[પાછળ] 
ગજરાજના મુલકમાં ગુજરાતી
લેખકઃ ઉદય વોરા
સહાયક નિયામક, ગીર ફાઉન્ડેશન


વાત છે ગજરાજના મુલકમાં ગુજરાતીની એટલે કે મારી. આ પહેલાં થોડી જાણીતી એવી હળવી વાત જણાવવાની લાલચ થાય છે. વાત એમ બની કે વનરાજ સિંહને એવો વિચાર આવ્યો કે 'હું વનના રાજા તરીકે ઓળખાઉં છું, પરંતુ વાસ્તવમાં કેટલાં પ્રાણીઓ જાણ છે કે હું વનનો રાજા છું? લાવ, તપાસ કરી જોઉ'. અને સિંહ મહારાજ વનમાં નીકળ્યા. ૨સ્તામાં મળતા દરેક પ્રાણીને એક જ પ્રશ્ન પૂછે, ‘વનનો રાજા કોણ છે?’ અને દરેક પ્રાણી એક જ ઉત્તર આપે, 'મહારાજ, આપ નામદાર જ.’ આ સાંભળી મનોમન પોરસાતા સિંહ મહારાજ આગળ વધ્યા. રસ્તાથી થોડે દૂર એક ગજરાજ, વૃક્ષની કૂણી કૂંપળો આરોગી રહ્યો હતો. સિંહે દૂરથી જ પૂછ્યું, ‘એઈ હાથી, જંગલનો રાજા કોણ છે?“ ગજરાજે કશો જ પ્રતિભાવ આપ્યા વગર પોતાનું ભોજન આરોગવાનું ચાલુ રાખ્યું. સિંહે થોડા નજીક જઈ જોરથી ઘાંટો પાડી ફરી એ જ પ્રશ્ન પૂછ્યો, પણ કશો જ પ્રત્યુત્તર ન મળતા સિંહ વધુ ગુસ્સે થયો. વધારે નજીક જઈ તેણે પૂછ્યું, ‘એઈ હાથીડા બહેરો છે? બોબડો છે? જવાબ કેમ નથી દેતો?’ પરંતુ ગજરાજ તો પોતાનામાં જ મસ્ત હતો અને સ્થિતપ્રજ્ઞની માફક ભોજન આરોગી રહ્યો હતો. આ જોઈ સિંહ ગુસ્સાથી ધૂંઆપૂંઆ થઈ ગયો. હાથીની નજીક જઈ તેને એક પંજાનો પ્રહાર કરી ફરી પ્રશ્ન પૂછ્યો. હાથીને સિંહનો પ્રહા૨ હળવી ટપલી જેવો લાગ્યો. આવી શેખી કરનાર સિંહ ત૨ફ તેણે જોયું. પલકવારમાં જ તેણે સિંહને સુંઢમાં વિંટાળી ઊંચક્યો અને દૂર ફંગોળ્યો. સિંહનાં હાડકાં-પાંસળાં ખોખરાં થઈ ગયાં. ખોડંગાતો તે હાથી પાસે આવ્યો અને બોલ્યો, ‘ભાઈ, તને ખબર નહોતી તો ના પાડવી હતી. આમ ઘા કરવાની શી જરૂર હતી?’

હકીકતમાં આવું બનતું નથી. આફ્રિકામાં જ્યાં સિંહ અને હાથી બન્ને એક જ વિસ્તારોમાં સાથે રહે છે, ત્યાં સિંહ તક મળે ત્યારે નાના મદનિયાનો શિકાર કરી લે છે. હાથી સામાન્ય રીતે કુટુંબમાં-ટોળામાં રહેવાવાળું પ્રાણી છે. જો કે લગભગ દરેક વિસ્તારોમાં કેટલાંક એકલા રહેવાવાળા-એકાકી-હાથી પણ હોય છે, જે મોટા ભાગે દંતશૂળ વગરના ‘મકના’ હાથી હોય છે.

હાથીના વિશાળ કદને લીધે તે સહેલાઈથી જોઈ શકાતો હોવાથી તથા તેને પાળી શકાતો હોવાથી અન્ય વન્ય પ્રાણીઓની સરખામણીએ તેની વિવિધ વર્તણૂંક વિષયક અભ્યાસો સારી એવી સંખ્યામાં થયા છે. આ વિવિધ અભ્યાસોને ધ્યાનથી જોતાં જણાય છે કે હાથીની વર્તણૂંકમાં પ્રદેશ પ્રમાણે વિભિન્નતા જોવા મળે છે. દક્ષિણ ભારતના હાથીઓ અને ઈશાની રાજ્યના હાથીઓની વર્તણૂંકમાં ઘણી બાબતોમાં સામ્યતા કરતાં ભિન્નતા વધુ જોવા મળે.

જંગલમાં મુક્તપણે વિહરતા હાથીઓને જોવાની કલ્પના જ રોમાંચક હોય છે. હાથી તેના વિશાળ કદ અને અમાપ શક્તિના કારણે ભલભલાને ભયભીત કરી શકે છે. આવા હાથીને તેની નૈસર્ગિક અવસ્થામાં જોડવાની તક રાજાજી, કોર્બેટ, દૂધવા, બાંદીપુર, મદુમલાઇ, નગરહોલે, કાઝીરંગા, માનસ વગેરે સ્થળોએ મને સાંપડી છે અને કેટલાક ચિર સ્મરણીય પ્રસંગો પણ બન્યા છે. પરંતુ તેમાં પણ સહુથી વધુ યાદ રહી જાય તેવો એક અનુભવ થયો, આસામના માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં.

તે વખતે ૧૯૮૫નો ફેબ્રુઆરી મહિનો હતો. તાલીમ કાર્યક્રમના એક ભાગરૂપે આસામના માનસ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવાની હતી. માનસ રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રોજેક્ટ ટાઈગ૨ હેઠળ આવરી લીધલ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેનો વિસ્તાર ૨,૮૩૭ ચો.કિ.મી. છે. ઉદ્યાનની ઉત્તર સરહદે માનસ નદી વહે છે, જે મહદ્ અંશે ભુતાન અને ભારત વચ્ચેની સરહદ આંકે છે. જંગલ, મુખ્યત્વે સદાહરિત પ્રકારનું છે, પરંતુ ખાસ્સા વિસ્તારમાં ઘાસિયા મેદાનો પણ આવેલા છે. જૈવિક વૈવિધ્યની દ્રષ્ટિએ આ વિસ્તાર અદ્વિતીય છે, જેનું મુખ્ય કારણ તેનું ભૌગોલિક સ્થાન છે. ભૌગોલિક દ્રષ્ટિએ પૂર્વ હિમાલય અને પશ્ચિમ હિમાલયનો સંગમ અહીં થાય છે. આથી આ બને વિસ્તારોની જૈવિક વિવિધતાનું મિશ્રણ અહીં જોઈ શકાય છે.

હાથી ઉપરાંત આ વિસ્તારમાં વાઘ, ગેંડો, ચિતલ, બારાસિંગા, હોગ ડીયર, જંગલી ભેંસ, પિગ્મી હોગ, સોનેરી વાનર વગેરે ઘણા સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે. પક્ષી સૃષ્ટિ પણ કંઈ કમ નથી. અહીં લગભગ ૩૦૦ જાતના પક્ષીઓ જોવા મળે છે, જેમાં વિવિધ જાતના લક્કડખોદ, ગ્રેટ પાઈડ હોર્નબીલ, ગ્રીન મેંગપાઈ વગેરે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વિનાશને આરે ઊભેલી અને દુર્લભ પ્રજાતિઓ પૈકીના ગેંડા, પિગ્મી હોગ, સોનેરી વાન૨, બારાસિંગા, ગ્રેટ પાઇડ હોર્નબીલ, ડિસ્પીડ હેર વગેરે અહીં વસે છે, જેના પરથી તમે કલ્પી શકો કે આ વિસ્તારમાં કેવી અદ્વિતીય વન્યજીવ સૃષ્ટિ વસે છે. આવા વિસ્તારોના રક્ષણ અને જાળવણીનું કાર્ય ખૂબ જ અગત્યનું બની રહે તે સ્વાભાવિક છે. માનસનો લગભગ ૫૦% વિસ્તાર ઘસિયા મેદાનોનો છે, જેને કારણે અહીં જંગલી ભેંસ, ગોર અને ગેંડા ટકી શક્યા છે. આ ઘાસિયા મેદાનો વૃક્ષાચ્છાદિત થઈ ન જાય અને તેમાં વૃક્ષો કે ઝાડી મર્યાદિત રહે તે હેતુથી વહીવટના ભાગરૂપે જ નિયમિતપણે અમુક વિસ્તારોમાં દવ લગાડવામાં આવે છે. આમ અહીં, અન્યત્ર નુકશાનકારક ગણાતા વડવાનલનો ખૂબીપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. આ વિસ્તારના સંચાલન, તેની પદ્ધતિઓના અભ્યાસના ઉદ્દેશથી કરેલ મુસાફરી અવિસ્મરણીય બની રહી.

બન્યું એવું કે માનસની અમારી મુલાકાતના બીજા દિવસે વિવિધ વિસ્તારોના અભ્યાસનો કાર્યક્રમ ધાર્યા કરતાં થોડો વહેલો પૂરો થયો. અમારા મુકામ, મથનાગુડી ત૨ફ અમે પાછા ફરી રહ્યા હતા. ૨સ્તામાં જ વિચાર સ્ફૂર્યો કે હજી સૂર્યાસ્તને દોઢ-બે કલાકની વાર છે. એટલે જો રસ્તામાં જ જીપમાંથી ઉતરી જઈ ૩-૪ કિ.મી.નું ટ્રેકીંગ કરી નાંખીએ તો પક્ષી નિરીક્ષણ પણ થાય અને અન્ય વન્ય જીવો જોવાનો મોકો પણ મળે. મારી સાથેના આસામના જ સહાધ્યાયીઓ, શ્રી પ્રદિપ હજારિકા અને હિરણ્ય શર્માએ પણ તેમાં સૂર પુરાવ્યો. અમારા પ્રશિક્ષક શ્રી સાવ૨કર સાહેબની અનુમતિ મેળવી અમે ત્રણેયે જીપમાંથી ઉતરી પગપાળા વનભ્રમણ શરૂ કર્યું.

૨સ્તામાં જ અમને સ્પાઈડર હન્ટર, ગ્રીન મેગપાઈ, ગ્રેટ પાઈડ હોર્નબીલ વગેરે પક્ષીઓ જોવાનો લહાવો મળ્યો. અનન્ય એવી આ જીવસૃષ્ટિનું નિરીક્ષણ કરતાં કરતાં એક કિ.મી. જેટલું અંત૨ કાપવામાં જ ખાસ્સો એક કલાક જેટલો સમય વીતી ગયો. સાંજના પાંચની આસપાસનો સમય હતો. ઈશાની વિસ્તારમાં આપણા કરતાં સૂર્યાસ્ત વહેલો થતો હોય છે. સાંજ ઢળવા આવી હતી.

અચાનક અમારી નજર અમારાથી ૨૦૦ મીટરના અંતરે, ૨સ્તાના કિનારે ઊભેલા ‘મકના' હાથી ઉપર પડી. અત્યાર સુધી હાથીની વાતો સાંભળેલી, પરંતુ તેનો સીધો ભેટો કરવાનો આ પહેલો જ પ્રસંગ હતો. એકલો હાથી અને તે પણ ‘મકનો’ એટલે વધુ ભય લાગ્યો, કારણ કે એકલા હાથીની વર્તણૂંક અકળ (unpredictable) હોય છે. અજાણ્યું જંગલ એટલે કેડી ચાતરીને બીજા ૨સ્તે જવાની હિંમત કરી શકીએ તેવી સ્થિતિ ન હતી. તે અમારી તરફ જાજરમાન ઢબે ચાલતો ચાલતો. આવી રહ્યો હતો. અમારી હાજરીથી તે કદાચ હજી અજાણ હતો. હાથીની દૃષ્ટિ તેની ઘ્રાણેન્દ્રીય અને શ્રવણેન્દ્રીય જેટલી શક્તિશાળી નથી હોતી. પવનની દિશા વિપરીત હોવાથી કદાચ તે અમારી હાજરી સૂંઘી શક્યો ન હતો.

આ સંજોગોમાં બીજો કશો વિચાર ન આવ્યો. ત્વરિત નિર્ણય થયો કે ચૂપચાપ એક મજબૂત ઝાડ શોધી તેના પર ચઢી જવું. મોત સામે ઊભું હોય ત્યારે ઘણી વાર માણસમાં અપાર શક્તિ પ્રગટ થાય છે. પ્રદિપ હજારિકા શરીરે રૂષ્ટપુષ્ટ અને તગડો. સામાન્ય સંજોગોમાં ઝાડ પર ચઢવાનું તેનું ગજું નહિ. પણ તે સમયે તેનામાં શક્તિ આવી ગઈ. થોડોક ટેકો કરતાં જ તે ઝાડ પર ચઢી ગયો. હું અને શર્મા પણ સહેલાઈથી ચપોચપ ઝાડ પર ચઢી ગયા અને ખાસ્સા ઉપર ચઢી મૂંગા-મૂંગા હાથીને અમારી તરફ આવતો નિહાળી રહ્યા.

સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો. હાથી ચાલતો ચાલતો હવે અમારી તદ્દન નજીક આવી ગયો હતો. અમે જે ઝાડપર હતા તેની સામેના વૃક્ષની થોડી છાલ ઉખાડી, સુંઢમાં પકડી, એક જ ઝાટકે નીચેથી ઉપ૨ સુધી ઉખાડી, ખાવાનું શરૂ કર્યું. આ ક્રિયામાં પંદર-વીસ મિનિટ જેટલો સમય પસાર થઈ ગયો. શર્માને શરદી થઈ હતી. નાકમાંથી નીકળતું પાણી હોઠ પર થઈ નીચે આવી દાઢી પરથી નીચે ટપકતું હતું. આમ છતાં તે સ્હેજ પણ હલન-ચલન કરી શકે તેમ ન હતો. સ્હેજ પણ અવાજ થાય અને અમારી હાજરીથી ક્રોધે ભરાઈ તે અમારા ઝાડને હલાવવાનું શરૂ કરે તો અમારું શું થાય? ક્રોધની ક્ષણોમાં આખેઆખા ઝાડને ઉખાડી નાખવાની હાથીની શક્તિ તો જાણીતી છે.

સદ્‌ભાગ્યે એવું કશું ન બન્યું. થોડી ક્ષણો પછી તે અમારી સામેથી આગળ ચાલ્યો. સંપૂર્ણ અંધારું થઈ ચૂક્યું હતું. હાથી નજીકમાં જ છે એ બાબત તૂટતી ડાળીઓ અને કચડાતાં ઝાડી ઝાંખરાં પરથી જાણી શકાતું હતું. પરંતુ એ કેટલે દૂર છે અને રસ્તા પર છે કે નહિ તે નક્કી થતું નહોતું. હવે શું કરવું તે અંગે અમે તદ્દન ધીમા અવાજે ચર્ચા શરૂ કરી.

‘મેરે પાસ છોટી પેન ટોર્ચ હૈ, ચાલુ કરકે દેખે કિ હાથી કહાં હૈ?’ શર્મા ઉવાચ્

‘ઐસા મત કરના, યહાં કે હાથી લાઈટકો દેખતે હી હલ્લા કરતે હૈ’, હજારિકાએ જવાબ આપ્યો.

‘યાર, ઐસા કરતે હૈ, ઈધર બૈઠ બૈઠે હી જોર જોરસે ચિલ્લાતે હૈ, હમારા કેમ્પ સિર્ફ ડેઢ-દો કિલીમીટ૨ હૈ. શાયદ આવાઝ સુનાઈ દે યા ઔર કોઈ સુન લે ઔર હમેં બચાયે,’ શર્માએ કહ્યું.

‘ગધે જૈસી બાત મત કરો. જો૨સે ચિલ્લાઓગે તો હાથી કો પતા નહિ લગેગા ક્યા? યાર, ઓર કુછ સોચો,’ હજારિકાએ ખિજાઈને કહ્યું.

ઐસા કરતે હૈ, તુમ દોનોં ઈધર હી બૈઠે રહો. મૈં અકેલા નીચે ઉતર કે દૌડ કે કેમ્પ પે જાતા હું ઔર જીપ લેકે વાપસ આતા હું. અગર કુછ હોગા તો મુઝે અકેલે કો હોગા. બાકી દોનોં તો બચ જાએંગે. શર્માજી શહીદ થવાના મૂડમાં આવી ગયા.

આવી મૂર્ખામીભરી શહીદીની કોઈ જરૂર નહોતી. હાથી સો એક મીટર દૂર અને રસ્તાની અંદર હોય તેવું તૂટતી ડાળીઓના અવાજ પરથી જણાયું. અંતે ત્રણેય જણાએ સાથે ઝાડ પરથી ઉતરી, દોડી જવું એવું નક્કી થયું. ત્રણેય ફટાફટ નીચે ઉતરી એકી શ્વાસે દોડાય તેટલું લગભગ ૨૦૦-૩૦૦ મીટર જેટલું દોડી ગયા.

હવે હાંફ ચડ્યો હતો. તમામના શ્વાસોશ્વાસ ધમણની માફક ચાલી રહ્યા હતા. અંધારામાં બીજું કશું દેખાતું ન હતું. હાથીથી ખાસ્સા એવા દૂર આવી ગયા. છીએ એ વાતે મનોમન હાશકારો અનુભવતા ચાલી રહ્યા હતા. ત્યાં અચાનક જ ‘ભોં...ઓ...ઓ” એવો અવાજ આવ્યો. અમે ફરી મૂઠીઓ વાળી દોડવા લાગ્યા. દોડતાં દોડતાં જ મેં કહ્યું, ‘અરે યાર હમ ખામખા દૌડ રહે હૈ, વો આવાઝ તો સાબર કા થા, ઈસ મેં હમ ઐસે હી બેકાર દૌડ ગયે.’

રસ્તા કાંઠે ચરતું સાબર અમારી હાજરીથી ભડક્યું હતું. ડરના માર્યા કેવા દોડ્યા, એ વાત પર હસતાં હસતાં અમે આગળ ચાલ્યા.

મથનાગુડી પહોંચ્યાં ત્યારે રાત્રિના સાડાસાત થયા હતા. આટલું મોડું થવાથી સાહેબ અમારી ચિંતા કરતા હશે અને ઠપકો સાંભળવો પડશે તેવી કલ્પના અમે કરી હતી. રૂમ પર પહોંચતાં જ તેમની પાસે તાત્કાલિક જવાનું ફરમાન આવ્યું.

અમારા સાહેબને ‘શું બન્યું હશે?' તેની ગંધ આવી ગઈ હતી. સાવરકર સાહેબની અનુભવી આંખે એક જ દૃષ્ટિમાં સઘળું કલ્પી લીધું. અમે કશું જણાવીએ તે પહેલાં તેમણે હેતાળ અવાજે પૂછ્યું, ‘ક્યોં કૈસી રહી? અબ આપ લોગોં કો પતા ચલ ગયા હોગા કિ અનજાન જંગલ મેં એક્સપીરીયન્સ્ડ ગાઈડ કે બિના યા નિહથ્થે ઘૂમના નહિ ચાહિએ. ઔર જબ આપકો ઉસ ઈલાકે કે જાનવરો કી બિહેવીય૨ કા પતા ન હો તબ તો કિસી ભી હાલત મેં ઐસા સાહસ નહીં કરના ચાહિએ.’

પાછળથી અમને ખબર પડી કે આ હાથીને તેમણે પણ જોયો હતો. પરંતુ તે નિરુપદ્રવી જણાયેલ. તે મદમાં પણ જણાતો નહોતો. આથી વાંધો નહિ આવે તેમ માની તેમણે રોકાવાનું મુનાસિબ ન માન્યું. અમને પાછા ફેરવામાં હજી વધારે સમય થયો હોત તો તેમણે બચાવ ટુકડી મોકલવાની તૈયારી રાખી હતી.

અમને આ એક વધારે પાઠ શિખવા મળ્યો.
 [પાછળ]     [ટોચ]