[પાછળ]
મુંબઈથી અવાય... પણ ત્યાં જવાય નહિ!
લેખકઃ અશોક દવે

હા! કઈ કમાણી ઉપર મુંબઈવાળાઓ આપણા ગુજરાતની ગરમીને ગાળો દીધે રાખે છે? ‘ભા’આય... તમારા અમદાવાદની ગરમીયું તો શહન જ નો થાય...! અમે મુંબઈવારા તો મરી જ રંઈ..!

તારી ભલી થાય ચમના... તારા મુંબઈની ગરમીમાં તો કેમ જાણે બધા ગરમ ધાબળા પહેરીને ફરતા હશે! ઇટ્‌સ ઓકે કે... છાપામાં અમદાવાદની ગરમીનો આંકડો ૪૪ કે ૪૬ જેટલો વાંચીને મુંબઈવાળા ત્યાં બેઠા બેઠા પરસેવો લૂછતા માંડે, પણ ગુજરાતની સૂકી ગરમી કમ-સે-કમ સહન તો થાય એવી છે! ઘર કે ઓફિસમાં બેઠા હો પછી બહાર ભલેને ગરમીનો આંકડો ૪૮નો હોય... તમે સેઈફ! ત્યાં મુંબઈમાં તમે તમારું ઘર કે રેલવેનું એન્જીન ચલાવતા હો, પરસેવો સરખો જ થાય. ત્યાંના પરસેવા કોઈએ જોયા છે? નહાતા-નહાતા બાથરૂમમાં પરસેવા નીકળે. પરસેવે પરસેવે રેબઝેબ બેઠાબેઠા થાકી જાઓ. ચાર પગલાં ચાલીએ એમાં આખા શરીરે પસીનો-પસીનો થઈ જાય. ગુજરાતમાં તો રીંછોને ય પરસેવા થતા નથી..!

ગયા વીકમાં હું અઠવાડિયા માટે મુંબઈ ગયો, એ જોયા પછી નક્કી થઈ ગયું કે, હવે મૃત્યુ આવશે, એ વસમું નહિ લાગે. હું ભલભલા દુઃખો સહન કરી જઈશ. ગમે તેમ તો ય, મેં મુંબઈમાં પરસેવા પાડ્યા છે, ત્યાંની ટ્રેનોમાં એક હાથ અને એક ઢીંચણ ઊંચો રાખીને ઉલ્ફત-બુલ્ફતની નહિ, કાંદિવલી-બાન્દ્રાની મંઝિલો તય કરી છે. ટ્રેનોની બેફામ ભીડોને કારણે ભૂલમાં મેં બાજુમાં ઊભેલાની બોચીના પરસેવા ય લૂછ્‌યા છે... મારા રૂમાલથી!

મેં મુંબઈની ટ્રેનોમાં સફર કરી છે,
મને પાનખરની બીક ના બતાવો.

મુંબઈની એક વાર મુલાકાત લઈ ચૂકેલો ગુજરાતનો કોઈ પ્રેમાળ પિતા પોતાની દીકરીને મુંબઈ ન પરણાવે. તો બીજી બાજુ, ઘરમાં વહુ તો મુંબઈની જ લવાય. આઠ ઘાટણ, અગિયાર મારવાડણ, છવ્વીસ પંજાબણ અને ત્રણ કાયળી હબસણો ભાંગીને મુંબઈની એક ગુજરાતી છોકરી બને છે. આટલા સ્ટ્રોંગ તો હવે મરદો ય નથી થતા. મુંબઈની ગરમી પાર કરી ચૂકેલી, ઇવન કાણી-બોબડી ગુજરાતી છોકરીને પરણવામાં ય કોઈ વાંધો નહિ. જે છોકરી મુંબઈની ગરમી સહન કરી ગઈ છે એનું, આમ ધક્કો મારીએ તોય પડી જાય એવી આપણી હાંઠીકડા જેવી ગુજરાતી સાસુઓ શું બગાડી લેવાની છે? મુંબઈમાં પરોઢીયે ચાર વાગે તો લાઈફો શરૂ થઈ જાય છે. ગામની ગોરીઓ નહોતી ભરતી એટલાં પાણીડાં મુંબઈની ગુજરાતણો સવારના ચાર વાગ્યામાં ભરવા માંડે છે. દસ-બાય-દસ ફૂટની ઓરડીમાં એ તાજમહલ હોટેલમાં ઉતરી હોય, એવા ઠાઠથી રહી હોય છે. મુંબઈની બસો અને પરાંની ટ્રેનોમાં જે શક્તિશાળી મહિલા રોજ આવજા કરતી હોય, એને અમદાવાદનું કોક કૂતરું કઈડે, તો કૂતરાનાં દાંત મહીંથી વળી જાય, એવી જાડી ચામડીની એ થઈ ગઈઓ હોય. એનું ૭૮.૫૬ ટકા જીવન ટ્રેનના ડબ્બામાં પસાર થયું હોવાથી, મુંબઈથી ગુજરાતમાં ફિટ કરાવેલી વહુ, ઘરમાં ટારઝન ઝાડો ઉપર ફરતો હોય એટલી સાહજીકતાથી હરીફરી શકે છે. મુંબઈની હરામજાદી ગરમી સહન કરી ગઈ હોવાથી આવી ગુજરાતી કન્યાને અગ્નિ બાળી શકતો નથી, દરિયો ડુબાડી શકતો નથી, કાગડાઓ ચાંચ મારી શકતા નથી અને સાસુડી હાથ અડાડી શકતી નથી.

કોક મને પૂછતું કે, આખા વર્લ્ડમાં તમારું સૌથી વઘુ ફૅવરિટ સ્થળ કયું? તો હું, બહુ વાગે એવું ના હોય એવા ટેબલ પર હાથ પછાડીને કહેતો, ‘રહેવા માટે અમદાવાદ અને ફરવા માટે મુંબઈ.’ (આમાં પાછું, વર્લ્ડમાં ને ખાસ ક્યાંય ફરેલો-બરેલો ન સમજવો, પણ વાત વર્લ્ડની પૂછાણી હોય, એટલે જવાબ દેવામાં થોડા સોટા પડે!)

પણ એ તો આપણી બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મોના જમાનાનું મુંબઈ. હું ૧૯૬૪માં પહેલીવાર મુંબઈ ગયો, ત્યારે એકમાત્ર આકર્ષણ બે માળની બસ જોવાનું હતું. એક બસ ઉપર બીજી બસ ચડી ગઈ હોય, એ ચાલે ખરી ? એ કૌતુક.

બીજું, હું બ્રાહ્મણનો દીકરો હોવાથી રાજા-મહારાજા બનવાના ચાન્સ નથી (એનાથી તદ્દન ઊલટા થવાના ચાન્સો આજેય પડ્યા છે, જે હું વાપરતો નથી!) પણ જૂની શહેનશાહી ફિલ્મો જોયેલી, એટલે એટલી ખબર કે રાજાઓની સવારી બે ઘોડાની બગીમાં નીકળે. મુંબઈમાં એ ચાન્સ મારા જેવાઓને પણ મળતો... મુંબઈ સેન્ટ્રલથી સી.પી. ટેન્ક જવાના ફક્ત છ આના (રૂા. ૦.૩૬ નવા પૈસા) આટલા ભાડામાં રસ્તામાં ટ્રામ પણ જોવા મળતી નથી.

બચપણથી મને ઘોડાગાડીવાળો થવાનો શોખ. ઇવન, આજે પણ સવારે છ પહેલા મને જુઓ તો સ્ટેશન પર કોક ઘોડાગાડીવાળો સૂતો હોય, એવો આબેહૂબ લાગું છું. પણ કહેવાય છે ને કે ભિખારીને, ‘‘માંગ, માંગ, માંગે તે આપું’ વાળી ઑફર મળે તો એમ જ કહે, ‘મને સોનાનો વાડકો આપો.’

મારો ટેસ્ટ પણ એ લોકોથી બહુ ઊંચો નહોતો. આમ દવે સાહેબ લખનૌના નવાબોવાળી ઘોડાગાડીમાં બેઠા હતા. (ફાધરે મને પકડી રાખ્યો હતો, કે કુંવર હેઠા પડી ન જાય!) ને આમ મારું ઘ્યાન બે માળની બસ જોવા પૂરતું જ અર્જૂનીયું. એ સપનું મુંબઈ ગયા પછી જ જોઈ રાખ્યું હતું કે, મોટો થઈને સારું ભણીગણીને બે માળની બસનો ડ્રાઈવર થઈશ.

મુંબઈમાં આમે ય જીવન બસના ડ્રાઈવર કે ઘોડાગાડીવાળા જેવું જીવવાનું છે, શાન-ઓ-શૌકતવાળું, તો હમણાં કહું એ...! એક સરખામણી તો કરી જુઓ, અમદાવાદ, રાજકોટ, સુરત કે વડોદરા સાથે! આખા શહેરમાં તમારી બાજુમાં કોણ બેસે છે કે આવતા-જતા કેવા માણસો તમને ભટકાય છે, એ બિલકુલ તમારા હાથમાં છે. મુંબઈની ટ્રેનોમાં કે રસ્તાઓ ઉપર આમને-સામને તો કોઈ બી ધોન્ડુ-પાન્ડુ કે ગાન્ડુ આવી શકે છે. ધોધમાર ટ્રાફિક કે ટાઈમ બચાવવા માટે, ડ્રાયવર સાથેની BMWમાં બેસનારાને ય ટ્રેનમાં બેસવું પડે છે. એ વખતે મુંબઈનું કાંય નક્કી નહિ કે, BMW વાળાની બાજુમાં ગંધ મારતો ઠેલાવાળો કે દેસી થર્રો કે બીડી પી ને આયેલો ટપોરી ય બેસી જાય, તો સગો ભાઈ સમજીને એની બાજુમાં બેસવું પડે. (Beggars have no choices !) ગુજરાતના એકે ય શહેરમાં તમારે આવી લાચારી ભોગવવી પડતી નથી. જુઓ, તમારા કારણે કોઈ ગરીબ બન્યું નથી, એટલે ઝુંપડપટ્ટીવાળાઓની દયા ખાવી જ પડે એવું કોઈ મૅન્યુઅલમાં લખ્યું નથી. બદસૂરતી, ઝૂંપડપટ્ટી, બિમારી કે ખંડેરો જોવા તમને ના ગમતા હોય, તો ભગવાન તમારી બોચી ઝાલવાનો નથી. પણ મુંબઈમાં ઘરની બહાર નીકળો એટલે ઝૂંપડપટ્ટીઓ તો જાણે તમે બંધાવી હોય, એટલી રૅગ્યુલર જોવી પડે. ગમે તેવા માણસોને અથડાવું-ભટકાવું પડે... ગુજરાતના શહેરોમાં અથડાવા-કૂટાવા માટેના માણસોની પસંદગી પણ તમને મળી રહે છે.

... અને સૌથી મોટી વાત. સાલું, ગુજરાતીઓના જ પૈસે મુંબઈ સમૃદ્ધ થયું છે, ગુજરાતીઓ જ મરાઠીઓને અઢળક રોજગારી આપે છે, છતાં ગુજરાતીઓને મરાઠી-માણુસની દયા ઉપર જીવવું પડે છે... આપણા જ દેશમાં આપણે હડઘૂત...! હજી પાકિસ્તાનના ય કોઈ શહેરમાં કોઈએ ગુજરાતી બોર્ડ ઉતરાવી લીધા નથી, પણ મુંબઈના સ્ટેશનો પરથી પરાંના નામોના પાટીયા ઉપર ગુજરાતી નામ દાઝ રાખીને કઢાવી નાંખ્યા છે. આખા ગુજરાતમાં કોઈ એક કિસ્સો તો બતાવો કે, ગુજરાતમાં વસતા મરાઠીઓ કે બહારની કોઈ પણ વ્યક્તિને ગુજરાતીઓએ કદી પણ જુદા ગણ્યા હોય!
(Source: https://ashok-dave.blogspot.com/2011/06/blog-post_01.html)
[પાછળ]     [ટોચ]