[પાછળ] |
અજગરના પરાક્રમો-૧ લેખકઃ વિજયગુપ્ત મૌર્ય ![]() આબુ ઉપર બારે માસ રહેવાનું મારા જેવા પ્રકૃતિપ્રેમી સિવાય ઓછા માણસો પસંદ કરે. સહેલાણીઓ શિયાળા કે ચોમાસાનો વખત આબુ ઉપર રહેવાનું પસંદ નથી કરતા. શિયાળાની ઠંડીમાં સરિસૃપ વર્ગનાં ઘણાંખરાં પ્રાણીઓ સુષુપ્ત જેવાં બની જાય છે અને નજરે પણ ઓછાં પડે છે. પરંતુ જ્યારે ફાગણ મહિનામાં હવામાં હુંફ આવે છે ત્યારે એમને શોધવા જવું નથી પડતું. અત્યારે શિયાળાના કારણે મારે કામ પણ ઓછું રહેતું હતું, એટલે સાંજે ફરવા નીકળી પડ્યો હતો. પક્ષી-નિરીક્ષણ માટે શિયાળામાં આબુ મહત્વનું સ્થળ છે અને મને પક્ષીઓમાં પણ સારો એવો રસ હતો એટલે સાંજે ફરતાં ફરતાં મેં પક્ષીઓમાં ધ્યાન પરોવ્યું. ઝાડી નીચેથી કસ્તુરાનું મંદ મંદ સંગીત આવતું હતું. ફૂલો ઉપર સક્કરખોરા મધુર કંઠે કિલકલાટ કરતા ઊડતા હતા. ઝાડની ડાળી ઉપર બેઠેલા પતરંગા હવામાંથી જીવડાં પકડવા વારંવાર ઝંપલાવતા હતા. શિયાળામાં આબુની ગુલાબી ઠંડીની મજા માણવા આવતા દૈયડ એમના ગાવાની ઋતુ ન હોવા છતાં આનંદ ન સમાવાથી સિસોટી વગાડી લેતા હતા. માથે મુગટ અને પાછળ રજવાડી ઝબ્બાની લાંબી કોર જેવી વિચિત્ર પૂંછડી ધારણ કરી જાણે પોતે જ આ વનશ્રીનો રાજા હોય તેમ વનમાં લહેકાથી બોલતો ભીમરાજ ‘સી-રંગ, સી-રંગ’ કરતો હતો. લાલ થોભિયાવાળા બુલબુલ તો આબુનો શણગાર છે. એમના રણકા વિના આબુ સૂનું લાગત. પૂંછડીને પંખાની જેમ ફેલાવી ડાળે ડાળે નાચતો ચંડોળ તો આનંદનો પ્રતીક છે. ઘોડેસ્વારીનો મને બહુ શોખ છે અને અને અહીં તો હું લાંબા અંતર સુધી ફરવા જતો એટલે મેં પહાડી ટટ્ટું રાખ્યું હતું. આજે હું ટટ્ટુ ઉપર સવાર થઈને જ નીકળ્યો હતો. થોડો આગળ ગયા પછી મને ફાધર વૂડકોકનો ભેટો થઇ ગયો. તેઓ અહીં ખ્રિસ્તી મીશનના વડા પાદરી હતા અને હિંદુસ્તાનમાં પહેલી જ વાર તાજેતરમાં જ આવ્યા હતા. તેમને બંગલો પાસે જ હતો એટલે તેઓ આગ્રહ કરીને મને પોતાને બંગલે લઈ ગયા. તેમનું મીશન અહીંના ભીલોને ‘સુધારવા’નું અને તેમને ખ્રિસ્તી બનાવવાનું હતું. પાદરી સાહેબનું હિંદુસ્તાન વિષેનું જ્ઞાન એટલામાં જ સમાઈ જતું. સ્વભાવે તેઓ બહુ વાતોડિયા હતા. આજે તેમની વાત સવારે શું ખાધું ત્યાથી શરૂ થઈ ત્યાંથી બાવળની ડાળીની જેમ આડી ફાટીને આજના હવામાન ઉપર આવી અને ત્યાંથી હનુમાન જેમ છલાંગ મારીને હિંદુસ્તાનના રાજકીય પ્રશ્નો ઉ૫ર આવી. છેવટે નદી જેમ દરિયામાં જાય તેમ તેમની વાત પણ પોતાનાં ધ્યેય પાસે આવીને ઉભી રહી. ‘હું ખરું કહું છું, ડૉક્ટર,' પાદરી સાહેબે મારા પર મશીનગનનો મારો ચલાવ્યો, ‘તમારા ધમેં તમને ડરપોક અને સંકુચિત મનોદશાના બનાવ્યા છે. એક પ્રજા તરીકે હિંદુઓમાં એકતા, સહિષ્ણુતા અને નીડરતા જોઈએ, જે ખ્રિસ્તી વર્ગમાં જ છે. અમારા બાળકોને તે એ ગુણો ગળથુથીમાં...’ 'ફાધર, ફાધર' એક છોકરો બેબાકળો બનીને દોડતો આવ્યો. ‘સસલાના પાંજરામાં એક મોટો અજગર...’ છોકરો હાંફવાથી પૂરું બોલી ન શક્યો. મોટો અજગર જાણે પોતાની ખુરશી નીચે હોય તેમ ફાધર બેબાકળા બનીને ઠેકડો મારી ઊભા થઈ ગયા દેવતા ઉપર માખણ પીગળી જાય તેમ તેમની નીડ૨તા અને મર્દાનગીની વાતો અદૃશ્ય થઈ ગઈ. પાદરી સાહેબે વિલાયતમાં એવાં જ ખ્યાલ મેળવ્યા હતા કે હિંદુસ્તાનમાં તો ડગલે ને પગલે વાઘ, અજગર અને નાગ સામા મળે છે અને માણસોને ખાઈ જાય છે. એટલે તેઓ જ્યારે હિન્દુસ્તાન આવવા રવાના થયા ત્યારે પોતે બહાદૂરી કરતા હોય એવો ગર્વ લેતા હતા. પરંતુ હજી તો પહેલી જ વાર અજગરે તેમના સસલાખાનાની મુલાકાત લીધી ત્યાં તો તેઓ વિહ્વળ થઈ ગયા. મેં છોકરાને કહ્યું, ‘ચાલ બતાવ, ક્યાં છે અજગર? હું છોકરાને લઈને દોડતો ગયો. મારી પાછળ પાદરી સાહેબ દેવીનો ભૂવો ધૂણે તેમ ધ્રૂજતા આવ્યા. ફળિયામાં સસલાનું એક પાંજરું હતું. તેના સળિયા વચ્ચે થઈને એક અજગર અંદર ઘૂસ્યો હતા અને એક સસલાને ગળી ગયો હતો. એવામાં માણસો ભેગા થઈ ગયા અને પોતાને મળેલી આવી અણનોતરી પ્રસિદ્ધિથી ભડકીને અજગર નાસી જવા માટે બહાર નીકળવા ફાંફાં મારવા લાગ્યો. પરંતુ અજગરમાં નહોતી ઈજનેરી બુદ્ધિ કે નહોતું ગણિતનું જ્ઞાન, કારણ કે જ્યારે તે સળિયા વચ્ચેથી અંદર પેઠો ત્યારે સીધો સોટા જેવો હતો, પરંતુ પુખ્ત વયના સસલાને પેટમાં પધરાવ્યા પછી તે વચ્ચેથી ફૂલી પડ્યો હતો. એટલે હવે સળિયા વચ્ચેથી બહાર નીકળવું અશક્ય હતું. થોડાંક તરફડિયાં માર્યા પછી તેને ગૌતમ બુદ્ધની જેમ જ્ઞાન થયું કે મોક્ષમાર્ગની આડે આવતા સસલારૂપી માયાના અંતરાયનો તે ત્યાગ નહિ કરે ત્યાં સુધી તેને આ કેદખાનારૂપી સંસારમાં દુઃખી રહેવું પડશે. જેવું એ જ્ઞાન થયું કે તરત જ સસલાને ઓકી કાઢી તે માયારૂપી બંધનથી મુક્ત થવા લાગ્યો. મને થયું કે આવી ભરયુવાનીમાં પ્રાપ્ત થયેલા વૈરાગ્યના પરિણામે તે મારી પ્રયોગશાળારૂપી સંસારના વાયરાથી વંચિત રહીને અહીંથી જ મોક્ષ પામી જશે તો એ ઠીક નહિ થાય એટલે મેં તેને પકડવાની તૈયારી કરી. મારે તમને અહીં એક ચેતવણી આપી દેવી જોઈએ. આપણે સુસ્ત અને એદી માણસને અજગરની ઉપમા આપીએ છીએ, પણ તે આપણું અજ્ઞાન બતાવે છે. નાગ કે કાળોતરા જેવો જ અજગર ચપળ અને ઝાપી છે. અલબત્ત, તેના મોંમાં ઝેરની કોથળી કે ઝેરી દાંત નથી, પણ તેની શિકાર કરવાની રીત જ જુદી છે. તે પ્રાણીઓની અવરજવરના માર્ગ પાસે સુસ્ત થઈને પડ્યો રહે છે. તેનો રંગ જમીન સાથે ઓતપ્રોત થઈ જાય છે. પરંતુ તેની આંખો તો શિકારની પ્રતીક્ષા કરતી હોય છે. જેવું કોઈ પ્રાણી તેની હડફેટમાં આવે એટલે તરત જ અજગર તેના શરીરમાં દાંત ભરાવી આંખના એક પલકારામાં તો શિકારને શરીર આસપાસ ત્રણ વીંટોળા લઈને તેને એવું ભીંસી નાખે છે કે એ કમનસીબ પ્રાણી આકાર વિનાનો માંસને લોચો બની જાય. પછી અજગર ભરડો છોડી દઈ તેને ગળી જાય. અજગર અને સાપ શિકારને ગળી જઈને પછી કોઈ ઝાડ, ડાળી કે લાકડી પર વીંટાઈને ભરડો લઈ પેટમાંના શિકારને છૂંદી નાખે છે ને માન્યતા સાવ ખોટી છે. અજગરને પકડવામાં જોખમ છે. તે માણસને એ રીતે ભરડો લે તો માણસ પણ ભીંસાઈને મરી જાય. અલબત, માણસની પહોળાઈ તેના ખભા અને કેડ પાસેથી એટલી બધી છે કે સામાન્ય અજગર માણસને ગળી ન શકે, પરંતુ દીપડાને ગળી ગયાના દાખલા તો ઘણા બનેલ છે! અજગરના આટલા પરિચયથી તેના ભયંકર બળનો ખ્યાલ આવશે. પરંતુ અજગરની રીતભાતથી હું સારી રીતે વાકેફ થઈ ગયો છું, એટલે તેને કેમ હંફાવવો અને કેમ પકડવો તે વિષે મને કોઈ મૂંઝવણ ન હતી. મેં એક કોથળો લીધો અને જેવો અજગર ગળેલા સસલાને ઓકી કાઢી બહાર નીકળવા ગયો કે તરત જ મેં તેના મોં ઉપર કોથળો ધર્યો. અજગરે ગુસ્સે થઈને તેને બટકું ભર્યું કે તરત જ તેના વાંકાં દાંત તેમાં ભરાઈ ગયા. મેં એક ભીલને સૂચના આપી રાખી હતી એટલે જેવું અજગરનું મોં કોથળામાં ભરાઈ ગયું કે તરત જ મેં તેનું મોં કોથળા વડે દબાવી દીધું અને ભીલે તેનું પૂંછડું દબાવ્યું. એક બીજો જે માણસ તેની પીઠ ઉપર સવાર થઈ ગયો. અજગરે ખૂબ પછાડા માર્યા. આખરે ફરીથી તેને જ્ઞાન થયું કે અમારા બળ અને બુદ્ધિ આગળ હવે તેની તાકાત નકામી છે. આ જ્ઞાન સાથે તેને વૈરાગ્ય આવ્યો અને તે સામનો છોડી ઢીલોઢફ થઈ ગયો. અમે તેને કોથળામાં સેરવી દીધો અને કોથળાનું મોં બાધી, એક ભીલને માથે મુકાવી મેં પાદરી સાહેબની રજા લીધી. પાદરી સાહેબને હિંદુસ્તાન અને હિંદુસ્તાનના લોકો વિષે જુદા દૃષ્ટિકોણથી વિચાર કરવાની તક આપીને હું રવાના થયો. અજગરનો કોથળો મેં મારા ઘોડા ઉપર લાદ્યો અને હું ઘોડાને દોરીને પગપાળો ચાલતો થયો. ઘોડાને શું ખબર કે તેણે આજે કેવા પ્રકારનો બોજો ઉપાડ્યો છે! અજગરે પણ ઘોડાને જાહેર નહોતું કર્યું કે તે આજે ઘોડેસ્વારીની મજા માણે છે. હમણાં જ ખાધેલી હારથી હતબુદ્ધિ બની કોથળારૂપી બ્રહ્માંડમાં અંધારરૂપી માયામાં અટવાઈ ગયેલો અજગર ‘સ્થિતપ્રજ્ઞ’ કાચબાની જેમ સંકોચ પામીને પડી રહ્યો. પાદરી સાહેબના બંગલાથી મારો બંગલો કંઈ દૂર ન હતો, પરંતુ માર્ગ ઊંચોનીચો ચડાણ-ઉતરાણવાળો હતો. હું એક હાથે ઘોડાની લગામ ૫કડી બીજો હાથ કોથળા ઉપર રાખી ઘોડાને દોરતો જતો હતો. પરંતુ માણસની જિંદગીનો માર્ગ જેમ ચડે-ઉતરે છે તેમ મારો આ માર્ગ પણ ચડ-ઉતર થતો હતો. એક સીધા ઉતરાણ ઉપરથી ઉતરવા જતાં ઘોડો નીચે નમ્યો. હું મને પોતાને સંભાળવા ગયો, ત્યાં ઘોડા ઉપર લાદેલો સજીવ બોજો નીચે સરકી પડવા લાગ્યો. હું ગભરાઈને કોથળો સરખો કરવા ગયો ત્યાં કોણ જાણે કેમ એ દુષ્ટ અજગરને તોફાન કરવું સૂઝ્યું કે તે કોથળામાંથી છૂટવા માટે તરફડવા લાગ્યો. અત્યાર સુધી ઘોડાને ખ્યાલ ન હતેા કે તેણે સજીવ બોજો ઉપાડ્યો છે. હવે તેને ખ્યાલ આવ્યો કે તેના વાંસા ઉપર કોઈ જીવતું પ્રાણી છે. તેણે ચમકીને કૂદકો માર્યો તેવો જ કોથળો જમીન ઉપર પટકાઈ પડ્યો. ઘોડાને કોઈ આવા સવારનો અનુભવ ન હતો એટલે આદમ અને ઈવે માત્ર કૂતુહલવૃત્તિને વશ થઈને જે આફત વહોરી લીધી હતી તે આ ઘોડાએ પણ વહોરી લીધી, કારણ કે કોઈ પાદરીએ આ ઘોડાને આદમ તથા ઇવની કથા સંભળાવી ન હતી. તેણે ફરીને કોથળો સૂંઘી જોયો. થઈ ચૂક્યું. આ પહાડી ટટ્ટુ અજગરની ગંધ પારખી ગયો. તે ચમક્યો, ભડક્યો અને ભાગ્યો. મને બીક લાગી કે રખે ઘોડો જંગલમાં ભાગી જશે તો રાત્રે વાઘ કે દીપડો તેને મારી નાખશે. અજગર કરતાં ઘોડો વધારે કિંમતી હતો, એટલે હું અજગરનો કોથળો પડતો મૂકીને ઘોડાની વાંસે દોડ્યો. માણસ અને ઘોડા વચ્ચે દોડવાની શરત શરૂ થઈ અને એ શરતમાં ઘોડાને હરાવી દેવાની મને બહુ આશા ન હતી, પરંતુ ઘોડાએ જ મને પરાજયની નાલેશીમાંથી બચાવી લીધો, કારણ કે જ્યારે તેને ખબર પડી કે તેની પાછળ જે દોડી આવે છે તે અજગર નથી પણ માણસ છે ત્યારે તે ઊભો રહી ગયો. મેં તેને બુચકારી, પંપાળીને ઠંડો પાડ્યો. ભરજુવાનીમાં આ ઘોડો અજગર પ્રત્યે અને મારા પ્રત્યે પણ વિરક્ત બનીને ભગવાન બુદ્ધની જેમ મહાભિનિષ્ક્રમણ કરવા તૈયાર થયો હતો તે હવે મારા માયાળુ હાથના સ્પર્શ અને મારા હાવભાવથી હારી ગયો અને હઠ છોડીને મારી સાથે પાછો ફર્યો. અજગરને હવે જ્ઞાન થયું હતું કે છૂટવા માટે ફાંફાં મારવાથી ગુરુત્વાકર્ષણનું બળ વધી જાય છે અને એ બળના પરિણામે આવી બંધનાવસ્થામાં પૃથ્વી ઉપર પટકાઈ પડવામાં મજા નથી. એટલે તે ૫ણ આટલો પદાર્થપાઠ શીખીને ડાહ્યો થઈ ગયો અને મેં તેનો કોથળો ઉપાડીને પાછા ઘોડા ઉપર નાખ્યો. ઘોડાએ પણ પહેલાં તો અનિચ્છા બતાવી પરંતુ છેવટે વિરક્ત ભાવે એ બંધન સ્વીકારી લીધું. આમ અમારી સવારી આગળ ચાલી અને હવે રસ્તામાં અમારા સરઘસને કંઈ હોનારત ન નડે તે માટે મેં ખૂબ સાવચેતી રાખી. જ્યારે અમારું સરઘસ બંગલે પહોંચ્યું ત્યારે અંધારું થઈ ગયું હતું, હું પણ આજના પરિશ્રમ અને દોડધામથી થાકી ગયો હતો એટલે અજગરનો કોથળો મેં બંગલાની ચાલીમાં જ મૂકી દીધો અને વાળુ કરીને સૂઈ ગયો. મેં ખૂબ સારી ઊંઘ ખેચી અને સ્વપ્નસૃષ્ટિમાં પણ ખૂબ ભમ્યો. અજગરથી ખદબદતી એક ગૂફામાં જઈને મેં કોથળા ભરી ભરીને અજગર પકડ્યા. સ્વપ્નમાં મેં અજગરને કોઈ સ્ત્રી ઉપર હુમલો કરતો જોયો. પેલી સ્ત્રીએ ચીસ પાડી. એ ચીસથી હું ચમકી ગયો. મને લાગ્યું કે મેં ખરેખર ચીસ સાંભળી છે. પથારીમાંથી સફાળો બેઠો થઈ ગયો અને મારે કાને કોલાહલ થતો સંભળાયો. દુનિયામાં થતા અનર્થનાં કારણોનું પૃથક્કરણ કરવામાં આવે તો માણસની કૂતુહલવૃત્તિ સૌથી વધારે દોષિત ઠરે. વહેલી સવારે મારો ભીલ નોકર આવ્યો. તેણે સાફસૂફી કરતાં ચાલીમાં કોથળો જોયો. કૂતુહલવૃત્તિના શિકાર બની દુનિયા માટે આફતનો વારસો મૂકી જનાર આદમ અને ઈવના આ વંશજે એવી જ દુષ્ટ કૂતુહલવૃત્તિને તાબે થઈ કોથળામાં શું છે તે જોવા જિજ્ઞાસા કરી. તેણે કોથળો છોડી નાખ્યો અને બદલામાં બાઈબલની પેલી કથાના શાપને પણ ભુલાવી દે તેવો અજગર ફૂંફાળો મારીને બહાર નીકળી આવ્યો. પેલો ભીલ ચીસો નાખતો ભાગ્યો અને તેની ચીસોએ મને સ્વપ્નસૃષ્ટિના અજગરોની ગૂફામાંથી અને અજગરના ભરેલા કોથળાઓ વચ્ચેથી બહાર કાઢી વાસ્તવતાની સૃષ્ટિમાં અજગર વિનાના ખાલી કોથળા પાસે લાવી મૂક્યો. શું બન્યું છે તે સમજતાં મને વાર ન લાગી. ભીલ છેટે ઊભો ઊભો ધ્રૂજતો હતો અજગર નાસી ગયો હતો, મારી બધી મહેનત પાણીમાં ગઈ હતી. મારે તો હવે તત્વજ્ઞાનની જ દૃષ્ટિ કેળવવાની હતી. જગત મિથ્યા છે, માયા છે, ભ્રમણા છે. તેમાં વાસ્તવતા જ ક્યાં છે? મેં મારા મનને આમ દિલાસો દીધો અને અજગરને ભૂલી જવા પ્રયાસ કર્યો. પરંતુ મારા નસીબમાં અજગરને અને અજગરના નસીબમાં મને ભૂલવાનું ન હતું. (ભાવનગરનું ‘કહાની’ સામાયિક, અંક જૂન ૧૯૪૮) * * * |
[પાછળ] [ટોચ] |