[પાછળ] |
અક્ષર સુધારણા પ્રોજેક્ટ સંકલિત “ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.” - ગાંધીજી સારા, સુઘડ, સુવાચ્ય, મરોડદાર અને સ્વચ્છ અક્ષર પ્રતિભાશાળી વ્યક્તિત્વનો અરીસો છે. સુંદર અને મરોડદાર અક્ષરની શરૂઆત બાલ્યકાળથી જ કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. આ માટે દરેક શાળા કક્ષાએ શિક્ષકશ્રીઓ ઉત્તમ પ્રયત્નો કરે એ અનિવાર્ય છે.શાળાઓમાં બાળકોને અક્ષરોનાં મૂળ વળાંકો અને આકારો સાથેનાં લખાણ અંગે જરૂરી સાચી માહિતી આપી તેને અનુસરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે તો ખૂબ સારા અક્ષર સાથે બાળકો પોતાની લેખનકળાનાં દર્શન આપણને સૌને કરાવી શકે તેમ છે. બાળકોને સાચી જોડણી સાથે સુવાચ્ય અક્ષરો અને માત્રા ચિહ્નો, બે વર્ણ/શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી લખવાની ટેવ પડે એ જરૂરી છે. પરંતુ એવું બનતું નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બાલ્યકાળથી જ સુવાચ્ય અને મરોડદાર અક્ષર સાથે લખી શકે એવા ઉમદા આશયથી એક ‘અક્ષર સુધારણા’ પ્રોજેક્ટ દરેક શાળા કક્ષાએ શરૂ કરવો જરૂરી છે. બાલ્યાવસ્થાથી જો ખરાબ અક્ષરે લખવાની બાળકોમાં પડે પછી તેમના માટે મોટી ઉંમરે તેમાં સુધારો લાવવાનું અશક્ય તો નથી, પરંતુ મુશ્કેલ જરૂર બને છે. માટે બાળકોને પ્રારંભથી જ સુંદર અને સુવાચ્ય અક્ષરે લખવા માટે પૂરતી માહિતી અને પ્રોત્સાહન આપવું જોઈએ. અત્રે પ્રસ્તુત માહિતીપત્રમાં બાળકોને સુવાચ્ય, સુંદર અને મરોડદાર અક્ષરે લખવાની ટેવ વિકસે તે માટે પૂરતો મહાવરો આપવા માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરે તેના અક્ષર સુધારી શકે છે; પરંતુ તેમાં જરૂર રહે છે શીખનાર અને શીખવનારનાં ઉત્તમ પ્રયત્નોની. શાળાઓ માટેના આ અક્ષર સુધારણા પ્રોજેક્ટમાં બાળકોને સરળતાથી ગુજરાતી લેખન કેવી રીતે કરવું તેની વિગત અપાઈ છે. પણ જાત મહેનત તો બાળકે જ કરવી રહેશે. એક પછી એક સોપાનો સર કરીને અક્ષર, શબ્દ, વાક્યથી ફકરા સુધી સુંદર, સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરો સાથે કેવી રીતે લખવું એ તો જાત અનુભવથી જ શીખી શકાશે. ચાલો, આપણે સઘન પ્રયાસોનો શુભારંભ કરીએ... પ્રથમ તબક્કો - અનુલેખન કાર્યક્રમ પાઠ્યપુસ્તકમાંથી કોઈપણ એક પાઠમાંથી દસ મિનિટ જોઈ-જોઈને નોટબૂકમાં લખવા કહેવું. આ પાઠ ગદ્ય કે પદ્ય હોઈ શકે પણ તેમાં બાળકોને ન સમજાય તેવા કોઈ અઘરા શબ્દ ન હોવા જોઈએ. બાળકો લખતાં હોય ત્યારે શિક્ષકે તેઓની લખવાની ટેવોનું નિરીક્ષણ કરવું અને જો કોઈ ખામી માલૂમ પડે તો તે જ વખતે સુધારવાની જેમ કે...
બીજો તબક્કો - શ્રુતલેખન કાર્યક્રમ શિક્ષકશ્રી બાળકોને પાઠ્યપુસ્તકમાંથી કોઇ એક પાઠનો નાનકડો ફકરો ધ્યાનથી વાંચી જવા કહેશે. ત્યારપછી તેઓ તે ફકરાનું નોટબૂકમાં શ્રુતલેખન કરાવશે. એટલે કે શિક્ષકશ્રી જેમ જેમ બોલતા જાય તેમ તેમ બાળકો લખતા જશે. પણ શિક્ષકશ્રી બાળકની લખવાની ઝડપ કરતાં વધુ ઝડપે લખાવશે નહિ. બાળકોને લખવામાં બિનજરૂરી ઉતાવળ ન કરવી પડે તેનું ધ્યાન રખાશે. શ્રુતલેખન સમયે શિક્ષકશ્રી વર્ગમાં સાથે સાથે લખાણોનું નિરીક્ષણ કરતાં જશે. અને જ્યાં ખામી જણાય તો યોગ્ય સૂચનાઓ આપી સુધરાવતા રહેશે. અનુલેખન કાર્યક્રમની પેઠે અહીં પણ તેઓ બાળકોના અક્ષરોનું મૂલ્યાંકન કરશે. સારા હસ્તાક્ષરવાળા બાળકોને પ્રોત્સાહન આપશે. બીજાઓને પણ મહેનત કરી સારા અક્ષર બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપશે. બીજા તબક્કામાં શિક્ષકશ્રીએ ધ્યાનમાં રાખવાની અગત્યની બાબતો બાળકોની હસ્તાક્ષરની નબળાઈઓ જાણવા માટે નીચેના દસ સહેલા-અઘરા વાક્યો લખાવવા અને તેના આધારે તેમના હસ્તાક્ષરની ન્યૂનતાઓ જાણી લેવી. કેટલા બાળકના અક્ષરો ખરાબ છે, અને તેમાં કેવા પ્રકારની ખામી વિશેષ જોવા મળે છે. - વગેરે મુદ્દાઓની તેમણે નોંધ રાખવી જરૂરી છે. શ્રુતલેખનમાં બાળકોને લખાવવા માટેના સરળ અને અઘરા બન્નેના નમુનારૂપ વાક્યો આ પ્રમાણે છે. પરંતુ શિક્ષકશ્રી પોતાના બાળકોની ક્ષમતા અને રુચિ અનુસાર અન્ય કોઈ પણ વાક્યો લખાવી શકે છે. (૧) વહેલા ઊઠો, દાંત સાફ રાખો, બીજાને મદદરૂપ બનો. (૨) અક્ષરો સફાઇથી કાઢવાની ટેવ પાડો. (૩) રાઘવે ઝાડની છાયામાં ભાષણ કર્યું. (૪) ટટ્ટાર બેસો અને પદ્ધતિસર જ્ઞાન મેળવો. (૫) ખરાબ હસ્તાક્ષરને ગાંધીજી અધૂરી કેળવણીનું લક્ષણ ગણતા હતા. (૬) પ્રાચીન સમયમાં વિદ્યાર્થી ઋષિ મુનિઓના આશ્રમમાં શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. (૭) કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રાના પાત્રો દ્વારા રામાયણમાં માતૃપ્રેમના ત્રણ અલગ અલગ દ્રષ્ટાંત પ્રસ્તુત કરાયા છે. (૮) પદ્મ એટલે કમળનું ફૂલ. બ્રહ્માંડ એટલે આપણી દુનિયા અને સર્વે આકાશી પદાર્થોનો સમુહ. (૯) પ્રશ્નાર્થચિહ્ન અને આશ્ચર્યચિહ્નને ઓળખો. (૧૦) જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ વાક્યોના લેખનકાર્ય બાદ લેખનના નમૂના તપાસવા. સામાન્ય રીતે બાળકોના લખાણમાં આ પ્રકારની ભૂલો જોવા મળે છે. બાળકો સાથે આ અને તેમની અન્ય ભૂલો બાબતે ચર્ચા કરવી અને તે પ્રકારની ભૂલો ન થાય તે માટે માર્ગદર્શન આપવું. શ્રુતલેખન બાદ કેટલીક અન્ય જરૂરી બાબતોની પણ ચર્ચા કરવી. જેમકે આ ઉપરાંત...
૧. સ્લેટ બહુ નાની ના હોવી જોઇએ. બીજું તેની સપાટી એવી હોય કે તેમાં લખેલા અક્ષરો ઊઘડે. એમ ન થાય તો બાળક પ્રયત્ન કરવા છતાં યોગ્ય અને આકર્ષક અક્ષરોથી લખી શકતું નથી. ૨. સ્લેટ બરાબર હોય પણ સાફ ન હોય તો પણ સુઘડ અને સુંદર રીતે લખી ના શકાય. સ્લેટની સફાઈ માટે વર્ગમાં ડોલ હોય તો સારું. એ શક્ય ન હોય તો નાના ડબ્બામાં પાણી રાખવું અને તેની પાસે જૂના પણ ધોયેલા કપડાંનો ટુકડો રાખવો પણ અનુકૂળ પડશે. ૩. સ્લેટમાં લખતી વખતે સ્લેટ મૂક્વાની રીત એવી હોવી જોઇએ કે લખનારનો હાથ હથેળીની ગતિના એક ફેરે સહેલાઇથી લખી શકે. આ મર્યાદાનું ઉલંઘન કરીને સ્લેટ મૂકાય તો અક્ષરો સુઘડ રીતે લખી શકાતા નથી. ૪. સ્લેટમાં લખનારની પેન બુઠ્ઠી હોય તો અક્ષરોના વળાંકો ધાર્યા મુજબ ના લખી શકાય. તેથી અણીદાર પેન એ પણ સુલેખનની એક જરૂરિયાત છે. ૫. સ્લેટમાં લખવાની પેન નાની ના હોવી જોઈએ. પેન અંગૂઠો, પહેલી અને વચલી આંગળીથી સહેજે પકડી ન શકાય તેવી નાની હોય તો અક્ષરોને ધારેલો મરોડ આપી ન શકાય. ૬. સ્લેટની બેઠક પણ એવી હોવી જોઈએ કે જેથી સ્લેટ વારંવાર હાલે નહિ. સ્લેટ સ્થિર રહે તોજ અક્ષરોની છાપ સુંદર પાડવામાં તે સહાયભૂત થાય. પેન કે પેન્સિલને વચલી આંગળીના ટેરવા પર ટેકવવામાં આવે તો તે ટેરવા પર વધુ દબાણ થાય છે. તેમ થાય તો લાંબા સમય સુધી લખવાનું હોય ત્યારે ટેરવું થાકે છે. તેથી અક્ષરની સુંદરતાનો અને અક્ષર લખવાની ગતિનો હ્રાસ થવાનો. અક્ષરના પ્રકાર મૂળાક્ષરોનું લખાણ મૂળાક્ષરોને માપની દષ્ટિએ અનેક રીતે વહેંચી શકાય. ઊંચાઈ-લંબાઈની દૃષ્ટિએ મૂળાક્ષરોને નીચે મુજબ વહેંચવામાં આવે તો અનુકૂળતા રહે. પ્રારંભિક અક્ષરો બે લીટી વચ્ચે લખાય તેવી અપેક્ષા રાખવી આવશ્યક છે. એક માત્ર ણનું પહેલું પાંખડું નીચેની લીટીથી થોડું નીચે જાય અને ધનું પહેલું પાંખડું ઉપરની લીટીથી થોડું ઉપર જાય તે જરૂરી છે. આ બન્ને અક્ષરોમાં પણ દંડ તો અન્ય દંડાધારી અક્ષરોની માફક ઉપર અને નીચેની લીટીની હદમાં જ રહેવો જોઈએ. (ક) પગવાળા (પાઈવાળા - ઊભી લીટીવાળા - દંડાધારી) અક્ષરોની યાદી ખ, ગ, ઘ, ચ, ઞ, ણ, ત, થ, ધ, ન, ૫, બ, ભ, મ, ય, લ, વ, શ, ષ, સ, અ, આ, ઋ, ઍ, એ, ઐ, ઑ, ઓ, ઔ આ બધા અક્ષરોમાં પાઈ એટલે કે ઊભી સીધી લીટી, જે બે લીટી વચ્ચે અક્ષર લખવાનો હોય તેને સ્પર્શે છે અને પાઈનો નીચેનો ભાગ મરોડદાર રાખવાનો હોય છે. આ અક્ષરો ઉપરની લીટીથી ઉપર અને નીચેની લીટીથી નીચે ન જવા જોઈએ. (ખ) પાઈ વગરના છતાં બે લીટીને ઉપર-નીચે સ્પર્શીને લખાતા અક્ષરો ક, ઙ, ડ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, દ, ૨. (ગ) ઉપરની લીટીની સહેજ ઉપર સુધી લખાતા અક્ષરો ધ, ઇ, ઈ, ઉ, ઊ (ઘ) નીચેની લીટીથી સહેજ નીચે લખાતા અક્ષરો ફ, હ, ળ, ક્ષ, રૂ આમાં ક્ષમાં ઊભી લીટી લંબાઈમાં ખ, ગ, ચ વગેરે અક્ષરો જેટલી જ રહેશે. (ડ) જે અક્ષરોનો પાઈ વગરનો ભાગ નીચેની લીટીને ન સ્પર્શે તેવા અક્ષરો ખ, ગ, ઘ, ચ, ન, બ, ભ, મ, ય, વ બાળકોના મનમાં અક્ષરોનો સાચો મરોડ રૂઢ થાય તે માટે વર્ગની ભીત પર મોટા અને મરોડદાર અક્ષરોનો ચાર્ટ બાળકો સ્પષ્ટ રીતે જોઈ શકે તે ઠેકાણે મુકાય તે ઈષ્ટ છે. આમ થાય તો અક્ષરોનો સુંદર નમૂનો અનુકરણ કરવા માટે અને શંકા પડે ત્યારે જોવા માટે સંદર્ભ સાહિત્યની ગરજ સારી શકે. આવી જ રીતે જોડાક્ષરનો ચાર્ટ મુકાય તો જોડાક્ષરની ભૂલોમાંથી બચી શકાય. આવો એક નમૂનારૂપ ચાર્ટ અત્રે અપાયો છેઃ ક ખ ગ ઘ ઙ ચ છ જ ઝ ઞ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ ષ સ હ ળ ક્ષ જ્ઞ અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અઃ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૦ બાળકોમાં ખરાબ હસ્તાક્ષરનાં શક્ય કારણો શું હોઈ શકે તે પણ આપણે જાણી લેવું જોઈએ. ખરાબ હસ્તાક્ષર હોવાનાં બે મુખ્ય કારણો છેઃ (૧) શારીરિક કે માનસિક ખામી (૨) શૈક્ષણિક પદ્ધતિની અયોગ્યતા કે અપૂર્ણતા કે બંને. શારીરિક કે માનસિક ખામી કે ક્ષતિઓને માટે કેટલાંક પરિબળો જવાબદાર હોય છે.
૧. કાચી વયે શૈક્ષણિક બોજો બાળક પર પડવો. ૨. બાળક જે કાંઈ લખે તે તપાસ્યા વિના ચલાવી લેવું એટલે કે બાળકના લખાણના નિરીક્ષણનો અભાવ ૩. ભૂલોનો મહાવરો થઈ જવો એટલે કે ખોટા અક્ષરો કે લખવાની ખોટી રીતોનો વારંવાર ઉપયોગકરી ભૂલભર્યુ લખવાની બાળક પર ટેવ પડવા દેવી. ૪. બાળકના ગમા-અણગમાનો વિચાર કર્યા વિના વર્ગમાં વારંવાર એક સરખી અને કંટાળાજનક લેખનની સમૂહ ક્વાયતો કરાવવી. ૫. કાગળ કે સ્લેટ પકડવાની અયોગ્ય ટેવ. અયોગ્ય ઠેકાણે કાગળ કે સ્લેટ મૂકી લખવું. હાથની આંગળીઓ સહેલાઇથી ફરી શકે કે લખી શકે તેનાથી દૂર કાગળ કે સ્લેટ રાખી લખવાથી હસ્તાક્ષર આપમેળે બગડવા લાગે છે. ૬. લખવાની અપૂરતી કે અનુચિત સામગ્રી. લખવાની સ્લેટ ઝાંખી હોય, લખવાના કાગળ પર શાહી ફેલાતી હોય, લખવાની પેન ઊઘડે તેવી ન હોય કે અણીદાર ન હોય, લખવા માટેની પેન્સિલ ઝાંખી, અણી વગરની કે કાગળ બગાડે તેવી હોય તો પણ સારા અક્ષરે લખવામાં અડચણો ઊભી થાય છે. ૭. પેન કે પેન્સિલ પકડવાની ખોટી રીત. અણીથી કેટલે દૂર પેન્સિલ કે પેન પકડવી અને કઈ આંગળીઓ વડે પકડવી તે પણ અગત્યની વસ્તુ છે, તે ખ્યાલમાં ના રખાય તો અક્ષરો બગડે છે. ૮. આંખ અને સ્લેટ કે કાગળ વચ્ચે અયોગ્ય અંતર. આંખ અને સ્લેટ કે કાગળ કે નોટ વચ્ચે એકાદ ફૂટથી વધારે અંતર હોય કે ખૂબ ઓછું અંતર હોય તો પણ હસ્તાક્ષર પર તેની અસર પડ્યા વિના રહેતી નથી. બાળકોના લખાણમાં ભૂલ ન થાય અને લખાણ શુદ્ધ, સુંદર તથા રુચિકર બને તે માટે કેટલાક ઉપાયો અજમાવવા જેવા છે, તે નીચે મુજબ છે. ૧. લીટી પૂરી થાય તે પહેલાં તે લીટીમાં કેટલું લખવાનું છે તેનો અગાઉથી જ વિચાર કરવાનું બાળકને કહેવું. ૨. લોકો દ્વારા સામાન્ય રીતે ભૂલ ભરેલા લખાતા શબ્દોની યાદી બાળકોની જાણ માટે દીવાલપત્ર પર મૂકો. ૩. બાળકો પાસે એકદમ વધુ પડતું લખાવવું નહિ. ૪. બાળકો પાસે જે લખાવો તેનું યોગ્ય નિરીક્ષણ થવું જોઇએ. બાળકો જે ભૂલો કરે તે તેમને પ્રેમપૂર્વક બતાવવી જોઈએ અને તેમના હાથે જ સુધરાવવી જોઈએ. ૫. આદર્શ હસ્તાક્ષરના નમૂના બાળકો સમક્ષ રજૂ કરવા જોઈએ. ૬. દર મહિને એક વખત સુલેખન સ્પર્ધા રખાય તો બાળકો સુંદર લેખન કરવા પ્રેરાય. ૭. શરૂઆતના ધોરણોમાં બે લીટી વચ્ચે બાળકો પાસે લખાવી અક્ષરો એક સરખા લખવાની ટેવ પાડવી. તેઓ ભલે ધ, ણ, હ, ઊ વગેરે અક્ષરો બે લીટી વચ્ચે લખે. બાળકને એક વખત બધા અક્ષરો સમાન ઊંચાઈના લખતા આવડી જાય તે પછી ધ, ણ, હ, ઊ વધુ સારી રીતે લખવાની વાત સમજાવવી. ૮. શરૂઆતમાં ગોળ, અર્ધગોળ, આડી લીટી, ઊભી લીટી વગેરેનો મહાવરો બાળકોને કરાવવામાં આવે તો, સારા હસ્તાક્ષરની પૂર્વ ભૂમિકા રચાય. ૯. આરંભમાં બાળકો મોટા અક્ષરે લખે અને પછી ધીમે ધીમે નાના અક્ષરે લખતાં શીખે તો અક્ષરોની રચના પર ઠીક ઠીક પ્રમાણમાં કાબૂ આવી શકે. ૧૦. બાળકોને મુક્ત અને પ્રેમયુક્ત વાતાવરણમાં લખવા આપો. ૧૧. બાળકોએ શા માટે, શી રીતે સારા અક્ષરે લખવું જોઈએ તેની તેમના મન પર સ્પષ્ટ છાપ પડે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે તો સુલેખનની આદર્શ પૂર્વ ભૂમિકા રચી શકાય. મોતીના દાણા જેવા અક્ષર એ આદર્શ નજર સમક્ષ રખાય તે આવશ્યક ગણાય. ૧૨. લીટીને અંતે શબ્દ યોગ્ય રીતે તોડાય તે પણ જોવાનું છે. ૧૩. ક્યા શબ્દોમાં અનુસ્વાર આવે અને ક્યા શબ્દોમાં ન આવે તે સમજાવવું અને અનુસ્વાર માટે સ્પષ્ટ ઉકલે તેવું ટપકું મૂકાવવું જોઈએ. કેટલાક બાળક અનુસ્વાર તરીકે ટપકાના બદલે મીંડાનો આકાર મૂકે છે તે ઉચિત ન ગણાય. ૧૪. અક્ષર સાથે સ્વરનાં ચિન્હો (માત્રા), હ્રસ્વ ઇ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ, દીર્ઘ ઊ, ઉપર રેફ વગેરેના સંકેતો ઉચિત રીતે સંલગ્ન થાય તે જોવું. ૧૫. લખાણ સ્વચ્છ અને સુઘડ લાગે તે માટે પણ પ્રયત્ન થવો આવશ્યક ગણાય. ૧૬. જે લખાય તે પૂરતી ઝડપથી લખાય તે પણ સુલેખનનું એક આવકાર્ય પાસું ગણાય. ૧૭. બાળકો સ્લેટમાં લખે તો સ્લેટની ઉપર, નીચે, ડાબી બાજુએ અને જમણી બાજુએ એમ ચારેય બાજુ એક સેન્ટીમીટર જેટલી જગા છોડી લખે તે સુલેખન માટે સારી વાત છે. ૧૮. બાળકો બે અક્ષર, બે જોડાક્ષર, બે શબ્દ, બે વાક્ય, અને બે લીટી વચ્ચે યોગ્ય ને એકધારું અંતર છોડે તો તે સુલેખનને સહાયક થાય છે. સામાન્ય રીતે વિદ્યાર્થી કાળમાં, વધતી જતી વિદ્યાર્થીની વય સાથે હસ્તાક્ષરમાં ક્રમિક પ્રગતિ થતી જોવા મળે છે. તેથી મૂલ્યાંકન વર્ગવાર કે વય વાર થાય તે સૈદ્ધાંતિક દૃષ્ટિએ આદર્શ છે. સુંદર લખાણની ટેવ પડે તેવા સાવ સરળ વાક્યોની યાદી આ પ્રમાણે છે. અલબત્ત શિક્ષકશ્રી પોતાના ગામ કે વિસ્તારમાં પ્રચલિત સામાન્ય બોલચાલના આવા અનેક સાદા વાક્યો જાતે જ બનાવી લે તે વધુ આવકાર્ય છે. ૧. જનક ગરમ ગરમ જમ. ૨. કરસન કાપડ લાવ. ૩. રોટલી વણવા વેલણ આપ. ૪. તિરથ પિચકારી આપ. ૫. નીતા માછલી પકડી લાવ. ૬. કેતકી નાવડી બનાવે છે. ૭. છોકરાં ખો ખો રમે છે. ૮. મધુ મોરલી વગાડે છે. ૯. ચકડોળ ગોળગોળ ફરે છે. ૧૦. પલક ખજૂરપાક બનાવે છે. ૧૧. કુંભાર ટપલાથી માટલું ટીપે છે. ૧૨. મંદિરમાં ઘંટ વાગે છે. ૧૩. સાંજે ગૌધણ પાછું ફરે છે. ૧૪. સેજલ બંગડી પહેરે છે. ૧૫. મરઘી ઇડું મૂકે છે. ૧૬. વૈશાલી હીંચકા ખાય છે. ૧૭. મંજુ ગૌશાળામાં બેઠી છે. |
[પાછળ] [ટોચ] |