[પાછળ] 
માવજીભાઈની વાર્તા
લેખકઃ ધૂમકેતુ


માવજીભાઈની આ વાત કોણ જાણે ક્યારની ચાલતી આવે છે. પણ 'મત્તું મારે માવજીભાઈ' એના મૂળમાં તો 'પોપાંબાઈનાં રાજ'ની વાત રહી હોય. તો નવાઈ નહિ. ગમે તે હોય, પણ, 'લ્યે લાલો ને ભરે હરદાસ' એના જેવી આ કહેવતકથાની પાછળ એક વાર્તા પડી છે.

કોણ જાણે કેટલાં વર્ષ પહેલાં માવજીભાઈ થઈ ગયા. પણ એ જમાનામાં દેશી રાજ્યોની બોલબાલા હતી. બાપુનો બોલ, એટલે કાયદો અને બાપુનું વેણ એટલે ન્યાય. એવો એ જમાનો.

એવા એક બાપુના રાજમાં, આ માવજીભાઈ થઈ ગયા. એ કામદારના કામદાર ગણાય. દીવાનના દીવાન કહેવાય. નોકરના નોકર પણ ગણાય અને અંતેવાસીના અંતેવાસી પણ મનાય. ચોવીશે કલાક બાપુની પાસે હાજરના હાજર.

બાપુની તહેનાતમાં ચોવીસે કલાક. જ્યારે જુઓ ત્યારે એ ખડે પગે ઊભા જ હોય. એમનો શું હોદ્દો હતો, એની કોઈને ખબર ન હતી. એ પગાર શું લેતા, એ પણ કોઈ જાણતું નહિ. પણ એમના વિના પાંદડું સરખું હાલે નહિ. માવજીભાઈનું જ્ઞાન કાળા અક્ષરને કુહાડે મારે એટલું. પણ એવો કોઈ વિષય નહિ, કે જેમાં માવજીભાઈને ખબર ન હોય! માવજીભાઈ બધું જાણે. અંગ્રેજ આવે તો એને પણ ઊઠાં ભણાવે ને દેશી આવે તો એને પણ માવજીભાઈ માપી લ્યે. માવજીભાઈ વિના કાંઈ કામ થાય નહિ.

આ માવજીભાઈ, માસ્તર રાખીને માંડમાંડ ત્રણ મહિને પોતાનો પહેલો અક્ષર 'મ' ઘૂંટતા શીખ્યા હતા. પણ એ એમનો વાંકોચૂકો ઠરડો 'મ' તો જાદુનું કામ કરી જાતો. ભલે ને ગમે તેવો ને ગમે તેનો તુમાર હોય, ભલે ને દીવાન સા'બનો ઑર્ડર હોય, પણ ક્યાંય ખૂણેખાંચરે પણ, આ માવજીભાઈનો વાંકોચૂકો 'મ' જો ન દેખાય, તો થઈ રહ્યું! માવજીભાઈના મતા વિનાના બધાય તુમાર ખોટા! આવો હતો, માવજીભાઈના 'મ'નો પ્રતાપ. ત્યારથી લોકમાં કહેવત જ ચાલતી થઈ ગઈ છે કે, 'મત્તું મારે માવજીભાઈ!'

નવાનવા ગૉટપીટિયા અંગ્રેજી ભણેલા નોકરી માટે આવે, ત્યારે માવજીભાઈ એને ઠીક ઠેબે ચઢાવે. એમાં એને મજા આવે.

એક વખત એવું થયું કે, મેટ્રિક થયેલો છોકરડો, નોકરી માટે આવ્યો. દીવાન સાહેબનો એ કાંઈક સગો થાય. એટલે દીવાન સાહેબે તો ઑર્ડર પણ આપી દીધો. એને પચીસ રૂપિયાની નોકરી મળી ગઈ. બાપુની સહી પણ થઈ ગઈ. પેલા મેટ્રિક થયેલા ભાઈ તો અંગ્રેજીનો રોફ છાંટતા, બધાને દબડાવે. કારણ કે અંગ્રેજી ભણેલા એ એકલા!

માવજીભાઈની જાણમાં આ વાત આવી. એમણે તક જોઈને બાપુને વાત કરી : 'બાપુ આપણા રાજમાં આપણે આ દેવાળિયાનો ધંધો આદર્યો છે હોં! પછી તો બાપુના મનમાં જે આવે તે ખરું!'

'એમ કેમ કહ્યું માવજી? કોણે દેવાળિયાનો ધંધો આદર્યો છે?'

'પચીપચી રૂપિયાના પગારદાર આપણે રાખશું, પછી તો રાજ દેવાળું ફૂંકશે, બાપુ! પચીસ રૂપિયા થાય છે કેમ? મારો તો ખોબો ભરાઈ જાય!'

બાપુ તો બિચારા જૂના જમાનાના. માવજીભાઈ કહે તે વાત 'સોળ વાલ ને એક રતી' સમજે. એટલે એમણે તો માવજીભાઈની વાત માની લીધી. દીવાન સાહેબના રાખેલા પેલા ગૉટપીટિયાને રજા મળી.

દીવાન સાહેબને પણ ચાટી ગઈ. પણ બીજું થાય શું? માવજીભાઈના 'મ' વિના એકે તુમાર ચાલે નહિ.

એટલે એ અંગ્રેજી ભણેલા ભાઈ દેવીપ્રસાદ માવજીભાઈને ત્યાં આંટાફેરા કરવા માંડ્યા. એટલામાં એક દિવસ માવજીભાઈનું કાંઈક ઠેકાણે હશે, એટલે એને બોલાવ્યા: 'બોલો, મા'રાજ! નોકરી સારુ આંટા મારો છો ને?'

'હા ભાઈસા'બ! છે તો નોકરીની વાત. મને શી ખબર કે, આંહીં આપને પહેલું મળવાનું હોય છે?'

'ત્યારે જુઓ, હું કહું તેમ કરો. તમે જાણે ત્રણચાર દી બાપુના દરબારમાં આવીને છેલ્લેછેલ્લે બેસતા રહો. એક દી હું બોલાવીશ ત્યારે આવજો... તમતારે તમારો પગાર રૂપિયા પચીસ રાખજો. પણ જુઓ, બાપુને મેં જ કહ્યું છે કે, પચીસપચીસના પગારદાર રાખીને દેવાળું નથી કાઢવું. એટલે તમને પગાર પચીસબચીસ નહિ મળે!'

'અરે ભાઈસા'બ, તો તો મારું ગુજરાન કેમ હાલે? મારે ત્યાં ચાર તો છોકરાં છે!'

'એ બધુંય થાશે. પગાર પચીસ કરતાંય વધુ મળશે. પણ એ બધું થાતું હશે તેમ થાશે. પચીસના પગારનો હુકમબુકમ નહિ મળે. પણ 'ઘીના ઠામમાં ઘી પડી રહેશે.' તમતારે હું કહું તેમ કરો ને!'

દેવીપ્રસાદભાઈ બિચારા નોકરી માટે તો તપશ્ચર્યા કરતા હતા. એટલે એમણે તો માવજીભાઈની વાત કબૂલ કરી લીધી. ત્રણ-ચાર દી બાપુના દરબારમાં આવીને છેક છેલ્લે બેસે.

એક દિવસ માવજીભાઈએ તક જોઈને કહ્યું:

'બાપુ, આ પેલો ભ્રામણ હંમેશાં આંહીં આવીને બેસે છે તે એને છે શું? આજ બોલાવો તો ખરા. નથી માળો કાંઈ અરજ કરતો, નથી બોલતો, આવીને હંમેશાં છેવાડો બેસી જાય છે. તે એને છે શું? અલ્યા એ મારા'જ, આમ આવો, આમ આવો.'

દેવીપ્રસાદ આગળ આવ્યો.

'તમારે શું છે મારા'જ! હંમેશાં આવીને બેસો છો, તે આંહીં કાંઈ તમે ભાળી ગયા છો? આ તો બાપુનો દરબાર છે. કણબા-બણબાનો ચોરો નથી, સમજ્યા?'

'હું પણ બાપુનો દરબાર માનીને જ આવું છું. માવજીભાઈ! કહેવાવાળાએ કહ્યું નથી કે, કદીક લે'ર દરિયાવ કી, ભાગ્ય ઉઘાડી જાય!'

'હાં, તો તો ઠીક.' માવજીભાઈ બોલ્યા, 'આ' તો બાપુનો દરબાર છે. દરિયો લે'રમાં આવે તો બેચાર સાચાં મોતી નાખતો જાય. આંહીં પણ એવી વાત છે. પણ તમારે છે શું?

'બીજું શું હોય બાપુ ! હું બચરવાળ માણસ છું. મારે તો નોકરી જોઈએ છે!'

'પણ તે બાપુ કેટલાકને નોકરીએ રાખશે? પછી અમારા જેવા ક્યાં જશે? જો બાપુ બધાયને રાખવા માંડે, તો આંહીં દી ઊગ્યે લંગર લાગી જાય. અંગરેજી કાંઈ ભણ્યા છો? તો વળી અમારે એવો એક રાખવો છે - બાપુ પાસે છાપાં વાંચે એવો. તે તમને રાખીએ.'

'અંગ્રેજી ભણ્યો છું, મેટ્રિક થયો છું.'

'પણ અમારે આંઈ મેટ્રિકને શું કરવા છે? અમારે તો નોનમેટ્રિક હોય તો બસ. નોનમેટ્રિક થયા છો?'

'નોનમેટ્રિક પણ થયો છું!' દેવીપ્રસાદે હાંક્યું.

'હાં, તો તો ઠીક. પણ પગાર શું લેશો?'

'પગાર રૂપિયા પચીસ!'

'પગાર રૂપિયા પચીસ?' માવજીભાઈએ હવે વાત બરાબર મેળમાં ઉપાડી: 'પચીસ રૂપિયા તો બાપુ મનેય નથી આપતા. એમ કાંઈ રાજને દેવાળાં કઢાવવાં છે? પચીસ રૂપિયા કેમ થાય છે? પછી તો બાપુની મરજી તમને આપવા હોય તો એ ધણી છે.'

બાપુ રંગમાં આવી જઈને બોલી ઊઠ્યા: 'પચીસ આપો માવજી, પચીસ. આપણે એક ગૉટપીટિયો રાખવો છે ને.'

બાપુને તો ખબર પણ નહિ કે આ ગૉટપિટીયો રાખ્યો હતો ને કાઢી મૂક્યો એ જ છે. બાપુ એને ઓળખે તો બાપુ શેના? ત્યાં તો માવજીભાઈ બોલ્યા:

'ના, બાપુ! હું મારે મોંએ પચીસ નહિ કહું. તમે ધણી છો, તમે ગમે તે બોલો. પણ મારે કાંઈ રાજને દેવાળું નથી કઢાવવું. પચીસ રૂપિયા તો બાપુ, આ છોકરડાના ખોબામાંય ન માય. એટલા થાય. પચીસ રૂપિયા રેઢા પડ્યા છે? પચીસ-બચીસ નૈં મળે મારાજ! પણ બાપુની મરજી છે કે તમને રાખવા, એટલે રાખશું ખરા. પણ રૂપિયા રોકડા દસ મળશે. રહેવું છે?

દેવી પ્રસાદને તો માવજીભાઈની 'હા એ હા' ભણવાની હતી. તેણે કહ્યું : 'પણ બાપુ! હું બચરવાળ માણસ...'

'તે ભાઈ, એ તો એય એનાં નસીબ લઈને આવ્યાં હશે. એમાં બાપુ શું કરે? એમ બધાયના રોટલા બાપુ પૂરા પાડે તો બાપુની વસતી તો લાખે લેખાં થાય એટલી! પણ જાઓ, તમે ભ્રામણ છો, એટલે બાપુના કોઠારમાંથી એક સીધું, તમને હંમેશાં મળશે. બસ હવે? બાપુએ છોળ નાખી દીધી છે...!'

'પણ બાપુ...!'

'હવે બોલતા નહિ હોં! દસ રૂપિયા પગાર. ઉપરાંત એક સીધું લઈ જજો. ને ભ્રામણ છો, તે દર સોમવારે ને બે અગિયારશે ને એક અમાસે, એટલાં પાકાં સીધાં લઈ જાજો. હવે બાપુ સીધો રસ્તો દેખાડી દેશે, બોલ્યા તો... જાઓ !'

'પણ બાપુ ! મારે રે'વાનું....'

'રે'વાનું ઘર બાપુ એક કાઢી આપશે, જાઓ. માળા, ભ્રામણ તો બહુ લોભિયા. માગતાં પાછું વળીનેય ન જુએ!'

આમ ને આમ માવજીભાઈ તો દેવીપ્રસાદને પચીસ રૂપિયા કરતાંય ક્યાંય વધારે આપી દીધું. પણ દેવીપ્રસાદને સમજણ આપેલી માવજીભાઈએ કે તને એકદમ પચીસ કોઈ નહિ આપે. એટલે એણે તો હજી વાત વધારવામાં લાભ જોયો. ને પાછો બોલ્યો: 'બાપુ, જે આપ્યું તે 'લાખે લેખાં' થાય એટલું હું માનું છું. પણ બાપુ...!'

'માળા, આ ગૉટપીટિયા બહુ જ ચીકણા. ઠીક જાવ, ખળા ટાણે બાપુ તમને વીશ મણ દાણા આપી દેશે. હવે બોલતા નહિ! પણ દાણા ખળા ટાણે મળશે હોં... તે પહેલાં બોલશો તો કાંઈ નૈં મળે. આંઈ તો રાજ રીતે બધું અપાય છે. 'પોપાંબાઈનું રાજ' નથી, તે તમને બાપુ ખોબામાં પચીસ રૂપિયા ભરાવી દ્યે. પચીસ રૂપિયા થાય છે કેમ? પાંચ-પાંચ વખત ભેગા કરે, ત્યારે પચીસ થાય. સમજ્યા? હવે જાવ... કાલથી નોકરીએ ચડી જજો. ને કાલ પહેલો દી છે, તે એકને બદલે બે પાકાં સીધાં લઈ જાજો. પણ આવજો ટાઈમસર હો! આંહીં બાપુનું કામ બધું સૂરજ ઊગતાં જ શરૂ થઈ જાય છે. બપોરે બાપુ ચાર કલાક આરામ કરે ત્યારે તમેય છુટ્ટા. પણ બીજો બધોય વખત તમારે કામમાં કાઢવો. જાવ, કાલથી આવજો.'

'બાપુ, હુકમ?'

'અરે! માળા ગૉટપીટિયા! બાપુ તે ક્યાંય હુકમ આપતા હશે? ને મુરતમાં જ ધોળા ઉપર કાળું કરતા હશે? ઈ તો બાપુ વેણ બોલ્યા ઈ હુકમ!'

આમ માવજીભાઈએ, દેવીપ્રસાદ મેટ્રિકને રખાવી દીધા. પગાર પચીસ ન આપ્યો, પણ બધુંય એવા મેળમાં ગોઠવી દીધું કે, પચીસને બદલે પાંત્રીસ થઈ જાય!

દીવાનસાહેબે તો પચીસમાં એને ગોઠવ્યો હશે, પણ માનવજીભાઈના 'મ' વિના કોઈનું ગાડું હાલે નહિ એવું માવજીભાઈએ ગોઠવેલું. એટલે એને રખડાવ્યો. અને પછી પોતાનું મત્તું પડ્યું ત્યારે જ ફરીથી એને રખાવ્યો!

માવજીભાઈ આ પ્રમાણે પોતાના 'મ'ના મત્તાનો બધે જ આગ્રહ રાખે. એમના મત્તા વિના પાંદડું પણ હાલે નહિ. ત્યારથી કહેવત થઈ ગઈ કે 'મત્તું મારે માવજીભાઈ!'
 [પાછળ]     [ટોચ]