[પાછળ]
સચ્ચાઈનો સ્યાદવાદ

લેખકઃ ડૉ. દિનકર જોષી

જૈન તત્ત્વદર્શને વિશ્વને અહિંસાની સૂક્ષ્માતિસૂક્ષ્મ સમજણ આપી છે. સૂક્ષ્મ અહિંસાની આ ઊંડી સમજણ તો માનવજીવનના વ્યવહારમાં ડગલે ને પગલે અમલમાં ન મૂકી શકાય એવી દુષ્કર છે. જીવન જીવવા માટે જે ઉત્તમ દર્શન જૈન ધર્મે આપ્યું છે એ સ્યાદવાદ છે. સ્યાદવાદને અનેકાંતવાદ પણ કહેવામાં આવે છે. એના ઉપર અનેક મિમાંસાઓ અને ગ્રંથો લખાયા છે પણ સરેરાશ માણસે પોતાના રોજિંદા જીવનમાં એ મિમાંસામાં ઊતરવાને બદલે જે સારરૂપે ગ્રહિત કરવા જેવું છે તે આ છે.

કોઈપણ તત્ત્વ, પદાર્થ કે ઘટનાને નજરોનજર જોવાં છતાં તેના અર્થઘટન અંગે માણસ માણસ વચ્ચે મતભેદ થઈ શકે છે. પોતાની ગ્રહણશક્તિ અને આત્મિક ભૂમિકાના આધારે માણસ પોતાનો મત બાંધી લે છે. હવે એ એમ માની લે છે કે પોતે જે મત બાંધ્યો છે એ જ સાચો છે. આ મતથી જેઓ વિરુદ્ધ હોય એ બધા ખોટા છે અને પોતાના મતનું જેઓ સમર્થન કરે છે તેઓ જ સાચા છે એવું તે પહેલાં દૃઢતાપૂર્વક અને પછી હઠાગ્રહપૂર્વક માનવા માંડે છે.

અનેકાંતવાદ માત્ર એટલું કહે છે કે માણસે પોતાની માન્યતાને ભલે ખરી માનવી પણ એ સાથે જ બીજા માણસની માન્યતાઓ પણ સાચી હોઈ શકે તે શક્યતાનો તેણે સ્વીકાર કરવો જોઈએ. મુંબઈથી અમદાવાદ ટ્રેન રસ્તે આરામથી જઈ શકાય છે તે વાત સાવ સાચી છે પણ એ જ રીતે હવાઈ માર્ગે કે પછી બસ અથવા મોટર માર્ગે પણ સુખપૂર્વક જ જઈ શકાય. એટલું જ નહીં, સમય ભલે વધારે જાય પણ મુંબઈથી અમદાવાદ સુધી પદયાત્રા પણ કરવી હોય તો થઈ શકે ! ઘણી વખત એક જ ધ્યેય એકથી વધુ વૈકલ્પિક માર્ગે સિદ્ધ થઈ શકતું હોય છે.

અદ્‌ભુત છે આ અનેકાંતવાદ! હું સાચો છું એવું જ્યારે માણસ માને છે ત્યારે એના અહંને અંદરખાનેથી ભારે પોષણ મળે છે. જૈન ધર્મે અતિ સૂક્ષ્મતાથી માણસના આ અહંને જાળવી રાખ્યો છે (કેમ કે એ નષ્ટ થતો નથી.) એને નષ્ટ કરવાની સૈદ્ધાંતિક ચર્ચાઓ કરવાને બદલે વ્યવહારિક અનેકાંતવાદ એટલું જ કહે છે - તમે જેમ સાચા હોઈ શકો છો એમ એ જ મુદ્દા ઉપર બીજાઓ પણ સાચા હોઈ શકે છે. અમદાવાદ પહોંચવા માટે એસી-ટૂ-ટાયરમાં આરામદાયક મુસાફરી થાય છે એ તમારો અનુભવ સાચો હોવા છતાં માત્ર આ જ અનુભવ સાચો છે એવું વળગણ ન રાખો. તમે વિમાનમાર્ગે, રોડ રસ્તે કે પદયાત્રા દ્વારા ક્યારેય ગયા ન હોય એવું બને, એટલે એવું ન કહો કે માત્ર તમે જ સાચા છો. તમે સાચા છો જ પણ બીજાઓ પણ તમારી જેટલા જ અને ક્યારેક તો તમારાથી વધુ સાચા હોઈ શકે એનો સ્વીકાર કરો.

સાચા હોવાનો સંઘર્ષ જીવનમાં આવે છે ખરો પણ એનાથીય મોટો સંઘર્ષ ડગલે ને પગલે રોજિંદા વ્યવહારમાં ક્યાંક ભૂલ કર્યાનો આવે છે. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, હરવું, ફરવું, બોલવું, ચાલવું આ બધું રોજેરોજ પ્રયત્નપૂર્વક નહીં પણ આપોઆપ થતું હોય છે. આવાં આપોઆપ થતાં કામોમાં આપણાથી જાણે અજાણે પણ અવારનવાર ભૂલ થઈ જતી હોય છે. આ ભૂલ આપણને સમજાય એ પહેલાં જ એની અડફેટે ચડેલા બીજાઓને તરત જ ઊડીને આંખે વળગે છે. આવી ભૂલ કોઈ તમારા ધ્યાન ઉપર લાવે એ ખરેખર તો તમારો હિતેચ્છુ હોય છે (અને જો હિતેચ્છુ ન હોય તો પણ કબીરદાસની વાત યાદ રાખવાની - ‘નિંદક નીયરે રાખીએ...’) તમે જાણે અજાણે પણ જે ભૂલ કરી બેઠા એવી ભૂલ હવે પછી ન થાય એવો સંદેશો એમાં હોય છે. આવા તબક્કે બને છે એવું કે ભૂલ ખરેખર છે જ એવું મનોમન સ્વીકારવા છતાં માણસના મનમાં સાતમે પાતાળ ધરબાયેલો પેલો અહંકાર ડંખ દે છે. મારી ભૂલનો હું સ્વીકાર કરું એનો અર્થ એવો જ થાય કે હું ખોટો છું. માણસને પોતે સાચો છે એવું યેનકેન પ્રકારેણ ઠરાવવું ગમે છે. પોતે સાવ ખોટો છે એવું નજરોનજર પ્રતીત થઈ ગયા પછી પણ આવી ખોટાઈનો સ્વીકાર કરતા એને ડંખ વાગે છે. પોતે ભૂલ કરી બેઠો છે અને ખોટો છે એના માનસિક સ્વીકાર પછી પણ એ તાર્કિક અને અતાર્કિક એવી દલીલોનો ઢગલો કરી દે છે. આવી દલીલોનો ઢગલો પોતાની સચ્ચાઈ પુરવાર કરવા માટે નથી હોતો, કારણ કે ત્યાં સચ્ચાઈ હોતી જ નથી પણ આવો ઢગલો સામેવાળા સહુને ગૂંચવી નાખવા માટે હોય છે.

અનેકાંતવાદના પાયામાં જેમ તમે પણ સાચા હોઈ શકો એ સિદ્ધાંત સમાયેલો છે એ જ રીતે ખોટા માણસના મનમાં પણ પોતાની ભૂલ અને ખોટાઈ વિશે એક વિચિત્ર આગ્રહ રહેલો હોય છે. (આ આગ્રહ અહંકાર પ્રેરિત હોય છે.) જેને તમે મારી ભૂલ કહો છો એ વાત તો ફલાણા ફલાણા કારણે થઈ હતી. અમુકતમુક માણસે પણ એક વાર આવું કર્યું હતું. આણે કે પેલાએ પણ આવું કર્યું ત્યારે તમે કોઈ બોલ્યા નહોતા ઈત્યાદિ ઈત્યાદિ દલીલો કરીને એ મારી જેમ બીજા ઘણા ખોટા માણસો છે એવું સ્વીકારવાનો તમારી સમક્ષ આગ્રહ કરશે. હવે હું ખોટો છું એ સ્વીકારવા કરતા તમે પણ ખોટ્ટા છો એ સ્વીકારવા માટે એ ઉગ્ર બની જાય છે.

ઉગ્રતાનું આ કારણ માણસના મનમાં રહેલા પૂર્વગ્રહો હોય છે. કેટલાક માણસો, કેટલાક પ્રસંગો, કેટલીક પરિસ્થિતિઓ ઈત્યાદિ ઈત્યાદિ આ બધા પૈકી કેટલુંક આપણને ગમતું હોય છે. તો કેટલુંક અણગમતું હોય છે. જે કંઈ અણગમતું હોય છે એવું આપણે આપણી પોતાની રીતે ક્યાંક ને ક્યાંકથી સમર્થન મેળવી લેતા હોઈએ છીએ. હું બુદ્ધિશાળી છું એટલે મને જે કંઈ ગમે કે ન ગમે એ બુદ્ધિપૂર્વકનું જ હોય એવું આપણે ગળા સુધી માનતા હોઈએ છીએ. આમ હોવાથી ગમાના અને અણગમાના બંને રીતે, પૂર્વગ્રહો જમા થઈ જાય છે. આ પૂર્વગ્રહો આપોઆપ પોતાની માન્યતાઓનું સમર્થન મેળવતા જાય છે અને હવે એક તબક્કો એવો આવે છે કે અણગમાના પૂર્વગ્રહો દ્વેષમાં પરિવર્તિત થઈ જાય છે. ગમાના પૂર્વગ્રહો મમત્વમાં રૂપાંતરિત થાય છે. યાદ રહે કે મમત્વ પણ એક જાતનો પૂર્વગ્રહ જ છે.

મારા પોતાના ગમા-અણગમા પૂર્વગ્રહોનો પ્રદેશ વળોટીને મમત્વ કે દ્વેષમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે કે નહીં, એ જો વિશુદ્ધ ભાવે આત્મપરીક્ષણ કરીને જાણવું હોય તો એક માસ્ટર-કી પણ હાથવગી છે. જેના પ્રત્યે તમે મમત્વ કે દ્વેષના પ્રદેશમાં વિહાર કરતા હશો, એનું નામ સ્મરણ જાણે અજાણે પણ તમારાથી સતત થઈ જતું હોય છે. એમાંય મમત્વ કરતાં દ્વેષ વધુ સમર્થ હોય છે. જેના પ્રત્યે દ્વેષની લાગણી બળકટ બને છે એના વિશે અકારણ પણ વિચારોની ગાડી તીવ્ર વેગે ધસી જતી હોય છે. માણસ આ મુદ્દા ઉપર આત્મપરીક્ષણ કરીને પોતે ક્યા બિંદુ ઉપર ઊભો છે એ સહેલાઈથી સમજી શકશે.

તથાગત બુદ્ધનો જીવનક્રમ જોઈએ. બુદ્ધે ગૃહત્યાગ કર્યા પછી સંબોધી પ્રાપ્તિ માટે આલારકાલામને પોતાના ગુરુ માનીને એમની પાસેથી મનના ઉત્તાપો શમી જાય એ માટે જ્ઞાન મેળવવા પ્રયત્ન કર્યો. આલારકાલામે રાજકુમાર સિદ્ધાર્થને સૃષ્ટિની ઉત્પત્તિ અને લય વિશે પોતે જ જાણતો હતો એ સમજાવ્યું. એ પછી સમાધિની પરમ અવસ્થા અકિંચન સમાધિ વિશે પણ એણે જ્ઞાન આપ્યું. સિદ્ધાર્થને એનાથી સંતોષ ન થયો. એમને લાગ્યું કે આલારકાલામ પાસેથી પોતે જે ઈચ્છે છે એ મેળવી શકતા નથી એટલે આલારકાલામ પ્રત્યે એમણે લેશ પણ દોષારોપણ કર્યા વિના બીજો માર્ગ લઈ લીધો. એમને થયું કે દોષ આલારકાલામનો નહોતો, પોતાની અપેક્ષાઓ જ વધારે હતી અને પોતે જ આલારકાલામ પાસે જે કંઈ હતું એ બધું જ મેળવ્યા પછી પણ સંતુષ્ટ થતા નથી. આ પછી એમણે ઉદ્દક રામપુત્ર પાસે જઈને નૈવ જ્ઞાન સમાધિ મેળવી. પુષ્કળ દેહદમન કરીને ઘોર તપશ્ચર્યા કરી અને આ બધા પછી પણ જ્યારે એમને ઉદ્દક રામપુત્ર પાસેથી પોતાની અપેક્ષાઓ પૂરી ન થઈ ત્યારે એ માર્ગ પણ છોડી દીધો. ઉદ્દક રામપુત્ર પાસેથી પોતાને કશું મળ્યું નથી એવા કોઈ અફસોસ વિના એમણે પોતાનો સ્વતંત્ર માર્ગ સ્વીકારી લીધો.

મૂળ વાત આ સ્વીકારની છે. આવો કોઈ સ્વીકારવાદ કોઈ ધર્મોપદેશમાં કહેવાયો ભલે ન હોય પણ જૈન ધર્મે તો પોતા ઉપરાંત બીજો પણ સાચો હોઈ શકે એવા સ્વીકારને અનેકાંતવાદ તરીકે ઓળખાવ્યો છે. એ જ રીતે પોતે ખોટો હોય ત્યારે બીજા પણ ખોટા હોઈ શકે એવો આગ્રહ રાખ્યા વિના પોતાના વર્તન, વલણ કે વિચારમાં જે કંઈ ખોટું પ્રતીત થાય એને હડસેલો મારવાનો સ્વીકારવાદ પણ આપણે બધાએ આત્મસાત કરવો જોઈએ.
[પાછળ]     [ટોચ]