[પાછળ] |
વિએનાનો સાધુ લેખકઃ ચંદ્રશંકર શુકલ વિએના એ ઑસ્ટ્રિયાની રાજધાની છે. ત્યાં સેંટ એટીએનનું દેવળ છે, અને એની પાસે એક પથરો ઉભો કરેલો છે. એક કાળે એ જગાએ લીંબોઈનું એક ઝાડ હતું. એનું એ સ્મારક છે. વિએના આજે મોટું શહેર છે. પણ નવસો વરસ પહેલાં એ નાનકડું ગામ હતું. નાની નાની અને સાંકડી એની ગલીઓ હતી અને ગામ ફરતો નાનો કોટ હતો. એ કોટની જગાએ આજે તો એક આલેશાન રાજમાર્ગ આવેલો છે. એ કોટની બહાર પેલું દેવળ હતું, અને દેવળની આસપાસ એક જૂનું ને રળિયામણું જંગલ હતું. વસ્તી વધતી ગઈ ને ગામ મોટું થતું ગયું તેમ તેમ દેવળ નાનું પડવા લાગ્યું. ગામના બધા લોકો એમાં માઈ શકતા નહિ. ઘણા લોકો તો દેવળ બહાર ઝાડો નીચે જ ઘુંટણીયે પડીને પ્રાર્થના કરતા અને દેવળનાં પગથિયાં પર ઉભા રહીને, દેવળનો સાધુ ઉપદેશ કરતો તે સાંભળતા. આમ ક્યાં સુધી ચાલે? એક દિવસ ગામનો મોટો મિસ્ત્રી હાથમાં કાગળિયાનો વીંટો લઈને આવ્યો. એની જોડે મજુરો હતા. દોરી નંખાઈ ખીંટીઓ ઠોકાઈ અને જમીન મપાવા લાગી. ઝાડ ભયથી ફફડી ઉઠ્યાં. દેવળની પાસે એક નાની લીંબોઈ હતી. પડોશમાં એક વયોવૃદ્ધ ઑકનું ઝાડ હતું. લીંબોઈ ઑક તરફ ઝૂકી પડી ને પૂછવા લાગી, “હેં ભાઈ, પેલા લોકો શું કરે છે? આ બધું શાને સારું હશે?” ‘‘અરે દેવ!’’ ઑકે નિસાસો નાખ્યો, “આપણો કાળ હવે પાસે આવ્યો છે.'’ લીંબોઈનું પાતળું થડિયું ધ્રુજી ગયું અને પાંદડાં કંપવા લાગ્યાં. ઑક બોલ્યું, “હા, એમજ થવાનું. ઘાસ ઉપર પેલું ચળક ચળક થાય છે, એનું નામ કુહાડી ને કરવત. એનાથી આપણાં શરીર કાપી નાખશે. પેલી ભીંત ચણી ત્યારની મને તો એની ખબર પડી ગઈ છે. તે વખતે હું તારી પેઠે નાનું બાળક હતો. એક પછી એક મારા પડોશીઓને કાપી નાખ્યા ને એ દિવાલને સારુ જગા કરી. એ બધું મેં મારી આંખે જોયેલું. હવે આપણો વારો છે.’’ ઑક તો માણસને ગાળો દેવા લાગ્યું, “કેવા કૃતધ્ની રાક્ષસો! અમે એમની આડે ન આવીએ ત્યારે અમારી શોભાનાં વખાણ કરે છે ને અમારી છાયાનો પાડ માને છે. પણ અમારી જગાનું કામ પડ્યું કે બધી દયા ભૂલી જવાના. કેટલાં વરસોથી આ વિએનાના લોકો અમારી પાસે આવે છે, અમારી ડાળીઓની છાયામાં બેસીને થાક ઉતારે છે, કોલકરાર કરે છે અને પોતાનાં છોકરાંને પક્ષી અને ફૂલનાં નામ શીખવે છે. હવે એ નિર્દય લોકો બધું ભૂલી ગયા! હવે આ જંગલ કાપી નાખશે. માણસના જેવું ક્રૂર ને હૈયાસૂનું પ્રાણી મેં હજી સુધી જોયું નથી. ભુંડ કે વરૂ કરતાં પણ એ બૂરા છે.” ઑકનો કકળાટ સાંભળી લીંબોઈ બોલી, “ના, ના, એવું શું કામ કહો છો, ભાઈ? માણસો દુષ્ટ નથી. મારી ખાતરી છે કે એ લોકો દુષ્ટ નથી. હું તો રોજ એમની પ્રાર્થનાઓ સાંભળું છું. આ સુંદર સૃષ્ટિ રચી એને સારુ એના સરજનહારનો - સૃષ્ટિના પિતાનો તેઓ પાડ માને છે ને એનું સ્તવન કરે છે. તેઓ એ ઈશ્વર પાસે રોજ માગે છે કે હે પ્રભુ, તું અમારાં પાપો માફ કર અને અમને ભલા બનાવ. વળી એ માણસનાં મોઢાં પર કેટલી બહાદૂરી, આનંદ અને દયા દેખાય છે! જરૂર પડશે તો હું એમને માટે મારા પ્રાણ આપીશ.” થોડા દહાડામાં ઑકની ભવિષ્યવાણી ખરી પડી. મજુરોએ કુહાડીઓ લીધી ને ઝાડો કડડડ કરતાં જમીન પર લાંબાં થવા લાગ્યાં. મજુરોનું કામ ચાલતું ગયું અને જંગલ ચીસો અને કડકડાટથી ગાજી રહ્યું. મજુરો ધીમે ધીમે પેલા ઑકની પાસે ને પાસે આવતા ગયા. એક દિવસ ઑકની પાસે મિસ્ત્રી અને દેવળનો સાધુ બરહાર્ડ ઉભા હતા. સાધુએ કહ્યું, “તમે તો બહુ ભવ્ય દેવળ બાંધવાના લાગો છો. એમાં ઈશ્વરનો જયજયકાર થશે અને આ નગર ધન્ય થશે. પણ આ જંગલ કપાય છે એ જોઈને જાણે મારું હૈયું કપાય છે. મારા પાડોશીઓ હણાતા હોય એમ મને તો થઈ જાય છે.'’ મિસ્ત્રી હસ્યો. સાધુ બોલ્યો, ‘‘મારી એક વિનંતિ સાંભળો. પેલા મોટા ઑકને રહેવા દો. એ મને બહુ વહાલો છે. બહુ ભલો છે. વિએના શહેર કરતાં એ જૂનો છે.” મિસ્ત્રીએ ડોકું ધુણાવ્યું. “એ નવા દેવળની દીવાલની અડોઅડ છે, અને એની ડાળીઓ બહુ લાંબી છે. એને કેમ રહેવા દેવાય?” સાધુ ફરી કરગર્યો, ‘‘ત્યારે આ બચુકડી લીંબોઈને તો બચાવો. એ બિચારી શું નુકસાન કરવાની હતી?’’ મિસ્ત્રીએ ડોકું હલાવ્યું, “ભલે. તમારી લીંબોઈને ભલે રાખો. નવા દેવળના બાગમાં એ છો રહેતી.” સાધુ રાજી થયો. ‘‘પ્રભુ તમારું ભલું કરે, ભાઈ. આ લીંબોઈથી આ વનનું સંભારણું રહેશે. લોકો એને જોશે ને વનને સંભારશે.’’ બન્ને ચાલતા થયા. ઑક લીંબોઈની આગળ બબડવા લાગ્યું: “મારા મરણનો હુકમ તો મેં સાંભળ્યો. છતાં મને બહુ દુઃખ નથી થતું. તું તો બચી છે ને! તું મારું પેટ નથી તેથી શું, તું મને મારી દીકરી જેટલી વહાલી છે.’’ આખું વન કપાયું. સૌથી છેલ્લો વાર ઑકનો હતો. એ કપાયું તે દિવસે રાતના આકાશ સાફ હતું. વાદળાં નહોતાં. ઉનાળાની રાત હતી. રૂપેરી ચાંદની જમીન પર પથરાઈ હતી, લીંબોઈ પર ફૂલ આવ્યાં હતાં તેની સુવાસ હવામાં ફેલાઈ રહી હતી. એકાએક પડેલાં ઝાડનાં થડિયામાં પ્રકાશના ચમકારા થવા લાગ્યા. નાનાં નાનાં સુંદર પ્રાણીઓના કપાળ પર ચળકતા તારાના એ ચમકારા હતા. તે એ વનની પરીઓ હતી. એમણે જાણે ધુમ્મસનાં કપડાં પહેર્યા હતાં. એમના માથા પર કૂલપાંદડાંની માળાઓથી ગૂંથેલા મુગટ હતા. આ પરીઓ અત્યાર સુધી આ ઝાડોમાં રહી હતી. હવે તેમને નવાં રહેઠાણ શોધવાનાં હતાં. તેઓ ગભરાટથી આમતેમ દોડવા લાગી. તેમના વિલાપ અને ચીસો રાત્રિને ભેદતી હતી. અંતે તેઓ લીંબોઈની આસપાસ ભેગી થઈ. લીંબોઈનું થડ ઉઘડ્યું ને એમાંથી એક પરી નીકળી. રોતાં રોતાં એ બીજી બધી બહેનોને વિદાય આપવા લાગી. ‘‘આપણને સૌને સાથે દેશવટો મળ્યો હોત કેવું સારું થાત! હવે હું મધરાતે કોની જોડે ગાઇશ અને નાચીશ? આ સૂનકાર તો મને ખાવા ધાતો લાગે છે. હવે મારાથી એકલાં કેમ રહેવાશે?'’ બીજી બહેનોએ એને આશ્વાસન આપ્યું. ‘‘બનશે તો અમે કોકવાર છાનામાનાં તારી પાસે આવતાં રહીશું. તું અહીંયાં રહે, બહેન. લોકોને આપણાં વહાલા વનની યાદ આપજે અને આપણને ભાઈબહેનની જેમ ચાહતા એ પેલા સાધુ પર આશીર્વાદ વરસાવજે.'’ એકેએક પરી બોલી : “મારા પણ એને આશીર્વાદ છે. ધન્ય થાઓ એનું જીવતર અને ધન્ય થાઓ એનું મરણ.’’ વરસો વહી ગયાં. લીંબોઈની પાસે ભવ્ય દેવળ ઉભું હતું. એથી પાસે સાધુ એબરહાર્ડનું ઘર હતું. લીંબોઈની આસપાસ બચુકડાં કૂલઝાડ ઉગ્યાં હતાં ને એના પર રંગરંગના ફૂલો હસતાં હતાં. લીંબોઈને એ ફૂલો પર બહુ વહાલ આવતું. હવે એને સૂનું પણ નહોતું લાગતું, કારણ એની છાયામાં એક બાંકડો ને મેજ પડી રહેતાં ને સાધુ દિવસનો ઘણો ભાગ ત્યાંજ ગાળતો. વિએનાના મોટા મોટા લોકો આ જ્ઞાની અને પવિત્ર સાધુની પાસે બેસવા આવતા. ત્યાંજ છોકરાંઓ એની પાસે વનની પરીઓની, દુષ્ટ રાક્ષસોની, સંતોની અને એવી એવી વાત સાંભળવા ટોળે મળતાં. રાજાના મહેલમાં ન થાય એટલી માણસની આવજા આ બાગમાં થતી. કારણ વિએનાનું એકેએક માણસ આ સાધુને ચાહતું ને એની પાસે સુખદુઃખની વાત કરવા આવતું. લીંબોઈની સુવાસ ફેલાવતી ડાળીઓની છાંયે કેટલાયે ભાંગેલાં હૈયાં સાજા થઈ જતાં. લીંબોઈ અને સાધુ એકબીજા પર પોતાનું વહાલ ઢોળતાં. એ પ્રેમની તોલે જગતનો ક્યો પ્રેમ આવી શકે? સાધુની અવસ્થા થવા આવી. સાધુ લીંબોઈને થાબડતો ને મળવા આવેલા લોકોને કહેતોઃ ‘‘મારી જુવાનીની આ એકજ સાથી છે. એનાં ફૂલોએ મારા આખા જીવનને સુવાસિત બનાવ્યું છે.'’ એક વાર શિયાળામાં સાધુ માંદા પડ્યો. પક્ષી અને ફૂલો અદશ્ય થયાં હતાં, અને લીંબોઈની પાંદડાં વિનાની ડાળીઓમાં થઈને ગમગીન પવન મંદ મંદ વાતો હતો. સાધુ કહેતો, ‘‘અહા! મારી બહેન મારે સારુ રૂએ છે. બહેન લીંબોઈ, મારા જેવું હેત તને કોણ દેખાડશે?'’ લીંબોઈ હવે તો ઉંચી થઈ હતી સાધુના સૂવાના ઓરડામાં એ ડોકિયાં કરી શકતી. સાધુ દિવસે દિવસે વધારે ને વધારે ફીકો અને કૃશ થતો હતો, એ તે જોતી હતી, પણ એણે એને એકે દિવસ ઈશ્વરને દોષ દેતો કે ભાગ્યનો વાંક કાઢતો ન સાંભળ્યો. સાધુનો અંતકાળ પાસે આવ્યો. બારીએ લીંબોઈની પાંદડાં વિનાની ડાળીઓ ધીમેધીમે અથડાતી હતી. મરણશય્યા પરથી સાધુએ બારી તરફ આંખ ફેરવી. અને ગણગણ્યોઃ “હે પ્રભુ! તારી જ ઈચ્છા પ્રમાણે થાઓ. જિંદગી મીઠી તો છે, પણ તારી જ ઈચ્છા પ્રમાણે થાઓ. અરે, મારી લીંબોઈને ફરી એક વાર ફૂલ આવેલાં જેવા જેટલું હું જીવ્યો હોત તો!” પછી એક ચમત્કાર થયો. એના મોઢામાંથી પેલા શબ્દો નીકળ્યા કે તરતજ લીંબોઈને પાંદડાં ફૂટ્યાં અને ફૂલ ખીલી નીકળ્યાં. ‘‘બારી ઉઘાડો,’’ સાધુ ઝીણે અવાજે બોલ્યો. પાસે ઉભેલા લોકો તો ચકિત થઈ ગયા. એક જણ બારી ઉઘાડવા દોડ્યો. ઓરડામાં સુવાસ ફેલાઈ ગઈ. પવનની એક ઝીણી લહેર આવી અને કેટલીક પાંખડીઓ લાવીને પથારી પર વેરી ગઈ. મરતા સાધુએ એક લઈને હોઠ પર મુકી. પાંખડી પરજ એનો શ્વાસ વિરમી ગયો. કાળે કરીને લીંબોઈ પણ ઘરડી થઈને મરી ગઈ. પણ વિએનાના લોકો પેલા ભલા સાધુને ભૂલ્યા ન હતા. એ સાધુનું લીંબોઈ પરનું હેત સંભારીને તેમણે લીંબોઈની જગ્યાએ એક પથ્થરનું સ્મારક કાયમ કર્યું. આજે પણ લોકો ત્યાં જાય છે ત્યારે એ પથ્થર તેમને પેલા પ્રાચીન વતનનું સ્મરણ કરાવે છે. |
[પાછળ] [ટોચ] |