[પાછળ] 
સરસ્વતીનો અવતાર-૨
સંકલિત
મુંબઈમાં ધોબીતલાવ પર મેટ્રો સિનેમાની સામે ફ્રામજી કાવસજી ઈન્સ્ટીટ્યૂટના બિલ્ડિંગમાં આવેલા હોલમાં તા. ૨૬ સપ્ટેમ્બર, ૧૮૯૬ના રોજ ફિરોજશાહ મહેતાના પ્રમુખપદ હેઠળ એક સભા યોજાઈ હતી જેમાં ભારતની ટૂંકી મૂલાકાતે આવેલા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીએ ભારતવાસીઓને એક અપીલ કરી હતી- દક્ષિણ આફ્રિકાના ભારતીય વસાહતીઓને તેમની અન્યાય સામેની લડતમાં મદદરૂપ થવા માટે. અગાઉથી નકી થયા મુજબ મિ. ગાંધીએ માત્ર લેખિત અપીલ વાંચી જ જવાની હતી, છતાં કોઈ અકળ કારણસર મિ. ગાંધી એ અપીલ પૂરેપૂરી વાંચી શક્યા ન હતા અને તેઓ બોલતી વખતે થોથવાઈ જવાથી ફિરોજશાહ મહેતાના એક મિત્ર દિનશા એડલજી વાચ્છા તેમની મદદે આવ્યા હતા અને તે આખી લેખિત અપીલ સડસડાટ વાંચી નાખી, લોકોની ઘણી તાળીઓ મેળવી હતી.



આ અગાઉ આ જ હોલમાં તા. ૨૩ જાન્યુઆરી, ૧૮૮૭ના રોજ એક ઐતિહાસિક મેળાવડો થયો હતો જેમાં સેંકડો સ્થાનિક આગેવાન માણસોની હાજરીમાં રાયચંદ રવજીભાઈ મહેતા નામના ૧૯ વર્ષના હિન્દુ નવજવાને ‘શતાવધાન’ નામનું હેરતઅંગેજ કારનામું કરી બતાવ્યું હતું અને સૌને નવાઈમાં ડૂબાડી દીધા હતા ! આ પ્રસંગે હાજર રહેલા બધાના મોઢામાં એક જ સવાલ રમતો હતોઃ How this is possible? આ અજાયબીભર્યા આખા કાર્યક્રમમાં આ લબરમૂછીયા નવજુવાનને ચપટી જેટલી પણ મુશ્કેલી નડી ન હતી.

આ મેળાવડાના અધ્યક્ષ હતા એક વિદ્વાન અંગ્રેજ ડૉ. પી. પીટરસન કે જે બોમ્બેની એલફિન્સ્ટન કોલેજના ઓરિયેન્ટલ લેન્ગ્વેજિસના પ્રોફેસર હતા અને સંસ્કૃત ભાષાના સારા જાણકાર હતા, તેમણે આ મેળાવડામાં રાયચંદભાઈનું ટકોરાબંધ શક્તિપરીક્ષણ કર્યું હતું. ડૉ. પીટરસન તે વખતે ગુજરાત અને અન્ય વિસ્તારોમાં ભમી ભમી સદીઓ જૂની હસ્તલિખિત પોથીઓ ખોળી રહ્યા હતા અને તેમણે આવી ૬૦૦થી વધુ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી પોથીઓ પોતાની પાસે ભેગી કરી હતી. એક સારા જાણકાર માણસ તરીકે બ્રિટનમાં અને મુંબઈમાં તેઓ પંકાતા હતા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા તો તે વખતે આંધળી અંગ્રેજભક્તિ કરતું છાપું હતું. એક ગામડીયા જેવો લાગતો દેશી માણસ પરાક્રમ ભલે કરે પણ તેના વખાણ કેમ કરાય? પણ આ પ્રસંગે પ્રોફેસર પીટરસન અને મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ ચાર્લ્સ સારજન્ટ, મિ. ટર્નર અને અન્ય ઘણા મહાનુભાવ હાજર હતા એટલે એ માણસને સાવ ઉતારી પાડવો પણ શક્ય ન હતું. આથી એ અખબારમાં તા.૨૪-૦૧-૧૮૮૭ના અંકમાં આવો ઢીલા ઢીલા વખાણ કરતો અહેવાલ પ્રગટ થયોઃ

Exhibition of Mnemonic Powers

A large number of native gentlemen assembled on Saturday at Framji Cowasji Institute to witness an exhibition of the mnemonic powers of a Young Hindu, named Raichandra Ravjibhai of about 19 years of age. Dr. Peterson presided on the occasion.

Ten gentlemen of the different caste and creeds were selected from the audiance to form a committee, and they all wrote out sentences composed of six words into as many different languages. Each one then gave in his turn one word of their sentence, often times varying the order of the words. After a time the young Hindu reproduced to the surprise of his audiance the entire sentences giving the order of words from memory.

The young man also seemed to have, a remarkable sense of perception by touch or feeling. He was first shown about a dozen books of various sizes and was informed of the names of those books. The man was then blindfolded and he gave out the names of each of these books by feeling it, as it was in his hands.

Dr. Peterson congratulated the young Hindu on the wonderful mnemonic powers, he seemed to be gifted with and presented with a gold medal on behalf of the jain community.

ઈચ્છારામ સૂર્યરામ દેસાઈના ‘ગુજરાતી’ સાપ્તાહિકે આ મેળાવ઼ડાનું આ પ્રમાણે બયાન આપ્યુંઃ

ગઈ કાલે સાંજે અત્રેના ફરામજી કાવસજી ઈન્સ્ટીટ્યૂટમાં કાઠિયાવાડના શીઘકવિ રાયચંદ્ર રવજીએ શતાવધાન પ્રયોગ કરી બતાવ્યો હતો. શરૂઆતમાં સિંધી, તેલુગુ, કાનડી, મરાઠી, સંસ્કૃત, જર્મન, ફારસી, ફ્રેન્ચ, પોર્ટુગીઝ એ દશ ભાષાનાં છ છ શબ્દનાં દશ વાક્ય ઉત્તરોતર આડા અવળાં કહી બતાવેલાં તે કવિએ સ્મરણમાં રાખી, મિ. પીટરસનના પ્રમુખપણાં નીચે યથાર્થ કહી સંભળાવી સભાને રંજન કરી હતી. કવિની અદ્‌ભુત સ્મ૨ણશક્તિને હર કોઈ અચરતની નજરે જોતું હતું. પહેલો પ્રયોગ પૂરો થતાં વાર કવિએ અવધાનવિધિ વચ્ચે રચેલી કવિતા નીચે પ્રમાણે કહી સંભળાવી હતીઃ
સભાસદો અહીં મળ્યા, મહાન જે સુભાગીયા,
પ્રભા  સરસ્વતી  તણી, પ્રમુખરૂપ  આ ભણી.
ત્યાર બાદ મિ. પીટરસને કવિની ટૂંકમાં પ્રશંસા કરી તેઓને જૈનમંડળ તરફથી એક સોનાનો ચાંદ ભેટ આપ્યો અને બીજા કેટલાક ગૃહસ્થોએ પણ યથાશક્તિ ભેટ આપી હતી. પ્રયોગના બીજા ભાગમાં આંખે પાટા બાંધીને તેમણે ચોપડીઓ ઓળખી કાઢી, અને ત્યાર બાદ હર્ષના પોકારો વચ્ચે પ્રયોગ પૂરા કરી કવિ એક રસિલું ભાષણ કરી અવધાનવિધિ વિશે તથા સ્મરણશક્તિની કેળવણી વિશે થોડું બોલ્યા હતા. સભામાં આશરે બસો ગૃહસ્થો બિરાજ્યા હતા. અને કવિએ પોતાની અદ્‌ભુત શક્તિ બતાવી સર્વ કોઈને સાનંદાશ્ચર્ય પમાડ્યા હતા.

‘મુંબઈ સમાચાર’ અને ‘જામે જમશેદ’ પત્રમાં પણ લગભગ આ જ વિગતો ધરાવતા અહેવાલ પ્રગટ થયા હતા.

થિયોસોફીકલ હોલનો ખાનગી કાર્યક્રમ

ફ્રામજી કાવસજી ઈન્સ્ટીટ્યુટનો આ મેળાવ઼ડો થયો તે અગાઉ તે જગ્યાથી થોડે દૂર આવેલા સેકન્ડ મરીન સ્ટ્રીટ પરના થિયોસોફીકલ હોલમાં પણ તા. ૩જી ડિસેમ્બર, ૧૮૮૬ના રોજ કવિના અવધાનનો એક ખાનગી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વિશે ‘મુંબઈ સમાચાર’ અખબારના તા.૫ ડિસેમ્બર, ૧૮૮૬ એટલે કે વિક્રમ સંવત્ ૧૯૪૩ના માગશર સુદ આઠમ અને શનિવારના અંકમાં નીચે પ્રમાણે અહેવાલ પ્રગટ થયો હતોઃ

યાદદાસ્તશક્તિના એક તરુણ હિંદુએ કરી બતાવેલા ચમત્કારો

કાઠિયાવાડના મોરબી સંસ્થાનના ગામ વવાણિયાના રહીશ કવિ રાયચંદ રવજીભાઈની અવધાનશક્તિના ચમત્કાર જોવાને અત્રેની થિયોસોફીકલ સોસાયટી તરફથી એક ખાનગી મેળાવડો કરવાનું આમંત્રણ થયું હતું. તે મુજબ સોસાયટીવાળા મકાનમાં ગયા પરમ દિવસે સાંજે સાડા પાંચ કલાકે હિંદુ, મુસલમીન, યુરોપિયન, પારસી વગેરે જદી જુદી જાતિના ગૃહસ્થ રૂબરૂ તેમણે તે (ચમત્કાર) કરી બતાવ્યા હતા.

ઠેરવેલ વખતે કાઠિયાવાડી સાદા પોશાકમાં કવિ રાયચંદ આવી પુગતાં તાળીઓના અવાજથી તેઓને વધાવી લેવામાં આવ્યા હતા. સાંજના કલાક છને સુમારે તેમણે પોતાનું કાર્ય શરૂ કરતાં જણાવ્યું હતું કે, દુનિયામાં માણસજાત ચાદદાસ્તશક્તિ, કાવ્યશક્તિ અને હસ્તચમત્કૃતિ માટે વખણાય છે. આ ત્રણમાંની પહેલી બેનું મને સહેજસાજ જ્ઞાન છે, અને છેલ્લીથી હું બિનવાકેફ છું. હસ્તશક્તિનો તીર, બાણ, તલવાર, બંદૂક વગેરેમાં સમાસ થાય છે, કે જેમાં હિંદુઓમાં જાણીતા થઈ ગયેલા પાંડવો મશહુર છે. સ્મરણશક્તિ વિશે હું જે કંઈક જાણું છું, તે મારી અલ્પશક્તિ જેટલું તમે ગૃહસ્થો હજુર કહી સંભળાવીશ.

તે પછી સભાના ગૃહસ્થોને વાકેફ કરવામાં આવ્યા હતા કે જુદી જુદી આઠ ભાષાઓનું એકેક જણે એવું વાક્ય બનાવવું કે જેમાં છ શબ્દો આવે. તે મુજબ સ્પેનીશ, અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ, લેટિન, ઝંદ, સંસ્કૃત અને બંગાળી ભાષા જાણનાર જુદા જુદા ગૃહસ્થોએ એક કાગળના કટકા પર આગમચથી છ છ શબ્દોનું વાક્ય લખી રાખ્યું હતું અને નવમી ફારસી ભાષા રહી જવાથી તેની માગણી થતાં તે પણ મંજુર ૨ખાઈ હતી.

કવિરાજે તે પછી જણાવ્યું કે, ‘જુદી જુદી ભાષા ધરાવનાર એકેક શખસે પોતાના છ છ બોલના વાક્યનો ગમે તે એક બોલ અવારનવાર ગમે તેમ તેમને કહી સંભળાવવો. તે વાક્યોના શબ્દો અનુક્રમે કહેવાની કશી અગત્ય નથી. જુદા જુદા શબ્દો જુદી જુદી ભાષામાં બોલો તે હું લક્ષમાં લઈ કાગળ પર લખ્યા મુજબ વાક્યોના અનુક્રમે શબ્દો તમને છેવટે કહી સંભળાવીશ. તેમ જ વળી અધવચમાં હું જુદા જુદા બે રાગની કવિતા રચીશ. એકેક લીટી જોડી તેમાં લક્ષ તેમાં પણ દોરવીશ.

અત્રે સભાના એક ગૃહસ્થ તરફથી એવી માગણી થઈ કે એક કવિતામાં રુસ્તમજી નામ તથા બીજીમાં આજની સભાનું વર્ણન આવે એવી મતલબ સમાવવી. કવિરાજે તે સ્વીકારી જણાવ્યું કે કવિતાની પહેલી લીટી હું એવી બોલીશ કે તેમાં રુસ્તમજી નામ આવી જશે. તે પછી કવિરાજે સ્થિર ચિત્તથી અવધાન તથા શીઘ્ર કવિતાનું કામ શરૂ કર્યું. જુદી જુદી ભાષા લખનાર ગૃહસ્થ પોતે લખી રાખેલાં વાક્યોના અનુક્રમ તોડી છૂટક છૂટક શબ્દો કહેતા હતા, તે કવિ યાદ રાખતા હતા ને તે કવિતા પણ કર્યે જતા હતા.

સઘળા શબ્દો પૂરા થતાં અકબંધ વાક્યોમાં તેને નીચે મુજબ બોલી ગયાઃ

૧. અંગ્રેજી   –  હેવ યુ એવર બિન ઈન બૉમ્બે?
૨. સ્પેનીશ  –  કે ક્વાનટેસ પાલા બરાસ પોઇ઼ડે ઉસ્ટડાસે.
૩. જર્મન    –  ઈસ્ટ યુ બડર ઓ રોગ ટુ કુગ.
૪. ફ્રેન્ચ     –  બા ફાઝી લીટે ડેલરે હમે એસ્ટ.
૫. ઝંદ      –  મજીરા તાશ વહીશતાય શ્રીએશતાશ વાઆહુઈરીશ જરથુસતરીશ
૬  સંસ્કૃત   –  धौतांघ्रिपाणिराचम्य सपवित्र उदङ्मुखः
૭. લેટિન    –  એસે આડમીરાબી લેમ મેનટેસ હુજુસ જુવેનિસ
૮. બંગાળી  –  અપના કેગી આશય જૈશખા મોટાબીયા છેન
૯. ફારસી   –  અખરો અનાર અસલ મરહુમ ખૂબ બરાયે.

તાળીઓ

એ પછી પહેલી કવિતા કહી

ભુજંગી રહ્યા છો મહાજોગને જાળવીને, ભળો બોધ ભાખો તથાપિ ભવીને, નથી રાગ કે દ્વેષ કે માન કાંહી, વધુ શું વખાણું અહો ‘રાય’ આંહી?
પછી બીજી કવિતા

શાર્દૂલ રુચિ લોક સમસ્તની મન સજી વિદ્યા વિલાસે ગઈ તેથી સુજ્ઞ સમાજ આ અવસરે તે વૃક્ષે ગાજી રહી થાતાં દર્શન આપનાં જ મુજને આનંદ ભારે થયો આપે આ મુજ શક્તિને નિરખતાં હું સાર્થક થઈ ગયો

અત્રે કવિરાજે જણાવ્યું કે ‘તમો સાહેબોએ સૂચવેલાં નવ અવધાન તથા જોડેલી કવિતાઓ અનુક્રમે સંભળાવી મારુ આજનું કાર્ય તમો ગૃહસ્થ હજૂર પૂરું થયું છે. (તાળીઓ.) ઉપલી ભુજંગી છંદની પંક્તિઓમાં આજની સભાનું વર્ણન તેમ જ શાર્દૂલ છંદની પહેલી લીટીમાં ૧, ૭, ૯, ૧૨મા હરફોથી માગ્યા મુજબ ‘રુસ્તમજી’નું નામ આવે છે.

મંડળીના એક સભાસદ મિ. ફિરોજશાહે માણસજાત શું શું કરી શકે છે તે પર સભાજનોનું ધ્યાન ખેંચી જણાવ્યું હતું કે મનોબળ કેળવવા માંગીએ તો કેવું કેળવાય છે તેનો હાલનો દાખલો સરસ છે. એ પછી તેમણે કવિનો ઉપકાર માનવાની દરખાસ્ત કરતાં તાળીઓના અવાજો વચ્ચે તે બહાલ રહી હતી. તે બાદ મિ. રૂસ્તમજી અરદેસર માસ્તરે કવિરાજને ફૂલનો હાર અને ગોટો ભેટ આપ્યા બાદ મેળાવડો વિસર્જન થયો હતો.

‘જામે જમશેદ’ પત્રમાં લગભગ આવો જ અહેવાલ પ્રગટ થયો હતો. પણ તેમાં એવી વધારાની વાત કરવામાં આવી હતી કે

અકેક બોલ પોતાના મનનાં ઠસાવવા સારુ (કવિ) લગભગ એકેક મિનિટ લેતા હતા. વળી તે અરસામાં કવિતા પણ જોડતા અને અકેક લીટી લખાવતા. ભોગજોગે જુદી જુદી ભાષાના શબ્દ બોલનારમાંનું કોઈ ભૂલ ખાઈ જતું તો તરત જ તેણે ભૂલ કરી છે એવું તેઓ કહી આપતા હતા. જુદી જુદી ભાષાના વાક્યો નીચેના ગૃહસ્થોએ ગોઠવ્યાં હતાઃ
અંગ્રેજી, સ્પેનીશ અને જર્મનઃ– મિ. વાઈ હાઉસ, યુનાઈટેડ સ્ટેટ્સના કાઉન્સેલ જનરલ
ફ્રેંચ –    એક ફ્રેન્ચ ગૃહસ્થ
લેટિન –   મિ. દલાલ
ફારસી –  મિ. ખોદાબક્ષ શીરમહમદ
સંસ્કૃત –  મિ. જનાર્દન ડી. કાલેલકર
ઝંદ –     મિ. રુસ્તમજી કેરસાજી મોદી
બંગાળી – ડૉ. રાય
 [પાછળ]     [ટોચ]