[પાછળ]
જમીનદાર-૨

લેખકઃ સુન્દરમ્

લાલિયો થોડુંક ભણ્યો હતો, પણ દુકાન ચલાવી શકે એટલું નહિ. એટલે હોટલની ચિંતા ખરેખરી તો માનાજીને માથે ઊતરી. એક રીતે તો એ સારું થયું. નવરા પડેલા માનાજીને કંઈક કામ મળ્યું. જોકે દુકાનનો મદાર તો લાલિયાની જે કાંઈ હોશિયારી હોય તેના ઉપર જ રહેવાનો હતો.

લાલિયાએ એક ચોપડી બનાવી તેમાં હિસાબ રાખવા માંડ્યો. માનાજી ચાની સગડી તૈયાર કરતો, પ્યાલા સાફ કરતો અને બીજી લે-મૂક કરતો. ખાસ કરીને તો તેની વરણના લોક તેને ત્યાં ચા પીવા, બીડી લેવા તથા બીજી પરચૂરણ વસ્તુઓ લેવા આવતા થયા. ‘હાલો આપણા લાલિયાની દુકાનેથી લઈ આવીએ.' એક ઠાકરડાએ હાટડી, ના ના હોટેલ કાઢી છે. એ જ વસ્તુ એમને માટે મહાગૌરવની હતી.

મોહન શેઠને ત્યાંથી સહેજ ઘરાકી ઘટી. કોઈ કહેતા કે, “શેઠ તમે આ કોળાને ક્યાં ચડાવી મારો છો? જોજો, છાણે વીંછી, ચડાવ્યા જેવું ના થાય!' પણ મોહન શેઠ પૂરા સ્વસ્થ હતા. ‘અંબિકા વિજય હિન્દુ હોટલ’માં એમનો જ માલ વેચાતો હતો ને? અને બજાર કરતાં ઘણાં વધારે ભાવે તેમણે તે વેચ્યો હતો, શેઠ દહાડામાં એકાદ વારે હૉટલ તરફ ફેરો કરી જતા. ‘કેમ ઠીક છે ને? જરા ધ્યાન રાખજે. ઉધાર બહુ આપવું નહિ. અને આપે તો બરાબર હિસાબ રાખવો.’ એવી શિખામણ આપતા.

પણ હોટલની ઘરાક વસ્તી એવી હતી કે જેની પાસે રોકડ રકમ મોટે ભાગે રહેતી જ નહિ. ઘણોખરો માલ ઉધાર જ વેચાતો હતો. ઘરની ભેંસનું દૂધ હોટલમાં વપરાતું, જોઈતો નવો માલ મોહન શેઠને ત્યાંથી આવી રહેતો. અને ક્યાં કેવી રીતે ખોટ જાય કે નફો થાય તેનો કોઈ ખ્યાલ નહોતો એટલે હોટલમાં ક્યું પાસું વધે છે તેની માનાજીના ઘરમાં કોઈને ય ખબર ન રહી. હા, માત્ર એક જણને તે ખબર હતી. એ તો બરાબર કાંટાકસ જોખ્યા કરતો હતો.

આ બાજુ ગામની ભાગોળના રંગ બદલાવા લાગ્યા હતા. રસ્તો ઠીક થયો હતો, દોડધામ કરતી લોરીઓ ધૂળના ગોટેગોટા ઉડાડતી હતી. અને ગામનાં છોકરાં નાગપૂગાં રસ્તા પર ઊભાં રહી એ ધૂલિકા સ્નાન કરતાં ‘મોટર આસ્તે, મોટર આસ્તે’ની બૂમો લગાવતાં હતાં. મોટરોને આવતીજતી જોતાં ગામમાંથી આવતાજતા લોકો ધૂળ ગળામાં જતાં આનંદના ખુંખારા ખાતા હતા. પાણિયારીઓ ખાલી કે ભરેલા બેડે રસ્તાની કોરાણે દબાઈને ઊભી રહેતી અને સામી બાજુએ કોઈ ગામનો વડીલ ધૂળમાં ઢંકાઈને ઊભો રહી ગયો હોય તો તેની લાજ કાઢી તે ઘૂંઘટમાંથી તીરછી આંખે મોટરને જોઈ રહેતી હતી. ગામના કૂતરાં થોડા દહાડા આ લોરીઓ પાછળ ભસી ભસીને ખૂબ દોડવા લાગ્યાં, પણ આ પ્રાણી ભેંસ, ગાય, બળદ કે વાંદરું એમાંથી કશું ન જણાવાથી તેની પાછળ દોડવાનું તેમણે માંડી વાળ્યું અને તેમણે એટલી તો બેદરકારી કેળવી કે છેવટે લોરીના રસ્તામાં જ સૂઈ રહેવા લાગ્યાં.

હવે અંબાને ચાર લેવા બહુ દૂર જવું પડતું. ગામની જે એક બાજુએ સીમ હતી ત્યાં અર્ધાએક જેટલા માઇલમાં તો કશું ઘાસ મળી શકે તેમ ન હતું, ચોમાસું ગયા પછી ઘાસ ઓછું થઈ ગયું. તે વાડીમાંથી ખણીખોતરીને બેબે બેબે ગાંસડી ચાર ભેગી કરતી. ખેતરનું કામ તો હવે રહ્યું ન હતું એટલે ઘણીવાર એ સવાર-સાંજ ભેંસ લઈને ચારવા નીકળી પડતી અને આઘેની એક તલાવડીની આસપાસ ભેંસને ચરતી મૂકી તે એકાદ ઝાડની નીચે બેસતી અને કદીક બપોરના ઘડીક ઝોકી પણ જતી, પણ અચાનક દૂરથી મોટર લોરીનો ઘરરર અવાજ સાંભળી એ ઝબકી જતી. તેને થતું કે જાણે તેની છાતી પર જ મોટર ધસી આવે છે.

નવરા પડેલા ગામલોકોને વાતોનો અને કુતૂહલ સંતોષવાનો ઘણો ખોરાક મળવા લાગ્યો. ખરીદાયેલી જમીન ઉપર હાઉસિંગ સોસાયટીનાં મકાનો બંધાવાની શરૂઆત થઈ હતી, ખેતરે ખેતરે ઉભેલી વાડો સાફ થતી હતી. ઝાબવાળાં ખેતરો પુરાતાં હતાં. મકાનોના પાયા નંખાતા હતા. ઈંટો, ચૂના, લક્કડ વગેરેના ઢગલા ખડકાતા હતાં. અને ગામનાં છોકરાં પોતાના ખેતરમાં શું શું થઈ રહ્યું છે તેની ખબર રાખતાં હતા. એ આજે તો વાડ કપાઈ, ખાજે તો ખાડા ખોદાયા. અને જે સંપત્તિમાંથી પોતાને કશી પ્રાપ્તિ નથી થવાની એમ જાણતાં છતાં, આ ભૂમિબદ્ધ થતી સંપત્તિનો ઉદય જોઈ તેઓ કળાકારની તટસ્થતાથી રાચતાં હતાં.

લાલિયાને પણ આ બધું જોવાનું મન થતું, પણ એને તો હવે હૉટલ સંભાળવાની હતી. હવે તો મા-બાપ અને દીકરાને ભેગાં બેસી વાળુ કરવાનું પણ ઓછું બનતું. પણ માનાજી કદી કળશો લઈ નીકળી પડતો અને આ બંધાતી સોસાયટીઓ તરફ એક મૂંઝારાની નજર નાંખી આવતો. હા, હજી પોતાનાં ખેતરની વાડ અને પીલુડીઓ અકબંધ છે એ જોઈ તેને સંતોષ રહેતો. હા, હવે તો પીલુડાં પણ બેઠાં હશે, કેવાં માનાં લાલ લાલ માણેકના કણ જેવાં...!

એક સવારે નવેક વાગે તે કળશો લઈને નીકળી પડ્યો. તે પોતાના ખેતરની અંદર ગયો. આસપાસના ખેતરમાં કામ ચાલુ થયું હતું. પણ હજી તેના પીલુડિયાની પીલુડીઓ અકબંધ હતી. તેણે અર્થો ખોદેલો શેઢો હજી એવો જ હતો. હા, અર્ધાં ઊપડેલાં રોડાં પાણીમાં સહેજ ઓગળ્યાં હતાં. બાકી જેવાં તે ખાડે ખોદતાં ખોદતાં પડી રહેલાં તેવાં જ હજીયે પડ્યાં હતાં.

તે એક મોટી ઘટાવાળી પીલુડી પાસે ગયો. તેના ગોરમાટી જેવા પીળચટ્ટા ખરબચડા થડ ઉપર તેણે હાથ ફેરવ્યો. એ ખરબચડું છતાં સુંવાળું હતું, તેમાં બરછટતા હતી, છતાં તેનો સ્પર્શ તેને પ્રિય લાગ્યો. એના પોતાના હાથ કરતાં તો એ વધારે બરછટ ન હતું જ, અને તેની નજર પીલુડીની ઘટામાં ગઈ. હા, શું મઝાનાં પીલુડાં બેઠાં છે ! હા, લાલ માણેકના કણ જેવાં, ના ના, એના લાલિયાની માના દાંત જેવાં. પીલુડાંનો એક લૂમખો તેના હાથ આગળ લટકતો હતો તે તોડવા તેણે હાથ લંબાવ્યો. પણ તે એકદમ ચમકી પડ્યો.

તેને કોઈ બોલતું સંભળાયું જાણે: ‘કૌન આયા હૈ વો? સુનતા નહિ ક્યા ?’

તેણે આસપાસ નજર નાંખી. કોઈ નહોતું. દૂરના એક ખેતરમાં કેટલાક મજૂરો એક ચૂનાની લારી ઠાલવતા હતા અને તેમાંથી ચૂનાનું નાનકડું વાદળ આકાશમાં ઊડતું હતું. કોઈ નહોતું.

'કેવા ભણકારા વાગે છે મને?’ કહી તેણે પીલુડાં તોડવા હાથ ફરી લંબાવ્યો. પણ તેને કશુંક યાદ આવ્યું. તેનો હાથ ખંભાના સાંધામાંથી કોઈએ ભાંગી નાંખ્યો હોય તેમ લટકી પડ્યો.

‘હવે નથી ખાવા પીલુડાં!' તે બબડ્યો. આ પીલુડીઓ હવે મારી નથી, કોક બીજાની છે એ ભાન તેને થયું. અને તે ત્યાંથી તળાવડી ભણી ચાલી નીકળ્યો. કળશે જઈને તે તળાવડીને કાંઠે આવ્યો અને પાણી પાસે બેસીને સૂનમૂન મગજે કેટલીય વાર સુધી કળશ ઉપર માટી ઘસતો રહ્યો. તે એકાએક ચોંકી પડ્યો.

‘કેમ અહીં આટલે લગી આવ્યા છો ?'

‘હેં!' તે ઝબક્યો. તેણે જોયું તો તેની વહુ તેની પાછળ તેના માથા પર આંબાની ડાળની જેવી ઝઝૂમતી ઊભી હતી. તે બોલી:

‘લાલિયો તમને ક્યારનો ખોળે છે.'

‘જાઉં છું.'

‘તે આમ કેમ સૂનમૂન લાગો છો ?'

‘હું ?” માનાજી જરાક હસ્યો અને એણે અંબા સામે જોયું. ‘અને તું કેમ આમ લેવાઈ ગઈ લાગે છે? હશે, ભેંસ લાવી છે કે?'

‘હોવે. એ પણે ચરે છે.' અને થોડી વારે તળાવની પાળી પર ભેંસ દેખાઈ. માનાજીને જોઈ તેણે હરખનો હુંકાર કર્યો. અને પંછડું ઉછાળતી તેમના ભણી તે દોડતી આવવા લાગી.

ભેંસ ભણી નજર રાખી માનાજી શાંત સ્વરે બોલ્યો: ‘આપણા ખેતરમાં ગયો'તો જરા.’

‘હા, હું ય ત્યાં થઈને આવું છું.' અંબા બોલી અને માનાજી સામે જોયા વગર તેણે કહ્યું: આપણી પીલુડીઓ કપાવા મંડી છે.'

ભેંસ તેમની પાસે આવી ઊભી રહી. તેણે પોતાનું માથું બંનેની વચ્ચે આણ્યું. એમાંથી કોના તરફ વહાલ બતાવવું તેની મૂંઝવણમાં હોય તેમ ભેંસે માથું સીધું ઝૂકાવી રાખ્યું. બંનેએ બે બાજુથી તેના વાંકડિયાળી રૂપાળી શીંગડીઓ પર હાથ મુક્યા. બંને નીચે ભોંય ભણી જોઈ રહ્યાં હતાં. થોડી વારે તેમણે એકબીજા સામે જોયું ત્યારે બંનેની આંખમાં ઝળઝળિયાં હતાં.

ભેંસે એક હૂંફ કરી માથું હલાવ્યું અને તેમની વચ્ચેથી મારગ કરી તે સીધી તળાવના પાણીમાં પેઠી. માનાજી મુંગો મુંગો ઘર તરફ વળી ગયો. પોતાના ખેતર તરફ ખેંચાતી આંખોને દઢતાથી સીધી રાખીને તે ઘેર પહોંચ્યો.

હવે માનાજીનું પીલુડિયું પીલુડિયું રહ્યું ન હતું. તે નંબર ૧૦૩નો એક પ્લૉટ બની ગયું હતું. એ પ્લૉટના માલિકે એમાં મકાન બાંધવાની શરૂઆત કરી હતી.

અત્યાર લગી ખેતર તરફ જેને જરાય રસ ન હતો તે લાલિયાને હવે ખેતરમાં એકાએક રસ લાગ્યો. આપણા ખેતરમાં મકાન બાંધાવા માંડ્યું છે જાણી તેનામાં કિશોરોને સહજ એવાં ઉત્સાહ અને કુતૂહલ પ્રગટ્યાં. હવે તે રોજ ખેતર તરફ ખાંટા ખાવા લાગ્યો. કદી કદી તો બે કલાક જેટલું ત્યાં બેસી રહેતો. માનાજી હોટલમાં બેઠો બેઠો બબડતો : “શું કર્યા કરે છે ત્યાં એવડો એ? પહેલાં ફરકી યે નહોતો મારતો.’

લાલિયો ખેતર ઉપર આવી ત્યાં થતું કામ જોતો અને કામ કરનાર મિસ્ત્રી અને મજૂરોને વાતવાતમાં તે ઉમંગભેર કહેતો કે, ‘આ તો અમારું ખેતર છે.' એ લોકો બહુ તટસ્થતાથી ઠંડે પેટે જવાબ દેતાં: ‘એમ કે?' અને પોતાના કામમાં વળી લાગી જતા.

લાલિયો મકાનના આગળ વધતા કામની રજેરજ નોંધ મનમાં રાખતો અને ઘેર જઈ બધી વાત કરતો. આજે તો પીલુડીઓ બધી કપાઈ ગઈ. એ હજી લાકડાં એનાં પડ્યાં છે ત્યાં. બાપા, આજે તો ગરેડા ખોદાયા છે, આજે તો કાંકરેટ થયું છે, આજે તો પાયા ચણાયા છે.

માબાપ છોકરાની વાતો સાંભળી રહેતાં. અને પછી માનાજી ધીરે રહીને કહેતો, ‘તે તું આટલો બધો શેનો હરખાઈ મરે છે? જાણે તારો બંગલો ન બંધાતો હોય!”

મા કહેતી: ‘હશે છોકરું છે!'

‘હા, છોકરું તો ખરો ને? પણ દુકાનનીયે ભાળ રાખવી જોઈએ ને?'

‘તે હું શું નથી રાખતો એમ’ લાલિયો કહેતો અને મોઢું ફેરવી લેતો.

લાલિયાને આ ખેતર વેચાતું રાખનાર માણસને જોવાનો ઘણો ઉમંગ હતો. એ પૂછ્યા કરતો, ‘શેઠ ક્યાં છે?’

‘એ તો સાંજના આવે છે.'

સાંજને વખતે લાલિયાને હોટલમાં ઘરાકી ઠીક રહેતી. એક દિવસ હું આવું છું જરા.' એમ કહીને હોટલ બાપાને સોંપી તે નીકળી ગયો.

ખેતરની પાસે એક ચકચકતી મોટર ઊભી હતી અને એક ગળા સુધીના કૉલરનો લાંબો કોટ પહેરીને દમામદાર લાગતો માણસ આસપાસ વેરાયેલા સામાનમાં ઊભો હતો. બધા માણસો એની આસપાસ ભેગા થયા હતા. એ જ શેઠ હશે.

લાલિયાને એની સાથે વાત કરવાનું મન થયું. મોહન શેઠ તો તેની આગળ શું વિસાતમાં? કેવો સરળ માણસ છે! એવો શેઠ હોય તો! લાલિયાને થયું કે આને જઈને કહી આવું કે, ‘આ ખેતર તો અમારાવાળું.'

પણ એ ભવ્ય ચળકાટવાળા શેઠ પાસે જવાની તેની હિંમત ન ચાલી. મજૂરો અને મિસ્ત્રી તે રોજ આવતો હતો એટલે તેને ઓળખી ગયા હતા. વાતચીત કરીને મોટરમાં બેસવા જતા શેઠે પોતાના તરફ અતિ આતુરતાથી જોઈ રહેલા આ છોકરાને જોઈ પૂછ્યું : “કોણ છે આ?’

મિસ્ત્રીએ જવાબ આપ્યો: ‘કોઈ નહિ, એ તો આ ખેતરવાળાનો છોકરો.'

‘ખેતરવાળો?’ શેઠ ન સમજ્યા હોય તેમ બોલ્યા અને લાલિયા તરફ જોયા વગર મોટરમાં બેઠા. સહેજ ધૂળ ઉડાડીને મોટર ચાલવા લાગી. મોટર જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેની પાછળ ઊડતી ધૂળના ગોટા વધતા ગયા. લાલિયો તે મૂઢ મને જોઈ રહ્યો.

તેનો ઉત્સાહ એકદમ ઓસરી ગયો. તે ધીરે પગલે હૉટલ તરફ વળ્યો.શિયાળો ઊતરતો હતો. હજી પણ સાંજ વહેલી પડી જતી હતી. લાલિયો ગામમાં પહોંચ્યો ત્યારે અંધારું થઈ ગયું. હૉટલમાં તેનો બાપ તથા મોહન શેઠ તેની રાહ જોઈને બેઠા હતા. મોહન શેઠ બોલ્યા: ‘વાહ ભાઈ, ક્યાં ફરવા નીકળ્યા હતા? આ અમે ક્યારના તારી વાટ જોઈએ છીએ.’

‘ક્યાંય નહિ. એ તો સહેજ ખેતર ભણી ગયો હતો!’

‘ક્યું ખેતર?' મોહન શેઠે પૂછ્યું.

‘કપાળ એનું! આ અમારા પીલુડિયામાં બંગલો બંધાય છે ને ત્યાં આંટાફેરા કર્યા કરે છે!” માનાજીએ કહ્યું.

‘એમ!' કહી મોહન શેઠ મૂછોમાં હસ્યા, ‘બંગલા પર દેખરેખ રાખતા હશે શેઠ !’

લાલિયાએ તિરસ્કારથી મોહન શેઠ સામું જોયું. તેના મનમાં થયું, આને સંભળાવી દઉં કે પેલા શેઠ આગળ તું તો કશી વિસાતમાં ય નથી.

મોહન શેઠ ઊઠ્યા અને ઊઠતાં ઊતાં બોલ્યા, ‘માનાજી, ત્યારે જરા આજે હોટલ વહેલી બંધ કરી બાપદીકરો ઘેર આવી જજો. થોડો હિસાબ કરી લઈએ.'

અને સાંજે ખાઈ-પી બાપદીકરો હિસાબ કરવા મોહન શેઠને ત્યાં ગયા. જે મોહન શેઠને ત્યાં પહેલાં એક આંધળું ફાનસ બળતું હતું. ત્યાં આજે ઝળહળતો લૅમ્પ સળગતો હતો. બહારથી આવનારને આંજી નાંખે તેવી સગવડ શેઠે કરી હતી. શેઠે બાપદીકરા માટે ચા મુકાવી અને હિસાબની વાત શરૂ કરી.

હોટલ માથે આઠેક મહિના થયા. દુકાનનું આટલું ભાડું, તમને ધીરેલા માલના આટલા રૂપિયા, તેનું આટલું વ્યાજ, તથા લાલિયાને ભણાવ્યો તેના આટલા, વળી જમીન વેચ્યાની દલાલીના આટલા, એમ બાપદીકરાએ કદી કલ્પેલી નહિ એવી ભાતભાતની વિગતોના આંકડા બતાવી છેવટે પચાસેક રૂપિયા સિલક રહેલી છે તેમ મોહન શેઠે જણાવ્યું.

બાપ-દીકરાને આ સમજાયું નહિ. બંનેમાંથી એકેને પદ્ધતિસરનો હિસાબ આવડતો ન હતો. શેઠે ધીરેલા માલની વિગત વાંચતાં વાંચતાં કશું સમજાયું નહિ ત્યારે બાપદીકરો એકબીજાની સામે જોતાં અને બેમાંથી એક જણ બોલતું હતું:

‘અંદર લખ્યું છે તે બરાબર જ હશે ને?’

‘હા, ભાઈ, કાંઈ ન સમજાતું હોય કે ભૂલચૂક હોય તો બોલજો પછી કહેશો કે કીધું ના. હિસાબની વાત છે. ભૂલચૂક લેવાદેવાની એક નહિ એકવીસ વાર.’

બાપ દીકરો ‘હો.’ ‘હો.' કરતા ગયા. હિસાબ સંભળાવ્યા પછી ચોપડો બંધ કરી મોહન શેઠ બોલ્યા:

‘ત્યારે ભાઈ, હવે તમે હિસાબ સાંભળી લીધો ને? તો જુઓ હવે ફસલ ઢૂંકડી આવે છે. ઓણનું વરસ સારું છે. પાક સારો છે. મને આ દુકાન તો બહુ સાંકડી પડે છે. એટલે બીજી કાંઈ સગવડ કરવી જોઈશે ને? હેં? કાં તો તમે દુકાન ખાલી કરી આપો. હા, નહિ તો થોડું વધારે ભાડું આપવું પડે તમારે, પણ હું તમને વધારે ખર્ચમાં ઊતરવાની સલાહ ના આપું. આ તમે બીજે કોક ઠેકાણે હાટડી માંડશો તો ય દુકાન ચાલશે. હવે તો લાલિયો પાવરધો થઈ ગયો છે ને? કેમ ભાઈ, બોલ ને? થોડા પૈસા જોઈશે તો હું ધીરીશ! અને આ તમે ય કમાયા તેમાંથી હવે તો મોટી દુકાન થશે. તે સરસામાન લેવા જવું હોય તો કહેજો. હું શહેરમાં આવીશ અને આ તમારા રૂપિયા થોડાક પડ્યા છે તે જોઈએ ત્યારે લઈ જજો! લો, આવજો ત્યારે. અને કાલ પરમ દી આપણે દુકાનનું હવે નક્કી કરી નાંખવાનું છે, હોં કે ?... અરે, ઊઠ્યા તમે... આ સોપારી તો લેતા જાઓ.’

માનાજી અને લાલિયો કશું બોલ્યાચાલ્યા વગર ઊઠ્યા. બંનેને આ વાતચીતના અંતે એટલી તો ખબર પડી ગઈ કે શેઠે આપણને નવાડી નાંખ્યા છે. બંને જણ ઘેર જઈને છાનામાના પોતપોતાની ખાટલીમાં સૂઈ ગયા.

બીજે દિવસે ચૂલા આગળ ચા પીતાં પીતાં બધી વાત અંબાને કરવામાં આવી, અંબા ઊકળી ઊઠી : ‘હા, હું તો જાણતી જ હતી પણ મારું કહ્યું કોણ સાંભળે, બાપ! માંડો દુકાનો! કાઢો હોટલો! મારે હવે નથી હોટલ ચલાવવી, બે હાથ લઈને કંઈક મજૂરી કરી ખાઈશું તો સુખથી દહાડાય જશે.'

તે દિવસે “અંબિકા વિજય હિન્દુ હૉટલ’ ઘણી મોડી ખૂલી. મફતિયા અને ઉધારિયા એવા ઘણા ઘરાકો હોટલ ખૂલવાની વાટ જોઈ જોઈને છેવટે ઘેર ગયા. સાંજે આવીને અંબા હૉટલમાંથી પોતાની અંબાજીની છબી અને નાળિયેર અને ઘીનો દીવો કરવાનું કોડિયું ઘેર લઈ ગઈ.

મહિનો પૂરો થયાની વાટ જોયા વગર જ હોટલ બંધ કરવી પડી. હજી દીકરાને તો હોટલ ચલાવવાનું મન હતું. કારણ એમાં કમાણી હોય કે ન હોય પણ લહેર તો હતી જ. અંબાએ પોતાની ભેંસનું દૂધ આપવાની ના પાડી. લાલિયો થોડા દિવસ ૨વડ્યો છેવટે મિલમાં બે-ત્રણ જણ સાથે તેણે ઉમેદવાર તરીકે જવાનું શરૂ કર્યું.

દુકાનનો વધ્યો-ઘટ્યો માલ અને સરસામાન મોહન શેઠને પાછો સોંપવામાં આવ્યો. અને માનાજી પોતાના ફળિયામાં એકલો બેસી રહેવા લાગ્યો, અંબા ભેંસનું પોષણ કરવા આખો દહાડો સીમમાં દૂર દૂર રખડવા લાગી. હવે તો ખહલું પણ ઓછું થઈ ગયું હતું.

ચોમાસું ઢુંકડું આવતું હતું. કંઈક ઉદ્યમ તો કરવો જોઈએ. બીજા ગામમાં જમીન લેવી? એની તપાસ કરે તો ફાવટ આવે તેવી જમીન તો બીજા લોકોએ ક્યારની ય વેચાતી લઈ લીધી હતી. અને તે ય કેટલી બધી મોંઘી હતી! ત્યારે ? માનાજીએ કોઈની જમીન સાથે લેવાનો પ્રયત્ન કર્યો. તેને જણાયું કે જમીન સાથે પણ મળે તેમ નથી. જમીન વિનાના બનેલા ઘણાય જણે સાથે ખેડવા જમીન લઈ લીધી હતી. અને હજી તો કેટલાયે નવરા હતા. ત્યારે? ત્યારે?

ઉનાળો ધીકતો હતો. ઊની લૂ વાતી હતી. ધૂળના વંટોળ ચકરીઓ ખાતા ખાતા ચકલામાંથી ચડી, ફળિયામાં ધસી આવતા હતા અને ત્યાંથી નાના બની ઠેઠ ઘરના કોલા સુધી આવી ચક્કર ખાતા ખાતા ધૂળની નાની ઢગલી થઈ જતા હતા. કોલા પાસેની ઓટલી પર બેઠો બેઠો ચૂંગી પીતાં પીતાં માનાજી આ જોઈ રહેતો. એના ય જીવનમાં આવો એક વંટોળ આવી ગયો હતો અને તે ઘટતો ઘટતો હવે ઘરના કોલામાં નાની ઢગલી થઈને ઢળી ગયો હતો.

ઉનાળો આગળ વધે છે. ભેંસને ખાણ નથી મળતું, એટલે દૂધ ઓછું આવે છે. એટલે જે બે ચાર આના મળતા તે ય ઓછા થતા જાય છે. શું કરવું? મરી જવું? સડક પર કામે જવું? એને ખેતરમાં પરસેવો પાડી ધાન ઉગાડનારને દા'ડિયાવેડા કરવા હીણપતભરેલું લાગ્યું.

હા, સડક બંધાતી હતી. અને એની વિચારમાળા સડકે સડકે ચાલતી સોસાયટીના બંગલાઓમાં ગઈ. ત્યાં કોઈ બંગલા બંધાતા હોય, આપણા ખેતરમાં જ બંગલો બંધાતો હોય અને કંઈ પગીની નોકરીબોકરી મળે તો ? પગીપણું તો માનાજીના વડવા પેઢીઓથી કરતા હતા. એમાં નાનમ નથી. નહિ તો છેવટે કંઈ મજૂરી-કડિયાકામ મળે તોય...

માના માથે ફાળિયું બાંધી નીકળ્યો. ખેતરના ઘણા બંગલાઓ તૈયાર થઈ ગયા હતા. ચડાઈ લઈ આવેલા કોઈ લશ્કરના તંબુ જેવા તે ઘડીક લાગ્યા. સડક પાસે એક મોટું ચીતરેલું પાટિયું બે થાંભલા પર ચોંટાડેલું હતું. માનાજીએ પોતાના અલ્પ જ્ઞાનથી તે વાંચ્યું. ‘વેલ્ફેર હાઉસિંગ સોસાયટી.’ પહેલો શબ્દ તેને ન સમજાયો. બીજા શબ્દ આગળ તેની કલ્પના જરાક પ્રગટી. ‘હાઉસિંગ’ આ કેવો સિંગ ? હાઉ, હાઉ, હે ? હાઉસિંગ ? ખરો ભાઈ, ખરો, હાઉ અહીં સિંગ થઈ આવ્યો છે. તેને ઘડીકમાં રમૂજ આવી. પોતાના એક વડવા નારસિંગ હતા. પણ આ તો હાઉસિંગ માળું! તે મલકાયો.

પોતાના ખેતર પાસે તે ગયો ત્યારે તેણે એક મોટું આલીશાન મકાન ઊભું થયેલું જોયું. મકાનની વાડ તૈયાર થતી હતી. હજી પીલુડીઓનાં મૂળ જ્યાંથી કાઢી નાખેલાં ત્યાં ખાડા પાડેલા હતા. દાંત કાઢી નાંખેલા અવાળા જેવો એ ભાગ નહોતો લાગતો ?

બધા બંગલાઓ સૂમસામ હતા. માનાજીને કોની સાથે પૂછપરછ કરવી તે સમજાયું નહિ. તે ગભરાઈને ઘર તરફ પાછો વળી ગયો.

ચોમાસું બેસી ગયું છે. વેલ્ફર હાઉસિંગ સોસાયટીમાં બંગલા બની ગયા છે. જ્યાં લીલાછમ મોલ પાકતા ત્યાં ક્યાંકથી પાકેલા પૈસાનાં ઈંટ-ચૂનાનાં મકાન ફૂટી નીકળ્યાં છે. સોસાયટીના રસ્તા તૈયાર થઈ ગયા છે. બંગલે બંગલે વાડો નંખાઈ રહી છે અને અંદર બગીચાઓની તૈયારી થઈ રહી છે.

ત્યારે મેલાં ફાટેલાં કપડાંમાં દયામણાં મોઢાંવાળા બે માણસો- એક સહેજ વળી ગયેલો ડોસા જેવો લાગતો આદમી અને એક ટટાર પણ દૂબળી સ્ત્રી વેલ્ફર હાઉસિંગ સોસાયટીના પ્રવેશ માર્ગ પાસે આવીને ઊભાં. ચારે બાજુ ઊંચી મહેલાતોવાળી આ ભૂમિ તેમને તદ્‌ન અજાણી લાગતી હતી. એ રસ્તા પર પગ મૂક્તાં તેઓ ખચકાતાં લાગતાં હતાં.

‘લે તાણે, આણી મેર જા. ક્યાંક કોકના ઠામ ઊટકવાનું મળે તો તલાશ કર. હું આણી મેર જાઉં છું.' આદમી બોલ્યો. અને બાઈ એક ફંટાતા નાના રસ્તા તરફ વળી. આદમી ચાલતો ચાલતો એક બંગલા પાસે આવી ઊભો, કંપાઉન્ડમાં બેત્રણ માળીઓ કામ કરતા હતા. એક બાજુ ફૂલઝાડના કેટલાં ય કૂંડાં ત્યાં પડ્યાં હતાં. બીજી બાજુ કાપેલી મેંદીનો ઢગલો પડ્યો હતો. વરસાદ ઝરમર ઝરમર પડતો હતો.

‘વાવણીની કેવી વરાપ છે !' આદમીના મનમાં કોક જૂના સંસ્કારનો ફણગો ફૂટ્યો.

માળીઓને મેંદી રોપવા કોક મજૂર જોઈતો હતો. એક જણ હાંફળોફાંફળો નીકળ્યો. પેલા આદમીને જોઈને તેણે પૂછ્યું: ‘ક્યા, કામ કરેગા? યે મેંદી લગાના હૈ! કર સકેગા?” ‘હોવે!’ આદમીની આંખમાં ઉત્સાહ આવ્યો.

માળીની પાછળ પાછળ તે અંદર દાખલ થયો. તેને ખોદવાને માટે એક કોદાળો આપવામાં આવ્યો અને તારની નાંખેલી વાડ પાસે સીધી હાર ખોદવાનું કહેવામાં આવ્યું. ખોદતાં ખોદતાં એક ભાંગેલી ચૂંગીનું ઠુંઠું તેના હાથમાં આવ્યું. તે ખોદતો જરા અટકી ગયો. તે જરા ટટાર થયો અને તેણે આસપાસ નજર નાંખી. જાણે તેના મગજમાં કશી ગડ બેસી ગઈ. તે બોલ્યો: “આ તો મારું પીલુડિયું?'

‘અબ ક્યા કરતા હૈ?’ તેને કામ કરતો અટકી પડેલો જોઈ એક માળીએ પૂછયું.

‘કંઈ નહિ બાપા !' અત્યંત ઓશિયાળા અવાજે તે બોલ્યો. અને ખોદવા લાગ્યો. પણ તેનો કોદાળો બહુ જ ઢીલો પડવા લાગ્યો.

લઠ્ઠ સ્નાયુઓવાળો એક ભૈયો માળી તેની પાસે આવ્યો.

‘અરે, ક્યા યે ખોદતા હૈ ? તાકાત હૈ કિ નહિ ? લે ચલ, વો મેંદી લગાના શરૂ કર!’ કહી માળીએ તેના હાથમાંથી કોદાળો લઈ લીધો. આદમી ટટાર થવા ગયો, પણ અરે, એટલામાં તો એની કમર કેવી દુઃખી ઊઠી હતી! તે મેંદીના બે પાંખડા લઈ વાવવા લાગ્યો. થોડુંક વાવ્યા પછી તે ઝબક્યો.

‘તમે આઇ છો કે?’ તેની સાથે થોડી વાર પર જે બાઈ હતી તે બાઈનો સ્વર તેણે સાંભળ્યો. તેણે આંખ ઊંચી કરી.

‘લે સારું થયું. આંઈ આવ ને રોપવા લાગ જરા.'

માળીને કાંઈ બોલવા કરતો સાંભળી આદમી બોલ્યો : ‘કંઈ નહિ બાપા, એનો રોજ ના આપશો. એ તો મને કામ કરવા લાગે છે.’ અને બે ય જણ અડોઅડ મેંદી વાવવા લાગ્યા, જ્યાં એક વાર તેમની પીલુડીઓ હારબંધ ઝૂકી રહેતી હતી.
[પાછળ]     [ટોચ]