[પાછળ]
આવતી કાલના પ્રશ્નો
લેખકઃ કાકાસાહેબ કાલેલકર

(અમદાવાદના નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રગટ થતા ‘નવજીવનનો અક્ષરદેહ’ સામાયિકના માર્ચ, ૨૦૨૦ અંકમાંથી આ વક્તવ્ય સાભાર લેવાયું છે. ગાંધી યુગના વિપુલ સાહિત્યને લોકસુલભ બનાવવાનો આ એક આવકાર્ય મહાયજ્ઞ વિવેક દેસાઈ અને અપૂર્વ આશર દ્વારા ચાલી રહ્યો છે.)
ર્તમાનમાં ઊભી થયેલી સ્થિતિ અકલ્પનીય છે. તે કેવી રીતે નિર્માઈ તેનો જવાબ કોઈની પાસે નથી. પણ આ કટોકટી ટળશે પછીથી તેનું આકલન થશે અને ભવિષ્ય વિશે ફેરવિચારણા કરવાનું થશે. આવતી કાલ વધુ બહેતર થાય તે અર્થે કાકાસાહેબ કાલેલકરે મુંબઈના ‘ભગિની સમાજ’ આગળ તા. ૨૬-૯-૧૯૨૫ના રોજ કરેલું વક્તવ્ય આજે પણ એટલું જ બંધબેસતું છે.

દુનિયા આગળ આજના સવાલો એટલા બધા વિકટ થઈ પડ્યા છે કે કેટલાક ઉત્કટ સેવકો જરૂર કહેશે કે, ‘આજનું મોત આજે મરી લઈએ, આવી કાલ ઊગશે ત્યારે ત્યારનું જોઈશું.’ છતાં એવા લોકો પણ જરાક શાંત થઈને વિચારતાં જોશે કે માણસ જીવે છે તે આવતી કાલની જ આશાએ. આવતી કાલનું આકર્ષણ ન હોત, આવતી કાલનું આશ્વાસન ન હોત, તો કેટલાયે લોકોએ આજને માટે જીવવાની ના પાડી હોત. એક રીતે એમ પણ કહી શકાય કે જે વ્યક્તિ અને જાતિ આવતી કાલના પ્રશ્નોનો વિચાર કરી રાખે છે તે જ આજે ફાવે છે.

આવતી કાલના પ્રશ્નોનો વિચાર કરવા માટે એક જાતનું યૌવન અથવા તારુણ્ય જોઈએ છે. તરંગી બાળકો અને આદર્શદર્શી યુવાનો સ્વભાવતઃ આવતી કાલનો વિચાર કરે છે. મહત્વાકાંક્ષી અને વ્યવહારકુશળ આધેડ વયના લોકો આજના સવાલોમાં જ રચ્યાપચ્યા રહે છે. જ્યારે થાકી ગયેલા ઇતિહાસ-પરાયણ ઘરડા લોકો ગઈ કાલના સવાલો ચૂંથ્યા કરે છે. આપણી ધાર્મિક ચર્ચાઓ, નાતજાતના ઝઘડાઓ અને કુટુંબાભિમાન પાછળ ઘણી વાર ગઈ કાલના સવાલો જ હોય છે. એક વખતે ભારે પ્રતિષ્ઠા ભોગવતી અને આજે પછાત જેવી દશામાં પડેલી કેટલીક કોમો અને વ્યક્તિઓ પણ ગઈ કાલના સવાલોમાં જ રચીપચી દેખાય છે, અને દહાડે દહાડે તેમનો જીવનકલહ વધારે ને વધારે કપરો થતો જાય છે.

ભૂતકાળ જાણવો એ જરૂરનું છે, કેમ કે ભૂતકાળમાં આપણી મૂડી સમાયેલી છે; ભૂતકાળ પાસેથી આપણને પ્રેરણા મળે છે, પણ ભૂતકાળ વાગોળ્યે દહા઼ડો વળવાનો નથી. ભૂતકાળને આદરપૂર્વક દફનાવતાં પણ આપણને આવડવુ જોઈએ. વર્તમાનકાળને ઓળખવો એ અપરિહાર્ય છે કેમ કે આપણી હસ્તી જ વર્તમાનકાળમાં છે. પણ આપણા પુરુષાર્થની દિશા નક્કી કરવા ખાતર આપણે આવતી કાલનું જ દર્શન કરવું ઘટે છે. આવતી કાલનું દર્શન ન કરી શકીએ તો આપણું આખું જીવન અર્થશૂન્ય થઈ પડવાનું. જો આપણે આવતી કાલને આવકાર ન આપીએ તો મૂંઝવણ, અવ્યવસ્થા અને પરાધીનતા એ ત્રણે વસ્તુ આપણને વળગેલી જ છે.

પણ આવતી કાલના પ્રશ્નો એટલે શું? આજના પ્રશ્નોનો ઉકેલ આવ્યા પછી ઊઠનારા પ્રશ્નો, એ એક જવાબ છે અથવા તો જે સવાલનો આજે ઉકેલ આણવો અશક્ય થઈ પડ્યો છે અને તેથી જે આવતી કાલ ઉપર મૂકવા પડ્યા છે તે પ્રશ્નો, એવો પણ અર્થ થઈ શકે છે. ત્રીજી રીતે વિચારતાં, જે પ્રશ્નો આજે ઊઠતા જ નથી, પણ આગળ જતાં ઊઠ્યા વગર રહેવાના નથી એવા સ્વાભાવિક પ્રશ્નો, એવો પણ અર્થ લઈ શકાય.

આવતી કાલના પ્રશ્નો એ વિષય ખાસ કરીને સમાજશાસ્ત્રનો છે, એટલે કે એમાં વ્યાપક અર્થમાં ધર્મના સવાલોયે આવે, રાજકારણનાયે આવે, આર્થિક અને સામાજિક પણ આવે અને કેળવણી અને લોકશિક્ષણના પણ આવે. આખી દુનિયામાં માણસજાતની શી સ્થિતિ છે, મહાપ્રજાઓ વચ્ચે કેવો સંબંધ બંધાતો જાય છે, નૈતિક અને બૌદ્ધિક ઉન્નતિમાં માણસે કેટલી પ્રગતિ કરી છે, કુદરતની મદદ માણસ કેટલે દરજ્જે લઈ શક્યો છે અથવા એની સામે કેટલો દ્રોહ કરી રહ્યો છે, અને આગળ જતાં દુનિયા કેવું સ્વરૂપ પકડનાર છે, એ બધી વસ્તુઓનો વિચાર કર્યા પછી જ આવતી કાલના પ્રશ્નોનું સ્વરૂપ નક્કી થઈ શકે એમ છે અને ત્યાર પછી જ એ પ્રશ્નોનો ઉકેલ પણ આપણને સૂઝવાનો છે.

કેટલાક સવાલો તો આવતી કાલની રાહ ન જુએ એવા આકરા છે. દાખલા તરીકે દેશનો ભૂખમરો ટાળવાનો ઉપાય, અસ્પૃશ્યતાનિવારણ, કેળવણીનો ફેલાવો, કોમી સંપ અથવા સમાધાની, અને વેઠની બંધી. સ્ત્રીકેળવણીનો વિષય મેં આમાં જાણીજોઈને નથી ઉમેર્યો, એનું કારણ આગળ કહીશ.

અત્યાર સુધીનો આપણો એટલે કે દુનિયાનો સુધારો તપાસીએ તો દરેક સારી કે ખરાબ વસ્તુનો પ્રચાર બાહ્ય નિયંત્રણથી જ થયો છે–પછી તે સામ્રાજ્યનો વિસ્તાર હોય કે ધર્મનો પ્રચાર. જોહુકમી રાજાની લોહીતરસી તલવારથી માંડીને પીનલ કોડની કલમો સુધી જ્યાં જુઓ ત્યાં બાહ્ય નિયંત્રણ છે. દરેક ધર્મના સિદ્ધાંતો જુઓ, કેટલા ઉદાર અને આત્મલક્ષી ! પણ તે તે ધર્મના સંઘોના નિયમો જુઓ, ધર્મમાં આવનાર લોકોને માટે લાલચ, ધર્મબાહ્ય લોકોને માટે ધિક્કાર અને ધર્મ છોડીને જનારને માટે બીક ડગલે ને પગલે બતાવવામાં આવે છે. લશ્કરમાં જેમ આજ્ઞાનું શારીરિક પાલન આવશ્યક ગણાય છે તેમ ધર્મમાં પણ બન્યું છે.

અને આપણો સામાજિક વિવેક કઈ રીતે ટકે છે? તેની અંતઃસ્થ સુંદરતાને લીધે કે સામાજિક નિંદાસ્તુતિને લીધે? રજાનો દરેક રવિવાર બતાવે છે કે છ દિવસનું આપણું જીવન આપણે માટે સ્વાભાવિક નથી થયું. ઇજિપ્તની પિરામિડો, આગ્રાનો તાજમહાલ, વિજયનગરનાં મંદિરો અને યુરોપનાં કૅથીડ્રલો કળાના ગમે તેટલા સુંદર નમૂના હોય, પણ તેની પાછળ અસંખ્ય ગરીબોની હાય છે. જીવતાજાગતા લાખો માણસોનું વ્યક્તિત્વ દબાવીને જ એ વસ્તુઓ ઊભી થઈ છે. મજૂરોના પરસેવા ઉપર આળસમાં જીવનારા લોકો ભલે આ કળામાં આત્મવિકાસ જુએ, પણ આ બધી ઇમારતોના પાયામાં માનવી આત્મા કચરાયેલો જ સ્પષ્ટ દેખાય છે. અનેક કુટુંબોનો નાશ, નીતિનું સત્યાનાશ અને બંધુત્વનું ખૂન કર્યા પછી જ આ વસ્તુઓ ઊભી થઈ છે. એક ભોળા ભગતે તરતા તરતા નદીને સામે કાંઠે જઈ ત્યાંથી રોજ રોજ પથ્થર આણીને બાંધેલું દેવળ એ જ મારી દૃષ્ટિએ નિર્દોષ સાત્ત્વિક કળાનો. ઉત્કૃષ્ટ નમૂનો છે. અને એ જ ધર્મનું ધામ કહેવાય.

લશ્કરમાં જુઓ, લશ્કરનું કૌવત એની તાબેદારીમાં હોય છે અને તાબેદારી (ડિસિપ્લિન) એટલે શું? હૃદયની એકતા? ના. એ તો આવતી કાલની વ્યાખ્યા છે. લશ્કરમાં એક ‘હેડ” હોય છે, બાકી બધા ‘હેન્ડ્ઝ’, એટલે કે એક માણસની ઇચ્છા અને બુદ્ધિશક્તિ પ્રમાણે બધું કામ ચાલે છે અને બાકી બધા પોતાના ‘હેડ’નો સ્વતંત્ર ઉપયોગ ન જ કરી શકે. પ્રમુખનું મુખ જ બોલે; બાકી બધા મનુષ્યો હોવા છતાં મૂક. આથી ધાર્યું કામ બહુ જ સુંદર રીતે પાર પડે છે, પણ મનુષ્યજાતિનો આત્મા હણાય છે. આજનો સોલ્જર સાચો ક્ષત્રિય નથી હોતો, કેમ કે આત્માનું ગૌરવ તે જાણતો જ નથી. અને સરકારી ખાતાંઓમાં પણ શું? એક બાજુએ વ્યવસ્થામાં ક્યાંયે છિદ્ર રહેતું નથી, ત્યારે બીજી બાજુએ માણસની માણસાઈ જ હણાય છે. જે જાતિએ નોકરશાહીનો વર્ગ ઉત્પન્ન કર્યો તે જાતિની કાર્યકુશળતા ગમે તેટલી વધે, પણ તેનું તેજ તો લુપ્ત જ થઈ જાય છે.

જેઓ વગર વિચાર્યે હુકમ ઉઠાવી શકે છે, માગેલું કામ કશા ઉત્સાહ વગર પણ નિયમિત આપી શકે છે તેઓ માણસ નથી, પણ યંત્ર છે. જાલિમ થતાં તેમને ક્ષોભ થતો નથી, ગુલામ થતાં શરમ આવતી નથી. આખી દુનિયાનો ઇતિહાસ તપાસીએ તો એમ જણાય છે કે માણસે સુધારા પાછળ દોડતાં સ્વતંત્રતાનો મિજાજ કેળવવાને બદલે ખોયો જ છે.

આપણા ધર્મના અને સંપ્રદાયના કેટલાક નિયમો જુઓ. તેમાં પણ પૂર્વાચાર્યોએ લોકોની બુદ્ધિ અને ભાવના કેળવવા જેટલી ધીરજ હંમેશાં બતાવી નથી. તેથી ફક્ત બાહ્ય નિયમોના પાલનથી જ આપણે સંતુષ્ટ રહ્યા છીએ અને ધર્મના જેવી જલદ અને ઊંડી શાંતિથી પણ પ્રજા અસ્પૃષ્ટ જ રહી છે. સામાજિક નીતિએ મોટે ભાગે બાહ્ય વિવેકનું જ સ્વરૂપ પકડ્યું છે અને બધે જાણે દંભનું જ સામ્રાજ્ય ચાલે છે. કંઈક આશા હોય તો કૌટુંબિક જીવનમાં છે, પણ ત્યાં પણ ઘરની અંદરનાં તાળાંકૂંચીઓ શું સૂચવે છે? સગાંસંબંધીઓ વચ્ચે સ્ટેમ્પ ઉપર થતા કરારો શું સૂચવે છે? સ્ત્રીપુરુષ વચ્ચેના કેટલાક વિવેકના નિયમો શું સૂચવે છે? એટલું જ કે માણસની હજી નૈતિક ઉન્નતિ થઈ નથી. તેથી જ બાહ્ય નિયંત્રણ આવશ્યક થઈ પડ્યું છે અને એ નિયંત્રણની મદદથી જ આપણું ગાડું ચાલી શકે એમ છે.

આપણી આખી સામાજિક વ્યવસ્થા અને આર્થિક આયોજના જુઓ. ગરીબોની મહેનત પર પૈસાદારો જીવે છે અને કળા અને સંસ્કૃતિ કેળવે છે. બિચારા ગરીબોને એમાંથી કશું મળતું નથી. અભણ લોકોના અજ્ઞાન ઉપર વિદ્વાનો પોતાની પ્રતિષ્ઠા જમાવે છે, અને સૈકાઓ વીત્યા છતાં બિચારા અભણો અભણ જ રહ્યા છે. ‘विदुषां जीवन मुर्खाः’ એ આપણે તો સમાજશાસ્ત્રનું સૂત્ર જ કરી નાખ્યું છે. આપણી સામાજિક માન્યતાઓ, આપણા રિવાજો અને કાયદાઓ ગરીબોની દાઝ બહુ ઓછી બતાવે છે. ‘દયા ધરમ કા મૂલ હૈ’ એ વચન થોડાક ભિખારીઓને અથવા અપંગ આંધળાઓને અને વિધવાઓને ખવડાવવા પૂરતું જ જાગ્રત રહ્યું છે. તેથી બુદ્ધિશક્તિ અનંત રીતે ખીલવીને, વ્યવસ્થાશક્તિ અણિશુદ્ધ કરીને આખી દુનિયાએ જે ભારે સંસ્કૃતિ ઊભી કરી છે તે નીતિ વગરની એટલે કે પાયા વગરની થઈ પડી છે. આસુરી સંસ્કૃતિને હંમેશાં દસ માથાના રાવણની જ જરૂર નથી હોતી.

છતાં આજની સ્થિતિ સાવ નિરાશાજનક નથી. બાહ્ય નિયંત્રણ પણ ટકે છે શેના આધારે? એની પાછળ નીતિતત્ત્વ તો રહેલું જ છે. સામાજિક દબાણથી ભલે લોકો નીતિનું પાલન કરતા હોય, પણ એ સામાજિક દબાણ પાછળ સુધ્ધાં નીતિનું જ સામ્રાજ્ય રહેલું છે. છતાં જે વસ્તુ સુપ્ત છે તે પ્રગટ થવાની જરૂર છે, કેમ કે હવે સામાજિક આત્મા જાગ્રત કરવાનો વખત આવી પહોંચ્યો છે.

આવતી કાલના પ્રશ્નો અનંત છે, કેમ કે માણસનું જીવન વિવિધ છે, પણ એ બધા સવાલો પાછળ એક જ વસ્તુ મુખ્ય છે કે માણસના વિકાસમાં આત્માને કેટલું સ્થાન મળવાનું છે? બાહ્ય નિયંત્રણથી કાર્યકુશળતા ભલે વધે, પણ તેથી માણસનું કુશળ થશે જ એવી ખાતરી નથી. એને માટે તો માણસમાત્રની બુદ્ધિનો વિકાસ થવો જોઈએ. માણસના હૃદયનો વિકાસ થવો જોઈએ, માણસની સમજશક્તિનો વિકાસ થવો જોઈએ, અને નીતિયુક્ત સહકાર કરવાની આવડત વધવી જોઈએ. આજે બાહ્ય નિયંત્રણથી સ્વાર્થ પૂરતો અથવા તો બીકને લીધે સહકાર કરવો પડે છે તે અસહાય સહકાર છે. એને ઠેકાણે પ્રેમાદરનો, સેવાભાવનો જીવનવ્યાપી સહકાર થવો જોઈએ. તે થાય તો જ માણસજાત,સુધરી કહેવાય અને ‘धर्मो विश्वस्य जगतः प्रतिष्ठा’ એ સૂત્ર કૃતાર્થ થાય.

એને માટે આપણે આપણાં સાધનમાં ફેરફાર કરવો જોઈએ. અત્યાર સુધી આપણે જેટલું કર્યું છે તે બધું કાયદાથી કર્યું છે–પછી તે કાયદો સરકારનો હોય, સમાજનો હોય કે ધર્માચાર્યોનો હોય. આપણે હવે કાયદા પરનો વિશ્વાસ છોડી દઈ કેળવણી દ્વારા કામ લેવું રહ્યું. કાયદાનો માર્ગ સહેલો છે, જંગલી છે, અને અંતે વ્યર્થ છે. કેળવણીનો માર્ગ ધીમો છે, ધીરજનો છે, સંસ્કારી છે, અને અંતે સમર્થ છે. અને તે કેળવણી કેવી? “યુનિવર્સિટી’ દ્વારા ‘ફાઉંડ’ કરેલી ‘ચેઅર્સ’ દ્વારા આપેલી નહીં, દેશભર ચોપાનિયાંનાં પૂર વહાવી મેલીને સુઝાડેલી નહીં. તેમ જ રજાના દિવસોમાં ગોઠવેલી વ્યાખ્યાનમાળાઓથી અપેક્ષેલી પણ નહીં. કેળવણી એ દિવ્ય વસ્તુ છે. એનો પ્રચાર પેગંબરોના ઉત્સાહથી જ થઈ શકે છે. એની પાછળ જીવન સર્વસ્વ રેડેલું હોય, એની પાછળ આત્મબલિદાન હોય.

અત્યાર સુધી દુનિયાએ બલિદાન ઓછું આપ્યું નથી. પણ તે આત્મબલિદાન ન હતું. પશુના બલિદાનથી માણસો વધ્યા. ગરીબોનું બલિદાન આપીને પૈસાદાર લોકો ફાવ્યા. બળદોનું બલિદાન લઈને ઘોડા રોગમુક્ત થયા. જાતિઓનું બલિદાન લઈને સામ્રાજ્યો માત્યાં. આપણા ધર્મગ્રંથોએ પણ અનુમોદ્યું:

    यज्ञार्थ  बलयः  सृष्टाः  स्वयमेव  स्वयंभुवा |
    अतस्त्वां घातयाम्यद्य, यस्माद्यज्ञे मतो वधः ||
માણસ પશુને જુએ છે કે તરત જ અભિમંત્રેઃ
    पशुस्त्वं बलिरूपेण मम भाग्यादवस्थितः |

દુર્બળોનો બળિ આપીને આપણે શક્તિ કેળવી છે, વ્યવસ્થા કેળવી છે, સ્વાર્થી દીર્ઘદૃષ્ટિ કેળવી છે. જીવવાની અને જીતવાની કળા ખીલવી છે. પણ આપણે આત્મા ખોયો છે. આપણે આત્યંતિક કલ્યાણ ખોયું છે, બંધુતા ખોઈ છે અને ભારે ભૌતિક ઉત્કર્ષ સાધવા છતાં પરમાત્માની કૃપા ખોઈ છે.

આવતી કાલના પ્રશ્નોનો ઉકેલ આણવો હોય, આત્માનું સ્વાતંત્ર્ય સ્થાપવું હોય, માણસજાતને આઝાદ કરવી હોય તો હવે પછી આત્મબલિદાનની શક્તિ કેળવવી જોઈશે. આત્માને જાગ્રત કરનાર કેળવણી અને આત્મબલિદાનની શક્તિ એ જ આવતી કાલનાં બારણાં ઉઘાડવાની કૂંચી છે. અત્યાર સુધી આપણે બીજાને સહન કરાવતા આવ્યા છીએ. હવે પછી પંડે સહન કરવાનો રસ્તો લેવો જોઈશે. આ રસ્તો પ્રતીપ છે, એટલે કે વહેતી ધારાથી ઊલટી દિશાએ જવાનો છે. શરૂઆતમાં એમાં આપણે ફાવવાના નથી. વ્યવહારકુશળ લોકો આપણને હસી કાઢશે, ભૂતકાળનો ઇતિહાસ ટાંકીટાંકીને આપણને બેવકૂફ કરાવશે, કંઈ નહીં તો તરંગી તો કહેશે જ, પણ આવી નિષ્ફળતામાંથી જ ભવિષ્યકાળની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. બીજ સડે ત્યારે જ અંકુર ફૂટે. આકાશમાં ઊંચો મિનારો બાંધતાં પહેલાં પાયાના ખાડામાં અનેક પથરા નાખવા પડશે. લોકો કહેશે, ‘શો અવળો પ્રયત્ન!” છતાં શ્રદ્ધાપૂર્વક, આકાશ તરફ પણ જોયા વગર, પાયામાં કામ કરવું પડશે.

આ ભગીરથ કામ કોણ કરે? આ કામનું મહત્ત્વ અને સ્વરૂપ કોણ સમજી શકે? આ કાર્ય માટે જાણ્યેઅજાણ્યે કોણે તૈયારી કરી છે? માણસની દૃષ્ટિમાં ત્રિકાલ જોવાની જેટલી શક્તિ હોય તેટલી જેમની પાસે છે એવા વૈદિક અર્થના કવિઓ જ આ કામ કરી શકે, પણ એવા આજે દુનિયામાં કેટલા છે? બહુ જ વિરલ અને તેમને પણ કોઈ સમજતું તો નથી જ. આવડા મોટા વ્યાસ ! પણ તેમને પણ આખરે તાત્કાલિક હારનાં વચન કાઢવાં પડ્યાં:

उर्ध्वबाहुविरौम्येष न च कश्चिच्छृणोति मे !

આજે પણ શું એવી જ દશા નથી? ના. એ ભવિષ્ય માટે પરિસ્થિતિની કઠોર નિશાળમાં કેળવાયેલો એક વર્ગ છે. આજે લોકો તેને અબળા તરીકે ઓળખે છે. પણ જ્યારે એમનો વખત આવશે ત્યારે દુનિયા જોશે કે આજની અબળા એ આવતી કાલની શક્તિસ્વરૂપિણી છે. સહન કરી કરીને તેણે સહાનુભૂતિ કેળવી છે. જીવનકલહમાંથી અમુક દરજ્જે મુક્ત રહી તેણે ભાવનાઓનો વિકાસ કર્યો છે. નમ્ર થઈ સામ્રાજ્ય ભોગવવાની કળા તેને લાધી છે. આવતી કાલ તેની છે.

પણ સ્ત્રીઓની તપશ્ચર્યા અધૂરી છે. દૃષ્ટિ સંકુચિત, પ્રેમસંબંધનું ક્ષેત્ર સંકુચિત, અમુક રીતે જીવન પરાધીન, અને અતિ સહન કરવું પડ્યાથી વૃત્તિઓ કંઈક વિકૃત-એ વસ્તુસ્થિતિ તરફ આંધળા રહ્યે પાલવે એમ નથી. માતા તરીકે સ્ત્રીનું સ્થાન કેળવણીકારના જેવું છે. તે સ્થાનમાં તેઓ આજે દીપી નીકળતાં નથી. ભગિની તરીકે ભાઈઓમાં કોમળ તેજસ્વિતા અને પવિત્ર નિષ્ઠા કેળવવાનું કામ હજી તેઓએ હાથમાં લીધું નથી. સ્ત્રી તરીકે સહધર્મિણીને સ્થાને તેઓ વિરાજ્યાં નથી અને કન્યા તરીકે તેમની મારફતે પરમમંગલા ચિત્‌સ્વરૂપિણી આદિશક્તિનું આપણને દર્શન થતું નથી. એ બધું કરવા માટે એમને નવી દીક્ષા મળવી જોઈશે. એ દીક્ષા વગરની આજની કેળવણી તેમને તેમના આદર્શથી દૂર દૂર લઈ જશે. તેઓ પોતે દીક્ષા લે અને દુનિયાને શીતળ ત્યાગનો, ઉલ્લાસયુકત આત્મબલિદાનનો પાઠ ભણાવે ત્યારે જ આવતી કાલની તૈયારી થશે.

આજ અને આવતી કાલ વચ્ચે સમયનું અંતર નથી, પણ પ્રયત્નનું અંતર છે, શ્રદ્ધાનું અંતર છે. વાવણી વગર લણણીની મોસમ ન આવે તેમ આજના પ્રયત્ન વગર આવતી કાલ ઊગે નહીં. જોઈએ છે શ્રદ્ધા, જોઈએ છે દિવ્ય ભવિષ્યકાળ જોવાની દૃષ્ટિ. જોઈએ છે ભૂતકાળના નિરાશા અનુભવ તરફ આંધળાપણું અને બેદરકારી. ઈશ્વરભક્તિ, આત્મનિષ્ઠા અને પવિત્રતાની ચાહ વગર આ વસ્તુઓ આવવાની નથી. જગન્માતાની પ્રાર્થના કરી આ ત્રણે વસ્તુ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ.
[પાછળ]     [ટોચ]