[પાછળ]
ગુજરાતના પક્ષીવિદો

લેખકઃ લાલસિંહ માનસિંહ રાઓલ

પ્રમાણમાં ગુજરાત રાજ્ય નાનું, પણ એક વાતમાં આપણું નસીબ મોટું. આપણી પક્ષીસૃષ્ટિ સારી એવી માતબર. દૂરદૂરના ઓતરાદા પ્રદેશોમાંથી ચોમાસા બાદ પંખીઓ શિયાળો ગાળવા ભારત આવે છે. આમાંથી કેટલાંય અહીં રહે છે, બાકીના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્ર, તામિલનાડુ અને કેરળ તરફ ફેલાઈ જાય છે. આ વણઝારનો એક માર્ગ આપણા રાજ્યમાંથી પસાર થાય છે. એ યાયાવર પંખીઓની અનેક જાતો અહીં વહેલી દેખાવા લાગે. વસંત ઋતુ આવતાં તેઓ વિદાય થવા માંડે ત્યારે દક્ષિણ ભારતમાં ગએલા પંખીઓ પાછા ગુજરાતમાંથી નીકળે છે. તેમનાં ટોળાં એક પછી એક અહીં થઈને ઉત્તર તરફ જાય. આથી છેક મે માસ સુધી યાયાવરો ઓછા વધતા પ્રમાણમાં આપણને જોવા મળતા રહે. અરે, અમુક અમુક જાતોને તો મેં જુન-જુલાઈ સુધી જોઈ છે. દક્ષિણના રાજ્યોને યાયાવર પંખીઓના નિરીક્ષણનો આપણા જેટલા લાંબા ગાળાનો લાભ ન મળે. ગુજરાતને મેં કેમ નસીબદાર ગણ્યું તે હવે સમજાયું હશે.

હવે વિચારીએ ગુજરાત રાજ્યના બીજા સદ્‌ભાગ્યની વાત. પક્ષીઓની જેમ પક્ષીવિદોની બાબતમાં યે આપણે નસીબદાર છીએ. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પક્ષીનિષ્ણાત ડૉ. સલિમ અલિ મૂળ તો ગુજરાતના, પણ તેમનું કાર્યક્ષેત્ર મુંબઈ રહ્યું. એવા જ બીજા લબ્ધપ્રતિષ્ઠિત પક્ષીનિષ્ણાત, ભાવનગરે દેશને આપ્યા. તેમનું નામ રાઓલ શ્રી ધર્મકુમારસિંહજી ભાવનગરના સ્વ. મહારાજાશ્રી ભાવસિંહજીના તેઓ નાના કુંવર. પંખીઓના જેટલાં જ વન્ય પ્રાણીઓના પણ અભ્યાસી. તેમણે પશુપંખીઓનો અભ્યાસ આજીવન કર્યા કર્યો. એ અભ્યાસના ફલસ્વરૂપે સૌરાષ્ટ્રના પંખીઓ ઉપર અંગ્રેજીમાં તેમણે દળદાર પુસ્તક લખ્યું. તેનું નામ છે Birds of Saurashtra. બીજું પુસ્તક Sixty Indian Birds જે તેમણે જસદણના કુમાર શ્રી લવકુમાર ખાચર સાથે સંયુક્તપણે લખ્યું. નૅશનલ બુક ટ્રસ્ટે તે પ્રસિદ્ધ કર્યું છે. તેની બે આવૃત્તિઓ થઈ ગઈ છે. હાલમાં તેમનું ત્રીજું પુસ્તક અંગ્રેજીમાં હમણાંજ પ્રસિદ્ધ થયું છે. તેનું નામ છે Reminiscence of Wildlife in Gujarat.

પંખીઓમાં શિકારી પંખીઓ (Birds of Prey) ઓળખવા ઘણાં અઘરાં. એક જ જાતમાં અમુક પંખી આછા રંગના હોય અને અમુક ઘેરા રંગના. વળી બચ્ચાં પુખ્ત થાય ત્યાં સુધી ત્રણેક જુદા જુદા રંગપલ્ટા કર્યા બાદ પુખ્તાવસ્થાના રંગમાં આવે છે. આથી ભલભલા પક્ષીનિરીક્ષક તેમને ઓળખવામાં થાય ખાઈ જાય. શ્રી ધર્મકુમારસિંહજીએ શિકારી પંખીઓનો બહુ ઘનિષ્ટ અભ્યાસ કરેલો. એ બાબતમાં તેમની બરાબરી કરી શકે એવા ભાગ્યે જ હવે કોઈ હશે.

શિકારી પંખીઓના અભ્યાસ ઉપરાંત શ્રી ધર્મકુમારસિંહજીને બાજદારીનો પણ શોખ હતો. અનેક જાતનાં શિકારી પંખીઓને તેઓ પાળતા. તેમને તાલીમ આપીને ધાર્યો શિકાર તેમની પાસે કરાવતા. આવી તાલીમ પામેલ શિકારી પંખીઓને હાથ પર બેસાડીને તેમના માણસો સાંજના વખતે બજારમાં ફરવા નીકળતા. ભાવનગરના મારા કૉલેજના અભ્યાસકાળ દરમિયાન આ મેં જોયેલ. - એવા જ બીજા પક્ષીવિદ્ હતા જસદણ દરબાર સાહેબ સ્વ. શ્રી શિવરાજકુમાર ખાચર. વિખ્યાત પક્ષીવિજ્ઞાની ડો. સલિમ અલિને તેમના માટે ઘણું માન. પક્ષી મોજણીના પ્રવાસોમાં તેઓ તેમને ઘણીવાર પોતાની સાથે જોડાવાનું આમંત્રણ આપતા. દુનિયાની વિવિધ કુંજો (Cranes)પર ચીનમાં આંતરરાષ્ટ્રીય સેમિનાર થએલ. ડૉ. સલિમ અલિએ સ્વ. શ્રી શિવરાજકુમારને તેમાં આપણી રાષ્ટ્રીય સંસ્થા - બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરેલા. ગુજરાતનું એટલું કમનસીબ કે શ્રી શિવરાજકુમાર વહેલા દિવંગત થઈ ગયા.

સ્વ. શ્રી શિવરાજકુમારના પિત્રાઈ શ્રી લવકુમાર ખાચર પણ પક્ષીઓ અને વન્યજીવોના નિષ્ણાત છે. ભારતના વિદ્યમાન પક્ષી અભ્યાસીઓમાં તેમનું સ્થાન અવલ નંબરનું ગણાય. અગાઉ લખ્યા મુજબ શ્રી ધર્મકુમારસિંહજીના સાથમાં તેમણે Sixty Indian Birds પુસ્તક લખ્યું છે. ગુજરાતનાં જળાશયોનાં પંખીઓ ઉપર અંગ્રેજીમાં લખેલું તેમનું પુસ્તક હવે થોડા વખતમાં આપણને મળશે.

શ્રી લવકુમાર ખાચરે પશ્ચિમ હિમાલયનાં પંખીઓનો ઊંડાણથી અભ્યાસ કર્યો છે. બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના જર્નલોમાં પ્રસિદ્ધ થયેલ તેમના એ લેખોએ અનેક જાણકારોનું ધ્યાન ખેંચેલ. એ વિસ્તારનાં પંખીઓ પર સૌ પ્રથમ તેમણે જ વ્યવસ્થિત રીતે એ લેખો લખેલા. પંખીઓના સંરક્ષણમાં પણ તેમને ઊંડી દિલચસ્પી છે. પંખીઓ અંગેની રાષ્ટ્રીય સમિતિઓમાં તેમની સેવાઓ લેવાય છે. આ ક્ષેત્રમાં તેઓ ઘણા સક્રિય છે.

સ્વ. શ્રી શિવરાજકુમાર અને શ્રી લવકુમાર સાથેની દાયકાઓ પર્યંતની મારી મૈત્રી મને બહુ ફળી છે.

ઘણા વરસો પહેલાં કચ્છના મહારાવશ્રીએ ત્યાંના પંખીઓની મોજણી કરી પુસ્તક લખવા સ્વ. ડૉ. સલિમ અલિને બોલાવેલા. પરિણામ સ્વરૂપે તેમણે "Birds of Kuchchha" પુસ્તક લખ્યું. કેટલાંય વરસોથી તે અપ્રાપ્ય છે. સદ્‌ભાગ્યે કચ્છના મહારાજકુમાર શ્રી હિંમતસિંહજી પણ પક્ષીઓના ઊંડા અભ્યાસી છે. અનેક વરસોનાં પોતાના નિરીક્ષણોના પરિણામે મળેલ અદ્યતન જાણકારીનો ઉપયોગ કરીને "Birds of Kuchchha"ની સંશોધિત આવૃત્તિ હાલમાં તેઓશ્રી તૈયાર કરી રહ્યા છે. તે પુસ્તક આપણને જલદી મળે એવું ઇચ્છીએ.

મને ખ્યાલ છે ત્યાં સુધી ભારતમાં ગુજરાત એક જ એવું રાજ્ય છે જેનાં પંખીઓ વિશે ત્રણ ત્રણ પુસ્તકો પ્રસિદ્ધ થયાં.છે.

ગુજરાતી ભાષામાં પંખીઓ અંગે વ્યવસ્થિત રીતે લખનારાઓમાં શ્રી હરિનારાયણ આચાર્ય પહેલા. ત્રીસીના દાયકામાં “કુમાર” માસિકમાં દર મહિને “વનેચર” ઉપનામથી “વનવગડાનાં વાસી” નામથી લેખમાળા તેમણે લખેલી. તે વખતે તે બહુ લોકપ્રિય થએલી.પરિણામે અનેક લોકો પક્ષી નિરીક્ષણ કરતા થયેલા. એક શોખ (હોબી) તરીકે પક્ષીનિરીક્ષણને પ્રચલિત કરવામાં તેમનો ફાળો બહુમૂલ્ય. તેમના તે લેખોનો સંક્ષેપ ફરી “કુમારે” પાંચમા દાયકામાં થોડા વરસ પહેલા આપેલો. બુલબુલ પરનો તેમનો આવો સંક્ષેપ વાંચીને મારો પંખીપ્રેમ જાગ્રત થયો અને પક્ષી નિરીક્ષણના પગરણ મેં ૧૯૪૮માં માંડ્યા. મારો એ શોખ આજ સુધી ઉત્તરોત્તર વધતો રહ્યો છે.

પંખીઓ ઉપરાંત શ્રી હરિનારાયણ આચાર્ય પ્રાણીઓ, પતંગિયાં, અન્ય જીવજંતુઓ અને માછલીઓના પણ એટલાં જ ઊંડા અભ્યાસી. વધારામાં, શરીરને સુગઠિત કરવાના વિજ્ઞાનના (Body Building) પણ જ્ઞાતા. પશુ, પંખી, પ્રાણીઓ અને પ્રકૃતિ ઉપર “પ્રકૃતિ” નામનાં ત્રૈમાસિકના સ્થાપક અને આદ્યતંત્રી તરીકે લખતા. વર્ષો સુધી આ વિષયના પોતાના જ્ઞાનનો લાભ “પ્રકૃતિ” મારફત તેમણે ગુજરાતની જનતાને આપ્યા કર્યો હતો. તેમનું ગદ્ય નમૂનેદાર અને પ્રશિષ્ટ.

તેઓ મિલમાં મૅનેજરનો જવાબદારીભર્યો હોદ્દો સંભાળતા. રોજ આઠ કલાક તો મિલમાં જ જાય. રવિવાર સિવાય કોઈ રજા નહીં. વળી તેમનાં પત્નીને કરોડરજ્જુનો ક્ષય થયેલો. ચોવીસ કલાક તેમને પથારીમાં પડ્યા રહેવું પડતું. બધી ક્રિયા ત્યાં જ કરવાની. શ્રી “વનેચરે” પોતાના પત્નીની સેવા એકનિષ્ઠપણે કરેલી. સંતાનમાં તેમને એક જ દીકરી. તેને નવડાવી, તૈયાર કરી, ખવડાવી શાળાએ મોકલવાની. આટઆટલી વ્યસ્તતા છતાં તેમણે કેટલા બધા વિષયો ખેડ્યા, કેટલું લખ્યું અને કેટલું વાંચ્યું તે જાણીને આપણે છક્ થઈ જઈએ. “વનવગડાનાં વાસી” નામનું તેમનું પુસ્તક ગુજરાત વિદ્યાસભાએ પ્રસિદ્ધ કર્યું છે. પ્રકૃતિનાં ક્ષેત્રમાં તેમના પ્રદાનની કદરદાની રૂપે ગુજરાતી સાહિત્ય પરિષદે તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક આપેલો. ગુજરાતના લેખકો માટે તે ચંદ્રક સર્વોચ્ચ સન્માન ગણાય છે.

શ્રી હરિનારાયણ આચાર્યના લેખોમાંથી પ્રેરણા લઈને જે પક્ષીનિરીક્ષકો તૈયાર થયા તેમાંથી ચારેક જણ ઉલ્લેખનીય છે. અગાઉ “ફૂલછાબ” રાણપુરથી અઠવાડિક તરીકે બહાર પડતું. શ્રી નિરંજન વર્મા અને જયમલ પરમારની લોકપ્રિય લેખમાળા “આપણે આંગણે ઊડનારા” શીર્ષકથી તેમાં આવેલી. પાછળથી તે એ જ નામે પુસ્તકાકાર પ્રસિદ્ધ થઈ પણ હાલમાં તે અપ્રાપ્ય છે.

લોકપ્રિય કવિ શ્રી દિનકરરાય વૈદ્ય “મીનપિયાસી”એ “પંખીમેળો” અને છોટુભાઈ સુથારે “આપણાં પંખીઓ” નામનાં પુસ્તકો લખ્યાં છે. તેમાં પણ શ્રી આચાર્ય- “વનેચર”ની જ પ્રેરણા કામ કરી ગયેલી. ત્યાર પહેલા શ્રી મનુભાઈ જોધાણીએ બાળકો માટે પંખીઓ ઉપર થોડી પુસ્તિકાઓ પ્રગટ કરેલી.

ભાવનગરના શ્રી પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ પણ પંખીઓના ઊંડા અભ્યાસી. વળી પંખીઓ પાળવાનો શોખ તેમને વારસામાં મળેલો. તેમના પિતાશ્રી કંચનરાય દેસાઈએ દુનિયામાં પ્રથમ વાર આફ્રિકાના "Grey Parrot "નું પાળેલી અવસ્થામાં પ્રજનન કરાવેલ. શ્રી પ્રદ્યુમ્નભાઈએ પશુપંખીઓ પર અનેક પુસ્તકો લખ્યાં છે, જેવાં કે “પંખીજગત'', “કુદરતની કેડીએ ભાગ ૧-૨” વગેરે. આ ઉપરાંત તેમણે શિકાર કથાઓ પણ લખી છે. તેમનું “પંખીજગત' હવે અપ્રાપ્ય છે.

આ ઉપરાંત આધુનિક સમયમાં જુદા જુદા સામયિકોમાં ઘણા લેખકોના પંખીઓ વિશે લેખો પ્રસિદ્ધ થતા રહે છે.

(ગીર ફાઉન્ડેશન, અમદાવાદના ‘સૃષ્ટિ’ સામાયિકના ડિસેમ્બર, ૧૯૯૮ના અંકમાંથી સાભાર ઉધૃત)
[પાછળ]     [ટોચ]