[પાછળ]
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ

લેખકઃ ડૉ. ભદ્રાયુ વછરાજાની

  ચ્છના અબડાસા તાલુકાનું સાંધો ગામ. પિતાની જન્મભૂમિ! જ્યાં પ્લેગ ફેલાયો હતો ત્યારે એક પરિવારના તેરમાંથી અગિયાર માણસોને પ્લેગ ભરખી ગયો. નાના બાળકને લઈને એક સ્ત્રી પહેરે લુગડે મુંબઈ ભાગી. તેની પરવરીશ કરી મુંબઈ વસતા કચ્છીઓએ. સ્ત્રીનું નામ તો ક્યાંથી લખાય? પણ પેલું બાળક મોટું થયું અને તે દીકરાનું નામ જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સના વિદ્યાર્થી તરીકે નોંધાયું. એ સમય વીસમી સદીના શરૂના દોઢ બે દસકનો. સિરામિકના કોર્સ સૌ પહેલા શરુ થયેલા તેમાં પહેલો વિદ્યાર્થી સિદ્દીકભાઈ અબ્બાસભાઈ.

સિદ્દીકભાઈના પત્નીનું નામ હસીનાબેન. સૌ એને નાનીબેન કહે. આ દંપતીના પરિવારમાં ચાર સંતાનો. અમીનાબહેન, છોટુભાઈ, કરીમભાઈ અને શાહબુદ્દીન. આખું કુટુંબ પછી તો મુંબઈ છોડી થાન આવ્યું. થાનમાં ૧૯૧૩માં પોટરી શરુ થયેલી. ૧૯૩૪ સુધી સોહરાબ દલાલ નામના પારસી શેઠે પોટરી ચલાવી. પછી પરશુરામ શેઠે પોટરી લીધી.

થાનગઢમાં બહાર બનેલું પહેલું મકાન "સિદ્દીક મંઝિલ" ત્યાં જીવન શરુ થયું. લેટ્રીન ઘરમાં હોય તેવો કોઈને ખ્યાલ જ નહિ. માંદા હોય તે જ ઘરમાં જાય. બાકી બધા તો તળાવે જ જાય. અહીંના બાળકો હાલતાં શીખે હારોહાર તરતા શીખે!! ગામમાં બે તળાવ. શાહબુદ્દીન માટે ખાવું, પીવું, ને લહેર કરવી એ બાળપણ. જીવનનો મોટો આનંદ એ તરવું. ઘટાટોપ રાણનું ઝાડ જે આજે પણ છે. ઘેઘુર બે પીપળા હતા. એમાંનો એક પીપળો ગયો ત્યારે આખા ગામે શોક પાળેલો!!!

મિત્રો અનેક!! પરશુરામનગરમાં મિત્રો અને વર્ગના મિત્રો. સુરેશ, આનંદ, રમણીક ત્રિવેદી. દેશનો પહેલો કમ્પ્યુટર નિષ્ણાત સરેશ વિષ્ણુ દેવધર ને હાલ લોસ એન્જેલસમાં ઈજનેર છે તે રમણીક. તો નટુ, વનેચંદ, રતિલાલ, પ્રાણલાલ, જશવંત, સુલેમાન.... ભણવામાં બધા આગળ પાછળ પણ ધીંગામસ્તી ને મોજમજામાં ભેગા. શાહબુદ્દીન હોશિયાર નહિ, પણ નાપાસ ન થાય તેવો એવરેજ! ભણવા કરતા ભાઈબંધોને ભેગા થવાનું મહાતમ વધુ. ઓઝા સાહેબ ગણિતના દાખલ લખતા હોય ને તળાવ પરથી ઠંડો પવન આવતો હોય તો શાહબુદ્દીન ચડે ઝોલે, ને નસકોરા બોલે એવું ઊંઘે!! મહીપતરામ જોશી ડ્રોઈંગ ટીચર પણ ગુજરાતી વધુ સારું ભણાવતા!

શાહબુદ્દીનને જીવનમાં વ્યથા કોને કહેવાય, મિત્રોથી જુદા પાડવાનું દુઃખ કોને કહેવાય એ ખબર પડી જ્યારે ભણવા માટે થાન છોડ્યું ત્યારે! દસ રૂપિયા ઉછીના ખિસ્સામાં લઇ વગર ટિકિટે ભાવનગર જવા રાતની કીર્તિ (એક્સપ્રેસ)માં બેઠા ત્યારે મિત્રોની યાદે આંખ ભીની કરાવેલી. લોજમાં ત્રીસ રૂપિયામાં બે ટાઈમનું જમવાનું માસિક બિલ ને ભાઈનું બજેટ બધું થઈને મહિનાનું ૨૦ રૂપિયા!! લાંઘણ ખેંચ્યા!! આવી જ તંગી એફ. વાય. ની ફી ભરતી વખતે! ભાઈબંધોએ ભેગા થઈને પરશુરામનગરના ઘરના બારીબારણાં રંગાવાનું કામ લીધું, સાંજ પડે સૌ થાકીને લોથ, કેટલાક તો રોઈ પડતા !! રૂપિયા ૧૩૫ મળ્યા તેમાંથી એફ. વાય.ની ફી ભરીને ચોપડા ખરીદ્યા.

થાનમાં તો કોઈ થોડું ભણે ને લાગે નોકરીએ પરશુરામ પોટરીમાં. શાહબુદ્દીન પણ આમ કરી શકત પણ એક ગાંઠ વાળેલી કે પોટરીમાં નોકરી નહિ કરું! કારણ બહુ સ્પર્શી જાય એવું હતું. પિતાજીએ એકવાર નોકરી છોડ્યા બાદ ફરી અરજી કરી ત્યારે એમને પોટરીએ નોકરી ન આપી, એટલે શાહબુદ્દીને મનમાં ગાંઠ વળી કે મારે આ પોટરીમાં તો ન જ જોડાવું. જીવનનો આ વળાંક આજે સફળતાનાં શિખર સુધી લઇ ગયો છે. એફ. વાય. પછી ચોટીલા થી ૬ ગામ દૂર કાબરણ નામનું ગામ. ત્યાં સિત્તેર રૂપિયા પગારથી પ્રાથમિક શિક્ષક થયા. થોડી બચત થઈ એટલે નોકરી છોડી દીધી. બચતમાંથી ઇન્ટરના પુસ્તકો ખરીદ્યા અને ઇન્ટર પાસ કર્યું.

આખરે ૦૧-૦૨-૧૯૫૮ના રોજ જ્યાંથી ભણ્યા હતા એજ શાળામાં શિક્ષક થયા. નિમણૂંકપત્ર આપતા બી.ટી.રાણા સાહેબે કહેલું કે, "તારા પિતાએ મને નોકરી આપી હતી, ને હું તને નોકરી આપું છું." (પિતાના અવસાન બાદ આવી ખેલદિલી કોણ બતાવે છે?? આજના કળિયુગમાં એ જેના પર વીતી હશે એ ચોક્કસ સમજી શકશે!!) પછી તો ઈતિહાસ અને પોલિટિક્સમાં બી.એ. કર્યું. પ્રાધ્યાપક ઉપેન્દ્ર પંડ્યા અને મનસુખલાલ ઝવેરીના અવાજ હજુ કાનમાં ગુંજે છે. શિક્ષક તરીકે એટલું જ આવડે કે તન્મય થઈને ભણાવવાનું, મેથડની કંઈ ખબર ના પડે. એવું રસપ્રદ ભણાવે કે પિરિયડ ક્યાં પૂરો થાય તેની ખબર ન વિદ્યાર્થીને થવી જોઈએ કે ન આપણને. જે વિષય આપે તે બધા જ ભણાવવાના. ગણિત અને ચિત્ર પણ ! છોકરાંવની સાથે જ ચિત્રની એલિમેન્ટરી અને ઈન્ટરમિડિયેટની પરીક્ષા ય પાસ કરી. તે સમયમાં લીમડીમાં બે શિક્ષકો સ્પેશિયલ કેસમાં આચાર્ય થયા. એક મહિપતસિંહ ઝાલા, અને બીજા શાહબુદ્દીન રાઠોડ!!

બી.એડ તો કર્યું છેક ૧૯૬૯માં રાજકોટની પી.ડી. માલવિયા કોલેજમાંથી. ત્યાં એચ. વી. શાહ સાહેબ કહેતા, "શિક્ષક મેથડને અનુસરતા નથી, મેથડ શિક્ષકને અનુસરે છે." ડો. મનુભાઈ ત્રિવેદી કહેતા, "અંગ્રેજીમાં પાઠ તરીકે નાટક કોઈ લેતું નથી." શાહબુદ્દીનભાઈએ અંગ્રેજીમાં એકાંકી લખ્યું અને ભજવ્યું પણ ખરું. એ જ વર્ષમાં "શિક્ષકનું સર્જન" અને "ઈન્સાનિયત" પણ લખ્યા. સ્ટેજ સાથે નાતો ઘણો જૂનો, નાનપણમાં "બાપુનો ડાયરો" અને ૧૯૫૬માં પ્રેમશંકર યાજ્ઞિકનું નાટક "રખેવાળ" ભજવેલું. પરશુરામનગરમાં મોટું સ્ટેજ હતું. બાસઠ વર્ષ ત્યાં ગણેશ ઉત્સવ ઉજવાયો. થાન-મોરબી-વાંકાનેરમાં કાર્યક્રમો થાય. ૧૯૫૭માં "સૈનિક" ભજવ્યું. તેમાં વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર સુલેમાન પટેલે ડાન્સ ડિરેક્ટર તરીકે કામ કર્યું. સ્ત્રી પાત્ર વગરના નાટકો લખ્યા અને ભજવ્યા. "વનેચંદ ભણતો ત્યારે કંઈ યાદ ન રહે પણ નાટકમાં મારા ડાયલોગ કડકડાટ મોઢે રાખે!!" -- શાહબુદ્દીનભાઈ જીવનની રુડી વાતો આ રીતે વાગોળે છે.

તેર વર્ષ શિક્ષક અને પચ્ચીસ વર્ષ આચાર્ય તરીકે ભરપૂર જીવી જાણનાર શાહબુદ્દીન રાઠોડ જીવનનું પરમ સત્ય કહે છે:

"જેમની સંસારમાં વસમી સફર હોતી નથી,
એમને શું છે જગત, તેની ખબર હોતી નથી."

સીક્સ્થમાં પાસ હોય તેને દસ રૂપિયાની સ્કોલરશીપ મળતી. આ સહાયનો ચાલીસ રૂપિયાનો મનીઓર્ડર આવ્યો ત્યારે એસ.એસ.સી.નું ફોર્મ ભરી શકનાર આ કરુણાનો માણસ આજે પણ કેટલાય વિદ્યાર્થીઓની ફી ભરે છે. પોતાની શાળાનો વિદ્યાર્થી વૉલીબૉલના ખેલાડી તરીકે એક ટુર્નામેન્ટમાં બહાર રમવા ગયો હતો. ને અચાનક એને લોહીની ઉલ્ટીઓ થવી શરુ થઇ ગઈ. આયોજકો મૂંઝવણમાં હતા અને એના પિતાજીને અને ઘરવાળાઓને જાણ કરવાનું વિચાર કરતા હતા. ત્યાં પેલો છોકરો બોલ્યો, "મારા આચાર્ય શ્રી શાહબુદ્દીન રાઠોડને જાણ કરો એ બધું જ ગોઠવી લેશે!!" શિક્ષક્ત્વની આ ઊંચાઈ છે!! થાનમાં ચોપન વર્ષ નવરાત્રી મહોત્સવનું સઘળું આયોજન કર્યું. સાહિત્ય-શિક્ષણ-સમાજના ધુરંધરો આવ્યા. એક કલાક રામચરિતમાનસ અને પછી ગરબાની રમઝટ.

"મને એસ.ટી. બુચ સાહેબ અંગ્રેજી ભણાવતા. તેમના મોટાભાઈ પ્રખર અધ્યાપક એમ.ટી. બુચ સાહેબ તો રાણા સાહેબને ત્યાં નવેનવ દિવસ રોકાય અને અનુષ્ઠાન કરે. અઠ્ઠાવીસ વર્ષ થાનમાં અખિલ ગુજરાત વોલીબોલ પાસિંગ ફ્લડલાઈટ ટુર્નામેન્ટનું પણ ભવ્ય આયોજન કર્યું. જીવનનાં આવા આનંદ સામે ભલભલી પ્રસિદ્ધિ અને કીર્તિ પણ પાણી ભરે!!" આવું સહજતાથી કબુલતા શાહબુદ્દીન રાઠોડ માર્મિક હાસ્યના મુઠ્ઠી ઉંચેરા કલાકાર છે.

શાહબુદ્દીનભાઈનું નામ પડે ને હોઠ મલકે! "વનેચંદનો વરઘોડો" સાંભરે જ, "નટુ અને વિઠ્ઠલ" નજર સામે તરે. આ એમની શ્રોતા વર્ગ સાથેની સીધી જ કનેક્ટિવિટીની ઉપલબ્ધી અથવા તો બ્રાન્ડ્સ છે!! ૧૯-૧૧-૧૯૬૯માં લીમડીમાં પહેલવહેલો કાર્યક્રમ, ને પછી બાવીસથી વધુ દેશમાં એમણે કાર્યક્રમો આપ્યા, ૧૯૮૦માં એન્ટવર્પથી વિદેશયાત્રા આરંભી. હજુય થોડી નાદુરસ્ત તબિયત હોવા છતાં એ યાત્રા અવિરત છે. પોતે પસંદગી કરીને વસાવેલા ૧૦,૦૦૦ થી પણ વધુ પુસ્તકો પોતાની સ્કૂલ લાયબ્રેરીમાં છે. પુસ્તકોને પુંઠા ચઢાવતા ને ગોઠવતા એમાંથી વાંચનની ટેવ પડી છે, જેણે જીવનને ઊંડાણ બક્ષ્યું. ચિંતન-મર્મ-અધ્યાત્મથી ભરપૂર હાસ્ય. શાહબુદ્દીનભાઈ ગર્વથી કહી શકે છે, "શિક્ષણથી મેં હાસ્યને ગંભીર બનાવ્યું અને હાસ્યથી મેં શિક્ષણને હળવું બનાવ્યું છે. મારા માટે હાસ્ય જીવનનું સાધ્ય છે અને તેથી સ્વમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જવું પણ કક્ષાથી નીચે ન ઉતરવું -- એ સિદ્ધાંત મેં પાળ્યો છે." આવી સંસ્કૃતિનો અવિરત પ્રવાહ એમની શૈલીમાંથી નીતરતો રહ્યો છે, જેનું એક ઉદાહરણ એમની જ શૈલીમાં એક ખાસ પ્રસંગ દ્વારા અહીં રજૂ કરું છું:

વર્ષો પહેલાં ‘નચિકેતા’માં હરિવલ્લભ ભાયાણી સાહેબે લખેલો સુંદર પ્રસંગ- તેની વિગતો તો યાદ નથી પણ એક ઝાંખુ ચિત્ર સ્મૃતિમાં અંકિત થયેલું છે તે રજૂ કરવા પ્રયાસ કરું છું. તેનું નામ ગંધ ભંડારી હતું. એ મગધ સમ્રાટનો ભંડારી હતો. તેના પૂર્વજોએ અઢળક સંપત્તિ તેને વારસામાં સુપ્રત કરી હતી. ગંધ ભંડારીને ભોજનનો અનહદ શોખ હતો. તેણે તેના ભવ્ય મહાલય પાસે જ એક સુંદર ભોજનગૃહ તૈયાર કરાવ્યું હતું. આરસપહાણના એ શ્વેત મહાલયમાં એક ઝરુખો હતો. ત્યાં સિંહાસન જેવી બેઠક હતી, તેના પર કિનખાબની એ ગાદી પર ગંધ ભંડારી બેસતો. સામે સુવર્ણ થાળમાં દર પૂનમે બિરંજ પીરસવામાં આવતી. તજ, તમાલપત્ર, જાયફળ, જાવંત્રી, કેસર, બદામ, પિસ્તા, કાજુ, દ્રાક્ષ ન જાણે કેટલા તેજાના વપરાતા આ બિરંજમાં. દેશભરમાંથી આવેલા નિષ્ણાત રસોઈયાઓ દ્વારા આ બિરંજ તૈયાર થતી. દર પૂનમે ગંધભંડારીનો ભોજન વૈભવ નિહાળવા પાટલીપુત્રના નગરજનો ઊમટી પડતા!

આજે પૂનમ હતી, પાટલીપુત્રમાં વસતા રાઘવને ત્યાં તેનો મિત્ર ગોવિંદ મહેમાન હતો, રાઘવ તેને આગ્રહ કરી અહીં લઈ આવ્યો હતો, બંને ઝરુખાની પાસે જ ઊભા હતા. ગોવિંદે સફેદ આરસપહાણનો ઝરુખો જોયો. ગંધ ભંડારીના સુંદર શરીર પરના રેશમી વસ્ત્રો જોયા, સુવર્ણના હીરાજડિત આભૂષણોમાંથી પ્રકાશને પરાવર્ત કરતાં રંગબેરંગી કિરણો જોયા અને એમાં જ્યારે સુવર્ણના થાળમાં બિરંજ પીરસાણી અને તેની માદક સુગંધ વાતાવરણમાં પ્રસરી. એ સુગંધનો આસ્વાદ લેતા જ ગોવિંદ સૂધબૂધ ગુમાવી બેઠો. ગોવિંદ બાવરો બની ગયો. તેણે કહ્યું : ‘રઘુ, મારે આ બિરંજ ખાવી છે. મારે તેનો સ્વાદ લેવો છે. મને બિરંજ નહીં મળે તો હું નહીં જીવું.’ રાઘવે ગંધ ભંડારીને વિનંતી કરી, ‘આપ મારા મિત્રને થોડી બિરંજ આપો નહીંતર એ પાગલ થઈ જશે.’ ગંધ ભંડારીએ બંનેને ભોજનગૃહમાં બોલાવ્યા. તેણે ગોવિંદને કહ્યું, ‘જો યુવાન, બાર વર્ષ સુધી આ ભોજનગૃહમાં તારે સેવક તરીકે સેવા કરવી પડશે. તમામ કાર્યો કરવા પડશે. ત્યાર પછી આજ રીતે પૂનમની રાતે મારા જ પોશાકમાં મારા આભૂષણોમાં સજ્જ થઈ મારા જ આસન પર બેસી તું આ ભોજનનો આસ્વાદ માણી શકીશ. બોલ છે તૈયારી ?’

ગોવિંદે ગંધ ભંડારીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. બીજા દિવસથી એ કામે ચડી ગયો. ભોજનગૃહ સાફ કરવું, પોતા મારવા, વાસણ ઉટકવા, આગળનાં મેદાનમાં સંજવારી કાઢવી, રસોઈ તૈયાર કરવામાં મદદ કરવી. ગોવિંદ તનતોડ મહેનત કરતો એક જ આશાએ કે ગંધ ભંડારી જેમ જ ભોજન કરવાની, બિરંજ આરોગવાની. દિવસો વિતતા ગયા. જોતજોતામાં બાર વર્ષ પૂરાં થઈ ગયા. સમગ્ર પાટલીપુત્રમાં જાણ થઈ ગઈ. આખું પાટલીપુત્ર ઊમટી પડ્યું. ગોવિંદને રેશમી વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. મહામૂલા આભૂષણોથી તેનો દેહ શણગારવામાં આવ્યો. સ્નાનપૂત શરીર પર રેશમી વસ્ત્રોમાં સજ્જ થયેલ મૂલ્યવાન આભૂષણોમાં શોભતા ગોવિંદને જોઈ તેના મિત્ર રઘુના આનંદનો પાર ન રહ્યો.

ગોવિંદે સ્થાન સંભાળ્યું. સુવર્ણનો થાળ તેની આગળ મૂકવામાં આવ્યો અને બિરંજ પીરસવામાં આવી. જે સુગંધે બાર વર્ષ પહેલાં તેને બાવરો બનાવ્યો હતો એ જ સુગંધ ગોવિંદે પારખી. ગોવિંદ બિરંજ સામું જોઈ રહ્યો. ત્યાં અચાનક માનવમેદનીમાંથી એક બૌદ્ધ ભિખ્ખુ આગળ આવ્યા. પોતાનું ભિક્ષાપાત્ર ગોવિંદ સામે ધરી બોલ્યા, ‘ભિક્ષાંન્ દેહિ’ ગોવિંદ એક પણ ક્ષણના વિલંબ વગર ઊભો થયો અને બધી બિરંજ બૌદ્ધ ભિખ્ખુના ભિક્ષા પાત્રમાં ઓરાવી દીધી. વિશાળ માનવમેદની સ્તબ્ધ થઈ ગઈ. એક સન્નાટો માનવ સમુદાયમાં છવાઈ ગયો. લોકો ભાન ભૂલી ગયા. થોડા સમય પછી ગોવિંદના જયજયકારથી વાતાવરણ ભરાઈ ગયું. ગોવિંદના ચહેરા પર ત્યાગની પ્રસન્નતા હતી. એ પોતાના સ્થાન પરથી નીચે ઉતર્યો. ગંધ ભંડારી ગોવિંદને ભેટી પડ્યો અને કહ્યું : ‘અઢળક સંપત્તિ હોવા છતાં હું જે ન કરી શક્યો તે તેં કરી બતાવ્યું. હું તને મારી સાથે જ સમગ્ર જીવન આ ભોજન વૈભવનો અધિકાર આપું છું.’

સમ્રાટને આ ખબર પડી. તેમણે ગોવિંદનું અભિવાદન કર્યું. સન્માન કર્યું અને રાજ દરબારે સ્થાન આપ્યું. આનું નામ સંસ્કૃતિ. અને આવી જ સાંસ્કૃતિક વાતો એમની શૈલીનું મુખ્ય આકર્ષણ બની રહી છે. એમના કોઈ પણ કાર્યક્રમમાં નાના ભૂલકાઓ પણ જેવું શાહબુદ્દીનભાઈ બોલવાનું શરુ કરે એટલે સ્વયંભૂ ટપોટપ બેસીને શાંતિ અને શિસ્તથી ધ્યાનસ્થ થઇ સાંભળે! આ એમની ધ્યાનાકર્ષક વાણીછટા રહી છે.

એક બીજો પ્રસંગ કહું:

૧૯૭૧માં મુંબઈના બિરલા માતુશ્રી સભાગૃહમાં લોકડાયરો હતો, પ્રેક્ષકોમાં કલ્યાણજીભાઈ, સી. ટી. ચૂડગર, સવિતાદીદી અને બાબુલાલ મેઘજી શાહ જેવા માણસો તથા સ્ટેજ ઉપર લાખાભાઈ ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દીવાળીબેન ભીલ, નાનજીભાઈ મીસ્ત્રી અને હાજી રમકડુ જેવા કલાકારો સાથે શાહબુદ્દીન રાઠોડ પણ હતા, અગત્યની વાત એ હતી કે શાહબુદ્દીન રાઠોડનાં ભાવિ સસરા પોતાની પુત્રી સાથે મુરતિયાને જોવા તથા સાંભળવા માટે ઓડીયન્સમાં બેઠા હતા, આવા માહોલમાં શાહબુદ્દીન રાઠોડને મુંબઈમાં પોતાનો પ્રથમ કાર્યક્રમ આપવાનો હતો!!

કલાકારનાં મનમાં ખુબ મથામણ હતી કે સૌરાષ્ટ્રમાં તો છેલ્લા બે વરસથી લોકો સાંભળે છે પણ મુંબઈમાં મારી દેશી ભાષા અને ગામઠી વાતો ચાલશે કે નહી ? ત્યાં નામ જાહેર થયુ ને ‘વનેચંદનો વરઘોડો’ શરૂ થયો, લોકો ઉલળી-ઉલળીને હસવા લાગ્યા, પ્રેક્ષકોમાં એક યુવાન તો એટલો બધો ખુશ થાય કે ઉભો થઈને તાલીઓ વગાડી દાદ આપે, આ યુવાનનું નામ રમેશ મહેતા, આ શાહબુદ્દીન રાઠોડ અને રમેશ મહેતાની પ્રથમ મુલાકાત. ૧૯૭૧નાં આ કાર્યક્રમથી શાહબુદ્દીન રાઠોડને સાબીરાબેન જેવી પત્ની મળી, રમેશ મહેતા જેવો મિત્ર મળ્યો અને જગતને શાહબુદ્દીન રાઠોડ જેવો કલાકાર મળ્યો.

શાહબુદ્દીનભાઈ ફેલ્ટ/હેટ પહેરવાના શોખીન છે, હસતા હસતા કહે, "એમાં બે લાભ છે, વટ તો પડે જ પણ મોટી થતી ટાલ સંતાડી પણ શકાય!" માત્ર પેન્સિલથી, એક માત્ર રંગથી, એક્રેલીકથી, સુંદર ચિત્રો દોરવા તે તેમનો અંગત શોખ છે. જીવનની સુંદર ક્ષણોની અભિવ્યક્તિ એ ચિત્ર છે. તેથી નિજી મૂડમાં હું પીંછી પકડું છું.

અને છેલ્લે, સંસ્કૃતિનો પરિચય આપતું વ્યક્તિત્વ:

"શાળામાંથી નિવૃત્તિ સમયે વસવસો રહેતો હતો કે ડોનેશન ભેગું કરી મારા થાનમાં ગર્લ્સ હાઈસ્કૂલનું મકાન તો બનાવી શક્યો, પણ બે વર્ગોમાં દીકરીઓ માટે નવી બેન્ચ ન અપાવી શક્યો!!" હળવદના સોનલ રાવલ દુબઈ છે, એમનો ફોન આવ્યો કે કાર્યક્રમ આપવા આવો તો કહેવાઈ ગયું કે "બાવન હજાર ડોનેશન આપો તો આવું!!" દુબઈથી આવી સ્કૂલે બે ખટારામાં નવી બેન્ચ મોકલી ત્યારે આઠમા ધોરણની દીકરીયું હર્ષોલ્લાસ કરતી ખટારામાં ચડી જે હોંશથી બેન્ચ ઉતારવા લડી કે ના પૂછો વાત. જીવનમાં એટલો સંતોષ ક્યારેય નથી મળ્યો અને હવે જોતો ય નથી." આટલું બોલ્યા પછી એ દિવસે શાહબુદ્દીન રાઠોડ વધુ કંઈ ન બોલી શકયા. અને મારી કલમ પણ હવે વધુ કંઈ એમના વિષે લખી નહિ શકે...!! એ પણ એની હદ જાણે જ છે અને આવી મહાન હસ્તી સામે શાંતિથી મારા ખિસ્સામાં સરી જાય એમાંજ એની ભલાઈ છે!
("મુઠ્ઠી ઉંચેરા ૧૦૦ માનવરત્નો")
[પાછળ]     [ટોચ]