[પાછળ] |
પેરિસના ત્રણ છોકરા લેખકઃ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર વરસાદ રહી ગયો. પણ રાત વહેલી અને અંધારી ઘોર જામી. સીન નદીના પુલ ઉપર ફાનસ હતાં, પણ પુલ ઉપર ચાલતું માણસ ફાનસ નજીક આવે ત્યારે જ દેખાતું. એ પુલ ઉપર એક નિર્ધન અપંગ ડોસો ધીમે ધીમે ચાલતો હતો. તેની બગલમાં એક જેવી તેવી વાયોલિન હતી, પૂરાં વસ્ત્ર પહેરેલાં ન હોવાથી ટાઢમાં તે ધ્રૂજતો હતો. પુલ વટાવી તે એક મોટાં સુંદર મકાનોવાળી શેરીમાં આવ્યો. ઊંચે બારીઓમાંથી ચક અને ફરફરિયાં ભેદીને રોશનીના કિરણો અને મોજશોખમાં પડેલા માણસોના આનંદી સ્વર અને ગાનના સૂર આવતા હતા. એ બારીઓ તરફ થોડી વાર જોઈ રહી ડોસાએ પોતાનું દીન વદન નીચું નમાવ્યું, અને એક ખૂણાના અંધકારમાં જઈ પાકી બાંધેલી ગટર આગળ ઊભો રહ્યો અને વાયોલિન વગાડવા લાગ્યો. પૈસાની તેને જરૂર હતી અને ગાનવાદન સિવાય કમાણી કરવાનું બીજું સાધન તેની પાસે હતું નહીં. જુવાનીમાં તે એક નટચમૂમાં હતો અને ગાઈ બજાવી સારું જાણતો, પણ હાલ તેની વાયોલિન સારી ન હતી, ટાઢ બહુ વાતી હતી, અને વળી તેનું હૃદય છેક નિર્બળ અને ઉદાસ થઈ ગયું હતું, એટલે ગાયનમાં તેનું ધ્યાન બહુ વાર રહ્યું નહીં, વાયોલિન ધીમી અને બેતાલ બોલવા લાગી, અને તેની આંખમાંથી રહી રહીને એકેક મોટું ટીપું ટપકવા માંડ્યું. આસપાસ બારીઓ ઉઘાડી હતી અને રસ્તા ઉપરથી વખ્ત બેવખ્ત ગાડીઓ જતી આવતી હતી. પણ ગમ્મતમાં પડેલાંના, અથવા તો ઘેર કે કોઈ મોજગાહે પહોંચી જવાની ઉતાવળવાળાના, બેપરવા કાનમાં દુ:ખીનો અવાજ ક્યાંથી પેસે! આપણા અપંગ, ઉપવાસી અને આફતના ભાર તળે દબાઈ ગયેલા ડોસાનું ગાનવાદન પણ ઘડી વારમાં ઊભરાતાં આંસુ અને ઉપરા-ઉપર આવતા નિસાસાને લીધે બંધ પડ્યું, અને કોઈ અણધાર્યો હાથ એની મદદે ન લંબાત, તો આવી રાતના ઠારમાં એ બિચારો આ ગટર આગળ જ શિંગડું થઈ જાત. એવામાં એક પાસથી ત્રણ ખૂબસુરત નવજુવાન છોકરાઓ દોડતા, એકબીજા સાથે મસ્તીતોફાન કરતા, અને હસતા હસતા આવ્યા. એમાંના વચલાની અડફેટમાં ડોસો આવી ગયો, અને તેની ફાટેલી ટોપી એક તરફ ઉડી પડી, વાયોલિન ગટર પર પડી ગઈ, અને તે પોતે બિચારો ખૂણાની દિવાલમાં અફળાયો. છોકરો પણ પડતો પડતો રહ્યો અને અંધારામાં તેને કઈ સૂઝ્યું નહીં એટલે તે ગાળ દેવા જતો હતો, ત્યાં તેણે એ બુઢ્ઢાનું લંબાતું ડુસકું સાંભળ્યું. તે પાછો વળી ખૂણામાં આવ્યો અને ડેાસાને ઉઠાડ્યો, અને એનું જોઇને એના બે ભાઈબંધ પણ પાસે આવ્યા. બીજા છોકરાએ ટોપી આણી આપી અને માફી માગી, અને ત્રીજો વાયોલિન ઉંચકી લઈને આવ્યો અને તે પાછી આપતાં ખબર પૂછવા લાગ્યો કે કંઈ બીજી ઈજા તો નથી થઈ. ડોસો એકથી બીજા તરફ જોવા લાગ્યો અને ચિત્તભ્રમ થયેલા જેવો દેખાયો, પણ આ ત્રણેની માયાળુ રીતભાતના જવાબમાં થોડી વારે એના મોં થકી “મારી છોકરી-મારી વાયોલિન-છોકરી-અરે દૈવ!” એવા એવા ભાંગ્યા તૂટ્યાં શબ્દ નિસાસા સાથે નીકળવા લાગ્યા. છોકરાઓને ખરેખર દયા આવી, અને તેમણે એનાં ફાટ્યા-તૂટ્યાં કપડાં તે અફળાઈ પડ્યો તેનાથી ખરડાયાં પણ હતાં, તે સાફ કરતાં કરતાં મીઠાશથી પૂછી પૂછીને એની બધી હકીકત જાણી લીધી. એની એક ને એક છોકરી વિએનામાં ક્ષયને આજારે મરવા પડી હતી અને તેની પાસે જવાને રસ્તાખર્ચ માટે પણ ડોસા કને એક પૈ સરખી ન હતી. દીકરીની હાયમાં ડોસાએ ત્રણ લાંઘણ કરી હતી, અને આજે છેક લાચાર બની જે મળે તે પૈસા કમાવાને માટે ગાઈ-વગાડીને ભીખ માગવાનો નીચ ઉદ્યમ કરવા પણ તે તૈયાર થયો, ત્યાં તો પાછલા પહોરથી પવન ફૂંકાવા લાગ્યો અને ઠંડો થઈ ગયો, વાદળાં ચડી આવીને ઝાપટાં પડવા લાગ્યા, અને આ અત્યારે વાયોલિન પણ પાકી ગટરમાં કૂટાઈ નકામી જેવી થઈ ગઈ. હકીકત સાંભળીને અને બુઢ્ઢાના તન-મનની સ્થિતિ અને વેદના જોઈને ત્રણે વિચારમાં પડ્યા. ત્યાં જરા વારમાં સૌથી મોટાએ આર્દ્ર અવાજે પણ તેજોમય આંખે ત્રીજા છોકરાને કહ્યું, “લાલ, લાવ તો તારી વાયોલિન.” એણે તાર મેળવ્યા એટલામાં બન્ને એનો મનસુબો સમજી ગયા. લાલે પોતાના હાથમાં ડેાસાની ટોપી લીધી, અને વચલા છોકરાએ પોતાનો કંઠ વાયોલિન સાથે ભેળવ્યો અને ગાનવાદન શરૂ થયું. ત્રણે સંગીતના સારા અભ્યાસી હતા અને ઉસ્તાદી મેળવવાને માટે પેરિસ આવેલા હતા. નાની ઉમરના છતાં પણ તેમની સંગીત અને નાટકશાળાઓની દુનિયામાં ખ્યાતિ થવા લાગી હતી. આજ રાતે મનોવૃત્તિને અનુસરીને એમનું ગાયન ખૂબ ખીલ્યું. ડેાસાને જુવાનીમાં ગાયનનું સારું જ્ઞાન હતું. આ છોકરાએ આમ શું કરવા કરે છે તે તો એ ન સમજ્યો, પણ એમના મનોહર ગાનવાદનથી એનું દુઃખ ધીમે ધીમે પાછું હઠ્યું અને ચિત્ત ગાયનમાં જ પરોવાતું ગયું. આગલી સાંજે જ પેરિસમાં એક સુંદર સંગીતનાટક ભજવાયું હતું તે પહેલા પ્રયોગે જ અત્યંત લોકપ્રિય થઈ ગયું હતું. આ નાટકનાં જ ગાયનો આ છોકરાઓએ એક પછી એક ઉપાડ્યાં; અને લાંબી શેરીની ઊંચી ભીંતો વચ્ચે, ઝઝૂમતાં વાદળાંની છત તળે, નવજુવાન કંઠ અને ગગનટોચ ભેદતાં પણ મૃદુતાને ન છાંડતા તંત્રીનાં સુંદર આંદોલનો વિશે કુદરતે પણ વિશેષ સુંદરતા પૂરી. પેરિસના શોખીન શહેરમાં અને આ વખતે આવાં અસાધારણ ગાયનને લીધે દશેક મિનિટમાં જ ગાડીઓ રસ્તામાં થોભવા લાગી, બારીઓમાંથી સ્ત્રીપુરુષનાં ડોકાં દેખાવા લાગ્યાં, અને બંધ બારી-બારણાં પણ ખુલવા લાગ્યાં. જુવાનોએ ત્રીજું-ચોથું ગાયન માંડ્યું ત્યાં તે વાએ વાત ચલાવી અને આખી શેરી કામકાજ પડ્યાં મુકી આમને સાંભળવામાં પડી; ગાડીઓમાંથી ને બારીએથી તાલ અપાવા માંડ્યા, તાળીઓ પડવા લાગી, અને શોખીનો તરફથી પોતપોતાનાં પ્રિય ગાયન સંભળાવવા માટે સૂચનાઓ પણ થવા લાગી. અર્ધો કલાક થયો, પોણો કલાક થયો, કલાક થવા આવ્યો. ડોસાની ફાટેલી ટોપી સોના અને રૂપા નાણાથી છલકાઈ ગઈ, બીજા અર્ધા કલાકમાં એ જુવાનોની ત્રણ ટોપીઓ પણ ભરાઈ ગઈ. મોટા છોકરાએ વાયોલિન બંધ કરી. ત્રણે બુઢ્ઢા પાસે આવ્યા અને ટોપીઓમાંનું નાણું એના ગજવાઓમાં મૂઠે મૂઠે ભરવા લાગ્યા. એના મંદ મગજમાં તો હજી એમના છેલ્લા ગાયનના સુર રમતા હતા. તે આ શું થાય છે તે જોતાં ચમક્યો, એમના હાથ ઝાલવા ગયો, પણ બે ઘરડા હાથ, છ હોંશીલા અને નવજુવાન હાથને, શી રીતે ખાળી શકે! છોકરાએાએ ચારે ટોપી સપાટામાં ખાલી કરી અને પછી મૂંગે મોંએ પીઠ ફેરવીને જવા માંડ્યું. એઓને ખરે જ જતા રહેતા જોઈ ડોસાએ છેલ્લાની બાંય ઝાલી લીધી અને સવાલ પૂછ્યો, “ભાઈ, તમારું નામ?” જરાક ખંચાઈ ગંભીરતાથી તેણે જવાબ દીધોઃ “શ્રદ્ધા!” ડોસાએ બીજા તરફ જોયું, “ભાઈ, તમારું” ‘‘આશા!” અને ડોસો ત્રીજા સામે જુવે છે ત્યાં તે બોલ્યો, ‘‘કરુણા!” ડોસો બીચારો ઘુંટણે પડી કરગરવા લાગ્યોઃ “મારી છોકરીનો જાન આપનારા! નામ તો તમારાં કહેતા જાવ, હું અને તે કોનો આભાર માનિયે?” મોટા છોકરાના મુખ ઉપર સ્મિત ફરક્યું. આછાં થતાં વાદળવાળા આકાશ તરફ તેનો જમણે હાથ સહેજ ઉંચો થયો, અને તે પ્રસન્નકંઠે બોલ્યો, “આભાર પરવરદેગારનો!” આ ત્રણે જુવાનો ઊભરાતા આનંદ સાથે વેગથી દોડી ગયા. “કેવા ખૂબસુરત છોકરા!”, “શું સુંદર ગાયન!”, “પેલી ચીજ તો નાટકશાળા કરતાં પણ અચ્છી ગાઈ!” વગેરે વચનો બોલતાં બોલતાં શોખીન નરનારીઓ વિખરાયાં, ગાડીઓ ચાલી ગઈ. અને બારીબારણાં બંધ થયાં. શેરી પાછી હતી તેવી બની રહી. થોડી વારે વાદળાંમાંથી નીકળતા ચંદ્રને અજવાળે ડોસો સીન નદીનો પૂલ ઓળંગી ગયો. (વાર્તાસંગ્રહ ‘દર્શનિયું’) |
[પાછળ] [ટોચ] |