે પડતી ‘સફાઈ ઠોકનાર’ને અમદાવાદીઓ તરત ચોપડાવે: ‘અબે, બહુ શાહુકારી ના માર!’ આ તો ઠીક છે; પણ અમદાવાદની અમુક પોળમાં આજ પણ રાત પડે તમારા ઘરમાં વધેલું ખાવાનું માગવા જે ગરીબો આવે છે તે આ રીતે બૂમ પાડે છે : ‘એ... શાહુકારી આલજો ... બા !’ આપણે જે એંઠવાડ ભિખારીને આપી દઈ એને ‘શાહુકારી’ કહેવાય એ અમદાવાદમાં જ બને! અને બૉસ, આ ‘બૉસ’ શબ્દ બોલચાલમાં ક્યાંથી આવ્યો? અમદાવાદમાંથી જ તો ! ‘પોષાય’, ‘પરવડે’ અને ‘ખોટ’ જાય? ‘સવારના છ વાગે ઊઠીને દૂધની કોથળી લેવા જવાનું આપણને ના પોષાય!’ અલ્યા ભાઈ, સવા આઠ રૂપિયાની દૂધની કોથળીમાં તમે એવા તે શા વેપાર કરી નાખો છો કે ‘પોષાવા–પરવડવા’ની વાતો કરો છો? પણ એવું... ‘બળ્યું કાન્તામાસીના ઓટલે બેઠાં બેઠાં વાતો કર્યા કરવાનું આપણને ના પરવડે!’ જાણે કાન્તામાસી ‘ઓટલા– ટેક્સ’ ના લેતાં હોય! એવું જ ‘લેણા–દેણી’નું. આપણે ‘લેવા–દેવા’ વિના ઝગડો ના કરીએ. પારકી પંચાત કરીને ‘શું લેવાનું?’ ચંદુલાલ અમારા દૂરના સગા ખરા; પણ અમારે ખાસ ‘લેવા– દેવા’ નહિ. ગુજરાતી ભાષામાં ફિલોસૉફીની ઊંચાઈ પર છેક ટૉપ પર પહોંચી ગયેલો શબ્દ પણ વેપારી ભાષાની આલમનો છે...‘લેણાદેણી!’ હશે, વેપારીઓની પણ અધ્યાત્મ સાથે કંઈ ‘લેણાદેણી’ જરૂર હશે ! બાકી વેપારીઓ આવા ‘ખોટના ધંધા’ કરતા હશે? બહેનો પણ વહેવારમાં બોલશે, ‘અમે તમારે ત્યાં જમવા આવીએ, ને તમે અમારે ત્યાં ચા પિવાય નો આવો એવા ખોટના ધંધા નો હાલે, હોં !’ બોલો, મહેમાનગતીમાં ‘નફો–ખોટ’ જોવાય છે કે નહિ ! મારા હિસાબે તો... પાનના ગલ્લે ઊભા ઊભા પાનની પિચકારી મારતાં તમને ગંભીર મુદ્રામાં વર્લ્ડ–પોલિટિક્સ સમજાવતાં શ્રીમાન ધનસુખરાય કહેશે, ‘મારા હિસાબે તો... અમેરિકા હજી તો ઈરાન પર હુમલો નહિ કરે!’ અલ્યા ધનસુખ, આમાં તે અહીં ધના સુથારની પોળ આગળ ઊભા ઊભા બુશ, અમેરિકા અને ઈરાનના ક્યા ‘હિસાબ’ ગણી કાઢ્યા? પણ તમે ગમે તેટલી સાચી સલાહ આપો, એમને મન તો આપણે ‘કંઈ હિસાબમાં જ નહીં ને?’ બે જણા વચ્ચે દસ વરસે માંડ એકાદ વાર મળવાના સંબંધો હોય તોય કહેવાય શું? ‘અમારો તો બહુ જુનો હિસાબ છે!’ સંબંધમાં ‘ભૂલચૂક લેવી–દેવી’ થાય, ક્યારેક ‘લેવાનું ગાજર; છતાં રહેવાનું હાજર’ એવું થાય, ક્યારેક એમ થાય કે ‘ત્યાં શું દલ્લો દાટ્યો છે?’ ક્યારેક આટઆટલી મમતા રાખ્યા છતાંય એવી ફીલિંગ થાય કે આમાં ‘શું કમાયા?’ ઘણી વાર સામેનો માણસ સાવ ‘ઉધાર’ હોય, ઘણી વાર આખી ‘પાર્ટી બોગસ’ હોય, આપણને ખબર હોય કે આમાં ‘કંઈ લેવાનું’ નથી છતાં... છતાં ‘સરવાળે’ એમ થાય કે જવા દો ને, બોલીને ક્યાં બગાડવું? ‘સંઘર્યો સાપ પણ કામ આવે!’ ગણ, ગુજરાતી ગણ... બિચારો ગુજરાતી આખી જિંદગી ગણિત જ ગણતો હોય છે. ઘણી વાર ‘ગણતરી સાચી પડે’ તો ક્યારેક ‘ગણતરીમાં થાપ ખાઈ જવાય.’ છેવટે મૂળ વાત એટલી કે સમાજમાં આપણી ‘ગણના’ થવી જોઈએ. બાકી આપણી ‘ગણતરી’ જ ના હોય તો, ગામમાં આપણી ‘ક્રેડિટ’ જ ના હોય તો, ‘ગાંઠનું ગોપીચંદન’ કર્યા કરવામાં કોઈ ‘માલ’ નથી. વેપારી ભાષાના જેટલા શબ્દો ગુજરાતી ભાષામાં ભળ્યા છે એટલાં કદાચ ભારતની તો શું, દુનિયાની કોઈ ભાષામાં નહિ ભળ્યા હોય. ‘આપણો રૂપિયો જ ખોટો’ એટલે આપણો જ માણસ નબળો છે. એ ‘ખોટા રૂપિયા’ની જેમ પાછો આવશે; કારણ કે એ બાઘો છે, બબૂચક છે. આવા માણસ માટે કહેવાય છે કે ‘જરા પાવલી ઓછી છે.’ બહુ વિશ્વાસપાત્ર અને કાબેલ માણસ હોય તો કહેવાય કે ‘એ તો લાખ રૂપિયાનો માણસ છે!’ પણ જેના પર ભરોસો ના મૂકાય એના માટે તો સ્ટાન્ડર્ડ રૂઢિપ્રયોગ શો છે? ‘જવા દો ને યાર, એ તો લાખના બાર હજાર કરે એવો છે !’ સાવ છટકેલી કમાનવાળા ભાઈને ‘નુકશાની આઇટેમ’ કહેવાય. નમૂનેદાર (બન્ને રીતે) માણસ માટે કહેવાય ‘આઇટેમ છે, હોં બૉસ!’ અમુક વિચિત્ર આઇટેમને ‘લગડી’ આઇટેમ પણ કહેવાય. વેપારી ભાષાના આ શબ્દો માણસો પર કેટલા સરસ રીતે ફીટ થાય છે? ‘નંગ છે હો‘ !’, ‘જણસ છે, જરા સાચવજો!’, ‘એ તો બહારથી સારી આઇટેમ લાગે; બાકી અંદર બહુ ‘ખરચો’ છે!’ બહુ ચાલાક માણસ માટે કહેવાય કે, ‘એકદમ પેટીપૅક માણસ છે.’ સામાન્ય વાતચીતમાં સાચી વાતને ‘રોકડા રૂપિયા’ જેવી વાત કહેવાય છે. બાકી ટાઈમ પાસ કરવા માટે ‘પરચૂરણ વાતો’ ક્યાં સુધી કર્યા કરવાની? હવે તો બાળકોને પણ ‘ચિલ્લર’ કહેવાય છે! વારંવાર દાંત બતાડીને હસ્યા કરતી છોકરી માટે કહેવાય છે કે, ‘એનું ચિલ્લર બહુ ખખડે છે!’ છોકરી સુંદર હોય ત્યાં સુધી તો બરાબર; પણ અક્કલની ઓછી હોય તો... ‘બોલે એટલે પૈસા પડી ગયા સમજો!’ ક્રિકેટર પહેલો રન લે તો કહેશે ‘ખાતું ખોલાવ્યું!’ કોઈને બે ધોલ મારી હોય તો કહેવાય કે ‘બે રસીદ ધરી દીધી!’ અચ્છા, ‘વહોરવા જવું’ એટલે શું? ‘ખરીદી કરવા જવું’ ને? પરંતુ ‘દુશ્મની વહોરી લીધી’ એવું તો ગુજરાતીમાં જ કહેવાતું હશે. ચાલો, આ લેખ વાંચીને મરકતા મરકતા તમને ‘પૈસા વસૂલ’ થયા એવું ના લાગતું હોય તો ક્યારેક ઘર આવી જજો; ‘વેરની વસૂલાત’ કરવા....... સર્જક સંપર્ક : લલિત લાડ (મન્નુ શેખચલ્લી) ‘ગાયત્રી કૃપા’. વિભાવરી સોસાયટી–૩ જીવરાજ પાર્ક, અમદાવાદ–૩૮૦ ૦૧૫. મોબાઈલ : 94285 03270 ઈ-મેલઃmannu41955@gmail.com |
[પાછળ] [ટોચ] |