[પાછળ] |
‘ગુજરાતી’ બચાવો આંદોલન લેખકઃ ડૉ. સોમભાઈ સી. પટેલ ‘ગુજરાતી બચાવો’ આંદોલન જગાડવાની અત્યારે જરૂર પડી છે. કારણ કે દિવસે દિવસે ગુજરાતી માધ્યમની શાળાઓ ઘટતી જાય છે અને અંગ્રેજી માધ્યમની શાળાઓ વધતી જાય છે. આમેય આપણા વિદ્યાર્થીઓનું ગુજરાતી નબળું જ રહ્યું છે, તેની ફરિયાદો ચાલુ છે, ને તે વધતી જાય છે. અંગ્રેજી માધ્યમથી ગુજરાતી ઘણું જ નબળું પડી ગયું છે. તેના દાખલા ઘેર ઘેર જોવા મળે છે. જો આમ જ ચાલ્યા કરે તો ગુજરાતી ભાષા ખતમ થઈ જાય અથવા મિશ્રભાષા બને તેના અણસારા દેખાઈ રહ્યા છે. દેશમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થયું ત્યારથી જ અંગ્રેજી શબ્દોનો પ્રવેશ શરૂ થઈ ગયો હતો. કેટલાક ભાષાપ્રેમીઓને આ ગમતું નહોતું. તેનું પણ આંદોલન એક વખત ચાલેલું. અને ગુજરાતી બોલતી-લખતી વખતે ગુજરાતી શબ્દો જ વાપરવા, ફેશનને ખાતર અંગ્રેજી શબ્દ ન વાપરવા, જેનો પર્યાય ન હોય તેટલા જ અંગ્રેજી શબ્દો સ્વીકારવા, આવો આ આગ્રહ ભાષાપ્રેમીઓ રાખતા હતા. પણ તેનાથી ગુજરાતીનું રક્ષણ થયું નહીં ને અંગ્રેજી શબ્દોનો પ્રવેશ ચાલુ જ રહ્યો. અંગ્રેજી શબ્દોની સૂગ પ્રત્યે કટાક્ષો થતા રહ્યા. સૌથી મોટો કટાક્ષ રમણભાઈ નીલકંઠે ‘ભદ્રંભદ્ર' લખીને કર્યો. અંગ્રેજી ભાષાના પ્રભાવમાંથી ગુજરાતીને બચાવવાના પ્રયત્નો સતત ચાલતા રહ્યા છે, પરંતુ તેનું પરિણામ દેખાતું નથી. ગુજરાતી ભયજનક સ્થિતિમાં મુકાઈ છે ને તેના લીધે ‘ગુજરાતી બચાવો’ આંદોલન જગાડવું પડ્યું છે. તથા ‘માતૃભાષા-વંદના યાત્રા’ તથા ‘વાંચે ગુજરાત’ તેને બચાવવાના પ્રયત્ન રૂપે આવ્યા છે. હવે વાસ્તવિક સ્થિતિ જોઈએ અને માણસના અંકુશમાં ન હોય તેવાં પરિવર્તનનાં કુદરતી પરિબળો પણ જોઈશું. પ્રેમાનંદે ગુજરાતી ભાષાનો વિકાસ કરવા અને તેની સમૃદ્ધિ વધારવા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. નર્મદ પણ ગુજરાતીની સમૃદ્ધિ વધારવા ઝઝૂમ્યો હતો અને ઉમાશંકર જોષીએ પણ ‘મળી મને ગુજરાતી” વાળું કાવ્ય રચી માતૃભાષાનું ગૌરવ વધાર્યું હતું. બીજા અનેક લેખકોએ ગુજરાતીનું ગૌરવ વધારવા ઘણા ઘણા પ્રયત્નો કર્યા છે. ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ સ્વ. મગનભાઈ દેસાઈએ શિક્ષણમાં ‘ગુજરાતી માધ્યમ'નું આંદોલન ચલાવ્યું હતું. તે આગળ જતાં ‘પછાત’માં ખપ્યું અને ‘મગન માધ્યમ’ તરીકે કટાક્ષનો વિષય બન્યું. ગુજરાતી માધ્યમના કારણે ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ નબળા અંગ્રેજીને કારણે રાષ્ટ્રીય સ્પર્ધામાં પાછા પડે છે તેવી ફરિયાદ થવા માંડી અને વધતી જ ગઈ. આ એક વાસ્તવિકતા હતી અને તેમાં સચ્ચાઈ હતી એટલે ‘ગુજરાતી માધ્યમ'નો આગ્રહ છોડી દેવામાં આવ્યો. અંગ્રેજી માધ્યમનો સ્વૈચ્છિક સ્વીકાર કરવામાં આવ્યો. ત્યારથી અંગ્રેજી માધ્યમની શાળાઓ વધતી ચાલી છે અને ગુજરાતી ભયમાં મુકાઈ છે. હવે સવાલ એ આવે છે કે ગુજરાતીને અંગ્રેજીના આ ‘આક્રમણ'માંથી બચાવી શકાશે? સ્પષ્ટ જવાબ છે, ના. અહીં આક્રમણ શબ્દ અવતરણ ચિહ્નમાં મૂક્યો છે એટલે વાસ્તવમાં તે આક્રમણ છે જ નહીં. આક્રમણ ત્યારે જ કહેવાય કે મારી મારીને બળજબરીથી ફરજ પાડવામાં આવે. અંગ્રેજીની બળજબરી કોઈ કરતું નથી. લોકો પોતાની મેળે, રાજીખુશીથી, સ્વેચ્છાએ અંગ્રેજીને અપનાવી રહ્યા છે. એટલે આક્રમણને બદલે ‘સ્વીકાર’ શબ્દ વાપરવો જોઈએ. આ સ્વીકારના કારણે અસંખ્ય અંગ્રેજી શબ્દોના પ્રવેશથી ગુજરાતીનું સ્વરૂપ મિશ્રભાષા જેવું થતું જાય છે. કટાક્ષમાં તો ‘ગુજરેજી’ નામ પણ અસ્તિત્વમાં આવી. ગયું છે. ભાષામિશ્રણો અને ભાષા પરિવર્તનની પ્રક્રિયાને ઐતિહાસિક સંદર્ભમાં જોતાં તો જણાશે કે ‘ગુજરાતી’ એ કોઈ સ્વતંત્ર ભાષા છે જ નહીં. પ્રાચીન સમયમાં એટલે કે આજથી લગભગ ૫ હજાર વર્ષ પૂર્વે ભારતમાં આર્યોનું શાસન હતું. આર્યોની માતૃભાષા સંસ્કૃત હતી અને રાજવહિવટની ભાષા સંસ્કૃત હતી. તે સમયે ભારતમાં વિવિધ અનાર્ય જાતિઓ પણ હતી અને તેમની જુદી જુદી બોલીઓ હતી. આર્યોના શાસનકાળ દરમિયાન લગ્નસંબંધો વગેરે દ્વારા આર્યો-અનાર્યોનાં જાતિમિશ્રણો થયાં અને તેની સાથે સાથે આર્યોની સંસ્કૃત અને અનાર્યોની લોકબોલીના ભાષામિશ્રણો થયાં અને તેમાંથી એક મિશ્રભાષારૂપ ‘પ્રાકૃત' એવા નામે અસ્તિત્વમાં આવ્યું. તેમાં સંસ્કૃત અને લોકબોલીઓનાં ભાષામિશ્રણો થયાં આ મિશ્રભાષારૂપ ‘પ્રાકૃત'માં સંસ્કૃત અને લોકબોલીના શબ્દોનું મિશ્રણ છે. આ મિશ્રભાષારૂપમાં જ મહાવીર અને બુદ્ધે પોતાના ઉપદેશો આપ્યા અને તેમના ઉપદેશોના સંગ્રહ આ મિશ્રભાષારૂપમાં થયા. આ મિશ્રભાષારૂપ જ તે સમયની દેશની જનવાણી હતું. આ મિશ્રભાષા સ્વરૂપ આગળ જતાં બદલાયું અને તે ‘અપભ્રંશ' નામ પામ્યું. જૈન મુનિ હેમચંદ્રાચાર્ય સૂરિના સુવિખ્યાત વ્યાકરણ ગ્રંથ ‘શબ્દાનુશાસન’માં વ્યાકરણના નિયમોનાં દૃષ્ટાન્તો તરીકે જે દૂહાઓ આવે છે તે અપભ્રંશ ભાષામાં છે. આ અપભ્રંશ ભાષા આગળ જતાં બદલાઈ, નરસિંહ મહેતાના સમયમાં ‘જૂની ગુજરાતી’નું સ્વરૂપ પામી, પ્રેમાનંદના સમયમાં ‘મધ્યકાલીન ગુજરાતી' બની અને દલપત-નર્મદના સમયમાં ‘આર્વાચીન ગુજરાતી' બની. આ ગુજરાતીનાં મૂળ સંસ્કૃત અને લોકબોલીઓમાં પડેલાં છે. જે ભાષાપ્રેમીઓ ‘ગુજરાતી’ને બચાવવાની વાત કરે છે તે કઈ ગુજરાતી? નરસિંહના સમયની જૂની ગુજરાતી? કે પ્રેમાનંદના સમયની મધ્યકાલીન ગુજરાતી? કે નર્મદના સમયની આર્વાચીન ગુજરાતી? ઘડીભર એમ માની લઈએ કે ભાષાપ્રેમીઓ નર્મદના સમયની આર્વાચીન ગુજરાતીને બચાવવાની વાત કરે છે, પણ નર્મદના સમયની ગુજરાતી આજે “આઉટ ઓફ ડેટ" - જૂની લાગે છે. ઘડીભર એમ માની લઈએ કે અત્યારે હાલ વર્તમાનમાં ગુજરાતી જે રીતે બોલાય છે તેને ભાષાપ્રેમીઓ જાળવી રાખવા માગે છે તો શું તેમાંથી અંગ્રેજીના તમામ શબ્દો કાઢી નાખવા? અને અંગ્રેજી ઉપરાંત જિલ્લો, ખાસ, બરફ, કિલ્લો, કાયદો, ખબ૨, તારીખ, માફી, રકમ જેવા અરબી શબ્દો; દીવાલ, ગુલાબ, રકાબી, પ્યાલો, કાકા, બાગ, જલેબી, શહેર, સરકાર, ગુનો, જમીન જેવા ફારસી શબ્દો; ચમચો, છોગું, કલગી, તોપ, જાજમ જેવા તુર્કી શબ્દો; બટાટા, કાજુ, ઈસ્ત્રી, પગાર, સાબુ, તમાકુ, તિજોરી, ટોપી જેવા પોર્ટુગીઝ શબ્દો તેમજ ચળવળ, હલકટ, નિમણૂંક, અટકળ, નિદાન, જંજાળ જેવા મરાઠી શબ્દો; બાબુ, બિપિન, રજની, મહાશય, દીદી જેવા બંગાળી; ચા જેવા ચીની અને હાઈકુ, કરાટે, સુડોકુ જેવા જાપાની શબ્દો તેમાં છે. તે બધા કાઢી નાખવા? કોણ કાઢે? કોણ કોનું માને? વગેરે જેવા અનેક પ્રશ્નો ઉભા થાય. હવે બીજી વાત. વિશ્વ આખું પરિવર્તનશીલ છે, દરેક વસ્તુ જડ કે ચેતન, ધીમી કે ઝડપી ગતિથી, દેખાય તે રીતે કે ન દેખાય તે રીતે સતત પરિવર્તન પામતી રહે છે. આ પરિવર્તનને કોઈ રોકી શકતું નથી. રોકવાની કોઈની શક્તિ પણ નથી. નાનો છોડ વિકસીને વૃક્ષ બને છે, નાનું બાળક વિકાસ પામી યુવાન બને છે. લીલાં પાંદડા પીળાં પડે છે. ઝરણાં ભેગાં મળી નદી બને છે. બે નદીઓ ભેગી થઈ, એક બની આગળ વધે છે અને નવું નામ ધારણ કરે છે. પરિવર્તનોનાં આ દૃષ્ટાન્તો છે. નાનું શહેર વિકાસ પામી નગર કે મહાનગર બને છે. આદિવાસી યુવક શહેરની કોલેજમાં અભ્યાસ કરી શહેરમાં સ્થિર થઈ, ‘નગરવાસી’ બને છે. આ પણ પરિવર્તન છે. જેમ બે નદીઓ ભેગી થાય તેમ બે ભાષાઓ પર ભેગી થાય છે અને નવું નામ પામે છે. ભાષામિશ્રણો કે પરિવર્તનને કોઈ રોકી શક્યું નથી. કારણ કે ‘આક્રમણ'ને મારી હટાવાય પણ ‘સ્વીકાર'ને શી રીતે હટાવાય? અકબરના સમયમાં રાજભાષા ફારસી હતી અને તેમાં રાજવહીવટ ચાલતો હતો. ભલે તે ફારસી નામે ઓળખાઈ પરંતુ તે અરબી-ફારસીનું મિશ્રણ જ હતું. ભારતમાં આ બે ભાષાઓની સાથે ત્રીજી હિન્દી ભળી અને ત્રણ ભાષાઓનું મિશ્રણ થયું અને તેને ઉર્દુનું નવું નામ પણ મળ્યું. દુનિયાની કોઈ ભાષા એના જૂના સ્વરૂપે રહી જ નથી. દરેક ભાષા પરિવર્તન પામી છે, કાં તો મિશ્રણ પામી છે. હવે વાત સંસ્કૃતિની કરવી પડશે. આપણે બધા દંભ કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિનાં ગુણગાન ગાઈએ છીએ અને યુરોપીય સંસ્કૃતિને અપનાવતા જઈએ છીએ. આપણે પોશાક પાશ્ચાત્ય અપનાવ્યો પેન્ટ, શર્ટ, ટાઈ, કોટ વગેરે..., સ્ટેન્ડીંગ કિચન અપનાવ્યું. બૂફે ડીનર અપનાવ્યું. બર્થ-ડે સેલિબ્રેશન અપનાવ્યું. રસોડું, કિચન, ડ્રોઈંગરૂમ વગેરે યુરોપીય સંસ્કૃતિનું અપનાવ્યું અને બીજું ઘણું ઘણું અપનાવ્યું અને એટલું બધું અપનાવ્યું છે કે હવે આપણી અલગ ભારતીય સંસ્કૃતિ રહી જ નથી. બા-બાપા ગયા અને મમ્મી-પપ્પા આવ્યા છે. અત્યારે વિશ્વ આખામાં સંસ્કૃતિ સમન્વયની પ્રક્રિયા ચાલી રહી છે. કોઈ એક સંસ્કૃતિ મુખ્ય હોય અને તેમાં બીજી સંસ્કૃતિઓ ભળે અને એ રીતે એક ‘ગ્લોબલ સિવિલિઝેશન’ તૈયાર થાય, આ પ્રક્રિયા અત્યારે ચાલુ જ છે. દુનિયાના દેશો, પ્રજા, ધર્મો અને સમાજો ‘વૈશ્વિક એકતા’ તરફ જઈ રહ્યા છે. ‘યત્ર વિશ્વં ભવત્યેક નીડં'ની ક્રિયા અત્યારે ચાલી રહી છે અને તેના લાભો ઘણા છે. જૂનું પકડી રાખવા માગતા લોકોને કેટલાક પ્રશ્નો પૂછવા જેવા છે: ૧. ડામરના રસ્તા ઉખાડી નાખી ધૂળિયા રસ્તા બનાવવા? ૨. મોટર, ગાડી વગેરે છોડી ગાડું અપનાવવું? ૩. પેન્ટ છોડી ધોતિયું પહેરવું? માથે પાઘડી બાંધવી? ૪. કેલ્ક્યુલેટર છોડી મોઢે ગુણાકાર વગેરે કરવા? ૫. ઈસ્વીસન છોડી સંવતમાં વ્યવહાર કરવો? ૬. કોમ્પ્યુટર વાપરવાનું બંધ કરી, જૂની પદ્ધતિના પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરવા? ૭. ઝેરોક્ષ મશીનો બંધ કરી, હસ્તલિખિત કોપીઓ કરવી? આપણા પૂર્વજો જે રીતે જિંદગી જીવતા હતા તેનાથી તદ્દન જુદી આપણે જીવીએ છીએ. આપણે શું ગુમાવ્યું? પૂર્વજો કરતાં અનેકગણું મેળવ્યું છે. પૂર્વજો તો અનેક અભાવો વચ્ચે જીવ્યા. આજે જે જોઈએ તે આપણે મેળવી શકીએ છીએ. ખરું સુખ આજે જ છે. આજના જેવું સુખ અને સગવડો પહેલાં ક્યારેય ન હતાં. ખુરશીમાં બેસીને કોઈ પણ માણસ આખી દુનિયા સાથે મોબાઈલ દ્વારા સંપર્ક કરી મહત્વનાં કામ પતાવી શકે છે. વિદેશમાં ભણવા મૂકેલા દીકરાની ચિંતા કરતાં મા-બાપ તેના બેડરૂમમાં દીકરાને સૂતેલો કે સ્ટડી રૂમમાં અભ્યાસ કરતો કે ડ્રોઈંગ રૂમમાં તેના મિત્રો સાથે વાતચીત કરતો પોતાના કોમ્પ્યુટરમાં કે ટી.વી.માં જોઈ શકે છે. સમય, શક્તિ અને નાણાંની કેટલી બધી બચત! ટી.વી. અને કોમ્પ્યુટરના માધ્યમથી દુનિયાનું કોઈ પણ જીવંત દૃશ્ય ડ્રોઈંગ રૂમમાં બેઠાં બેઠાં નિહાળી શકાય છે. આ સુખ શું ઓછું છે? અને તે નવી જીવનશૈલી અપનાવવાથી એટલે કે સંસ્કૃતિ સમન્વયથી શક્ય બન્યું છે. ‘ગુજરાતી બચાવો' આંદોલનવાળાને હું દિલથી અભિનંદન આપું છું પણ ગુજરાતી ભાષા વધુ અંગ્રેજી મિશ્રિત બનતી જશે કારણ કે આપણી સંસ્કૃતિ સાથે વિદેશી સંસ્કૃતિનું મિશ્રણ આપણે રાજીખુશીથી કરી રહ્યા છીએ. એટલે ગુજરાતી અને અંગ્રેજીના મિશ્રણની પ્રક્રિયા થાય જ. બહારની સંસ્કૃતિ આવે એટલે સાથે તેની ભાષા પણ આવે જ. ગાય સાથે તેનું વાછરડું આવે તેમ, સંસ્કૃતિ મિશ્ર થાય તો ભાષા મિશ્ર થયા વિના રહે જ નહીં. કારણ કે ભાષા અને સંસ્કૃતિ અભિન્ન છે અને ભાષા દ્વારા સંસ્કૃતિ વ્યક્ત થાય છે. આજની સંસ્કૃતિને વ્યક્ત કરવા મિશ્રભાષા અનિવાર્ય છે. (‘પરબ’, અંક માર્ચ ૨૦૧૦) |
[પાછળ] [ટોચ] |