[પાછળ] |
![]() લેખકઃ વિજયગુપ્ત મૌર્ય આવો, આજે આપણે સૂર્યના પ્રવાસે જઈએ. (આ લેખ ‘અખંડ આનંદ’ સામાયિકના પ્રારંભકાળમાં તેના જૂલાઈ, ૧૯૪૯ના અંકમાં પ્રસિદ્ધ થયો હતો.) આપણે કંઈ બ્રહ્માંડમાં બહુ લાંબે જવાનું નથી. સૂર્ય આપણી પૃથ્વીથી સરેરાશ માત્ર ૯,૨૯,૦૦,૦૦૦ માઈલ જ દૂર છે. બ્રહ્માંડમાં જ્યાં અબજોના અબજો માઈલ પણ બહુ સાધારણ અંતર ગણાય છે, ત્યાં સવા નવ કરોડ માઈલની તે શી કિંમત ગણાય? આપણે તો કલ્પનાના પાંખાળા ઘોડા પલાણી તેમના પર સવાર થઈને જવું છે ને? કલ્પનાના ઉલ્લેખ ઉપરથી એમ નહિ માની બેસતા કે તમારા મનઃચક્ષુ આગળ હેરત પમાડે એવી જે સૃષ્ટિ ખડી થનાર છે તે પણ કાલ્પનિક છે. સૂર્ય વિષે નગદ્ સત્ય હકીકતનું ચિત્ર તમારા મનઃચક્ષુ સમક્ષ અહીં રજૂ થાય છે. આર્યોએ સૂર્યને સચરાચર જગતના સ્વામી અને ઈશ્વર સ્વરૂપે ઓળખાવેલ છે, તે આદિત્ય છે, એ બધું ખરું. તે મહાન છે, પણ તેમાં બધું સમાઈ નથી જતું. આ અનંત બ્રહ્માંડમાં જ્યાં સ્થળ, સમય, અંતર, દિશા, સૌ માયા જ લાગે છે તેમાં દિવસે સૂર્ય પોતાની મહત્તાના મિથ્થા દમામમાં આપણને આંજી બ્રહ્માંડને પોતાના કિરણો આડે ઢાંકી મૂકે છે અને એ રીતે આપણાં મનમાં એવો ભ્રમ પેદા કરે છે, કે આ બ્રહ્માંડનો સ્વામી સૂર્ય જ છે પણ આપણે તેના ઘમંડથી છેતરાઈશું નહિ. રાત પડવા દો અને પછી જુઓ. ચંદ્રને પણ જવા દો. કારણકે જ્યારે સૂર્ય નથી હોતો ત્યારે તે ચંદ્ર દ્વારા પોતાનો પ્રકાશ આપણી આંખ આડે પાથરી આપણને ભ્રમમાં રાખવા માગે છે. અંધારી રાતે ઝળહળતા લાખો તારા સાથે જુઓ. એ દરેક તારો (ગ્રહ નહિ) સૂર્યથી અનેકગણો મોટો છે, અનેક ગણો તેજસ્વી છે. આમાંના સૌથી નાના તારા પાસે પણ આપણો સૂર્ય તુચ્છ છે, અતિશય તુચ્છ છે, કંગાલ છે, ઝાંખો-ઝપટ છે, નિસ્તેજ છે, ફિક્કો છે... સૂર્ય તો આ બ્રહ્માંડમાં સૌથી નાનામાં નાનો, આપણી પાસેમાં પાસે અને ઓછામાં ઓછો તેજસ્વી તારો છે. તેના પછીનો તારો (આપણાથી સૂર્ય સુધીના અંતર કરતાં) ત્રણ લાખ ગણો વધારે દૂર છે! સૂર્ય તો આપણો ઘરદીવડો છે. આપણી પડખે, માત્ર સવા નવ કરોડ માઈલ છેટે હોવાથી જ તે આટલો બધો તેજસ્વી અને ગરમ લાગે છે. પણ આપણે. વામન કહીને એની ‘અવગણના’ નહિ કરીએ. તેનામાં ૩,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ (ત્રણ ઉપર ૨૭ મીંડા) જેટલા કેન્ડલ પાવરનું તેજ છે! પરંતુ મૃગશીર્ષ (નક્ષત્ર)માં પારાધી (વ્યાધ)નો તારો સૂર્ય કરતાં ૨૬ ગણો વધારે પ્રકાશિત છે. પ્રસ્તાવનામાં વખત ગાળવો આપણને પાલવે તેમ નથી. કલ્પનાના પાંખાળા ઘોડા અધીરાઈથી હણહણે છે. આપણે ઘોડેસ્વાર થઈ ઊડી નીકળીએ. જુઓ, આપણે હવે સૂર્યની સપાટી જોઈએ. પૃથ્વી કરતાં ૨,૩૨,૦૦૦ ગણું વજન ધરાવતા અને ૮,૬૪,૦૦૦ માઈલનો વ્યાસ ધરાવતા સૂર્યની સપાટી દાણાદાર અને કિનારી કરતાં મધ્ય ભાગ વધુ તેજસ્વી લાગે છે, ખરું ને? પણ સૂર્યની સૃષ્ટિ અકળ છે. હવે આપણે સૂર્યથી ઘણા પાસે આવી ગયા છીએ. ઘોડાને જરા થોભાવો. આપણે સૂર્યના ગોળાનું નિરીક્ષણ કરીએ. હવે તાપ બહુ લાગે છે, ખરું ને? અને તેજથી આંખો બિડાઈ જાય એમાં નવાઈ પણ શું છે? સૂર્યની સપાટીમાંથી છ હજાર ડીગ્રી સેન્ટિગ્રેડ ગરમી છૂટે છે! હજી તેના મધ્યબિંદુની ગરમીનો તો આપણને ખ્યાલ જ નથી! આપણે એ મધ્યબિંદુ સુધી જવા પણ નથી માગતા; કારણકે ત્યાં તો ચારથી છ કરોડ ડીગ્રી ગરમી છે! એ ગરમી કેટલી થઈ તેનો ખ્યાલ આવે છે? એક પૈસો લઈએ અને તે ચાર કરોડ ડીગ્રી ગરમી આપે એટલી હદ સુધી તેને જો તપાવીએ, તો તેમાંથી એવી ગરમી નીકળે કે હજાર ગાઉ છેટે માણસ હોય તેને પણ એ પૈસામાંથી નીકળતી ગરમી બાળીને કોલસો કરી દે! હવે ભગવાન આદિત્ય નારાયણનાં દર્શન કર્યા? એ ગોળો ક્યાંથી શરૂ થાય છે તે કહેવું જ મુશ્કેલ છે. સૂર્યના વાતાવરણ અને બંધારણ વિષે આપણા વિશ્વવિખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી શ્રી. મેઘનાથ સહાએ ખૂબ જ મહત્ત્વનું સંશોધન કરી આશ્ચર્યજનક પ્રકાશ પાડ્યો છે. તમે તાજુબ બનીને સૂર્યના ગોળા સામે જોઈ રહ્યા છો, અને વિચારમાં પડી ગયા છો કે એ ગોળો શેનો બનેલો છે ? પરંતુ હું તમને પૂછું કે જ્યાં ૬,૦૦૦ ડીગ્રીથી માંડીને છ કરોડ ડિગ્રીની ગરમી ધીખતી હોય ત્યાં કઈ વસ્તુ ઘન કે પ્રવાહી રૂપે રહી શકે? તેમાં રહેલાં લોઢું, પથ્થર, કાર્બન, હાઈડ્રોજન, પ્રાણવાયુ, નાઈટ્રોજન વગેરે તમામને એ પ્રચંડ ગરમીના કારણે વાયુરૂપે જ રહેવું પડે. જે કંઈ તત્વો આપણી પૃથ્વીમાં છે તે સૂર્યમાં પણ છે; કારણકે પૃથ્વી પુત્રી તો સૂર્યની જ ને? પરંતુ એ બધું ધગધગતા વાયુરૂપે છે. પૃથ્વીની જેમ સૂર્યને વાતાવરણ છે. પણ પૃથ્વીના વાતાવરણ જેવું તો નહિ જ. આઠથી નવ હજાર માઈલ સુધી તે ફેલાય છે. તેમાં વિદ્યુત પ્રેરિત હાઈડ્રોજન, હેલિયમ, કેલ્શિયમ વગેરે વાયુઓ છે. પરંતુ સૂર્ય પોતે જ્યારે વાયુરૂપ છે ત્યારે સૂર્ય અને તેના વાતાવરણને જુદા પાડે એવી સીમારેખા તો ક્યાંથી જ દોરી શકાય? તેમાં વળી સૂર્યમાંથી જે પ્રચંડ જ્વાળાઓ નીકળીને ઘણીવાર તેના વાતાવરણમાં ચડી જાય છે તે જોતાં એ બે વચ્ચે સીમા દોરી શકાય જ નહિ. આ ચમત્કાર જોયા? સૂર્યમાંથી જે પ્રચંડ મોજાની જેમ શિખાએ વારંવાર ઊંચી ચડે છે અને વિવિધ પ્રકારના ફાંટેબાજ આકાર ધારણ કરે છે, તે તો શુષ્કવૃત્તિના માણસને પણ નવાઈ પમાડે એવા છે. જ્યારે ખગ્રાસ સૂર્યગ્રહણ હોય ત્યારે મેશ ચોપડેલ કાચ આડો ધરીને દૂરબીનમાંથી સૂર્યની કંકણ આકૃતિ જોજો. આ રાક્ષસી શિખાઓ તમને સૂર્યમાંથી વીંઝાતી દેખાશે. કોઈ વખત તો એ સૂર્યમાં સમાઈ જાય છે, કોઈ વખત તે વિવિધ સ્વરૂપો ધારણ કરે છે અને કોઈ વખત તો સૂર્યમાંથી છૂટી પડી બહાર ચાલી જાય છે. આ પૈકી કેટલીક જ્વાળાઓ લાખો માઈલ ઊંચી અને લાખો માઈલ પહોળી હોય છે! (તેમાંની) એક નાનકડી જ્યોત (પણ) આપણી આખી પૃથ્વીને ઢાંકી દે (એટલી મોટી હોય) છે! સૂર્ય અને સૂર્યના વાતાવરણની વચ્ચે ઝળહળતો પરિવેશ છે. તમે જ્યારે ખગ્રાસ સૂર્યગ્રહણ જુઓ ત્યારે એ પરિવેશ સ્પષ્ટ જોઈ શકશો. ચંદ્ર આડે આવવાથી સુર્યની ગોળાકૃતિ ઢંકાઈ ગઈ હશે, કદાચ તેની કોર કંકણાકારે દેખાતી હશે ૫રંતુ તેમાંથી જે તેજના ફુવારા છૂટે છે તેનો આ પરિવેશ છે. તે એમ બતાવે છે કે સૂર્ય કરોડો માઈલ સુધી આકાશને સૂર્યમય બનાવી દે છે. આમ સૂર્યમાંથી ગરમી, તેજ, ઈથરના આંદોલનો, વિદ્યુતપ્રવૃત્તિ વગેરે દ્વારા જે અમોઘશક્તિ નીકળે છે, તેનો જો અંદાજ કરીએ તે સૂર્યને દર સેકન્ડે ચાલીસ લાખ ટનની ખોટ પડે છે! રખે તમે ચિંતામાં પડી જતા કે સૂર્યને દર સેકન્ડે જ્યારે ચાલીસ લાખ ટનનો ઘસારો લાગતો હશે, ત્યારે બાપડો બહુ વહેલો ઠરી જશે અને પછી આપણું સૌનું શું થશે? ગભરાવાનું કારણ નથી. સૂર્યમાં એટલી અમોઘશક્તિ છે કે દર સેકન્ડે ચાલીસ લાખ ટનનો ઘસારો લાગતો હોવા છતાંય સૂર્ય આમ ને આમ લાખો કે કરોડો વર્ષ સુધી ચાલવાનો છે. પૃથ્વી પર અને આપણા વાતાવરણમાં સૂર્યના તેજ અને ગરમીથી કેટલી પ્રચંડ ક્રિયા થઈ રહી છે તેનો કદી ખ્યાલ કર્યો છે? પણ આપણે ફાળે સૂર્યમાંથી જે શક્તિ આવે છે તે તો કંઈ જ નથી. સૂર્યના ગ્રહોને સૂર્યમાંથી જે શક્તિ મળે છે તેનાથી બાર કરોડ ગણી શક્તિ તો અવકાશમાં જ લોપ પામે છે! આવો, હવે આપણે સૂર્યના ગોળાનું નિરીક્ષણ કરીએ. પ્રચંડ ગરમીને કારણે અહીં દરેક વસ્તુ વાયુરૂપ છે. એ વાયુના અણુઓ પ્રચંડ ગતિ અને શક્તિથી ઘૂમે છે અને ગુરુત્વાકર્ષણને કારણે વિખેરાઈ ન જતા સમૂહમાં રહે છે. દરેક અણુમાં નેગેટિવ વિદ્યુતકણો પોઝિટિવ કેન્દ્રની આસપાસ કરે છે. અણુના વિભાજનથી જે વિરાટ શક્તિ ઉદ્ભવે છે તેનો ખ્યાલ આપણને અણુ બૉમ્બથી મળ્યો છે. (તા. ૬ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ જાપાન પર પડેલા અણુ બૉમ્બથી દુનિયા આખી કંપી ઊઠી હતી.) સૂર્યમાં પ્રચંડ ગરમી અને વાતાવરણના ઓછા દબાણના કારણે અણુમાંથી વિદ્યુતકણો છૂટાં પડે છે અને તેથી તેમાંથી વિરાટ શક્તિ પેદા થાય છે. દર કલાકે તેમાં જે શક્તિ પેદા થઈ નીકળી જાય છે તેને આપણે ૧,૪૪, ૦૦,૦૦ ૦૦૦ ટનમાં વ્યક્ત કરી શકીએ. દરેક વસ્તુ બળે છે ત્યારે તે વિશિષ્ટ પ્રકારના રંગનો પ્રકાશ આપે છે અને એ પ્રકાશ કિરણોને વિશિષ્ટ પ્રકારના રંગોનો વળાંક હોય છે. સૂર્યનો પ્રકાશ સફેદ છે એમ તમે માનો છે? મેઘધનુષ્યમાં જે સાત રંગો છે એ જ સૂર્યનો પ્રકાશ છે પરંતુ તે રંગો જો ભેગા મળી જાય તો રંગ ધોળો બની જાય. સાવ સાદી વાત છે: પંખા પરના એક ગોળ પૂંઠા પર એ સાત રંગો પડખેપડખે ચીતરીએ અને પછી એ પંખાને ગોળગોળ ફેરવીએ તો પૂઠામાં સાત રંગ નહિ દેખાય, પણ સમગ્ર પૂઠું ધોળું જ દેખાશે. એ જ રીતે સાત રંગના પ્રકાશ આપતો સૂર્ય પોતાની ધરીની આસપાસ ફરતો હોવાથી તેનાં સાતે રંગ મળી તડકાનો ઘોળો રંગ થાય છે. એ જ ધવલ કિરણો જ્યારે વરાળ કે વાદળામાંથી પસાર થાય છે, ત્યારે તેનાં સપ્તરંગી કિરણો છૂટાં પડી જાય છે અને મેઘધનુષ્ય બને છે. ગયા જાન્યુઆરીની આખરમાં (એટલે કે ઈ.સ. ૧૯૪૯માં) સૂર્યમાં જે ધાબા દેખાયાં હતાં, તેને પરિણામે દુનિયાનો રેડિચો અને કેબલ વહેવાર ખોરવાઈ ગયો. એમ કેમ બન્યું? ખરી વાત એ છે કે એ ધાબાં શું છે, શા માટે થાય છે અને કેમ અદૃશ્ય થઈ જાય છે તે કોઈ જાણતું નથી. પણ આશરે દર અગિયાર વર્ષે તેઓ દેખાય છે. એ ધાબાં છે, તેનો અર્થ એ કે ત્યાં આસપાસની સપાટી કરતાં જરા ઓછી ગરમી છે, તેમને પાણીની ઘૂમરી કે વંટોળિયા સાથે સરખાવી શકાય, પરંતુ તેઓ લાખો માઈલ લાંબા-પહોળા હોય છે. એટલા મોટા હોય છે કે આપણી પૃથ્વી તો તેમાં એક કાંકરાની જેમ સમાઈ જાય. દરેક ધાબાની જોડી હોય છે. જો મુખ્ય ધાબામાં ઉત્તરધ્રુવ હોય તો જોડિયામાં દક્ષિણ હોય છે. પરંતુ સૂર્યના દક્ષિણ ગોળાર્ધમાં જે ધાબાં હોય છે તેમનો ક્રમ ઊલટો હોય છે. આપણી પૃથ્વીની જેમ આ ધાબાઓ પણ વિદ્યુતપ્રેરિત લોહચુંબક જ છે. આ ધાબામાંથી જે વિદ્યુત અવકાશ દ્વારા પ્રેરાય છે તે આપણા રેડિયો, બિનતારી સંદેશા અને કેબલ વહેવારને ખોરવી નાખે છે. સૂર્ય કરતાં આ ધાબામાં વિદ્યુતશક્તિ વધારે હોય છે. સૂર્ય પોતે પોતાની ધરી પર ફરતો હોવાથી આ ધાબાં પણ તેની સાથે ફરે છે. સૂર્યનો મધ્ય ભાગ ર૪.૫ દિવસમાં પોતાની ધરીની આસપાસ ફરી લે છે. સૂર્ય પોતે ઘન સ્વરૂપ ન હોવાથી આખું અંગ એક સાથે અને એકસરખી ઝડપથી નથી ફરતું. સૂર્યની આ પ્રચંડ ક્રિયાઓ અને તેની વિરાટ શક્તિ ક્યાંથી આવે છે? તે ક્રિયા અને શક્તિનું મૂળ તેના પેટાળમાં–મધ્યબિંદુ પાસે છે, જ્યાં આપણી કલ્પનામાં પણ ના આવે એટલી વિરાટ ક્રિયાઓ થાય છે, ત્યાંથી શક્તિ તેની સપાટી તરફ ધકેલાય છે. એ શક્તિ એટલી પ્રચંડ હોય છે કે દરેક ચોરસ ઈચને ૫૦ હોર્સ પાવરની શક્તિ મળે છે. એ શક્તિને મુક્ત કરવા માટે જ સપાટી ઉપર આવા રાક્ષસી ઝંઝાવાતો ચાલ્યા કરતા હોય છે. જેમ પાણી ઊકળીને વરાળ દ્વારા ગરમી બહાર હડસેલે છે, તેમ સૂર્યના જે કેન્દ્રમાંથી આટલા બળથી શક્તિ (ગરમી) સપાટી ઉપર ધકેલાય છે, ત્યાં કેટલું ભયંકર દબાણ હશે તેનો ખ્યાલ કરવા જેવો છે. આપણી પૃથ્વી ઉપર દર ચોરસ ઇંચે હવાનું પંદર રતલ દબાણ છે, એટલે કે તે એક વાતાવરણનું પ્રમાણ થયું. સૂર્યના કેન્દ્ર ઉપર એવા ચાલીસ અબજ વાતાવરણનું દબાણ છે! આગગાડીના ભારેખમ ભરેલા ૬૦ વેગનને ખેંચી જનાર રેલવે એન્જિનના બોઈલરમાં પણ વરાળનું વીસ હવામાનથી વધુ દબાણ નથી હોતું. આમ પ્રચંડ ગરમીથી સૂર્યના અણુઓ જ્યારે ફૂલવા માગે છે ત્યારે પ્રચંડ દબાણથી તેમને સંકોચાઈ જવું પડે છે. આમ બે વિરોધી બળો વચ્ચે તુમુલ યુદ્ધ ચાલે છે અને તેનું પરિણામ આપણે સૂર્યની સપાટી ઉપર જોઈએ છીએ. સૂર્યની આ વિરાટશક્તિનું મૂળ તેના અણુઓના વિભાજનમાં છે. જ્યારે અણુ તૂટીને તેમાંથી વિદ્યુતકણો છૂટાં પડે છે, ત્યારે તેઓ એક મિનિટના ૩૦ હજાર માઈલની ઝડપ પકડે છે અણુના વિભાજનથી તેમાંથી જે મહાશક્તિનો દીર્ઘાયુ ધોધ નીકળે છે, તેનો પૃથ્વી પર તો આપણને ખ્યાલ છે. (ચોખવટઃ હકીકતમાં સૂર્ય પર fisson એટલે કે અણુ-વિભાજન નહિ પણ fusion એટલે કે અણુ-સંયોજન પ્રક્રિયા થાય છે. સૂર્યની મધ્યમાં રહેલા પ્રચંડ દબાણથી ત્યાં રહેલા હાઈડ્રોજન વાયુના ૪ પ્રોટોન કણનું સંયોજન થઈ હેલિયમ વાયુનો એક પ્રોટોન બને છે જેના પરિણામે તેમાંથી પ્રચંડ શક્તિ છૂટી પડે છે. આ આખી પ્રક્રિયા proton-proton fusion કહેવાય છે. સૂર્ય પર રહેલી કુલ ગરમીમાંથી ૯૯ ટકા ગરમી આ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે.) જો અણુમાં જ આ સૃષ્ટિનું રહસ્ય અને બ્રહ્માંડની ચાવી હોય તો આપણે કલ્પનાના પાંખાળા ઘોડાને પાછા વાળી પૃથ્વી પર ઊતરી પડીએ કારણકે મોડું વહેલું અહીં અણુશક્તિનું તાંડવ તો થવાનું જ છે. જો બ્રહ્માંડમાં સૂર્ય ઘરદીવડો છે, તો ગ્રહોમાં આપણી પૃથ્વી શુ ખોટી છે કે જેથી અણુના ઉત્પાત જોવા આપણે સૂર્ય સુધી જવું પડે? હવે આપણને એમ નથી લાગતું કે વિશ્વની સૌથી મહાન શક્તિ અણુમાં છુપાયેલી છે? સૂર્યમાં એ શક્તિનું જે તાંડવનૃત્ય ચાલે છે તેમાંથી પૃથ્વીને અને અન્ય ગ્રહને (જો અન્ય ગ્રહોમાં જીવન હોય તો) જીવન મળે છે. સૂર્ય ન હોય તો પૃથ્વી પર જીવન કેટલી ક્ષણ ટકે? એ સૂર્યમાંથી જ પૃથ્વી અને બધા ગ્રહોનો જન્મ થયો છે, અને પ્રલય સમયે આપણે તેમાં જ સમાઈ જઈશું એટલે જ આપણે સૂર્યને આદિત્ય ભગવાન કહ્યા છે. કોઈ એની શક્તિને દેવી તરીકે પૂજે છે, કોઈ એ શક્તિધારીને ભગવાન તરીકે પૂજે છે પણ અખિલ બ્રહ્માંડનું રહસ્ય અણુમાં સમાયેલું છે એ સ્પષ્ટ છે. કારણકે અણુના વિભાજનથી જ એ શક્તિનો ઉદ્ભવ થાય છે અને બ્રહ્માંડમાં સૃષ્ટિનું સર્જન થયું તે પહેલાં આ તમામ સૃષ્ટિ અણુ રૂપે જ હતી અને સૃષ્ટિનો લય થશે ત્યારે પણ તે અણુ સ્વરૂપે જ હશે ને? સૂર્ય અણુ અને અણુશક્તિ રૂપે છે એટલે જ આદિત્ય નારાયણ આદિ અને ઈતિના પ્રતીક છે. પણ વિશ્વ કઈ સૂર્યમાં જ નથી સમાઈ જતું. આપણે સહસ્રનામધારી સૂર્યને વિરાટ સ્વરૂપે જોયા. આ અનંત વિશ્વમાં તો એ વિરાટ સૂર્ય પણ અતિશય તુચ્છ–ક્ષુદ્ર વસ્તુ છે. હા, આદિત્ય નારાયણ આપણી પૃથ્વી તથા મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો વગેરે ગ્રહોના પરિવારના પિતા છે અને પૈડું જેમ ધરી પર ફરે અને આગળ પણ ધપે–એમ બે ગતિ ધરાવે છે–તેમ દરેક ગ્રહ પોતાની ધરીની આસપાસ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. પરંતુ સૂર્ય પોતે પોતાની ધરી પર ફરે છે અને પોતાના પરિવારને લઈને અનંત અવકાશમાં શૌરી મંડળના તારકગુચ્છ (નક્ષત્ર) તરફ કલાકના ત્રીસ હજાર માઈલની ઝડપથી ધસી રહ્યો છે! કોણ છે આ શૌરી મંડળ જે આપણા વિરાટ સૂર્યને વામન બનાવી તેને પણ આટલી ઝડપથી દોડાવે છે? પશ્ચિમમાં અગ્રેજીમાં તેને “હર્ક્યુલસ' કહે છે શૌરીનો અર્થ તો શ્રીકૃષ્ણ થાય, પણ પાંત્રીસ હજારથી પણ ક્યાંય વધારે તારા જે મંડળમાં સમાયેલા છે એમાં કૃષ્ણ ક્યા? એ પ્રશ્નનો જવાબ તો કોણ આપી શકે? કારણકે કૃષ્ણના રાસ મંડળમાં દરેક ગોપી સાથે કૃષ્ણ ક્રીડા કરતા હતા! આમ કૃષ્ણ અનેક સ્વરૂપે વિહાર કરતા તેનો અર્થ તો એ જ ને કે ભગવાન સર્વ વ્યાપક છે? જે એ ભગવાન સ્વરૂપ શૌરી મડળમાં જ આપણી પૃથ્વી, આપણે અને સૂર્યનો તમામ પરિવાર સમાઈ જવાને હોય તો પછી શી ચિંતા છે? પણ શું એ શૌરી મંડળ જ આ અનંત બ્રહ્માંડનું મધ્યબિંદુ હશે? આપણું સૂર્યમંડળ જેવા તો અનેક સૂર્યમંડળો આ બ્રહ્માંડમાં છે. આપણો સૂર્ય જેમની પાસે ઝાંખામાં ઝાંખા તણખલા જેવો અને જેવડો લાગે એવા (અનેક) મહાતેજસ્વી સૂર્યો આ અનંત બ્રહ્માંડમાં વિચરે છે. એ બધા પણ આ શૌરી મંડળ તરફ ધસી રહ્યા છે એ શું સત્ય હશે? પણ એ શૌરી મંડળ પોતે કોઈ બીજા મધ્યબિંદુ તરફ નહિ ખેંચાતું હોય એ કોણ કહીં શકે? કલ્પનાનો પાંખાળો ઘોડો જ્યાં જઈ શકતો નથી ત્યાં વધુ વખત વિહાર કર્યો શું વળશે એટલે જ આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે, કે ઈશ્વરની માયાનો પાર કોઈ પામી શકે નહિ. પણ વળી અહીં પ્રશ્ન થાય છે કે એ ઈશ્વર કોણ અને કેવા સ્વરૂપે છે! એ સર્વત્ર વ્યાપક છે, નિરાકાર છે, અજન્મા છે અને અવિનાશી છે. સર્વ વ્યાપક તો અણુ છે અને અણુમાં જ આ સૃષ્ટિના સર્જન, પોષણ અને પ્રલયની શક્તિ ભરેલી છે. તેને જ આપણે ઈશ્વર અથવા ઈશ્વરની પ્રતિકૃતિ ગણીએ. અણુ અને અણુશક્તિના પ્રતીક સમા વિરાટ છતાં વામન અને વામન છતાં વિરાટ એવા સૂર્યદેવને નમસ્કાર હો! |
[પાછળ] [ટોચ] |