[પાછળ] |
મારો વૃક્ષારોપણનો પ્રયોગ લેખિકાઃ દિપલ પટેલ ‘વૃક્ષિકા’ હું ૮-૯-૧૦ ધોરણમાં ગણિત અને વિજ્ઞાનના ટ્યુશનમાં જતી. સરનું નામ હતું પરમાનંદ વ્યાસ. મારા જીવનમાં મારા મા-બાપ કરતા પણ જેમણે મારું વધારે ઘડતર કર્યું એ વ્યક્તિ! એમની ભણાવવાની રીત જ કંઈક અનેરી હતી. દેશપ્રેમની, ભગવત ગીતાની, દેશ વિદેશની, અને એમના જાત અનુભવોની ઢગલો વાતો કરતા. એમણે અમને એક વખત કહેલું કે આપણો જન્મ થાય અને લાકડાના ઘોડિયામાં ઊંઘીએ, ઘરમાં ફર્નિચર વાપરીએ, લાકડાની બેન્ચ પર ભણીએ, છેલ્લે મરીએ ત્યારે પણ લાકડા સળગાવવા જોઈએ, આખું જીવન ઓક્સિજન લઈએ, એટલે જો તમારે કુદરતના દેવામાંથી મુક્ત થવું હોય તો તમારે અને પ્રત્યેક વ્યક્તિએ મરતા પહેલા પાંચ ઝાડ ઉછેરવા જોઈએ, ત્યારે જ તમે કુદરતના દેવામાંથી મુક્ત થાઓ. એ વાત મારા મનમાં ઘર કરી ગઈ હતી. અમારા ફ્લેટમાં દર તા. ૫મી જૂને અમે બધા બાળકો પાંચ ઝાડ રોપીએ, ઉછેરીએ. પછી હું વિદ્યાનગર ભણી ૪ વર્ષ – કોમ્પ્યુટર એન્જિનીયરિંગ કર્યું અને પછી ગુજરાતની પહેલી મહિલા એન્જિનીયરિંગ કોલેજમાં લેક્ચરર તરીકે ૨.૫ વર્ષ નોકરી કરી. મારા સર જેમ અમને ભણાવતા અને દેશપ્રેમ શીખવતા એમ જ મેં પણ મારી વિદ્યાર્થીનીઓને શીખવ્યું. હું જયારે ભણતી હતી ત્યારે વિદ્યાનગર રોજ અપ ડાઉન કરતી. વિદ્યાનગર મને ખૂબ ગમતું શહેર. ચારેબાજુ મોટા વિશાળ ઝાડથી ઘેરાયેલા રસ્તાઓ. ખબર નહિ કેમ પણ મને એકાએક વિચાર આવ્યો કે મારા ઘરથી મેઈન રોડ સુધી હું ઝાડ વાવું તો? પહેલાં મમ્મીને કરી વાત. મમ્મી હંમેશની જેમ સહમત થઈ અને છેક સુધી મને મદદ કરી. અનુજને જણાવ્યું. અનુજ પણ મમ્મીની જેમ કાયમ મને મદદ કરે, પ્રોત્સાહન આપે. પપ્પાએ અવગણ્યું. મેં બીજી વાર કહ્યું. એમને ના સાંભળ્યું. બહુ બધી વાર કીધું અને ગુસ્સે થયા: “સમાજ અને દેશને સુધારવાનો ઠેકો લીધો છે તેં? આવું ગાંડપણ ના કરાય. તું ફ્લેટમાં રોપે જ છે ને? આમ મેઈન રોડ પર ઝાડ ના રોપાય.” મેં કહ્યું: “મારે રોપવા જ છે” એમણે કીધું: “તારે જે કરવું હોય એ કર. હું કંઈ ના જાણું.” પછી હું ગઈ ફોરેસ્ટ ઓફિસરને મળવા અને બધી વાત કરી એમને. તેઓ ખુશ થયા, એટલું જ નહીં, મને છોડ મફતમાં આપવા તૈયાર થયા. પણ, એની ફરતે ટ્રી-ગાર્ડની વ્યવસ્થા કરવાની ના પાડી. હું નગરપાલિકામાં ગઈ. મને પરવાનગી તો મળી પણ ફરી એ જ તકલીફ. હું નડિયાદના મોટા માથા ગણાતા પૈસાદાર માણસો પાસે ગઈ પણ એ લોકો ન’તો મને ઓળખતા હતા ન’તો મારી ઈચ્છાને! એટલે એ લોકો દાન આપવાની ના પાડી. પછી મેં નક્કી કર્યું કે આમાં કેટલો ખર્ચો થાય એ તો હું તો જોઉં? આખા નડિયાદ શહેરના ટ્રી-ગાર્ડ બનાવતા દરેક વ્યક્તિ ને મળી. લોખંડના ટ્રી-ગાર્ડ ૮૦૦ રૂ. , સિમેન્ટના ૧૫૦૦ રૂ.નો અંદાજ મળ્યો. લાકડાના ટ્રી-ગાર્ડ સસ્તા પણ લોકો લાકડા જ લઇ જાય! એટલે ઈંટના બનવાનું નક્કી કર્યું. કીંમત હતી ૩૮૫ રૂ. કુલ ખર્ચની ગણતરી આ પ્રમાણે કરી. ૫૦ ઝાડ * ૩૮૫ રૂ. = ૧૯૨૫૦ + છોડ અને અન્ય ખર્ચો = ૨૨,૦૦૦ રૂ. પપ્પા પાસે આશા જ રાખી ન હતી કેમ કે ગુસ્સે થશે એની બીક હતી. એટલે મેં જ બધા પૈસા કાઢ્યા. ક્યાંથી? હું જ્યારથી સમજણી થઇ ત્યારથી દિવાળીમાં કે ભેટમાં આવે એ પૈસા એક ગલ્લામાં મૂકતી હતી. મારો ૧૫ વર્ષ જુનો ગલ્લો તોડ્યો. પૈસા નીકળ્યા ૧૯,૦૦૦! બાકીના ખૂટતા પૈસા મમ્મીએ એના સેવિંગ્સમાંથી આપ્યા. હવે હું નીકળી. જ્યાં જ્યાં ઝાડ રોપવા હતા એ બધાંના ઘરે જઈને મળવા. બધાંને સમજાવ્યું અને સહુની પાસે એક કાગળ પર સહી કરાવી અને એક રીતે તો કબૂલાત જ કરાવી કે, ‘મારા ઘરની સામે જે ઝાડ ઉછરે એને કદી નૂકશાન પહોંચાડીશ નહિ.’ નગરપાલિકામાંથી પરવાનગી લઇ આવી. કયા ઝાડ રોપવા એ પણ નક્કી કર્યું. ગુલમ્હોર, સપ્તપર્ણી, રેન ટ્રી, ગરમાળો અને છાયા લીમડી. પછી નક્કી કર્યું માટી લાવવાનું. ઘરની પાછળના ખેતરમાંથી ખેડૂત જોડે વાત કરી આવી હતી. હવે આવ્યું ઈંટ અને સિમેન્ટ. ઈંટ વિષે નક્કી કરી આવી. એક ટ્રી-ગાર્ડ ૫ ફૂટ ઊંચું કરવું હોય તો દરેકમાં ૬૦ ઈંટ વપરાય એટલે ૬૦*૫૦ = ૩૦૦૦ ઈંટ કુલ જોઈએ. પછી એક સાદામાં સાદા કડિયાદાદા ને મળી અને તેઓ તૈયાર થયા એને ચણવા. બધું એકદમ તૈયાર હતું. બસ હવે તારીખ નક્કી કરીને કામ શરુ કરવાનું હતું. તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૧૦થી ૪ દિવસની રજા આવતી હતી કોલેજમાં. બિંગો! કામ થઇ ગયું! હવે બધાં જોડે નક્કી કરી આવી. ફ્લેટમાં આગલા દિવસે ઈંટો આવી. એને પાંચ અલગ અલગ ભાગમાં મૂકાવડાવી. ત્યાં સુધી પપ્પાને ખબર જ ન હતી કે હું આ કામ કરવા જઈ રહી છું! બપોરે ગાડીમાં હું અને અનુજ બધા ઝાડ લઈ આવ્યા અને નીચેના રૂમમાં મૂકી દીધા. સવારે દાડીયા મજૂરોની બજાર ભરાય ત્યાંથી બે મજૂરોને લઈ આવીને ખાડા ખોદાવી દીધા. ખેતરમાંથી માટી આવી ગઈ. સિમેન્ટ આવી ગયો. પપ્પા કોલેજથી આવ્યા અને પૂછે આ ઈંટો કોને ત્યાં આવી છે? ફ્લેટમાં તો કંઈ કામ કરાવવાનું નથી? મેં ધીમેથી કીધું, ‘પપ્પા એ આપણા ઘરે આવી છે કાલથી હું વૃક્ષારોપણ શરુ કરું છું. પપ્પા ગુસ્સે થયા પણ મને વિશ્વાસ હતો કામ થશે પછી ખુશ જ થશે.’ બીજા દિવસે સવારે ૮ વાગે અમે કામ શરુ કર્યું. હું, અનુજ, મમ્મી, કડીયાકાકા, અને બીજા ૩ દાડીયા કામદાર. અમારું કામ ઝાડ રોપવાનું, પાણી પીવડાવાનું અને કડીયાકાકા એની ફરતે ટ્રી-ગાર્ડ બનાવે. બીજા જે કામદારો પણ હતા એ લોકો પણ ટ્રી-ગાર્ડ બનાવે. મમ્મી બધાનું જમવાનું કરે અને ખાવાની તથા પીવાના પાણીની સગવડ પૂરી પાડે. પછી અમને કામ ધીમું પડતું દેખાયું એટલે અમે પણ ચણવાનું શીખી લીધું અને જાતે ટ્રી-ગાર્ડ બનાવવા લાગ્યા. સાંજે ૫ વાગ્યા પછી પપ્પા કોલેજથી ઘરે આવતા અને પછી સ્કૂટર લઈને અમે જ્યાં ટ્રી-ગાર્ડ બનાવતાં હોઈએ ત્યાં ઈંટો આપી જાય. મને ખબર જ હતી કે હું કરીશ પછી પપ્પા બહુ ખુશ થશે ને એમ જ થયું. ત્રણ દિવસ સવારે ૮ થી સાંજે ૭ સુધી કામ ચાલ્યું અને તમામ ૫૦ ઝાડ રોપાઈ ગયા. હવે સૌથી અઘરું કામ શરુ થયું, ઝાડને ઉછેરવાનું. એક દિવસ છોડીને એક દિવસે હું સાંજે કોલેજથી ૬ વાગે આવું એટલે મમ્મી ૪ ડોલ લઈને તૈયાર હોય, અનુજ આવી જાય પછી અમે ત્રણે, કુલ ૫૦ ડોલ પાણી ત્યાંના નજીકના ઘરોમાંથી લઈને પીવડાવીએ. દર મહીને ખાતર પણ નાખીએ. લોકો ટ્રી-ગાર્ડને કચરા-પેટી સમજીને ઢગલો કચરો નાખે, એ સાફ કરીએ. કોઈની મદદની કે વખાણની આશા વગર કામ કર્યે જ રાખ્યું. એક વર્ષ સુધી ઝાડને પાણી પીવડાવાનું હોય, એટલે એટલો સમય અમે ક્યાંય બહારગામ પણ ગયા ન હતા. કદાચ જઈએ તો યે અમારા ૩ માંથી એક તો હોય જ! એ ઝાડ જાણે અમારાં મિત્રો બન્યા. એ રસ્તા પર રોજ કોલેજ જવા માટે ચાલીને જાઉં અને સવારે એ બધાને મળીને જવાની મજા જ કંઈક અલગ હોય. દિલમાં એક માત્ર ખુશી અને સંતોષ કે મારા સરે કહેલું કામ પૂરું કર્યું અને કુદરતને કંઈક પાછુ આપ્યું. કેટલાંક લોકોએ દગો પણ આપ્યો. એક જ રાતમાં ઝાડ અને ટ્રી-ગાર્ડ બંને સાફ થઇ જાય! એવા સાફ થાય કે ત્યાં એક ઈંટ પણ ના દેખાય! આવું બને ત્યાર બહુ ગુસ્સો આવતો પણ ભગવાન આ માણસો ને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી આ વાત ભૂલવાનો પ્રયત્ન કરતી. તો સામે સારા અનુભવો પણ થયાં. એક બહેન એક દિવસ મારી પાસે આવીને કહે કે તમારું કામ જોઈને મેં પણ મારી સોસાયટીમાં પાંચ ઝાડ રોપ્યા છે અને ઉછેરું છું. વાહ! મેં કરેલા કામને કોઈક તો સમજ્યું! “Being an example is more powerful than giving an example” હું ખુશ થઈ કે હું કોઈના કાર્ય કરવા માટેનું ઉદાહરણ બની. એક આંટીએ મને એક પુસ્તક ભેટમાં આપ્યું જેમાં એમને લખ્યું હતું કે “તેં કરેલા વૃક્ષારોપણના મહાન કાર્ય માટે તને ભેટ!” રસ્તે આવતાં કેટલાય લોકો મને અભિનંદન આપતાં જાય અને “બહેન તારી ધીરજ અને ધગશ ને ધન્ય છે.” એમ કહેતાં જાય. મારા એ સરનું ઘર મારા ફ્લેટની બાજુમાં જ છે એટલે એ સર રોજ સવારે ચાલે એ રસ્તા પર અને મને યાદ કરે. મારું નામ એમણે “વૃક્ષિકા” પાડ્યું. એ ખુબ જ ખુશ થયેલા મારા માટે એ બહુ ખુશીની વાત હતી. એ વિસ્તારમાં બધા મને ઓળખતાં થયાં. એટલે સુધી, કે કોઈને એમ પૂછો કે આ ઝાડવાળા બેનનું ઘર ક્યાં? તો મારા ઘરે મૂકી જાય! ઢગલો પક્ષીઓ મારા ઝાડ પર રહે છે. એક ઝાડ નીચે સાયકલવાળા ભાઈ એમનો ગલ્લો ચલાવે છે અને બીજા નીચે ઈસ્ત્રીવાળા ભાઈ. ફળ-શાકભાજીની લારીવાળા ઘણાં ભાઈઓ અને ગાય-કૂતરા વગેરે બપોરે મારા ઝાડ નીચે સૂવે છે. મારા ઝાડને તોડી નાખનારા લોકો પણ એમની ગાડીઓ બીજા ઝાડ નીચે મુકે છે! મને તો ત્યાં સુધી ખબર પડી છે કે અમારા વિસ્તારના નગરપાલિકામાં કામ કરતા એક ભાઈએ પોતાના નામ હેઠળ મારા ઝાડ લખાવ્યા છે! પણ મને કઈ ફરક નથી પડતો. મારું નામ તો ઉપરવાળાએ લખી દીધું હશે ક્યાંક. એનો ખૂબ આનંદ છે. (આ લેખ અમેરિકાથી પ્રસિદ્ધ થતા લોકપ્રિય વર્ડપ્રેસ બ્લોગ ‘દાવડાનું આંગણું’માં– https://davdanuangnu.com/2020/06/22/9367/ મૂળ પ્રગટ થયો હતો. એ પાઠ અત્રે સહેજસાજ ફેરફાર સાથે સાભાર લેવાયો છે. જેમને પોતાની આસપાસના વિસ્તારમાં આ પ્રકારે વાવવા લાયક વૃક્ષો વિશે પ્રાથમિક માહિતી જોઈતી હોય તેમને અત્રે અપાયેલું નાનકડું પણ ખૂબ જ ઉપયોગી પુસ્તક ‘આંગણે વાવીએ કલરવ’ ડાઉનલોડ કરી વાંચવાનો અનુરોધ છે.)
ક્લીક કરો અને ડાઉનલોડ કરો |
[પાછળ] [ટોચ] |