[પાછળ] 
ગઝલઃ એક કાવ્યપ્રકાર-૨
લેખકઃ વિવેક ટેલર

કાવ્યસર્જનની પ્રક્રિયા એ કદાચિત્ મૃત્યુ જેવી ઘટના છે. બંનેને સમજવાની કોશિશ મનુષ્ય શરૂઆતથી જ કરતો આવ્યો છે પણ બંને જેટલી નક્કર અને અફર છે એટલી જ કદાચ અકળ. એક જ ફરક છે, બંનેમાં. મૃત્યુને અનુભવ્યા પછી કોઈ પાછું વળીને આવતું નથી, પણ કવિઓ પોતાની સર્જનક્રિયા અંગે આપ-બયાની આપી શકે છે.

નખશિખ સુરતી ભગવતીકુમાર શર્મા લોહીથી લખવાની વાત કરે છે:
તૂટી કલમ તો આગળીનાં ટેરવે લખ્યું,
તેથી જ રાતી ઝાંય છે મારા બયાનમાં.

મારો  અવાજ  શંખની  ફૂંકે  વહી  જશે,
મારી કવિતા શબ્દનાં છીપલાંનું ઘર હશે.

આંસુભર્યા તળાવમાં કાગળની હોડીઓ,
સ્ફુરે ગઝલ  એ ચંદ્રકિરણનો પ્રસંગ છે.
સુરતના જ નયન દેસાઈ આંગળીનો ભરાવો ઠાલવવાની વાત લઈને આવે છે:
શબ્દને વીટળાયેલો આ બ્રહ્મ બ્રહ્માંડોનો સ્પર્શ,
આંગળી ભરચક્પણું  ખાલી  કરે  તે  છંદ છે.
શ્યામ સાધુ અલગ ચીલો ચાતરે છે. એ સર્જનની વાતમાં વેદનાને સ્થાને હર્ષ અનુભવે છે:
સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે!
શોભિત દેસાઈનું મન અલગ જ ગાડીમાં મુસાફરી કરે છે:
કદાચ  એથી   ગઝલ  ધારદાર  આવે  છે,
ભીતરમાં લાંગર્યો છે એક કાફલો અય મન

શબ્દની ગાડીમાં સાવ જ મન વગર
મારી   ઈચ્છાને   ઢસેડી   હોય  છે
સુરેન ઠાકર ‘મેહુલ’ ગઝલ લખ્યા પછીની સંતુષ્ટિથી અભિભૂત છે:
‘મેહુલ’ ગઝલ  લખીને  એવું અનુભવું છું,
જાણે અમીનો મીઠો એક ઓડકાર નીકળ્યો
સર્જકોની મહેફિલ હોય અને પાલનપુરી ન હોય? શૂન્ય વિનાના સૌ એકડા નિર્માલ્ય છે. કવિની પ્રેરણા સદૈવ ચર્ચાનો વિષય રહે છે, એ પ્રેરણાની કબૂલાત કર્યા પછી પણ એને મોઘમ જ રાખે તે ‘શૂન્ય’ પાલનપુરી:
અમસ્તી હોય ના ભરતી કદી ઊર્મિના સાગરમાં,
એ કોની પ્રેરણાથી ‘શૂન્ય’ની ગઝલો લખાઈ છે!

જન્મ-મૃત્યુ છે મત્લા ને મક્તો ઉભય,
શ્વાસના  કાફિયા,  જિંદગીનો  વિષય,
રંગ  લૌકિક છે  પણ  અલૌકિક  લય,
ગાય છે  શૂન્ય  ખુદની  હજૂરે ગઝલ.
લખતા લહિયો થવાય એ કદાચ આદિલ મન્સૂરીની ફિલસૂફી છે:
શબ્દ  સાથે   ક્યાં  હતો    સંબંધ  પણ,
લખતા લખતા  અંતે  લહિયો થઈ ગયો.
હજીયે તાજા છે શબ્દોના સર્વ ઘા આદિલ,
હજીયે લોહી  ટપકતું  કલમની ધાર વિશે.
મનહર મોદી ગધેડા જેવા પ્રતીકથી અક્ષરોનું વહન કરવાની વાત ટૂંકમાં અને સચોટ કરે છે:
કરે છે  હજી કેમ  ‘હોંચી’  ગધાડું?
મેં અક્ષર ભર્યા છે, હું ખેંચું છું ગાડું.
વાંચીએ અને તરત ગમી જાય, એવું કંઇક લખવું હોય, તો એ શીખી શકાય ખરું?

ચિત્રકળા અને તરણકળા – આ બેને સરખાવીએ…. તરતાં ન આવડતું હોય એવો કોઈ પણ માણસ ધારે તો ગમે તે ઉંમરે યોગ્ય પ્રશિક્ષણ પામીને તરતાં અવશ્ય શીખી શકે છે. પણ શું કોઈપણ માણસ ચિત્રકળા શીખી શકે? ચિત્રકામ ન આવડતું હોય એ માણસ પ્રશિક્ષણ વડે ચિત્રો દોરતાં જરૂર શીખી શકે પણ સારા ચિત્રો તો એ જ બનાવી શકે જેને કુદરતી બક્ષિસ હોય… Skilled work અને art work આ બંનેમાં એક જ તફાવત છે અને તે છે તમારી કોઠાસૂઝનો. દસ ચોપડી ભણેલો માણસ રમેશ પારેખ થઈ શકે અને આર્ટ્સમાં પી.એચ.ડી.કરનાર કવિતા સમજી પણ ન શકતો હોય એવું નથી બનતું? ટેનિસ રમનાર દરેક માણસ સ્ટેફી ગ્રાફ નથી બનતો….

આ ઈશ્વરદત્ત બક્ષીસ વિશે મારે કશુંક કહેવું હોય તો હું શું કહું?
હોતું  નથી  એ ઝીલવાનું  ભાગ્યમાં  હર એકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.

શબ્દોનું  લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

ન થઈ જે વાત  એના ડંખે સર્જી છે  ગઝલ મારી
કે ક્ષર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ!
 [પાછળ]     [ટોચ]