[પાછળ] |
જમીનદાર-૧ લેખકઃ સુન્દરમ્ બપોર હતા.
ખેતરમાં શેઢો ખોદતાં ખોદતાં માનાજી ઘડીક અટક્યો અને કોદાળાના હાથા પર હથેલી ટેકવી ટટાર થયો. કપાળ પરથી તેણે પરસેવો લૂછ્યો. માથે ફાળિયું ઠીક કર્યું અને પોતાની ઉઘાડી છાતી પર બાઝેલા પરસેવાનાં ટીપાં તે જોઈ રહ્યો. તેણે સહેજ ઊંડો વિસામાનો શ્વાસ લીધો અને ચારે તરફ નજર ફેરવી. તેણે જોયું કે બપોર થઈ ગયા હતા. સૂરજનો તડકો સોનાચાંદી જેવો રેલાતો હતો અને તે તડકામાં મઝાના સીધા ચાસ પાડીને ખેડેલી ખેતરની કાળી પીળી જમીન કોક ભવ્ય દીવાનખાનાની ભાતીગળ ફર્શ જેવી શોભતી હતી. ખેતરની ચારે બાજુ થોરની વાડ હતી અને તેમાં થોડા થોડા અંતરે પીલુડીઓ હતી. વરસાદને લીધે બધાં લીલાછમ થઈ ગયાં હતાં, પીલુડીઓનાં ઝીણાં ઝીણાં પાંદડાંઓની ઘટા તડકામાં શાંત ઢળેલી હતી. થોરિયા સ્થિર પાંદડાંએ અભેદ્ય દીવાલ જેવા ઉભા હતા. પવનની એક લહેરખી આવી. થોરિયાઓનો એક સુસવાટો થયો. પીલુડીઓ ડોલી રહી, અને છાતી પર ઠંડક અનુભવતાં માનાજીએ ફરીથી આનંદનો એક શ્વાસ લીધો અને કૃતાર્થતાથી ભરેલી એક નજર તેણે ચારે બાજુ ફેરવી. શી મઝાની વાડ લહેરે છે! ભગવાનની મહેર જેવી લીલીછમ યારે શેઢે રક્ષણ કરવા ઊભી છે. અને ખેતર કેવું હથેલી જેવું ચોખ્ખું છે! જાળાં ઝંખરાં કે ખહલાનું નામ ન મળે! આ તો માનાજીની નગદની ખાણ હતી. વરસોવરસ એમાંથી સારો પાક ઊતરતો. દેવામાં ખેંચાઈ ખેંચાઈને તેને બીજાં બે ખેતર તો માંડી આપવા પડ્યાં હતાં. પણ જે આ એક રહ્યું હતું તેમાંથી તેના આખા ઘરના રોટલા નીકળતા અને વાણિયાનું થોડું દેવું પણ ભરાતું. માનાજી આ ખેતરની સારવાર પોતાના બાળકની પેઠે કરતો અને માતાજીની રહેમ રહે તો હવે આમાંથી જ બધું દેવું પતવી દઈ પોતે છુટ્ટો થઈ જવા માંગતો હતો. એને ઊંડે ઊંડે એ પણ વિશ્વાસ હતો કે આ મારું પીલુડિયું મને પહેલાંનાં ખેતર પાછાં લાવી આપશે. ખેતરને ચારે શેઢે સોનેરી રૂપેરી તડકામાં લીલુડી પીલુડીઓ પવનમાં લહેરાતી હતી, કેવી લહેરાતી હતી! માનાજી મલકાયો અને તેણે બમણા જોરથી કોદાળો ઊંચક્યો. ખેતીના કામ માટે મજૂરો કરવા જેટલી તો તેની સંપત ન હતી. એટલે જાતે જ તેણે શેઢો ખોદવા માંડ્યો હતો. બે ચાસ જેટલી ખેડાણ જમીન વધે તો ય નહિ નહિ તો અધમણ દાણાનો ફેર પડી જાય, તેનું મગજ આછી-પાતળી ગણતરી કરતું હતું. હા, ઢોરનો ચારો ઓછો થઈ જશે ખરો! એના બળદ તો એને જીવ જેવા વ્હાલા હતા. પણ... પણ... જાણે એ શંકાનો જવાબ આપતા હોય તેમ તેના પેટમાં ભૂખ ઊપડી. તેની નજર સામા છીંડા તરફ વળી. ઘરવાળીને રોટલા લઈ આવવાનો વખત તો થઈ ગયો હતો. આ છાંયા તો પગનાં મૂળમાં પહોંચી જવા આવ્યા. ચાલ જીવ, રોટલા આવે ત્યાં લગી જે ચાર પાંચ હાથ ખોદાય તે ખોદી નાંખું એમ વિચારી તેણે કોદાળો ઉપાડ્યો. તેનો ઉપાડેલો કોદાળો અદ્ધર જ રહી ગયો. સામેના છીંડામાંથી શરીરે એકલી પોતડી પહેરેલો એનો બાર વરસનો છોકરો દોડતો આવતો દેખાયો. માનાજીની ભમર સંકોડાઈ, આ શું? માને બદલે છોકરો! શું થયું હશે? છોકરો હાંફતો હાંફતો માનાજી પાસે આવ્યો. માનાજીને શંકા-કુશંકાઓ થવા લાગી. પોતડીનો છેડો આમળતાં આમળતાં છોકરો બોલ્યો: ‘બાપા, ચાલો ચાલો ઘેર.’ ‘શું છે તે?’ માનાજીને અધીરાઈ થવા લાગી. ‘છે તે બાપા, મોહન શેઠ છે તે બોલાવે છે.' માનાજીને કાંઈ સમજ ન પડી. હમણાં વાણિયો શું માંગે છે? કંઈ ન સમજતાં માનાજી મૂંઝાયો. કોદાળાને ખભે ચડાવીને એણે પીલુડી પર નાંખેલું અંગરખું હાથમાં લીધું, જોડા પહેર્યા અને ચાલ્યો. છોકરો આગળ દોડતો હતો. ‘બાપા જલદી હેંડો, જલદી.' માનાજી જ્યારે મોહન શેઠના ફળિયામાં દાખલ થયો ત્યારે ત્યાં એક ચકચકતી મોટર પડી હતી. મોહન શેઠના ઘરના પથ્થર જડેલા ઓટલા ઉપર બીજા ઠાકરડા અને પટેલિયા બેઠા હતા. ઓટલા પાસે વીસ પચીસ જણના જોડા પડ્યા હતા. શેઠનો અંદરનો બેઠકનો ઓરડો બીડીઓના ધુમાડા અને માણસોની વાતોથી ધૂંધવાતો હતો. માનાજીને કશી ગમ ન પડી કે આ શો મામલો છે. ઓટલા પર બેઠેલા એક જણે કહ્યું, ‘જા ભાઈ, અંદર જા, તું તે ક્યાં ઊપડી ગયો હતો ?’ ‘ખેતર હતો.' ‘હા ભાઈ, ખેડ કરનારો તો તું એકલો જ.’ પણ તે કટાક્ષનો જવાબ આપવાની સ્વસ્થતા માનાજીમાં ન હતી. જોડા કાઢી માનાજી ઓરડામાં પેઠો. મોહન શેઠ બોલ્યા: ‘આવ ભાઈલા, આવ. તારી તે ક્યાં શોધ કરાવીએ? લે બેસ. હવે ક્યાં હતો તે કહી વખત બગાડવાનો નથી. આમે ય બપોર તો થઈ ગયા. જો વાત એમ છે કે...' અને માનાજી શેતરંજી મૂકી ભોંય પર નીચે બેઠો ન બેઠો ત્યાં શેઠે નીચે પોતાની વાત પાથરવા માંડી: ‘જો વાત એમ છે કે, તને ખબર તો હશે જ..’ માનાજીનું કાળજું ફફડવા લાગ્યું. આ નવી શી આફત આવવાની છે..? ‘જો તને ખબર તો હશે જ કે આ આપણા ગામની સીમમાં આ શહેરના લોકો એક સોસાયટી ઊભી કરવા માગે છે, એટલે કે, બંગલા બાંધીને રહેવાનું. તે ગામની આસપાસની જમીનોનો સોદો કરવા આ શેઠ આવ્યા છે. આ બધાએ પોતપોતાનાં ખેતર તો આપવા માંડ્યાં છે. હવે બોલ તારે ય આપવું છે? ' માનાજી આ માગણીથી ચોંક્યો. અને આનંદની વાત ગણવી કે શોકની તે તેને સમજાયું નહિ. ઘડીભર તેનું મગજ સુમ્મ થઈ ગયું. થોડી વારે તેના મનમાં વિચારો આવવા લાગ્યા. ખેતર વેચી દેવું? પછી શું કરવું? આટલી મહેનત લઈ સોજું કરેલું, ખેડેલું ખેતર. તે આપી દેવાનું? માનાજીને કશો જવાબ ન જડ્યો. તે સૂનમૂન બેસી રહ્યો. શેઠ ગરજ છતાં ગરજ ન દેખાડતાં કહ્યું. ' ‘લે હવે, બોલ? કેમ શા વિચારમાં પડી ગયો છે!' ‘એમ કંઈ જવાબ અપાય શેઠ, નાસતાં નાસતાં?” માનાજી ધીરેથી બોલ્યો. ‘એમ કે?’ શેઠ ખંધાઈથી હસતાં બોલ્યા. ‘હા, ભાઈ, બેસીને વિચાર કર, બરાબર બેસીને.' અને ફરીથી હસ્યા. આજુબાજુનું વાતાવરણ મૂંઝવનારું હતું. શહેરમાંથી આવેલો શેઠ તો અમીરી અદાથી બેઠો હતો. ગામના કેટલાક લોકો તો બહુ જ ઉમંગમાં જણાતા હતા. એ બધામાં પોતે કેટલો હીણો મૂંજી જેવો દેખાતો હતો. પણ ઘરવાળીને પૂછવું જોઈએ. એકનું એક ખેતર... તેના હાથનો નખ ટેવ પ્રમાણે ભોંય ખોતરવા ગયો, પણ ત્યાં તો શેઠે પથ્થર જડાવી દીધા હતા. તે ભોંઠો પડ્યો, અસ્વસ્થ થયો. ‘જો ભાઈ!’ શેઠ વળી બોલ્યા. તેમના અવાજમાં મુરબ્બીવટ હતી. ‘બહુ વિચાર કરવા સારા નહિ. અમે વિચાર કરનારા બેઠા જ છીએ ને? તને લાભ થાય એમ જ કંઈ કરતા હઈશું ને? આ બધાએ હા પાડી છે. અને પૈસા તો તેં ધાર્યા નહિ હોય એટલા મળશે. ન્યાલ થઈ જઈશ.' માનાજીનું મન કલ્પનાએ ચડ્યું. કેટલા રૂપિયા? પાંચસો? સાતસો? દેવું પતી જાય એટલા? ‘આ ઉચ્ચક હિસાબ કરતાં ત્રણેક હજાર રૂપિયા તને મળે. પછી બીજે જમીન લેવી હોય તો કાં નથી લેવાતી? અને હવે તો તારી લાલિયો મોટો થશે. એને એકાદ હાટડી મંડાવીશું તો ય અહીં તો ચાલશે.’ માનાજી પર પ્રલોભનો વરસી રહ્યાં. ‘પૈસા! જમીન! હાટડી! આજ લગી એ બધું એના જગતમાં નહોતું. એણે કે એના બાપદાદાએ ભાગ્યે સો રોકડા રૂપિયાને એક સાથે હાથ અડાડ્યો હશે. જમીન તો હતી, પણ આમ એના સોદા કરવાની તેને કલ્પનાયે ન હતી. અને હાટડી! એ વાણિયાશાહી પૈસાનું જગત, એનો ને પોતાનો કે પોતાના છોકરાનો મેળ તે કેમે ય મેળવી શકે તેમ ન હતું, પોતાનો છોકરો દુકાન ચલાવે! ના ના. છતાં આવા આંજી નાંખતા ભવિષ્યની સામે બીજો વિચાર કરી ન શકાય તેટલી તેનામાં બુદ્ધિ કે શક્તિ ન હતી. ‘લે બોલ! લે બોલ.’ શેઠનો અવાજ તેના મર્મને ટાંકણાની પેઠે ટોચી રહ્યો હતો. તેણે સૂનમૂન મગજે હા પાડી દીધી. તરત ખતપત્ર થઈ ગયાં. ઘેર જઈને જયારે માનાજીએ વહુને જમીન વેચ્યાની વાત કરી ત્યારે ઘડીવાર તો તેના માન્યામાં જ ન આવ્યું. ભેંસને નીરવાનો ઘાસનો કલ્લો તેના હાથમાં ૨હી ગયો. માનાજી રૂપિયાની બીજી જમીન લેવાની, હાટડી માંડવાની વાતો પોપટની પેઢે બોલી ગયો. પણ તેથી તે વહુને જમીન વેચ્યાની બાબતમાં સંમત ન કરી શક્યો. ‘આપણને રૂપિયા જાળવતાં ન આવડે. બીજે જમીન લઈએ તે તો પાછો બીજો ભવ માંડવા જેવું થાય. અને આ ટચુકડો લાલિયો હાટડી માંડી આપણને કમાવશે ? હશે, રામજી રામજી, નસીબમાં લખ્યું હશે તે થશે!’ કપાળ ફૂટી તેણે ભેંસને ચાર નીરી. જમીન વેંચનારાખોને થોડા જ વખતમાં રૂપિયા મળી ગયા. આખા ગામમાં જમીન વેચાયાનો ઉમંગ વ્યાપી ગયો. જેમની વેચાઈ ન હતી, કે જેમને વેચવાની જમીન જ ન હતી તેવાઓ પણ કોક અપૂર્વ ઉત્સાહ અનુભવવા લાગ્યા. મોહન શેઠની દુકાન એ આ પૈસાની કામચલાઉ બૅન્ક બની. જોતજોતામાં મોહન શેઠ ઘણા મોટા બની ગયા. લોકોએ પોતપોતાના ખેડેલાં, અણખેડેલાં ખેતરો નવી ‘સિસોટી’ ને સોંપી દીધાં અને નવરા પડી પરબડીએ કે ચોરે બેસી ભવિષ્યની વાતો કરવા લાગ્યા. પણ આ સાલ તો હવે નવી જમીન લેવાની કે નવો ઉદ્યમ કરવાની તક રહી ન હતી અને પૈસા આવ્યા હતા એટલે લોકોએ બહુ જ ઠંડા પેટે ચોમાસું ગુજારવાની શરૂઆત કરી. માત્ર કોક કોક લોકો આસપાસનાં ગામોમાં સહેજ આંટાફેરા કરી આવતા હતા. સદીઓથી વવાતી આવેલી જમીન આ વરસે પહેલી વાર વવાયા વગરની રહી. પહેલા છાંટા પડી ગયા પછી ઝીણું ઝીણું કુમળું ખહલું ઊગી આવ્યું અને એમાં ક્યાંક ક્યાંક ગઈ સાલ વાવેલા પાકના ખરી પડેલા દાણામાંથી રડ્યાખડ્યા નવા છોડ ઊગ્યા. એ વંધ્ય રહેલી ધરતી માટે અફસોસી બતાવતો પવન એ કુમળા અંકુરો ઉપર પોતાના આશ્વાસક હાથ ફેરવી રહ્યો. અને એમ ચોમાસું વીતવા લાગ્યું. ખેતરોમાં ક્યાંક ક્યાંક મોટું ઘાસ ઊગી નીકળ્યું હતું. ખેડૂતોનાં ઢોર તો ચરવા આવતાં હતાં. ગામના લોક કદી કદી ખેતરો તરફ આંટા મારતા હતા અને આ પોતાની સુની પડેલી જમીન જોઈ વિચિત્ર લાગણી અનુભવતા હતા. માનાજી પણ બધાની પેઠે પોતાના ખેતરની અંદર ફરી જતો, એનું ખેતર તો ઘણું સારું હતું. એટલે માત્ર શેઢા પર જ ઘાસ ઊગ્યું હતું. ખેતર વેચાયું છતાંયે તે હજી તે જ જુની મમતાથી ખેતરમાં ડગલું મુકતો અને આવી તૈયાર કરેલી જમીન વાવ્યા વગરની રહી જશે, બધી મહેનત ફોગટ જશે એવો અફસોસ કરતો. એને થયું લાવ મોહન શેઠને પૂછું કે આ ચોમાસું અંદર બાજરી વાવી ખાવા દે તો શું ખોટું? વરસાદના દાણા તો નીકળી જાય? બીજે દિવસે સવારના માનાજી મોહન શેઠને ત્યાં પૂછવા ગયો. ત્યારે શેઠે તેને તોછડાઈથી જવાબ આપ્યો: ‘હજી જમીન કાળજે ચોંટી ૨હી છે? એ જમીન કાંઈ દાન આપવા નથી લેવાઈ, અને તારે શી ચિંતા છે?” પણ શેઠે એકાએક બોલવાની ઢબ બદલી. “જો ભાઈ, એમ છે કે હવે મકાનો બાંધવાનું શરૂ કરવાનું છે. તે ક્યાંથી વાવણી કરવા દેવાય? બાકી મને તો થાય છે કે ઓણનું ચોમાસું તમે વાવી ખાવ તો શું? પણ જોઈશું, હવે તું કાલે આવજે, આપણે જરા હિસાબ કરી લઈએ અને કંઈ જમીન કે હાટડીનું ગોઠવીએ.' માનાજી મૂંઝાતો ઘેર આવ્યો ત્યારે તેની વહુ ધૂંઆપૂંઆ થતી ઓટલે બેઠી હતી. એની પાસે ચાદરમાં વીંટેલું દાતરડું પડ્યું હતું, માનાજીને જોઈ તેને ચાદર અને દાતરડું ઉપાડી તેના પગ આગળ ફેંક્યાં. ‘આ લો તમારી કમાઈ!' અને કોક અદૃશ્ય વ્યક્તિને તે છૂટા મોંએ ગાળો દેવા લાગી. ‘પણ શું છે?’ માનાજીની મૂંઝવણ વધી. ‘શું છે તે જાઓ ચાર લઈ આવો, ભેંસને ખવડાવવી હોય તો.’ 'તે તને શું થાય છે ચાર લઈ આવતાં’ ‘કોગળિયું!’ કહેતાં તે રડી પડી. થોડી વાર પછી પાલવથી આંસુ લૂછતાં તે બોલી. ‘જાવ હવે. ખેતરાં વેચીને માલદાર થયા છો તે ચારનું ગાડું વેચાતું લઈ આવો.' ‘પણ આટલી મોટી સીમ પડી છે ને ?’ ‘આપણી સીમ છે? જાવ તો ખરા. એક કલ્લો ચાર તો લઈ આવો! મોટા ખવ્વીસ જેવા પઠાણ બેસી ગયા છે. આજ કોઈને ય ચાર ના લેવા દીધી. બધાંયનાં ઢોર પણ હાંકી કાઢ્યાં.’ માનાજીમાં આશ્ચર્ય પામવાની શક્તિ ન રહી. તેનામાં ઝનૂન ઊછળી આવ્યું. પોતાનું ખેતર પારકાની માલિકીનું બન્યું છે એમ તે પોતાની જાતને હજી લગી મનાવી શક્યો જ નહોતો. પોતાના હક્ક ઉપર કોઈએ તરાપ મારી હોય એમ તેને લાગ્યું. ‘કૂણ છે રોકનારો આપણને? ઈની બૂનને હાહું કરું!' કહી તેણે દાંત કચકચાવ્યા. તેના શરીરમાં વેગ આવ્યો. તેણે બારણાના કોલામાં પડી રહેલી ડાંગ ઉપાડી અને ખભે મૂકી ચાલવા મંડ્યો. 'ક્યાં જાઓ છો ?” વહુ બોલી ઊઠી. તેને ફાળ પડી કે વળનો માર્યો એ કંઈક કરી બેસશે. ‘એ ઊભા રહો...ક... તમને.’ તે લાલિયાના સમ દેવા જતી હતી પણ તે પહેલાં તો માનાજી ઘણે દૂર ચાલ્યો ગયો. હાંફળીફાંફળી તે લાલિયાને શોધવા દોડી. લાલિયો એક ભીંતને કરે બેઠો બેઠો ભીની માટીમાંથી બળદ અને હળ બનાવી. રમતો હતો. ‘દોડ કે લ્યા, તારા બાપાને બોલાવી લાવ તો.’ લાલિયો દોડ્યો. તેણે જઈને બાપાના અંગરખાની ચાળ પકડી. ‘બાપા... હેંડો! મા તમને બોલાવે છે.' માનાજીએ ઝડપથી ફરી તેને એક અડબોથ લગાવી દીધી. ‘જા જા હવે માવાળી.' એ ઝડપથી ચાલ્યો ગયો. લાલિયાને પડતો માર વહુએ જોયો હતો. તે માનાજીનો મિજાજ ઓળખતી હતી. લાલિયાને પંપાળી છાનો રાખી તેણે કહ્યું: ‘લે બેટા, જો આ ખહલું વેરાયેલું પડ્યું છે તે ભેગું કરી ભેંસને નાંખ. હું સીમમાં જઈ આવું છું.' અને ચાદરમાં વીટેલું દાતરડું માથે નાંખી તે ઝડપથી માનાજી પાછળ ચાલી. માનાજી ગરમ મગજે ચાલતો હતો. ખેતરમાંથી ચારે ય ના લેવા દે? એવો તે કોણ મોટો થઈ ગયો? ખબર પાડી દઉં છું આ....' પણ તે ગામની ભાગોળે નીકળ્યો ત્યારે સામેથી બે પોલીસ આવતા તેની નજરે પડ્યા. તેઓ કશીક વાતચીત કરતા તેની પાસેથી પસાર થઈ ગયા. પોલીસના દર્શને જ તેને કંઈક ટાઢો કર્યો અને તેના પગમાંથી ઝનૂન ઓછું થયું. સીમમાં પહોંચતાં એને બેચાર પઠાણ આમતેમ ફરતા દેખાયા. તે પોતાના ખેતર પાસે ગયો. પાસેના ખેતરમાં એક પઠાણ હતો તેણે પોકાર કર્યો: ‘કૌન હૈ વૌ?’ માનાજીએ પોતાના એના પોતાના જ ખેતરમાં એની જિંદગીમાં કોઈએ પહેલી વાર પડકાર્યો, તેને પહેલી વાર ભાન થયું કે આ ખેતર મારું નથી. માનાજીને ગળે ડૂમો ભરાયો. તેણે જવાબ ન દીધો. પઠાણે ફરી પડકાર કર્યો. ‘સુનતા નહિ કૌન આયા હૈ વૌ?’ માનાજીએ ખુંખારો ખાધો અને ધીમા સાદે બોલ્યો. ‘કોઈ નથી.' પઠાણ ઉપર હાથ અજમાવવાની તેની ચળ અગમ્ય રીતે સરી ગઈ. કોઈએ તેને પગમાંથી વાઢી નાંખ્યો હોય તેવું તેને લાગ્યું. જે ખેતરમાં આજ લગી તે ગર્વભેર જતો ત્યાંથી તે ઓશિયાળો બની બહાર નીકળ્યો. ખભા પર રહેલી લાકડી તેના હાથે આપોઆપ નીચે લટકતી કરી દીધી. તે ખેતરની બહાર નીકળ્યો તો છીંડા આગળ તેની વહુ ઊભી હતી. માનાજી નવાઈ પામ્યો. વહુ તેને જોઈ મંદ હસી, માનાજી બોલ્યો: ‘આમ પાછળ હીંડી આવી છે?‘ કંઈ નહિ' અને પડોશના ગામનું નામ દઈ બોલી, ‘આ રામપરાની સીમમાંથી મેંકુ થોડી ચાર લઈ આવું.' ‘સારું જા. વહેલી આવજે.', અને માનાજી ગામ ભણી વળ્યો. તેને પાસે થઈને પસાર થતો જોઈને. પઠાણ કંઈ સમજ્યો અને બોલ્યો : ‘ક્યા ઠાકોર, યે ખેતર તુમ્હારા થા ?' ‘હોવે ! માનાજીએ ટૂંકો જવાબ આપ્યો. ઘર તરફ વળતાં એને થયું કે મોહન શેઠને કહી દઉં કે રૂપિયા પાછા આપી દઈ મને ખેતર પાછું અપાવે. તે મોહન શેઠના ફળિયામાં પેઠો. બીજા બેચાર જણ એક જણને ઓટલે બેઠા હતા. તેમણે માનાજીને બોલાવ્યો. ‘આવો, આવો, માનાજી, કેમ શું કરવા ધાર્યું છે હવે ? કંઈ જમીનબમીન ગોતી કે નહિ ? ‘આ એ જ કરીએ છીએ હવે.' મરડમાં બોલી તે થોભ્યા વગર મોહન શેઠના ઘેર ગયો. મોહન શેઠ કૉલરવાળું ખમીસ અને નવી કાશ્મીરી ટોપી પહેરી નામું લખતા હતા. માનાજીને જોઈ તે બોલ્યા: ‘લે ઠીક કર્યું. હું તને જ બોલાવવાનું કરતો હતો. બેસ’ માનાજી બેઠો. શેઠ બોલ્યા: ચાલ, ત્યારે આપણે હિસાબ કરી નાંખીએ અને પછી કંઈક તારો વિચાર કરીએ.’ ‘હો’ માનાજી બોલ્યો. મારું ખેતર પાછું આપી દો. મારે વેચવું નથી. એવા શબ્દો તેના ગળામાં આવી આવીને અટકી જવા લાગ્યા. તેણે મનને બહુ વળ આપ્યો પણ તેની જીભ ઊપડી નહિ, ને મહાપ્રયત્ને બોલ્યો: ‘પણ શેઠ...' ‘કેમ ?' ‘કંઈ નહિ, મેં કુ, જરા...’ તેણે ખુંખારો ખાધો. મોહન શેઠ તેના મોં તરફ જોઈ હસ્યા. સીમમાં પઠાણ બેસાડનાર એ પોતે જ હતા. માનાજીના મનની વાત જાણી ગયા હોય તેમ તે પોતે જ બોલ્યા: ‘કેમ કંઈ વિચાર ફર્યો છે? જમીન પાછી લેવી છે? અરે ગાંડા, જોજે એવા વિચાર કરતો. જીવતા રહેવું છે કે પછી... જો એ તો આખો પ્લોટ ગોઠવાઈ ગયો. હવે તું તારે લહેર કર, લહેર.' કહી મોહન શેઠે જૂનો હિસાબ કાઢ્યો.. જમીનના લગભગ સવા ત્રણ હજાર રૂપિયા આવ્યા છે, સાંભળી માનજીનું મગજ ચક્કરે ચડ્યું. અધધધધ એટલા બધા! પછી મોહન શેઠે પોતાના લેણાં પેટે એમાંથી અર્ધા ઉપરની રકમ જમા લઈ લીધી અને કહ્યું: ‘જો હવે આ પંદરસેકના આશરે રહ્યા છે તેનું તું કહે તેમ કરીએ. કહે તો જમીનનો વળ ઉતારીએ, પણ તે આ ફસલ પછી થાય. કહે તો કાંઈ હાટડી કરીએ. આ હવે તો અહીં વસ્તી થશે. તારો લાલિયો લખે - ગણે એવો તો થયો છે. એક નાનકડી હૉટલ અને અંદર પાનબીડી અને બિસ્કિટ, ખાટીમીઠી. એવું રાખવાનું. આ બસેંમાં તો હાટડી ઊભી થાય, આ અમારું રસ્તા પર ઘર છે તે તને ભાડે આપીશું. તારે કશી ફિકર નહિ રહે અને છોકરાને મહિનો માસ અમારી દુકાને મોકલજે તે બધી વાતથી ભોમિયો કરી દઈશું. આપણે ઝાઝું નહિ લઈએ.’ ‘તમને ઠીક લાગે તે ખરું?’ જમાના જૂના અંધ વિશ્વાસથી માનાજી બોલ્યો. હા, હમણાં ખેતર તો ક્યાં મળવાનાં છે? અને છોકરાને શેઠ તૈયાર કરશે પછી શો વાંધો છે? મનમાં આડાઅવળા વિચાર ગોઠવતો માનાજી ઘેર ગયો. ચારની એક ફાટફાટ ગાંસડી ઓટલા પર પડી હતી. ઘરમાંથી ધુમાડો નીકળતો હતો. આંગણામાં બાંધેલી ભેંસ આતુરતાથી ચાર ભણી જોતી હતી. માનાજીએ ચારનો કલ્લો લઈ ભેંસના મોં આગળ ધર્યો. ભેંસે સાપની ફેણ જેવી જીભ કાઢી કલ્લો લઈ લીધો અને આતુરતાથી બીજા હપ્તાની રાહ જોવા લાગી. બીજો કલ્લો માનાજીના હાથમાં થંભી ગયો. તેને કંઈક યાદ આવ્યું. શહેરમાં ઘોડાગાડીવાળા આમ કલ્લોકલ્લો પાસ પોતાના ઘોડાને ખવાડતા તેણે જોયા હતા. અરે પાજી, એવડા એ કેટલીક વાર તો તરણુંતરણું ખવાડતા હતા! આજે પોતે પણ આમ ભેંસને કલ્લો આપ્યો! હેં! તેણે ઊભા થઈને ભેંસના મોં આગળ આખી ગાંસડી છોડી નાંખી. આનંદનો ફૂંફાડો મારી ભેંસે મોઢું ચાલુ કર્યું. માથે લૂગડું સમું કરતી અને મોતી જેવા દાંતે હસતી માનાજીની વહુ બહાર આવી. ‘બધી ચાર નાંખી દીધી કે? સાંજે શું ખાશે?’ કહી તેણે અર્ધીએક ચારને ભેંસના મોં પાસેથી ખસેડી લઈ ભેંસ ન પહોંચે તેટલે દૂર નાખી. પાસે પડેલી ચાર ખાવામાં મચેલી ભેંસને એ ધ્યાન ન રહ્યું. અને વહુએ ઘડેલા રોટલાને ખાતાં ખાતાં, નાકમાંના કાટાં સાથે રમત કરતા પોતાની વહુના હાથને જોતાં જોતાં તેણે મોહન શેઠે કરેલી હાટડી માંડી આપવાની બધી વાત કરી. અને મોહન શેઠે પોતાને ત્યાં એક મહિનો લાલિયાને વૈતરાની ઉમેદવારી કરાવી, તેના ‘ટ્યૂશન'ના પચીસ રૂપિયા માનાજીને ખાતે ઉધારી, માનાજીને દુકાન માટે પોતાનું મકાન ભાડે આપી, બધો માલસામાન પોતાને ત્યાંથી સવા દોઢી કિંમતે ઉધારીને ભરી આપી, ‘અંબિકા વિજય હિન્દુ હોટલ’ મંડાવી આપી, અને મંડાવતાં મંડાવતાં કહ્યું: ‘અલ્યા, તારી માનું નામ પણ આમાં આવ્યું છે. જા, બેડો પાર!' અને માનાજીની વહુ અંબા હોટલના એક ગોખલામાં વાઘ ઉપર સવારી કરેલાં અંબાજીની છબી, એક પાણીછલું નાળિયેર અને ઘીનો દીવો મુકી ગઈ. ઘૂંટણે પાલવ પાથરી માને પગે લાગી અને માંગ્યું કે, “મા મારી, હેમખેમ રાખજે, તારે ખોળે છીએ.’ લાલિયાએ મઘમઘતી અગરબત્તી સળગાવી ગોખલા પાસે મુકી. એક નાળિયેર વધેરી લોકોમાં વહેંચવામાં આવ્યું. |
[પાછળ] [ટોચ] |