[પાછળ] 
ઝાડ એના પાંદડાને પૂછે છે
લેખિકાઃ નલિની માડગાંવકર

(આ લેખ મુંબઈના લોકપ્રિય દૈનિક ‘મુંબઈ સમાચાર’માં તા. ૫ ઑગસ્ટ, ૨૦૨૦ના રોજ પ્રસિદ્ધ થયો હતો.)
ઝાડ એના પાંદડાને પૂછે છે – કેમ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યું કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી
લીલપને સાચવું છું,
આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વહાલ છે...
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં, તોડે નહીં
એને હું કહું મારો પ્રેમ!
  –રમેશ પારેખ
‘છ અક્ષરનું નામ’ એ ભલે કવિ રમેશ પારેખનો કવિતાનો ગ્રંથ હોય, પરંતુ આ છ અક્ષરનું નામ આપણા કવિતા વિશ્વને અનન્ય રંગોથી સભર કરનારું છે. ઈશ્વર, પ્રેમ, પ્રકૃતિ, બાલ્યસ્મૃતિનું ઈન્દ્રધનુ આપણા હૃદયને ભાવવિભોર કરનારું છે. ગીત, ગઝલ, સોનેટ, છાંદસ, અછાંદસ, દીર્ઘકાવ્ય, લઘુકાવ્ય આવા વિવિધ સ્વરૂપો કવિના અને એમની રચનાઓના અનુજ બનીને ચાલે છે. જગતની જાણીતી અજાણી ભૂમિ પર એમની કવિતાએ પગલું માંડ્યું છે, અને ઉપવન સર્જ્યું છે, જ્યાં વારંવાર ઘૂમવું ભાવકની એક ગમતી સંવેદના બની જાય છે.

કેડીને ધીમે ધીમે રાજમાર્ગ બનાવીને એ માર્ગ પર આગળ વધવાની અનેક નવોદિત કલમને પ્રેરણા આપી છે. સવારે ખીલતાં અને સાંજે કરમાતાં આ કોઈ સપાટીની પ્રશંસાનાં પુષ્પો નથી, પરંતુ વારંવાર થતી મનની અનુભૂતિની વાત છે, જે અનેકવાર હૈયાને બારણે ટકોરા મારી રહી છે, અને જેને શબ્દો વંદન કરી રહ્યા છે. કવિ રમેશ પારેખ વિશે મુઠ્ઠી ભરાય તેટલું, ખોબો ભરાય તેટલું, અરે ધરતી ભરાય તેટલું લખાયું છે.

પ્રશંસા તો છાબડી ભરીને થઈ છે. અને તે યોગ્ય જ છે. માણસ-માણસ વચ્ચે સંવાદ અનેકવાર સધાય છે, પણ સંવાદિતા નહીં. અહીં વૃક્ષ અને પાંદડા વચ્ચેની સંવાહિતા છે. પાંદડાનો પ્રશ્ન સાંભળી ઝાડ સામો પ્રશ્ન કરે છે. ‘કેમ’! કદાચ એ પ્રશ્ન એવો હોય કે જે ઝાડ અને પાંદડાને જુદા પાડે! ફરિયાદ કરતાં કરતાં આ બંને - સ્વરૂપો પાસે પાસે આવે છે.

ઝાડ અને પાંદડા વચ્ચેનો સંવાદ! અને એ પણ ‘પાંદડું’નું એકવચન! જાણે કે વૃક્ષ છત્રનું રક્ષણ આપે છે. આ તો થયો જીવ અને ઈશ્વર વચ્ચેનો સંબંધ. ગીતની બીજી પંક્તિઓમાં આ નાનકડું પાંદડું વિરાટવૃક્ષને પૂછી રહ્યું છે કે શા માટે તારા અને મારા નામ વચ્ચે ભેદ છે? પોતાની વાતને ભારપૂર્વક કહેતું આ પાંદડું ‘વચ્ચાળ’નો ઉચ્ચાર કરે છે. માણસ જેવી જ આ પાંદડાની દલીલબાજી છે. ડાળી ને ડાળખાંની આડશથી જ તું ‘ઝાડ’ બની ગયું? ત્યારે એ વૃક્ષ જે જવાબ આપે છે એ જવાબ કુદરતનો વિધેયાત્મક જવાબ છે. આવો આ હકારભર્યો પ્રત્યુત્તર છે. રમેશ પારેખ આ કવિતામાં પણ ‘વહાલુડી લીલપ’ લઈને આવ્યા છે. ‘લીલપ’ને વહાલસોયી કોમળતાથી સાચવવી પડે છે. ડાળી અને ડાળખાંના છાંયડાથી હું તારી લીલપને સાચવું છું. આ કંઈ વૃક્ષનું નાનું સૂનું કામ નથી. એ તો પોતાના છાંયડામાં થાક્યાપાક્યા મુસાફરોનો શ્રમ હળવો કરે છે. આ વૃક્ષનું કામ જગજાણીતું છે, પરંતુ તેના હૈયાનું કામ કંઈક જુદું જ છે.

આ આખું ગીત જાણે પ્રેમગીત બને છે- છેલ્લી પંક્તિઓના ભાવથી. પાંદડું પોતાની ઉર્ધ્વગતિથી આકાશને સ્પર્શવા માગે છે અને વૃક્ષ પોતાનું બાળક હોય એમ લીલા પાંદડાને સાચવે છે, લાડ લડાવે છે! જાણે કે એ પોતાના પ્રેમનું મધુર બંધન પાંદડાને સાચવવામાં વાપરે છે. ઝાડ અને પાંદડા વચ્ચેનો સંવાદ ફરિયાદના રૂપમાંથી ધીમે ધીમે બુદ્ધિગમ્ય – હૃદયગમ્ય બને છે. ‘વહાલ’ શબ્દનું પુનરાવર્તન અહીં ખૂંચતું નથી. આપણને સાંધતું અર્થાત્ આપણો અનંત સંબંધ માનવજાતિ સાથેનો સંધાયો છે. સાંધવામાં એવા મનગમતા ટાંકા લેવાય છે કે એની રંગીનતા બહારથી જોનારાને પણ આનંદ આપે છે. આ ગીતમાં રમેશ પારેખે કોઈ માનવ-ઈશ્વર રાષ્ટ્રપ્રેમની વાત નથી કરી, પણ માનવ-પ્રકૃતિ વચ્ચેનો સંબંધ સૂચવ્યો છે. પ્રેમની પરિભાષા આપવી એ તો વૈધ અધિકાર છે. માનવ-માનવ વચ્ચેનો અનંત સેતુ છે. કવિતા તો છેલ્લી પંક્તિમાં જાણે પરાકાષ્ઠા સાધે છે. વૃક્ષ પોતાના પાંદડાના ઐક્યને સાચવે છે. અને એ પણ ડાળી પર વળગેલા એક પાંદડાથી. વૃક્ષની સાથેનું સંધાન આ પાંદડું કંઈ રીતે સાધે છે? જે સ્પર્શે પણ અલાયદું ન કરે. જે આવું સંરક્ષણ આપે છે એ જ સાચો પ્રેમ છે. આ કેવી ગમતી પ્રેમની વ્યાખ્યા! પ્રેમમાં કર્તવ્યની ભાવના સમાઈ ગઈ છે.

એક વૃક્ષ-પાંદડાના સંબંધથી કવિ પોતાનું મનોરાજ્ય આપણી સમક્ષ ખોલે છે. પ્રેમની બીજી બધી પરિભાષાઓ ફીક્કી લાગે છે. જે સહુની સાથે એકત્વ પામ્યું છે એ તો આ પરિભાષાનો અર્થ જાણીને પવનના સ્પર્શથી વધુ ને વધુ વૃક્ષ પર ઝૂલી રહ્યું છે. આ તો આકાશનું છત્ર છે. છ અક્ષરના નામમાં આખું વિશ્વ સમાઈ ગયું છે –રમેશ પારેખ – છ અક્ષરના નામ વગર કોરો કાગળ હવે ઝૂરતો જ રહેશે. કવિ જ્યાં સુધી આ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી અનન્ય સર્જકતાથી સભર રહ્યા. ‘કોઠાસૂઝ’થી લખનાર આ કવિ જાણે આપોઆપ લખતા હોય એવું લાગે છે. ‘લય’ની એક દિશા એમણે ખાલી રાખી નથી. પ્રેમનું આવું અનંત ગીત અનન્ય છે. રમેશ પારેખ વિશે જેટલું લખીએ એટલું ઓછું છે. એમની કવિતાની પંક્તિઓ યાદ આપે છે;
ભાયું બેનું!  પતંગિયું તો  નર્યા રંગની ઢગલી
પગથી માથા  લગી  જીવને ચડે રંગનું અત્તર
આખી ઉમ્મર સમેટાઈને  બને સોળ કે સત્તર
એને નીરખે  તે આંખોથી થઈ જતી  સગલી
પતગિયું ગાતું કે, ‘હું છેં પરમેશ્વરની પગલી’
 (‘પતંગિયું....’).
 [પાછળ]     [ટોચ]