[પાછળ] 
ગુજરાતી ભાષા પૂરી કે અધુરી?
લેખકઃ રેવરન્ડ જોસેફ વાન સામરન ટેલર

(ગુજરાતમાં આવી દલપતરામ અને બહેરામજી મલબારીના અંગત મિત્ર બનેલા ખ્રિસ્તી પાદરી જોસેફ ટેલરે ૧૯મી સદીમાં લખેલું ગુજરાતી વ્યાકરણ ઘણું લોકપ્રિય બન્યું હતું. અત્રે એ પુસ્તક ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ની ઈ.સ.૧૮૬૮માં છપાયેલી બીજી આવૃત્તિના પૃષ્ઠ ૨૩૧-૨૩૪નું કેટલુંક લખાણ યથાવત ઉધૃત કરાયું છે.)

સંસ્કૃતની સહુ દીકરીઓ, કુળવંતી કન્યાની પેઠે, અકેક પોતાના ઘરની રીતિ પાળતાં પોતાની માતાનું સ્મરણ કરતી રહી. તેમના બધાના ઘરમાં સંસ્કૃતના અભ્યાસ કરનારને માન મળતું આવ્યું. વળી, સંસ્કૃત, ધનવંતી અને માયાળુ માતાની પેઠે દીકરીઓમાં જે કંઈ ન્યૂનતા હોય તે પૂરી કરતી આવી છે. માટે એવું બન્યું છે, કે વિકાર પામેલા અપભ્રંશ શબ્દોની સાથે, મૂળ ભાષાના ઘણા શબ્દ વિકાર વિના પેહલાંથી જ ચાલતા આવ્યા છે ; એટલું જ નહિ, પણ સંસ્કૃતના અખૂટ ભંડારમાંથી ખપ પ્રમાણે બીજા ઘણા શબ્દો લેવામાં આવે છે.

ગુજરાતીમાં પરભાષાનો ભેળ છે. બધી ભાષામાં કંઈ કંઈ તો ભેળ હોય છે, એટલે, એવા શબ્દો અને રૂઢિઓ, કે જે પરભાષાથી આવેલાં છે. ભેળના કારણ અનેક છે, - ભિન્ન ભિન્ન ભાષાના લોકોનો સહવાસ, તેમની વચ્ચે વ્યાપાર, એકના ઉપર બીજાના રાજ્યાધિકાર, એક બીજાની પાસેથી વિદ્યા, કળા અને ધર્મનો બોધ, એવાં અનેક કારણથી બધી ભાષામાં કંઈ કંઈનો વિકાર થાય છે. એવો ભેળ કેાઈ વેળા ગુણ, કોઈ વેળા અવગુણ કરે છે. સ્વભાષાના અને પરભાષાના શબ્દોમાં એટલો ફેર હોય છે, કે જે સ્વભાષાના છે તે જથાવાળાના હોય છે ; તેમના અર્થના વિવિધ વિસ્તાર, અને તેમનું ખરું ધોરણ, વહેલું અને શેહલું જાણવામાં આવે છે. પણ પરભાષાના શબ્દો, દેશમાં સગા વિનાના પરદેશી જેવા, જથા રહિત રહે છે. તેઓ એકલા રહી પોતાના અધિકાર ચલાવે છે, અને, ઘણું કરીને, કોઈ કાળ પછી પડી જાય છે. સ્વભાષાના શબ્દો વધારે વાર ટકે છે.

૧) ધાર્યામાં આવે છે કે આર્ય પ્રજા ભરતખંડમાં આવી તેથી પેહલાં કોઈ અનાર્ય લોક આવ્યા હતા. દ્રાવિડમાં અનાર્ય ભાષા-કાનડી, તૈલિંગી, તામલ, મલિઆલં, તુલુ, અને સિલોનમાં સિંગલી ચાલે છે. એ વર્ગની ભાષા મૂળ-દેશી કહેવાય છે. એની કેાઈ ભેળ ઉત્તર હિંદુસ્થાનનાં પ્રાકૃતોમાં હોય એટલુંજ નહિ, સંસ્કૃતમાં પણ હોય, એવું કોઈ લોક ધારે છે; પણ એનો પુરો શોધ અજી થયો નથી. ઈતિહાસ રહિત, જુના કેાઈ પણ લેખરહિત, કેવળ અટકળ ઉપરજ વાત રહે છે. મને તો દ્રાવિડીનો કંઈ ભેળ ગુજરાતીમાં નિશ્ચય જણાતો નથી. જે દ્રાવિડી નહિ એવી કેાઈ અનાર્ય ભાષા પુરાતનકાળ ભરતખંડમાં ચાલતી કે નહિ, એ વિષે મત કાચા અટકળ ઉપર જ હજી છે.

૨) આશરે બે હજાર વર્ષ થયાં, શાક કે શાકી લોક આ દેશમાં આવ્યા હતા, અને તેઓએ કોઈ સત્તા ચલાવી હતી એવું દેખાય છે. તેમને મારી કાહાડ્યાથી વિક્રમ રાજાની કીર્તિ બહુ થઈ, અને તેમના માર્યાના વર્ષથી શક ચાલે છે. હવે, આ લોક ઘણા કે થોડા, તેમના આ દેશમાં રહ્યાનો કાળ લાંબો કે ટુંકો, એ નિશ્ચય જણાતું નથી. તેમને માર્યાથી દેશમાં શક ચાલ્યો, એ ઉપર અટકળ બાંધીયે, તો દેખાય કે તેમનું બળ કંઈ થોડું નહિ હશે. તેમની ભાષા આર્ય કે અનાર્ય હતી એ પણ કેહેવાતું નથી. તેમની ભાષાની અસર પ્રાકૃત ભાષામાં કંઈ રહી હોય, પણ નિશ્ચયથી કહેવાતું નથી.

૩) આલેકસાંદર, માસિદનના રાજાએ આ દેશમાં ચડાઈ કીધી (ખ્રી. પૂ. ૩૨૭), તે વર્ષથી કેટલાએક સૈકા સુધી ગ્રીક લોકોની આવજા હતી, અને કદાચ, કોઈ વેળા સત્તા પણ ચાલી હશે. પણ ગ્રીક ભાષા અનાર્ય નથી, અને આ લોકોના કોઈ જથ્થાએ આ દેશમાં રહિને અને હિંદુમાં ભળી જઈને, પોતાની ભાષાની કંઈ અસર થાય એવું કર્યું, એ નથી જણાતું. જ્યોતિશ્શાસ્ત્રમાં કોઈ ગ્રીક શબ્દ છે ખરા પણ તેઓ સાધારણે ચાલ્યા નહિ.

૪) મુસલમાન આ દેશમાં આવ્યા અને પોતાની સત્તા ચલાવી તેથી પ્રાકૃત ભાષા ઉપર જે પરિણામ લાગ્યો, તે બધાને પ્રત્યક્ષ છે.

ગુજરાતીમાં ફારસી અરબીની અસર અનેક દ્વારે થઈ. મુસલમાનના રાજ્યથી, અને અધિકારીઓની સાથે દીલ્લીની ગમથી આવેલા મુસલમાન સીપાઈઓથી, પછી દેશમાં જે મુસલમાન થયા તેથી, વળી વોરા આદિક વેપારી તથા રયતથી, એવાં એવાં દ્વારાથી ફારશી અને અરબી શબ્દો ગુજરાતીમાં ઘણા આવ્યા. એમની સાથે પારસી લોક ગણાય; કેમકે, જો તેઓ ધર્મ વિષે મુસલમાનોના વિરોધી છે, તો પણ તેમની મૂળભાષા ફારસી હતી, માટે તેઓમાં જે ભાષા ચાલી તેની વળગણ મુસલમાનોની ભાષાની સાથે રહી. આ ભેળથી ભાષામાં કોઈ શબ્દ વધ્યા ખરા, પણ મનના ઊંડા વિચારોની, અને વિવેકના વિવિધ વિસ્તાર કહી જણાવવાની નવી સામગ્રી આવી નહિ. એનું કારણ એ છે, કે આ દેશમાં આવેલા મુસલમાન હિંદુ કરતાં વિદ્વાન ન હતા, અને ઊંડા વિચાર ચલાવાના અભ્યાસમાં હિંદુ કરતાં કંઈ પોંહચેલા ન હતા. ભિન્ન શબ્દોની સાથે, વિવેકના અને વિદ્યાના ભિન્ન વિચાર તેઓએ ચલાવ્યા હોત, તો ભાષામાં ગુણ કરયો હોત.

૫) યુરોપના લોક આફ્રિકાને દક્ષિણ છેડે થઈને હિંદુસ્થાનમાં આવવા લાગ્યા, તે દિવસથી બધી દેશી ભાષાઓમાં તેમની કંઈ કંઈ અસર લાગી, ગુજરાતીમાં પોર્ટુગીજના કેટલાએક શબ્દ ચાલે છે ; જેમકે – પાદરી, ગારદી, મેજ, તબેલા, ચાવી, પગાર, પોમ=રોટલી.

વિવિધ પ્રકારના ઈંગ્રેજી શબ્દ વપરાય છે ; – રાજકારભારના – ગવર્નર, કલેક્ટર, જજ, પોલીસ, સુપ્રિંટેંડેંટ, ઈત્યાદિ ; વિદ્યાખાતાના – બુક, સ્કૂલ, માસ્તર, મોનિટર, ફી, બેંચ, ક્લાસ, ઈત્યાદિ ; રેલવે ખાતાના એંજીન, રેલ, કારજ, ટીકેટ, પાસેંજર, સ્લીપર (સલીપાટ), ઈત્યાદિ; પછી, વેપારના પદાર્થના ઘણા શબ્દ. પરદેશમાંથી આવેલા પદાર્થનું, તે દેશમાં તેનું જે નામ હોય, તેજ ઘણું કરીને બીજા દેશમાં ચાલે છે.

ગુજરાતી પૂરી કે અધુરી, એ વિષે વિવાદ કોઈ વેળા સાંભળવામાં આવે છે. કેહવત છે કે, યથા તથા પ્રજા ; યથા ગુરુ તથા શિષ્ય ; એમજ કહેવાય કે, યથા ભાષક તથા ભાષા ; જેવો બોલનાર તેવી બોલી. સામળ ભટાદિક કવિઓ, પોતાના મનના વિવિધ વિચાર બોલતાં, ગુજરાતી અધુરી છે એવું જાણીને અટક્યા એવું જણાતું નથી ; પણ નવા જુના શબ્દની ગોઠવણીમાં પોતાનો વિવેક એવા પ્રગટાવ્યો કે તેમનું કહેલું ભાષામાં ચાલ્યું.

એક વિષયમાં તો બધી ભાષા અધુરીઓ છે, માણસની ટુંકી સમજણમાં નહિ આવે એવી વાતો, - એટલે ઈશ્વર વિષે કે અપારતા વિષે વાત કરિયે, તો બધી ભાષા અધુરીઓ છે. માણસની બુદ્ધિને આશ્રયે ભાષા ચાલે છે. માટે જ્યારે બુદ્ધિ ટુંકી પડે છે, ત્યારે ભાષા અધુરી હોય છે. ભાષાનો સાધારણ નિયમ એ છે કે લોકોના મનમાં જેવા વિચાર ભરેલા છે, તેવા જ તેમની ભાષામાં બોલાય છે. જો લોક વિવેકી તો તેમની વાચા વિવેકે ભરેલી ; જો લોક મૂઢ, તો વાચા તેમના જેવીજ. અંગ્રેજીમાં કહેવત છે કે, મૂઢ સુથાર વાંસલા વિધણાનો વાંક કાહાડે; ભાષાનો દોશ ઠરાવનાર કોઈ વેળા એવા હોય છે. જે વિદ્યાર્થીઓના હાથમાં ઈંગ્રેજી ભાષાનું અને તેની સાથે ઈંગ્રેજી વિદ્યાનું કંઈ આવ્યું છે, તેમને ગુજરાતી ભાષા અધુરી જેવી લાગતી હોય ; કેમકે ઈંગ્રેજીમાંથી ભાષાંતર કરવું કઠણ છે. એમાં વાંક ભાષાનો નહિ, પણ લોકેાનો છે. નવો શબ્દ, નવો વિષય, ભાષાનું કંઈ નવું વળણ, વાપરિયે, તો વિવેકથી સમજી લેવાનો અભ્યાસ લોકોમાં નથી, માટે બોલનાર અટકે છે; કેમકે બેહેરાની આગળ ગાતાં છાતી કેમ ચાલે વારું ? અને જ્યાં લગી લોક સારૂં નરશું, નવું જૂનું પરખી મુલ્ય ઠરાવી નથી શકાતી ત્યાં લગી લખનારનો વિવેક કેમ પ્રફુલ્લિત થાય ?

ઈંગ્રેજીમાંથી ભાષાંતર કરનારામાંના કોઈ એવું ધારતા દેખાય છે, કે અમે તો માના દૂધની સાથે ગુજરાતી ભાષાનું જ્ઞાન ધાવ્યા, અને અંગ્રેજી શીખ્યા છિયે, માટે સાક્ષાત દ્વિભાષી બની ગયા, ગુજરાતીનો અભ્યાસ શા વાસ્તે કરવો. પણ પરભાષાના સંપાદનના શ્રમ કરતાં, સ્વભાષામાં પ્રવીણતા મેળવવાનો આયાસ અધિક છે. સામળાદિક ગુજરાતી કવિઓના ગ્રંથમાં જુઓ, તુકે તુકે આયાસના પ્રમાણ દેખાય છે. મનોયત્ન કર્યા પૂર્વે, ગુજરાતી કાચી દેખાય, પણ પછી ખરી પાકી જણાશે. યત્નકારી અધુરો તો તેની ભાષા પણ અધુરી; પણ જો વાપરનારના યત્ન સંપૂર્ણ, તો ગુજરાતી પણ સંપૂર્ણ, હા, સંણગારેલી પણ દેખાય. ગુજરાતી, - આર્યકુલની, – સંસ્કૃતની પુત્રી, - ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી ! તેને કોણ કદી અધમ કહે ?

પ્રભુ એને આશીર્વાદ દેજો. જુગના અંત લગી એની વાણીમાં સતવિદ્યા, સદ્‌જ્ઞાન, સદ્ધર્મનો સુબોધ હોજો અને પ્રભુ - કર્તા, ત્રાતા, શોધક, એનું વખાણ સદા સુણાવજો.
[પાછળ]     [ટોચ]