[પાછળ]
મોરારીબાપુની નજરે હનુમાનજી
પ્રવચન-સાર: ડૉ. જગદીશ ત્રિવેદી


ને ઘણીવાર લોકો પૂછે છે કે અમારે હનુમાનનો સાક્ષાત્કાર કરવો હોય તો શું કરવું જોઈએ? મને આ પ્રકારનો પ્રશ્ન કરનાર જિજ્ઞાસુઓને મારે પ્રતિપ્રશ્ન કરવો છે કે ખરેખર હનુમાનજી હાથમાં ગદા લઈને પ્રગટ થાય તો આપણે એ દિવ્ય સ્વરૂપને નીરખી શકીએ ખરા? હનુમાનજી પ્રગટ થઇને આપણને કહે કે હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે તારે જે વરદાન જોઈએ તે માગી લે, પરંતુ એ કઈ ભાષામાં વાત કરશે એ કોને ખબર છે? હનુમાનજીની હયાતીનું પ્રમાણ ચારે ચાર યુગમાં મળે છે એટલે એ ગુજરાતીમાં જ વાત કરે એવું નક્કી નથી, છતાં માની લઈએ કે ભગવાન ખૂબ દયાળુ છે એટલે ભક્તને સમજાય એવી ભાષા જ બોલે તો પણ આપણે સાક્ષાત્ બજરંગબલીના તેજને ઝીલી શકીએ અને એમની સાથે વાત કરી શકીએ એવી શક્યતા જણાતી નથી.

મેં પ્રતિપ્રશ્ન કર્યો પણ જવાબ આપ્યો નથી, માટે હવે જવાબ આપું છું કે હનુમાનજીનો સાક્ષાત્કાર કરવા માટે શું કરવું જોઈએ, તો મારી સમજ પ્રમાણે એનો ઉકેલ એવો છે કે જે વ્યક્તિ પાસે નીચે મુજબનાં પાંચ તત્વ હશે એને હનુમાનજીનો સાક્ષાત્કાર થઈ ગયો છે એમ માનવું. પૃથ્વી, આકાશ, પવન, પાણી અને અગ્નિ નામનાં પાંચ તત્વના બનેલા મનુષ્યમાં બીજાં પાંચ તત્વ સેવા, સ્મરણ, સમજણ, સેતુ અને સરળતાનો મેળાપ થાય એટલે પવનપુત્રનો સાક્ષાત્કાર થયો ગણાય એવું કહેવામાં અતિશયોક્તિ નથી.

પ્રથમ તત્વ સેવા છે. જે માણસના જીવનમાં સેવાનો જન્મ થાય એટલે જાણવું કે હનુમંતતત્વને પામવાનું પ્રથમ કદમ ભરી ચૂક્યા છીએ. સેવા કરતાં પહેલાં સેવા શબ્દને સમજી લેવાની જરૂર છે. અત્યારે જેટલા લોકો માટે સેવક કે સેવિકા શબ્દ વપરાય છે તે લોકોએ સેવાની વ્યાખ્યાને સાચા અર્થમાં સમજી લેવાની જરૂર છે. પ્રેમ નિર્ગુણ છે, નિરાકાર છે, પ્રેમ નામના નિર્ગુણ અને નિરાકાર તત્વનું સગુણ અને સાકાર સ્વરૂપ સેવા છે, સેવાના કેન્દ્રમાં પ્રેમનું હોવું અનિવાર્ય છે. જે સેવાનાં કેન્દ્રમાં પૈસો, પદ કે પ્રતિષ્ઠાનું પ્રલોભન છે એ સેવા નથી પરંતુ સમજૂતી છે. યાદ રાખજો સ્વાર્થી સેવા ઈશ્વરના સાક્ષાત્કારનું પ્રથમ ચરણ બની શકતી નથી. સેવા એટલે માત્ર માણસની સેવા એવો સંકુચિત અર્થ કરશો નહીં, પશુની સેવા, પક્ષીની સેવા, વૃક્ષોની સેવા અને હું તો ત્યાં સુધી કહીશ કે માત્ર સજીવ નહીં પરંતુ નિર્જીવની પણ સેવા થવી જોઈએ. નદીના પાણીમાં ગંદકી ન ફેંકવી એ નદીની સેવા છે. હવામાં બિનજરૂરી પ્રદૂષણ ન ફેલાવવું એ વાયુની સેવા છે. અગ્નિનો સમજપૂર્વક અને માનવહિતમાં ઉપયોગ કરવો અને દુરુપયોગ ક્યારેય ન કરવો એ અગ્નિની સેવા છે. પાણી, વાયુ અને અગ્નિની સેવા થશે એટલે પૃથ્વી અને આકાશની સેવા આપોઆપ થઇ જશે. ટૂંકમાં વિશ્વની દરેક વ્યક્તિ અને વસ્તુમાં ઈશ્વરનું દર્શન કરવું એનું નામ સેવા છે.

ઈશ્વર આ સૃષ્ટિનો સર્જક છે માટે કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે વેર રાખવું એ સર્જકનું અપમાન છે માટે હનુમાનજીના સાક્ષાત્કાર માટે પ્રથમ અનિવાર્ય લક્ષણ સેવા છે. બીજું લક્ષણ સ્મરણ છે. સ્મરણ એટલે માત્ર ઈશ્વરનું નામ લેવું એવો અર્થ ન કરશો. જે ગુણ જગતમાં સત્ય છે જેવા કે પ્રામાણિકતા, પવિત્રતા, આસ્થા, સભ્યતા વગેરે ભૂલી ન જવાય તે માટે તેનું પણ સ્મરણ રહેવું જોઈએ. જીવનમાં પ્રામાણિકતા, પવિત્રતા ન હોય અને આખો દિવસ માળા ફેરવ્યા કરે તો એવું સ્મરણ ઈશ્વરનાં દર્શનનું બીજું કદમ બની શકતું નથી. જીવનમાં સેવા હોય પણ સ્મરણ ન હોય તો સેવા નિરર્થક છે. કોઈ આદમી ગરીબોની ખૂબ સેવા કરતો હોય પરંતુ સેવામાં વપરાતું ધન ચોરીનું હોય તો અહીં સેવા છે પણ પ્રામાણિકતાનું સ્મરણ નથી.

ત્રીજું લક્ષણ સમજણ છે. જ્ઞાન શબ્દ થોડો વજનદાર લાગે એટલે મેં જ્ઞાન બદલે સમજણ જેવો હળવો શબ્દ આપ્યો છે. હવે સવાલ એ થાય કે સમજણ એટલે શું? સમજણ શબ્દની સમજણ માટે એક ઉદાહરણ આપું છું. વરસો પહેલાં અમદાવાદમાં તોફાન થયું, તે સમયના પોલીસ અધિકારીએ કુનેહ વાપરીને તરત જ તોફાનને શાંત કર્યું. બીજા દિવસે અન્ય રાજ્યના પોલીસવડાનો ફોન આવ્યો કે તમે આટલું જલદી અને સફળતાપૂર્વક તોફાનને શાંત કરવા માટે શું કર્યું હતું? ત્યારે આપણા પોલીસવડાએ કહ્યું કે શહેરના ત્રણ મુખ્ય દરવાજા છે, એ ત્રણે દરવાજા ઉપર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો, ત્યાંથી આવતી અને જતી દરેક વ્યક્તિ યોગ્ય છે કે અયોગ્ય એની પાકી તપાસ કરવામાં આવી અને યોગ્ય લાગે એને જ પ્રવેશ કે નિકાસ મળશે એવો નિયમ કર્યો એટલે તોફાન તરત જ શાંત થઈ ગયું. આપણા શરીરરૂપી અમદાવાદના મુખ, આંખ અને કાન ત્રણ મુખ્ય દરવાજા છે. આ ત્રણ દરવાજા ઉપર કડક ચેકિંગ ગોઠવવાથી આખું શરીર શાંત થઈ જશે. ગાંધીજીના ત્રણ વાંદરા પણ આ ત્રણ દરવાજા તરફ જ સંકેત કરે છે. પહેલો વાનર કહે છે કે હું અસત્ય બોલીશ નહીં. બીજો વાનર કહે છે કે હું અસત્ય જોઈશ નહીં અને ત્રીજો વાનર કહે છે કે હું અસત્ય સાંભળીશ નહીં. એક કથામાં મેં કહ્યું કે ગાંધીજીના ત્રણ વાંદરામાં ચોથો વાનર ઉમેરવાની જરૂર છે જે પોતાના બન્ને હાથ પેટ ઉપર રાખીને એમ કહે કે હું હરામનું ખાઉ નહીં. આહાર શુદ્ધ હોય તો મન શુદ્ધ રહે અને મન શુદ્ધ હોય તો માનવીનાં વાણી-વર્તન અને વિચાર શુદ્ધ રહે અને સૌના વાણી-વર્તન અને વિચાર શુદ્ધ રહે તો આખું વિશ્વ શુદ્ધ રહે.

અહીં આહાર એટલે સાદા, શુદ્ધ, સાત્ત્વિક અને પવિત્ર ભોજનની વાત તો છે પરંતુ સાથે સાથે વિશાળ અર્થમાં લઈએ તો દરેક અંગના આહારની વાત કરવામાં આવી છે. કાન જે શુદ્ધ હોય એવા શબ્દોનો આહાર કરે, આંખ જે શુદ્ધ હોય એવાં દૃશ્યોનો આહાર કરે તો જગતભરની અશાંતિ અદૃશ્ય થઈ જાય. પ્રત્યેક ઈન્દ્રિય આદર્શ રીતે યથાયોગ્ય આહાર ગ્રહણ કરે તેનું નામ સમજણ છે. તેનું નામ જ્ઞાન છે જે હનુમંતપ્રાપ્તિનું તૃતીય સોપાન છે,

ત્યારબાદ ચોથું સોપાન સેતુ છે. જે રીતે સેવાના કેન્દ્રમાં પ્રેમ છે, સ્મરણના કેન્દ્રમાં સત્ય છે, સમજણમાં જ્ઞાન છુપાયેલું છે તેવી જ રીતે સેતુમાં કરુણા છુપાયેલી છે. સમાજમાં એક બાજુ અમીર છે તો બીજી બાજુ ગરીબ છે, બંને વચ્ચે સંપત્તિના તફાવતનો દરિયો છે. સમાજમાં એક બાજુ શિક્ષિત છે તો બીજી બાજુ અભણ છે. બંને વચ્ચે શિક્ષણના તફાવતનો દરિયો છે. સમાજમાં એક બાજુ હિંદુ છે તો બીજી બાજુ મુસ્લિમ છે, બંને વચ્ચે કોમના તફાવતનો દરિયો છે. સમાજમાં એક બાજુ સવર્ણ છે તો બીજી બાજુ પછાત છે, બંને વચ્ચે કુળના તફાવતનો દરિયો છે. સીતા નામની શાંતિ સુધી પહોંચવા માટે ભગવાન રામે રીંછ અને વાનરની સહાયથી ભારતથી લંકા સુધીનો સેતુ બાંઘ્યો હતો, જેની કથા છેલ્લાં પચાસ વરસથી કરું છું પરંતુ સમગ્ર વિશ્વને શાંતિરૂપી સીતા મળે તે માટે એક એવા સેતુની જરૂર છે જે અમીર અને ગરીબને જોડી શકે, જે શિક્ષિત અને અભણને જોડી શકે, જે હિંદુ અને મુસ્લિમને જોડી શકે, જે સવર્ણ અને પછાતને જોડી શકે, જો આવો સેતુ બાંધી શકાય તો સમજવું કે હનુમાન આપણી સાથે જ છે કારણ હનુમાનજીની સહાય વગર રામ પણ સેતુ બાંધી શક્યા નહોતા.

હનુમાનજીને પામવાનું પાંચમું અને છેલ્લું લક્ષણ સરળતા છે. સરળતાનો અર્થ નિરાભિમાની અથવા અહંકારશૂન્ય કરવાનો છે. એક વ્યક્તિએ મને એક સજ્જનની ઓળખાણ કરાવી અને કહ્યું કે આ વડીલને કરોડોની કમાણી છે અને પોતાની આવકનો દસમો ભાગ એ સત્કર્મમાં વાપરે છે. પેલો સજ્જન એટલો બધો સાદગીસભર હતો કે દેખાવ ઉપરથી કોઈને લાગે નહીં કે આ માણસને અબજોની આવક હશે, પરંતુ એમની ઓળખાણ પૂરી થઈ એટલે એમણે મને વિનમ્રતાથી કહ્યું કે આ ભાઈ મારા ખોટાં વખાણ કરે છે. હું મારી આવકનો દસમો ભાગ સત્કર્મમાં વાપરતો નથી પરંતુ ઈશ્વર કેવો દયાળુ છે કે એક ભાગ પોતે રાખે છે અને નવ ભાગ મને આપે છે.

આ સરળતા છે. માનવી પાસે પ્રેમસભર સેવા હોય, સત્યસભર સ્મરણ હોય, જ્ઞાનસભર સમજણ હોય, કરુણાસભર સેતુ હોય પરંતુ માણસ સરળ ન હોય અને અહંકારી હોય તો માત્ર એક કદમના અંતરથી તે હનુમાનજીનો સાક્ષાત્કાર ચૂકી જાય છે, માટે અભિમાનની સંપૂર્ણ બાદબાકી કરી સરળતા પ્રાપ્ત કરવી અત્યંત જરૂરી છે.

વિદ્વાન બ્રાહ્મણો કોઈ ધાર્મિક વિધિ કરાવે ત્યારે યજમાનને હાથમાં જળ લઇને સંકલ્પ કરાવે અને યજમાનના મુખે બોલાવે કે હું હનુમાન જયંતીના પાવનપર્વ પર આજથી જીવનમાં સેવા, સ્મરણ, સમજણ, સેતુ અને સરળતાનું નિર્માણ કરીશ. જે પંચમહાભૂતના શરીરમાં આ પાંચ વ્રત હશે ત્યાં હનુમંતતત્વનો સાક્ષાત્કાર અવશ્ય થશે એમાં શંકા નથી.
[પાછળ]     [ટોચ]