[પાછળ] |
કરસનજી ગોરની કેસર
લેખકઃ દેવેન્દ્રકુમાર કાલિદાસ પંડિત ઝાલાવાડ-પંથકની રતૂમડી ધૂળે રજોટાયેલા ઘોડીના પગ અને તે પર સવારી કરનારા સવારના ટૂંકી ધોતીવાળા ગોઠણ સુધીના પગ પણ રતૂમડા રંગે રંગાયેલા હતા. એ રંગ એ બાબતની ગવાહી પૂરતો હતો કે ઘોડી ઝાલાવાડની હળવદ-ધ્રાંગધ્રા બાજુનો પંથ કરી ચાલી આવે છે. લાંબા કાંટાવાળી પરદેશી બાવળની ઝાડી સોંસરવો પંથ કાપતો સવાર કેસર ઘોડીની ગરદન પર હાથ પછાડી બોલતો હતો. એ જાણતો હતો કે પશુને વાચા હોતી નથી તોય વાત કર્યે જતો હતો, ઝાઝું અફીણ લીધેલ ચારણ વાર્તાકાર વગડામાંય એકાકી બોલતો ચાલ્યો જતો હોય તેમ - ‘હં, મારો બાપલિયો કરું! હવે તો આ મોરબી રાજની હદ આવી ગઈ છે. આ પરદેશી બાવળની કાંટ્ય મોરબી વિના બીજે ક્યાંય ન મળે.’ જવાબમાં કેસરે હાવળ્ય નાખી. જાણે એ માલિક સવારની વાત સમજી ગઈ છે. ‘તેંય ઘણો પંથ કાપ્યો, માવડી! ઝાલાવાડની ભોમકા વીંધી છેક મચ્છુકાંઠાની ધરતી પર આવી લાગી છો. હવે આ ચકમપર ગામ આવ્યું છે, બગથળા હવે અહીંથી દશ-બાર ગાઉ છેટે રહ્યું છે. જરાક ચોંપ રાખ્ય, મારી માવડી! તે હમણાં ઘરભેળાં થઈ જઈએ.’ ધરતી પર ડોક નમાવી કેસરે બીજી હાવળ્ય નાખી. માલિક આ હાવળ્યમાં કેસરના મનોભાવ ઉકેલતો હતો. ‘હા....શ! ઈ તો હુંય જાણું છું કે બપોર થવા આવ્યા છે ને સાંજ ઢૂંકડા તું મને બગથળા પહોંચાડી દેવાની છો. મનેય ઈ વાતની પતીજ તો છે જ. ને કેમ ન હોય? વછેરી હતી તે દિ’ની તને ઉછેરી મોટી કરી છે. બામણનો દીકરો છું, પણ લોટ માગીમાગી તને જોગાણ ખવડાવ્યાં છે. તારી પીઠ ઉપર બેસી જજમાનમાં ફરી, મારા પરિવારનું પૂરું કરું છું ઈ તારા હોઈને. જો ને, આજ એક મહિનો ઝાલાવાડના જજમાનમાં ફરી ત્રીસત્રીસ દિ' લાડવા ખાઈ, કંપની સરકારની છાપના પાંચસો રૂપિયા રોકડા તારી પીઠ ઉપર ચામડાના હમાચામાં નાખી લઈ જાઉં છું.’ માલિક સવારના પ્રશસ્ય બોલે જાણે કેસર ઘોડી રાજી થઈ હોય તેમ ગતિ તેજ બનાવી. ધૂળાળા મારગને ટૂંકો કરવા માંડી, ત્યારે સૂર્યદેવતાએ એનો રથ આભના પટાંગણમાં વચ્ચોવચ લાવી રાખ્યો હતો. વગડો નિર્જન હતો. ખેતરો કાળાં ભઠ્ઠ પડ્યાં હતાં. વચમાં બોરડીનાં જાળાં જામ્યાં હતાં. આભના પટાંગણમાં કોક-કોક પંખી ટહુકી એ બળબળતા મધ્યાહ્નના વગડે મીઠપ ઢોળતા હતા, ગરીબ પરિવારનાં બાળકોને જેમ એની જનતાનો મીઠો કંઠ સાંભળવા મળે ને તે જેમ રાજી થાય તેમ. ‘ઠીક છે, મા! હજુ ધરતી પર સાધુ-બામણ પર શ્રદ્ધા છે ને માન છે, તેથી. તુંનેય જજમાનના ઘરે શેરડી, ગદબ ને ચણ્યા-બાજરાનું જોગાણ મળે છે. હે કૈલાસપતિ! આવા ને આવા માન સાથે મરતક દેજે.’ હવે કેસર હાવળ્યો દેતી નથી, પણ ઝડપથી માર્ગ કાપતી, માલિકના સખૂને સખૂને ગરદન નમાવતી, મૂકપણે પોતાની પીઠ પર પલાણેલા મોરબી પાસેના બગથળા ગામના જોશી કરસનજીને હોંકારો દેતી જાય છે. જાતવંત કેસર જાણતી હતી કે માલિકે રોજ રાતે પોતાને ચાર્ય નીરી પછી જ પથારી પર નીંદર લીધી છે. રોજરોજ ડિલે ખરેરો કર્યો છે. નાની જીવાત બામણની દેઈ છતાંય પોતાના અંગ ઉપરથી ઊઝરડી લીધી છે. પોતાની ચાર આ બામણનો બાળ માથે ઉપાડી વગડેથી લાવે છે. ગોરાણી પોતાની સારું ચોમાસે રોજ બબ્બે ખડની ભારી લાલ-હીંગળોક, ચૂડલાવાળા રૂપાળા હાથેથી વાઢી લાવી ખવડાવે છે. બામણ ધણી-ધણિયાણીનાં અનોખા હેત ને ચાકરી તો મારા જીવતરની ઓર મીઠાશ છે. ચકમ૫૨-દેવળિયા વચ્ચેની સીમમાંથી કેસર વાટ કાપી રહી છે. કપાળે કેસરનું ત્રિપુંડ તાણેલા ને ડોકમાં રુદ્રાક્ષની માળાવાળા કરસનજી ગોરને હવે ઘરની કલ્પના આવે છે. મોટો દીકરો ધનજી ને તેની મા જાણે શેરીમાં ખડકી બહાર ઊભાં રહી વાટ જોતાં અહીંથીયે જાણે નિહાળી રહ્યાં છે. ઘર છાંડનારને ઘરનાં સંભારણાં માત્ર સ્વર્ગનાં સુખ આપે છે, એ તો ઘર છાંડનારા જ જાણે. જજમાનો પાસેથી સારું દ્રવ્ય પામેલ કરસનજી જોશીએ ધનમાંથી દીકરાના વિવાહ કરતાંય ત્રણસેં રૂપિયા બચત રહેશે અને એ બચતમાંથી સારાં મકાન બનશે એવાં સ્વપ્નાં સેવે છે. 'એક રૂપિયાના ચાલીસ વાંસડા ને એક રૂપિયાની વંઝીના દશ પૂળામાંથી બહુ સારી રીતે ઘર નવું રચાવી શકાશે. પાંચ રૂપિયામાં એક મહિનાનો ઘી-ગોળ ને તેલ આવી રહેશે: વાહ કૈલાસપતિ! ભારે કિરપા કીધી!’ ને કરસનજી જોશીના આ ખ્વાબને તોડતી એક ભયંકર બંદૂકનો અવાજ થયો. દૂરદૂર પંખીઓ ચિચિયારી કરી ઊઠ્યાં. મધ્યાહ્ન-વગડો ઓર ભયાનક બની ગયો. ઓચિંતો બંદૂકનો અવાજ થતાં જ ઘોડી ચમકીને ચારેય પગે ઊછળતી ભાગી. પછી, એ વિહ્વળતામાં સવાર ભોંય પડી ગયા એ વાતની સ્મૃતિ કેસર થોડે દૂર પરદેશી બાવળની કાંટ્યની ઓથે ઊભી રહી ત્યારે એને થઈ. અકસ્માત્ બંદૂકના બારથી ઘોડી પરથી ઊથલી ભોંય પડેલા કરસનજી જોશી હોશમાં આવ્યા તો એમણે સામે માળિયાના ચાર બાકરકંધા મિયાણાને હાથમાં જામગરીવાળી બંદૂકો હિલોળતા જોયા. કાળાંડિબાંગ લૂગડાંમાં માથે પાઘ અને દાઢી-મૂછને બોકાનામાં વીંટેલા લાલઘૂમ આંખોવાળા - જોતાં જ શેહ પામી જવાય એવા - માળિયાના મિયાણાને જોતાં જ જોશીભાભા કળી ગયા કે મોરબી ઠાકોર અને માળિયા ઠાકોર વચ્ચેના વેરઝેરથી મોરબી રાજનાં ગામડાં ધમરોળવા માળિયા ઠાકોરે સિંધમાંથી વસાવેલા આ મિયાણા જ મને લૂંટવા આવ્યા છે. ત્યાં ચારમાંથી એક મિયાણાએ હાક દીધી: ‘એઈ બામણા! કાઢી નાખ્ય જે હોય ઈ.’ ‘મારી કને? મારી કને તો કાંઈ નથી.’ ‘અરે, અમે ક્યાંયથી તારા સગડ દબાવતા આવીએ છીએ. ઝાલાવાડમાંથી ઘણા રૂપિયા લઈને તું વયો આવે છ.’ ‘તમારી વાત સાચી, પણ જુઓ, મારી કને રાતી પાઈ પણ નથી.’ કહી કરશનજી જોશીએ અંગ પરના અંગરખાની કસ્યું છોડી અંગરખું બતાવ્યું. ‘ઢીબી નાખશું. હો!’ ‘એ તમારી મરજી, પણ મારી અંગજડતી કરી લ્યો, જો પતીજ નો પડતી હોય તો.’ લૂંટારાએ સાચે જ કરશનજી ગોરની અંગજડતી કરી, પણ સાચે જ તેની પાસે કાંઈ ન હતું. ‘તો રૂપિયા ગયા ક્યાં?’ ‘ક્યાંય ગયા નથી.’ ‘તો પછી?’ ‘ઓ રહ્યા.’ ‘ક્યાં?’ મિયાણાઓએ બંદૂકો નીચી નમાવી. આઘેઆઘેથી, ઘોડીએ માલિકની પીડામાં વખત જતાં વિજોગની ને વેદનાની હાવળ્યો પર હાવળ્યો નાખી. એ જાણે જોશીબાપાને કહી રહી હતી કે બાપા! તમારી રળ્ય - તમારા છોકરાઓનો મારી પીઠ પર રહેલો રોટલો કોઈને હાથ નહીં જવા દઉં.' ‘ઓ રહ્યા તે મારી ઘોડીની પીઠ ઉપર સામાન હેઠે.’ “હાલો, બેલી! ઘોડીને પકડીએ.’ મિયાણાઓએ અંદરોઅંદર સંતલસ કરી, ખભે બંદૂકો નાખી ઘોડી તરફ પગ ઉપાડ્યા. પણ જાતવંત ઘોડી મિયાણાઓના આ મનોભાવ કળી ગઈ ને છલાંગ દેતી પરદેશી બાવળના સૂયા જેવડા કાંટાંવાળી બાવળની કાંટ્યની ઓથે લપાઈ ગઈ - મિયાણાઓની નજરે ન પડે તેમ. ચારેય લૂંટારાઓએ ઘોડીને પકડવા ખૂબ જહેમત લીધી, હળવે પગલે કાંટ્ય વચ્ચે ગયા, હાકલા કર્યા, પણ ઘોડી હાથ આવી જ નહીં. લૂંટારાઓએ આકડે મધ માનેલ લૂંટનો માલ જતો હતો ને સમય પણ જતો હતો. બંદૂકના અવાજે આજુબાજુનાં ગામમાંથી લોકો દોડી આવે તો? ખારાશવાળી ભોમકા પર વાડીઓ તો હતી નહીં, એટલે અરણ્યમાં માનવ-વસવાટ છે એ વાતની ભીતિ તો ડાકુઓને હતી જ નહીં. બધા પાછા ભોંય પરથી ઊઠી લૂગડાં ખંખેરતા કરસનજી પાસે આવ્યા ને માથામાં બંદૂકનો કુંદો મારતા બોલ્યા: ‘બામણા! રૂપિયા કાઢ્ય!'’ ‘કાઢી લ્યો ઘોડી માથેથી. મને હથિયાર વિનાનાને કાં સતાવો ?’ ‘ઘોડી હાથ આવતી નથી.’ ‘એ હવે કાંઈ મારા હાથમાંય થોડી આવે? તમને નજરે જોતાં ચમકે છે!’ ‘તું ઘોડી લઈ આવ.’ ‘એ આવે ખરી?’ ‘તું બુચકારી બોલાવી જો, નકર બંદૂકે દઈશું!’ ‘લ્યો બોલાવું.’ કહી કરસનજી જોશીએ હાકલ દીધી: ‘બાપ! જોગમાયા! અવાય તો આવતી રહે.’ જવાબમાં કેસરે આઘેઆઘેથી વેદનાભરી હાવળ્ય નાખી. લૂંટારાને જાણે ગોળનાં ગાડાં મળી ગયાં ને ઘોડીના અવાજની દિશામાં એ દોડ્યા, બંદૂકોની નાળ્ય લાંબી કરી, પણ આ બધું જાણે સમજી ગઈ હોય, લૂંટારા મારી પીઠ પર રહેલ મારા માલિકની ૨ળ્ય લૂંટવા આવ્યા છે એ ખ્યાલે ચારેય પગે ઊલળતી, નજરથી બહાર નીકળી ગઈ. લૂંટારાના હાથ હેઠા પડ્યા, પણ લૂંટ ન થઈ એ રોષ ચારેયમાં ઊછળી આવ્યો ને અંદરોઅંદર તેઓ વાતે વળગ્યા: ‘હવે।’ ‘હવે કાંઈ નહીં.’ ‘કાંઈ નહીં કેમ?’ ‘કેમ શું ? ઘોડી તો ભાગી ગઈ. રૂપિયા તેની પીઠ ઉપર રહ્યા.’ ‘ને ઓળખાઈ પણ ગયા.’ ‘કેવી રીતે?’ ‘આ બામણો. આપણને ચારેયને ઓળખે છે કે જુસબની ટોળી માંયલા આ છે. એ જઈ મોરબી ફરિયાદ કરે એટલે આપણને વહેલા-મોડા એજન્સીની ભીંસ વધારી મોરબી ઠાકોર પકડાવી દેવાના.’ ‘તો પછી?’ ‘તો પછી શું? બામણાને ગૂડી નાખીએ.’ ‘અરરર! બામણને ન મરાય.’ ચારમાંથી એક મિયાણાએ કહ્યું. ‘ઈ વન્યા બીજો ઉપાય નથી.’ ‘મને બંદૂકે મ દેજો! એક વાર એક નાનકડી છરી કે કટાર ફગાવો. પછી. જોઈ લ્યો આ બામણના રંગ! કાયા ઘી-દૂધની છે, બાકી હથિયાર વિનાનાને મારવામાં વશેકાઈ શી હતી? મર્દ તો સામસામા ભેટ કરી હિસાબ પતાવે.’ ‘તું લડી જાણ ખરો?’ ‘અરે, ઈ વાતનાં પારખાં તો એક તલવાર ફગાવો તો કરી દેખાડું.’ ‘એ ભાઈ!’ ચાર મિયાણામાંથી ચોથો ભેરુઓને કહેતો હતો: ‘બામણ હાર્યે વાદ જાવા દ્યો ને આજની લૂંટ આપણા તકદીરમાં નહીં લખી હોય.’ ‘ના-ના, એમ વેવલા થાઈં તો-તો લૂંટ થઈ રહી ને મિયાણિયુંના અંગ ઉપર હેમના હાર પડી, રિયા.’ ‘એક ઘર તો ડાકણ પણ તારવે ઈવડી ઈ કે'વત પરમાણે, બેલી! બામણ છે, બામણને જાવા દ્યો.’ ચોથો એક માત્ર મિયાણો પોતાના બીજા ત્રણ સાથીઓને સમજાવતો હતો. ‘ના, ઈ મોરબી રાવ કર્યા વન્યા રહે જ નહીં ને આપણું મોત થયા વિના રહે નહીં, કારણ કે ઈ આપણને ઓળખી ગ્યો છે.’ ‘અરે રાત-દિ’ જજમાનમાં ફરનારો આ બામણ એમ આપણી હાર્યે બગાડે નઈં.’ ચોથો મિયાણો હજુયે ભેરુઓને વીનવતો હતો. ‘તું બેલી! હટી જા. ઝાઝી વાતે ગાડાં ભરાય!’ એક બોલ્યો. ‘હા, લૂંટફાટ ટાણે આવાં વગદાવેડા નો હાલે, ભા! બીજાએ ટેકો આપ્યો ને ત્રીજા મિયાણાએ બંદૂકની નાળ્ય કરસનજી જોશી સામે લાંબી કરી. કરસનજી જોશી લેશ ન બીન્યા ને અંગરખું ફાડી છાતી ઉઘાડી કરી બોલ્યા: “મારો, બરાબર આ મારી છાતીમાં જ વચ્ચોવચ ગોળી મારો. હું બીતો નથી. અમારું બ્રહ્મતેજ કોઈથી ઝાંખું પડે એમ નથી.’ સાચે જ નિર્દય ડાકુઓએ કરસનજી જોશીની છાતીમાં બંદૂકની ગોળી છોડી. ધનનન અવાજ થયો. મોરલા ગહેક્યા ને ઘા કરી, હાથમાં બંદૂકો હિલોળતા મિયાણા માળિયા ભણી ભાગી છૂટ્યા. દૂરદૂર કેસરે આ અવાજ સાંભળ્યો, એની લવિંગ જેવી કાનસૂરી ભેળી થઈ ગઈ, આંખો પહોળી થઈ રહી, ને છલાંગતી એ બંદૂકના અવાજવાળી દિશાએ દોડતી આવી. ચકમપર-દેવળિયા વચ્ચે તલાવડીના કાંઠે માલિકની લોહી-નીંગળતી કાયા જોઈ, આજુબાજુ નજર ઘુમાવી, નસકોરાં ફુલાવી, ઘાણ મેળવી જાણી લીધું કે ડાકુઓ ચાલ્યા ગયા છે. એ જીવનભરના સંગાથી જોશીબાપાના દેહ પાસે ઊભી રહી, નસકોરાં બોલાવ્યાં એણે, જાણે એ માલિકને પોતાના આગમનની જાણ કરતી હતી. પણ કરસનજીબાપાના દેહ-દેવળમાંથી પ્રાણ ઊડી ગયા હતા. ઘોડીએ પછી દેહ પર ઝૂકી ઉપરાઉપરી હાવળ્યો નાખી તોય અચેત માલિક સળવળ્યા નહીં. પછી બેવડા તંગે ભિડાયેલ સામાનસોતી ઘોડી ભોંય પર આળોટવા માંડી, એ સારું કે આ કોલાહલ અને પોતાની વ્યથાથી કરસનજીબાપા જાગી જાય ને બેઠા થાય. પણ એ કારીય નકામી ગઈ. કેસર ઊઠી. ચારેય પગે બાજુમાં ઊભી રહી. દેહ પર ઝૂકી જોઈ લીધું કે જોશીબાપાના પ્રાણ ચાલ્યા ગયા છે, નહીંતર એ મારા પગરવ સાંભળતાં જ ઊઠીને ઊભા થઈ જાય ને મારા મોંએ બચીઓ ભરવા લાગે. કેસરે આભ સામે નજર માંડી. સૂરજદેવતાએ એનો રથ આથમણી દશ્ય નમાવવા માંડ્યો હતો. એ હળવેથી ખસી માર્ગ ઉપર આવી. ફરી એક વાર કરસનજીબાપાના દેહ પર તેણે નજર માંડી. વિજોગની વેદનાની હાવળ્યો દેતી તે ચારેય પગે ઊલળતી બગથળા ભણી પંથ કાપવા માંડી, ગગનના પટાંગણમાં ઊડતા પંખીની અદાથી. તબડક તબડક, તબડક તબડક, તબડક તબડક અવાજે વગડો ગજાવતી. ઘોડી મોરબી પંથકનો ધૂળવાળો, ખાડા-ટેકરાવાળો, આડો-વાંકો ને પાધરો પંથ કાપતી જતી હતી. સૂર્યદેવતા આ મૃત્યુલોકના જાતવંત પ્રાણીની વફાદારી જોતાં, મરકતા ક્ષિતિજમાં નીચે નમતા જતા હતા. ઘોડી વાટ કાપ્યે જતી હતી, ભક્તને બચાવવા દૈત્યોનાં મસ્તક છેદવા ઊંચે જતા ભગવાનના સુદર્શનચક્રની જેમ. મલકતા સૂર્યદેવતા ગગનના ગોખે ડૂબી ગયા ને સંધ્યારાણી એનો કસુંબલ પાલવ પસવારતાં આભના કાંઠે પ્રગટ્યા એ કસુંબલ રંગમાં નાહતી ઘોડી તો દોડ્યે જતી હતી. હવે તો સંધ્યારાણી પણ એનો પાલવ સંકોરતાંક ને વિલાઈ ગયાં ને રજનીરાણીએ એનો પાલવ અવની પર પસારી દીધો. બગથળા ગામનાં દેવમંદિરોમાં દીવે વાટ્યો ચડી છે. ઘોડી કરસનજી જોશીના ઘર બહાર આવી ઊભી રહી ને ડાબલાં પછાડતી હાવળ્યો પર હાવળ્યો નાખવા મંડી. કરસનજી જોશીનો મોટો દીકરો ધનજી ઘરમાં હતો. કરસનજી જોશીનાં ઘરવાળાં ઘરમાં હતાં. સૌ સંધ્યા-પૂજામાંથી નિવૃત્ત થતાં હતાં ત્યાં જ ઘોડીની હાવળ્ય સાંભળી ગોરાણીએ પુત્રને સાદ દીધો: ‘ધનજી! જો જોઉં! ખડકીએ આપણી કેસર જાણે હણહણી!' ‘જાઉં છું, માડી!’ કહી સંધ્યા કરતી વેળા પહેરેલ રેશમી પીતાંબર સોતાં, પિતાના આગમને ખુશખુશાલ બનતા ધનજીએ ખડકીએ આવી જોયું તો ઘોડી ઊભી છે. એની પીઠ પર સામાન છે, પણ બાપા નથી. ધનજીને જોતાં જ કેસરે ફરી હાવળ્ય દીધી ને ડાબલા પછાડવા માંડી. ‘બા!’ ધનજીએ માને સાદ દીધો. ‘કાં?’ ’અહીં આવો તો!’ ‘હું પૂજા ને સંધ્યાનો બધો સામાન મૂકી દઉં, તરભાણાં, પંચપાત્ર ને આચમની ઉપાડી લઉં.’ ‘એ પછી, મૂકજો. પહેલાં અહીં આવો.’ ધનજીના ઉચ્ચારણમાં કંઈક વ્યગ્રતા જોઈ ગોરાણી ખડકીએ આવ્યાં. એમને જોતાં ઘોડીએ વળી હાવળ્યો દીધી, ભોંયે ડાબલાં પછાડ્યા. ‘આ શું, ધનજી! તારા બાપા નથી?’ ‘ના, મા! ને ઘોડી બળીઝળી રહી છે, હાવળ્યો દે છે, ઘરમાં આવતી નથી. નક્કી કંઈક બન્યું છે.‘ ‘શું હશે?' ત્યાં તો કેસરે ધનજીના પીતાંબરનો છેડો મોંમાં પકડી ખેંચ્યો. ‘હં, મા! કંઈક બન્યું છે ને ઘોડી મને ઘટનાસ્થળ ઉપર લઈ જવા માગે છે.’ ‘જા, ઝટ જા!’ ત્યાં તો આડોશીપાડોશી અને ગામલોકોય ભેળા થઈ ગયા. સૌ ગમગીન માતા-પુત્રને અને સવારવિહોણી, કરસનજીબાપાની વ્યથિત ઘોડીને જોઈ અમંગળ પારખી બોલ્યા: ‘હાલ્ય, ધનજી! કેસરની પાછળ અમે પણ આવીએ છીએ.’ ‘હા, હાલો, અંધારું છે, એટલે મારા એકલાથી પણ કાંઈ ઘોડીની આગળ હલાશે નઈ. કોણ જાણે શુંય હશે ને કેટલા અંતર પર હશે!’ કરસનજી જોશીની પત્નીની આંખમાં આંસુ ઊભરાયાં. એ ઘરમાં ગયાં ને ધનજીને અંગ ઉપર નાખવા વસ્ત્રો લાવી દીધાં. પછી સૌ અંધારામાં હાલ્યાં. ઘોડી આગળ હાલી. નીરવ અટવીમાં, આભના ચંદરવા હેઠળ, ઝગમગતા તારાના આછા તેજમાં બધા મૂંગામૂંગા બગથળાની ઉગમણી દશ્યે ચાલવા જ મંડ્યા. મધરાતે ઘોડીએ એમને ચકમપર ને દેવળિયા ગામ વચ્ચેની તલાવડીએ લાવી ઊભા રાખ્યા. ત્યાં કરસનજીબાપાનો અચેત દેહ પડ્યો હતો. ધનજીએ માથાં ફૂટ્યાં, પણ હવે રોયે કાંઈ વળે એમ ન હતું. દિવસ ઊગ્યો. કરસનજીબાપાના શબને ચાર જણા ખભે મજબૂત લાકડીઓ ભેરવેલી ઝોળીમાં બગથળા લાવ્યા ને અગ્નિદાહ દીધો. બાપા ગત થયા તે તલાવડીમાં તેમની ખાંભી ઊભી કરી. અગ્નિદાહ દઈ બધા ઘેર આવ્યા, પણ ખીલે બંધાયેલ કેસર પડેલ ચારમાં મોઢું નાખતી નથી કે પાણી પીતી નથી. માલિકની મૃત્યુ-વેળા એને આંબી ગઈ હતી. વિજોગનાં વખ એની રગરગમાં પ્રસરી ગયાં હતાં. ધનજીએ જોયું કે કેસર પણ બાપની મૃત્યુવેદનાએ ઘાસ ખાતી નથી કે પાણી પીતી નથી. ધનજીએ ઘોડીને ઘણી સમજાવી, બુચકારી, પણ જાતવંત ઘોડી એકની બે ન થઈ. ઘાસ ખાધું જ નહીં અને પાણી કદી પીધું જ નહીં. ચાર-પાંચ દિવસ આવું અનશન પાળી કેસર મરણશરણ થઈ. એના મૃત્યુ પાછળ બધાં રોયાં - શોક પાળ્યો. કેસરની પીઠ પરથી ઊતરેલ દ્રવ્ય કરસનજી જોશીના વારસોએ ઘરમાં ન મૂક્યું. એ દ્રવ્યમાંથી બગથળાની આથમણી બાજુ એક શિવાલય ચણાવ્યું ને તેમાં એક તખતી મુકાવી. એ શિવાલય આજ પણ મોજૂદ છે, કરસનજી જોશીની સાથોસાથ આ ઘોડીએ માલિક પછવાડે જાનફેસાની કર્યાની ઘટનાને ઉજ્જ્વળ ને તાજી રાખી જાતવંત ઘોડાની કથાઓમાં એક યશસ્વી ગાથાનો ઉમેરો કરી રહ્યું છે. મોરબીથી આથમણી દશ્યે પાંચ ગાઉ દૂર આ બગથળા ગામ છે. (‘લોકસાહિત્યની અશ્વકથાઓ’) |
[પાછળ] [ટોચ] |