[પાછળ] 
અભિજ્ઞાન શાકુંતલમ્
અંક-૪ : કન્યાવિદાય
ભાષાંતરકાર : દલપતરામ પ્રાણજીવન ખખ્ખર

કણ્વ––(શકુંતલા ભણી જોઈને દુઃખી થઈને કહે છે.)

શકુંતલા જવાથી આજ દુઃખ દીલ થાય છે, દબે ન અશ્રુ દષ્ટિ ઝાંખી, કંઠ તો રૂંધાય છે; સ્નેહ દુઃખ થાય વનવાસીને મને અતિ, થતી હશે શી ગૃહસ્થની સુતાવિજોગથી ગતિ.

(એમ કહીને આણીમેર તેણીમેર ફરે છે.)

બેઉ સખી––અલી શકુંતલા, ઘરેણાં ગાંઠાં તે ઘાલ્યાં, હવે સાડી પહેર અને તે પર ચુંદડી ઓઢ.

(શકુંતલા ઉભી થઈને વસ્ત્ર પહેરે છે.)

ગૌતમી––બેટા આમ જો. જેની આંખમાંથી આનંદનાં આંસુ વહ્યાં જાય છે એવા જે આ તારા પિતા તે તને આલિંગન આપવા સારું પાસે આવ્યા છે, તેને પાયે લાગ.

શકુંતલા––(શરમાઈને) પિતાજી, પાયે લાગું છું.

કણ્વ––(તેના મસ્તક પર હાથ મૂકીને) બેટા,

થા પતિને બહુ વહાલી, શર્મિષ્ઠા નૃપ યયાતિને જેમ, થાઓ સુત તુજ પુરૂસમ, પૃથ્વીપતિ તેહને થયો તેમ.

ગૌતમી––ભગવાન કણ્વ ઋષિ, એ તો ખરે વરદાન થયું, આશીર્વાદ નહિ તો.

કણ્વ––બેટા, આમ આવ. હવે હોમાગ્નિની પ્રદક્ષિણા ફર.

(સર્વે અગ્નિકુંડની પ્રદક્ષિણા ફરે છે).

(કણ્વઋષિ કન્યાને ઋગ્વેદના મંત્રની ઢબ પ્રમાણે આશીર્વાદ આપે છે.)

(ભુજંગી) થપાયા રૂડા અગ્નિ જે વેદી મધ્યે, પૂરો પાથર્યો દર્ભ સમ્મીધ હવ્યે: કરે પાપનો નાશ જે હોમ ગંધે, બચાવો તને અગ્નિવૈતાન સંધે.

બેટા, હવે તું ઉભી રહે. (આમ તેમ જોઈને) શારંગરવ આદિક શિષ્યો ક્યાં છે?

શિષ્યો––(આગળ આવીને) ભગવાન, આ અમે પાસે જ છીએને.

કણ્વ–આ તમારી બહેનને લઈને જાઓ; તેને માર્ગ દેખાડો.

શારંગરવ––આમ આવ, બહેન આમ. (બધાં તેની સાથે નીકળે છે.)

શકુંતલા––અલી પ્રિયંવદા, હું મારા પતિને મળવાને ગમે તેટલી આતુર થઈ છું, પણ, આ આશ્રમ છોડતાં મને એટલું દુઃખ થાય છે કે મારું પગલું ઉપડતું નથી.

પ્રિયંવદા––સખી, આ તપવનના વિયોગથી તને એકલાનેજ દુઃખ થાય છે એમ નહિ સમજતી, પણ તારા વિયોગનો સમય પાસે આવવાથી એ તપોવનની પણ એવી જ અવસ્થા થયેલી દેખાય છે. કારણ કે –

(ગીતિ) નથી ગળતા દર્ભ મૃગો, કલાપી દિલદુઃખથી જ નવ નાચે વેલી પાડે પાકાં પત્રરૂપી આંસુ દુઃખે સાચે.

શકુંતલા––(સંભારીને) દાદા, મારી લાડકડી બહેન, જે વન જ્યોત્સનાની વેલ, તેને જરા ભેટી આવું?

શકુંતલા––(લતાને કહે છે) હે મારી વહાલી વનજ્યોત્સની, જો કે તારા પતિ આમ્રવૃક્ષની સાથે તું લપટાઈ છે, તો પણ તારી શાખાઓના હાથ આણીમેર કરીને મને એક વાર ભેટી લે, કારણ કે હું આજ દૂર દેશ જઈશ તેથી કદાચ પાછું તને નહિ ભેટાય.

(કણ્વમુનિ ભણી ફરીને) હે દાદા, જેવી મારા પર તેવી જ આ મારી બહેન પર મમતા રાખતા જજો હો.

કણ્વ––તમે બેય વિષે તો મને નિરાંત થઈ. હવે મને ચિંતા રહી નહિ,

(ગીતિ) ઉત્તમ વર શોધીને, પરણાવવા મુજ હતો જ વિચાર, પૂર્વપુણ્યથી દૈવે, બની ગયું તેહ સહજ નિરધાર; આંબાના વૃક્ષતણી, દૈવે નવમલ્લિકાથી થઈ ભેટ, તમ વિષે મને એણે, નચિંત કીધો ખરેખર જ નેટ.

બેટા, હવે અહીંથી રસ્તે પડ.

શકુંતલા––(બેઉ સખીઓને) બહેનો, હવે આ વનજ્યોત્સનીની વેલની સોંપણ તમો બેઉને કરું છું. તમે એની સંભાળ રાખજો.

બેઉ––અને અમારી સોંપણ કોને કરી જાય છે ? [એમ કહી રડવા માંડે છે.]

કણ્વ––અનસૂયા, અરે પ્રિયંવદા, એમ રડો છો શું. તમારે તો શકુંતલાને ધીરજ આપવી જોઈએ. તેને બદલે ઉલટી તેને રડાવો છે?

[એમ કહી સર્વ આગળ ચાલવા માંડે છે. ]

શકુંતલા––દાદા, બીજું એક હું કહી જાઉં છું તે સંભારી રાખજો. તે એ કે, પેલી મારી લાડકડી હરણી ગાભણી હોવાને લીધે આશ્રમમાં ધીમે ધીમે ચરે છે, તે જ્યારે હેમખેમ વીંઆય ત્યારે તેના રૂડા સમાચાર મને કોઈની સાથે કહેવરાવજો.

કણ્વ––એ હું કદી વિસરીશ નહિ.

શકુંતલા––(પાછળ તણાઈ હોય એમ કરીને પછવાડે જોઈને) અરે, કોણ એ મારા છેડા તળે ભરાઈને આવે છે ! [એમ કહીને પાછળ વળીને જોય છે. ]

કણ્વ––બાપુ! એ કોણ તે ઓળખ્યું કે?

(શાર્દૂલવિક્રીડિત) વાગી કંટક દર્ભનો ક્ષત મુખે હુતું પડ્યું જેહને, જેને ઈંગુદિ તેલ ચોળતી હતી રાખી મને ખંતને; શામો તેં ખવડાવી દત્તક લઈ ઉછેરિઉં જેહને, તે જો આ મૃગબાલ છોડતું નથી મા નિજ જાણી તને.

શકુંતલા––(તેના શરીરને પંપાળીને) બેટા, હું તો તારી સોબત છોડીને જાઉં છું તો પછી મારી પાછળ શું કરવા આવે છે? પાછો જા.

(શિખરિણી) અહો! બાળા તારી, જનની પ્રસવી તેવી જ અરે, તને છોડી સ્વર્ગે ગઈ, મુજ કપાળે ધરી ખરે; ઉછેર્યો મેં નિત્યે જતન કરી તારું હરઘડી, તેને ભાળી સાચે, રમતું ખુશી તેથી થતી વડી; તને છોડી આજે, ગમન કરું છું હું જ ત્યમરે; પૂંઠે મારી કેહે, હરખ ધરી આવે છે ક્યમ રે; ફરી પાછો જાની, અહીં થકી તું તો આશ્રમ વિષે, પિતા મારો તારું, જતન કરશે હર્ખી અતિશે.

[એમ બોલીને રડતી રડતી ચાલવા માંડે છે.]

કણ્વ––(શકુંતલાને ઝાલીને)

(દોહરો) રડતાં રડતાં તાહરા, નેત્ર ગયાં સૂકાઈ, દડદડ વહેતાં આંસુથી, અંગ ગયું ભીંજાઈ પૂર પાંપણે બસ કરો, સૂજે ન આંખે હાલ ઠોકર માર્ગ ઉચે નીચે, નહિ તો ખાઈશ બાળ; મોહપાશ તોડી કરી, કર તું શીઘ્ર ગમન, ચિત્તમાં નિત સંભાળજે, સ્નેહે બંધુ જન.

શારંગરવ––ગુરૂમહારાજ, સ્નેહીને જળાશય સુધી વળાવવા જવું એવો સંપ્રદાય છે, અને આ સરોવર કાંઠો છે માટે જે સંદેશો કહેવડાવવાનો હોય તે કહી અમને આજ્ઞા કરીને આપે આ સરોવર આગળથી જ પાછા ફરવું જોઈએ.

કણ્વ––ઠીક ત્યારે, આ ઉમરાના ઝાડની છાયા તળે આપણે જરા વાર બેસીએ.

[એમ કહી ઝાડ તળે સર્વે બેસે છે.]

કણ્વ––(પોતાના મનમાં કહે છે.) દુષ્યંત રાજાને કેવો યોગ્ય સંદેશો કહેવડાવીએ વારૂ? [તેનું મનમાં ચિંતન કરે છે.]

શકુંતલા––(એક કોરે મોં કરીને અનસૂયા સાંભળી શકે તેમ કહે છે) સખી અનસૂયા, પેલું કૌતક જોયું કે?

(ગીતિ) ઢાંકે છે થઈ આડું અબ્જતણું પત્ર નાથને જેહ, ગાભરી થઈ આરડે તે કારણ ચક્રવાકી તો તેહ, સહેવાતું નથી ક્ષણ પણ, વિરહતણું દુઃખ બાપડી તેથી, ખેદ અતિશ ઉપજે છે, મુજ હૃદયે એવી તે નીરખવેથી.

અનસૂયા––બહેન, એવું જરાએ તારે મનમાં આણવું નહિ.

એ પણ નિજ પતિવિણ દુઃખમાંહી લાંબી રાત ગાળે છે; પતિ કેરા સંયોગની, આશાએ દુઃખ એટલું સહે છે.

કણ્વ––અરે શારંગરવ, શકુંતલાને આગળ કરી, મારું નામ દઈ રાજાને મારા સંદેશો આ પ્રમાણે કહેજે.

શારંગરવ––જેવી આજ્ઞા મહારાજ.

કણ્વ––તેને એવો સંદેશો કહેવો કે :-

(શાર્દૂલવિક્રીડિત) તું છે ઉંચ કુલીન, સંયમધના છીએ અમો જાણજે, પુત્રીએ તુજ પ્રીત બાંધિ છ સગાં વચ્ચે નથી માનજે; તેથી રાણી બીજી સમાન ગણજે રે ! ભૂપ તું એહને, ભાગ્યાધીન ભવિષ્ય છે, પછી સગાં બોલે નહીં કોઈને.

શારંગરવ––મેં સંદેશો સાંભળ્યો. એ પ્રમાણે રાજાને જઈને કહીશ.

કણ્વ––બેટા, તને પણ એક શિખામણ કહેવી છે તે કહું છું. અમે સદા અરણ્યમાં રહીએ છીએ, તો પણ સંસારની રીતભાતથી અમે જાણીતા છીએ.

શારંગરવ––મહારાજ, એવો તે કર્યો વિષય કે જે તમ સરખા જ્ઞાનવંતને જાણીતો ન હોય.

કણ્વ––બેટા, તું તારા પતિને ઘેર ગયા પછી આ પ્રમાણે ચાલજે હો.

(ચોપાઈ) મોટેરાની કરજે સેવ, શોક્ય શું ધરવી સખી સમ ટેવ, પ્રીત ઉતારે જદપિનાથ, કોપતી કદી નવ તું પતિ સાથ; ભાગ્યોદયમાં તજજે ગર્વ, દયા કરવી સેવક પર સર્વ, એમ ચાલતી ગૃહિણી થાય, કુળ કંટક બીજી લેખાય.

કેમ ગૌતમી, એમજ કેની? બીજું શું કહેવું એને?

ગૌતમી––વહુઆરૂ માણસ થઈ, તેને ઉપદેશ એટલો જ કરવાનો. બેટા શકુંતલા, આ દીધેલી શિખામણ ધ્યાનમાં રાખજે હોં.

કણ્વ––બેટા, મને અને તારી સખીજનને વળી પાછું એકવાર આલિંગન આપ એટલે થયું.

શકુંતલા––(બાપને આલિંગન કરીને) દાદા, પ્રિયંવદા વગેરે બીજી સર્વે સખીઓ અહીંથી જ પાછી વળશે કે શું ?

કણ્વ––હા જ તો; શું કરીએ બેટા, પ્રિયંવદા અને અનસૂયા એ બેઉને પણ વરાવવી છે, માટે એમણે તારી સાથે ત્યાં આવવું યોગ્ય નહિ. ગૌતમી માત્ર સાથે આવશે.

શકુંતલા––(બાપને આલિંગન દઈને દુઃખથી કહે છે) હે મારા પ્રિય પિતા, જેમ મલય પર્વતની બાજુ ઉપરથી ચંદનની કુમળી વેલ સમૂળી ઉખડી જઈને નીચે પડે તેમ હું જે તમારા ખોળામાં ઉછરેલી તે ત્યાંથી છૂટી થઈને દૂર દેશ ગઈ એટલે મારા પ્રાણ કેમ રહેશે?

કણ્વ––પુત્રી ! તું આમ કેમ ગભરાય છે? અરે તને તારા ભર્તારના ઘરમાં ગયા પછી અમને સંભારવાને પણ અવકાશ મળશે નહિ.

(શાર્દૂલવિક્રીડિત) સ્વામી ઉંચ કુલીનની થઈ વધુ સારા મોટે પદે, કામોથી ઘરના ન સૂજ પડશે બીજું કદાપિ હૃદે; પૂર્વે જેમ ઉગે રવી તનુ તને તેમે થશે સત્વરે; પુત્રી, તાતવિજોગનું દુઃખ નહી લેખીશ તું ત્યારે.

શકુંતલા––(પિતાને ચરણ પર મસ્તક મૂકીને ) દાદા, હવે હું આજ્ઞા માગું છું.

કણ્વ––બેટા, તારી મનકામના પૂર્ણ થાઓ.

શકુંતલા–– (પોતાની બેઉ સખીઓ પાસે જઈને) હે પ્રિય સખીઓ, તમે બેઉ જણ મને સાથે એકદમ જ આલિંગન આપો. હવે તમારું દર્શન મને દુર્લભ છે ! આજ સુધી સ્નેહભાવે મેં તમને જે કંઈ દુઃખ દીધું હોય તેની ક્ષમા કરીને મારા પરની તમારી મમતા ઓછી ન કરતાં.

બેઉ સખી––(શકુંતલાને ભેટીને કહે છે) હે પ્રિય સખી, તું એમ તે શું બોલતી હઈશ? તું ગયા પછી આ આશ્રમમાં અકેકો દહાડો તો અકેકો યુગ થઈ પડશે. અમારી એક પળ પણ તને સંભાર્યા વગર ખાલી જનાર નથી.

શકુંતલા––તમારી પ્રીત મારા પર એવી જ છે એ હું જાણું છું.

બેઉ સખી––સખી, અમે તને એક છાની વાત કહીએ છીએ તે ધ્યાનમાં રાખજે. રાજા કદાચિત્ ભૂલ ખાઈને તને ઓળખે નહિ તો તારા હાથમાં તેના નામની જે વીંટી છે તે તેને દેખાડજે.

શકુંતલા––આ તમારા વચનથી મારું હૃદય થરથર કંપે છે; વારૂ એમ થાય ખરું કે?

બેઉ સખી––અરે બહેન તું બી ના, એમ થાય શું? પણ કહેવત છે કેની કે “મન ચિંતવે તેવું વેરીએ ન ચિંતવે.” અતિ સ્નેહને લીધે મનમાં નઠારી શંકા આવે.

શારંગરવ––હવે બે પહોર થઈ રહેવા આવ્યા; છોકરીઓ હવે વહેલાં વહેલાં આટોપી લો. જવાનું આઘું છે.

શકુંતલા––(આશ્રમભણી મહોડું કરીને) દાદા, આ તપોવન હું પાછું ક્યારે જોઈશ?

કણ્વ––સાંભળ, કયારે જોઈશ તે.

સાખી(મરાઠી ચાલની) દીર્ઘકાળ સુધી થજે શોક તું ચતુરંગ પૃથ્વીની, વરાવજે તુજ વીર પુત્રને જોઈ વધૂ શુભ કુળની; સોંપીશ ગાદી પુત્રી તેને રાજભિષેક કરીને, પ્રિય પતિ સંગે આવશે ત્યારે, શાંત આશ્રમે ફરીને.

ગૌતમી––પુત્રી, જવાની વેળા ચાલી જો. હવે તારા પિતાને પાછા ફેરવ. નહીંતર એ એમ વારંવાર બોલ્યા જ કરશે. (કણ્વ ઋષિને કહે છે) તમે પોતે જ પાછા વળો.

કણ્વ––બેટા, મારા તપના અનુષ્ઠાનમાં હરકત થાય છે, માટે હવે ચાલવા માંડો.

શકુંતલા––(પાછા બાપને ભેટીને કહે છે) દાદા તપશ્ચર્યાનું કષ્ટ કરી કરીને આગળથી જ તમારું શરીર તો ઘસાઈ ગયું છે, તેટલા માટે મારે સારું શોક કરીને તેમાં ઉમેરો કરશો મા.

કણ્વ––(નિસાસો નાંખીને કહે છે) વત્સ,

(ગીતિ) રોપેલાં છે તેં જે, દ્વાર સમીપે વનસ્પતી ન્યાર; તે ઉગતાં દેખી મુજ, સમશે કામ શોક બેટી અનિવાર

બેટા જા હવે સુખે, તારો રસ્તો કલ્યાણકારી થજો. [એટલે શકુંતલા પિતાના સાથીઓ સહિત ચાલવા માંડે છે.]

બેઉ સખી––(શકુંતલા તરફ નજર કરીને) અરે રે ! અમારી પ્રિય સખી શકુંતલા ગઈ. જો પેલી ચાલી જાય છે. હવે તો વનરાઈમાં દેખાતીએ નથી.

કણ્વ––-(નિસાસો નાંખીને) અનસૂયા, તમારી સહધર્મચારિણી સખી અને મારી લાડકી શકુંતલા, ગઈ? હવે શોક કરશો નહિ. મારી સાથે આશ્રમમાં ચાલો.

બેઉ સખી––દાદા શકુંતલા વગરનું આ તપોવન કેવળ સૂનું સૂનું લાગે છે. તેમાં જઈએ પણ શું?

કણ્વ––ઘણો સ્નેહ હતો તેથી તમને લાગે, તે ખરું છે. (વિચારીને ) દીકરા, વિયોગનું દુઃખ તો ખરું જ, પણ એક ઠીક થયું કે શકુંતલાને સાસરે વળાવી દીધાથી હું સ્વસ્થ થયો, મારા ઉપરનો બોજ ઉતર્યો; કેમ તો કે,

(દોહરા) પુત્રી તો ધન પારકું, રાખ્યું સાચવી હોય, દેવું પાછું તેહને, ધણી હોય જે કોય; દઈ થાપણ જાણે હવે, થયો શાંત મનસાથ, નિરાંત નિદ્રા થશે, મટ્યો મુજ ઉચાટ.

[એમ કહીને સર્વ જાય છે.]


(દલપતરામ પ્રાણજીવન ખખ્ખર, જે. પી.નો જન્મ ઈ. સ. ૧૮૩૭ (વિક્રમ સંવત ૧૮૯૩)માં બ્રહ્મક્ષત્રિયની જ્ઞાતિમાં થયો હતો અને અવસાન ઈ.સ. ૧૯૦રમાં થયું હતું. તેઓ કચ્છના રાવશ્રીના વિદ્યાગુરુ અને એજ્યુકેશનલ ઈન્સ્પેકટર હતા. તેમણે બુદ્ધિવર્ધક માસિકના તંત્રી તરીકે પણ કાર્ય કર્યુ હતું. કવિ કાલિદાસ કૃત અભિજ્ઞાન શાકુંતલમ્ નાટકનું ભાષાંતર તેમણે ઘણું સારું કરેલું છે અને તેમના વખતમાં તે ઘણું વખણાયું હતું.)
 [પાછળ]     [ટોચ]