[પાછળ]
ધન્ય ભટ્ટ ઝંડુ !
લેખકઃ રસૂલભાઈ એન. વહોરા

પ્રાચીન કાળમાં હિન્દમાં વૈદકશાસ્ત્ર ઘણું આગળ વધ્યું હતું. જે આયુર્વેદે વનસ્પતિના ગુણદોષનો બારીકાઈથી અભ્યાસ કર્યો છે, અને જે આયુર્વેદ આટલાં વર્ષોના પરદેશી આક્રમણ છતાં ટકી રહ્યો છે, તેનો પુનરુદ્ધાર કરવાનો કરવાને બદલે હિન્દ અને પરદેશની મેડિકલ કોલેજોમાં ભણેલો આપણો ડૉક્ટરવર્ગ આયુર્વેદને નકામો ગણી હસી કાઢતો થયો છે! આપણો ડૉક્ટરવર્ગ પોતાની વિદ્યાને ગરીબો પાસેથી પણ પૈસા કમાવાનું મોટું સાધન માને છે ને તેથી દવા પાછળ ગરીબ દેવામાં ડૂબી ઊલટા વધારે ને વધારે મૃત્યુમુખમાં પ્રવેશતા જાય છે. પરિણામે ધન અને પ્રાણ બન્ને હરતા વૈદ્ય કે ડૉક્ટર કેટલીક વખત માત્ર પ્રાણ હરતા યમરાજ કરતાં પણ વધારે ભયંકર લાગે છે.

દરદીને સાજા કર્યા વગર પાઈ લેવી એ કસાઈનું કામ છે એમ ગણનાર, પોતાની બાહોશી, પરોપકાર વૃત્તિ ને પ્રેમ વડે વૈદકના ધંધામાં ગુજરાતના ખૂણે ખૂણે નામના કરનાર, ઝુંડ જેવા વાળવાળા જામનગરના રાજવૈદ્ય કરુણાશંકર નીડરતાથી સત્યને કહેનાર તરીકે પંકાયા છે એટલું જ નહિ, પણ શ્રીમંત, ગરીબ, સૌને સરખે ભાવે દવા કરનાર, બીજાનાં માંદાં છોકરાંને પોતાનાં ગણનાર, પોતાને ખાતે લખાવી રસશાળામાંથી ગરીબોને દવા આપનાર, મળતી કીમતી ભેટો કેટલીય વાર પાછી વાળનાર અને આયુર્વેદના પ્રચાર કરવા પોતે શરૂ કરેલી આયુર્વેદ શાળા, પાઠશાળા ને રસશાળામાં ભણતા વિદ્યાથીઓને પણ ખર્ચ આપનાર ઝંડુ ભટ્ટજી રોગની પરીક્ષા કરવામાં સુખ્યાત હતા.

ડૉક્ટર કહે, ‘ભટ્ટજી, દરબાર સાહેબનું શું થશે?’
ભટ્ટજી કહે, ‘બે-એક દિવસ ભાગ્યે જ કાઢે.
‘શું? ઠાકોર સાહેબ નહિ જ જીવે?’
‘ના.’ ઠંડે પેટે ભટ્ટજીએ જવાબ દીધો.
‘મારી ફી? મારા રૂપિયા? ઠાકોર સાહેબ, મારે વેળાસર ઘેર જવાની જરૂર છે. મારી દેવાની ફી ચૂકવી આપો.’ ડૉક્ટરે માગણી કરી.
વઢવાણના ઠાકોર દાજીરાજે માંદગીને બિછાનેથી ડૉક્ટરની દવા અને સારવારના પૈસા ચૂકવી આપ્યા. દાજીરાજ કદરદાન હતા. એમણે ડૉક્ટરનું બિલ ચૂકવી આપ્યું કે તરત જ ભટ્ટજીને બોલાવ્યા.
‘ઝંડુ ભટ્ટ, આ દશ હજાર રૂપિયા લ્યો. કદાચ આ દેહ પડે ને દેવું રહી જાય.’
‘બાપુ, મારું દેવું? હું પૈસા લેવા નથી રહ્યો. આપની તબિયત સારી થશે ત્યારે આ૫ જે આપશે તે લઈશ.’
‘આ તો તમારી મહેનતનો બદલો. ઈનામ તો એક લાખ રૂપિયાનું તમારું બાકી છે.’
‘દરદીને સાજા કર્યા વગર પાઈ પણ લેવી હરામ છે. હું એવો કસાઈ નથી કે મરણપથારીએ પડેલા દરદીના પૈસા હોઇયાં કરી જાઉં.’

ધારણા પ્રમાણે બે જ દિવસમાં દાજીરાજ મૃત્યુ પામ્યા. ભટ્ટજી સ્મશાનમાંથી સીધા જામનગરને રસ્તે પડ્યા. પાછળથી દરબારમાં ખબર પડી કે ઝંડુ ભટ્ટ તો જામનગર જતા રહ્યા છે. ઠાકોરના દરબારમાંથી રૂપિયા બે હજારની હુંડી ઝંડુ ભટ્ટ ઉપર મોકલવામાં આવી. ભટ્ટજીએ હુંડી લીધી નહિ. રૂપિયા બે હજાર જતા કર્યા.

કોઈએ કહ્યું, ‘ભટ્ટજી, પૈસા લઈ લ્યો ને? દરબારના ઘરમાં શી ખોટ જવાની છે?’
ભટ્ટજી કહે, ‘તમે મને કસાઈ સમજતા હશો ? એક તો બિચારાના ઘરમાંથી માણસ ઓછું થયું, ને ઉપરથી પૈસા લેવાના? આ ઠીક ધંધો. પૈસાદાર કે ગરીબ મારે મન તો સૌ સરખા છે.’

આ ઝંડુ ભટ્ટ તે કોણ?

જેણે પોતાની બાહોશી, પરોપકાર અને પ્રેમ વડે વૈદકના ધંધામાં ગુજરાતને ખૂણે ખૂણે નામના કરી છે, તે ઝંડુ ભટ્ટનું મૂળ નામ કરુણાશંકરભાઈ હતું. કરુણા એટલે દયા. ખરેખર, એ નામ પ્રમાણે જ તેઓ ગુણવાળા હતા.

કાઠિયાવાડમાં જામનગર આવેલું છે. ત્યાંનાં કંકુ ને સૂડી વખણાય છે. એ નગરમાં પ્રશ્નોરા નાગરોની જ્ઞાતિમાં વિઠ્ઠલ ભટ્ટ થઈ ગયા. વિઠ્ઠલ ભટ્ટ કથાવાર્તા કહે, વૈદું પણ કરે. એમના વૈદકજ્ઞાન પર જામનગરના ઠાકોર સાહેબ ફીદા ફીદા થઈ ગયેલા. રણમલ જામે તો એમને રાજવૈદ કરી રાખેલા. ૬૦ કોરી એટલે પંદરેક રૂપિયાનો પગાર આપે. જમાના પ્રમાણે એ ઠીક કહેવાય.

વિઠ્ઠલ ભટ્ટ બીજી વખતે પોરબંદર પરણેલા. એમનાં પત્નીનું નામ સૂરજકુંવર. આ પતિ-પત્નીને પેટે પાંચ પુત્રો થયા: કરુણાશંકર, મણિશંકર, જટાશંકર, પોપટભાઈ અને વિશ્વનાથ. તેમાંના કરુણાશંકરનો જન્મ વિક્રમ સંવત ૧૮૮૭ના વૈશાખ સુદી પાંચમે (એટલે કે ઈ.સ. ૧૮૩૦માં) થયો હતો. એમના જન્મના જોષ જોતાં જોષીઓએ કહ્યું, કે ‘આ બાળકના ગ્રહ એવા છે કે એના ઘરમાં રોજ સવા શેર મીઠું વપરાશે.’

ઝંડુ ભટ્ટનું બાળપણ

પ્રથમ ખેાળાના પુત્ર એટલે ખૂબ માનતાઓ અને બાધાઓ રાખેલી. વાળની જટા પણ મોટી રાખેલી. ઝુંડ જેવા વાળ એટલે ઝંડુ નામ રાખ્યું હતું. બાળપણથી ઝંડુ રમવામાં ચંચળ ને ઉદાર હતા. માબાપ કંઈ ખાવાનું આપે તે દોસ્તદારોને વહેંચી આપે.

પિતા વિઠ્ઠલ ભટ્ટે પુત્રને વૈદકના ધંધાની કેટલીક ખૂબીઓ બતાવવા માંડી. ઝંડુના બાળપણના એક દોસ્ત. એમનું નામ બાપાભાઈ. ઝંડુ કરતાં એ સાત વર્ષ મોટા. બંને સાથે ભણે, સાથે રખડે. ખેતરોમાં જવું ને વગડામાં રખડવું એ એમના ધંધા. ન જોવી રાત કે ન જોવો દિવસ. જંગલમાં સાપને પકડે ને ગોળ ગોળ ફેરવે. ભૂતપ્રેતનો એમને ડર નહિ; જંગલી પ્રાણીઓનો તો એમને હિસાબ નહિ! ઝાડે ચઢે, નદીમાં તરે ને મજા કરે. આમ રખડવાથી બીક શું છે એને વિચાર જ એમને ન આવે. સ્વતંત્ર કુદરતનું શિક્ષણ!

માબાપ

જૂના જમાનાના ભટ્ટજી તરીકે વિઠ્ઠલ ભટ્ટની ખૂબ નામના હતી. એમણે શ્રીમદ્ ભાગવતની સારા રાગોમાં કવિતાઓ બનાવી હતી. એ કવિતાના પદ ભક્ત લોકો હોંશે હોંશે ગાતા. એમની કથા એટલે જાણે વરસતી મીઠાશ. સૌ કોઈને સાંભળવી ગમે. પિતા વિઠ્ઠલ ભટ્ટ જેવાં જ માતા સૂરજકુંવર પણ ઉદાર ને મીઠાબોલાં હતાં. માબાપના આ ગુણો બાળક ઝંડુમાં પણ ઉતર્યા.

વિઠ્ઠલ ભટ્ટ એ જામ સાહેબ રણમલજીના રાજવૈદ્ય; એટલે એમણે પુત્ર ઝંડુને પોતાના સહાયક વૈદ્ય તરીકે રાખ્યા. પગાર માત્ર ૨૫ કોરી – સવા છ રૂપિયા! ધીમે ધીમે વિઠ્ઠલ ભટ્ટે પોતાનો ભાર ૧૬-૧૭ વર્ષના જુવાન ઝંડુ ઉપર નાખ્યો. સંવત ૧૯૧૦માં માતા સૂરજકુંવરનો દેવવાસ થયો. ઝંડુ ભટ્ટે કુશળતાથી ઘરનો બધો કારભાર પોતાને માથે ઉઠાવી લીધો. વિઠ્ઠલ ભટ્ટ સંવત ૧૯૧૮માં માંદા પડ્યા. મંદવાડ ચાર માસ ચાલ્યો. મરણ પથારીએથી વિઠ્ઠલ ભટ્ટે ઝંડુને ત્રણ જણની ભલામણ કરી: ચકાભટ્ટ, ગગાભટ્ટ ને જેઠીબેન. પાછળથી ઝંડુએ એ ત્રણેયનાં કુટુંબને બહુ સારી રીતે રાખેલાં. સંવત ૧૯૧૮ના આસો સુદ ૧૩ને દિવસે વિઠ્ઠલ ભટ્ટનો સ્વર્ગવાસ થયો.

લગ્ન

બાર વર્ષની બાળવયે ઝંડુ ભટ્ટનું લગ્ન થઈ ચૂક્યું હતું. એમના સસરાનું નામ ભટ્ટ મયારામ બોઘારામ. ગામ સાવરકુંડલા. પત્નીનું નામ પ્રભાકુંવરી.

ઝંડુ ભટ્ટ પિતાના મરણ પછી રાજવૈદ્યની જગાએ કામ કરતા હતા. એવામાં રણમલ જામ માંદા પડયા. બધા વૈદ્ય ડૉકટરોએ એમના જીવનની આશા છોડી દીધેલી; પણ એ વાત બહાર પાડવાની કોઇ હિંમત કરે નહિ. રણમલ જામનો પુત્ર વિભા જામ.

વિભા જામે ભટ્ટજીને પૂછયું, ‘પિતાનું શું થશે?’
ભટ્ટ કહે, ‘એકાદ બે દિવસના એ મહેમાન છે.’
વાત ખરી પડી. બે જ દિવસમાં રણમલ જામનો સ્વર્ગવાસ થયો. વિભા જામ જામનગરના રાજા થયા.

જામનગરમાં શ્રાવણ વદી ૮-૯નો મોટો મેળો ભરાય. રાજાથી માંડીને રંક સુધી તમામ ભાગ લે. વિભા જામને તાવ આવે. એવો તાવ આવે કે પથારીમાંથી ઊભા ન થવાય. મેળાને બે જ દિવસની વાર હતી. વૈદ્ય-ડૉક્ટરોએ તાવ ઉતારવા ઉપચાર ઉપર ઉપચાર કરવા માંડ્યા, પણ કંઈ ફાયદો ન થયો. લાખોને ખરચે તૈયાર કરેલા દવાના દાબડા ભરેલા પડ્યા હતા, પણ એકેય ઉપયોગમાં ન આવે. ભટ્ટજીએ હામ ભીડી. વૈદ્યમિત્રની સલાહ લીધી. મહેલમાંથી ‘રત્નગિરિરસ’ એ નામની દવા લાવવાની વાત કરી..

વિભા જામે ઝંડુ ભટ્ટને હાથી ઉપર બેસાડીને દવા લેવા મોકલ્યા. આ દવાથી તાવ ઉતર્યો ને વિભા જામ ઘોડે ચઢ્યા. સૌને આનંદ થયો.

જામ સાહેબે પગાર ૨૫ કોરીમાંથી વધારી ૨૦૦ કર્યો. એક વખત સભા બેઠી છે. શેઠ, નગરશેઠ ને અન્ય વૈદ્ય મંડળ વાર્તાલાપ કરી રહ્યું છે. તે વખતે બરડા ડુંગરની વાત નીકળી.

ભટ્ટજી બોલ્યા, ‘અહા ! શો સુંદર બરડો ! નરી ઔષધિઓનો ખજાનો ! એની વ્યવસ્થા કરવામાં આવે તે મજેથી અર્ધી લાખ રૂપિયાનું ઉત્પન્ન આવે.’

સભામાં બેઠેલા બીજા બધા હસ્યા. ‘ભટ્ટજી, ભાંગ-બાંગ ચઢાવી છે કે શું? પથ્થરમાંથી તે શું આવવાનું છે?’

જામ-–ભટ્ટજી, રાખો તમે; હું તમને બરડો આપું.

ખરેખર, દીર્ઘદૃષ્ટિવાળા ભટ્ટજીએ જંગલખાતું સ્થાપીને જામને અર્ધો લાખ રૂપિયાનું ઉપન્ન વધારી આપ્યું. જામ ખુશ ખુશ થઈ ગયા. ભટ્ટજીએ પથ્થરમાંથી અર્ધો લાખ પેદા કરાવ્યા. ભટ્ટજીનો પગાર જામે બસોમાંથી પાંચસો કોરીનો કર્યો.

થોડા દિવસ વીત્યા.જામને ગુમડું થયું. ડૉક્ટર માધવરાવ એ ગુમડાની દવા કરે. ગુમડું ગોળ ગોળ થતું થતું વધવા લાગ્યું. ડૉકટરે એ ગોળ ગોળાકારની હદમાં ઝેરી દવા ચોપડવાની ભટ્ટજીને ભલામણ કરી. ભટ્ટજીએ પોતે પોતાની બનાવેલી દવા વાપરવાનું કામ માથે લીધું. બે કે ત્રણ દહાડામાં તો ગુમડું સાફ થઈ ગયું. ડૉક્ટર માધવરાવ કદરદાન હતા. એમણે જામ સાહેબ આગળ કહ્યું, ‘મારા કરતાં ભટ્ટજી વધારે હોશિયાર છે.’

આ વખતે પાંચસો કોરીમાંથી વધારીને જામે પગાર સાતસો કરીને કર્યો.

ભટ્ટજી સાચાબોલા હતા. તેમને કોઈની ખોટી ખુશામત કરવાનું ગમતું નહિ. સાચાને સાચું ને જુઠાને જુઠું, જેવું હોય તેવું તેને મોંયે કહી દેતા. આમ કરવાથી ઘણી વખત એ બીજાને ખોટું લગાડી બેસતા; એટલે દુભાયેલા માણસો ખટપટ કરતા. ભટ્ટજી એ ખટપટમાં ભાગ લેતા નહિ; જેથી એમને ઘણીવાર દુઃખી થવું પડતું. રાજા જામ આજુબાજુના માણસોથી ભોળવાઈ ભટ્ટજીને ઘેર બેસવાના હુકમ આપતા. ભટ્ટજી નિરાંતે ઘેર બેઠા ગરીબોની સેવા કરતા.

ઘણા રાજા મહારાજા ભટ્ટજીને પોતાને ત્યાં રાજવૈદ્ય તરીકે રાખવા લલચાવતા. કોઈ કહેવરાવે, ‘ભટ્ટજી આવે તો બે હજાર કોરી પગાર આપું.’ કોઈ કહેવરાવે, ‘અઢી હજાર આપું.’ ભટ્ટજીને બે હજાર કે અઢી હજારની ક્યાં પડી હતી? એ કહેતા, કે ‘નોકરી કરીશ તો એક જામ સાહેબની જ, બીજાની નહિ તે નહિ જ.’

ભટ્ટજીની નીડરતા

એવામાં અસહકારની ચળવળ ચાલી. લોકો ખાદી પાછળ ઘેલા બન્યા. જેણે તેણે ખાદીનો પહેરવેશ સજી લીધો. બ્રિટિશ સરકારની નજરે ખાદીનો પહેરવેશ ગેરવ્યાજબી ગણાયો. ધોળી ટોપી ઉપર કરડી નજરે જોવાવા માંડ્યું. સરકારી નોકરોએ કચવાતે મને સરકારના હુકમને માન આપ્યું. ધોળી ટોપી છેાડી. આમ સરકારને વહાલા લાગવા કેટલાંય અમલદારોએ અંતરાત્માને દુભવ્યો

ભટ્ટજીનો જમાનો ઓર હતો. રાજાઓનું બળ જેવું તેવું નહોતું. એ સર્વસત્તાવાળા હતા. બાંધે એને બાંધે અને છોડે એને છોડે. રાજાઓના જુલમો ભારે હતા. ઘડીના છઠ્ઠા ભાગમાં ગુનેગારને ગામ છોડાવતા કે ગરદન મારતા. ભટ્ટજી નીડર હતા. સામે રાજા કે મહારાજા ગમે તે હોય તો પણ સત્ય જ કહી દેતા.

વિભા જામ દારૂ પીએ, મોજ કરે; કોઈ એમને કંઈ કહી શકે નહિ. એક વખત ભટ્ટજીએ ખૂણે બેસાડીને કહ્યું, ‘બાપુ, તમે દારૂ પીયો છો, એ ઠીક કરતા નથી. અમારે આપના વૈદ્ય તરીકે કહેવું જોઇએ કે જો આ૫ આ બુરી ટેવ નહિ છોડો તે જીવ વહેલો ગુમાવી બેસશો. અમારે આપનું આયુષ્ય વધે તે જોવું જોઈએ.’ વિભા જામને ગળે આ વાત ઉતરી. એમણે ધીમે ધીમે દારૂ છોડવા પ્રયત્ન કર્યો.

જામ સાહેબના ભાયાત ભાવસિંહજી. એ ભાવસિંહજી ઉપર જામ ગુસ્સે ભરાયેલા. એમને ગામ છોડવાની ફરજ પાડેલી. ભાવસિંહજીને આશરો આપનારને ત્યાં કડી દેવાતી. તેને સીધો જેલનો આશરો લેવો પડતો.

ભાવસિંહજી ગામ છોડી ધ્રાંગધ્રે જવાના હતા, પણ એમના કુંવર ફલજીભાને ક્ષયરોગ થએલો; એટલે સારા વૈદ્યની દવા કરાવવાની એમના મનની ઈચ્છા. એમને ભટ્ટજી ઉપર પૂર્ણ વિશ્વાસ. ક્ષય મટાડે તો ભટ્ટજી જ. બીજા કોઈના હાથે પુત્ર બચે તેમ નથી એમ એ માને; છતાં ય પરગામ જવા ગાડાં જોડાવ્યાં. ગામમાંથી એક ચકલું ય ભાવસિંહજીની ખબર લેવા ન નીકળ્યું. હજારો ને લાખો રૂપિયા છૂટે હાથે વેરનાર ભાવસિંહજી એકલા ધ્રાંગધ્રાને રસ્તે પડ્યા

ભટ્ટજી વાડીએ હતા. કુંવર ફલજીભાની ખબર લેવા એ આવતા હતા. રસ્તામાં ભાવસિંહજી અને ભટ્ટજીનો મેળાપ થયો.

ભાવસિંહજી—ભટ્ટજી, ઘેર જાઓ. જામ જાણશે તો તમને ખરાબ કરશે.
ભટ્ટજી–રાજા ! રાજા તો ઈશ્વર છે. એ કોઈનું બુરું કરતો નથી.
ભાવસિંહજી-મારું ખાઈ જનારા, મારી ખુશામત કરીને પેટ ભરનારામાંનું આજે કોઈ યે મારી પડખે નથી. એમ કહેતાં કહેતાં ભાવસિંહજીની આંખમાં આંસુ આવી ગયાં!
ભટ્ટજી–બાપુ, આ શું કરો છે? આપ ઘડી બે ઘડી થોભો, હમણાં જ જામ સાહેબ પાસે જઈને પાછો આવું છું. ભાવસિંહજીએ ગાડાં થોભાવ્યાં.

ભટ્ટજી જામ સાહેબ પાસે ગયા. ‘જામ બાપુ, ભાવસિંહજીને.......’
એટલું સાંભળતાંમાં જામનાં નયના રાતાં પીળાં થયાં. ભટ્ટજી થોડી વાર શાન્ત રહ્યા. પછી બોલ્યા, ‘બાપુ, કુંવર ફલજીભાને ક્ષય થયો છે, પથારીવશ છે. આવી હાલતમાં ભાવસિંહજી ગામ છોડીને જાય છે. એ માટે આપને કાને વાત નાખવા આવ્યો છું.’

જામે ભટ્ટજીની કસોટી કરી લીધી: ‘તે તમારે શું કહેવું છે?’ જામે પૂછયું.
‘એમ કે હું એમની સાથે દવા કરવા જાઉં?’
‘શાબાશ વૈદ્ય! આપત્તિમાં મદદ કરનારા તમે જ ખરા દુઃખીના મિત્ર છે. તમને જવાની રજા આપત, પણ હાલ મારી પાસે કોઈ જોઇએ ને? તમે તમારા ભાઈ મણિશંકરને મોકલો.’ જામે જવાબ દીધો.

આવો જ એક બીજો બનાવ છે.

ભગવાનજી શેઠ નામના મુખ્ય દીવાન. જામની એમના ઉપર અવકૃપા થઈ. કોઈ એમને ત્યાં ન આવે કે ન જાય. દીવાન માંદા પડ્યા. જામ સાહેબે ગામ છોડવાનો હુકમ કરેલો; એટલે દીવાન સાહેબે જામનગર છોડ્યું. એમની સાથે ભટ્ટજીએ પોતાના ભાઈ વિશ્વનાથને મોકલ્યા. દીવાનની પુત્રી બાપીબાઈ. એને તાવ આવે. કોઈ ચાકરી કરનાર ન મળે. ઝંડુ ભટ્ટજી દવા આપે. એક વખત બાપીબાઈને દાડમ ખાવાની ઇચ્છા થઇ. ભટ્ટજી આખું ગામ ફર્યા, પણ ક્યાં યે દાડમ ન મળે.

જામ સાહેબને ત્યાં દાડમના કંડિયે કંડિયા આવે; પણ દુશ્મનની પુત્રીને એ આપે? અને માગવા જવાની પણ કોણ હિંમત કરે?
ઝંડુ ભટ્ટજી ગયા જામ સાહેબ પાસે. ‘બાપુ, એકાદ દાડમ આપોને?’
જામ નવાઈ પામ્યા. ભટ્ટજી કોઈ દિવસ કોઈ પણ ચીજ માગે નહિ ને આજ દાડમ માગ્યું? એ જોઈને જામે પૂછયું, “ભટ્ટજી, કેમ આજે માગણી કરી છે?’
ભટ્ટજી– મારે માટે નહિ. દીવાન સાહેબ ભગવાનજી શેઠની દીકરી બાપીબેન માંદાં છે, એમને દાડમ ખાવું છે. ક્યાં યે પૈસા ખરચતાં યે મળતાં નથી, તેથી માગવા આવ્યા છું. આપને ત્યાં દાડમના ઢગલા સીંચાય છે. એકાદ આપો તે બાપીબેન ખાય!

દુશ્મનની પુત્રી માટે દાડમ માગનાર ભટ્ટજીની નીડરતા જોઈ જામે આખો ય કંડિયો ભટ્ટજીને આપી દીધો. એ દાડમ ખાવાથી માંદાં બાપીબેનનો જીવ શાન્ત પડ્યો! ધન્ય એ વૈદરાજને !

ભટ્ટજીની ભાવના

સુધરે સુધરે કહે સુધારા નહિ થશે,
સુધરે કહેતાં પહેલાં સુધારો આપ જો.

ગામનો છેડો ઘર. કોઈ પણ સુધારાનું મૂળ ઘર. ઘર સુધારા પછી ગામ સુધારો થાય. આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે.

ઝંડુ ભટ્ટ ખાલી વાતો કરનારા નહોતા. કોઈ પણ સુધારા પોતાને ઘેરથી જ કરતા. ભાઈભાઈમાં સંપ રહે એ માટે એમણે એક જ કુટુંબમાં રહેવાનો રિવાજ રાખ્યો હતો.

બધા ભાઈ એટલે સગા ભાઈ: મમાઈ, મશિયાઈ, ફોઈઆત વગેરે. કુટુંબનાં માણસો પ્રથમ, ત્યાર પછી જ્ઞાતિનાં, ગામનાં, એમ પ્રત્યેક સાથે સંપથી રહેવું જોઈએ એમ એ માનતા. તેથી બધાંને પોતાને ત્યાં જ રાખતા.

જ્ઞાતિનાં – કુટુંબનાં માણસો સંપથી રહી ઉદ્યોગી, હિંમતવાન, કૌવતવાન, સાહસિક, ધૈર્યવાન, પ્રમાણિક અને શાન્ત બને એમ એ જોવા ઈચ્છતા.

ઘણાં કુટુંબ ભેગાં રહે, એટલે ખર્ચ પણ વધે જ, એ ખર્ચને પહોંચી વળવા અને વૈદકના ધંધાને આગળ ધપાવવા એમણે એક ફાર્મસી કાઢી. ફાર્મસી એટલે દવા બનાવવાનું કારખાનું. આ કારખાનામાં દવા તૈયાર થતી તેને વેચવા ગામેગામ બીજી શાખાઓ કાઢી. કારખાનાનું નામ રસશાળા. - કારખાનાને અંગે વૈદકની – આયુર્વેદ શાળા કાઢી. એમાં વૈદકનું જ્ઞાન આપવા માંડ્યું. ધીમે ધીમે એ શાળામાંથી પાઠશાળા બનાવી. એને માટે પુષ્કળ પૈસા ખરચીને શાસ્ત્રીઓ રાખ્યા, પુસ્તકો લખાવ્યાં અને પોતે શીખવવા લાગ્યા.

કારખાનું ઉઘાડ્યું તે વખતે કોરી ૧૦ હજારનું દેવું માથે ઝઝુમતું હતું; છતાં કોરી ૨૦ હજારનું નવું દેવું ઊભું કરીને રસશાળા કાઢી. દેશી વૈદાંનો લાભ દુનિયાને આપવા, જગતને દરિદ્રતા અને રોગ વગરનું કરવા, કુટુંબ અને જ્ઞાતિને સાથે રાખવા એમણે આ ભગીરથ પગલું આરંભ્યું હતું.

રસશાળામાં શીખવા રહેતા માણસોનાં કુટુંબોના ખર્ચ પણ ભટ્ટજી પોતે ઉપાડતા. આવા ખર્ચ વેઠીને તૈયાર કરેલા વૈદો-શિક્ષકો બીજે કોઈ સ્થળે વધારે પગાર મળતો કે તરત ભાગી જતા. ભટ્ટજીને નવા નવા વૈદો – શિક્ષકો તૈયાર કરવાની ભાંજગડમાં પડવું પડતું; છતાં તે નિભાવી લેતા. ખર્ચ વધવા સાથે ઉપજ વધારવા કાઢેલી જુદી જુદી શાખાઓમાં ભાઈઓ કામ કરતા. મુંબઈ, ભાવનગર, જુનાગઢ, અમદાવાદ, રાજકોટ, ધ્રોળ, મોરબી, ચૂડા, વઢવાણ એમ કેટલી ય શાખાઓ શરૂ કરેલી.

ભટ્ટજીની રસશાળામાંથી સેંકડો વૈદ્ય બહાર પડ્યા, પણ શાળાની શરૂઆત તો ફક્ત ત્રણ જ વિદ્યાર્થીથી શરૂ કરેલી. નિશાળમાં જ્ઞાતિ પરજ્ઞાતિ, દેશી પરદેશી કોઈના ય ભેદ રાખ્યા નહોતા. સંપ, સેવા ને વૈદકનો ઉદય એ ભટ્ટજીના જીવનની શુભ ભાવના હતી.

દિનચર્યા

ભટ્ટજી ચાર વાગે ઊઠતા. ઊઠીને ન્હાઈ ધેાઈ પરવારી સીધા જામ સાહેબની સલામે જતા. ભટ્ટજીના હાથથી જ જામ સાહેબ ઓસડ લેતા. ઓસડ ખવડાવી ભટ્ટજી ભીડભંજનના નાકા આગળ જતા. ત્યાં સેંકડો દરદીઓ એમની રાહ જોઈને ઊભાં રહેતાં. એ દરદીઓને ઘેર જઈને દરદીની તપાસ કરતા. જે દવા દરદીને લખી આપતા તે દવાની ચિઠ્ઠી રસશાળામાં બતાવ્યેથી દવા મળતી. એ દરદીઓની ચિઠ્ઠીમાં પોતે મોટા અક્ષરે લખતા ‘મારે ખાતે’. ‘મારે ખાતે’ લખેલા શબ્દો વાંચી એવા કોઈ પણ દરદી પાસે કારખાનાવાળા પૈસા માગતા નહિ.

‘દવાની ચિઠ્ઠી’ ગરીબ, તવંગરો, શેઠીઆ, અમીરો સૌ કોઈને મફત મળતી. એક વખત એક શેઠનો છોકરો ખૂબ માંદો. ભટ્ટજી દવા કરવા ગયા. શેઠે મરણ પથારીએથી પુત્રને બચાવનાર ભટ્ટજીને રૂપિયાથી ભરેલી થેલી આપવા માંડી. ભટ્ટજી કહે, ‘શેઠ, રહેવા દો. એ છોકરો મારો જ છે.’ જે વૈદ્ય ડૉક્ટર દરદીને પુત્ર પેઠે માનતો નથી, તે વૈદ્ય કે ડૉક્ટર કદી સફળ થતો નથી.

ભટ્ટજી તો સેવાનો પાઠ જ ભણ્યા હતા. દરદીઓને તપાસી ૧૧ વાગ્યે પાછા ફરતા. ઘર આગળ પણ દરદીઓ બેઠા જ હોય! તેમને પ્રથમ તપાસી પછી જ જમવા બેસતા. કોઈ વખત જરૂર પડે તો દરદીને ઘેર જઈ જોઈ આવીને પછી જમતા.

બપોરે રસશાળાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાવિનોદ કરતા. અઢી વાગ્યે જામ સાહેબને ત્યાં જતા. ત્યાંથી ત્રણ વાગ્યે પાછા ફરીથી દરદીઓને તપાસતા. વાડીએ જઈ ટપાલ લખતા. સાંજે ઘેર આવી ભોજન કરી જ્ઞાતિજનો સાથે બે ઘડી બેસતા. જ્ઞાતિની ચઢતી થાય તેવી વાતચીત કરતા. દશ વાગ્યે સૂઈ જતા.

જેનું અન્ન ખાધું છે, એ ધણીનું કામ કેટલા ઉમંગથી - કેટલી નિમકહલાલીથી કરવું જોઈએ તેનો આ એક જ દાખલો બસ છે. દરરોજ સવારમાં પાંચ વાગ્યે ભટ્ટજી જામ સાહેબને દવા ખવરાવે. આ નિયમ એમણે કદી ય તોડ્યો નહોતે. ભટ્ટજી વાડીએ રહે. વિભા જામ એક વખત પોતાને બંગલેથી દૂર રોઝીમાતા ગયેલા. રાત્રે નવ વાગ્યે ભટ્ટજીને ખબર પડી કે બાપુ બંગલે નથી, રોઝીમાતા ગયા છે.

ભટ્ટની વાડીથી રોઝીમાતા આઠ માઈલ દૂર. ભટ્ટજી રાત્રે ત્રણ વાગ્યે ઊઠ્યા. બીકને તો એ ગળી ગયા હતા. કાળું અંધારું હતું. મોંએ મોં ન સૂઝે. તારાના તેજમાં ઝંડુ ભટ્ટે તો ચાલવા માંડ્યું. પાંચ-છ માઈલ નીકળી ચૂક્યા ત્યાં તો ગાડી દેખાઈ.

સવારે માતાએ રોકાઈ ગયેલા જામને વિચાર થયો કે ભટ્ટને કહેવરાવ્યું હોત તો ઠીક થાત. નોકર ગાડી લઈને દોડ્યો. થોડેક ગયો ને ભટ્ટજી સામા મળ્યા. તરત જ ગાડી પાછી ફરેલી જોઈને જામ બોલ્યા, ‘હું નહોતો કહેતો કે ભટ્ટજી જાણશે તો આવ્યા વગર રહેશે જ નહિ?’

કેવો અરસપરસ વિશ્વાસ! સાચી સેવા ને સાચું નિયમપાલન તે આનું નામ!

દયાળુતા

ઝંડુ ભટ્ટને વૈદ્ય તરીકે શ્રીમંત અને ગરીબ, રાજા અને ભિખારી, બ્રાહ્મણ અને શુદ્ર સૌ સમાન હતા. ચારણ, હરિજન, મુસલમાન સૌ કોઈને ત્યાં એ હોંશે હોંશે જતા.

એક વખતે ભટ્ટજી નદી કાંઠે જાય. એમના એક ભાઈબંધ દુર્લભદાસ કરીને, એ પણ સાથે. બંને વાતો કરતા કરતા નદીએ ગયા. ભાઈબંધ કાંઠે ઉભા રહ્યા. ભટ્ટજી કપડાં ઉતારીને ઝપાટાબંધ તરતાં તરતાં સામે કાંઠે પહોંચી ગયા. કાંઠા ઉપર એક અસ્પૃશ્યની ઝુંપડી. તે ભટ્ટજીને બોલાવવા આવેલો. તેની ઘરવાળી માંદી હતી. ભટ્ટજીને જોઈને એ ખુશ ખુશ થઈ ગઈ. બાપુ! ભલે પધાર્યા. ભટ્ટજીને જોઈને જ એનો અર્ધો મંદવાડ ઓછો થઈ ગયો.

એક વહોરાજી. એના છોકરાને કોલેરા થએલો. વહોરાજી ભટ્ટજીને તેડવા આવ્યા. ભટ્ટજી અબોટિયું પહેરીને જમવા બેસતા હતા, તેવામાં વહોરાજી “વૈડરાજ ! વૈડરાજ !” બોલતા દોડી આવ્યા. ઝંડુ ભટ્ટે વહોરાજીની વાત સાંભળી લીધી. તરત અબોટિયું ઉતારી નાખ્યું. વહોરાજી જોડે બે અઢી માઈલ પગે ચાલીને ખરા બપોરે વહોરાવાડમાં પહોંચ્યા.

છોકરાને દવા આપી પાછા ફર્યા. જમવાની થાળી ઉપરથી ઊઠીને ગયેલા ભટ્ટજીને એમના મિત્ર પ્રેમશંકર ભટ્ટે કહ્યું, ‘વૈદ્ય, આટલી બધી શી ઉતાવળ? જમીને જવું હતું ને? રસોઈ ટાઢી ઠબ થઈ ગઈ !’ ભટ્ટજી કહે, ‘ભાઈ, બિચારો છોકરો કોલેરાના રોગને ભોગ થઈ પડ્યો હતો. કોલેરામાં જલદી ઉપાય થવા ઉપર દરદીના બચવાનો આધાર છે. જો જમવા ખાતર દશ પંદર મિનીટ નકામી જવા દઉં, તો દરદીને નુકશાન થાય. જેવો આપણો છોકરા તેવો જ એનો બિચારાનો !’

પંદર વીશ વર્ષનો એક જુવાન ચારણ સાવ પીળોપચ થઈ ગયેલો. ના હલાય કે ના ચલાય. નર્યુ હાડકાંનું ખોખું. ચામડી જ ચોંટી રહેલી. પાસે પૈસા નહિ, રહેવાને ઘર નહિ. બિચારો મરવાની અણી ઉપર આવી રહેલો. સાથે પચાસ સાઠ વર્ષની એક ડોશી, વિધવા. જે ગણો તે ડોશીનું ધન એ છોકરો. ભટ્ટજીએ ડોશીને અને છોકરાને પોતાને ઘેર રાખ્યાં. બેસવા ઊઠવાનું, ખાવાપીવાનું બધું ભટ્ટજીને ત્યાં. રોજ સો સવાસો ગોળી ખવરાવે, ઉપર દૂધ ને પૌષ્ટિક ખોરાક. આ બધો ય ખર્ચ ભટ્ટજીની ગાંઠનો.

થોડે દિવસે પેલા ચારણ પુત્ર રાતો રાતો થઈ ગયો. ગાલ ઉપર ગુલાબી લાલી આવી ગઈ. આ ચારણ સાજો થયા પછી ભટ્ટજીનાં ઢોર ચારવા ગામડે લઈ ગયેલો. પછી વાગડમાંથી બળદો ખરીદી એ કાઠિયાવાડમાં વેચવાનો ધંધો કરતો. ભટ્ટજીએ આ ચારણના મરણ પછી એની માને અનાથ જાણીને પોતાને ત્યાં રાખી હતી.

ગરીબ દરદીઓને પોતાને ત્યાં રાખીને એ જમાડતા. એક જ્ઞાતિબંધુ ભટ્ટજીને ત્યાં રહેતા હતા, એ માંદા પડયા. ભટ્ટજીએ એની ખૂબ ચાકરી કરી. દરદીનો સ્વભાવ મૂળ ક્રોધી હતો. તે માંદગીથી વધારે ચીડિયા બન્યો હતો. ભટ્ટજી જાતે એની સેવા કરતા, છતાં દરદી એમના ઉપર વધારે ખીજવાતો. દરદીની હજામત વધી ગયેલી. એની હજામત ભટ્ટજીએ પોતાના ખોળામાં બેસાડીને કરાવી હતી. આખરે જ્યારે એ દરદી મરવા પડ્યો ત્યારે એ બોલેલો કે ‘પુત્રથી પણ આવી સુંદર સેવા ન થાય!’

તરતનો પરણેલો એક જુવાનીયો. બિચારાને જલંધરનો રોગ થયો. પેટ ફુલી ગયું. આ રોગ ભયંકર છે. ‘હજારે એક સાજો થાય.’ ભટ્ટજીએ એ રોગ માટે દવા બનાવેલી.

આ જુવાનીયાને એક વિધવા બેન. એ બેન ભટ્ટજીને પગે પડી, આજીજી કરતી કહે, ‘બાપુ, મારા ભાઈને ન બચાવો? હું કંઈ આપી શકું એમ નથી.’
‘કંઈ વાંધો નહિ. ચાલ બેન, બતાવ તારા ભાઈને.’
ભટ્ટજીએ જુવાનીયાને જોયો. દવા આપવા માંડી. પંદર દિવસ વીત્યા. સોળમે દિવસે ઘંટીનાં પડિયાં ગડગડે ને જેવો અવાજ થાય તેવો અવાજ એના પેટમાં થયો. દરદી બચી ગયો. દૂધના અને દવાના બધા ય પૈસા ભટ્ટજીએ આપી દીધા! ગાંઠનું ગોપીચંદન ઘસે એવા આ વૈદ્યરાજ હતા.

ભટ્ટજી રોગપરીક્ષક પણ ભારે. ટકાજોશી એ જામ સાહેબના માનીતા જોશી. જોશી માંદા પડ્યા. એમની દવા મણિશંકરભાઈ કરે. છતાં જામ સાહેબે ભટ્ટજી ઉપર ફરજ નાખી કે તમે દવા કરો. ડૉક્ટરે ગુમડા જેવા સોજાને કાપવાની ના પાડી. ભટ્ટજીએ કહ્યું, ‘એને ભીતર પાકે છે માટે તમે ચીરો, નહિ તો હું વાળંદને બોલાવીને કપાવું છું.’ છેવટે કપાવ્યું તો ભીતરથી પાકતું હોય એમ જણાયું.

એના જેવા તો ભીતર પાકના એમણે કેટલા ય દાખલા બતાવ્યા હતા. એમના જેવો વ્રણ પરીક્ષક વૈદ્ય બીજો એક પણ થયો નથી. એ જે તપાસતા તે પૂર્ણ કાળજીથી તપાસતા.

દરદીની દવા કરે તે વૈદ્ય નથી, પણ જે રોગની પરીક્ષા કરે તે જ સાચો વૈદ્ય છે. ભટ્ટજી એમાંના એક હતા.

સુધરાઈના પ્રમુખ

વિ. સં. સંવત ૧૯૩૧થી ૧૯૩૩ સુધીનાં ત્રણ વર્ષ સુધી ઝંડુ ભટ્ટ જામનગર સુધરાઇના પ્રમુખ હતા.

એમણે જે સુધારા કર્યા હતા, તેમાંના કેટલાંક સુંદર હતા. તેની યાદી નીચે પ્રમાણે છે:
(૧) મહોલ્લાઓમાં જાજરૂની ગોઠવણ કરાવી.
(૨) શહેરની રોશનીમાં વધારો કરાવ્યો.
(૩) ઢોર ન પડે માટે ખુલ્લા કૂવાઓને જાળીઓ કરાવી.
(૪) રસ્તાને નાકે નાકે કચરો નાખવાના ડબ્બાઓ કરાવ્યા.
(૫) રખડેલ ઢોર માટે ડબ્બાઓ કરાવ્યા.
(૬) પાણી માટે નદીમાં ઊંડા વીરડા ખોદાવ્યા.
(૭) ઝાડ રોપાવ્યાં.
(૮) લાકડાં, છાણાં વગેરે એક તરફ બેસીને વેચવાની ગોઠવણ કરાવી.
(૯) રંગનું પાણી તેમ જ ગંદુ પાણી કાઢવાની ગટરોની ગોઠવણ કરાવી.
(૧૦) રસ્તા પહોળા કરાવ્યા.
(૧૧) જન્મ-મરણની નોંધ રખાવી.

સુધરાઈનો કારભાર હાથમાં આવ્યા પછી એક પછી એક કામ હાથ પર લીધાં. જન્મ-મરણના આંકડા એકત્ર કરીને માનવીનો આવરદા સો વર્ષનો કેમ થાય એ માટે એ પ્રયત્નો કરવા લાગ્યા.

પ્રમુખ તરીકે પોતાની ફરજ બજાવતાં એ કોઈથી દબાઈ જતા નહોતા. જામ સાહેબને પોતાની રાણીઓ હતી. એ ઉપરાન્ત કેટલીક બીજી સ્ત્રીઓ પણ હતી. આ સ્ત્રીઓ રાજમહેલથી જુદી રહેતી. એ ડહેલાવાળી કહેવાતી.

આ ડહેલાવાળાંનો કરપ ખૂબ જ હતો. ભલભલા દીવાનો, અમલદારો, શેઠ શાહુકારો એમને રાજી રાખવા ખુશામત કરતા. ખુદ જામ સાહેબ પણ એમના આગળ કંઈ બોલી શકતા નહિ.

એક વખત ડહેલાવાળાંએ મસ્જીદ બંધાવી, ને એ મસ્જીદને એક ખૂણે નહાવાની ઓરડી બાંધવી શરૂ કરી. આ ઓરડી બંધાય તો ગાડા રસ્તો સાંકડો થઈ જાય તેમ હતું. ભદ્રજીએ ઓરડીનું કામ બંધ રખાવ્યું. ડહેલાવાળાંનો મિજાજ ગયો. એમણે તો ઝંડુ ભટ્ટ ઉપર ગાળોનો વરસાદ વરસાવ્યો. ને ડહેલાવાળાંની દાસીઓ-વડારણોએ ભટ્ટજીના ઉધડા લીધા.

‘શો મોટો અધિકાર આપ્યો છે તે આટલા બધો ફાટ્યો છે? લોકની ગંદકી દૂર કરવાની અમલદારી આપી તેમાં તો ઠેઠ રાજા જામના ઘર સુધી પહોંચ્યો ? જરા મોંએ ચઢાવ્યો ત્યાં તો માટે માલિક થઈને બેસી ગયો છે.’

ભટ્ટજી કંઈ બોલ્યા નહિ. એમણે ટૂંકો ને ટચ જવાબ દીધો, ‘બાઈજી, જામ સાહેબ મુખત્યાર છે. એ જેમ હુકમ આપે તેમ કરજો.’
બીજે દિવસે ભટ્ટજી જામ સાહેબ પાસે ગયા.
જામ– ભટ્ટજી, મસ્જીદનો શો ઝઘડો છે?
વૈદ્ય-આપ જાતે જઈને જુએ એટલે આપને ખ્યાલ આવશે.

જામ સાહેબ ગાડી લઈને ત્યાં ગયા. રસ્તો સાંકડો થશે એમ એમને જણાયું; એટલે જામ ગાડી હંકારીને ચાલતા થયા. ભટ્ટના કહેવા પ્રમાણે ઓરડીનું કામ બંધ રાખવામાં આવ્યું. રખાત રાણીઓ કરતાં ભટ્ટજીનો ન્યાય રાજાને વધુ પસંદ પડ્યો. ધન્ય રાજા ! ધન્ય ભટ્ટજી!

કેટલાક ગુણો

બાવાભાઈ ઝંડુ ભટ્ટનું સારું માન રાખે. પિતા વિઠ્ઠલ ભટ્ટના એ શિષ્ય. ગુરુના મરણ પછી ગુરુપુત્રને એ ગુરુ માની બેઠેલા. પોતે ઉંમરમાં મોટા, છતાં ઝંડુ ભટ્ટને આદરથી બોલાવતા બાવાભાઈ ૭૫ હજાર રૂપિયા મુદલ અને ૭૫ હજાર રૂપિયા વ્યાજ માગે. એ હિસાબનાં કાગળિયાં ફાડી નાખી ભટ્ટજીને દેવામાંથી છૂટા કરવાની એમની ઈચ્છા.

એક વખતે બાવાભાઈએ યજ્ઞ કર્યો. એ યજ્ઞની પૂર્ણાહતિ વખતે ભટ્ટજીને પાયે એ ભેટ ધરવાની એમની ઇચ્છા હતી. ભટ્ટજીએ એ જાણ્યું, એટલે યજ્ઞમાં આવ્યા જ નહિ. છેવટે બાવાભાઈના મરણ પછી તેમના પુત્ર અંબાશંકરની ખૂબ વિનવણીથી થોડાં ઘણાં કાગળિયાં લીધાં હતાં.

કારખાનાં કાઢ્યાં હોય તેને જ કારખાનાંની ભીડના ખરો ખ્યાલ આવે. રસશાળાનું લાખનું દેવું થઈ ગયું હતું. ભટ્ટજી છૂટે હાથે ‘મારે ખાતે’ની ચીઠ્ઠીઓ લખ્યે રાખતા હતા. એ દેવાને પહોંચી વળવા શેઠ શાહુકારોની મદદથી છાપેલી ચિઠ્ઠીઓ વાપરતા. આ ચિઠ્ઠીઓ લઈ જનારને બજારમાંથી માલ કે રોકડા રૂપિયા મળતા.

આવી રીતે ભટ્ટજી વ્યવહારમાં સાખ સાચવી રાખતા હતા. એક વખતે કોઈએ વાત ઉડાવી કે ભટ્ટજી પૈસેટકે ખાલી થઈ ગયા છે; માટે એમની પાસેનું લહેણું દાવો કરીને વસૂલ કરવું જોઈએ. વાત ભટ્ટજીના સાંભળવામાં આવી. તરત જ સાદ પડાવી પાઈએ પાઈ લઈ જવાની સૂચના કરી.

મોટા મોટા ઠાકોરો, અમીરો, શેઠીઆો ભટ્ટજીની આબરૂ માટે મરી પડતા. જે હજારો માણસોનાં સુખ સેવા માટે તરફડીયાં મારે તેની કદર થયા વગર રહેતી નથી એના આ સુંદર દાખલો છે.

જ્ઞાતિનાં માણસો બીજે જમવા ન જાય; એ માટે ભટ્ટજી પ્રસંગે પ્રસંગે પોતાને ખરચે જ્ઞાતિને જમણ આપતા. તે વખતે જ્ઞાતિબંધુઓને સ્વમાનની કિંમત સમજાવતા. જામ સાહેબ પાસે વજીર રાઘવભાઈનું ખૂબ ચલણ થઈ પડ્યું હતું. આ રાઘવભાઈના આશ્રિત એક કાલિદાસ કરીને. એની પાસે રાઘવભાઈએ રાજ્ય તરફથી થતી કથા કહેવરાવી. મૂળથી આવી કથા ઝંડુ ભટ્ટના કુટુંબીઓ વાંચતા. રાજ્ય તરફથી આ કથા થતી તેથી આવક પણ ઠીક આવતી.

આ વાત રાઘવભાઈ જાણે; છતાં તેમણે કાલિદાસ પાસે કથા કહેવરાવી કોરી વીસ હજાર કમાવરાવ્યા. ભટ્ટને કથાના પૈસાની કંઈ પડી નહોતી પણ હક્કની પડી હતી. તેમણે જામને પોતાની હકીકત જણાવી, રાઘવભાઈએ કરેલી ખટપટ ઉપર પાણી ફેરવ્યું. જામે છ જ માસમાં વજીર સાહેબને રજા આપી દીધી. બીજે જ વરસે ભટ્ટને મુંબઈથી તાર કરીને તેડાવ્યા. ભટ્ટજીને દશ હજાર કોરી કથા વાંચવા બદલ આપ્યા. તરત જ ભટ્ટે પેલા કાલિદાસને બોલાવ્યો. તેને ચારસો કોરી આપી દીધી.

રાઘવભાઈને પાછા વજીરપદ પર લાવવા ભટ્ટજી ખૂબ પ્રયત્ન કરવા લાગ્યા. જેનાં મૂળ કાઢવા માટે રાઘવભાઈએ થાય તેટલા પ્રયત્ન કર્યા હતા તે જ ભટ્ટજી રાઘવભાઈને પુનઃ વજીરપદે રાખવા પ્રયત્ન કરતા જોઈને રાઘવભાઈની આંખમાં આંસુ આવી ગયાં.

અપકાર ઉપર ઉપકાર કરે તેવા ભટ્ટજી એક
ઉપકાર ઉપર ઉપકાર કરે તેવા મળશે અનેક.

સંવત ૧૯૩૦ની સાલ. ભટ્ટજી પાસે જામસાહેબ પચાસ હજાર કોરી માગે; પણ એ માગતું તેમણે માંડી વાળેલું.

સભા બેઠી છે. જામ સાહેબ પચાસ હજાર કોરીનો ઉધારેલો કાગળ જમા કરીને ભટ્ટજીને આપે છે. આ વખતે એક જણ બોલ્યો, ‘બાપુ, તુળસીના પાન સાથે આપો.’

આ સાંભળતાં જ ભટ્ટજી બોલી ઊઠ્યા, ‘ભાઈ, મે હજુર પાસે કરજ માફ કરવા અરજ કરી નથી, તેમ એ કોરી ધર્માદા તરીકે મેં લીધી નથી. શાહુકારી રીતે લીધી છે. જ્યારે મારી પાસે આવશે ત્યારે હું પાઈએ પાઈ ચૂકવી આપીશ.’ સ્વમાનની કિમ્મત જામ સમજી ગયા.

‘ભટ્ટજી, દાન તરીકે નહિ, ઇનામ તરીકે લેશો કે નહિ?’ છેવટે કેટલો ય આગ્રહ કરીને એ ખત જામ સાહેબે ભટ્ટજીને આપ્યું.

ભટ્ટજી ખુશામતખાર નહોતા; તેથી કારભારીઓએ એ ખતના પૈસા બાકી ખાતે રાખ્યા હતા. પાછળથી એ રૂપિચાની ઉઘરાણી થઈ. ભટ્ટજીએ થોડે થોડે વ્યાજ ભરવા માંડ્યું. દીવાન સાહેબ નારાયણરાવ આવ્યા. એમણે ભટ્ટજીને એ દેવા સંબંધે પૂછ્યું. ભટ્ટજીએ બધી વાત વિસ્તારથી કહી સંભળાવી. દીવાને જામ સાહેબ રૂબરૂ ચોપડામાં જમા કરાવી દીધા. સાચા માણસોને ખુશામતખોરો શી રીતે પજવે છે તેનો આ એક દાખલો છે.

ધન્ય અડગ ટેકી ભટ્ટજીને! ખુશામતને તે એમણે કદી પાસે આવવા દીધી જ નહોતી.

અવસાન

મરણ કોઈને ય છોડતું નથી. વિભા જામ સંવત ૧૯૫રમાં દેહ છોડી ગયા. અન્નદાતા જામના મરણથી ભટ્ટજીને આઘાત થયો. હવે એમણે પોતાની જન્મોત્રીનાં પાનાં ઉથલાવવા માંડ્યાં. બે પાંચ વર્ષનો ગાળો પોતાને જીવવા માટે બાકી હતો.

વિલાયત જવાના કોડ પૂરા ન થયા, એ એમના મનને સાલતું હતું. વિલાયત જઈને દેશી વૈદાંનો વાવટો ફરકાવવાની એમના મનની મુરાદ હતી. ભાઈઓના સ્નેહને લીધે એ વિલાયત જઈ શક્યા નહિ. ઊંટ પર, પગપાળા, ને બીજી કેટલીક અગવડભરી મુસાફરી કરવાથી ભટ્ટના શરીરમાં દુઃખાવો થઈ ગયો હતો, એ દુઃખાવો જીવલેણ નીવડ્યો.

વિક્રમ સંવત ૧૯૫૪ ના ચૈત્રમાં ભાવનગરથી નીકળી નડિયાદ આવ્યા. અચાનક દર્દ ઉપડયું ને એકાએક (ઈ.સ. ૧૮૯૭) વિક્રમ ૧૯૫૪ના વૈશાખ વદી ૫ ને મંગળવારે સવારે આઠ વાગ્યે એ મહાત્મા ભટ્ટજી દેવશરણ થયા.

ધન્ય ભટ્ટ ઝંડુ! કોટિ વાર વંદું!
[પાછળ]     [ટોચ]