[પાછળ]
માસ્તર નંદનપ્રસાદ

લેખકઃ રણજિતરામ વાવાભાઈ મહેતા

(નિરંજન ભગતે પોતાના એક પ્રવચનમાં ગુજરાતી ભાષાની જે પાંચ સાહિત્યકૃતિઓને યાદગાર લેખાવી હતી, તેમાં રણજિતરામકૃત ‘માસ્તર નંદનપ્રસાદ’નો સમાવેશ થાય છે. અન્ય ચાર આ પ્રમાણે હતીઃ દલપતરામ કૃત ‘હુન્નરખાનની ચઢાઈ’, ગાંધીજીકૃત ‘હિન્દ સ્વરાજ’, બલવંતરાયકૃત ‘ઈતિહાસ દિગ્દર્શન’ અને ઉમાશંકરકૃત ‘આત્માનાં ખંડેર’. ગુજરાતના બધા સાહિત્યકારોને એક મંચ હેઠળ ભેગા કરવા માટે રણજિતરામે ઈ.સ. ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કરી હતી. )

રવિવાર છે, નિશાળમાં રજા છે. માસ્તર નંદનપ્રસાદને આજે મગજમારી નથી. છ છ દિવસ થયા લખવા-વાંચવાના કરેલા મનસૂબા આજે અમલમાં મૂકવાના છે. આજનો દિવસ વીતી જશે તો પછી પાછી આવતા રવિવારે વાત જવાની અને વચમાં વળી છ દિવસનો ગાળો વધવાનો. આવડી ભયંકર ચિંતા છતાં આજે કોણ જાણે કેમ માસ્તરસાહેબ સ્તબ્ધ જેવા છે. રાહ જોયા જ કરે છે. વાંચવા માટે એકઠાં કરેલાં પુસ્તકો ટેબલ પર ખડકાઈ પડ્યાં છે. પૂંઠા પરનાં નામો તેમનું ચિત્ત - તેમની દૃષ્ટિ માત્ર આકર્ષવા શણગારથી સજ્જ છે. રોજનિશીમાં લખેલી અથવા ‘ફાઈલ’ કરેલી ટિપ્પણીઓ, નિબંધો કે વાર્તાઓ કે કાવ્યોમાં શરીરી થવા તલપાપડ થઈ રહી છે પણ વ્યગ્ર નંદન કોઈની પરવા કરતો નથી. તેના શેખચલ્લી મગજમાં આજે બુટ્ટાઓ ઊઠતા નથી. તેની કલ્પના સ્વપ્નોની મનોહર સૃષ્ટિપરંપરા આજે રચાતી નથી. તેની મહેચ્છઓ આજે ભવિષ્યને વર્તમાન કરવા દોડતી નથી. તેની લાગણીઓ આજે કોઈ સુંદર કે પુણ્ય વસ્તુ માટે વહેતી નથી.

ક્યાં છે એના મુખ પર પથરાઇ રહેતી ગંભીરતા? સુજનતા? સંસ્કારિતા? સૌમ્યતા? મ્લાન તેજસ્વિતા? આજ ક્યાંથી આવી છે વ્યગ્રતા? કાલિમા? નિસ્તેજતા? નિરોસ્તાહિતા? પિશાચતા? માસ્તરસાહેબ શી ગડમથલમાં ગૂંચાયા છે ?

ખુરશી પરથી ઊઠી ગાદીતકિયે પડ્યા પણ ત્યાંયે ચેન નહીં, ત્યાંથી ઊઠી ટહેલવા માંડ્યું. નદી પરથી આવતા ઠંડા પવનનો કંટાળો આવ્યો. પડ્યા બિછાનામાં. ‘કાન્તના સહદેવ ! આપણી સરખી અવસ્થા છે’ એવું બબડ્યા. આમતેમ આળોટ્યા. ઓશીકાં માથા તળે મૂક્યાં; ત્યાંથી લઈ પગ તળે મૂક્યાં; વળી ઊંચકી છાતી પર રાખ્યાં; પડખે ગોઠવ્યાં પણ સ્વસ્થતાની વીજળી ક્યાંયથી શરીરમાં ન આવી. પગ પછાડ્યા; હાથ અફાળ્યા; રોવાનું મન કર્યું પણ આંસુ સૂકાઈ ગયાં હતાં. પથારીમાંથી સફાળા ઊઠ્યા; ‘બુકકેસ’માંથી ‘કાવ્યમાધુર્ય’ કાઢ્યું. અનુક્રમણિકા પરથી ‘અતિજ્ઞાન’ શોધી વાંચ્યું. ‘સહદેવ ! કઈ સુરા હું પીઉં ?’

*

શહેરના કોટની રાંગે રાંગે નંદનપ્રસાદ ચાલ્યા જતા હતા. પગ ચલતા હતા કે એમનું આખું શરીર ચાલતું હતું ? ગતિમાં નહોતો વેગ, નહોતી સ્વસ્થતા. લક્ષ્યહીન, નિરુદ્દિષ્ટિ ગતિ હતી. ઉત્સાહ નહોતો; પણ હતાશા, યંત્રણા દરેક પગલાંમાં જણાતાં. માસ્તર સાહેબના નિ:શ્વાસમાંથી ઊંડી મર્મવેદના નીકળતી હતી. દુનિયા પોતાના તાનમાં ગુલતાન હતી કે પોતાનું દુ:ખ રોવામાં મશગુલ હતી. રસ્તાએ અને કોટે અનેક આસમાની સુલતાની જોઇ હતી. પ્રણયગોષ્ટિ સાંભળી હતી, પ્રણયના વિલાસ જોયા હતા, દયાદાનના પ્રસંગો ઊજવ્યા હતા; વિયોગ, ચોરી, લૂંટ, મારફાડ, ધાડ, લડાઈ, હલ્લો, કાપાકાપી પણ અનુભવ્યાં હતાં. ધૂળ આખરે પથ્થરની જ દીકરી. બધું પથ્થરનું જ હતું. લાગણી ક્યાંથી હોય ? શા માટે નંદનપ્રસાદને આશ્વાસન આપે ?

એવામાં ખંડિયેર મસીદ આવી. સ્વયંચલ પૂતળાની પેઠે નંદન તેમાં ગયો. ત્યાંની મલીનતા, દુર્ગંધ; મુસલમાનોની દરિદ્રતા; ધર્મના વાતાવરણની ન્યૂનતા; કાળે વર્તાવેલો કેર; આદિએ તેને પાછો ધકેલ્યો. ચાલ્યો અસલના રસ્તા પર. ગરીયા ફેરવતા કે ગિલ્લીદંડા રમતા કે દોડાદોડી કરતા કે અપશબ્દોની લહાણી કરતા છોકરાઓ તેની ગતિનો નિરોધ કરી શક્યા નહીં. રસ્તે હજારો રાહદારી જતા. છોકરાંઓ હંમેશ રમતાં. કોને કોની દરકાર હોય ?

રોતા ભાઈને છાનો રાખવા એક છોકરી ઘડીમાં મંદિરનો ઘંટ વગાડતી તો ઘડીમાં પાંચીકા ઉછાળતી. ઘંટ વાગે એટલો વખત છાનો રહેતો છોકરો, બહેન રમતી એટલે જોરથી ભેંકડા કાઢતો. આ તમાશાથી માસ્તર સાહેબ મંદિરમાં ગયા. હનુમાનનાં દર્શન કરવા હાથ જોડવા ગયા પણ જાણે આંચકો લાગ્યો હોય તેમ એકદમ સ્તબ્ધ ઊભા. મનમાં બબડવા લાગ્યા; જહાનમમાં જાઓ આ અંગ્રેજી ભણતર! બધામાંથી ઉઠાડી મૂકી શ્રદ્ધા. આ મૂર્તિઓ પથરાથી વધારે ઉપયોગી, મને ગમે તેટલો પ્રયાસ કરું છું છતાં, લાગતી જ નથી. જુગુપ્સા થાય છે એમને જોતાં. મંદિરોમાં નથી મળતી સ્વસ્થતા કે પ્રેરણા! ક્યાં જઈ હૃદયની યાતના સમાવું ? મંદિરોની ક્રિયાઓ બાલિશ ક્રીડાઓ લાગે છે. અંગત અનુભવ નથી, જાતમાહિતી નથી, છતાં મંદિરો દુરાચારના અખાડા છે એવું વર્ષોથી માનું છું. મંદિરોમાં જતો નથી.....મંદિરોના દેવો પડો ખાડામાં.

*

આ તે કાંઈ ઓછી દુર્દશાછે ? ક્યાં અમારે ઇશ્વર સાથે યોગ સાધવો ? લાખો અને કરોડો મંદિરોમાં એક પણ અનુકૂળ નથી. ભટકું છું, ભટકું છું પણ ક્યાંયે મન કોળતું નથી. બધું દટંતર કેમ નથી થઇ જતું ? મંદિરો, બ્રાહ્મણો, બાવાઓ જમીનમાં સમાઈ કેમ નથી જતાં ? ધરતીકંપનો એક આંચકો બધાંને પૃથ્વીના ઉદરમાં લઈ લે તો એમનાં કોયલા થશે તો ભવિષ્યમાં કોઈ સાહસિક પ્રજાનાં કારખાનાં ચાલશે- ‘ફોસિલ’ થશે તો કોઈ વૈજ્ઞાનિકનો ઉદરનિર્વાહ કરાવશે. પણ મને કેમ સતાવે છે ? કેમ મને આશ્વાસન નથી દેતાં ? કેમ મને નિરાંતે ઠરવા નથી દેતાં ? કેમ મારું લોહી ઊછળતું નથી રાખતાં ?... બધું આ બ્રાહ્મણોનું કારસ્તાન છે. નથી અંગ્રેજી વિદ્યાનો વાંક. ધર્મનો રાખ્યો છે એમણે ઇજારો. મ્યુનિસિપાલિટી જેટલું અને જ્યારે પાણી આપવું હોય ત્યારે આપે છે. બ્રાહ્મણો પણ ધર્મ એવી જ રીતે આપે છે. ઘરાક પ્રમાણે દૂધમાં દૂધવાળો પાણી ઓછુંવત્તું ઉમેરે છે તેમ બ્રાહ્મણ ખરીખોટી ક્રિયા કરાવે છે. ન સંસ્કૃત આવડે એને કે ન આવડે અમને. બધી પૂજામાં ગણેશ અને દેવીનાં સહસ્ત્ર વાર આવાહન અને વિસર્જન. એમાં અમારા ઘણા વિદ્વાનોને સૂઝે છે રહસ્ય; લાગે છે ઊંડું અધ્યાત્મ ચિંતન. હશે મને કાંઈ લાગતું નથી. ના કરીએ તો સમાજમાં હડેતૂતૂ થઈએ. સગાંવહાલાંને ખોટું લાગે. સાચી, ઊંડી, અધ્યાત્મ રહસ્યવાળી ક્રિયાઓ કરનાર કોઈ મળે તો મનના મેલ ધોવાય. પણ તેવા ક્યાં છે ? જિંદગીમાં જે ભાવ, જે ઊર્મિ , જે મહેચ્છા, જે કલ્પના, પછી પુણ્ય કે પાપનાં ભર્યા છે તે નિરાળાં અને ધર્મની ક્રિયાઓ નિરાળી. બન્ને વચ્ચે ન મળે સંવાદ કે એક રાગ. છતાં એવું નભાવી લેવું. કેવું દાસત્વ ! છૂટ, સ્વતંત્રતા, વ્યક્તિવિકાસ એ બધી ભ્રમણા છે. જ્યાં જુઓ ત્યાં બંધનો છે, દીવાલો છે, બેડીઓ છે, પાંજરા છે.

*

અંતરમાં ઉન્મત્ત જેવા, કેન્દ્રભ્રષ્ટ જેવા માસ્તરસાહેબ ચાલ્યા જતા હતા. ભાડભુંજાને ત્યાં ધાણી ફૂટે તેમ વિચારો ફૂટતા હતા. સાબુવાળા પાણીમાં બરૂ મારફત ફૂંક મારવાથી ઊડતા ફીણના પરપોટા જેવા વિચારો ઊઠતા હતા, એકબીજામાં ભળી જતાં ભાંગી જતા. વાંદરાની પેઠે વિચારો કૂદતાં. વિષયોની જે ડાળો હાથ આવતી તે પર દોડદોડ કરતા. એવામાં મુસલમાનોનું ચા-ખાનું આવ્યું. દુકાન ઘરાકોથી છલોછલ ભરાઈ ગઈ હતી.

ખુદા કહેત મુસલમાન થયો હોત તો, રહેત કશી ફિકર પછી ? ખાવાપીવાની પંચાત મૂંઝવત તો નહીં. મળે ત્યારે મીર અને નહીં ત્યારે ફકીર થઈ મજા કરત. કાલની ચિંતાથી બળત નહીં. આજનો લહાવો આજે માણી લેત. જિંદગીની પૂરેપૂરી સહેલ એક દિવસ ભોગવી લેત. હૈયામાં સળગતી હોળી નથી ભસ્મ કરતી કે નથી ભોગ ભોગવવા દેતી કે નથી ઓલવાતી. વોરો થયો હોત તો દીવાસળી વેચત, સ્લેટ વેચત, ખાલી ઘાસલેટના ડબ્બા એકઠા કરત, લોખંડની નકામી પડેલી ચીજો ટીપીટીપી કામની કરત, બૂટ વેચત, દીવા વેચત, કાગળ વેચત, ચોપડી વેચત, ખીલા વેચત, સિંગાપોરની સફર કરત, ઉજાણીએ જાત, નાટક જોવત પણ માસ્તર તો ન થાત. અંગ્રેજી ભણત નહીં ને દુ:ખી થાત નહીં.

જન્મતી વખત પસંદગી કેમ નથી કરવા દેવામાં આવતી ? જો હું બંગાળમાં જન્મ્યો હોત તો વધારે સુખી હોત. કવિતા, વાર્તા કે નાટક લખી અથવા વિજ્ઞાનનાં અન્વેષણો કરી નોબેલ પારિતોષિક તો મેળવત; રાજા-મહારાજા કહેવાત; બેરિસ્ટર થાત, સમર્થ વક્તા થાત, પ્રભાવશાળી તંત્રી થાત અને ભારતવર્ષ આખું ધ્રુજાવત, સિમલામાં કે લંડનમાં અંગ્રેજોને નિરાંતે ઊંઘવા દેત નહીં. હાઈકોર્ટનો જજ થાત, યુનિવર્સિટીનો વાઈસ ચાંસેલર થાત, કોંગ્રેસનો પ્રમુખ થાત, ધારાસભામાં જઈ બિરાજત, સિમલાના સેક્રેટરીએટમાં મોટો અમલદાર થાત, એ બધું ન થાત તો C.I.D.માં અમલદાર થાત અને કોઇ anarchistની ગોળીથી સ્વધામ જાત. ગ્રહ વાંકા હોત તો anarchist થાત, મોટરમાં જઈ ધાડ પાડત, ગામ ભાંગત, કોઈનું ખૂન કરત અને ફાંસીએ જાત. નવી બંગાળી પલટણમાં જાત. ફૂટબોલની મેચ રમત. રંગભૂમિ પર નાટક કરત. રામકૃષ્ણ મઠનો સાધુ થઈ યુરોપ અને અમેરિકાને વેદાંતી બનાવત. મેદાનમાં ફરત, ટ્રામમાં બેસત કે મોટરમાં સહેલ કરત. કાંઈ નહીં તો આસામમાં ચાના બગીચાનો ‘કુલી’ થાત પણ આ નિર્જીવ ગુજરાતમાં માસ્તર તો ન થાત.

મહારાષ્ટ્રમાં જન્મ્યો હોત તો ટિળક મહારાજની જય બોલાવત, ‘કેસરી’ની ઢબનું છાપું કાઢત, ફર્ગ્યુસન કૉલેજમાં પ્રોફેસર થાત, નિષ્કામ કર્મ મઠમાં કે ભારત સેવક સમાજમાં જાત. સ્વદેશી અને રાષ્ટ્ર વિશે ભાષણો કરત, નાટક લખત, વાર્તા લખત, ગણપતિના મેળા માટે પદો રચત, રંગભૂમિ પર હેમ્લેટ કે બ્રુટ્સ થઈ અભિનય કરત, સંગીતશાળા કાઢત, સરકસ લઈ હિન્દુસ્તાનમાં ફરત, વનિતાવસ્ત્રભંડારની દુકાન કાઢત, સુગંધી સામાનનું મોટું કારખાનું કાઢત, પૈસાફંડ ઉઘરાવત, લડાઈમાં જઈ મરાઠા લોકોનો જય બોલાવત, વડોદરા-ઈંદોર-ગ્વાલિયરનો દીવાન થાત, માળી થઈ ફૂલ ઉગાડત, નાસિકમાં કે પંઢરપુરમાં ગોર થાત, વિધવાશ્રમ કાઢત; ઘાટી જન્મત તો મુંબઇમાં ચાલોમાં નોકરી કરત, મિલમાં જાત, પોલીસ થાત, રામોસી થાત; મહાર જન્મત તો શિંદેની સિફારસથી લશ્કરમાં જાત, ઉજ્જડ જમીન ખેડી ખેડૂત થાત, દરજી થાત, સુતાર થાત, બુકબાઈન્ડર થાત, કોળી જન્મ્યો હોત તો મુંબઈમાં માછલાં લાવી વેચત, રોજ દરિયામાં રખડત પણ ગુજરાતમાં માસ્તર તો ન થાત.

વિલાયતમાં જન્મ્યો હોત તો હિન્દુસ્તાનનો વાઇસરૉય થાત, આમની સભાનો નાયક થાત, નૌકાસૈન્યનો અધિપતિ થાત, એમ્બેસેડર થાત, ક્યસર થઈ આખું યુરોપ કંપાવત, દારૂગોળા બનાવત, વીજળી અને વરાળની મદદથી લક્ષાધીપતિ થાત, સાહિત્ય દ્વારા ધનાઢ્ય થાત – કીર્તિ પામત, ‘મિશનરી’ થઈ લાખો ખ્રિસ્તી કરત, ઉત્તર ધ્રુવ ખોળત. અમેરિકામાં જન્મ્યો હોત તો લિંકન કે બુકર વૉશિંગ્ટન, એમર્સન કે થોરો થાત, મેક્સિકોના કે દક્ષિણ અમેરિકાના કોઈ સંસ્થાનનો પ્રમુખ થાત; ફીલીપીનોને સ્વરાજ્ય માટે લાયક થવાની તાલીમ આપત; યુનિવર્સિટી સ્થાપત; વેદાંત, જૈન, ઝરથોસ્તી, ઇસ્લામ ધર્મોનું શ્રવણ-મનન કરત, મોરમન થાત, કંઈ કંઈ થાત પણ ગુજરાતમાં માસ્તર તો ન થાત. પરમેશ્વરનો જુલમ ઓછો નથી. પૂછ્યાગાછ્યા વિના ફેંકે છે જીવોને ગમે ત્યાં.

*

ઉન્મત્ત પ્રલાપનો અંત જ આવત નહીં. આવા તરંગના ઘોડા પર ઘોડા ઊછળ્યા જાત. મિયાં બહુ ખીલ્યા હતા; કમાન છટકી ગઈ હતી. શેખચલ્લીઓને કશાનું ભાન નથી હોતું. ચકરડી ઘુમરડી લીધી કે એ અને એમની દુનિયા ભમવા લાગવાની. વિચારમાં ને વિચારમાં કેટલો રસ્તો કાપી નાંખ્યો તેની માસ્તરસાહેબને ફામ રહી નહીં. દરવાજો આવી પહોંચ્યો. ભાગોળની બજારમાં ધમાલ હતી અને નહીં હતી. નંદનપ્રસાદની નજર પડી ચોપડી વેચનાર ઉપર, ગયા તેની દુકાને, ચોપડીઓ ઉથલાવવામાં કલાક ગાળ્યો. નાનાલાલ માસ્તરની ચંપાની વાર્તા, કેવડાની વાર્તા, હીરાની વાર્તા, માણેકની વાર્તા, એવી એવી ચોપડીઓ લીધી. ચાલ્યા ત્યાંથી પાછા વિચારના ઘોડા : સાહિત્ય સેવા કરીએ ? જોડણી સંભાળવી પડે નહીંતર ‘જાગતા જોધ ચર્ચાપત્રી’ નરસિંહરાવ ખબર લેવા તત્પર જ છે. સંસ્કૃત શબ્દો બહુ વાપરીએ તો ‘સાહિત્ય’ ના તંત્રી સખત ઠપકો આપતાં ચૂકે એવા નથી. કવિતા લખીએ અને સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રમાણે તે નિર્દોષ ન હોય તો કમળાશંકર તેને નિરસ જોડકણું કહ્યા વિના છોડે એમ નથી અને તનસુખરામ તમાનું ‘અનૌચિત્ય’ વિવેચી હેરાન કરવાના તે તો જુદું. નવી ઢબની કવિતા હશે તો રમણભાઈને એમાં રસ નહીં પડે. સંઘવી એમાં ધ્વનિ કે નીતિ-અનીતિ શોધવા નીકળશે અને કેટલાંક માસિક તે છાપશે અને કેટલાંક નહીં છાપે. બંધન, બેડી, ત્રાસ, જ્યાં જુઓ ત્યાં, એક જમાનાની બુદ્ધિ તે સાચી બુદ્ધિ. તેના જોહુકમ પ્રમાણે ચાલો. તમારી બુદ્ધિને ક્રીતદાસી રાખો, જરા ચીલો છોડ્યો કે સાહિત્યના પોલીસો બૂમાબૂમ કરી મૂકશે.

કવિતાના સ્વરૂપ માટે જેવી હાડમારી તેવી જ વિષય માટે. આજે બધાંને ટૂંકાં કાવ્યો જોઇએ છે. લાંબાં કાવ્યો છાપવાની અનુકૂળતા માસિકોમાં નથી તેમ વાંચનારને ફુરસદ કે ધીરજ પણ નથી. ટૂંકાં કાવ્યો લખીએ તો પ્રો. ઠાકોર તેને લાગણીનો લલકાર કહી તુચ્છકારી કાઢે છે. ધીરા કે અખાની પેઠે વેદાંત પદ્યમાં લખીએ તો અંગ્રેજી ભણેલા તે નહીં વાંચે અને અંગ્રેજી નહીં ભણેલા કહે છે કે અમારે માટે અખો અને ધીરો બસ છે. હવે બીજાની જરૂર નથી.

બધા ગુજરાતીઓને એકદમ બહાદૂર થવું છે. યાહોમ કરી કેસરિયાં કરવાં છે. ઇતિહાસમાં નામ અમર કરી જવું છે. વીરરસની કવિતા જોઈએ છે. અમે વીર નથી તો પછી વીરરસની કવિતા ક્યાંથી લખવી ? નથી પકડતાં આવડતી કટાર કે તલવાર કે બંદુક કે પિસ્તોલ. તોપનો ધડાકો સાંભળતાં જ શરીર ઠંડુંગાર થઇ જાય છે. જૈનોએ માંસાહાર તજાવ્યો છે. શિકાર કરવાનું નિષિદ્ધ ગણાવ્યું છે. અંગ્રેજી ભણતરે હોળીનાં તોફાનો જડમૂળથી કાઢી નાખ્યાં છે, અખાડા ઉજ્જડ કર્યા છે. અમારી જાતનું રક્ષણ નથી કરી શકતા તો પછી બહાદૂરી બીજા માટે ક્યાંથી પ્રકટાવીએ ? અમારી વાણિયામૂછ નીચી. બાપ થઈને નહીં પણ દીકરો થઈને રહેવાનું. ભૃગુ લાત મારે તો તેના પગ અમારે ચાંપવાના છે. સ્વતંત્રતા, સ્વાવલંબન, સામર્થ્ય બધું મૃગતૃષ્ણા છે. એ મેળવવા અમારે મથવાનું નથી. અમારા બાપદાદાના ગુલામ થઈ અમારે રહેવાનું છે. એમણે જે રિવાજ પાડ્યા છે તે મૂંગે મોંએ પાળવાના છે. ગુલામગીરીમાંથી છૂટવા પ્રયત્ન કરવો એ સંસારનું અપમાન કરવા જેવું છે, વડવાઓનો દ્રોહ કરવા જેવું છે.

આવું આવું છતાંયે અમારે વીરરસ જોઇએ છે. ઠીક. અંગ્રેજો અને હિંદીઓના યુદ્ધના પ્રસંગો લઈએ તો રાજદ્રોહી ગણાઇએ. હિંદુ-મુસલમાનના લઈએ તો મુસલમાનો અને હિંદુઓના રાષ્ટ્રીય ઐક્યમાં વિક્ષેપ આવે, ધર્મનાં ઝનૂન જાગી ખુનરેજી ચલાવી લોહીની નદી વહેવડાવે. હિન્દુ હિન્દુના પ્રસંગો લઈએ તો પ્રાંત પ્રાંત વચ્ચે વૈમનસ્ય થાય. પરદેશીઓના પ્રસંગો લઈએ તો પારકા ઈતિહાસમાં કોઈને રસ નહીં પડે; વિદેશી નામ, ભાવ, વિચિત્ર લાગે અને આકર્ષણ કરી નહીં શકે. આટલું આટલું છતાંયે વીરરસની કવિતા રચીએ છીએ. વિવેચકો તેને વિદ્યાર્થીઓના નિરંકુશ પ્રલાપ કહે છે. વખતે દાદાભાઈ જયંતીને દહાડે એમાંથી કોઈ ખંડ ગવાય છે. વખતે કોઈ નાટકવાળા એનું અવતરણ રંગભૂમિ પર કરે છે. વખતે લગ્નગાળામાં કે ગરબામાં કોઈ સુન્દરી તે ગાઈ સાક્ષર કુટુંબ સાથેનો સંબંધ પ્રગટ કરે છે. હાલરડાં તો હવે ગવાતાં બંધ થઈ ગયા છે એટલે ઝોળીમાં વીરરસ બાળકને સાંભળવાની તક રહી નથી. પણ અફસોસ એ છે કે લડાઈમાં જતી વખતે કે લડતી વખતે મરાઠા કે શીખ એ કવિતા સાંભળતા નથી. બધી મહેનત ધૂળધાણી થઇ જાય છે.

આખી ‘સાક્ષર’ આલમ સામી છે છતાં શૃંગારની કવિતા લખાય છે અને વંચાય છે. વધારામાં સુખ મોટું એ છે કે આ બધા કવિઓની પત્નીઓ જુવાનીમાં સ્વર્ગે સંચરે છે. વિરહના કવન તેથી સારી રીતે રચી શકાય છે. બાકી આપણે માટે તો એ પણ રસ્તો નથી. વહુ હોત તો તેને idealise કરી કાવ્યોનો ડુંગરો ઉભો કરત. છટ-છટ, અસત્યનો આશ્રય કરવો. મૂળમાં ન હોય કાંઈ અને તેમાં idealise કરીએ પછી નિરસ જોડકણાં જ લખાય. જેના પરથી કવિતા રચીએ તેને તેમાં ગતાગમ નહીં; તેની ખબર પણ નહીં.

પ્રેમ કર્યા વિના પરણવાનું. સંવનન નહીં પછી પ્રણયગીતો કેવી રીતે ગવાય ? પરણ્યા પછી પ્રાપ્તિનો ઓડકાર – તલબ નહીં. પ્રણય નહીં પછી વિરહ શા ? અને મિલન શા ? કુંવારી ‘યૌવના’ઓ પણ દેશમાં નહીં કે તેમનાથી મોહ પામી પ્રેમનું કવન કરીએ. પરણેલી સ્ત્રીઓની સાથે પ્રેમ થઈ શકે નહીં કારણ કે તે પાપ ગણાય. હવે પ્રેમ ક્યાં કરવો ? અને શૃંગારની કવિતા ક્યાંથી લખવી ? કલાપી રાજા હતો. એક પર બીજી પરણી શકતો હતો એટલે સ્નેહરાજ્ઞીના વિરહની કવિતા કરી શક્યો. પ્રેમ મેળવ્યા વિના – પ્રેમ મેળવવાનાં સાંસાં હોવાથી અમારા સરસ્વતીચન્દ્રો જીવનમુક્ત – વાસનાહીન થઈ જાય છે; અમારા જયંતો ‘આત્મલગ્ન’ની ઈન્દ્રજાળમાં લપાય છે, નીતિ, મર્યાદા, સંયમ, લાજ જ્યાં જોઈએ ત્યાં નડતાં ને નડતાં, મુસલમાન કે અંગ્રેજ જન્મ્યા હોત તો કંઈ કંઈ લાવણીઓ અને ગઝલો ઈશ્કની ગાત – બાયરન અને ગેટેને પગલે ચાલત પણ, આ દાસત્વ, આ બંધન તો ન હોત. પાંખો કપાઈ તો નહી જાત. ફાવે ત્યાં ઊડી તો શકત. યા અલ્લા ! પરવરદિગાર ! ક્યારે તોડીશ બેડીઓ અને સાંકળો ?

*

માસ્તરસાહેબ ધૂનમાં ચાલ્યા જતા હતા. દારૂના પીઠાની દુર્ગંધથી વિચારમાં વિક્ષેપ પડ્યો. અંતરમાં વળેલા ચક્ષુ પાછાં બહાર જોવા લાગ્યાં : વ્યસની હોત તોયે સુખી હોત, લહેર ઉડાવતા હોત. જેટલી વાર દારૂ પીઓ તેટલી વાર સ્વર્ગના દેવ, પરમેશ્વરના એ પરમેશ્વર. કોણ જાણે ક્યાંથી નાનપણથી નીતિના સંગમાં ઊછર્યો ? ન પીવો દારૂ, ન પીવી ભાંગ, ન પીવી ચિરૂટ કે સિગાર, ન ખાવી તંબાકુ, ન સૂંઘવી તપખીર, ન ખાવું કોકીન, ન પીવું કોલન વોટર, ન વાપરવી માજમ કે ન પીવો કસુંબો, ન ગગડાવવો હુક્કો. ઘોડાની ‘રેસ’માં જુગાર રમવા ન મળે પૈસા કે હિમ્મત. બિલીઅર્ડના જુગારખાનામાં જતાં થાય સંકોચ પછી ક્યાંથી હોય સ્વાસ્થ્ય, સ્ફૂર્તિ, સ્વતંત્ર વિચારશક્તિ ? એમાંયે નીતિનું દાસત્વ, મગદૂર નહીં કે તોડાય એના કાયદાઓ.

અમારું વ્યસન વાંચવાનું. ચોપડીઓ વાંચીએ, વર્તમાનપત્રો વાંચીએ, માસિકો વાંચીએ, ઊઠતાં વાંચીએ, સૂતા વાંચીએ, જાજરૂમાં વાંચીએ, નહાતાં વાંચીએ, ચાલતાં વાંચીએ, રજામાં મળવા જઈએ ત્યાં વાંચીએ, ફરવા જઈએ ત્યાં વાંચીએ, ટ્રેનમાં વાંચીએ, ટ્રામમાં વાંચીએ, મોટરમાં વાંચીએ, એરોપ્લેનમાં વાંચીએ; વાંચીએ નહીંતર નાટક જોઈએ. પણ આંખ માત્ર અમારી સોબતી; બધો લાહવો એનાથી માણવાનો. સંગીતમાં ગુજરાત એટલું બધું ઉસ્તાદ છે કે ન પૂછો વાત. સંગીતપ્રિય કર્ણજ નહીં. એટલે એ બિચારો સ્વતંત્ર. દુકાળ ઓછા પડે છે કે ફૂલ થાય અને પરિમલથી ઘ્રાણેન્દ્રિયને તૃપ્ત કરે ? ‘ઑટો મોહની,’ હીરાનું કે ખસનું અત્તર, સેન્ટ કે અરગજા, ફૂલની ખોટ પૂરવા ક્યાં તહેનાતમાં નથી ? અમારામાં સુગંધ નહિ, અમારા વસ્ત્રમાં નહીં, દેહમાં નહીં, ભૂમિમાં નહીં, વાતાવરણમાં નહીં એટલે સેન્ટ છાંટી પરિમલ ફેલાવીએ. હાય પરાધીનતા ! એમાં એ પાછું ‘ટેસ્ટ’ પ્રમાણે જે ‘સોસાયટી’માં ભમીએ તેના મિજાજ પ્રમાણે સેન્ટ વાપરવું. એ નવી પરતંત્રતા. દુનિયામાં સ્વતંત્રતા જ નથી; મુક્તિ નથી.

*

એવામાં આવી પહોચ્યું યુરોપીઅન જીમખાના: આ પોલીસ કોઈ દિવસ આપણને સલામ કરવાનો નહીં પણ આવવા દો ગોરી ચામડી. ક્યા પાપે કાળા જન્મ્યા ? રોજ સાંજે ઑફિસમાં મડમ તેડવા આવત, જીમખાનામાં ટેનિસ રમત, બિલીઅર્ડ રમત, બૉલમાં નાચત, શિકારે જાત, જ્યાં જાત ત્યાં પહેલી હારમાં ખુરસી મેળવત, રેલવેના પ્લેટફોર્મ પર ટિકીટ વગર જાત, બધાની સલામ ઝીલત, અમલ ચલાવત, સલ્તનતનો બધો ભાર એક માથા ઉપર વહેત, રાજદ્રોહ શોધી કાઢત, તુંડમિજાજ રાખી સૌને ગાળો દેત, સ્થાનિક સ્વરાજ્ય માટે હિંદીઓને નાલાયક ઠેરવત, મોટા મોટા દરબારો ભરી રુઆબ બેસાડત, આ બધું થાત પણ ઓ દિન કહાં કે મિયાંના પાઉમાં જૂતિયાં ?...

મેકોલે ! મેકોલે ! તેં અંગ્રેજી વિદ્યા ન દાખલ કરી હોત તો અમે કેટલા સુખી હોત ? તમે પણ હોત. અમે અમારે પાણિનીનાં સૂત્રો, શાંકરભાષ્ય, મંડનમિશ્ર, ચિત્સુખી, રઘુવંશ, શિશુપાલવધ, રસગંગાધર, અમરકોશ, ચરક, ભાગવત, મહાભારત, યોગદર્શન, માનવધર્મશાસ્ત્ર, વીરમિત્રોદય, અમરુશતક, ભોજપ્રબંધ, કામન્દકીય નીતિ, ભર્તૃહરિનાં શતકો, બૃહજ્જાતક, ગ્રહલાઘવ સાથે માથું કૂટ્યા કરત. સ્વરાજ્યની વાતો નહીં કરત, રાષ્ટ્રીય ભાવના કલ્પત નહીં. બાળલગ્ન અટકાવવાની, વિધવાવિવાહ કરવાની, નાતો તોડી એકરાર કરવાની ચળવળ કરત નહીં, સ્વદેશીની હાકલો પાડત નહીં, ઇંગ્લેંડ અને બીજા પરદેશના માલ સામે જકાત નાખવાની હિમાયત કરત નહીં, આફ્રિકામાં, ફિજીમાં, ગિયાનામાં, કોલંબિયામાં જેટલો જુલમ પડત તે સહેત – ન સહેવાત તો સમૂળગા નાશ પામત પણ ‘સત્યાગ્રહ’થી અમલદારોને પજવત તો નહી.

*

આજે શું થયું છે મને? શો રોગ થયો છે ? આ માસ્તરની જિંદગી તોબા છે. બી.એ., એમ.એ. થઈ નાના પોટ્ટાઓને A,B,C શીખવવી; હિન્દુસ્તાનનો ઈતિહાસ ગોખાવવો, ભૂગોળ નકશામાં બતાવવાં અને બજારમાં ખરીદી કરવા જાય ત્યાં ભાવ,માપ,તોલના હિસાબ કરતાં ન આવડે એવી રીતે વ્યાજના, શેરના, રેલવેના દાખલા શીખવવા. રોજ પાંચ કલાક લેવાદેવા વિના માથું પકવવું. દશ વર્ષ વૈતરું કરીએ ત્યારે પાંચ કે દશનું પ્રમોશન મળે. રોજ બપોરનું વૈતરું ઓછું હોય તેમ સાંજે ક્રિકેટ રમવા કે રમાડવા જવું, ડ્રીલ કરાવવી; સવારે ઘેર વળી એક્સરસાઈઝો તપાસવી. ઉપરાંતમાં સમાજસેવાનું લફરું વળગ્યું હોય તે જુદું. ક્યાંક ભાષણ કરવાનાં હોય, સાંભળવાનાં હોય, વ્યવસ્થાપક કમિટિમાં હાજર રહી વ્યવસ્થા કરવાની હોય, વર્તમાનપત્ર કે માસિકની ભેટની ચોપડી લખવાની હોય, ખાસ અંકને માટે લેખો લખવાના હોય, નાતનાં ચોપાનિયાં માટે વાર્તા લખવાની હોય, સનાતન ધર્મની કે સ્ત્રીશિક્ષણની કે સાહિત્ય પરિષદની પરીક્ષા લેવાની હોય, જે ન હોય તે ઓછું. લડાઈનાં કારણોથી લોકોને વાકેફ કરવા ભાષણો કરવાનાં અને તરજૂમા કરવાના જે વળી જુદું જ. લેડી વિલીંગ્ડનના ફંડ માટે કે બેલ્જીયમ બાળકો માટે ફંડ ઉઘરાવવાનું એમાં પાડ કોનો ? ‘પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન’ના પ્રસંગ માટે ‘રેસિટેશન’ તૈયાર કરવામાં અઠવાડિયાં ગાળવાં, હોલિકાસંમેલન, જુગારનિષેધક, નાતોની પરિષદ એ બધામાં ઘૂમવાનું ભાષણો કરવાનાં, એનાં દુ:ખ વળી ક્યાં રોવાં?

આટલું આટલું કરીએ તોયે અમારી ગણતરી નહીં; અમને સુખ નહીં, વૈભવ નહીં, વિલાસ નહીં, પ્રતિષ્ઠા નહીં, કીર્તિ નહીં, માન નહીં, અકરામ નહીં; જિંદગીમાં મીઠાશ નહીં, ઉલ્લાસ નહીં, હતાશા, કડવાશ, મૂંઝવણ, યંત્રણા, સ્તબ્ધતા, પ્રવંચના, સભ્ય દોંગાઈ રેંસી નાંખે છે. અમને શબ જેવા ફેરવે છે. આમાં મારો તો પત્તો જ નથી ખાતો. Ennui ખાઈ જાય છે Lotus eaters દ્વીપમાં જઇ વસવાની ઉમેદ શેખચલ્લીઓની ઉમેદ જેવી જન્મે છે તેવી જ નાશ પામે છે. Vanitas છે.પ્રભુ ! Vanitas vanitatum.

આપઘાત કરી છૂટવામાં જ બહેતર છે. દેહનાં બન્ધન નહીં, સંસારનાં નહીં, દેશનાં નહીં, કાળનાં નહીં, રાજ્યનાં નહીં, સગાંનાં નહીં, વહાલાંનાં નહીં, જંજાળો નહીં, ઉપાધી નહીં, આધિ નહીં, વ્યાધિ નહીં આત્મા સંપૂર્ણ સ્વતંત્ર છૂટો, મુક્ત. કોઈનું દાસત્વ તો નહીં જ. નરસિંહરાવ કહે છે કે આપઘાતી અસૂર્યલોકમાં જાય છે. સારું, સૂર્યલોકની બેડીઓ તો ત્યાં નથી એ ઓછું સુખ છે ? મારી મૃત્યુનોંધ કેવી લખાશે ? નથી હું મહાકવિ, સેનાની, રાજ્યપુરુષ, ઉદ્યોગવાહક, વૈજ્ઞાનિક કે કલાવિશારદ. કોઈ નહીં લખે કે Ennui અને Vanityથી આપઘાત કર્યો ? નોંધ જાતે તૈયાર કરી પછી મરવું. એ પણ જમાનાની તાસીર.
[પાછળ]     [ટોચ]