[પાછળ] 

કર્મયોગી
ભિક્ષુ અખંડાનંદ


લેખકઃ મનુ સુબેદાર

(ગુજરાતી ભાષામાં પુસ્તક પ્રકાશનની પ્રવૃતિને એક નવી જ દિશામાં લઈ જવા માટે જીવનભર ઝઝૂમતા રહેલા સ્વામી અખંડાનંદના ઈ.સ. ૧૯૪૨માં દેહત્યાગ પછી તેમની સ્મ઼઼ૃતિને પ્રજ્વલિત રાખવા માટે ઈ.સ. ૧૯૪૬થી અખંડ આનંદ સામાયિકનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ઈ.સ. ૧૯૪૭માં પ્રગટ થયેલા સ્મૃતિ-ગ્રંથ ‘ભિક્ષુ અખંડાનંદ’ની પ્રસ્તાવનામાં શ્રી મનુ સુબેદારે આ નિવેદન લખી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.)

ને ૧૯૦૬માં, અમૃતલાલ પઢિયારની, દાદર પાસે ગટર ઉપરની બારીવાળી, હનુમાનગલીની ઓરડીમાં, સ્વામી અખંડાનંદજીનો મારી સાથે પ્રથમ મેળાપ થયો હતો. તેઓ શરીરે સ્થૂલ અને આનંદી હોઈ ખોરાકમાં મજા લેતા હતાઃ એ પહેલાંનાં સંસ્મરણો તાજા થાય છે. ત્યાર પછી લોકોના હિત માટે ધાર્મિક પુસ્તકો સસ્તાં મળવા જોઈએ, એવો એમનો આગ્રહ દેખાયો. આ કાર્ય કેમ થાય તેની યુક્તિઓ અને યોજનાઓ તેઓ વિચારતા હતા, તેમાં મને તેમણે ભેળવ્યો. એક નાનું મંડળ કરવાની તેમની ઇચ્છા હતી તેમાં સૌથી યુવાન અને બિનઅનુભવી વિદ્યાર્થી એવા - મને સ્થાન આપવાનો વિચાર તેમણે રાખ્યો. પાછળથી આ વિચાર પડતો મુકાયો તેથી હું રાજી થયો હતો.

પણ સ્વામીજીની મારા ઉપર નજર હતી એ તો ચોક્કસ છે; કારણ હું ત્યાર પછી ત્રણ વર્ષે વધુ અભ્યાસ માટે ઈગ્લેંડ ગયો, ત્યારે કોઈ મિત્રને પત્રમાં મારે માટે પક્ષપાતભર્યા શબ્દ તેમણે લખેલા. આજની સ્થિતિ જોતાં ભવિતવ્યતાના સૂક્ષ્મ તાંતણાઓ કેમ વિંટળાયા છે તેનો ખ્યાલ આવે છે. ગોખલેની સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાઈ દેશની સેવામાં આખો સમય આપવો, એવા મારા વિચારો તેમને તે વખતે સમજાયા હતા. જો સને ૧૯૧૫માં ગોખલેનું અકાળે મૃત્યુ થયું ન હોત તો હું અભ્યાસમાં થયેલું દેણું ચૂકવીને તે સંસ્થામાં બે-ચાર વર્ષે ગોઠવાઈ ગયો હોત.

પઢિયારનું “સ્વર્ગનું વિમાન” છપાવવામાં મારા કાકા છોટાલાલ, જેમની સ્થિતિ સામાન્ય હતી, તેમણે મદદ કરી હતી. તેમનો અને પઢિયારનો મારા ઉપર પક્ષપાત અને સ્નેહ હતો. મારા કરતાં મોટા અને જેમની પાસે કાંઈક શીખી જાણી શકું તેવાઓની સોબત મને ગમતી હતી. પઢિયાર ‘પ્રેમ, પ્રેમ અને પ્રેમ’ એ પુસ્તક લખી રહ્યા હતા. તેમની પાસેથી લઈ ડાન્ટે અને બિએટ્રીસનું અદ્‌ભુત પ્રેમ દર્શાવનારું પુસ્તક મેં વાંચ્યું હતું. પઢિયારનો સામાજિક અને બીજા અનેક વિષયોનો શોખ વિશાળ હતો. સ્વામીજીને જો કે મુખ્યત્વે ભક્તિ અને ધર્મની ચર્ચા વધુ પસંદ હતી, પણ સમાજ સુધારણા માટે તેમનો આગ્રહ ઓછો ન હતો.

પઢિયાર જે મકાનમાં રહેતા તે ઘરના શેઠ કરસનદાસ લોભી પણ ઘણી ઊંચી વૃત્તિના સદ્દગૃહસ્થ હતા. તેમને સારે રસ્તે દોરીને તેમના ધનનો સદ્‌વ્યય કરાવવાની સ્વામીજીની ઈચ્છા હતી; તે તેમણે લખેલા કેટલાંક પત્રો જોતાં જણાય છે. નાથીબાઈએ એકાદશ સ્કંધ માટે મદદ કરી, તેથી અમારી છાવણીમાં ઘણો આનંદ થયો, પણ મને અંદરથી અસંતોષ રહ્યા કરતો હતો. મને શ્રીમંતો પ્રત્યે ઘૃણા હતી. માળો, વાડી, બંગલા, મીલો વગેરે ધરાવતા ધનવાનો ઘણી રીતે સમાજને અન્યાય કરી રહેલા છે એમ મને લાગતું. સમાજ તેમને માન આપતો પણ તેમના સંસ્કારો અને આચારમાં કાંઈ નવીન નહોતું. શાળામાં તવંગરના બાળકો પછાત રહેતા તે હું જોતો હતો. તેઓને ખાવાપીવાનું મળતું, એટલું જ નહિ પણ જ્યારે હું બપોરની રજામાં માત્ર પાણી પી લેતો, ત્યારે તેમની પાસે બે-ચાર આના (તે વખતે પૈસા) ખર્ચવા માટે રહેતા, તેની અદેખાઈથી પણ મારો આ ખ્યાલ બંધાય હોય એવો પણ સંભવ છે.

પરદેશી સરકાર ધનિકોને અને ધર્મગુરુઓને સાથે રાખી લોકોને દબાવે છે, એ વિચાર મને આવેલો; એટલું જ નહિ પણ અમારામાં ચર્ચાયેલો પણ ખરો. સ્વામીજીને ધનિકોની સુધારણા કરવાની ઈચ્છા રહેતી અને લાંબા સમય સુધી રહેલી, કારણ કે પરદેશી સત્તા જવાથી લોકોને જે જોઈએ છે, તે પ્રજાસત્તા થતાં લોકોના જ પ્રધાનો તેમની ઈચ્છા પ્રમાણે પૂરું પાડશે એ ખ્યાલ તેમને આવેલો નહોતો.

‘શ્રીમંતોનો સડો’ એ પુસ્તક આ સંસ્થાએ છપાવ્યું, ત્યારે લેડી વિદ્યાબહેને રીવ્યુમાં ટકોર કરી, કે સસ્તું સાહિત્ય શા માટે શ્રીમંતો પ્રત્યે કટાક્ષ અને રોષ દર્શાવનારું પુસ્તક છપાવે છે. પણ એ કવિતા અને ગમી હતી, કારણ કે ચાલીસ વર્ષ ઉપર અમારા નાના અને કંગાળ મંડળમાં આ બધી વાતો રસથી ચર્ચાઈ હતી.

મને વિધાતાએ સને ૧૯૧૯થી ૧૯૨૧માં ઘણો પૈસો આપ્યો અને પછી બધો પાછો લઈ લીધો, વળી એક વાર ફરીથી ઈશ્વરે મને ઘણું ધન આપ્યું અને એ દ્વારા મારામાં રહેલી દરેક તીવ્ર લાગણી અને વાસનાને મારી નાખવા માટે વિધાતાએ સાધન પૂરું પાડ્યું છે એમ જ હું માનું છું. ગાંધીજીએ ‘ટ્રસ્ટી’ તરીકે વર્તવાની ધનિકોને ભલામણ કરી છે તે મને તો રુચે છે, પણ તે સામાન્ય રીતે બધા અથવા ઘણા ધનિકો માને એમ લાગતું નથી.

સમાજસુધારણા માટે ‘ધર્મ’ અને ‘ફરજ’’ની ભાવના કેટલી હદ સુધી કામ કરે તે વિચારવાનું છે. મોટો કરવેરો અને મધ્યસ્થ વેપારીઓ માટે પૈસા કમાવાની તક સંકુચિત કરવી એ ઉપાયો અત્યંત જરૂરી લાગે છે. ધનિકોને ઈશ્વર સારી બુદ્ધિ આપે એવી સ્વામીજીની ભલી ઈચ્છા હંમેશ રહેલી હતી. સુકર્મથી જ શ્રીમંત થવાય છે અને તેમાં મળેલી તક ગુમાવતાં લક્ષ્મી ચાલી જાય એટલું જ નહિ, પણ મનુષ્યજન્મ પણ ફરી ન મળે એ ભારતની જૂની ભાવના હવે ભલે શિથિલ થતી જાય, પણ તે ખોટી નથી.

યુરોપથી પાછો ફરીને હું કલકત્તામાં રહેલો અને ત્યાંથી મુંબઈ રહેવાનું થતાં સ્વ. પઢિયાર મારે ત્યાં જ રહેતા, મારે ત્યાં જ વીસ કલાકની માંદગીમાં સર્વ પ્રકારની ડાકટર-નર્સની સહાય છતાં કોલેરાએ તેમનો ભોગ લીધો. હવે પુસ્તકોમાં પૈસા ન મળે તો પણ તમારે આજીવિકા માટે મુંઝાવું નહિ એવી મારી સહૃદયી દલીલથી તેમના છેલ્લા થોડા મહિનાઓ ઘણા જ આનંદ અને સંતોષમાં ગયા હતા. આ અરસામાં સ્વામીજી બે-ચાર વખત મારે ત્યાં આવેલા. બે સૂક્ષ્મ પ્રસંગો યાદ આવે છે. આદાનો મુરબ્બો (પ્રીઝર્વ્ડ જીન્જર) તેમણે જોયેલો નહિ, પણ ખાધા પછી તેમણે કહેલું કે આદા જેવી તીખી વસ્તુ પણ સાકરના સહવાસથી પોતાનો સ્વભાવ બદલે છે. માણસ ધારે તો સત્સંગથી પોતાના સ્વભાવના હરેક દોષને કેમ ઓછો ન કરી શકે?

યુરોપથી એક ઘણો ગરમ ઝબ્બો (ડ્રેસિંગ ગાઉન) હું લાવેલો હતો. સ્વામીજી હિમાલયની મુસાફરીએ જવાના હતા ત્યાં તે ઘણો કામ લાગશે એમ કહીને તેમણે મારી પાસેથી સ્વીકાર્યો હતું. આ પ્રસંગની યાદ બાવીસ વર્ષ પછી તેઓ ફરી મારે ત્યાં વાંદરાના મકાને આવ્યા ત્યારે મને આવતાં તેમને કાશ્મીરથી આવેલો પશમીનાની ખાદીનો એક એવો જ (પણ વજનમાં હલકો) ઝબ્બો લેવા મેં આગ્રહ કર્યો. કંઈક આનાકાની સાથે તે તેમણે લીધો હતો. જીભના રસને લીધે તેમણે માંદગીઓ ભેગવી અને પેટની વ્યાધિ વહેરી લીધી હતી, તેનું તેમને ભાન હતું. સને ૧૯૪૧માં મારે ઘેર જવા અમે નીકળ્યા, ત્યારે ચોપાટી ઉપર ગાડી ઊભી રાખી ફાલુદાના ત્રણ ગ્લાસ તેમણે લીધા હતા, મારે ત્યાં કંઈક ખાવાનું હતું તેમાંથી બહુ થોડું લીધું, પણ ઘરમાં શું છે તેની તપાસ કરીને કેસર અને કસ્તૂરી તેમણે એટલા મોટા પ્રમાણમાં ખાધાં કે મને તેમની તબિયત માટે ફિકર થઈ. તેમણે મને ઈશારાથી ફિકર ન કરવાનું કહ્યું. આજે મને સંમજાય છે, કે મહેતાજી સોટી લઈને છોકરાને શિખવાડે તેમ તેઓ આત્મભાવનામાં સ્થિર થયેલા હોઈ શરીરને ‘दुष्पुरेण अनलेन च’ એટલે ગમે તેટલું નાખો તો પણ અધૂરું જ છે એ પાઠ શીખવતા હતા. જ્ઞાનેશ્વર મહારાજે એક ઠેકાણે શરીરને ઉદેશી કહ્યું છે, કે ‘‘આટલાં વર્ષો સુધી ઘણી મહેનત કરીને તેને ઘણું જ ખવરાવ્યું. હવે ફક્ત નિર્વાહ પૂરતું જ મલશે, કારણ કે નાશવંતને નાશવંત જેટલું અપાય તેટલું ઓછું જ પડવાનું.” અવિનાશી આત્માનો અનુભવ થયા પછી જ્ઞાનીઓને દેહની કડાકૂટ કરવાની ફુરસદ કે વૃત્તિ નથી રહેતી. પાકેલા બોરની વાસના રહી જવાથી મોક્ષ ચૂકી ગયેલા એક સાધુની વાત મને યાદ આવે છે અને “હરિનો મારગ છે શૂરાનો” એ રીતે સતત, જરા ય ચૂક્યા વગર કામ્ય કર્મોનો સંન્યાસ” કરવાનો છે એમ સ્વામીજીના વર્તનમાં મને દેખાયું.

લગભગ વીસ વર્ષના ગાળામાં મને ‘વિવિધ ગ્રંથમાળા’નાં પુસ્તકો મોકલાયાં કરાતાં હતાં. જ્યારે યાદ આવે ત્યારે તેનું લવાજમ હું મોકલતો. પણ એક-બે વાર સ્વામીજીના અંગત ઉપયોગ માટે રૂા. ૧૦૦ મેકલેલા, તે તેમણે એક વખત રાખ્યા અને બીજી વખત પાછા મોકલી દીધા હતા. સને ૧૯૪૩માં અમદાવાદના મિલમાલિક અને મજૂર વચ્ચેના ઝઘડામાં મજૂરો તરફથી ગાંધીજી પંચમાં નિમાયા હતા, પણ તેમની તબિયત સારી ન હોવાથી બેંગલોરમાં તેઓ હતા. માલિકોનો તકાદો જલદી ચુકાદો મેળવવાનો હોવાથી પંચમાં ગાંધીજીને બદલે કોઈ બીજાને નીમવાની તેમણે માગણી કરી, એટલે ગાંધીજીએ મને તે જગ્યા ઉપર મૂક્યો. એટલે મારે અમદાવાદ જવું પડ્યું. ત્યારે સ્વામીજીની તબિયત ખરાબ છે એમ સાંભળવાનું મળતાં તેઓ શહેરથી ચાર માઈલ દૂર એક મંદિર પાસે રહેતા હતા ત્યાં હું તેમને મળવા ગયો.

આ પ્રસંગે સ્વામીજીની ઉચ્ચ મનોવૃત્તિ અને ભૂમિકાનો સચોટ પુરાવો મને મળ્યો હતો. ‘મુસ્લિમ મહાત્મા’ પુસ્તક સ્વામીજીને અત્યંત પસંદ હતું અને તેમાંથી તેઓ થોડું હંમેશ વાંચતા. તેમાં એક ઓલિયા સંતે એમ કહ્યું છે, કે જ્યાં તારી પ્રતિષ્ઠા હતી, ત્યાં જ તારું અપમાન થાય એવી રીતે વર્તવાથી ઈશ્વરને મળવાનો રસ્તો સુલભ થઈ જશે. સ્વામીજીએ પોતાના જીવનમાં થયેલી એક મોટી ભૂલ અને તેનાં પરિણામો મને કહી દેખાડ્યાં. પોતાને “ખરાબ” ભિક્ષુ અખંડાનંદ કહેવડાવવાનું પણ આવું જ પ્રયોજન હશે. સૂરદાસનું ‘મો સમ કૌન કુટીલ ખલ કામી?’ એ ભજન સ્વામીજીનું અત્યંત માનીતું હતું, એમ મને પછીનાં વર્ષોમાં જણાયું. તેમાંની દીનતા એ મોટા ભક્તોમાં હંમેશાં તરી આવતી લાગણી છે. સંત તુકારામ પણ કહે છે, કે “ક્યાં હું પામર, અને ક્યાં તમારી મોટપ? પણ દીનવત્સલ એવું તમારું બિરદ તમારે પાળવાનું છે!” ‘હું જેવો તેવો પણ તારો’ એમ એક કાઠિયાવાડી કવિએ કહ્યું છે. માનહાનિ એ અધ્યાત્મ પ્રગતિમાં અગત્યનું પગથિયું હશે એમ હું માનું છું. લોકેષણા–જનસમાજમાં પ્રતિષ્ઠાની ઈચ્છા એ યોગીઓના માર્ગમાં સૌથી છેલ્લી આડખીલી છે. સંસાર અને ઈશ્વર (પરમાર્થ) બેમાંથી એક જ પસંદ કરવાનું હોઈને સાધક દશામાં થયેલી ભૂલો જગત પાસે ખુલ્લી મૂકવામાં સાધકને કઈક અજબ બળ મળતું લાગે છે, કારણ કે બીજા ભક્તોએ પણ આમ કર્યું છે એ વાત જાણીતી છે.

ત્યાર પછીનો પ્રસંગ સ્વામીજી ઉપર રાજદ્રોહનો ખટલો ઊભા થવા સંબંધીનો છે. તે વખતે સ્વામીજીએ ઘણે વર્ષે મને યાદ કર્યો અને મારી સલાહ લેવામાં આવી. હું મુંબઈ સરકારના ગૃહખાતાના સેક્રેટરીને મળી આવ્યો. મેં તેમને કહ્યું, કે જે સંસ્થા પાંત્રીસ વર્ષથી ચાલે છે અને રાજકીય વિષયથી અળગી રહી છે, તેને હાથે જાણીને તો આવી વાત બને નહિ, પણ બહાર પડેલું પુસ્તક ઉશ્કેરણી કરનારું હતું એમાં શક નથી. મૂળ પુસ્તક હિંદીમાં સને ૧૯૨૧માં છપાયેલું અને તેનું ભાષાંતર ‘પડ્યું હશે એટલે વાપરી લેવું’ એવી રીતે તે છપાયું. મેં જણાવ્યું કે ગુજરાતમાં ગાંધીજીની પછી જે દરેક ઘરમાં જેનું નામ જાહેર છે, એવી કોઈ વ્યક્તિ હોય, તે તે ભિક્ષુ અખંડાનંદ છે અને અમારા જેવા તેમના કેસને બચાવ કરવાના કાર્ય માટે ખર્ચ કરવામાં જરા પણ પાછું વળી જશે નહિ. એક સદીમાં ન થઈ હોય તેવી ‘કોઝ સેલેબ્રે’ એટલે બહુ મોટી અને જગવિખ્યાત બીના આ બની જશે, માટે કેસ પાછો ખેંચી લેવો. પબ્લિક પ્રોસિક્યુટરે તો સ્વામીજી તરફના માનને લીધે “આ કેસ નહિ હું નહિ ચલાવી શકું’ એવું લખ્યું હતું જ. મારી તરફથી આ વાત સાંભળી મી. સ્મિથ, જેઓ હોમ સેક્રેટરી હતા, તેમણે કેસ પાછો ખેંચવાનો હુકમ આપ્યો.

મુંબઈ ઈલાકામાં પચીસ-ત્રીસ વર્ષના ગાળામાં ન બનેલી એવી આ વ્યવસ્થા થઈ, એટલે હું તે તેમાં સ્વામીજીનાં સત્ અને યોગબળને જ કારણભૂત માનું છું. લડાઈ અને ત્યાર પછી સંસ્થા માટે પડેલી મુશ્કેલીઓ ટાળવા વખતે ઘણું મુશ્કેલ અને ન ધારેલું કામ તુરત થઈ જતું, ત્યારે મારા મનમાં એ જ વિચાર ઊપજતો. સંસ્થાનું કાર્ય સારું ચાલે છે એમ જ્યારે બહારના લોકો કહે છે, ત્યારે હું એમ જ કહું છું, (કારણ કે હું એમ જ માનું છું) કે તે સ્વામીજીએ ઉભા કરેલા યજ્ઞને લીધે અને તેમના તપોબળના ચાલુ રહેલા પ્રકાશને લીધે જ છે.

આ પછી તેમણે મને સંસ્થા માટે જે ‘વીલ' બનાવ્યું હતું તેના ટ્રસ્ટી થવાનું કહ્યું. વીલને બદલે ટ્રસ્ટ કરો એવી મારી સલાહ (પ્રથમ થોડી આનાકાની સાથે) તેમણે માન્ય રાખી. પછીનો પ્રસંગ તેમના જીવનની ઉદારતા અને મહત્તા બતાવનારો હોવાથી અહીં તે કહી દેવાની મરજી થાય છે. તેમણે આ સંસ્થા આટોપી લેવાનો નિર્ણય કર્યો હતો, એટલે બધાં પુસ્તક છાપી અરધી કિંમતે લોકોને આપી દઈને સંસ્થા બંધ કરી દેવી એવી એમની ભાવના હતી. જે તેમના અવસાન પછી કંઈ રહી ગયું હોય, તે કામ ટ્રસ્ટીઓએ પૂરું કરવું (રહેતું હતું). મેં તેમને કહ્યું કે તમે કહેશો તે આ રીતે હું ટ્રસ્ટી થઈશ પણ સારું કાર્ય તોડી પાડવા માટે મને કેમ જોડો છે? ત્યારે તેમણે પોતે કરેલી યોગ્ય માણસ માટેની શેાધ અને તેનું નિરાશાજનક પરિણામ વગેરે મને કહ્યાં. વીલની અંદર એક એવી શરત હતી, કે જો ટ્રસ્ટીઓ લાખ રૂપિયા ભેગા કરી લાવે, તો તેઓ સંસ્થા ચાલુ રાખે. આ શરતનો ઈશારો કરીને મેં પૂછયું કે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શા માટે સંસ્થા ચાલુ ન રાખે? એટલે તેમણે વિચાર કરવાનો વખત માગ્યો. બીજે દિવસે તેમણે કહ્યું, કે ટ્રસ્ટીઓ લાખ રૂપિયા ક્યાંથી લાવશે? ત્યારે મેં તેમને કહ્યું, કે હું લાખ રૂપિયા આ કામ માટે આપું, તો તે આપ ચાલુ રાખવાની રજા આપો કે નહિ? એ સાંભળી સ્વામીજી ઘણા રાજી થયેલા દેખાયા અને પછી તો ટ્રસ્ટમાં સંસ્થા બંધ કરવી કે ચાલુ રાખવી એ વાત ટ્રસ્ટીઓ ઉપર છોડી દીધી.

પણ આ પ્રકરણ ત્યાં પૂરું ન થયું. ટ્રસ્ટ થયા પછી એક જ મિટિંગ અમદાવાદમાં થયેલી, તે મિટિંગમાં મને બોલાવનારા તા. ૧૦–૧૦-૪૧ના પત્રનો કેટલોક ભાગ આ લેખમાં આપ્યો છે તે કેટલીક વાત સ્પષ્ટ કરશે. મિટિંગ પછી સ્વામીજી ખુશમિજાજમાં હતા. પોતે પાંચ જ ચોપડી ભણેલા અને વિદ્વાન ન હોઈને માત્ર પરમાર્થની તીવ્ર ભાવનાથી જ આટલું કાર્ય કરી શક્યા છે, વગેરે વાતો બધા ટ્રસ્ટીઓને કહી. કોઈ પણ રીતે ખાતું ચાલુ રહેશે એવો ભરોસો તેમને થતો હોય એમ દેખાયું. ત્યાર પછી મને રોકીને કંઈક કહ્યું, પણ તે મને સમજાયું નહિ. (આ વખતે પક્ષાઘાતથી તેમને બોલવામાં બહુ અડચણ પડતી હતી અને માત્ર ભાઈ ત્રિભુવનદાસ જ તેઓ શું કહેવા માગે છે તે સમજતા. ભાઈ ત્રિભુવનદાસે સમજણ આપી અને સ્વામીજીએ ડોકું ધુણાવી તે સમજણ બરાબર છે એમ જણાવ્યું. ‘મુંબઈમાં આપણે જે વાત થઈ હતી અને લાખ રૂપિયા સંબધે જે કબૂલાત તમારી પાસેથી મેં લીધી હતી, તેમાંથી હું તમને મુક્ત કરું છું.’ મેં જવાબ આપ્યોઃ “આપ છૂટા છો અને હું બંધાયોલો છું. હું મારી મરજીથી જે કરું તેમાં આપને વાંધો હોવો જોઈએ નહિ.”

ટૂંકમાં ઘણાં વર્ષો સુધી પરમાર્થનાં કાર્ય માટે પણ નાણાંની આકરી તંગી ભોગવનાર સ્વામીજીએ જ્યારે આવી ધનની સહાયની વાત પહેલાં સાંભળી, ત્યારે તેઓ રાજી થયા; પણ પછી બારીક આત્મનિરીક્ષણ કરતાં ‘રાજી થવું’ અને ‘નારાજ થવું’ એ બન્ને ન જોઈએ એમ તેમને લાગ્યું હોવું જોઈએ. સારું કામ ચાલુ રહે એવી મારી ભાવના હતી અને અમુક શરત હોય તો જ સંસ્થા ચાલુ રાખવાની રજા તેઓ આપે એમ હતું. આ સંજોગોમાં આ શરત તેમણે મારા ઉપર થોડી પણ બળજબરીથી તે નથી નાખી, એવી સૂક્ષ્મ વિચારણાથી જ, તેમણે મોટી ઉદારતાથી આ શરતમાંથી મને મુક્ત કર્યો. પોતાથી બીજા ઉપર જરા પણ દુરાગ્રહ તો નથી થતો ને? એ ચિંતા તો સિદ્ધ સંતને જ હોય! લોટસ ટ્રસ્ટમાંથી આ લાખ રૂપિયા ‘સસ્તું સાહિત્ય’ને મળી ગયા છે.

ત્યાર પછી ઘણા જ વહાલથી તેઓ મને પોતાની બેસવાની અને કામ કરવાની ઓરડીમાં લઈ ગયા. ત્યાં દીવાલ ઉપર થોડાં મુદ્રાલેખો અને થોડાં ચિત્રો હતાં, તે તેમણે મને દેખાડ્યાં. આમાં કૃષ્ણના એક ચિત્રમાં કંઈક વિકૃતિ મને દેખાઈ. હું કંઈ જ બોલ્યો ન હતો પણ મારા સામું જોઈને હસીને જે વિકૃતિ મને દેખાઈ હતી તે જ તેઓએ કહી! ટૂંકમાં મારા મનનો આ વિચાર તેમણે આબેહૂબ પારખ્યો અને બીજા કેટલાક વિચાર પણ તેમણે જરૂર જાણ્યા હશે. તેમની યોગસિદ્ધિઓ અને તેમના તપોબળની બીજી પ્રતીતિઓ પણ મને મળી છે.

નડિયાદથી રોજ અમદાવાદ આવતા, ત્રણ ત્રણ દરદોએ પીડાતા અને બીજું કોઈ હોય તે કોઈ પણ જાતની મહેનત ન લે તેવી સ્થિતિમાં તેઓ પોતાના કાર્યમાંથી ચૂક્યા નહિ. એક ગૃહસ્થ તેમને પિછાનતો, પણ વાતનો પ્રસંગ નહિ પડેલો. તેના ડબામાં સ્વામીજી આવ્યા, ત્યારે આ ભાઈ રાજી થયા કે આજે વાતે કરશું; પણ સ્વામીજીએ તે પ્રૂફો અને પેન્સીલ કાઢીને કામ શરૂ કર્યું, તે અમદાવાદ ગાડી ઊભી ત્યારે બંધ થયું. ત્યારે આ ગૃહસ્થે કહ્યું: “સ્વામીજી, આપની તબિયત સારી નથી અને આટલું કષ્ટ થાય છે, તોયે તમે આટલો શ્રમ શા માટે લો છો ? સ્વામીજીએ જવાબ આપ્યોઃ “જો મારું કામ હોય તે છોડી દઉં, પણ ઈશ્વરનું કામ છે એટલે અધૂરું મૂકી શકતો નથી.” ‘હું અને મારું’ એ વાત કાઢી નાંખીને, અહંકાર ઓછો કરીને કાર્યો થાય તો યોગ અને સંન્યાસ એ બને સફળ થયા કહેવાય છે, તેનું જ આ રૂપક છે.

તેમના અવસાન પછી દોઢેક વર્ષે એક વખત પૂર્ણ તેજમાં અને પૂર્ણ આનંદમાં મેં તેમને સ્વપ્નમાં જોયા. જગતમાં સ્થૂળ સાંધાઓ અને બંધનો દેખાય છે–સમજાય છે, પણ અનેક વધુ બળવાન સૂક્ષ્મ સાંકળો કોને ક્યાં દોરી જાય છે તે નથી સમજાતું. મને આધ્યાત્મિક વિષયોના વાંચનનો શોખ હતો, પણ સ્વામીજી (પ્રથમ દેખાતો હતો તેમ) બોજો માથે નાખી ગયા એટલે આ વિષયનું એટલું બધું વાંચવું પડ્યું, કે જાણે પ્રેશર પમ્પથી (સાઈકલ અને મોટરના ટાયરમાં હવા ભરાય છે તેમ) આ વિચારો મારા મનમાં ન નંખાતા હોય! પણ એ બોજો નહિ પણ ઉપકૃતિ છે એમ આજે સમજાય છે. જે અધૂરું હતું તે જ પૂરું કરવાની વિધાતાએ મને તક આપી હોય એમ લાગે છે, જે સમજાતું ન હતું તે જ સમજવાનો મોકો મળ્યો. મહાત્માઓના સંસર્ગમાં આવતા બધાને (તેઓ જીરવી શકે તેટલો) કંઈક ને કંઈક લાભ તો જરૂર થાય છે. તેમની એક મીઠી નજરથી કંઈક નબળાઈઓ ટળી જાય છે. સૂર્ય ઊગતાં, પ્રકાશથી જેમ માર્ગ સીધો દેખાય છે, તેમ સ્થિતપ્રજ્ઞ અને ગુણાતીત કર્મયોગી પોતાના (આધ્યાત્મિક) સમાગમમાં આવેલાઓ માટે પણ સર્વ શક્તિમાનનો અખૂટ ભંડાર, જ્યાંથી પોતે બળ મેળવતા હોય છે, ત્યાંથી થોડુંક બળ ફેંકતા જાય છે. પોતે જે જાણતા હોય તે બધું બીજાઓને જણાવી દેવું, પોતાની પાસે હોય તે બધું બીજાઓને આપી જવું, એવી જ તેમની ભાવના હોય છે. ગ્રહણ કરનારાની શક્તિ અને તૈયારી નથી હોતી એ જ અફસોસની વાત છે.

સ્વામીજીનું મનોબળ અગાધ હતું. તેમનામાં બીજાઓને જ્યાં હઠ અથવા ઉદ્ધતાઈ જેવું લાગતું, ત્યાં મને તો તેમનો આધ્યાત્મિક ક્રમ દેખાય છે. જે વસ્તુ જ્યારે તેમને દૌર્બલ્ય જેવી દેખાતી, ત્યારે તેની સામે કોઈ પણ ભોગે તેઓ ઊભા રહેતા. પરમાર્થ માટે ભેખ લેનારાનું વર્તન લોકસમૂહની નજરે સાંસારિક વિષયો ઉપર કોઈ વખત આપખૂદ અને એકતરફી દેખાય પણ ‘હરિનો મારગ છે શૂરાનો’ એ રીતે સમાજની નજરે ગમે તેવા દેખાય, પણ કાંઈક ચોક્કસ પ્રયુક્તિ અને પ્રથાથી જ સાધકો તો પોતાનો વિકાસ સાધે છે.

મહાત્માઓ બધો સમય બીજાના હિતમાં કાઢે છે તે શા માટે? સંકુચિત સંબંધો તેમને નથી હોતાં અને તેઓ ‘વસુધૈવ કુટુંબકમ’ બનાવે છે. ગીતામાં જે કાર્પણ્યદોષ કહ્યો છે, તેનાથી બચીને ઉપનિષદમાં કહેલ “ભૂમા” એટલે વિશાળ પ્રેમ તેઓ કેળવે છે. સમત્વ આવે તે પહેલાં દેહભાવ ઢીલો થઈ જવો જોઈએ, સ્વાર્થવૃત્તિ નાબૂદ થવી જોઈએ. કર્મમાં કૌશલ્ય અને છતાં તેનું ફળ બીજા ભોગવે એ ઈશ્વરઅર્થે ફલત્યાગ છે અને દરેક ઠેકાણે, દરેક વ્યક્તિમાં ઈશ્વરદર્શન કરવાનું પગથિયું છે. આ પ્રમાણે બધા સંતો આત્માનુભવ પછી પણ બાકીનો સમય ‘સર્વભૂતહિતે રતા:’ અર્થાત્ પ્રાણી માત્ર કેમ સુખી થાય અને તે સારે રસ્તે કેવી રીતે વધે તે બતાવવામાં જ ગાળે છે. અન્યનું હિત ચાહનારા બધા સંતો નથી હોતા; પણ બધા સંતો તો બીજું કાંઈ જ ન ઈચ્છતાં, જ્યાં હોય ત્યાં, જ્યાં જાય ત્યાં ‘બીજાઓ’નું જ સુખ શામાં છે તે જાણવાનો પ્રયાસ કર્યા કરે છે. બીજાઓમાં બ્રહ્મભાવ દેખાવો - પોતામાં બ્રહભાવ દેખાવો અને પછી ‘એક તત્ત્વ’ એક આત્માનું સતત ભાન થવું એ યોગનાં પગથિયાઓ છે. માટે જ સંતો ભગવદ્ ભક્તિમાં ન રોકાયલો તે સમય લોકહિતમાં ગાળે છે.

‘સસ્તું સાહિત્ય’ સંસ્થા સાથે મારો અને સ્વામીજીનો સંબંધ પહેલા અને છેલ્લા કેવા સંજોગોમાં ઊભો થયો અને તેમને માટે મને શું લાગ્યું અને તેમને મારે માટે શું લાગ્યું તે જણાવવાની જરૂર મને દેખાઈ. આ સંસ્થાની ઉત્પત્તિ અને હાલની સ્થિતિ વિષે ચોક્કસ જાણ લોકોને થાય તે જરૂરનું છે, કારણ કે આ સંસ્થા કોઈની માલિકીની નથી, પણ મહાગુજરાતના લોકોની જ છે. સ્વામીજીએ મારા ઉપર લખેલા છેલ્લા (૧૦-૧૦-'૪૧) પત્રમાંથી થોડો ઉતારો અહી આપું છું:

આપની ઐહિક ઉન્તતિ પછી અધ્યાત્મ સંપત્તિની ખોટ આપને ખેંચ્યા કરે છે, એ એક આપને માટે તે સદ્‌ભાગ્યની વાત છે. ઈશ્વરનો મહિમા અપાર છે. આ સંસ્થા સાથે આપનો સંબંધ જોડાય એવી તે સર્વેશ્વરની ઈચ્છા વિના ઓછું જ બને છે? આપની પાસેની રકમ હોય, તેમાંથી આપ પરમાર્થના કાર્યમાં વાપરી નાંખવા ઇચ્છો છો તે બહુ સારી વાત છે. એકઠા કરેલા ધનનો સદુપયોગ તો જેના ઉપર પરમકૃપાળુ પરમાત્માની દયા થઈ હોય તેને જ સૂઝે છે..... દીપક સળગતો રાખવા માટે તેલ-પાવરની જરૂર રહે છે, તેમ મનુષ્યને હૃદયમાં આધ્યાત્મિક જ્યોત સળગતી રાખવા માટે નિત્ય સ્વાધ્યાય બહુ જરૂરી છે. પરમહંસ જેવી સ્થિતિએ પહોંચનારની વાત જુદી છે. આપની એ દિશામાં પણ થોડી થોડી પ્રવૃત્તિ છે, એ જરૂર આપને લાભદાયી નીવડશે. ત્રષિમુનિઓએ તો સ્વાધ્યાય માટે બહુ ભાર મૂકેલો છે. આ સેવક પણ જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં સમય મળે, ત્યાં ત્યાં સ્વાધ્યાય થઈ શકે તે માટે પુસ્તકો નાના રૂપમાં બંધાવીને સાથે જ રાખે છે, જેથી નિરર્થક જતા સમયનો ઉપયોગ થઈ જવા સાથે ઈશ્વરભક્તિરૂપી આધ્યાત્મિક લાભ પણ મળ્યા કરે છે.

લાંબા પરિચય પછી પણ લોકો એકબીજાના બધા ગુણ-અવગુણ જાણી શકતા નથી, પણ ભિક્ષુ અખંડાનંદમાં કાર્યદક્ષતા, ચીવટ અને માથે લીધેલું કાર્ય ખંતથી પૂરું કરવું–એ ગુણો તે બધાને દેખાયા છે, એટલું જ નહિ પણ પરમાર્થનું જે ભારે મહાન કાર્ય તેઓ કરી ગયા, તેમાં પણ તે આલેખાઈ ગયા છે. હું તો તેમને મહાન ભક્ત અને જીવન્મુક્ત યોગી તરીકે ઓળખું છું. સમાજસેવાનો મોટો ભાર એ યોગીને મન તો રમત છે. તેનું ખરું ધ્યેય બીજું જ હોય છે, કે જ્યાં સર્વ સત્તા, સર્વ શક્તિ, સર્વ સુખ અને અખંડ આનંદ અવિરત રહેલાં છે.

(તા. ૧-૧૦-૧૯૪૭)
 [પાછળ]     [ટોચ]