[પાછળ] 

ભારતના પ્રથમ વડાપ્રધાન
લેખકઃ પ્રફુલ શાહ

આ દેશભક્તનું પૂરું અને મૂળ નામ અબ્દુલ હાફિઝ મોહમ્મદ બરકતુલ્લા ખાન. આ જનાબનું નામ આજે ભાગ્યે જ કોઈને યાદ છે તો એ નામ શા માટે ભૂલાવું ન જોઈએ એ મુદ્દા પર પહેલા આવીએ.

તેઓ ભારતના પ્રથમ વડા પ્રધાન હતા.

તો પંડિત જવાહરલાલ નેહરુ?

કરીએ વિગતવાર વાત. આપણે ભણેલા અને જાણેલા ઈતિહાસમાં જવાહરલાલ નેહરુને ભારતના પહેલા વડા પ્રધાન ગણાવાય છે એ સાવ સાચું છે પણ, બરકતુલ્લા ખાન ભારતના સૌથી પહેલા વડા પ્રધાન હતા એવું કહેવું પણ ખોટું તો નથી હો.

મધ્ય પ્રદેશના ભોપાલમાં આવેલા ઈટવારા મહોલ્લામાં ઈ.સ. ૧૮૫૪ની સાતમી જુલાઈએ બરકતુલ્લાનો જન્મ. એમનો પરિવાર ભોપાલના રજવાડાનો મહત્ત્વનો ભાગ હતો. ભોપાલની સુલેમાનિયા કૉલેજમાં અંગ્રેજી, ફારસી અને અરબી ભાષા શીખ્યા. પોતાના સમયના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નેતા શેખ ઝમાલુદ્દીન અફઘાનીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. આને પગલે તેમણે પ્રથમ તો ભારતમાંના મુસ્લિમોને એક કરવાની ઝુંબેશ હાથ ધરી. સમયાંતરે મા-બાપના નિધન બાદ પરિવારમાં માત્ર બહેન બચી. એ બહેનના નિકાહ બાદ થઈ ગયા જનાબ સાવ એકલા. આ તકનો લાભ લઈને પોતાનું ધ્યેય સાકાર કરવા કમર કસી લીધી.

આ માટે બરકતુલ્લાએ પસંદ કર્યું મુંબઈને. શરૂઆતમાં બે કામગીરી કરી. પોતાનું ગુજરાત ચલાવવા બાળકોને ટ્યૂશન ભણાવ્યા અને પોતે અંગ્રેજી વધુ વ્યવસ્થિત રીતે શીખ્યા.

અભ્યાસ આગળ વધારવા બરકતુલ્લા ખાન ઈંગ્લેન્ડ ગયા, પરંતુ ભણતર ઉપરાંત અહીં તેમના જીવનની દિશા બદલાઈ જાય એવું બનવાનું હતું એ તેઓ જાણતા નહોતા. અહીં તેઓ ઘણાં હિન્દુસ્તાની ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા કે જેઓ ભારતની સ્વતંત્રતા માટે ઝઝૂમી રહ્યા હતા. આ બધામાં આગેવાન ક્રાંતિકારી અને આપણા કચ્છના શ્યામજી કૃષ્ણ વર્મા સાથેની ટૂંકી મુલાકાતે તેમને ખૂબ પ્રભાવિત કર્યાં. માત્ર થોડા કલાકની ચર્ચા બાદ તેમણે ભારતની સ્વતંત્રતા માટે કાર્યરત થવાનું નક્કી કર્યું. બરકતુલ્લા ખાનની એ તાકાત મુખ્ય હતી. આગ ઓકતી જીભ અને એટલી જ તેજાબી કલમ. આ બંનેનો ભવિષ્યમાં તેઓ જોરદાર ઉપયોગ કરવાના હતા.

શરૂઆતમાં લિવરપુલ યુનિવર્સિટીની ઓરિએન્ટલ કૉલેજમાં ફારસીના પ્રોફેસર તરીકે નોકરી શરૂ કરી. આની સાથોસાથ બ્રિટિશરો દ્વારા ભારતમાં કરાતા અત્યાચાર સામે શબ્દોના ચાબખા મારતા રહ્યા. એમનું લખાણ એટલું જલદ અને આકરું કે ચર્ચા જાગ્યા વગર ન રહી. આને પગલે એમનો વિરોધ થવા માંડ્યો, પણ લીધું કામ છોડે એ બીજા. અંતે બ્રિટન છોડવાનો વારો સામે આવીને ઊભો રહ્યો.

બ્રિટનને રામરામ કર્યાં પણ અંગ્રેજોના વિરોધનો ઝંડો ઊંચો જ રાખ્યો. બ્રિટન બાદ અમેરિકા ગયા. ત્યાં રહેતા ભારતીઓનો સાથ મેળવીને માતૃભૂમિની મુક્તિની ઝુંબેશ શરૂ કરી. એક તરફ ગુજરાન ચલાવવા માટે શાળામાં અરબી ભાષા ભણાવે, તો બીજી બાજુ ભારતની સ્વતંત્રતાની તરફેણમાં માહોલ જમાવવા સંમેલનો યોજતા રહે. તન, મન અને ધનથી પરદેશમાં રહીને દેશની ચર્ચા અને ચિંતા. એક તરફ એમના ક્રાંતિકારી ભાષણ અને લેખ ધારી અસર ઊભી કરી રહ્યા હતા અને એમની પ્રખર રાષ્ટ્રપ્રેમી હિન્દુસ્તાની મજબૂત ઈમેજ બની રહી હતી. બરકતુલ્લા ખાન બ્રિટન બાદ અમેરિકા ગયા અને ત્યાંથી જાપાન. જાપાન એ સમયે ભારતીય ક્રાંતિકારીઓ માટે નોંધપાત્ર વિદેશી કેન્દ્ર બની ચૂક્યું હતું. ઈ.સ. ૧૯૦૫ સુધીમાં બરકતુલ્લા ખાન પ્રખર દેશપ્રેમી તરીકે બ્રિટિશરોના રડારમાં માત્ર આવી ચૂક્યા ન હોતા, પણ આંખમાં ખૂંચવાય માંડ્યા હતા. તેઓ જ્યાં જાય ત્યાંના મુસલમાનોને એક થઈને હિંદુઓ સાથે મળીને અંગ્રેજોનો વિરોધ કરવા સમજાવતા હતા, પરંતુ બ્રિટિશરોએ જાપાનમાં એમને નિરાંતે રહેવા ન દીધા અને તેમણે જાપાન પણ છોડ્યું.

બરકતુલ્લા ખાન ફરી અમેરિકા પહોંચી ગયા. એ સમયે અમેરિકામાં સ્થાયી થયેલા સંખ્યાબંધ ભારતીયો દેશની આઝાદી માટે ગદ્દર પાર્ટીની રચના માટે સક્રિય થઈ ચૂક્યા હતા. આ લોકો સાથે બરકતુલ્લા ખાન પણ જોડાઈ ગયા અને તેમણે મેક્સિકો અને કેનેડામાં વસતા ભારતીયોને પોતાના પડખે લઈ લેવાની ક્વાયત શરૂ કરી દીધી.

બરાબર ઈ.સ. ૧૯૧૩ની તેરમી માર્ચે ગદ્દર પાર્ટીની સ્થાપના થઈ અને બરકતુલ્લા ખાન અનિવાસી ભારતીયોનું સંમેલન યોજીને પરદેશી ધરતી પર દેશની સ્વતંત્રતાના સૌથી મોટા અભિયાનના શ્રીગણેશ કરી દીધા. બરકતુલ્લા ખાન ઉપરાંત લાલા હરદયાલ અને સોહનસિંહ જેવા પરદેશી બાબુઓની આંખમાં માતૃભૂમિની સ્વતંત્રતાના શમણા અંજાવા માંડ્યા. બરકતુલ્લા ખાન સહિતના આગેવાનોએ ગદ્દર પાર્ટીના નેજા હેઠળ ઘણી પ્રવૃત્તિ વિચારી હતી. એનો વ્યાપ પણ દેશોના ભૌગોલિક સીમાડા ઓળંગવા માંડ્યો. વધુને વધુ આગેવાનો આ અભિયાનમાં જોડાતા ગયા. આમાંથી રાજા મહેન્દ્ર પ્રતાપ સાથે બરકતુલ્લા ખાનને ઝડપભેર ઘનિષ્ઠ મૈત્રી થઈ ગઈ. આ સાચા રાજા હતા, હાથરસના રાજાના પુત્ર. આ બંનેની દોસ્તી બહુ જલદી બ્રિટિશરોને ભારે પડી. રાજા અને ખાને બ્રિટિશ સેનામાં કાર્યરત ભારતીય સૈનિકો પાસે બળવો પોકારાવ્યો, એટલું જ નહિ તેમને બ્રિટિશરો વિરુદ્ધ ઊભા કરી દીધા. આ બંનેની ગણતરી એવી હતી કે પરદેશમાં ઠેર ઠેર બ્રિટિશરો સામે ક્રાંતિની મશાલ પ્રગટાવી અને પછી એને માતૃભૂમિ સુધી લઈ જવી. આ યોજનાના ભાગરૂપે જ બરકતુલ્લા ખાન અને રાજા મહેન્દ્ર પ્રતાપ બગદાદ, તુર્કી અને અફઘાનિસ્તાન ગયા.

પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું એટલે બ્રિટન અને જર્મની સત્તાવાર શત્રુ બની ગયા. આને લીધે જર્મનીને રાજા મહેન્દ્ર પ્રતાપ અને બરકતુલ્લા ખાન પર વિશેષ પ્રેમ ઊપજે એ સ્વાભાવિક હતું.

એટલે જર્મનીએ બંનેની મુસાફરી વખતે સલામતી માટે પોતાના સૈનિકો પૂરા પાડ્યા હતા. આમ છતાં અફઘાનિસ્તાનમાં કાબુલ પહોંચ્યા તો બ્રિટિશરોએ નજરકેદમાં લઈ લીધા, પરંતુ સ્થાનિક પ્રજાના ઉગ્ર વિરોધ અને જર્મનીના દબાણને પ્રતાપે બંનેને મુક્ત કરવા પડ્યા.

ઈ.સ. ૧૯૧૫ની પહેલી ડિસેમ્બરે કાબુલમાં સ્વતંત્ર ભારતની સર્વપ્રથમ સરકારની રચના થઈ. આને આરઝી હકૂમત કે છાયા સરકાર કે ગવર્મેન્ટ ઈન એક્સાઈલ કહી શકાય. આના પહેલા વડા પ્રધાન બન્યા બરકતુલ્લા ખાન, રાષ્ટ્રપતિ બન્યા રાજા મહેન્દ્ર પ્રતાપ અને મૌલાના ઉબૈદુલ્લા સિંધી બન્યા ગૃહપ્રધાન. આ સરકારને જર્મનીએ તાત્કાલિક સ્વીકૃતિ પણ આપી દીધી. આટલું જ નહિ, ભારતની આ છાયા સરકાર સાથે અફઘાન સરકારે મહત્ત્વના કરાર કર્યા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અફઘાનિસ્તાન મદદ કરે અને વળતરરૂપે આઝાદી પછી ભારતે પોતાના તાબા હેઠળના બલુચી અને પસ્તુન ભાષી વિસ્તારો અફઘાનિસ્તાનને સોંપી દેવાના હતા !

આ સાથે જ આ આરઝી હકૂમતે ભારતની બ્રિટિશ હકૂમત પર આક્રમણની તૈયારી આરંભી દીધી. ઈ.સ. ૧૯૧૭ની બોલ્શેવિક ક્રાંતિમાં રશિયામાં શાસક ઝારનું પતન થયું ત્યાર બાદ ઈ.સ. ૧૯૧૯માં બરકતુલ્લા ખાન મંત્રણા માટે મૉસ્કો પહોંચ્યા, જ્યાં લેનિને સમર્થન જાહેર કર્યું. આ રીતે ભારતમાંથી બ્રિટનને તગેડી મૂકવાના બરકતુલ્લા ખાનની ટીમના પ્રયાસોને જર્મની, રશિયા અને અફઘાનિસ્તાન સહિતનાં રાષ્ટ્રોના ટેકા મળી ગયા. જોકે એમ સ્વતંત્રતા હાથવગી નહોતી. બરકતુલ્લા ખાન પોતાની સ્વતંત્રતાની મશાલથી ભારતમાં રોશની કરવા પ્રયત્નશીલ હતા ત્યારે ઉંમર અને તબિયત એમના પગલાં દબાવતા પાછળ પાછળ આવતા હતા.

અમેરિકાના કેલિફોર્નિયામાં સ્વાતંત્ર્ય માટેની એક સભાને સંબોધન માટે ઊભા થયા કે બરકતુલ્લા ખાનની તબિયત કથળી. તેમણે સંબોધન માંડી વાળવું પડ્યું. તબિયત કથળતી ગઈ અને ઈ.સ. ૧૯૨૭ની ૨૦મી સપ્ટેમ્બરે ભારતના પહેલા વડા પ્રધાને અંતિમ શ્વાસ લીધા. આખરી બીમારી વખતેય આ માણસના વિચારો કેવા હતા એ જાણવા જેવું છે. ‘હું જીવનભર ભારતની સ્વતંત્રતા માટે સક્રિય રહ્યો... અફસોસ છે કે અમારા પ્રયાસો છતાં અમારા જીવનમાં કોઈ ફળ જોવા ન મળ્યું. આની સાથે ખુશી પણ છે કે હવે હજારોની સંખ્યામાં સાહસી અને પ્રામાણિક નૌજવાનો દેશની સ્વતંત્રતા માટે આગળ આવી રહ્યાં છે. મને પૂરો વિશ્વાસ છે કે દેશનું ભવિષ્ય એમના હાથમાં છોડીને જઈ શકું છું.’

અંતિમ પળોમાં પોતાના વતનની માટીમાં દફન થવાની ઈચ્છા બરકતુલ્લા ખાનની હતી પણ એમની કબરની માટી ભારત લાવવાનું આજ સુધી કોઈને સૂઝ્યું નથી. હા, છેક ઈ.સ. ૧૯૮૮માં ભોપાળ યુનિવર્સિટીને બરકતુલ્લા યુનિવર્સિટી નામ અપાયું હતું ખરું! પણ એ સિવાય કંઈ નહિ, પણ આજે આપણે ભારતના પ્રથમ વડા પ્રધાન અબ્દુલ હાફિઝ મોહમ્મદ બરકતુલ્લા ખાનને સ્મરણાંજલિ આપીએ.

(મુંબઈ સમાચાર, ઉત્સવ પૂર્તિ તા. ૨૨-૦૨-૨૦૨૦)
 [પાછળ]     [ટોચ]