[પાછળ] |
સરસ્વતીનો અવતાર-૩ સંકલિત શ્રીમદ્ના તા. ૯ એપ્રિલ, ૧૯૦૧ના રોજ દેહત્યાગ પછી થોડા દિવસે, ‘મુંબઈ સમાચાર’ના તા. ૨૦ એપ્રિલ, ૧૯૦૧ના અંકમાં, પ્રગટ થયેલ એક લેખમાં શ્રીમદ્ને શ્રદ્ધાજલિ આપતી નોંધ સાથે તેમણે અઢાર વર્ષની વયે કરેલા બાવન અવધાનના એક પ્રયોગની વિગત, (એટલે કે બોટાદના અવધાન?) તેમની કુશળતા દર્શાવવા માટે છપાઈ હતી, તે વાંચતાં શ્રીમદ્ શતાવધાનના પ્રયોગો કઈ રીતે કરતા તેનો અમુક અંશે ખ્યાલ આવી શકશે. ‘મુંબઈ સમાચાર’ના તે લેખમાં લેવાયેલી નોંધ આ પ્રમાણે હતી :– ![]() બાવન કામઃ ચોપાટે રમતા જવું, શેતરંજે રમતા જવું, ટકોરા ગણતા જવું, માળાના પારા ગણતા જવું, ગંજીફે રમતાં જવું, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આપેલા ગણતા જવું, સોળ ભાષાઓના અક્ષરો યાદ રાખતા જવું, બે કોઠામાં આડાઅવળા અક્ષરથી કવિતાઓ માગેલા વિષયની કરાવતા જવું, આઠ ભિન્ન ભિન્ન માંગેલી સમસ્યાઓ પૂર્ણ કરતા જવું, સોળ જુદા જુદા માગેલા વૃત્તોમાં માગેલા વિષય તૈયાર કરાવતા જવું, એમ બાવન કામની શરૂઆત એક વખતે સાથે કરવી.એક કામનો કંઈક ભાગ કરી બીજા કામનો કંઈક ભાગ કરવો, પછી ત્રીજા કામનો કંઈક કરવો, પછી ચોથાનો કંઈક ભાગ કરવો, પછી પાંચમનો, એમ બાવન કામનો થોડો થોડો ભાગ કરવો. ત્યાર પછી વળી પાછું પહેલા કામ તરફ આવવું અને તેનો થોડો ભાગ કરવો, બીજાનો કરવો, ત્રીજાનો કરવો, એમ સઘળાં કામ પૂર્ણ થતાં સુધી કર્યા જવું. એક સ્થળે ઊંચે આસને બેસીને એ બધાં કામમાં મન અને દષ્ટિ પ્રેરિત કરવી. લખવું નહિ કે બીજી વાર પૂછવું નહિ. અને સઘળું સ્મરણભૂત રાખી એ બાવને કામ પૂર્ણ કરવાં, તે અથ ઈતિ આ પ્રમાણે ગણાય છે. ૧. ચોપાટે રમતા જવું : ત્રણ જણ બીજા ચોપાટે રમતા હતા તેની સાથે ચોપાટે રમતાં જતાં અને વચ્ચે બીજી એકાવન કામ કરતાં જતાં છેવટે લીલી, પીળી, લાલ અને કાળી એ ચારે રંગની સોગઠીઓ ધ્યાનમાં રાખી કહી આપી હતી, ચોપાટ વચ્ચેથી ઉપાડી લેવામાં આવી હતી. ૨. ગંજીફે રમતા જવું : ચોપાટનો પાસો નાંખ્યા પછી બીજા ત્રણની સાથે કવીશ્વર ગંજીફે રમતા જતા હતા અને છેવટે પોતાનાં તેરે પત્તાં કહી આપ્યાં હતાં. એ પત્તાં કવિને એક વાર જોવા આપી લઈ લેવામાં આવ્યાં હતાં. ૩. શેતરંજે રમતા જવું: તે જ વખતે શેતરંજ રમવા બીજા એક જણની સાથે ચિત્ત પરોવ્યું હતું. અવધાનની સમાપ્તિ વખતે વચ્ચેથી ઉપાડી લીધેલી શેતરંજનાં પાળાં, ઊંટ, અશ્વ, હાથી અને વજીર, બાદશાહ નંબર વાર કહી આપ્યાં હતાં. ૪. ઝાલરના ટકોરા ગણવાઃ એ વખતે એક માણસ બહાર ઉભો રહીને ઝાલરના ટકોરા વગાડતો હતો. તે કવિએ સઘળા સ્મરણભૂત રાખી છેવટે કહી આપ્યા હતા. ૫. પડતી ચણોઠી ગણવી : કવિને વાંસે વચ્ચે વચ્ચે તે કામની સાથે ચણોઠીઓ નાખવામાં આવતી હતી, તે કેટલી થઈ તે અવધાનની સમાપ્તિએ કવિએ કહી આપી હતી. ૬ થી ૯. બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સરવાળા કવિને તે કામની સાથે ગણવા આપ્યા હતા, જે કવિએ મનમાં રાખીને છેવટે તેના જવાબ ગણી આપ્યા હતા. ૧૦. એક જણ હાથમાં માળાના પારા ફેરવતો જતો હતો જેમાં કવિએ દષ્ટિ પરોવી હતી તે માળા વચ્ચેથી અધૂરી મૂકવામાં આવી હતી. છેવટે કવિએ તેના પારા કેટલા થયા (=ફેરવાયા) તે કહી આપ્યું હતું. ૧૧થી ૨૬. જુદી જુદી ભાષાઓના શબ્દો – સોળ ભાષાના શબ્દો સોળ જણાને વહેંચી આપવામાં આવ્યા હતા. જ્યારે બીજા કામો કવિ કરતાં જતાં હતાં, ત્યારે વચ્ચે વચ્ચે એકેક શબ્દ અનુક્રમ વિના કવિને કાને મૂકવામાં આવતો હતો. પ્રથમ અને ત્રીજો અરબીનો કહેવાતો હતો, પછી ૪૧૭મો લૅટિનનો કહેવાતો, બીજો સંસ્કૃતનો કહેવાતો પછી ૪૧૮મો ઉર્દૂનો કહેવાતો હતો. આમ વિચ્છિન્ન અક્ષરો કવિને કહેવામાં આવ્યા હતા. સઘળા કહેવાઈ રહ્યા પછી અવધાનની સમાપ્તિએ ભાષાવાર કવિએ કહી આપ્યા હતા. સંસ્કૃતનો એક અક્ષર ચોથો હોય અને એક પાંચસોમાંનો હોય એ બન્નેને તેમણે કયાંય પણ લખ્યા સિવાય અંતઃકરણમાં ગોઠવી શ્લોકબંધ કહી દીધા હતા. સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, હિંદી, અંગ્રેજી, પંજાબી, કર્ણાટકી, બંગાળી, મારવાડી, ગ્રીક, ઉર્દૂ, જાડેજી, અરબી, ફારસી, દ્રાવિડી અને સિંધી - એમ સોળ ભાષાના શબ્દો અપાયેલા હતા. એ ભાષાઓના શબ્દોના વિલોમ સ્વરૂપનાં દષ્ટાંત અહીં આપ્યાં છે: સંસ્કૃતનું વિલોમ સ્વરૂપ
સંસ્કૃતનું ખરું સ્વરૂપ – કવિએ કહી આપ્યું તે बंधो हि को यो विषयानुरागी, को वा विमुक्तो विषये विरक्तः । को वास्ति घोरो नरकः स्वदेहः तृष्णाक्षय स्वर्गपदं किमस्ति ।।ગુજરાતીનું વિલોમ સ્વરૂપ
ગુજરાતીનું ખરું સ્વરૂપઃ આપના જેવાં ૨ત્નોથી હજુ સૃષ્ટિ સુશોભિત છે એ જોઈને આનંદ થાય છે.જાડેજીનું વિલોમ સ્વરૂપ
કવિએ આનું મૂળસ્વરૂપ કહી આપ્યું તેઃ મુંજા ધિલોજાન હતે અચે ન તો, મુકે હી ઠીક પડે ન તો, પોય તોજી મરજી, હી સારો ચોવાય ?અહીં તે અમે માત્ર ત્રણ ભાષાનાં લોમ-વિલોમ સ્વરૂપ આપી શક્યા છીએ, પરંતુ પોતે જાણતા નહેતા એવી સોળ ભાષાના શબ્દોને વિલોમરૂપ મટાડી ખરા રૂપમાં મૂકેલા હતા. ૨૭-૨૮. બે જણા બે વિષયો કોષ્ટકમાં આડાઅવળા અક્ષરોથી માગેલા પૂરા કરાવવા ઈચ્છા ધરે, તે કવિ કેવા રૂપમાં પૂર્ણ કરતા તેનો એક નમૂનો અહીં આગળ આપ્યો છે. માગનાર જે અક્ષર માગે તે આપી કવિ તે કાવ્ય પૂર્ણ કરતા. કવિતા ને હિમ્મત - ભુજંગીઃ
૨૯ થી ૩૬. આઠ જુદી જુદી સમસ્યાઓ આપી હતી. તેની વચ્ચે વચ્ચે એકેકી કડી લખાવીને પૂર્ણ કરી હતી. છેવટે આઠે સમસ્યાઓ કવિએ બોલી દેખાડી. ૩૭ થી ૫૨. સોળ જણાઓએ જુદા જુદા સોળ વિષયોની જુદા જુદા વૃત્તમાં કવિતા માગી હતી, અને છેવટે તે પાછી સોળે નવી કવિતાઓ કવિને મોઢે થઈ ગઈ હતી, તે કવિએ કહી બતાવી હતી. શીઘ્ર કવિતાના બે-ત્રણ નમૂના આપીએ છીએઃ ‘ચંદ્રના રથને હરણિયાં શા માટે જોડ્યાં છે?’ તે માટે તર્ક દોડાવવો, અને ઉપરની બે કડી પછી વાણિયા ઉપર ઉતારવી’ એ વિષય. શાર્દૂલવિક્રિડિત અંગે શૌર્ય દમામ નામ ન મળે, સત્તા રહી ના જરી! પ્રેમી કાયરતા તણો અધિક છે, શાસ્ત્રે કથા એ ખરી, ભાગી જાય જરૂર તે ભય ભર્યો, રે! દેખતાં કેસરી, તે માટે રથ ચંદ્રને હરણિયાં જોડી દીધાં શ્રીહરિ!કજોડાં માટે હિંદુઓને તિરસ્કારઃ મનહર કૂળ મૂળ પર મોહી, શૂળ હાથે કરી રોપો, મૂલ થકી ધૂળ કેમ કરો? નિજ બાલિકા. કરો છો કસાઈ થકીએ સવાઈ આર્યભાઈ, નક્કી એ નવાઈની ભવાઈ સુખટાળિકા. ચેતો ચેતો ચેતો રે ચતુર નર ચેતો ચિત્ત, બાળો નહીં હાથે કરી બાળ અને બાળિકા. અરે ! રાયચંદ કહો, કેમ કરી માને એહ, ચડી બેઠી જેને કાંધે, ક્રોધ ધરી કાળિકા?એક દોહરામાં કવિનું પોતાનું નામ તેમના પિતાજી સહિત આવે અને મહાત્માને પ્રણામ થાય તે વિષય. રાચે યશ ચંદ્રોદયે રહે વધુ જીવિ નામ, તેવા નરને પ્રેમથી, નામ કરે પરણામ.અવધાનોમાં ‘ચોપાટને તિરસ્કાર’ એ વિશે ભુજંગી આપ્યો હતો, જે અહીં આપેલ છે: કર્યું રાજ્ય તેં ધર્મનું ધૂળધાણી, વળી ફેરવ્યું કૌરવો શીર પાણી ! તજી તું પ્રતાપે નળે નિજ રાણી, હવે જોઈ ચોપાટ તારી કમાણી !એ જ અવધાનમાં ‘વંઝ્યાપુત્ર મારવાને કોઈ ચાલ્યો જાય છે’ એ સમસ્યા પૂર્ણ કરવાની હતી, તે આવી રીતે પૂર્ણ કરી હતીઃ મનહર-કવિત પ્રેમ ધરી પૂછ્યું એક, કવિ કને કામિનીએ, ખલકનો ખેલ અહા, અજબ દેખાય છે. સર્વને સંતાન સુખ, સંસારમાં સાંપડે છે, એ જ માટે વંઝ્યા તણો, જીવ તલખાય છે. કહો કવિરાય એનું કૃપાથી કારણ મને, કહે કવિ ક્યાંથી થાય? એનું આમ થાય છે. ઉદર પ્રવેશ પહેલાં, પ્રભુને ત્યાંથી પડાવી, વંઝ્યાપુત્ર મારવાને, કોઈ ચાલ્યો જાય છે.(Source: ‘શ્રીમદ્ રાજચંદ્ર', સંપા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, આવૃત્તિ ૩જી, પૃષ્ઠ ૧૯૯-૨૦૩.) |
[પાછળ] [ટોચ] |