[પાછળ] |
સોને જૈસે બાલ..... લેખકઃ પંકજ ઉધાસ (આ લેખ મુંબઈના દૈનિક ગુજરાતી મીડ ડેમાં તા. ૨૨ અને ૨૯ એપ્રિલ, ૨૦૨૦ના રોજ પ્રસિદ્ધ થયો હતો.) ૧૯૮૪નું વર્ષ. આપણે વાત કરીએ છીએ મારી લાઈફમાં અત્યંત મહત્ત્વના પુરવાર થયેલા આ વર્ષની. ૧૯૮૪માં મારી યુ.કે.ની ગઝલ કૉન્સર્ટની ટૂર થઈ અને આલ્બર્ટ હૉલમાં મારો પ્રોગ્રામ થયો. અગાઉ ૧૯૭૬માં અને ૧૯૮૨માં એમ બે વખત હું યુ.કે. પ્રોગ્રામ માટે જઈ આવ્યો હતો, પણ મારી પોતાની ગઝલો ગાઈને મેં જે નામ કર્યું એ ૧૯૮૪માં બન્યું. યુ.કે.ની આ પહેલી ઑફિશ્યલ ટૂર અને એમાં પણ રૉયલ આલ્બર્ટ હૉલમાં પ્રોગ્રામ. મારી ઍન્ગ્ઝાયટી - મનનો ઉદ્વેગ ચરમસીમા પર હતો. શું થશે, પ્રોગ્રામમાં હું શું ગાઈશ અને મારી ગાયકી પર ઑડિયન્સ કેવું રીએક્ટ કરશે એવા અનેક વિચાર મારા મનમાં ચાલતા હતા. - આ ટૂર માટે મેં નવી-નવી ગઝલ તૈયાર કરવાનું શરૂ કર્યું અને એમાં એક રાતે અચાનક પાકિસ્તાનના મશહૂર શાયર કતીલ શિફાઈની એક ગઝલના મત્લા પર એટલે કે પહેલા શેર પર ગયું... ‘ચાંદી જૈસા રંગ હે તેરા, સોને જૈસે બાલ...’આ પહેલી જ પંક્તિએ મારી આંખો ચાર કરી દીધી. અદ્ભુત શબ્દો હતા આ, પણ આગળના શબ્દોમાં સ્ત્રી સૌંદર્યની વાતો જોઈએ એ સ્તર પર આવતી નહોતી. મને થયું કે આ ગીતની તૈયારી માટે કરવી જોઈએ અને એને વિશેષ રૂપે તૈયાર કરવી જોઈએ. મેં કતીલસાહેબનો નંબર લઈને તેમને ફોન કર્યો અને તેમને મારા મનની વાત કરી. મેં તેમને કહ્યું કે ત્રણ અંતરા જો આપ બનાવી આપો તો હું એક સુંદર ગીત તૈયાર કરી શકું. - તેમણે હા પાડી અને કહ્યું કે આગળના બંધ એટલે કે અંતરા લખીને હું તમને મોકલાવી દઈશ. કતીલસાહેબે આવું અઢળક કામ કર્યું હતું. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેમનું ખાસ્સુ મોટું નામ. પાકિસ્તાનની ૧૦ ફિલ્મોમાંથી ૮ ફિલ્મોમાં તેમનાં લખેલાં ગીતો હોય. કહેવાનો ભાવાર્થ એ જ કે આ પ્રકારના કામની તેમની ફાવટ અને હથોટી પણ અદ્ભુત. એ સમયે મેઈલ તો હતા નહીં એટલે કતીલસાહેબે કહ્યું કે જેવું તૈયાર થશે કે તરત જ હું તમને એ પોસ્ટ કરી દઈશ. ફૅક્સની સુવિધા પણ એ સમયે જૂજ જોવા મળતી. મેં હા પાડી અને તેમને કહ્યું કે હું મુખડા પર કામ ચાલુ કરું છું, તમે આગળના બંધ પર કામ કરો. અમારા બન્નેનાં કામ શરૂ થયાં. હું મારું કામ કરતાં-કરતાં કતીલસાહેબના લેટરની રાહ જોઉં, પણ એનો કોઈ અણસાર આવે નહીં. મારી સાઈડની વાત કહું તો મેં મુખડાનું કમ્પોઝિશન તૈયાર કરી લીધું અને એ પછી પણ કતીલસાહેબનો કોઈ લેટર આવ્યો નહીં. મેં તેમને ફોન કર્યા પણ એ દરમ્યાન તેઓ સતત ટૂરમાં એટલે ફોન પર પણ મળે નહીં. ઘરેથી એક જ જવાબ મળે કે સાહેબને મેસેજ આપી દઈશું. અહીં મારું કામ ચાલુ જ હતું. મારા ખાસ મિત્ર અને બહુ જ ઉમદા શાયર મુમતાઝ રાશિદને મેં આ ધૂન સંભળાવી. મુમતાઝ રાશિદની ઘણી ગઝલો મેં ગાઈ છે અને એ ગઝલો શ્રોતાઓને ખૂબ ગમી છે. આ તૈયારી દરમ્યાન તેઓ મારી સાથે બેઠા અને મેં તેમને મારી આ નવી ધૂન સંભળાવી. પહેલી લાઇન મારી પાસે તૈયાર હતી..... ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ એક તુ હી ધનવાન હૈ ગોરી, બાકી સબ - કંગાલધૂન સાંભળીને તેઓ ખૂબ ખુશ થયા. તેમણે rકહ્યું કે આ ગીત ધમાલ મચાવશે, આગળ તૈયાર કરવું જોઈએ. મેં તેમને આખી વાત કહીને કહ્યું પણ ખરું કે કતીલસાહેબને નવા અંતરા માટે કહ્યું છે, તેઓ કામ કરે છે, પણ હજી કશું આવ્યું નથી. રાશિદસા’બે કહ્યું કે રાહ જોવી જોઈએ, તેઓ જે મોકલશે એ લાજવાબ હશે. તું રાહ જો. મારી પાસે રાહ જોવા સિવાય બીજો કોઈ છૂટકો પણ નહોતો. હું રાહ જોઉં, મારું કામ કરતો રહું અને બેચાર દિવસે એકાદ વાર કતીલસાહેબને કૉન્ટેક્ટ કરી લઉં, પણ દુર્ભાગ્યવશ તેઓ ફોન પર મળે જ નહીં. મારું ટેન્શન વધવાનું શરૂ થયું. સમય પસાર થઈ રહ્યો હતો અને મારી કૉન્સર્ટનો સમય નજીક આવવા માંડ્યો હતો. ગયા આ ટૂર બહુ મહત્ત્વની હતી. મારે રિહર્સલ્સ કરવાં હતાં અને એને માટે તમામ સાજિંદાઓના સમય અને તેમના શેડ્યુલને પણ જોવાનું હતું. ૧૯૮૪નો ફેબ્રુઆરી મહિનો આવી ગયો અને અમારી વાત શરૂ થઈ હતી છેક ૧૯૮૩ના નવેમ્બર મહિનાથી. કતીલસાહેબને ત્યાંથી કોઈ પત્ર આવ્યો નહોતો અને સમય ઘટતો જતો હતો. તૈયાર થયેલા એ અંતરા આવે એ પછી મારે પણ એનું કમ્પોઝિશન તૈયાર કરવાનું હતું, જેમાં ખાસ્સો એવો સમય જવાનો હતો, કારણ કે આ ગીત હતું, ગઝલ નહીં. ગીત અને ગઝલના કમ્પોઝિશનમાં ઘણો ફરક હોઈ શકે અને મેં એ બારી ખુલ્લી રાખી હતી કે આ ગીતમાં વાદ્યો સાથે પણ પૂરા મનથી, દિલથી રમવું. મુમતાઝ રાશિદ સાથે મારી સીટિંગ ચાલતી હતી એ દરમ્યાન મેં રાશિદસાહેબને જ કહ્યું કે તમે એક કામ કરો. આ મત્લો તમે ઘણી વાર સાંભળ્યો છે અને તમને એ ધૂન પણ ખબર છે, તમે આના પર લખી શકો? ઉર્દૂ શાયરીમાં અને માત્ર ઉર્દૂ શાયરી જ શું કામ, દરેક વાતમાં એક પ્રોટોકોલ હોય છે, એટિકેટ્સ હોય છે. રાશિદસાહેબે મને કહ્યું કે ટેક્નિકલી હું બીજાની રચના પર લખું એ યોગ્ય ન કહેવાય, પણ ઉર્દૂ ગઝલમાં એક પ્રોવિઝન છે કે અન્ય કોઈની ગઝલ માટે તઝ્મીન કરી શકાય છે. તઝ્મીન શું છે એ સમજાવું તમને. તઝ્મીન એટલે અન્ય કોઈ શાયરના શેર લઈને એના પર આપણે આપણા બંધ એટલે કે બીજા શેર કરી શકીએ. પહેલા શાયરના શેરને અકબંધ રાખવાના અને એ પછી વાતને આગળ વધારવાની. આ જે પ્રક્રિયા છે એને તઝ્મીન કહેવામાં આવે છે. તઝ્મીન માટે મારો કોઈ વિરોધ નહોતો, ઊલટું એ બહુ સારો વિચાર હતો. રાશિદસાહેબ તઝ્મીન માટે તૈયાર થયા એટલે મેં તરત જ હા પાડી દીધી. તેમણે બે-ત્રણ દિવસનો સમય માગ્યો એટલે મેં તેમને મારી મજબૂરી સમજાવીને કહ્યું કે મને આ ગીત કોઈ પણ હિસાબે તૈયાર કરવું છે અને હવે મારી પાસે બહુ સમય નથી. રાશિદસાહેબે ધરપત રાખવાનું કહ્યું અને તેઓ રવાના થયા. - ત્રણ દિવસ પછી તેઓ ફરી આવ્યા. તેમની સાથે સુંદર રીતે લખાયેલા બંધ હતા, જે હું માગતો હતો એ બધી વાત એ બંધમાં હતી. સ્ત્રીસૌંદર્યની ગરિમા પણ જળવાતી હતી અને સ્ત્રીસૌંદર્યની નજાકત પણ એમાં અકબંધ હતી. એ બંધ સાંભળીને હું ખુશખુશ થઈ ગયો. મેં તરત જ સ્પોન્ટેનિયસ રીતે એને કમ્પોઝ કર્યા. પહેલા બંધના શબ્દો હતા... જીસ રસ્તેસે તું ગુઝરે, વો ફૂલોંસે ભર જાએ તેરે પૈરકી કોમલ આહટ સોતે ભાગ જગાએ જો પથ્થર છૂલે ગોરી તું વો હીરા બન જાએ તું જીસકો મિલ જાએ વો હો જાએ માલમાલ એક તું હી ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગાલકંગાલ અને માલામાલના રદીફનો બહુ સુંદર ઉપયોગ તેમણે કર્યો હતો. હું ખુશ થઈ ગયો. માનો કે મને લોટરી લાગી ગઈ. મને થયું કે મેં જે રાહ જોઈ એ વસૂલ થઈ. બીજા બન્ને બંધ પણ ખૂબસૂરતી સાથે લખાયા હતા. મેં મારી ખુશી વ્યક્ત કરતાં રાશિદસાહેબને કહ્યું કે આ અદ્ભુત કામ થયું છે. બીજા બંધના શબ્દો હતા... તું નાદાન ના જાને કૈસે રૂપ ચુરાતે લોગ નઝર ભર ભર દેખેં તુઝ કો આતે જાતે લોગ છેલછબીલી રાની થોડા છેલછબીલી રાની થોડા ઘૂંઘટ ઔર નિકાલ એક તું હી ધનવાન હૈ ગોરી બાકી સબ કંગાલત્રીજો બંધ એ તો ગીતનું ક્લાઇમૅક્સ હતું અને મુમતાઝસાહેબે એમાં કમાલ કરી દેખાડી હતી. શબ્દો અને ભાવના અકબંધ રહેવાની સાથોસાથ સ્ત્રી સૌંદર્યની વાતો પણ એમાં એટલી બખૂબી આવતી હતી કે કમાલ, તમે બીજું કશું કહી ન શકો... ધનક ઘટા કલિયાં ઔર તારે સબ હૈં તેરા રૂપ ગઝલેં હો યા ગીત હો મેરે, સબમેં તેરા રૂપ યું હી ચમકતી રહે હમેશાં તેરે હુસ્નકી ધૂપ તુઝે નઝર ન લગે કિસી કી, તુઝે નઝર ન લગે કિસી કી જિએ હઝારોં સાલ એક તું હી ધનવાન હૈ ગોરી બાકી સબ કંગાલઆફરીન. હું ખુશ થઈ ગયો અને તરત જ ફાઈનલ કમ્પોઝિશન પર કામ શરૂ કર્યું. રફ સ્કેચ હતો, પણ એ સ્કેચ માત્ર લાઈનદોરી પૂરતો હોય. એના આધારે ગીતનું કામ થાય, પણ ગીત લોકો સામે રજૂ કરતાં પહેલાં એના ફાઈનલ કમ્પોઝિશન પર આવવું પડે. તઝ્મીન તૈયાર થઈ એટલે મેં એ કામ શરૂ કરી દીધું. ટૂર હવે લગભગ સાવ નજીક જ આવી ગઈ હતી. ‘ચાંદી જૈસા રંગ હૈ...’ ગીત છેલ્લું ગીત હતું જેના પર અમે છેલ્લું કામ કર્યું અને એ પછી અમે લંડન જવા માટે નીકળવાના હતા. ફાઈનલ કમ્પોઝિશન તૈયાર થયાના બે-એક દિવસ પછી મને કતીલ શિફાઈસાહેબનો પણ પત્ર મળ્યો. તેમણે પણ મને બંધ તૈયાર કરીને મોકલ્યા હતા. કતીલસાહેબના બંધ પણ ખૂબ સરસ હતા. મેં શાંત ચિત્તે વિચાર કર્યો અને એ વિચાર પછી મેં નક્કી કર્યું કે મુમતાઝભાઈના બંધોને અકબંધ રાખવા. એક વાત કહી દઉં, કતીલસાહેબે જે બંધ મોકલ્યા હતા એ હજી પણ મેં સાચવી રાખ્યા છે. હવે વાત કરીએ યુકેની ટ્રિપની અને રૉયલ આલ્બર્ટ હૉલના શોની. રૉયલ આલ્બર્ટ હૉલના એ શોની એક ખાસ વાત કહું તમને. રૉયલ આલ્બર્ટ હૉલનો આ શો શુક્રવારે ૧૯૮૪ની તા. ૧૩મીએ હતો. તમને ખબર ન હોય તો કહી દઉં કે ઈંગ્લિશ કૅલેન્ડરમાં ૧૩ તારીખ અને શુક્રવારનું કૉમ્બિનેશન બહુ વિચિત્ર રીતે જોવામાં આવે છે. આ કૉમ્બિનેશન પર હૉલીવુડમાં તો ફિલ્મો પણ બની છે. અપશુકનિયાળ માનવામાં આવતા આ દિવસ માટે જાતજાતની શંકા-કુશંકા રાખનારાઓ પણ હતા. અમુક સુપરસ્પિશિયસ લોકો એવા કે આ કૉમ્બિનેશન હોય એ દિવસે ઘરની બહાર પણ ન નીકળે અને આ ફ્રાઈડે, ૧૩ના દિવસે મારો શો. જ્યારે આ ડેડલી કૉમ્બિનેશનની ખબર પડી ત્યારે મને હસવું આવી ગયું હતું, કારણ કે અમારો એ આખો શો ટોટલ સોલ્ડ આઉટ હતો અને એ પણ બે દિવસ પહેલેથી જ. કુદરતની મહેરબાની જ કહેવાય આને. આ ડેડલી કૉમ્બિનેશનવાળા દિવસે ગોઠવાયેલા એ શોમાં મેં અનેક નવી ગઝલો રજૂ કરી. ‘દિન કો ભી ઇતના અંધેરા હૈ મેરે કમરે મેં, ઘટા કો ઝુલ્ફ લિખના...’ અને એવી બીજી અનેક ગઝલો જે આજની મારી યાદગાર ગઝલોમાં ગણાય છે એ બધી ગઝલો વચ્ચે મેં આ ગીત ગાયું... ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ એક તુ હી ધનવાન હૈ ગોરી, બાકી સબ - કંગાલલોકો આફરીન થઈ ગયા. ખુશ-ખુશ અને ગીત વન્સ મોર થયું. બીજી વખત ગીત ગાઈ ઑડિયન્સના પ્રેમને મેં ઝીલ્યો, પણ આ શું? ફરી વખત એ જ ડિમાન્ડ અને પછી તો ધમાલ થઈ ગઈ. કહો કે રીતસર તોફાન મચી ગયું અને લોકોએ ગીત ઝીલી લીધું. બધાને બહુ ગમ્યું. આ રૉયલ આલ્બર્ટ હૉલનો આખો પ્રોગ્રામ અમે રેકૉર્ડ કર્યો હતો. યુ.કે.ના બીજા શો પૂરા કરીને અમે મુંબઈ પાછા આવ્યા. બધા આર્ટિસ્ટ આ ટૂરથી ખૂબ ખુશ હતા. સ્વાભાવિક રીતે હું પણ ખૂબ ખુશ હતો. મારું કામ અહીં મ્યુઝિક ઈન્ડિયા કંપની સાથે ચાલતું હતું. બહુ મોટી કંપની અને અનેક નવા ગઝલ-સિંગર એણે દેશને આપ્યા. મ્યુઝિક ઈન્ડિયાની ટીમને આ પ્રોગ્રામના સમાચાર પહેલેથી જ મળી ગયા હતા. મુંબઈ આવ્યા પછી તેમણે મારી સાથે મીટિંગ કરી અને મને કહ્યું કે આપણે આ લાઈવ પ્રોગ્રામની ઑડિયો-કૅસેટ માર્કેટમાં મૂકવી જોઈએ. લોકો એને વધાવી લેશે. મેં તૈયારી દર્શાવી અને લાઈવ પ્રોગ્રામ પર રિપેરિંગ અને સાઉન્ડ-વર્ક શરૂ કર્યું. પ્રોગ્રામ લાઈવ ફૉર્મેટમાં સીધો ક્યારેય સાંભળવો ગમે નહીં. ઘણી અડચણો એમાં આવતી હોય એટલે જે કોઈ લાઈવ પ્રોગ્રામ હોય એને કમર્શિયલ માર્કેટમાં મૂકતાં પહેલાં એના પર રિપેરિંગ-વર્ક કરવું જોઈએ. ![]() પંકજ ઉધાસ લાઈવ ઍટ ધ રૉયલ આલ્બર્ટ હૉલ. (નોંધઃ આ ‘ચાંદી જૈસા રંગ’ ગીતનું ઓરિજીનલ રેકોર્ડિંગ પંકજભાઈના કોઈ ચાહકે યુ ટ્યૂબ પર મૂક્યું છે. તેની લિન્ક આ પ્રમાણે છે. https://www.youtube.com/watch?v=aq5tAtOaqLA.) |
[પાછળ] [ટોચ] |