[પાછળ]
પ્રથમ ભારતીય પાઈલોટ
લેખકઃ વસંત મારુ (‘કચ્છના સપૂતો’)

ભારતમાં પ્લેન દ્વારા આજે હજારો માઈલની સફર કલાકોમાં થઈ જાય છે. વિશ્વભરમાં વિમાન પ્રવાસ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે, પણ આજથી ૯૧ વર્ષ પહેલાં જ્યારે આ ક્ષેત્ર તદન નવું હતું ત્યારે ૧૮ ફેબ્રુઆરી ૧૯૧૧માં પહેલી કમર્શિયલ ફ્લાઈટ અલ્લાહબાદથી શરૂ થઈ અને એ પણ માત્ર નવેક કિલોમીટરની હવાઈયાત્રા હતી! એ ઉપરાંત વિશ્વની પહેલી ઍરમેઇલ સર્વિસ ભારતમાં શરૂ થઈ હતી. ૧૯૩૨માં જે.આર.ડી. તાતાએ કરાંચીથી જુહુ એરોડ્રામ સુધી પોસ્ટની ડિલિવરી માટે વિમાન ઉડાવ્યું હતું. પાછળથી એ કંપની ઍર ઇન્ડિયા તરીકે ઓળખાઈ. તેના પ્રથમ ભારતીય પાઈલોટ હતા પુરુષોત્તમ મેઘજી કબાલી. પુરુષોત્તમભા કચ્છના લખપત નામના ગામના (નાનકડા શહેરના) હતા.

કચ્છનું લખપત ગામ એટલે સિંધુ સંસ્કૃતિનું પ્રતિક. સિંધુ નદીના વહેણને કારણે આ પ્રદેશમાં મબલખ ખેતી થતી. વહાણવટા દ્વારા માલ પરદેશ મોકલાતો. લખપતના જબરા વેપારને કારણે ત્યાં ઘણા લાખોપતિ રહેતા હતા અને લાખોપતિ પરથી શહેરનું નામ પડ્યું લખપત! એ સમયમાં લખપત વિસ્તારમાં અધધધ થઈ જવાય એટલી મોટી ચોખાની ખેતી થતી. આ ઉપરાંત બીજા વ્યવસાયો અને માછલીના વેપારને કારણે રોજનો એક લાખ કોરીનો (કચ્છનું ચલણ) વેપાર થતો. ગુજરાત અને સિંધના (હાલના પાકિસ્તાન વચ્ચે) કેન્દ્રસ્થાને લખપત હતું. ૧૮૦૧માં જમાદાર ફત્તેહ મહમદે લખપતનો કિલ્લો બંધાવ્યો (સંભવિત ચાંચિયાઓથી અને લૂંટારાઓથી બચવા). એની દીવાલ સાત કિલોમીટર લાંબી છે. આ લેખના નાયક પુરુષોત્તમ કબાલીના પિતા મેઘજીબાપા લખપતમાં જન્મી અહીંની સંસ્કૃતિ પામીને મોટા થયા. અહીંની ગુરુદ્વારાની ચહેલપહેલ, ઘોષ મહમદ પીરના મકબરાને જોઈ-જોઈને તેમનું બાળપણ વીત્યું.

વર્ષો પહેલાં શીખોના આરાધ્ય દેવ ગુરુ નાનકદેવ મક્કા જવા લખપત આવ્યા હતા. આજે પણ એ સમયનું ગુરુદ્વારા લખપતમાં છે. ગુરુ નાનકદેવની ચરણપાદુકા પણ ત્યાં સચવાયેલી છે. ગુરુદ્વારામાં યાત્રાળુઓના ભોજન માટે લંગર છે, તો રાત્રિ નિવાસ માટે યાત્રી નિવાસ છે. પંજાબ અને કચ્છની સંસ્કૃતિનો લખપતમાં અદ્‌ભુત મેળાપ જોતાં-જોતાં મેઘજીબાપા મોટા થયા. શીખોના પવિત્ર યાત્રાધામ સમા આ ગામમાં ઘોષ મહમદ પીરનો આંખને આંજતો મકબરો છે. ઘોષ મહમદ પીરમાં હિન્દુઓ અને મુસ્લિમો સરખેભાગે શ્રદ્ધા રાખે છે. ઘોષ મહમદ પીર એક સારા હકીમ તો હતા જ, પણ ચમત્કારી પણ હતા. સાથે-સાથે શ્રીકૃષ્ણ પરનાં રચેલાં ગીતો માટે પણ પ્રખ્યાત હતા. ૧૮૫૫માં તેમના મૃત્યુ પછી તેમના ભાઈએ આ મકબરો બનાવ્યો હતો. એ જ રીતે ૧૮મી સદીમાં થઈ ગયેલા ઓલિયા સમા પીર અબુ તરબને નમવા ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવે છે.

૧૮૧૯માં આવેલા ધરતીકંપે અહીંની ધરતીનું દટનપટન કરી નાખ્યું. સિંધુ નદીનું વહેણ સાવ બદલાઈ જતાં લખપત સાવ વેરાન બની ગયું. દોમદોમ સાહેબીમાં જીવતું નગર જાણે રણ બની ગયું. લખપતથી માત્ર ૪૦ કિલોમીટર દૂર પાકિસ્તાન બૉર્ડર છે, પણ વચ્ચે આવેલા દલદલને (કાદવના મેદાનને) કારણે બૉર્ડર સુધી પહોંચવું બહુ અઘરું છે એટલે લખપત પશ્ચિમ ભારતનું (ગુજરાતનું) છેલ્લું ગામ કહી શકાય. અભિષેક બચ્ચન અને કરીના કપૂરની ડેબ્યુ ફિલ્મ ‘રેફ્યુજી’નું ઘણું શૂટિંગ અહીં થયું હતું. કાળની થપાટ ખાઈ ચૂકેલા લખપતમાં સમયની માગ પ્રમાણે વેપાર અર્થે મેઘજીબાપાએ મુંબઈ તરફ પ્રયાણ કર્યું. એ વર્ષ હતું અંદાજે ૧૮૯૮નું કે ૧૮૯૯નું.

લખપત જેવી જ ગ્રામ્ય સંસ્કૃતિ ધરાવતા એ સમયના ઘાટકોપરમાં મેઘજીબાપા આવ્યા અને ૧૯૦૭માં તેમના ઘરે પુરુષોત્તમનો જન્મ થયો. પુરુષોત્તમે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઘાટકોપરમાં જ લીધું, પરંતુ દૈવયોગે બીમાર પડતાં મેટ્રિકની પરીક્ષા ન આપી શક્યા અને મેઘજીબાપાના વ્યવસાયમાં જોડાઈ ગયા. એ સમયના ગામડા જેવા ઘાટકોપરનો સમાવેશ મુંબઈમાં નહોતો થતો. મુંબઈ માત્ર સાયન સુધી સીમિત હતું. ઘાટકોપર તો થાણા જિલ્લામાં સામેલ હતું. કહેવાય છે કે વર્ષો પહેલાં નદી અને નાના ઘાટ પર વસેલું હોવાથી ગામનું નામ પડ્યું ઘાટકોપર (ઘાટ પર વસેલું ગામ). મેઘજીબાપા લખપતના કુદરતી વાતાવરણમાં ઉછર્યા હતા એમ તેમના દીકરા પુરુષોત્તમભા ઘાટકોપરના કુદરતી વાતાવરણમાં ઉછર્યા હતા. એ સમયે ઘાટકોપર નાની વાડીઓ, બંગલીઓથી ઘેરાયેલું હતું. ઘાટકોપરના કાચા રસ્તાઓ પર રાત્રે ફાનસ સળગાવવામાં આવતા. રસ્તાઓ દિવસના બે વાર ધોવામાં આવતા. ઘાટકોપરમાં પાણી કુવાઓમાંથી ભરીને વાપરવામાં આવતું. એ સમયે કોન્ક્રીટના જંગલને બદલે વૃક્ષોથી લહેરાતા ઘાટકોપરના કુદરતી સૌંદર્યમાં પુરુષોત્તમ કબાલીની કિશોર અવસ્થા પસાર થઈ.

પુરુષોત્તમભા ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર હતા. કશુંક કરી દેખાડવાનું સ્વપ્ન મનમાં આકાર લેતું હતું. પિતા મેઘજીબાપાના અવસાન પછી ફોટોગ્રાફીના સામાનનો વેપાર કરતી કંપની ‘બૉમ્બે-બર્લિગ ટ્રેડિંગ કંપની’માં જોડાયા. વિષયમાં ઊંડા ઊતરવાની કુદરતી શક્તિને કારણે ફોટોગ્રાફીમાં તેમણે કસબ મેળવી લીધો. નિસર્ગપ્રેમી હોવાને કારણે નૈસર્ગિક ફોટોગ્રાફીમાં બરાબર હાથ જમાવી દીધો. એ સમયે મોબાઈલ કૅમેરા કે આધુનિક કેમેરા નહોતા એટલે આ ખર્ચાળ શોખ પૂરો કરવા સાદા કૅમેરાથી ફોટોગ્રાફી કરી અનેક ચંદ્રકો અને ઇનામ મેળવ્યાં. પોતાની ધગશ અને હુન્નરથી લંડનની વિશ્વવિખ્યાત ‘રોયલ સોસાયટી ઑફ આર્ટ’ અને ‘રોયલ ફોટોગ્રાફિક સોસાયટી”ની કીંમતી ડિગ્રીઓ પ્રાપ્ત કરી આ કચ્છી લોહાણા યુવાને કળા પારખુઓને મંત્રમુગ્ધ કરી દીધા.

આકાશમાં ઊડતા પક્ષીઓ અને પતંગોને જોઈ તેમના મનમાં ઊડવાની ઝંખના જાગી. આકાશમાં ઊડીને પૃથ્વીની પરિક્રમા કરવા, પૃથ્વીને જોવા મન તલપાપડ થવા લાગ્યું. ફોરેગ્રાફીનો વ્યવસાય છોડી દીધો. અને કશુંક નવું કરવાનો હોશ જાગી. પરિણામે પંખીની જેમ ઊડવા વિમાની (પાઇલટ) બનવાનો કોલ પોતે જ પોતાની જાતને આપ્યો. એ દિશામાં આગળ વધવા પત્ની નારાયાણીબાઈનો સાથ સાંપડ્યો.

યુવાન પુરુષોત્તમ કબાલી પાસે બહુ નાણા છૂટ નહોતી, પણ મનમાં અનેક ગણતરીઓ કરી પ્રથમ ડગલું ભર્યું અને જર્મની જવા નીકળ્યો. એ સમયે ભારતમાં હજી એર ટ્રાવેલિંગનો પ્રવેશ થયો ન હતો. મુંબઈથી પરદેશ જવા માત્ર દરિયાઈ માર્ગ હતો એ પણ અગવડભર્યો અને અસલામત, છતાં આ કચ્છીમાડુએ હૈયામાં હિંમત ભરી અને જર્મની પહોંચ્યો, થોડીક રખડપટ્ટી અને સંઘર્ષ પછી જર્મનીમાં વિમાન બનાવવાની કંપનીમાં વિમાન બનાવવાની તાલીમ લેવા લાગ્યો.

એ કાળમાં ભારતમાં હજી પૂરી રેલવે સેવાઓ પણ વિકસી નહોતી. કારનું મિકેનિઝમ પણ સરળતાથી ઉપલબ્ધ નહોતું. ૧૯૩૦ સુધી ભારતના રસ્તાઓ પર ગણીગાંઠી કાર દેખાતી. એમાંય અંગ્રેજ સરકારની પરવાનગી લેવી પડતી, છેક ૧૯૪૦માં ભારતમાં કાર બનાવવાની શરૂઆત થઈ એવા સમયે પુરુષોત્તમભા વિમાન બનાવવાનું શીખતા હતા!

મેટ્રિક પણ પાસ ન થયેલા આ કચ્છી લોહાણા યુવાને બહુ ઓછા સમયમાં વિમાન બનાવવાની ઉપયોગી ટ્રેનિંગ લઈ લીધી અને જર્મનીથી લંડન જઈ, લંડનમાં સમુદ્ર શાસ્ત્રનો અભ્યાસ કરી તે ‘ઇમ્પિરિયલ એરવેઝ લિમિટેડ'માં વિમાન સંચાલનમાં જોડાયો. લંડનમાં કર્નલ હેન્ડરસનની પાઈલોટની તાલીમ આપતી સ્કૂલ પ્રખ્યાત હતી ત્યાં પાઈલોટ બનવાની તાલીમ લીધી.

પુરુષોત્તમભાની જ્ઞાનની ભૂખ અને ચીવટ જોઈ હેન્ડરસન દંગ રહી ગયા. તેમને બિરદાવતા ‘એરોપ્લેન’ નામના મૅગેઝિનમાં હેન્ડરસને લખેલું કે મારે ત્યાં પહેલી વાર આવ્યો ત્યારે મને તેને માટે જરાય આશા નહોતી, પરંતુ માત્ર ૨૫ દિવસના ટૂંકા ગાળામાં, ૪૨ કલાકમાં તેણે સોલો-સફરનું સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું. દૂર-દૂરની ઊંચાઈએ ઊડવાનું તથા અનિયમિત માર્ગે (ક્રોસ કન્ટ્રી) ઊડવાની ‘એ’ અને ‘બી’ લાઈસન્સની બધી જ પરીક્ષા પાસ કરી લીધી. ૯૦૦૦ ફુટની ઊંચાઈએ ૨૫ મિનિટ રહીને બરાબર ચોક્કસ જગ્યાએ વિમાનને ઉતારી (લેન્ડ કરાવી) પોતાની કાબેલિયતની અને કળાયુક્ત ચોક્સાઈની સાબિતી આપી. ક્રોસ કન્ટ્રી પાઈલોટ તરીકે તે ભવિષ્યમાં જરૂર નામના કાઢશે.

પુરુષોત્તમભાની આ નિપુણતા. જોઈ એક બ્રિટિશ કંપનીએ સારા પગારે પોતાને ત્યાં પાઈલોટ તરીકે જોડાવાની ઓફર આપી, પણ દેશપ્રમી પુરુષોત્તમભાએ ઑફરનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કરીને કહ્યું, ‘હું તો હિન્દી કંપની દ્વારા મારા દેશની જ સેવા કરવા માગું છું.’

ઈસ્વીસન ૧૯ર૯માં તેમણે લંડનમાં એક વિમાન ખરીદ્યું. આ નવીન વિમાનનું નામકરકણ કૂચબિહારનાં મહારાણીના હસ્તે કરાવ્યું. આ વિમાનનું નામ ‘અરુણ પિચ્છ Feather Of Dawn’ રાખવામાં આવ્યું. આ કાવ્યાત્મક નામ સૂચવનારા હતાં ક્વયિત્રી સરોજિની નાયડુ. એ સમયમાં વિમાન નાનાં બનતાં અને લાંબું ઉડયન નહોતાં કરી શકતાં, પરંતુ પ્રથમ ભારતીય પાઈલોટ પુરષોત્તમભાએ બહુ લાંબી મજલ કાપી. ઇંગ્લેન્ડથી ટેક ઑફ કરી પેરિસ, રોમ, ઈરાન થઈને કરાંચી પહોંચવાની સાહસિક યોજના બનાવી, કારણ કે આટલો લાંબો વિમાનમાર્ગ કાપી તે રેકોર્ડ બનાવવા માગતા હતા. વિમાન ટેક ઑફ કર્યા પછી જાણે રમકડું રમાડતા હોય એમ બહુ સહજતાથી પેરિસ, રોમ, ટ્યુનિસ પાર કર્યું, પણ ટ્રિપોલી પાસે વિમાન તોફાનમાં ફસાઈ તૂટી પડ્યું. ઈશ્વરકૃપાથી તેમને કોઈ ગંભીર ઈજા ન પહોંચી. તૂટી ગયેલા પ્લેનના ટુકડાઓને મુંબઈ લાવવામાં આવ્યા. મુંબઈમાં પ્લેનને ફરીથી જોડી ઊડતું કરી દીધું. હવામાં થયેલા અકસ્માત પછી પણ ડર્યા વગર વિમાન ઉડાડવાનું પોતાનું સપનું પડતું ન મૂક્યું. વિમાન ફરીથી જોડી પાછું એક વાર ઉડાવ્યું. મુંબઈના જુહુ એરપોર્ટ પર ઍર સર્વિસીસ ઑફ ઇન્ડિયા લિમિટેડમાં પાઈલોટ તરીકે જોડાઈ ગયા. એક મરાઠી લેખકે મરાઠીમાં તેમની જીવન કથા લખી છે, જાણે મરાઠી ભાષાએ કચ્છિયતનું સન્માન કર્યું. બી.એમ.સી.એ પણ દક્ષિણ મુંબઈના એક ચોકને તેમનું નામ આપી સન્માન કર્યું છે.

ફ્રાન્સના નાગરિક, પેરિસમાં જન્મેલા, જે.આર.ડી. તાતાને પાઈલોટ તરીકેનું લાઈસન્સ ભલે પુરુષોત્તમભાથી એક વર્ષ પહેલાં મળેલું, પણ પહેલાં ભારતીય પાઈલોટ તરીકે તો પુરુષોત્તમ મેઘજી કબાલીને જ સ્વીકૃતિ મળી છે, કારણ કે તે સમયે ટેક્નિકલી જે.આર.ડી. તાતા પેરિસમાં જન્મેલા ફ્રાન્સના નાગરિક હતા, જ્યારે પુરુષોત્તમભા ભારતીય નાગરિક હતા. જો કે પાઈલોટ બન્યા બાદ જે.આર.ડી. તાતાએ ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યું હતું.

આર્થિક રીતે પુરુષોત્તમભા તાતાથી ઘણા પાછળ હોવા છતાં પોતાની સૂઝ અને સાહસથી પાઈલોટ બની, લાંબી વિમાની સફર ખેડી એટલે ભારતીય પ્રોફેશનલ પાઈલોટ તરીકે તો પુરુષોત્તમ મેઘજી કબાલી જ પહેલા હતા. ઘાટકોપરના લોહાણા સમાજના આગેવાન જિજ્ઞેશભાઈ ખિલાણી કે આગેવાન નેતા પ્રકાશભાઈ મહેતા કે પરાગભાઈ શાહ જેવા આગેવાન આ વીર કબાલીના નામે રોડનું નામ કે કોઈ સ્મારક બનાવવા પ્રયત્ન કરે તો ગુજરાતનું ગૌરવ વધે. આવા સાહસવીર ભારતના પ્રથમ પાઈલોટ પુરુષોત્તમભા કબાલીને ‘મિડ-ડે'ના ‘કચ્છી કોર્નર’ વતીથી સારી સલામ ભરી વિરમું છું.

(‘ગુજરાતી મીડ-ડે’, તા ૦૭-૦૪-૨૦૨૦.)
[પાછળ]     [ટોચ]