[પાછળ] |
મુંબઈમાં ગુજરાતી છાપકામ આવ્યું છાપેલાં છાપાં ને ચોપડીઓ લાવ્યું લેખકઃ દીપક મહેતા (મુંબઈથી પ્રગટ થતા લોકપ્રિય દૈનિક ગુજરાતી મીડ-ડેની કોલમ ’ચલ મન મુંબઈ નગરી’માંથી સાભાર ઉધૃત) અત્યારે આપ શું વાંચી રહ્યા છો, એમ કોઈ પૂછે તો શો જવાબ આપશો? હું વર્તમાનપત્ર વાંચી રહ્યો છું કે અખબાર વાંચી રહ્યો છું કે છાપું વાંચી રહ્યો છું? લોકજીભે ચડેલો શબ્દ છાપું છે એટલે મોટે ભાગે આપ કહેશો કે હું છાપું વાંચી રહ્યો છું. આમ તો સાવ સીધોસાદો શબ્દ લાગે છે આ છાપું. જે છપાયેલું છે તે છાપું. પણ હકીકતમાં ‘છાપું’ શબ્દ વર્તમાનપત્ર કે અખબાર માટેની એક અનિવાર્ય જરૂરિયાત પણ બતાવે છે. એ જરૂરિયાત તે છાપકામ, મુદ્રણ, પ્રિન્ટિંગ. સંખ્યાબંધ નકલો, ઓછામાં ઓછા સમયમાં, નિયમિત રીતે તૈયાર કરવી એ મુદ્રણ આવ્યું તે પહેલાં શક્ય જ નહોતું. એટલે છાપકામને પગલેપગલે જ આવ્યું છાપું. અને ગુજરાતી છાપકામની શરૂઆત થઈ તે આજના ગુજરાતના કોઈ શહેરમાં નહિ, પણ આપણા મુંબઈ શહેરમાં. હા, પહેલાં આવ્યું અંગ્રેજી છાપકામ અને અંગ્રેજી છાપું. ‘બોમ્બે હેરાલ્ડ’ નામનું પહેલવહેલું છાપું શરૂ થયું ૧૭૮૯માં. બીજે વર્ષે, ૧૭૯૦માં શરૂ થયું તેનું હરીફ ‘બોમ્બે કુરિયર.’ ૧૭૯૧માં ‘બોમ્બે હેરાલ્ડ’નું નામ બદલીને ‘બોમ્બે ગેઝેટ’ રાખવામાં આવ્યું. તે દર અઠવાડિયે બુધવારે પ્રગટ થતું. જ્યારે ‘બોમ્બે કુરિયર’ દર શનિવારે પ્રગટ થતું. તે ૧૮૫૪ સુધી ચાલ્યું અને પછી ‘ધ બોમ્બે ટેલિગ્રાફ’ નામના બીજા એક છાપા સાથે જોડાઈ ગયું. બોમ્બે કુરિયરને સરકારી અને ખાનગી જાહેરખબરો સારા પ્રમાણમાં મળતી. હવે એ વખતે સરકાર હતી ઇસ્ટ ઇન્ડિયા કંપનીની! અને તેનું મુખ્ય કામ તો વેપારનું હતું. એટલે કંપની સરકારના કેટલાક અધિકારીઓના ધ્યાનમાં એક વાત આવી. આપણે માત્ર અંગ્રેજીમાં જાહેરાતો કે જાહેરખબરો છપાવીએ છીએ તે તો બહુ ઓછા લોકો સુધી પહોંચે છે. કારણ, એ વખતે આ દેશમાં અંગ્રેજી જાણનારા કેટલા? એ વખતે બોમ્બે પ્રેસિડેન્સીમાં નહોતી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો કે કૉલેજો. તો બીજી બાજુ ગુજરાતી, મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓમાં નહોતું એક પણ છાપું. પણ હા, એક કામ થઈ શકે, અંગ્રેજી છાપામાં ગુજરાતી, મરાઠી જેવી ભાષામાં જાહેરખબર કે જાહેરાત તો છાપી જ શકાય ને! પણ ખાટલે મોટી ખોડ એ હતી કે એ વખતે ગુજરાતી-મરાઠી જેવી ભાષાઓના ટાઇપ જ કોઈએ બનાવ્યા નહોતા અને એટલે એવી ‘દેશી’ ભાષાઓમાં છાપવાનું શક્ય નહોતું. પણ આવી બાબતોમાં ‘બોમ્બે કુરિયર’ના માલિક-તંત્રી એશબર્નર હતા ઉત્સાહી. વળી આવી જાહેરખબરોની વધારાની આવક થાય એનો લોભ પણ ખરો. અને આજની જેમ એ વખતે પણ મુંબઈના વેપારવણજ પર ગુજરાતીઓનું પ્રભુત્વ. એટલે અહીં ‘દેશી’ ભાષાઓમાંથી પહેલું મુદ્રણ થયું ગુજરાતીમાં. અને તે માટે ‘બોમ્બે કુરિયર’ અને એશબર્નરને મોટી મદદ મળી એક એકલવીર પારસી નબીરા તરફથી. એમનું નામ બહેરામજી છાપગર. મૂળ વતની સુરતના. ૧૭૯૦ના અરસામાં મિત્ર નસરવાનજી જમશેદજી દાતારની સાથે મુંબઈ આવ્યા અને લુક એશબર્નરની માલિકીના ‘બોમ્બે કુરિયર’ અખબારના છાપખાનામાં કમ્પોઝિટર (બીબાં ગોઠવનાર) તરીકે જોડાયા. છાપકામનો અનુભવ તો ક્યાંથી હોય, પણ આપબળે કમ્પોઝ કરતાં શીખ્યા. એટલું જ નહીં, પ્રેસને જરૂર પડી ત્યારે એકલે હાથે ગુજરાતી બીબાં પણ બનાવી આપ્યાં. આપણી ભાષા છાપવા માટેનાં એ પહેલવહેલાં બીબાં. એ અર્થમાં એમને ગુજરાતી મુદ્રણના જનક કહી શકાય. પણ આવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? બે કારણે. પહેલું કારણ: પારસીઓ અને તેમના પ્રદાન અંગેના અમૂલ્ય ગ્રંથ ‘પારસી પ્રકાશ’માં બહેરામજી વિષે નોંધ્યું છે કે “મિ. એશબર્નરે એવન પાસે ગુજરાતી બીબાં પણ મુંબઈમાં ઓટાવ્યાં હતાં.” બીજું કારણ: બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાઈને ૧૭૯૭માં એક પુસ્તક પ્રગટ થયું હતું: ‘ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ.’ લેખક હતા ડો. રોબર્ટ ડ્રમંડ. આ ભાષાનાં બીબાં હિન્દુસ્તાનમાં તો મળશે નહીં એટલે પુસ્તક ઇંગ્લૅન્ડમાં છપાવવું પડશે એમ લેખકના મનમાં હતું. પણ મુંબઈ આવ્યા પછી બહેરામજી છાપગરે બનાવેલાં આ ભાષાનાં બીબાં તેમણે જોયાં. ખૂબ પસંદ પડ્યાં એટલે પુસ્તક બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાવ્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે આ વાત તો નોંધી જ છે, પણ સાથોસાથ એ વાત પણ નોંધી છે કે આ જ બહેરામજીએ એકલે હાથે ગુજરાતી લિપિનાં બીબાં પણ બનાવ્યાં હતાં. એટલું જ નહીં, જરા ચાતરીને પ્રસ્તાવનામાં જ તેમણે આ ગુજરાતી બીબાંના નમૂના પણ આમેજ કર્યાં છે. એટલે ૧૭૯૭ સુધીમાં બહેરામજીએ એકલે હાથે ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં એ નક્કી. પણ હકીકતમાં બહેરામજીએ ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં ૧૭૯૬માં. એ અંગેની જાહેરાત ખુદ બોમ્બે કુરિયરમાં જ ૧૭૯૬માં છપાઈ છે. તેમાં બહેરામજીની મદદથી અમે ગુજરાતી બીબાં તૈયાર કર્યાં છે, અને એટલે હવે અમે ગુજરાતીમાં પણ મજકૂર છાપી શકશું એવી જાહેરાત કરી છે અને હવે પછી ગુજરાતીમાં લખેલ જાહેરાત કે જાહેરખબર મોકલવા આમંત્રણ આપ્યું છે. બહેરામજીને હાથે બીજું પણ એક મોટું કામ થયું – જાણ્યે કે અજાણ્યે, એ કહેવું મુશ્કેલ છે. છાપકામની શરૂઆત થઈ તે પહેલાંની હસ્તપ્રતોમાં ગુજરાતી અક્ષરોને માથે પણ સંસ્કૃત કે મરાઠીની જેમ શિરોરેખા રહેતી. ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૯ તારીખે બોમ્બે કુરિયરમાં જે ગુજરાતી જાહેરખબર છપાઈ તેમાં ગુજરાતી અક્ષરોને માથે પણ શિરોરેખા હતી. પણ એ જ વર્ષના જુલાઈ મહિનામાં બોમ્બે કુરિયરમાં બીજી એક ગુજરાતી જાહેરખબર છપાઈ. તેમાં શિરોરેખા જોવા મળતી નથી. ત્યારથી ગુજરાતીના મુદ્રણમાંથી શિરોરેખા ગઈ તે ગઈ. ઓગણીસમી સદીની પહેલી પચ્ચીસીમાં પહેલવહેલાં ગુજરાતી પાઠ્યપુસ્તકો પ્રગટ થયાં તેમાંથી પણ ઘણાંમાં શિરોરેખા વગરની ગુજરાતી લિપિ વપરાઈ હતી. હાથે લખાયેલાં લખાણોમાંથી પણ પછી ધીમેધીમે શિરોરેખા દૂર થઈ. ગુજરાતી લિપિને વધુ સરળ અને સુગમ બનાવવાના આ મોટા કામની પહેલ બહેરામજીએ કરી. આ બહેરામજીનો જન્મ ક્યારે થયેલો એ જાણવા મળતું નથી પણ તેમનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે. અને ‘પારસી પ્રકાશ’ નોંધે છે કે તે વખતે તેમની ઉંમર પચાસ વર્ષની હતી. એટલે તેમનો જન્મ ૧૭૫૪ની આસપાસ થયો હોવો જોઈએ. તેવી જ રીતે તેમની ‘છાપગર’ અટક તેઓ ‘બોમ્બે કુરિયર’માં જોડાયા પછી પડી કે સુરતમાં હતા ત્યારથી જ એ અટક હતી એ પણ કહેવું મુશ્કેલ છે. સુરતમાં હતા ત્યારે તેઓ ક્યો ધંધો કરતા હતા તેની પણ ખબર નથી. પણ એક શક્યતા એવી છે કે તેઓ કાપડ પરના બ્લોક પ્રિન્ટિંગના કામ સાથે સંકળાયેલા હોય અને તેથી મુંબઈ આવ્યા પહેલાં જ છાપગર તરીકે ઓળખાતા હોય. બહેરામજીના અવસાનનાં દસ વર્ષ પછી તેમના દીકરા જીજીભાઈ પણ ૧૮૧૪માં બોમ્બે કુરિયરમાં જોડાયા હતા અને વખત જતાં તેના હેડ કમ્પોઝિટર બન્યા હતા. આજે હવે હેન્ડ કમ્પોઝનો જમાનો નથી રહ્યો. ડિજિટલ પ્રિન્ટિંગનો જમાનો છે. છાપાં તૈયાર થાય છે કમ્પ્યુટર પર. છપાય છે ખૂબ ઝડપી અત્યાધુનિક મશીનો પર. અને એટલે ધાતુનાં બીબાં પણ વપરાતાં લગભગ બંધ થયાં છે. પણ તેથી કાંઈ બહેરામજીએ એકલે હાથે કરેલા કામનું મહત્ત્વ ઓછું થતું નથી. કારણ, આજે કમ્પ્યુટરમાં પણ જે ગુજરાતી ફોન્ટ વપરાય છે તેના પણ વડદાદા તો આ બહેરામજી છાપગર જ. પણ વાત આટલેથી અટકતી નથી. મુંબઈના જે બોમ્બે કુરિયર પ્રેસમાં ૧૭૯૭માં પહેલી વાર ગુજરાતી મજકૂર છપાયો તે જ પ્રેસમાં છપાઈને ૧૮૦૮માં પહેલુંવહેલું ગુજરાતી પુસ્તક બહાર પડ્યું. આ પુસ્તક તે મુંબઈમાં છપાયેલું પહેલું મરાઠી પુસ્તક પણ છે. તેના લેખક હતા એક અંગ્રેજ ડૉ. રોબર્ટ ડ્રમન્ડ. એ પુસ્તકનું લાંબું લચક નામ હતું: ‘ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઑફ ધ ગુજરાતી મરહટ્ટ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજિસ.’ નામ જ સૂચવે છે તેમ આ પુસ્તક ત્રિભાષી હતું. ગુજરાતી અને મરાઠી વ્યાકરણનો તેમાં અંગ્રેજી દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. પુસ્તકનો હેતુ, અલબત્ત, હિન્દુસ્તાનમાં, ખાસ કરીને મુંબઈ ઇલાકામાં, કામ કરતા અંગ્રેજ અફસરો અને પાદરીઓને બે સ્થાનિક ભાષા જાણવામાં મદદરૂપ થવાનો હતો. આ પુસ્તકમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં છે તે બહેરામજીએ બનાવેલાં તે જ બીબાં હોય તેમ અક્ષરો સરખાવી જોતાં લાગે છે. અલબત્ત, બહેરામજીનું તો ૧૮૦૪માં અવસાન થયેલું. એટલે આ પુસ્તકનો ગુજરાતી મજકૂર તેમણે કમ્પોઝ કર્યો ન હોય. પણ આ કામ કરી શકે એવો બીજો કોઈ કમ્પોઝિટર એ પ્રેસ પાસે તે વખતે હોવો જોઈએ. પણ તેનું નામ કોઈ જાણતું નથી. એક અન્ય ‘ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ’ નામના પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં જેમણે બહેરામજી અને તેમનાં બનાવેલાં ગુજરાતી બીબાંનો ઉલ્લેખ કર્યો છે અને નમૂના પણ છાપ્યા છે તે જ આ ડૉ. ડ્રમન્ડ. વ્યવસાયે સરકારી સર્જન. આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની પુરોગામી સંસ્થા લિટરરી સોસાયટી ઑફ બોમ્બેની ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ સ્થાપના થઈ ત્યારે તેના સ્થાપકોમાંના એક હતા ડૉ. ડ્રમન્ડ. આ પુસ્તક પ્રગટ થયું તે પછીના વર્ષે તેઓ સ્વદેશ જવા રવાના થયા. તારીખ-વાર તો જાણવા મળતાં નથી પણ ઈ.સ. ૧૮૦૮ના કોઈક દિવસે લેડી જેન ડન્ડાસ નામનું શઢવાળું વહાણ કલકત્તાથી લંડન જવા નીકળ્યું. સાથે બીજાં ત્રણ વહાણો હતાં – કલકત્તા, બેન્ગાલ, અને જેન ડચેસ ઓફ ગોર્ડન. આવી મુસાફરીને એ વખતે આઠ-દસ મહિના લાગતા, અને રસ્તામાં જોખમો પણ ઘણાં, એટલે કોઈ વહાણ એકલદોકલ ભાગ્યે જ જાય. કાફલામાં જ સફર ખેડે. ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખ સુધી તો બધું હેમખેમ હતું. એ દિવસે ચારે વહાણો મોરેશિયસથી સુખરૂપ રવાના થયાં. પણ પછી ક્યાં ગયાં તેની કોઈને ખબર પડી નહીં. ભયંકર વાવાઝોડામાં ફસાઈને ચારે વહાણ ડૂબ્યાં. લેડી જેન ડન્ડાસ પર જે મુસાફરો હતા તેમાંના એક હતા ડૉક્ટર રોબર્ટ ડ્રમન્ડ. ડૉ. ડ્રમન્ડનો જન્મ ક્યાં અને ક્યારે થયો તેની વિગતો તો મળતી નથી. પણ ૧૭૯૬માં તેઓ મુંબઈ ઇલાકાની સરકારની તબીબી સેવામાં જોડાયા એવી નોંધ મળે છે. વડોદરામાં રેસિડન્ટ સર્જન તરીકે અને ગુજરાતના અપીલ એન્ડ સર્કિટ જજના સર્જન તરીકે કામ કર્યું હતું એટલે તેમને ગુજરાતી ભાષાનો સારો એવો પરિચય. વખત જતાં તેઓ મુંબઈ સરકારના આસિસ્ટન્ટ સર્જન અને પછી સર્જન જનરલ બન્યા. આ પુસ્તક લખાતું હતું તે દરમ્યાન જ ડૉ. ડ્રમન્ડે સ્વદેશ પાછા જવાનું નક્કી કર્યું હશે. કારણ પ્રસ્તાવનામાં તેમણે આ પુસ્તકને ‘Parting pledge of veneration’ તરીકે ઓળખાવ્યું છે. ગુજરાતી ભાષાના આ પહેલવહેલા પુસ્તક માટે આગોતરા ગ્રાહકો નોંધવામાં આવ્યા હતા. (જોકે પુસ્તકમાં ક્યાંય તેની કિંમત છાપી નથી.) કુલ ૪૬૭ નકલ આગોતરી વેચાઈ ગઈ હતી. તેમાંથી સો નકલ મુંબઈના ગવર્નરે ખરીદી હતી. પુસ્તકની શરૂઆતમાં ગુજરાતી અને મોડી લિપિમાં સ્વર-વ્યંજનનો કોઠો આપ્યો છે. (શરૂઆતમાં મરાઠી પુસ્તકો છાપવા માટે મોડી લિપિ વપરાતી.) તે પછી સંસ્કૃત વ્યાકરણને અનુસરીને ગુજરાતી અને મરાઠી નામની સાત વિભક્તિનાં એકવચન અને બહુવચનનાં રૂપ આપ્યાં છે. પછી સર્વનામ અને આખ્યાતનાં રૂપો આપ્યાં છે. ત્યાર બાદ સામાન્ય વપરાશના કેટલાક શબ્દો કે શબ્દ-સમૂહો ગુજરાતી અને મરાઠીમાં આપી અંગ્રેજીમાં તેની સમજૂતી આપી છે. એ વખતે ધૂળી નિશાળોમાં કક્કો, બારાખડી, આંક શીખવવા માટે જે ઉપદેશાત્મક વાક્યો ગોખાવાતાં તે પણ અહીં આપ્યાં છે. ગુજરાતી કહેવતોનો પણ સર્વ પ્રથમ સંગ્રહ – ભલે નાનો – પણ આ પુસ્તકમાં થયો છે. કહેવતોનો અંગેજી અનુવાદ પણ આપ્યો છે. પુસ્તકનો છેલ્લો ભાગ છે ‘ગ્લોસરી.’ આમ તો ગ્લોસરી એટલે શબ્દસૂચિ કે શબ્દસંગ્રહ. પણ અહીં ડ્રમન્ડે જે આપ્યું છે તે તેના કરતાં ઘણું વધારે છે. ‘પારસી’ કે સતિ’ જેવા શબ્દો સમજાવવા માટે તો તેમણે નાના નિબંધો જ લખ્યા છે. બાયડી અને બૈરી જેવા શબ્દોના પ્રદેશભેદે થતા અર્થભેદ પણ નોંધ્યા છે. વ્યાકરણ ઉપરાંત, ભલે સંપૂર્ણ ન કહી શકાય તોય આપણી ભાષાનો આ પહેલો સાર્થ શબ્દકોશ છે, પહેલી ગુજરાતી-અંગ્રેજી ડિક્ષનરી છે. ૧૮૦૮માં છપાયેલું આ પહેલવહેલું ગુજરાતી પુસ્તક અત્યંત દુર્લભ છે. મુદ્રણને પ્રતાપે આપણા સમાજમાં, જીવનમાં, રહેણીકરણીમાં જે પરિવર્તન આવ્યું તેનો આજે આપણને ખ્યાલ ન આવે. કારણ કે છાપેલો શબ્દ હવે આપણે માટે સાવ સ્વાભાવિક બની ગયો છે. પણ એ જમાનામાં મુદ્રણને પ્રતાપે જે પરિવર્તન આવ્યું તેનો ખ્યાલ કવિ દલપતરામના આ દોહરા પરથી આવે છે: લહિયા સો લખતાં છતાં, વર્ષ એક વહી જાય; એક દિવસમાં એટલું, છાપથી જુઓ છપાય. * * * * * સ્ત્રીઓ માટેનું સૌથી પહેલું સામાયિક ‘સ્ત્રીબોધ’ જેના તંત્રી પૂતળીબાઈ કાબરાજી તો હેમ જડેલા હીરા હતા ![]() જરા વિચાર કરો કે એ વખતે હજી યુનિવર્સિટી ઑફ બૉમ્બે શરૂ થઈ નહોતી. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં ભણનાર છોકરીઓની સંખ્યા સાવ નાની એટલે આપણા દેશમાં માંડ એક ટકો સ્ત્રીઓ વાંચી-લખી શકતી. દેશમાં નહોતી વીજળી આવી અને વાહનવ્યવહાર તથા સંદેશવ્યવહારનાં સાધનો બહુ જ ટાંચાં. એવા વખતે સ્ત્રીઓ માટેનું માસિક? નફાનો તો સવાલ જ નહોતો, પણ ખોટ જાય એ કેમ કરીને પૂરવી? ડોસાભાઈ ફરામજી કામાજી નામના એક ઉદાર સખાવતીએ કહ્યું કે ખોટની ચિંતા ન કરો. આ ચોપાનિયું ચલાવવા માટે પહેલાં બે વર્ષ હું દર વર્ષે ૧૨૦૦ રૂપિયા આપીશ. ૧૮૫૭ના ૧૨૦૦ એટલે આજના નહીં નહીં તોય ૧૨ લાખ રૂપિયા. ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે પહેલો અંક બહાર પડ્યો. એમાં લખાણનાં ૨૦ પાનાં. ચિત્રો અને જાહેરખબરનાં અલગ. કેટલાંક લખાણો સચિત્ર - એ વખતે ચિત્રો લંડનમાં તૈયાર કરાવવાં પડતાં હતાં છતાં બને એટલી વધુ સ્ત્રીઓ સુધી પહોંચી શકે એવા હેતુથી વર્ષના ૧૨ અંકનું લવાજમ રાખ્યું હતું માત્ર એક રૂપિયો! આ પહેલા અંકમાં શું-શું હતું? સૌથી પહેલાં બે પાનાંનો દિબાચો. પછી પાંચ પાનાંનો લેખ - ‘મા દીકરાની અરસપરસની ફરજો.’ પહેલા જ અંકથી એક લેખમાળા શરૂ થઈ હતીઃ ‘લાયકીવાળી ઓરત.’ એમાં જાણીતી સ્ત્રીઓનો પરિચય અપાતો. ![]() પહેલાં બે વરસ તો આ રીતે ગાડું ગબડ્યું, પણ ત્રીજા વરસથી ૧૨૦૦ રૂપિયાનું દાન મળવાનું નહોતું અને એના વિના માસિક ચાલી શકે એમ હતું નહીં. પહેલા અંકથી જ ‘સ્ત્રીબોધ’ મુંબઈના દફ્તર આશકારા પ્રેસમાં છપાતું હતું. એના માલિકો બહેરામજી ફરદુનજીની કંપનીને ‘સ્ત્રીબોધ’ સોંપી (વેચી નહીં) દેવામાં આવ્યું. આ દફ્તર આશકારા પ્રેસ એટલે માત્ર ગુજરાતી છાપકામ કરતાં. પહેલવહેલા પ્રેસની ૧૮૧૨માં મુંબઈમાં સ્થાપના કરનાર ફરદુનજી મર્ઝબાનજીના ત્રણ દીકરાઓનું ૧૮૪૧માં શરૂ થયેલું છાપખાનું. ‘સ્ત્રીબોધ’ના પહેલા તંત્રી બેહરામજી ખરશેદજી ગાંધી. પછી થોડા-થોડા વખત માટે સોરાબજી શાપુરજી બંગાળી, જાંગીરજી બરજોરજી વાચ્છા, જજ નાનાભાઈ હરિદાસ, કરસનદાસ મૂળજી, નાનાભાઈ રુસ્તમજી રાણીના તંત્રી બન્યા, પણ ‘સ્ત્રીબોધ’ને એક આગવું સામયિક બનાવ્યું કેખુશરુ કાબરાજી (૧૮૪૨-૧૯૦૪)એ. ૧૮૬૩થી જિંદગીના અંત સુધી તેઓ સ્ત્રીબોધના તંત્રી રહ્યા. કાબરાજીના અવસાન પછી તેમનાં દીકરી શિરીન, તેમના પછી પુત્રવધૂ પૂતળીબાઈ અને પૂતળીબાઈના અવસાન પછી તેમનાં દીકરી જરબાનુ તંત્રી બન્યાં હતાં. કાબરાજીની જેમ તેમનાં પુત્રવધૂ પૂતળીબાઈ કાબરાજીએ પણ તંત્રી તરીકે લાંબો વખત ‘સ્ત્રીબોધ’ને સંભાળ્યું. ૧૯૧૨થી ૧૯૪૨ સુધી તેઓ એનાં તંત્રી રહ્યાં અને તેમણે પણ ‘સ્ત્રીબોધ’ માટે પુષ્કળ લખ્યું. જોકે એમાંનું ભાગ્યે જ કશું પછીથી ગ્રંથસ્થ થયું. મૂળ નામ પૂતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડિયા. અદરાયા પછી બન્યાં પૂતળીબાઈ જાંગીરજી કાબરાજી. પિતા ધનજીભાઈ પહેલાં પુણેમાં અને પછી મુંબઈમાં શાળા-શિક્ષક. પછી બન્યા મુંબઈની માઝગાવ મિલના સેક્રેટરી. એલ્ફિન્સ્ટન નાટક મંડળી શેક્સપિયરનાં નાટકો અંગ્રેજીમાં ભજવતી ત્યારે એમાં ભાગ લેતા અને અભિનેતા તરીકે જાણીતા થયેલા. ‘ગુલિવરની મુસાફરી’ નામનું અનુવાદિત પુસ્તક ૧૮૭૩માં પ્રગટ કરેલું. આ ધનજીભાઈના ઘરે ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે પૂનામાં પૂતળીબાઈનો જન્મ. જરા નવાઈ લાગે એવી એક વાત એ કે શાળાનો અભ્યાસ કર્યા પછી ૧૮૮૦માં મેટ્રિકની પરીક્ષા વખતે પૂતળીબાઈ ફક્ત અંગ્રેજીનાં પેપરમાં જ બેઠાં. બાકીનાં પેપરમાં જાણીજોઈને ગેરહાજર, કેમ? અંગ્રેજીની આવડત અંગે જ પુરાવો જોઈતો હતો, બાકીના વિષયો વિશે નહિ! ૧૮૮૧માં ‘સ્ત્રીબોધ’માં તેમનું પહેલું લખાણ છપાયું ત્યારે તેમની ઉંમર ૧૭ વર્ષની. ૧૮૫૭માં શરૂ થયેલા ‘સ્ત્રીબોધ’માં કોઈ સ્ત્રીએ લખેલું આ પહેલવહેલું લખાણ. અમદાવાદના જાણીતા લેખક અને સમાજસુધારક મહિપતરામ રૂપરામ નીલકંઠનાં પુત્રવધૂ શ્રૃંગારનું ૧૬ વર્ષની ઉંમરે ૧૮૮૧માં અવસાન થયું. મહિપતરામની સૂચનાથી તેણે ‘ચેમ્બર્સ શૉર્ટ સ્ટોરીઝ’ નામના પુસ્તકમાંની ટૂંકી વાર્તાઓનો અનુવાદ કરવાનું શરૂ કર્યું હતું. પુત્રવધૂના અવસાન પછી મહિપતરામે આ અનુવાદ ‘ટૂંકી કહાણીઓ’ નામે પુસ્તકરૂપે પ્રગટ કર્યો, પણ મૂળ પુસ્તકના માત્ર પહેલા ભાગનો અનુવાદ શ્રૃંગારે કર્યો હતો એટલે મહિપતરામે બીજા ભાગના અનુવાદ માટે ‘હરીફાઈ’ જાહેર કરી. એમાં જે અનુવાદ મળ્યા એમાં સૌથી સારો હતો પૂતળીબાઈ વાડિયાનો અને ૧૮૮૩માં પ્રગટ થયો ‘ટૂંકી કહાણીઓ’નો બીજો ભાગ. એને માટે મહિપતરામ તરફથી ૬૦ રૂપિયાનું ઇનામ પૂતળીબાઈને મળ્યું. એ સમાચાર લંડનના ‘ઇન્ડિયન મૅગેઝિન’માં છપાયા. કૅપ્ટન આર. સી. ટેમ્પલે એ સમાચાર વાંચ્યા. ડૉ. જેમ્સ બર્જેસે ૧૮૭૨માં શરૂ કરલા ‘ઇન્ડિયન ઍન્ટિક્વેરી’નામના પ્રતિષ્ઠિત માસિકના ડૉ. જે. એસ. ફ્લિટ સાથે ટેમ્પલ એ વખતે જોડિયા તંત્રી હતા. ટેમ્પલને પૂતળીબાઈને મળવાની ઇચ્છા થઈ. સર જ્યૉર્જ કૉટનની મદદથી ધનજીભાઈને બંગલે જઈ મળ્યા. એ વખતે ‘ઇન્ડિયન ઍન્ટિક્વેરી’ માટે લખવાનું ટેમ્પલે આમંત્રણ આપ્યું. બાળપણમાં દાદા-દાદી અને બીજા મોટેરાઓ પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ આવી. પૂતળીબાઈએ એવી ૨૦ વાર્તાઓ અંગ્રેજીમાં લખી નાખી. ‘ફોક્લોર ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા’ મથાળા હેઠળ ૧૮૮૫થી એ ઇન્ડિયન ઍન્ટિક્વેરીમાં હપ્તાવાર છપાઈ. જેનું લખાણ આ પ્રતિષ્ઠિત માસિકમાં છપાયું હોય એવાં સૌથી પહેલાં બિન-યુરોપિયન બાનુ હતાં પૂતળીબાઈ. ઇન્ડિયન ઍન્ટિક્વેરીનાં બારણાં એક વાર ખૂલી ગયાં એટલે પૂતળીબાઈની કલમ અંગ્રેજીમાં ચાલવા માંડી. પારસીઓ અને હિન્દુઓનાં ગુજરાતી લગ્નગીતોના અંગ્રેજી અનુવાદ કર્યા જે ‘પારસી ઍન્ડ ગુજરાતી હિન્દુ ન્યુપિટલ સૉન્ગ્સ’ નામથી હપ્તાવાર પ્રગટ થયાં. એની સાથે ગીતોનો ગુજરાતી પાઠ પણ દેવનાગરી લિપિમાં છાપ્યો હતો. ગુજરાતી લગ્નગીતોનો આ પહેલવહેલો અંગ્રેજી અનુવાદ. જાણીતા ઇટાલિયન કવિ પ્રોફેસર માર્કો ઍન્ટોનિયોના જોવામાં આ અનુવાદ આવ્યા અને તેમણે હિન્દુસ્તાનની જુદી-જુદી ભાષાનાં લગ્નગીતો અને પ્રેમગીતોના અનુવાદ માટે પૂતળીબાઈને આમંત્રણ આપ્યું. ઍન્ટોનિયોએ આ અનુવાદોને ૧૪૦ ભાષાઓનાં ૩,૦૦૦ જેટલાં ગીતો સમાવતા પોતાના પુસ્તકના પાંચ ભાગમાં સમાવ્યા, એટલું જ નહીં, એને આખા સંગ્રહના ‘સૌથી સુંદર આભૂષણ’ તરીકે ઓળખાવ્યા, પણ પૂતળીબાઈનો સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અને મહત્ત્વનો અનુવાદ તો કવિ પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનનો અંગ્રેજી અનુવાદ. એ પણ આ જ માસિકમાં ૧૮૯૫ અને ૧૮૯૬ દરમ્યાન ચાર અંકોમાં હપ્તાવાર છપાયો હતો અને એ અનુવાદની સાથે પણ આખ્યાનનો ગુજરાતી પાઠ દેવનાગરી લિપિમાં છાપ્યો હતો. ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં પ્રેમાનંદના એક મહત્ત્વના આખ્યાનનો અનુવાદ અંગ્રેજીમાં થાય અને એ પણ એક પારસી સ્ત્રીના હાથે થાય અને એ એક પ્રતિષ્ઠિત અંગ્રેજી સામયિકમાં પ્રગટ થાય એ એક અસાધારણ ઘટના ગણાય. ટૂંકી કહાણીઓ માટે પૂતળીબાઈને મળેલા ઇનામની નોંધ પરદેશમાં લેવાય તો ‘સ્ત્રીબોધ’ માસિકમાં ન લેવાય એવું તો ન જ બનેને. વળી પૂતળીબાઈ તો આ માસિકનાં લેખિકા હતાં. ૧૮૮૩ના મે અંકમાં નોંધ લેતાં ‘સ્ત્રીબોધે’ લખ્યુંઃ ‘પૂતળીબાઈની સહી હેઠળ ‘સ્ત્રીબોધ’ના વાંચનારાઓનું મનોરંજન કરનારી અમારી ચંચળ લખનારી બાઈને વાંચનારી બાનુઓ સારી પેઠે પિછાણે છે.’ મહિપતરામ રૂપરામે જાહેર કરેલું ૬૦ રૂપિયાનું ઇનામ ‘અમારી એ ચંચળ મદદગાર બહેનીને મળ્યું છે એથી અમે મગરૂરી માની લઈએ છીએ અને અમારી મગરૂરીમાં વાંચનારી બાનુઓ ભાગ લેશે એવી આશા રાખીએ છીએ’ નોંધ સાથે પૂતળીબાઈના પુસ્તકમાંથી એક વાર્તા ‘ભોળાનો ભરમ ભાંગ્યો’ પણ ’સ્ત્રીબોધે’ છાપી હતી. એને ‘સ્ત્રીબોધે’ ‘એક મદદગાર બહેની’ તરીકે ઓળખાવ્યાં હતાં એ પૂતળીબાઈ ૧૮૯૪ના ડિસેમ્બર મહિનાની ૧૬મી તારીખે જાંગીરજી કાબરાજી સાથે અદારાયાં અને કેખુશરુ કાબરાજીનાં પુત્રવધૂ બન્યાં. જાંગીરજી મુંબઈ સરકારના સ્ટેચ્યુટરી સિવિલ સર્વન્ટ હતા અને અમદાવાદ, સુરત, નાશિક, મુંબઈ, બીજાપુર, ખંભાત, ખાનદેશ વગેરે જગ્યાએ તેમની બદલી થતી રહી. તેઓ જ્યાં-જ્યાં ગયા ત્યાં-ત્યાં પૂતળીબાઈએ સમાજસેવાનાં કામો ઊલટભેર શરૂ કર્યાં અને સાથોસાથ ‘સ્ત્રીબોધ’નું સંપાદન પણ સંભાળ્યું. સતત કામ કરીને પૂતળીબાઈનું મન તો થાક્યું નહોતું, પણ હવે શરીર સાથ આપતાં આનાકાની કરતું હતું. પતિ જાંગીરજી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા એ પછી તેઓ અને પૂતળીબાઈ અમદાવાદ રહેતાં થયાં. ત્યાં પણ લોકોનું ભલું થાય એવાં કાર્યોમાં બન્નેનો બને એટલો સાથ રહેતો. બન્ને હવાફેર માટે પંચગિની ગયાં હતાં ત્યાં જ ત્રણ દિવસની ટૂંકી માંદગી બાદ ૧૯૪૨ની ૧૯ જુલાઈએ પૂતળીબાઈ બેહસ્તનશીન થયાં. ‘સ્ત્રીબોધ’નો મે ૧૯૪૩નો અંક ‘સ્વ. કેખુશરુ કાબરાજી તથા સ્વ. પૂતળીબાઈ કાબરાજી સ્મારક અંક’ તરીકે પ્રગટ થયો હતો. એની પ્રસ્તાવનામાં વિદ્યાબહેન નીલકંઠે લખ્યું હતુંઃ ‘પૂતળીબાઈ પોતાના સસરાના ’સ્ત્રીબોધ’ પત્રમાં ભારે રસ લેતાં. તેમની વાર્તાઓ અને અન્ય લેખો ગુજરાતી વાચકવર્ગમાં ઊલટથી વંચાતાં. કાબરાજીના કુટુંબમાં હિન્દુ-પારસી એવા ભેદ નહોતા. એ ભાવના પૂતળીબાઈએ ઝીલી લીધી હતી.’ ૧૮૫૭માં ‘સ્ત્રીબોધ’ શરૂ થયું ત્યારથી આજ સુધીમાં આપણે કેટલી પ્રગતિ કરી છે? જ્યારે ભણેલી સ્ત્રીઓનું પ્રમાણ માંડ એક ટકો હતું ત્યારે આવું સામયિક શરૂ થયું અને સારી રીતે લાંબું જીવ્યું. આજે સ્ત્રી-સાક્ષરતાનું પ્રમાણ ૭૧ ટકા જેટલું હોવાનું કહેવાય છે ત્યારે આપણી ભાષા પાસે સ્ત્રીલક્ષી સામયિકો કેટલાં છે? ‘સ્ત્રીબોધ’ના પહેલા જ અંકથી એના માસ્ટ હેડ નીચે નેપોલિયન બોનાપાર્ટનું એક વાક્ય છપાતું, ‘દેશની હાલત સુધારવાની સૌથી સરસ રીત એ કે માતાઓ જ્ઞાની થાય એમ કરવું.’ ૧૬૨ વર્ષ પછી આજે પણ આપણે ઠેર-ઠેર સૂત્રો લખવાં પડે છેઃ બેટી પઢાઓ, બેટી બચાવો, મૂલગી શીકલી, પ્રગતિ ઝાલી. આવતી કાલે આંતરરાષ્ટ્રીય નારી દિવસ છે ત્યારે આપણે સૌએ આપણી જાતને જે પ્રશ્ન પૂછવા જેવો છે એ આ છેઃ ૧૮૫૭માં ‘સ્ત્રીબોધ’ માસિક શરૂ થયું એ પછી આટલા દાયકાઓ પછી પણ આપણા સમાજમાં ખરેખર સ્ત્રી-બોધ થયો છે ખરો? |
[પાછળ] [ટોચ] |