[પાછળ] |
સરસ્વતીનો અવતાર-૧ સંકલિત પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર (૧૮૬૭-૧૯૦૧) એક અદ્ભુત અધ્યાત્મપુરુષ હતા. તેમણે ઉપદેશેલા અધ્યાત્મમાર્ગ ઉપર ભારતમાં અને પરદેશમાં અનેક મંડળો, સંસ્થાઓ, આશ્રમો વગેરેમાં પ્રવચન, અધ્યયન, મનન, ચિંતન, પ્રકાશન, શિક્ષણ ઈત્યાદિ પુષ્કળ પ્રવૃત્તિઓ ઘણી સારી રીતે ચાલી રહી છે. તેમણે પ્રબોધેલા આત્મસિદ્ધિ અને સમ્યક જ્ઞાન પ્રાપ્તિના માર્ગ વિશે અનેક પુસ્તકો લખાયા છે. આ મહાપુરુષે પુખ્ત વયે અસામાન્ય અને અલૌકિક એવી આત્મસિદ્ધિની પ્રાપ્તિ કરી પણ તે અગાઉ જ તેમના જન્મ સાથે તેમને તેમના પૂર્વભવના પુણ્ય જેવી કેટલીક લૌકિક સિદ્ધિઓ પણ કુદરતી રીતે મળી હતી. આનો સૌથી મોટો દાખલો તેમણે ઈસ્વીસન ૧૮૮૩થી ૧૮૮૭ સુધી જાહેર પ્રજા વચ્ચે સૌના દેખતાં કરેલા વિવિધ અવધાનોનો છે જે સામાન્ય માણસો માટે તો જાદુના ચમત્કાર જેવા હતા. ![]() ![]() આ અવધાનોને કારણે લોકો તેમને ‘સાક્ષાત સરસ્વતી કે સરસ્વતીના અવતાર’ તરીકે ઓળખાવા લાગ્યા હતા. માત્ર ૧૮ વર્ષની વયે બોટાદમાં બાવન અવધાનનો જાહેર પ્રયોગ કર્યા બાદ તેમણે પોતે પોતાના અવધાનો વિશે ચોખવટ કરતાં (તા. ૮-૬-૧૮૮૬ના રોજ) લખેલો એક પત્ર અક્ષરશઃ આ પ્રમાણે છે. પત્રાંક ૧૮. મુગટમણિ રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે, વવાણિયા બંદરથી વિ(નીત) રાયચંદ વિ(દ્યમાન) રવજીભાઈ મહેતાના પ્રેમપૂર્વક પ્રણામ માન્ય કરશોજી. અત્રે હું ધર્મપ્રભાવ વૃત્તિથી કુશળ છું. આપની કુશળતા ચાહું છું. આપનો દિવ્ય પ્રેમભાવભૂષિત પત્ર મને મળ્યો, વાંચીને અત્યાનંદાર્ણવતરંગ રેલાયા છે, દિવ્ય પ્રેમ અવલોકન કરીને પરમ સ્મરણ આપનું ઊપસ્યું છે. આવા પ્રેમી પત્રો નિરંતર મળવા વિજ્ઞાપના છે અને તે સ્વીકૃત કરવી આપને હસ્તગત છે, એટલે ચિંતા જેવું નથી. આપે માગેલા પ્રશ્નોના ઉત્તર અહીં આગળ આપી જવાની રજા લઉં છું. પ્રવેશકઃ- આપનું લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરો, પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત ભાગ ભળે ત્યારે, નહી તો નહીં જ, આમ મારું મત છે. આત્મસ્તુતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપવડાઈ ચીતરવી, અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી; અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ ? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત આપની માગણી ઉપરથી જણાવતાં અહીં આગળ મેં આંચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલો નથી. પંડિત લાલાજી મુંબઈ નિવાસીનાં અવધાનો સંબંધી આપે બહુયે વાંચ્યું હશે. એઓ પંડિતરાજ અષ્ટાવધાન કરે છે, તે હિંદપ્રસિદ્ધ છે. આ લખનાર બાવન અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂક્યો છે, અને તેમાં તે વિજયવંત ઊતરી શક્યો છે. તે બાવન અવધાન – ૧. ત્રણ જણ સાથે ચોપાટે રમ્યા જવું (૧) ૨. ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું (૧) ૩. એક જણ સાથે શેતરંજે રમ્યા જવું (૧) ૪. ઝાલરના પડતા ટકોરા ગણતા જવું (૧) ૫. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જવું (૪) ૬. માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી (૧) ૭. આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી (૮) ૮. સોળ નવા વિષયો વિવાદકોએ માગેલા વૃત્તમાં અને વિષયો પણ માગેલા - રચતા જવું. (૧૬) ૯. ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, આરબી, લૅટિન, ઉર્દૂ. ગુર્જર, મરેઠી, બંગાળી, મરુ, જાડેજી આદી સોળ ભાષાના ચારસેં શબ્દો અનુક્રમ વિહીનના કર્તા કર્મ સહિત પાછા અનુક્રમ સહિત કહી આપવા. વચ્ચે બીજાં કામ પણ કર્યે જવાં (૧૬) ૧૦. વિદ્યાર્થીને સમજાવવો (૧) ૧૧. કેટલાક અલંકારના વિચાર (૨) આમ કરેલાં બાવન અવધાનની લખાણ સંબંધે અહીં આગળ પૂર્ણાહુતિ થાય છે. આ બાવન કામો એક વખતે મનઃ શક્તિમાં સાથે ધારણ કરવાં પડે છે. વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરો સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું કે આ સઘળું યાદ જ રહી જાય છે. (હજુ સુધી કોઈ વાર ગયું નથી.) આમાં કેટલુંક માર્મિક સમજવું રહી જાય છે. પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે. એટલે અહીં આગળ ચીતરવું વૃથા છે. આપ નિશ્ચય કરો કે આ એક કલાકનું કેટલું કૌશલ્ય છે ? ટૂંકો હિસાબ ગણીએ તોપણ બાવન શ્લોક તો એક કલાકમાં યાદ રહ્યા કે નહીં ? સોળ નવા, આઠ સમસ્યા, સોળ જુદી જુદી ભાષાના અનુક્રમ વિહીનના અને બાર બીજાં કામ મળી એક વિદ્વાને ગણતી કરતાં માન્યું હતું કે પ૦૦ શ્લોકનું સ્મરણ એક કલાકમાં રહી શકે છે. આ વાત હવે અહીં આગળ એટલેથી જ પતાવી દઈએ છીએ. તેર મહિના થયાં દેહોપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂકયા જેવી જ થઈ ગઈ છે. (બાવન જેવાં સો અવધાન તો હજુ પણ થઈ શકે છે) નહીં તો આપ ગમે તે ભાષાના સો શ્લોકો એક વખત બોલી જાઓ તો તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી બોલી દેખાડવાની સમર્થતા આ લખનારમાં હતી. અને તે માટે તથા અવધાનોને માટે ‘સરસ્વતીનો અવતાર’ એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયું છે. આપનો પ્રશ્ન આવો છે કે ’એક કલાકમાં સો શ્લોક સ્મરણભૂત રહી શકે ?’ ત્યારે તેનો માર્મિક ખુલાસો ઉપરના વિષયો કરશે, એમ જાણી અહીં આગળ જગા રોકી નથી. આશ્ચર્ય, આનંદ અને સંદેહમાંથી હવે જે આપને યોગ્ય લાગે તે ગ્રહણ કરો. - મારી શી શક્તિ છે ? કંઈ જ નથી. આપની શક્તિ અદ્ભુત છે. આપ મારે માટે આશ્ચર્ય પામો છે, તેમ હું આપને માટે આનંદ પામું છું. આપ કાશીક્ષેત્ર તરફ સરસ્વતી સાધ્ય કરવા પધારનાર છો. આમ વાંચીને અત્યાનંદમાં હું કુશળ થયો છું. વારું ! આપ ન્યાયશાસ્ત્ર ક્યું કહો છો ? ગૌતમ મુનિનું કે મનુસ્મૃતિ, હિંદુધર્મશાસ્ત્ર, મિતાક્ષરા, વ્યવહાર, મયૂખ આદિ પ્રાચીન ન્યાયગ્રંથો કે હમણાંનું બ્રિટીશ લૉ પ્રકરણ ? આનો ખુલાસો હું નથી સમજ્યો. મુનિનું ન્યાયશાસ્ત્ર મુક્તિ પ્રકરણમાં જાય તેમ છે. બીજા ગ્રંથો રાજ્ય પ્રકરણમાં - “બ્રિટીશમાં માઠાં" જાય છે. ત્રીજા ખાસ બ્રિટીશને જ માટે છે. પરંતુ તે અંગેજી. ત્યારે હવે એમાંથી આપે કોને પસંદ કર્યું છે ? તે મર્મ ખુલ્લો થવો જોઈએ. મુનિ શાસ્ત્ર અને પ્રાચીન શાસ્ત્ર સિવાય જો ગણ્યું હોય તો એ અભ્યાસ કાશીનો નથી. પરંતુ મૅટ્રિકયુલેશાન પસાર થયા પછી મુંબઈ-પૂનાનો છે, બીજા શાસ્ત્રો સમયાનુકૂળ નથી. આ આપનો વિચાર જાણ્યા વિના જ વેતર્યું છે. પરંતુ વેતરવામાં પણ એક કારણ છે. શું ? તો આપે સાથે અંગ્રેજી વિદ્યાભ્યાસનું લખ્યું છે તે, હું ધારું છું કે એમાં કંઈ આપ ભૂલથાપ ખાતા હશો. મુંબઈ કરતાં કાશી તરફ અંગ્રેજી અભ્યાસ કંઈ ઉત્કૃષ્ટ નથી, જ્યારે ઉત્કૃષ્ટ ન હોય ત્યારે આવું પગલું ભરવાનો હેતુ બીજો હશે. આપ ચીતરો ત્યારે દર્શિત થાય. ત્યાં સુધી શંકાગ્રસ્ત છું. ૧. મને અભ્યાસ સંબંધી પૂછ્યું છે, તેમાં ખુલાસો જે દેવાનો છે. તે ઉપરની કલમની સમજણફેર સુધી દઈ શકતો નથી; અને જે ખુલાસો હું આપવાનો છું તે દલીલોથી આપીશ. જ્ઞાનવર્ધક સભાના તંત્રીનો ઉપકાર માનું છું. એઓ આ અનુચરને માટે તસ્દી લે છે તે માટે. આ સઘળા ખુલાસા ટૂંકામાં પતાવ્યા છે. વિશેષ જોઈએ તો માગો. (નોંધઃ ઉપર મુજબનો આ પત્ર જેમને લખાયો છે તે પ્રોફેસર રવજીભાઈ કચ્છ-કોડાયના રહેવાસી હતા. તેમણે ‘સિદ્ધાંત કૌમુદી’ આધારિત સંસ્કૃત શિક્ષણ માટેની પાંચ પુસ્તિકાઓ લખી હતી અને ઘણા સંસ્કૃત ગ્રંથોનું ભાષાંતર કરી તે પ્રગટ કર્યા હતા.) રાયચંદભાઈએ યુવા અવસ્થામાં બોટાદ પછી જેતપુર, અમદાવાદ વગેરે સ્થળે અવધાન કર્યા હોવાના છૂટાછવાયા ઉલ્લેખો મળે છે પણ વિગતો મળતી નથી. |
[પાછળ] [ટોચ] |