[પાછળ]
શ્રીમદ્‌ના અપ્રગટ પત્રો

લેખકઃ ડૉ. રમા પી. દેસાઈ

(શ્રીમદ્ રાજચંદ્રના જીવન અને તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરી શોધ-નિબંધ તૈયાર કરી ડૉક્ટરેટની પદવી ઘણા લોકોએ મેળવી છે. આમાં એક શોધ-નિબંધ ઘણો જાણીતો થયો છે. શ્રીમદ્‌ના પ્રખર અનુયાયી અને પ્રવચનકાર મોરબીનિવાસી શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠના સુપુત્રી શ્રી સરયુબેન રજની મહેતાએ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ શ્રી રમણલાલ ચિમનલાલ શાહના માર્ગદર્શન હેઠળ ઈ.સ. ૧૯૬૫માં તૈયાર કરેલો આ શોધ-નિબંધ ‘શ્રીમદ્‌ની જીવનસિદ્ધિ’ના નામે પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયો છે. શ્રેયસ પ્રચારક સભા, મુંબઈ દ્વારા પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકની ઘણી આવૃત્તિઓ પ્રગટ થઈ ચૂકી છે.

આવો જ એક અન્ય સરસ શોધ-નિબંધ શ્રી રમા પી. દેસાઈએ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ શ્રી કુમારપાળ દેસાઈના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર : તેમનું વાંગ્મય અને સાહિત્યિક વ્યક્તિત્વ’ એ વિષય લઈ ઈ.સ. ૨૦૦૨માં તૈયાર કરાયેલો આ નિબંધ શ્રીમદ્‌ના અદ્‌ભુત વ્યક્તિત્વને સહેજ જુદા દૃષ્ટિકોણથી તપાસવાનો પ્રયાસ છે. ગુજરાત યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં ઉપલબ્ધ આ નિબંધ શ્રીમદ્‌માં રસ ધરાવતા સર્વેએ વાંચવા જેવો છે. અત્રે એ નિબંધનો એક નાનકડો અંશ પ્રસ્તુત કરાયો છે.
)


શ્રીમદ્‌ના કેટલાક અપ્રગટ પત્રો મળી આવ્યા છે. આ પત્રો જોઈએ તો વિષયની દૃષ્ટિએ એને મુખ્યત્વે બે વિભાગમાં વહેચી શકાય, વ્યવસાયલક્ષી અને પરોપકારલક્ષી. પ્રથમ વ્યવસાયલક્ષી વિભાગનો એક પેટા વિભાગ પડે – સ્વજન પરના પત્રો.

પ્રથમ વિભાગમાં મળી આવતા પત્રોની સંખ્યા અંદાજે ૪૩ જેટલી છે. અને પ્રમાણમાં ટૂંકા છે. પણ પત્રોની એક વિશેષતા એ છે કે એ પત્રો વ્યવસાય અંગે- ‘રેવાશંકર જગજીવન મહેતા એન્ડ કંપની’ના નામેથી વેપાર અંગે લખાયા હોવા છતાં એ માત્ર વ્યાપારી પત્રો નથી. શ્રીમદે પોતાના મોટા બનેવી શ્રી ચત્રભુજ બેચર, મોરબી તાબેના જેતપર ગામે લખેલા (એ પત્રો) છે તો વેપાર સંબંધી પણ એમાં વેપાર સાથે અંગત સંબંધ પણ દૃષ્ટિગોચર થાય છે. એમાં પોતાની બહેનનો લાગણીયુકત ઉલ્લેખ, તેમની તબિયતની ચિંતા, પિયર મોકલવા માટેનો અનુરોધ – એ જોતાં આ પત્રોને ‘સ્વજન પરના પત્રો’ – એ વિભાગમાં સમાવવા માટે પ્રેરાઈએ. વળી બહેન માટે જેટલી લાગણી છે તેવીજ કંઈક લાગણી બનેવી માટે પણ જોવા મળે છે. પરસ્પર આવવા – મળવા માટેનો આગ્રહ, થોડી તત્ત્વજ્ઞાનની વાતો આદિ જોતાં ઉપરના કથનને પુષ્ટિ મળે છે. પણ પત્રોનો વિશેષ ભાગ અથવા મહદ્ સંખ્યા વેપાર સંબંધી હોવાથી એને વ્યવસાયલક્ષી પત્રો જ કહીશું.

આ પત્રો દ્વારા બે વાત જાણી શકાય છે. એક તો ‘રેવાશંકર જગજીવન મહેતા એન્ડ કંપની’ – માત્ર ઝવેરાતના વેપારની જ પેઢી નહોતી, જનરલ કમિશન એજન્ટ તરીકે ગોળ, ખાંડ, ચોખા, રૂ, કપાસ, કાપડ આદિનું કામકાજ પણ સંભાળતી હતી.

બીજી વાત કે શ્રી ચત્રભુજ મહેતા વેપારમાં એમની સાથે જોડાયેલા હતા. અલબત “રે.જ.ની પેઢીમાં નહીં પણ મુંબઈથી કેટલોક માલ જેતપરમાં પોતે વેપાર કરતાં તે અંગે શ્રીમદ્ પાસેથી મંગાવતા અને શ્રીમદ્ પણ કપાસિયા, રૂ, આદિ દેશમાંથી ભાવની સરખાઈ પ્રમાણે મહેતા પાસે મંગાવતા.

બીજા વિભાગમાં–પરોપકારલક્ષી પત્રોમાં પત્ર તો એક જ મળ્યો છે, પણ એ લાંબો પત્ર શ્રીમદ્‌ના એક અલગ વ્યક્તિત્ત્વને–સમાજથી અત્યાર સુધી અદૃશ્ય રહેતા તેમના વ્યક્તિત્ત્વને ઉજાગર કરવા પૂરતો છે. શ્રીમદ્‌ની કરૂણા, દયા અને એ સંદર્ભે એમની યોજના એમાં દર્શાવી છે. એક રાજ્ય કે એક સંસ્થા કરી શકે એવું કામ એમણે એકલાએ કરવા વિચાર્યું છે અને એ યોજનાને દર્શાવતો એ પત્ર છે. અહિંસાનો આચરનાર જીવહિંસાને રોકવા કેવો ભગીરથ પ્રયાસ કે પુરુષાર્થ કરી શકે તેની જીવતી મિસાલ એ પત્ર છે.

પ્રથમ વિભાગ લઈએ તો એ પત્રોમાં સંબોધનો ખૂબ માનભર્યા છે. જેમકે– સુજ્ઞ મહેતાશ્રી, શેઠ સાહેબ, મહેતા શ્રી ચત્રભુજ બેચર, ભાઈશ્રી–પ ચત્રભુજ બેચર મહેતા, શુભોપમા યોગ્ય મહેતા શ્રી ચત્રભુજ બેચર, આદિ –

દસ્કત પણ એટલા જ વિવેકસભર છે. જેમકે રાયચંદના પ્રણામ, રેવાશંકર જ. એન્ડ કંપની વતી રાયચંદના યથાયોગ્ય, કંપની વતી રાયચંદના વિનયપૂર્વક પ્રણામ – આમ સંબોધન કે દસ્કત જોતાં ભારોભાર વિનય જોવા મળે છે. વેપારમાં શ્રી ચત્રભુજભાઈ દેશના નાના વેપારી છે. અને પોતાની તો મુંબઈમાં મોટી પેઢી છે, જેનું નામ અને કામ પરદેશમાં પણ પહોચ્યું છે. આવી પેઢીમાં પોતે સર્વેસર્વા હોવા છતાં ક્યાંય અવિવેક દેખાતો નથી.

આ પત્રો પરથી શ્રીમદ્ વેપારી તરીકે ઉપસી આવે છે. મુંબઈના ખાંડ, ગોળ, રૂ, કપાસિયા, કાપડ આદિના તથા સોના, ચાંદી – ઝવેરાતના ભાવોની પૂરતી માહિતી તો રાખે જ છે, પણ દેશમાં ચાલતા આ વસ્તુના ભાવ અંગે પણ પૂરતી ચોક્સાઈ રાખી છે. જરૂર પડે જો દેશમાં ઓછો ભાવ હોય તો દેશમાંથી પણ માલ મંગાવે. ચુંદડીની સરસ રંગાઈ અને પાકા રંગ માટે ખાસ સૂચના લખે. બજારની તેજી મંદી અલબત્ત મુંબઈની લખી જણાવે. ક્યા માલનું ભવિષ્ય ઉજળું છે તેની સલાહ પણ લખી જણાવે, જેથી ફાયદો થાય. એટલું જ નહી પણ મહેતા શહેરી વેપારી થવા ઇચ્છતા હોય તો ક્યો માલ ઉપયોગી થાય તે પણ જણાવે. આમ ઝીણવટપૂર્વક વેપાર સંબંધી આ પત્રોમાં લખાયું છે.

આ પત્રોમાં સામાન્ય રીતે હૂંડી કે રૂપિયા મળ્યાની પહોંચ વિષે લખાયું છે; મોકલાવેલ માલના અવેજ સંદર્ભે લખ્યું છે; અને મોડા આવતા પૈસા બાબત તાકીદ પણ કરી છે, વળી દેશના કોઈ વેપારીના હિસાબમાં આવતી રૂા. ૭ / – ની કમી બાબત જણાવી, આવી નાની રકમની ઉધરાણી કરવાનો રિવાજ નથી એમ જણાવી ભવિષ્યમાં સાવચેતી રાખવા જણાવ્યું છે.

પોતાના સંબંધમાં આટલી ચોક્સાઈ જોઈ કોઈ એમને પાકા વેપારી ધારે, પણ મળી આવતા બીજા એક પત્રની વિગત જોતા – કમિશનની બાબતમાં એમની નિર્લોભતા પણ જોવા મળે છે. કમિશન કેટલું ઘટાડી દેતા એ એમના જ શબ્દોમાં જોઈએ. પુસ્તક મંગાવનારને લખ્યું છે –

છૂટક માલમાં કમિશનના લખેલા ધારા પ્રમાણે
૧ રૂા. થી ૧૦ રૂ. સુધીમાં રૂપિયે –૯ પાઈ
૨૫ રૂા. સુધીમાં ૮ પાઈ
૫૦ રૂા. સુધીમાં ૭ પાઈ

લેખે લેવાનો રિવાજ છે. પરંતુ વિદ્યા ઉત્તેજનાર્થે ગમે તેટલી રકમની ચોપડી મંગાવનારને સુગમતા કરી આપવાના હેતુથી રૂપિયે – ૪ પાઈ લેખે કમિશન ચાર્જ કરવામાં આવશે. xxxx– માલ બનતી ત્વરાથી મોકલવામાં આવશે. જથ્થાબંધ વેપાર તરીકે પુસ્તકો મંગાવનારને માટે રૂપિયે ૩ પાઈ ચાર્જ કરવામાં આવે છે. પણ તે હંમેશનો વેપારી હોવો જોઈએ.

શ્રીમદ્ નફાની બાબતમાં કેટલું જતું કરતા એ, તથા વિદ્યાપ્રીતિ દર્શાવવા ઉપરનું અવતરણ પૂરતું છે.

શ્રીમદ્ નાની નાની બાબત માટે પણ કેટલી કાળજી રાખતા એ વિષે જોઈએ. દેશના વેપારી રા. મોતી વલ્લભજી દેવળીયાવાળાએ લેણા નીકળતા રૂા. શ્રી ચત્રભુજ મહેતાને આપ્યા હશે અને મુંબઈ – પોતે સુદ ૧ના રૂપિયા ભર્યા છે. તેમ જણાવ્યું. પણ શ્રી ચત્રભુજભાઈએ લખેલા પત્રમાં સુદ –પ રૂપિયા આપ્યાની તારીખ જણાવેલી. આ બાબત શ્રીમદે પત્ર લખી તરત ખુલાસો પૂછાવ્યો છે, જેથી યોગ્ય તિથિએ પૈસા ઉધારી શકાય.

આમ માલ, પૈસા અને પાવતી સંબંધમાં ભારોભાર ગંભીરતા અને ચોક્સાઈ આ પત્રોમાં જોવા મળે છે. તો સાથે પોતાના બનેવીને ગમે તેટલો માલ નિશ્ચિતપણે મંગાવવા અને અવેજ સંબંધી બેફિકર રહેવા પણ જણાવે છે. સંબંધના દાવે એમને સગવડતા ! પોતાની સાથે પોતાના સગાનો વેપાર પણ વધે એવી ભાવના આમાં નિહિત છે.

પ્રથમ વિભાગનો પેટા વિભાગ – સ્વજન પ્રત્યેના પત્રો જોઈએ. આ પત્રોની સંખ્યા ઓછી છે. પણ જેટલી છે, તેટલી એમના અંગત જીવન પર પ્રકાશ પાડે છે. તેમના લાગણીભર્યા સંબંધો દેખાય આવે છે. આ વિભાગમાં કુલ નવ શુદ્ધ પત્રો મળી આવે છે. આ નવ પત્રો તો મહેતા પરના છે, પણ બાકીના બેમાં સંબોધન ન હોય તે કોને લખાયા છે. તે કળવું મુશ્કેલ છે. એ બે પત્રોમાં વ્યક્તિગત અંગત ઉલ્લેખો છે.

આ પત્રોમાં પર્યુષણ પછીની ક્ષમાપના યાચી છે. બહેનની તબિયત અંગેની ચિંતા છે, પિયર મોકલવા માટેનો આગ્રહ છે, તો બનેવીને મળવા આવવા માટેનું આમંત્રણ પણ છે. પોતે તેમને ગામ જેતપર સમયના અભાવે ન જઈ શકવાનો અફસોસ પણ છે.

આ પત્રો કંઈ લાંબા નથી પણ બન્નેની પરસ્પર મળવા માટેની તત્પરતા જોતા એક વાત સ્પષ્ટ છે કે બન્ને વચ્ચે ખૂબ સારો મનમેળ હતો. આ મનમેળને કારણે જ પોતાને જ્યોતિષી (શંકર પંચોળી)ના કહેવા પ્રમાણે વેપારમાં ધાર્યો લાભ થયો નથી એવી અતિ અંગત વાત પણ જણાવી છે. તો અવધાન પ્રસંગે મુંબઈમાં મળેલા વિજયની વાત લખેલી જોતાં બન્ને વચ્ચે માત્ર સંબંધના દાવે નહીં પણ મિત્રતાયુકત સંબંધ બંધાયાનું અનુમાન કરી શકાય છે.

અહીં પહેલાં વિભાગના – વ્યવસાયલક્ષી તથા તેને અંતર્ગત સ્વજન પ્રત્યેના પત્રો પૂરા થયા.

બીજો વિભાગ– પરોપકાર લક્ષીમાં ‘એક કર્તવ્ય’ નામે મળેલો લાંબો પત્ર જોઈએ. તત્ત્વ સિવાય અન્ય વાત ન લખનાર શ્રીમદ્‌નો આ પત્ર તત્કાલીન પરિસ્થિતિ અને તેના નિવારણ સંબંધ છે. શ્રીમદ્‌ની ટીકા કરનારાઓએ આ પત્ર ખાસ વાંચવા જેવો છે. સંવત ૧૯૫૫ આસો સુદી – ૧ ગુરુવારે મુંબઈથી આ પત્ર લખાયો છે. પત્ર ઉપર સંબોધન નથી, એટલે પત્ર કોને લખાયો છે તે વિષે માત્ર અનુમાન જ કરવું રહ્યું પત્રમાં વચ્ચે ‘મનસુખલાલ' નામનો થયેલો ઉલ્લેખ જોઈને તેમના ભાઈ ઉપર લખાયો નથી એ ચોક્કસ પત્ર કોઈ અંગત સ્વજન અથવા મિત્ર પર લખાયો છે. કદાચ શ્રી ચત્રભુજભાઈ હોય અથવા શ્રી અંબાલાલભાઈ હોઈ શકે. પત્રની વિગતમાં–મુંબઈ અને મારવાડના સખત દુષ્કાળની વાત છે. એ વખતે પ્રવર્તતી ઢોરોની અત્યંત કરૂણ દયનીય સ્થિતિ અને તે સમયની પોતાની અંતરવ્યથા આ પત્રમાં આકાર પામી છે. પણ દુઃખ રોઈને બેસી રહેવાને બદલે તેના નિવારણ રૂપે–ઉપાય તરીકે દયા ધર્મને ઉજાગર કરતો તેમનો આ પત્ર એક યોજનાને સાકાર કરે છે. જે વાંચતા અહોભાવ યુક્ત શબ્દો સરી પડે. અને એ જોતાં ગાંધીજીનું શ્રીમદ્ માટેનું વાક્ય – ‘ધર્મકુશળ તે વ્યવહારકુશળ ન હોય તે વહેમ રાયચંદભાઈ એ ખોટો સિદ્ધ કરી બતાવ્યો’ – એ વાતની પુષ્ટિ મળે છે.

દુષ્કાળ સમયે માણસોની કંગાલ અવસ્થા અને ઢોરોની એથી પણ ઘાસચારાના અભાવે કરૂણ સ્થિતિ જોઈ દુષ્કાળને કંઈક અંશે ખાળવા એમણે યોજના રજૂ કરી છે. એ દિશામાં કર્તવ્ય વિચારી આચરણમાં મૂકવા તત્પર થયા છે. રંગૂનમાં કપાસીયા તથા ઘાસ મફત જેવા ભાવે મળે છે, એમ માહિતી મળતા મુંબઈ, વવાણિયા તથા ભાવનગર પહોંચાડાતા ઘાસ રૂા. દસ થી પંદર રૂપિયે ટન અને કપાસીયા ૧૨ આનામાં (૭૫ પૈસા) મણ મળે તો ત્યાંથી બે – ચાર વહાણો ભરી લાવવા સૂચવ્યું છે. વળી કામ ઘણી જ ત્વરાથી કરવા તાકીદ કરી છે. પણ આટલું કહી શ્રીમદ્ અટકી નથી ગયા. એક વહાણમાં પ૦૦ ટન ઘાસ ભરવું અને તેનો જથ્થો જ્યાં જ્યાં ઉતારવાનો હોય ત્યાં વહાણ ઉતારતું જાય એમ પહેલેથી ગોઠવણ કરવા જણાવ્યું છે.

મેમણ લોકો આ યોજના જાણી સીધું ઘાસ રંગૂનથી મંગાવી ભાવ ચડાવી ન દે એ વાત ધ્યાનમાં રાખવા કહી છે. વળી રંગૂન બાજુનું ઘાસ તથા કપાસીયા આ દેશના ઢોર ખાશે કે નહીં એની પહેલાં તપાસ કરી લેવા કહ્યું છે.

રંગૂનથી માલ ઓછા ભાવે મંગાવી ભારતમાં વધારે ભાવે વેચવો એ વેપારી કુનેહ કહેવાય પણ શ્રીમદ્ આવી સ્થિતિમાં ‘આવી કુનેહવાળા’ વેપારી નથી, તેમની લાગણીસભર વાત તેમના શબ્દોમાં જોઈએ

આ તરફ તે ઘાસ વગેરે આવ્યેથી તેના માટે આ પ્રમાણે નિયમ ઠરાવવાનું યોગ્ય લાગે છે.

૧. અનાથ ઢોરોને મફત નાખવું
ર: ગરીબ માણસના ઢોરોને માટે મૂળગે ભાવે અથવા જૂજ ભાવે આપવું
૩. શ્રીમંત માણસોને બજાર ભાવની લગભગે આપવું.

આમ ગોઠવણ થવાથી ખરીદીના મૂળ પૈસા આવી શકે અને વસ્તુ સસ્તી આવી હોવાથી ઘણા અનાથ ઢોરોનું પોષણ થઈ શકે.


આ યોજનાને આગળ લંબાવતા એમનો એ અંગે વિચાર જોઈએ –

એકથી બે વહાણ મફત જ વાપરવું એવો ઠરાવ કર્યો હોય તો આપ વગેરેએ ત્યાં સાત હજાર રૂા. એકઠા કર્યા છે. તે તથા બીજા અત્રેથી ઉમેરવા પડે તે ઉમેરવાની ગોઠવણ કરવી.

પણ આ બધું તો દસ – વીસ વહાણ આવે ત્યારે બની શકે તેવું છે. એનો શ્રીમદ્‌ને ખ્યાલ છે. વળી રોજ એક માણસે ઓછામાં ઓછો અર્ધો દિવસ જાત મહેનત કરવી પડે એવો પણ એમને અંદાજ છે. અંતમાં લખ્યું છે:

આ બધી વાત વિચારી જેટલી ત્વરાથી તેનો અમલ થાય તેટલી ત્વરાથી કરવાનો છે. તારથી કોઈ સંશય પૂછવો પડે તો પુછાવશો. ઘણાં પ્રાણીનો નાશ થતો જાય છે તે લખવું અશક્ય છે.

અહીં પત્ર પૂરો થાય છે. આખા પત્રમાં કરૂણ સ્થિતિ સામે હાથવાળીને બેસી રહેવાને બદલે કુદરતને દોષ દીધા વગર તેનો સામનો કરવા કટિબદ્ધ થયા છે. દારૂણ સ્થિતિનો ઉપાય અને વિતરણ આદિની વ્યવસ્થા દર્શાવી છે. મહાજન કે સરકાર પાસેથી પૈસા લઈ યોજના પાર પાડવાની રાહ જોયા વગર પોતાને પૈસે (૧૦૦ વર્ષ પહેલાના સાત હજાર!) આ બધું કરવાની એમની નેમ છે. આ આખો પત્ર શ્રીમદ્‌ના – દુઃખ જોઈ દાઝતા હૃદયનો પોકાર છે.

કોઈ દલીલ કરે કે આ તો પત્રમાં યોજના છે. પછી તે પાર પાડી કે નહી તે કોને ખબર? આના પ્રત્યુત્તરમાં એ જાણવા માટે કોઈ સીધો પુરાવો તો આપણી પાસે નથી, પણ ગાંધીજીએ એમના વિષે લખતાં જણાવ્યું છે તે જોઈએ –

‘રાયચંદભાઈની પ્રકૃતિ તેમને બળાત્કારે ઊંડા પાણીમાં લઈ ગઈ. x x x x– આપણે સામાન્ય માણસો તો પરોપકારી કાર્ય પાછળ ગાંડા બનીએ ત્યારે જ તેને કદાચ પહોચી વળીએ.

આગળ એક બીજી જગ્યાએ લખ્યું છે – પણ જગતના તાપનું જે દરદ તેમને હતું તે અસહ્ય હતું. x x x x આખું જગત પોતાના સગા જેવું હતું આપણા ભાઈ બહેનને મરતાં જોઈને જે ક્લેશ આપણને થાય છે, તેટલો ક્લેશ તેમને જગતમાં દુઃખને, મરણને જોઈને થતો.

ગાંધીજીના ઉપરોક્ત ઉલ્લેખો જોતાં ખાતરી થાય છે કે શ્રીમદે ઉપરની યોજના ચોક્કસ અમલમાં મૂકી હશે. નામ કમાવાની વૃત્તિ વગર એ સમયે કરેલા આવા ભગીરથ પુરુષાર્થની કોઈ સત્તાવાર નોંધ આપણી પાસે નથી. પણ ગાંધીજીના ઉદ્ગારો એ વાતની સાક્ષી પૂરે છે. અથવા તો એમ કહી શકાય કે ગાંધીજીએ ઉપરોક્ત ભાષણમાં શ્રીમદ્ વિષે આપેલા અભિપ્રાયની પ્રત્યક્ષ સાબિતી છે- આ એક અપ્રગટ પત્ર. દયાધર્મની દીવાદાંડીરૂપ આ તો એક પત્ર જ મળ્યો છે. પણ આવા અનેક કાર્યોના અનેક પત્રો હશે. અહીં તો માત્ર એક દૃષ્ટિપાત કરવા મળ્યો છે.
[પાછળ]     [ટોચ]