[પાછળ] 
ગઝલઃ એક કાવ્યપ્રકાર-૧
લેખકઃ વિવેક ટેલર

ઝલ કવિતાથી જુદી ન પાડી શકાય. જેમ હાઈકુ, સૉનેટ, ગીત, અછાંદસ, તાન્કા, ખંડકાવ્ય, મુક્તક એ સૌ કવિતાના અલગ અલગ પ્રકાર છે, એ જ રીતે ગઝલ પણ કવિતાનો જ એક પ્રકાર છે. સમયની સાથે સાથે હવે કદાચ ગઝલ એ કાવ્યનો સૌથી લોકપ્રિય પ્રકાર છે. ગઝલ મૂળ ઉર્દૂ અને ફારસી કાવ્યપ્રકાર છે જેનો શાબ્દિક અર્થ ‘પ્રિયતમાને સંબોધન’ થાય છે. શરૂના દાયકાઓની ગઝલો આ અર્થને વળગીને જ લખાતી હતી અને ગઝલમાં પ્રેમિકા, સાકી-શરાબ અને ઈશ્વરની વાતો જ થતી હતી. કાળક્રમે ગઝલમાં નવા સંદર્ભો ઉમેરાતા ગયાં અને આજે ગઝલ સૌથી વધુ વંચાતો, ગવાતો અને સંભળાતો કાવ્ય પ્રકાર છે.

ગઝલની વિશેષતા એ છે કે એ બે-બે પંક્તિથી બનેલા શેરોનું સંકલન છે. પહેલા શેરને મત્લો અને આખરી શેરને મક્તા કહે છે. ગઝલમાં દરેક શેર સ્વતંત્ર છે. બે કડીથી બનતો દરેક શેર એ પોતે એક સ્વતંત્ર કાવ્ય છે અને એ ગઝલની મૂળ વિચારધારાથી સાવ અલગ હોય શકે છે. એક ગઝલના ઉદાહરણથી વાત સમજીએ:
રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.

લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.

શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.

બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે –
કોઈ કોઈને હવે ભજશે નહીં.

રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.

આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.
અહીં ‘બનશે’, ‘ટકશે’, ‘મળશે’, ‘જડશે’, ‘ભજશે’ જેવા સમાનપ્રાસી શબ્દો મત્લાની બંને પંક્તિના અંતે તથા ત્યાર બાદ દરેક શેરની બીજી પંક્તિના અંતમાં આવે છે જેને “કાફિયા’ કહે છે. જ્યારે ‘નહીં’ શબ્દ મત્લાની બંને કડીના અંતમાં તથા દરેક શેરની બીજી પંક્તિના અંતમાં એકસરખો જ રહે છે અને બદલાતો નથી, જેને ‘રદીફ’ કહેવાય છે.

ગઝલ શું છે ?

ગઝલ લખવા માટે શું જોઈએ? મુકુલ ચોક્સીની એક પંક્તિ યાદ આવે છે:
ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ…

ઉન્માદ! કાવ્યમાં ક્યાં રહ્યો કોઈ ડર ?-કહો
વાત આપણી જ આપણા ઉલ્લેખ વગર કહો.
ગઝલ શી રીતે લખાય છે એ તો કદાચ મને પણ નથી ખબર. દસ વર્ષની ઊંમરે નારગોળના દરિયાકિનારે મસ્તીમાં જોડકણાં લખવાની શરૂઆત કરી હતી. એ પછી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ અને મા-બાપ દ્વારા આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોવા છતાં પુસ્તકાલયના માધ્યમ વડે ભાષાના ઉત્તમ પુસ્તકો સાથે કરાવાયેલું અનુસંધાન ધીમે-ધીમે વિકસીને વૃક્ષ થયું…. કવિતાને જેમ જેમ સમજતો ગયો તેમ તેમ મારી અંદરથી નીકળતા શબ્દો પણ વિકાસ પામતાં ગયાં…

એ સમયની કવિતાઓ કદાચ સાહિત્યની દૃષ્ટિએ આજે સાવ જ અર્થહીન કહી શકાય, પણ એ મને મારી સર્વશ્રેષ્ઠ કૃતિ કરતાં ય સદા વધુ જ વ્હાલી રહેશે કેમકે એ પગથિયું ન હોત તો આજે થોડું ઘણું ચડાણ પણ જે કરી શક્યો છું એ ન કરી શક્યો હોત…. કવિ જેમ કવિતા રચે છે, એજ પ્રમાણે કવિતા પણ કવિને સતત રચતી રહે છે. કવિતા લખવાની ક્રિયા અંગે કવિઓ પોતે શું કહે છે તે પણ જાણીએ:

મરીઝ ગુજરાતના ગાલિબ ગણાય છે. ગઝલ લખવાની પ્રક્રિયા અંગે એમની પ્રતિક્રિયા પ્રથમ તપાસીએ:
હૃદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ,
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત.

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.

‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ, તે પતિભા થઈ નથી શકતી.

મરીઝ એની સરળ ભાષામાં કવિની મર્યાદા સ્વીકારે છે:

ઓ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી
આ છે ગઝલ, કંઈ એમાં ઝડપથી લખાય ના.

રઈશ મનીઆર પણ સરસ વાત કરે છે:

રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.

ગઝલમાં ડૂબી જવું, જંપવું ગઝલ સર્જી,
સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે.

એ ય સાચું કે મારું દર્દ ગઝલ,
એ ય સાચું કે છે ઈલાજ ગઝલ.

શબ્દો બસ લાકડાની જેમ તણાઈ આવ્યા,
લોહીમાં દર્દભર્યાં  રોજ  જહાજો  તૂટે.
જવાહર બક્ષીનો અંદાજ બધાથી નિરાળો છે. એ ગઝલને તાબે જ થઈ જાય છે:
કોઈ લખાવે છે ને લખ્યે જાઉં છું ‘ફના’,
મારી ગઝલમાં કોઈ જવાહરગીરી નથી.
એ કહે તે કરવાનું,
આ ગઝલ છે, ડહાપણ નહીં.
રમેશ પારેખ એમની નોખી શૈલીમાં આ રીતે સર્જનની પ્રક્રિયા પર પ્રકાશ નાંખે છેઃ
છે, પથ્થરોથી સખત છે આ શાહીનું ટીપું,
પીડાની મૂર્તિઓ કંડારવી ક્યાં સહેલી છે?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
એને મારું એક મન ઓછું પડ્યુ ? કોને ખબર ?

રમેશ, હું પયગંબર થઈને વરસું છું,
કાગળિયા છલકાવું છું સરવરની જેમ

રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.

કલમમાં ઘસઘસાટ ઊંઘતી રહી પીડા,
શબ્દ નળ જેમ અર્ધવસ્ત્ર ધોધમાર આવ્યો.

પરોવું મોતી  જેમ  શૂન્યતાના ઝુલ્ફોમાં
ન જાણું ક્યાંથી આ શબ્દોનો ખજાનો આવ્યો.
અમૃત ઘાયલ ખૂબ મીઠી રીતે ગઝલના મૂળ સુધી પહોંચે છે:
છે ગઝલ દર્દની ગિરા ‘ઘાયલ’,
માત્ર ભાષાની ઘાલમેલ નથી.

મીઠાં શમણાં વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.
અમૃત ‘ઘાયલ’ ગઝલ એ દર્દ અને લોહીની પેદાશ હોવાની વાતને પણ સિક્કો મારી આપે છે:
દરદ ન હોય તો આવી રીતે દ્રવી ન શકું,
ને શબ્દરૂપે અહીં આમ હું સ્ત્રવી ન શકું.
ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં!
કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં!
 [પાછળ]     [ટોચ]