[પાછળ] |
![]() કારણ કે..... લેખકઃ ઇશા કુન્દનિકા કાપડિયા (સૌજન્ય: અપૂર્વ આશર અને www.e-shabd.com)
વિનાશ પામનારી સર્વ વસ્તુઓ
વચ્ચે જે અ-વિનાશી છે — તે ઈશ્વર છે. ઈશ્વર — એક અદીઠ તત્ત્વ. એને થોડો કોઈએ જોયો હોય? એ થોડો ઇન્દ્રિયગમ્ય છે? અને કોઈ પૂછે : ઈશ્વરમાં માનો છો? વારુ, આપણે વૃક્ષની પાસે જઈને પૂછીએ કે ભાઈ, બંધુ — તું છે? વૃક્ષ ડાળીઓ અને પર્ણો હલાવીને કહેશે — હા, છું. જોઈ લો, ખાતરી કરી લો તમારાં નેત્રો વડે. વૃક્ષના હોવાપણામાં માનવું પડે. પણ ચાંદની? ચાંદનીને તો જોઈ શકાતી નથી. એનાથી અજવાળાયેલી વસ્તુઓ જોઈ શકાય છે, પણ સ્વયં ચાંદનીને એક સ્વતંત્ર વસ્તુ તરીકે જોઈ શકાતી નથી. એનાથી વસ્તુઓ દૃશ્યમાન થાય છે, પણ એ પોતે દૃશ્યમાન નથી. તો ‘એ છે’, એમ શી રીતે કહી શકાય? એની પ્રતીતિ આપે છે એના પ્રકાશમાં ચમકી ઊઠતી વસ્તુઓ — પથ્થર, પાણી, પાંદડાં — જેના પર એ પથરાય તે સઘળું. એવું જ તો ઈશ્વરનું છે. એ અવ્યક્ત છે, અને છતાં વ્યક્ત છે, હજારો આકારોમાં, રૂપોમાં, સર્જનમાં, સૌન્દર્યમાં. અખિલ બ્રહ્માંડમાં જે ‘એક’ છે, તેણે ‘વિવિધ રચના કરી’— નરસિંહ મહેતાએ નથી કહ્યું? * * * એક સ્તરે બધું સરખું. બધાં વૃક્ષોને થડ, મૂળ, ડાળી, પાંદડાં.બધા માણસોને આંખ, કાન, નાક, હાથ, પગ. પણ વિગતે જુઓ તો વૈવિધ્ય અપાર. કોઈ બે માણસના ચહેરા શું એકસરખા જોવા મળે? કોઈ બે વૃક્ષ કે છોડનાં પાન પણ એક સરખાં ભાગ્યે જ જોવા મળે. જરાક અમથી કંઈક કારીગીરીથી લગરીક ફેરફાર કરીને, દરેક પાનને અલગ અસ્મિતા આપે. અજબ વાત છે ને! જેકેરેન્ડાનાં પાન ઝીણાં-અતિ ઝીણાં, અને સાગનાં પાન! કેળનાં ને હેલિકોનિયાનાં! ફૂલનું યે એવું જ તો! શીમળાનાં ફૂલ જાણે આખેઆખાં ખુલ્લાં થઈ આપણી સામે જોઈ રહે. ઘાસનાં ફૂલ સાવ નાનાં, શરમાળ ને સંતાઈને રહે, શોધવાં પડે એમને. અને એવડાં ઝીણાં ફૂલો પણ રંગોની કેટલી શોભા! વળી કોઈ વૃક્ષને ફૂલ અને ફળ બન્ને, કોઈને માત્ર ફૂલ અને કોઈને પાન સિવાય કશું નહીં. કોઈની ડાળીઓ પૃથ્વી ભણી નમેલી, કોઈ જમીનથી સમાંતર, કોઈ આકાશ ભણી પ્રણામની મુદ્રામાં. * * * રેતીના કણથી માંડી પર્વતો અને સાગરો, સૂર્ય અને જ્વાળામુખી, ખનિજો ને તારાઓ — કેટલું બધું! અને પૃથ્વી આ સઘળું લઈને, અબજો મનુષ્યો, અબજો મકાનો ને તોતિંગ પર્વતો, ચારે તરફ વીંટળાયેલા મહાસાગરો લઈને ભમરડાની જેમ દિવસ-રાત ફરી રહે. ન થાક, ન વિરામ. અને આપણે એની જરા સરખીયે ખબર પડે નહીંહું ને તમે શું આખી પૃથ્વીને ફરતી રાખી શકીએ? વળી પૃથ્વીના પિંડમાં ગુરુત્વાકર્ષણની પ્રચંડ શક્તિ શું મૂકી શકીએ? જમીન, હવા, ચાંદની ને સાગર સર્જી શકીએ? આપણે શું ફેક્ટરીમાં ફેફસાં બનાવી શકીએ? કારખાનાઓમાં આંખો બનાવીને રેટિના તથા મેક્યુલાની તકલીફવાળા લોકોને કહી શકીએ કે લો, આ નવી આંખ લઈ જાઓ, અને જૂની આંખ કાઢીને આને ત્યાં ગોઠવી દો. અરે, નિરંતર વૃદ્ધિ પામતાં રહેવાનો ગુણ ધરાવતો એક જીવંત વાળ પણ શું આપણે બનાવી શકીએ? આ બધું શી રીતે બન્યું હશે? કોણ હશે આ બધાંનો બનાવનાર? અરૂપી અનામી અદીઠ — કોણ? * * * શરીરનો જ વિચાર કરો ને? સાડાપાંચ-છ ફૂટની કાયાની અંદર કેટલી બધી બાબતો છે! પ્રાણદાયક અવયવો, નાડીઓ, નસો, અબજો કોશો અને આ બધાંની સંયુક્ત કામગીરી. ઉપરથી નીચે સુધીનું બધું સુગ્રથિત, સંકલિત. છેક છેવાડાની ટચૂકડી આંગળીમાં પણ એકાદ નાનો કાંટો વાગે તો છેક ટોચ પર સહસ્ર કમળમાં સ્થિત ચેતના કંપિત થઈ ઊઠે, ઉપાય માટે સંદેશા મોકલે.યથા પિંડે તથા બ્રહ્માંડે. બધું પૂર્ણ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું, ચોક્કસ અને અચૂક. તારાઓ, ગ્રહો, નિહારિકાઓ, ઋતુનું ચક્ર અને ન હોવા છતાં જે છે તે આકાશ; પ્રકાશ ને અંધકાર, દિવસ અને રાત, ઉદય અને અસ્ત. બધું બહુ જ નિયમપૂર્વક, સાતત્યથી ચાલે. ન થાક, ન થોભ, ન ભૂલ, ન ચૂક. દરેક પ્રક્રિયામાં સંપૂર્ણ લય, બધી જ રચનાઓ પરિપૂર્ણ, સુસંગત, બધાંની ગતિ સુનિશ્ચિત. આશ્ચર્યોનો આ મહા ભંડાર. વિચાર કરતાં ચકિત થઈ જવાય, મસ્તક નમી પડે. આ ભવ્ય મનોહર સૃષ્ટિ-પરમ પૂર્ણા, પરમ સુખદા. માણસ એની અવદશા ન કરે તો આ જ છે સ્વર્ગ. * * * અને જીવન નામની આ અદ્ભુતોથીયે અદ્ભુત બાબત!મૃત્યુની બાબત પણ એટલી જ અદ્ભુત, અજ્ઞાત અને ગહન. આપણે શા માટે મૃત્યુ પામીએ છીએ? શા માટે જન્મીએ છીએ? જન્મ-મૃત્યુની આ ઘટનામાં કાળનું તત્ત્વ શાથી ઉમેરાયું હશે? ઉત્ક્રાંતિનું સ્વરૂપ કોણે આકાર્યું હશે? પૃથ્વી પર જે જન્મે છે તે મૃત્યુ પામે છે. નાનાં-મોટાં, દેખાતાં-ન દેખાતાં જીવજંતુ મૃત્યુ પામે છે, ઇયળ હોય કે અજગર હોય, ઘાસની પત્તી હોય, કે ઘટાળું વૃક્ષ હોય — બધું જ મૃત્યુ પામે છે. મનુષ્ય મૃત્યુ પામે છે. ગીતામાં કહ્યું છે ને — ‘ભૂત્વા ભૂત્વા પ્રલિયતે’ (જન્મી જન્મીને વિલીન થઈ જાય છે). પછી શું થાય છે તેની આપણને ખબર નથી. મહા અજ્ઞાતનો આ આલેખ કોણ ઉકેલી શકે? એવું કહેવામાં આવેલું કે : તદ્ અન્વેક્ષ્ય (તેને શોધો) ઈહૈવ કુત્રાઽપિ (અહીં આટલામાં જ ક્યાંક છે), ન ઈહૈવ ન કુત્રાઽપિ (અહીં નથી તો ક્યાંય નથી) અને એટલે કે ક્યાંક સમીપમાં જ છે — પ્રગટ-અપ્રગટ, નિકટ અને સુલભ. શોધીએ તો કદાચ મળે. કવિએ ગાયું છે : ‘પલ પલ તારાં દર્શન થાયે, દેખે દેખનહારા રે.’ * * * તમે પૂછ્યું છે : હું ઈશ્વરમાં માનું છું?એનામાં નહીં તો કોનામાં માનું? પ્રકૃતિમાં? વિજ્ઞાનમાં? પ્રકૃતિનાં પરિબળો અને વિજ્ઞાનનાં શોધ-સંશોધનો પાછળ પણ પેલા ‘સર્વોચ્ચની’ જ સર્જનલીલા ને! જે સર્વત્ર વ્યાપ્ત છે, જે સર્વ સૌંદર્યો અને શક્તિનો સર્જક છે, જે વિરાટથીયે જે વિરાટ છે, જે સઘળા શબ્દો, સમજ અને સીમિતતાની પાર છે, જે બધું જ છે — તે મહાઅસ્તિત્વ છે, સ્વયં કાળ છે, જીવન છે. એ અનાદિ, અનંત હોવા છતાં મારા જેવી સાન્ત અને અતિ અતિ ક્ષુદ્ર વ્યક્તિ પર એણે સદાય કૃપાનો વરસાદ વરસાવ્યો છે. એની કૃપા ન હોત તો તેણે મારી અનેક ભૂલો, અને મૂર્ખતાઓમાંથી મારો ઉગાર કર્યો હોત? કોણે મને સંસારના ઝાકઝમાળ માર્ગ પરથી ઊંચકીને પોતાના માર્ગ પર લાવી મૂકી હોત? એની સાથે જ તો મારા હૃદયનો તાર જોડાયેલો છે, એણે જ તો મારા હૃદયમાં આનંદની એક ઝરણી વહાવી દીધી છે. એ જ છે મારું આલંબન, મારી શક્તિ અને મારી સુખસંપદા એનું જે નામ આપો — પણ તે છે, તે જ છે. (બહાઈ સંપ્રદાયની એક સ્તુતિ છે: તેરા નામ હી મેરા આરોગ્ય હૈ તેરા સ્મરણ હી મેરી ઔષધિ અપૂર્વ શ્રદ્ધા અને પ્રેમથી ભરેલા આ શબ્દો મને હંમેશાં રોમાંચિત કરી દે છે.) હજી અજવાળું આકાશમાં આવ્યું ન હોય એવા, તારામઢ્યા અંધકારથી વ્યાપેલા પાછલા પહોરે, ઘરનું પાછળનું બારણું ઉઘાડી ચોકમાં ઊભી રહું છું — કહું છું: Take my life and Let it be consecrated to Thee (મારું જીવન લઈ લો અને તમને એ સમર્પિત થવા દો.) પ્રણામ કરું છુ ‘એ’ને. ફરી ફરી પ્રણામ. (એ સિવાય બીજું કરી પણ શું શકાય!) |
[પાછળ] [ટોચ] |