[પાછળ] 
અજગરના પરાક્રમો-૨
લેખકઃ વિજયગુપ્ત મૌર્ય


કાચા કુંવારા માણસો સ્ત્રીઓથી શા માટે ક્ષોભ પામે છે તેનું કારણ હું નથી સમજતો. હું પોતે કાચો કુંવારો છું, પરંતુ સ્ત્રીઓથી જેટલો ડરું છું તેટલો અજગર, નાગ અને કાળોતરાથી નથી ડરતો. હું કાચા કુંવારાની વાત કરું છું. કુંવારા તો ઘણા હેાય છે, પરંતુ બધા કુંવારા કાચા નથી હોતા. મને તો મારા અભ્યાસના વિષયો ઉપર જ પ્રેમ છે, કોઈ સ્ત્રી ઉપર મને છાનો, છૂપો કે જાહેર પ્રેમ થયો નથી; તેમાં પણ મારી પડોશણ ઉપર તો મેં કદી પ્રેમ નથી કર્યો તેની હું ખાતરી આપું છું. બાઈબલમાં ભગવાન ઈસુ ખ્રિસ્તે આદેશ આપેલ છે કે તારા પાડોશી ઉપર પ્રેમ રાખ. એવા ઘણા માણસો હોય છે કે જેઓ ખિસ્તી ન હોવા છતાં ભગવાન ખ્રિસ્તના આદેશને વફાદારીપૂર્વક માન આપી પોતાની પડોશણ ઉપર પ્રેમ રાખે છે. હું મારી પડોશણ સાથે બહુ ઓછો સંપર્ક રાખતો. તે નિર્દોષ, હસમુખી, આનંદી અને જુવાન ખ્રિસ્તી બાઈ હતી. કોઈ કોઈ વાર તે કંઈ ઘરગથ્થુ ચીજની આપ-લે કરવા મારે ઘેર આવતી અને કોઈ વાર સાપ ઉપર થતા અખતરા જોવા માટે જિજ્ઞાસાથી ઊભી રહી જતી અને મારી સાથે વાતે વળગતી. મારા અને તેના બગીચાની વચ્ચે માત્ર કાંટાળા તારની વાડ જ હતી. કોઈ વાર બગીચામાં ફરતાં ફરતાં તેનો ભેટો થઈ જતો અને એ વાતોડિયા સ્વભાવની નિર્દોષ છોકરીની વાતોમાં પૂર્ણવિરામ શોધ્યો ન મળતો. મારી પ્રકૃતિ પ્રમાણે તે હું તેની વાત ટૂંકેથી પતાવીને તેનાથી દૂર ભાગી જવા ઈચ્છતો. મને કદી અજગર કે રાજનાગ કે ફૂર્સા જેવા ભયંકર સાપથી ક્ષોભ નથી થયો, પરંતુ સ્ત્રીઓથી તો હું પીછો છોડાવું છું.

પેલો અજગર ભાગી ગયા પછી બીજે દિવસે સવારે હું દાતણ કરતાં કરતાં બગીચામાં ટહેલતો હતો. સવારની ગુલાબી ઠંડી ઉત્સાહને પ્રેરતી હતી. હજી સૂર્યોદય નહોતો થયો, પરંતુ પ્રકાશ ફેલાઈ ગયો હતો. બગીચાનાં ફૂલો ઉપર વિવિધરંગી પતંગિયાં અને ભમરા ભમતા હતા. છોડવાઓમાં દરજીડો ટુ-વી, ટુ-વી, ટુ-વી કરતો ઠેકડા મારતો હતો. એ નાનકડા પક્ષીમાં મેં કદી વિષાદ કે આળસ જોયેલ નથીઃ સદૈવ પ્રસન્ન અને ચંચળ. તેની સાથે હરીફાઈ કરે તેવો બબુના(=શ્વેતનયના) ઘટામાં ચીઈ-ચીઈ અને સીર-સીર કરતો કૂદાકૂદ કરતો હતો. એક ઝાડની ડાળીએ સફેદ દૂધ જેવો દૂધરાજ મહારાજાના ઝબ્બાની કોર જેવા લાંબા પીંછાવાળી પૂછડીને હવામાં તરાવતો ઊડી ઊડીને હવામાંથી જીવડા પકડતો હતો. અંગારા કરતાં વધારે લાલ, બાગના રતૂમડા રાજાલાલનું એક ટોળું ઝાડનાં ઝુંડોમાં દોડાદોડી કરતું હતું, જાણે ઝાડમાં અંગારા લાગ્યા હોય ને! એક ઊંચા ઝાડ ઉપર સફેદ છાતીવાળો કલકલિયો કી-રી-રી-રી-રીના કર્કશ અવાજથી પોતાના ભભકાદાર રંગોને લજાવતો હતો.

હું પ્રકૃતિનું આ સૌંદર્ય નિહાળવામાં મશગૂલ હતો ત્યાં મેં બાજુના બગીચામાંથી મારી પેલી હસમુખી પડોશણની ભયગ્રસ્ત ચીસો સાંભળી હું ચમક્યો. મનુષ્યને સ્વાભાવિક એવું પ્રેમશૌર્ય મારા દિલમાં ઊછળી આવ્યું. અને મેં એકદમ દોટ મૂકી. પરંતુ વચ્ચે કાંટાળ તારની વાડ આવી અને તેમાંથી નીકળવું કંઈ સહેલું ન હતું. મારી અધીરાઈનો પાર ન હતો. કાંટાળા તારની શોધ કરનારને મેં હજાર શાપ આપ્યા અને માંડ માંડ કરીને ફાટેલ લૂગડાં અને ઠેકઠેકાણે ઉઝરડારૂપી દાણ ચૂકવીને હું તેમાંથી પસાર થઈ ગયો. ચીસો જ્યાંથી આવતી હતી તે દિશામાં મેં દોટ મૂકી ત્યારે એક ખૂણા પાસે ભીંતને અઢેલીને ભયથી બેબાકળી બનીને ઉભેલી પડોશણ મને જોઈને દોડીને મને વળગી પડી! હવે મને લાગ્યું કે મારી પડોશણ ભયમાં નથી પણ હું ભયમાં છું! મને એમ થયું કે અજગરે તો શું ૫ણ રાજનાગે મને ડંખીને ભરડો લીધો છે. હવે મારે તેને આશ્વાસન આપવું, તેના ભયનું કારણ પૂછવું કે તેના ભરડામાંથી છૂટીને મારે ભાગી છૂટવું–તેની મૂંઝવણમાં હતો, ત્યાં મારી નજર સામેના કૂંડા પાસે પડી. પેલો અજગર ઈડનના બગીચાના પૌરાણિક સાપને ભુલાવે તેવો અમારી સામે-આદમ અને ઇવ સામે જોતો કાંઈ વેતરણમાં હતો! બાઈબલના દૃશ્યનું નાટક ભજવાઈ જવામાં હવે શી ઊણપ હતી?

હું પડોશણને હિંમત આપીને તેની ભીડામણમાંથી છૂટ્યો અને એટલી જ વારમાં બીજા માણસો પણ ત્યાં આવી પહોચ્યા. પોલીસની ભાષામાં કહું તો ફરારી અજગરને મેં પાછો અટકમાં લઈ લીધો અને તેને પાછો કોથળામાં પૂરી દીધો. મારી બહાદૂરી અને હિંમત ઉપર મુગ્ધ થયેલી મારી પડોશણ એ સંમોહાવસ્થામાંથી જાગૃત થાય તે પહેલાં હું એ અજગરના કોથળાની સાથે, ઇડનના બગીચામાં ઇવને એકલી મૂકી, નાસી છુટ્યો! મારે શરીરે જે દાહ થતો હતો તે પેલા ઉઝરડાનો હતો કે પેલી નારીરૂપી નાગણે મારા શરીરને વીંટાઈ ભરડો લીધો હતો તેનો હતો તે હું સમજી ન શક્યો; સમજવાનો પ્રયોગ કરવા મારી ઈચ્છા પણ ન હતી.

આ મહાન અજગરને રાખવા માટે હજી મારે સગવડ કરાવવાની હતી એટલે તે દિવસે તો જ્યારે મેં સાંજે પ્રયોગશાળા બંધ કરી ત્યારે તેના મધ્યસ્થ ખંડમાં કોથળો મૂકી દીધો. અને બારીબારણાં બરાબર બંધ કરીને બંગલાને તાળું દઈ હું મારે ઘેર ચાલ્યો ગયો. આજે હું મારા અભ્યાસખંડમાં ખૂબ કામમાં રહ્યો હતો. પરિણામે સવારના બનાવને ભૂલી જતાં વાર ન લાગી. સાંજે પણ ફરી આવીને ઘેર ગયા પછી મને અજગરનો વિચાર જ ન આવ્યો.

બીજે દિવસે સવારે હું પ્રયોગશાળાએ ગયો ત્યારે નોકરોના ભય, વિસ્મય અને મૂંઝવણથી ફાટ્યા રહી ગયેલાં ડાચાં જોઈને કંઈ સમજવાનો વિચાર કરું ત્યાં તો પ્રયોગશાળામાંથી આવતી સ્પિરીટની ઉગ્રવાસ મારા મગજ સુધી પહોંચી ગઈ. બંધ બારણાં સામે જોયું તો અંદરથી ઢોળાયેલ આલ્કોહોલનો રેલો બહાર નીકળ્યો હતો! મને થયું કે કોઈ બરણી ફૂટી ગઈ હશે, કારણકે આ ખંડમાં ઘણી બરણી હતી. પરંતુ સ્પિરીટ તો ઢોળાયા ભેગું ઊડી જવા લાગે, ત્યારે અહીં તો આટલા બધા સ્પિરીટનો રેલો નીકળ્યો હતો! આ હિસાબે અંદર કેટલું સ્પિરીટ ઢોળાયું હશે! અંદર અનેક બરણીમાં જુદી જુદી જાતના સાપ, કાચંડા, વગેરે પ્રાણીના નમૂના સ્પિરીટમાં સંઘરેલા હતા. મેં તરત બારણું ઉઘાડવાનું કર્યું, પરંતુ બારણા આડે કાચનો ઢગલો હોય એમ લાગ્યું. છેવટે બારણાને ખંભો ભરાવી જોર કરીને બારણું ઉઘાડી નાખ્યું. મેં અંદર જોયું અને જોઈને હું બેશુદ્ધ થઈને પડી કેમ ન ગયો એ જ એક નવાઈ છે.

મેં શું જોયું? પ્રયોગશાળાના એ મધ્યસ્થ ખંડમાં પ્રાણીસંગ્રહની કાચની બરણીઓના ભંગારનો ઢગલો આખા ખંડમાં પથરાઈને પડ્યો હતો. પ્રાણીઓના નમૂના વેરવિખેર થઈ ગયા હતા અને બધું સ્પિરીટ ઢોળાઈ ગયું હતું. મને લાગ્યું કે રાતમાં ચોક્કસ ધરતીકંપનો આંચકો લાગ્યો હશે અને તેમાં આ બધી બરણીઓ નીચે આવી પડી હશે. આટલા મોટા જથ્થામાં ઢોળાયેલું સ્પિરીટ હવામાં એટલું બધું ઊડી ગયું હતું કે ખંડમાં હવાને ઠેકાણે વાયુરૂપે સ્પિરીટ જ હતું. તેની ઉગ્રતાથી હું એવો ગૂંગળાઈ ગયો કે થોડી વાર તો અંદર જઈ શક્યો નહિ, પણ પછી દોડીને એક બારી ઉઘાડી નાખી અને બારીમાંથી બહારની હવા અંદર આવી ત્યારે મેં પ્રાણાયામ છોડ્યું. મેં અંદર જઈને દીવાલો પર નજર કરી ત્યારે મારે રડવું કે ફિલસૂફ બનીને દિલાસો લેવા માટે પરાણે હસવું તેની મૂંઝવણ થઈ પડી. દીવાલો ઉપર એક ઉપર બીજી એમ ત્રણ અભેરાઈઓની હાર હતી અને તે બધી અભરાઈઓ ઉપર વરસોના શ્રમ, સંશોધન અને અભ્યાસ પછી એકઠા કરેલા પ્રાણીઓના નમૂનાઓથી ભરેલી કાચની બરણીઓ, દરેક ઉપર નામ તથા પ્રાણી મેળવ્યાનું સ્થળ અને તારીખ સાથેની ચિઠ્ઠીએ ચોડીને, ખીચોખીચ ગોઠવવામાં આવી હતી. આ બધી બરણીઓ હેઠે આવી પડી હતી અને તેમના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા. હા, દાઝેલાને ડામ દેવા માટે રહી ગઈ હોય તેમ એક બરણી અભેરાઈ ઉ૫ર રહી ગઈ હતી! આ ‘પ્રલય'નું દૃશ્ય મારા માટે અસહ્ય હતું.

અરે, પેલા બિયારા અજગરનું શું થયું હશે? એ પણ આ કાચના ભંગાર નીચે દટાઈને મરી ગયો? મારા નાોકરોએ ભારે શ્રમ વેઠીને ભંગાર ખસેડ્યો ત્યારે કોથળાના દર્શન થયાં. હું તો એમ જ ધારતો હતો કે કોથળો ઉપાડતાં તેમાંથી લોહીતરબોળ અજગરનું લોહી ટપકવા લાગશે. પણ આ શું? કોથળો તો ખાલી છે! ત્યારે અજગર? કોથળાનું મોં તપાસ્યું. તે એ તો બાંધેલું હતું. તપાસ કરતાં જણાયું કે કોઈ નાનું કાણું હશે. તેમાં મોં ભરાવી મોટું ગાબડું પાડીને એ દુષ્ટ તેમાંથી નીકળી ગયો હતો. પરંતુ આ ઓરડો તો બંધ હતો; બારીબારણાં પણ બંધ હતાં; ખાળ-મોરી પણ ન હતી કે જ્યાંથી અજગર નીકળી જાય, અને આ તો અજગર હતો. તે કંઈ નાનીસૂની જગ્યામાંથી નીકળી ન શકે; તેમ બહાર નીકળવાનો રસ્તો તો હતો જ નહિ. તો ૫છી જરૂર તે અહીં જ ક્યાંક હોવો જોઈએ.

અંધારી રાતે વીજળી ઝબૂકે તેમ મારા મૂંઝાયેલા મગજમાં એક વિચાર ચમક્યો. પરંતુ આ વિચારની વીજળી ઝબકીને મારા ઉપર જ પડી અને મને ભારે ઝાટકો લાગ્યો. હા, હવે સમજાયું કે આ સર્વનાશ ધરતીકંપનું પરિણામ ન હતું. આવો જબરો ધરતીકંપ થાય અને અમને ખબર પણ ન પડે એમ કેમ બને? આ બધો ઉત્પાત પેલા દુષ્ટ અજગરનો હતો. કોથળામાંથી નીકળીને તેણે ખૂણેખાંચરે બધે તપાસ કરી હશે, પરંતુ ક્યાંયથી તેને બહાર નીકળવાનો રસ્તો ન મળતાં ત્યાંથી તે છેવટે અભેરાઈ ઉ૫ર ચડ્યો હશે અને અભેરાઈ ઉપર તેની સત્તર ફૂટ લાંબી અને કેળના થાંભલા જેવી જાડી કાયા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ એક પછી એક બરણી નીચે પટકાતી ગઈ. વાહ! કેવો હશે તે વખતનો દેખાવ! અજગરનો પડછંદ દેહ એક પછી એક અભેરાઈ ઉપર ચડતો જાય, ફરતો જાય અને અભેરાઈને સાફ કરતો જાય! એ દૃશ્ય નજર સામે તરી આવતાં મને આંખે અંધારા આવ્યાં. કેટલા વરસની મારી મહેનત એળે ગઈ હતી!

દુઃખમાંથી નિરાશા અને નિરાશામાંથી ક્રોધ જન્મે છે. અને મારા ક્રોધનું પાત્ર બનનાર અજગરને હું શોધવા લાગ્યો. “એ રહ્યો પેલા બાંકડા નીચે! બસ, એ જ ગુનેગાર.' મેં ગુસ્સામાં આવીને લાકડીનો વળેલો હાથો ભરાવીને તેને બહાર ખેંચ્યો, પણ.... આ શું! એ તો પીધેલો હતો. એટલું જ નહિ પણ તે દારૂમાં નહાતો હતો. તેને બહાર ખેંચતાં તો તે દારૂથી નીતરવા લાગ્યો. તેણે જરા ય ચ૫ળતા ન બતાવી; માત્ર ફૂંફાડા જ માર્યા કર્યા. તે દારૂના ઘેનમાં હતો. તેના અંગેઅંગમાં દારૂની અસર બેસી ગઈ હતી.

તમે કદાચ પૂછશો કે અજગર દારૂ પીએ છે ખરા? કે પછી હું પણ આ લખતી વખતે એની અસર નીચે છું! વાત સાચી છે કે અજગર દારૂ તો નથી પીતા પણ ચા કે દૂધ પણ નથી પીતા. અને હું તો દારૂનિષેધનો પ્રખર હિમાયતી છું. પરંતુ હકીકત એમ બની હતી કે જ્યારે ઓરડામાં હવાને ઠેકાણે આલ્કોહોલે (એટલે કે દારૂએ) સ્થાન લીધું હતું ત્યારે આખી રાત અજગરે શ્વાસમાં વાયુરૂપે તેને ફેફસામાં લીધો. એનું અંગ અંદર અને બહારથી એ રીતે દારૂથી વ્યાપ્ત બની ગયું અને તેના કેફમાં તે ચકચૂર બની ગયો. તેને ખરેખર દારૂ ચડી નીકળ્યો તો એમ જ કહી શકાય. અને તે એવો ચડી નીકળ્યો હતો કે મને લાગ્યું કે તે હમણાં ઊભો થઈને દારૂડીયાની જેમ ગાવા, નાચવા અને લવારા કરવા લાગશે! મેં તેને ગુસ્સામાં એક લાત મારી, તેના જવાબમાં તેણે જરા ફૂંફાળો મારીને તત્વજ્ઞાનીની જેમ સ્વીકાર કર્યો અને સ્થિર પડ્યો રહ્યો.

આ અજગરે મચાવેલા ઉલ્કાપાતની વાતને હું ખાનગી રાખવા માગતો હતો, કારણ તેમાં મારી પણ ફજેતી તો ખરી ને! મેં મારા નોકરોને વાતનો ઉહાપોહ નહિ કરવા સૂચના આપી, પરંતુ આ નોકરે તે વાત ખાનગીમાં મારા પાદરી મિત્રના કાણા બટલરને કરી. પાદરી સાહેબે તે વાત બટલર પાસેથી જાણી અને પોતાના માનીતા હજામને વાત કરી. હજામે આબુ ઉપર આવતા સહેલાણીઓની દાઢી મૂંડતાં મૂંડતાં તે બધાને વાત કરી હતી. આમ આ અજગર-કથા આબુ પર્વતથી ઊતરી હિંદુસ્તાનનાં મેદાનમાં ગઈ. કહેવાની જરૂર નથી કે જેમ જમીન ઉપર પડેલું વરસાદનું ચોખ્ખું પાણી ધરતી ઉપરથી જેમ જેમ દરિયા તરફ આગળ વધે તેમ તેમ વધુ ને વધુ માટી અને કચરો લેતું જાય તેમ આ વાતમાં પણ મસાલો ભળતો ગયો. છેવટે આ સમાચાર કોઈ સમાચાર-સંસ્થાના નવરા ખબરપત્રીને સાંપડ્યા અને પછી તો મારા ટેબલ ઉપર જેમ જેમ છાપા આવવા લાગ્યાં તેમ તેમ હું તો તેમાં મોટા અક્ષરે છાપેલા સમાચાર વાંચીને આભો જ બનતો ગયો. લાહોરના એક અખબારે લખ્યું હતું, ‘આબુ-દેલવાડાના મંદિરમાં દેખાયેલો દેવતાઈ સાપ!' અમદાવાદના એક છાપાએ લખ્યું હતું કે આ દેવતાઈ સાપની ફેણ ઉપર ઝગારા મારતો મણિ હતો. દિલ્હીના એક પત્રે તેના ખાસ ખબરપત્રી તરફથી અહેવાલ છાપ્યો હતો કે દેલવાડાના મંદિરમાં સાત ફેણવાળો શેષનાગ દેખાયો હતો અને એક પાદરી તેને જોવા જતાં તે પાંખો પસારીને ઊડી ગયો હતો!

એ સમાચારો વાંચીને મારે હસવું કે અજગરે કરેલા નુકસાનને યાદ કરીને રડવું તેની વિમાસણમાં હું બેઠો હતો ત્યાં એક અંગ્રેજ બાઈ ખંભે કેમેરા, દૂરબીન અને થેલી ભરાવીને આવી અને મારા ટેબલ સામે ઊભી રહી.

'ડૉક્ટર xxxx તમારું નામ કે!'

‘જી, હા.’ તે એક પ્રવાસી જેવી લાગવાથી મેં તેને બેસવા ખુરશી આપી.

‘મારે તમારા અજગર જોવા છે, મારી સાથે આવીને બતાવશો?'

શિષ્ટાચારની ખાતર હું ના ન પાડી શક્યો, પરંતુ મારો મિજાજ ઠેકાણે ન હતો. હું તેને અજગર-વિભાગમાં લઈ ગયો. તેણે મને વકીલની છટાથી સવાલ પૂછવાનું શરૂ કર્યું અને મને લાગ્યું કે તેના સવાલોનો છેડો આવનાર જ નથી. છેવટે મારી ધીરજ ખૂટી. છતાં મારા મોં ઉપરનો અણગમો પારખ્યાં વિના કે પછી પારખ્યાં છતાં તેની અવગણના કરીને તેણે તો પ્રશ્નોનો મારો ચાલુ જ રાખ્યો.

‘આવા ભયંકર પ્રાણીની રખેવાળી કોણ કરે છે?’

‘ભીલ નોકરો.‘ મેં ટૂંકમાં પતાવ્યું.

તેણે ભીલ નોકર સામે જોઈ કહ્યું, ‘ભીલ લોકો તો દલિત કોમના ગણાય છે એ જ ને? અમારા પાદરીઓ તેને સુધારે છે.'

મને ગુસ્સો ચડ્યો. છતાં શિષ્ટાચારની ખાતર મેં 'હા’ કહીને ટૂંકે પતાવ્યું. ત્યાં વળી સવાલ પુછાયોઃ ‘અજગરને શું ખવરાવો છો?’

‘ભીલનાં છોકરાં.' મેં તેને હવે તરછોડવાના ઈરાદાથી ઉડાઉ જવાબ દીધો. પરંતુ ધર્મગુરુ કહે છે તે બધું સાચું માની લેવાની હિંદુ-મુસલમાનોની અંધશ્રદ્ધાને ભુલાવે એવી શ્રદ્ધાથી તેણે આ વાત સાચી માની લીધી!! તેણે આંખો ફાડીને મારી સામે જોયા કર્યું, પછી ભીલ સામે જોયું, પછી અજગર સામે જોયું ને અને પછી ભીલ તથા અજગરના ફોટોગ્રાફ લીધા.

આ બનાવને બે’ક માસ થઈ ગયા. મારું અહીંનું કામ હવે પૂરું થયું હતું અને અહીંથી જતાં પહેલાં મારે વિવેકને ખાતર પાદરી સાહેબને મળવું હતું. સાંજે હું તેમને બંગલે ગયો ત્યારે તેઓ ‘બ્રિટીશ ટાઈમ્સ'ની એંગ્લો-ઈન્ડિયન આવૃત્તિ વાંચી રહ્યા હતા. મને જોઈને તેઓ ઉમંગમાં આવી ગયા.

જુઓ જુઓ ડૉક્ટર સાહેબ, આ અખબાર શું લખે છે તે વાંચો.' તેમણે મલકાતાં મલકાતાં કહ્યું. મેં જોયું તો તેમાં અજગર અને મારા ભીલનાં ચિત્ર હતાં. હું જિજ્ઞાસાથી વાચવા લાગ્યો. ચિત્રોનો પરિચય આપીને અખબારે નીચે મુજબ નોંધ લખી હતીઃ

‘હિંદુસ્તાનમાં અંત્યજો, મુસ્લિમો, આદિવાસીઓ, વગેરે લઘુમતી કોમોને કચડી નાખી સવર્ણ હિંદુઓ પોતાનું વર્ચસ્વ સ્થાપવા માગે છે અને જો બ્રિટીશરાજ તેમનું રક્ષણ કરતું ન હોત તેવી દલિત કોમોનું શું થાત તે આ ચિત્રો બતાવી આપે છે. જંગલમાં વસતા અસ્પૃશ્ય ભીલ કોમનાં બાળકોને સવર્ણ હિંદુઓ અજગરને ભોગ આપી ખવરાવી દે છે, કારણ કે હિંદુઓ સાપને દેવ તરીકે માને છે અને તેમને નરબલિ આપીને સંતુષ્ઠ કરે છે. એવા એક અજગર અને ભીલના ચિત્ર ઉપર આપેલ છે અને લેખિકાએ જાતે હિંદુસ્તાનમાં જઈને આ ફોટોગ્રાફ લીધા છે.’

આ વાંચીને હું એટલે બધો હસ્યો કે પાદરી સાહેબને શંકા થઈ કે મારું ભેજું ચસકી તો નથી ગયું? શું બન્યું હતું તેની મેં જ્યારે પાદરી સાહેબને વાત કરી ત્યારે તેઓ પણ ખડખડાટ હસી ૫ડ્યા.

પાદરી સાહેબની રજા લઈને હું મારે બંગલે પહોંચ્યો ત્યારે અંધારું થવાં આવ્યું હતું. આવતી કાલે મારે આબુ છોડી જવાનું હતું, પરંતુ આબુના અજગર છેવટ સુધી મને છોડવા તૈયાર ન હતા. હું જ્યારે બંગલાના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે માણસો ભયભીત થઈને દરવાજા પાસે ઉભા હતા અને નખી તળાવ તરફ જતો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો હતો. મને નવાઈ લાગી કે લોકો આગળ જતા કેમ ડરે છે? લોકોનું ટોળું ત્યાં જમા થયું હતું. સૌથી મોખરે મારો રસોઈયો હતો. મેં તેને પૂછ્યું: “શું છે!' તે ગભરાતાં જવાબ આપ્યો કે આ રસ્તાના વળાંક આગળ સડકની બાજુમાં એક રાક્ષસ છે!

મને નવાઈ લાગી. ભૂતપ્રેતની દુનિયાને ન માનનારને રાક્ષસ જેવા વિચિત્ર પ્રાણીની હયાતી તો ક્યાંથી માનવામાં આવે? પ્રાણીશાસ્ત્રીને તો દુનિયાનાં તમામ પ્રાણીઓની જાતો તેમના વર્ગીકરણ પ્રમાણે નજર સામે જ હોય. તેમાં ભૂત કે રાક્ષસનો કોઈ વર્ગ નથી. મેં હસીને પૂછ્યું: ‘કેવો છે એ રાક્ષસ?'

રસોઈયાએ કબૂલ કર્યું કે તેણે જાતે રાક્ષસને નથી જોયો. બે’ક માણસોએ કહ્યું કે, તે શેષનાગ જેવો છે, પરંતુ મોં આગળ બહુ જાડો છે અને તેને બે શીંગડાં અને એક દાઢી તથા બે કાન છે!

વાત સાંભળીને હું ખખડાટ હસી પડ્યો. મેં તેમને કહ્યું, ‘તમને સ્વપ્ન આવ્યુ હશે. સૌ ઘર ભેગા થઈ જાવ.’

પરંતુ લોકો ત્યાંથી ખસવા તૈયાર ન હતા. એક સહેલાણીએ આગળ આવીને મને કહ્યું, ‘મેં નજરે એ રાક્ષસને જોયો છે અને હજી ત્યાં જ છે.’

મેં તેનો ઉધડો લીધો, ‘ચાલો; મને નજરે બતાવશો?'

પરંતુ મારી સાથે આવવા કોઈ તૈયાર ન હતું, છતાં સંખ્યાબંધ માણસો આગ્રહપૂર્વક કહેતા હતા કે ત્યાં રાક્ષસ જરૂર છે. છેવટે એક સહેલાણી તૈયાર થયો. મેં તેને વચન આપ્યું કે તેના રક્ષણની જવાબદારી મારા ઉપર રહેશે. તેને હિમ્મત આપવા માટે મેં રાઈફલ મંગાવી લીધી.

સંધ્યાનો પ્રકાશ અદૃશ્ય થઈ ગયો હતો. બહુ જ ઓછું અજવાળું હવે રહ્યું હતું. અમે વળાંક વળ્યા. ત્યાં મેં ખરેખર એક વિચિત્ર પ્રાણી બરાબર રસ્તાની બાજુમાં જોયું. તેને ખરેખર બે શીંગડાં હતાં, બે કાન હતા, બકરા જેવું મોઢું હતું અને બકરા જેવી દાઢી હતી; બાકીનો ભાગ અજગર જેવો હતો. મારી સાથે જે સહેલાણી આવ્યા હતા તે તો એને જોઈને મૂઠી વાળીને ભાગ્યા. તેની પાછળ છેટે છેટે બીજા કેટલાંક પણ આવ્યા હતા તેઓ પણ ભાગ્યા. ભાગવા માટે પડાપડી થઈ પડી. પરંતુ આ ભયંકર પ્રાણી મને છેતરી શકે તેમ ન હતું. ઝાંખા ઝાંખા પ્રકાશમાં પણ મેં એ ભાઈસાહેબને ઓળખી કાઢ્યા.

વાત એમ બની હતી કે સમી સાંજે એક બહુ મોટા અજગરે એક બકરાને પકડીને ભીંસી નાખ્યો હતો અને તેને, પાછલા પગથી પકડીને, ગળી ગયો હતો. પરંતુ આખું શરીર ગળાઈ ગયા પછી છેવટે તેનું માથું અટક્યું, કારણ કે તેને બે મોટાં શીંગડાં હતાં. આખું શરીર અજગરના ગળા નીચે ઊતરી ગયું હતું પરંતુ બોકડાંનું માથું, કાન, અને શીંગડાં બાકી રહી ગયા હતાં. અજગર પણ જબરજસ્ત હતો. પરંતુ અજગર ગમે એટલો મોટો હોવા છતાં તેનું મોઢું જોનારને મોટું નથી જણાતું. એટલે અજગરને બોકડાનું માથું, કાન અને શીંગડાં હોય એવો આબેહૂબ દેખાવ લાગતો હતો. અને જામતા જતા અંધારામાં તેનો દેખાવ ૫ણ ભયંકર લાગતો હતો.

મેં વિના વિલંબે રાઈફલથી અજગરને મારી નાખ્યો અને તરત જ પ્રેક્ષકો આ અદ‌્ભુત દૃશ્ય જોવા માટે ટોળે વળ્યાં.

આમ મારી આબુની યાત્રા પૂરી થઈ. ત્યાંના રોમાંચક પ્રસંગો મારા સ્મૃતિપટ ઉપર એવા કોતરાઈ ગયા છે કે જાણે એ બનાવો આજે જ બન્યા હોય તેમ લાગે છે.

(Pythons & their ways નામની એક સત્ય ઘટના ઉપરથી)

(ભાવનગરનું ‘કહાની’ સામાયિક, અંક જૂન ૧૯૪૮)
 [પાછળ]     [ટોચ]