[પાછળ] |
અમેરિકન ભારતીયોનું ભાવિ
![]() લેખકઃ ડૉ. નટવર ગાંધી અમેરિકામાં ભારતીયો બે તબક્કામાં આવ્યા. ૧૮૨૦થી માંડીને ૧૯૬૫ સુધીનો એક તબક્કો ગણાય અને ૧૯૬૫ પછી બીજો. ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતના દાયકાઓમાં આવેલા ભારતીયોમાં મોટા ભાગે પંજાબી ખેતમજૂરો અને રડ્યાખડ્યા વિદ્યાર્થીઓ આવેલા. થોડાક ભારતીય ક્રાંતિકારો પણ બ્રિટિશ હકૂમતમાંથી છૂટવા માટે ભાગીને અહીં આવેલા. કલકત્તાના પ્રસિદ્ધ સામયિક ‘મોર્ડન રિવ્યૂ’માં ક્રાંતિકારો ભાગીને અમેરિકા કેવી રીતે પહોંચી શકે એ સમજાવતા લેખો પણ એ જમાનામાં આવતા. ઓછા પગારે અને કેડતોડ કામ કરીને આ વસાહતી હિન્દુસ્તાની મજૂરો અમારી રોજગારી લઈ લેશે એવા ભયે અહીંની કામદાર વસતી ભડકી ગઈ હતી. ભયાનક ‘હિન્દુ આક્રમણ’ થઈ રહ્યું છે એવી ચેતવણીઓ છાપાંઓમાં આવી હતી. આવા ઊહાપોહને કારણે હિન્દુસ્તાનીઓ અને અન્ય એશિયન પ્રજા અમેરિકામાં ન પ્રવેશી શકે એવા કાયદાઓ પસાર થયેલા. એમને માટે કામધંધા કરવાનું અને નોકરી મેળવવાનું મુશ્કેલ થઈ ગયું હતું. ૧૮૨૦ થી ૧૯૪૬ સુધીના ગાળામાં આવેલા લગભગ દસેક હજાર ભારતીયોમાંથી અંતે માત્ર ૧૫૦૦ જેટલા જ ટકી રહ્યા. બીજા બધાએ અમેરિકા છોડ્યું. ૧૯૪૭માં ભારતીયોને અહીં આવવા દેવામાં થોડી છૂટછાટ મુકાઈ, અને ૧૯૬૫ સુધી એમની વસતીમાં ૬૦૦૦ જેટલો વધારો થયો. આમાંના ઘણા તો શરૂઆતમાં વિદ્યાર્થી તરીકે જ આવેલા, અને પછી રહી ગયા. ૧૯૬૫માં અમેરિકાના ઇમિગ્રેશન (પરદેશથી વસવાટ માટે આગમન)ના કાયદાઓમાં જબ્બર ફેરફાર થયા. યુરોપીય પ્રજાની તરફેણ કરતી ક્વોટા પદ્ધતિને બદલાવવામાં આવી. અમેરિકા આવવા મથતી વ્યક્તિ ક્યા દેશથી અને કઈ પ્રજામાંથી આવે છે, તેને બદલે તેની શી લાયકાત અને શી આવડત છે એ વાત ઉપર ભાર મૂકવાનું નક્કી થયું. વ્યક્તિમાં કૌશલ્ય હોય, ભણતર હોય તો પછી એ ભલે ને ભારતીય, ચાઈનીઝ, બર્મીઝ, વિયેટનામીઝ કે ફિલિપિનો હોય, એને આવવા દેવી જોઈએ. વધુમાં એ વ્યક્તિ જો ડોક્ટર, નર્સ, એન્જિનિયર, ફાર્મસિસ્ટ, પ્રોફેસર, વેપારી વગેરે હોય તો તો એને ખાસ આવવા દેવી જોઈએ, કારણ કે અમેરિકાના વિશિષ્ટ અને વિકસતા અર્થકારણમાં આવા કુશળ વ્યવસાયી લોકોની ખાસ જરૂર છે. આમ જ્યારે અમેરિકન ઈમિગ્રેશનનાં બારણાં ઊઘડ્યાં ત્યારે તેમાં એશિયાની અનેક પ્રજા અમેરિકામાં ઈમિગ્રન્ટ્સ (વસવાટી) થઈને આવી, તેમાં ઘણા ભારતીયો પણ આવ્યા. ૧૯૬૫ પછીના એક દાયકામાં પચાસ હજાર જેટલા કુશળ પ્રોફેશનલ લોકો ભારતમાંથી આવીને અહીં સ્થાયી થયા. આમ મુખ્યત્ત્વે ભારતીય ડોકટરો, નર્સો, એન્જિનિયરો, કમ્પ્યુટર નિષ્ણાતો, પ્રોફેસરો વગેરે હતા. ૧૯૬૬થી ૧૯૭૭ સુધીના ગાળામાં અહીંની ભારતીય વસતી કૂદકે અને ભૂસકે વધી. દર વર્ષે એ વસતીમાં ૨૪ ટકા જેટલો વધારો થતો હતો. ૧૯૭૭ના અંતે અહીં લગભગ દોઢેક લાખ ભારતીયો હતા. ૧૯૮૨માં ચારેક લાખ સુધી પહોંચેલી આ વસતી મોટે ભાગે ૧૯૬૫ પછી આવેલા વ્યવસાયી ભારતીયો અને તેમના અનુગામી કુટુંબીજનોની છે. અમેરિકાની બાવીસ કરોડની વસતીમાં સંખ્યાની દૃષ્ટિએ અહીં વસતા ભારતીયોનું પ્રમાણ ઘણું ઓછું ગણાય. ૧૮૨૦થી માંડીને ૧૯૭૮ સુધીમાં આ દેશમાં કાયદેસર બધા થઈને આશરે પાંચ કરોડ લોકો બહારથી વસવાટ માટે આવ્યા. એમાં છએક ટકા એશિયન, અને ભારતીયો તો અડધો ટકો પણ ન ગણાય. આમાં જ્યારે મોટા પ્રમાણમાં થતું ગેરકાયદેસરનું ઇમિગ્રેશન (વસવાટ માટેનું આગમન) ઉમેરો તો ભારતીયોનું ઈમિગ્રશન સાવ નહિવત્ જ ગણાય. કુશળ પ્રોફેશનલ તરીકેની છાપ, અંગ્રેજી ભાષા ઉપરનું ભારતીયોનું પ્રભુત્વ, અમેરિકાનું અત્યંત ઔદ્યોગિક અર્થકારણ અને ઝાઝી સૂગ વગર અજાણ્યા માણસોને અપનાવવાની આ દેશની ઐતિહાસિક ઉદારતા–આ બધા સુભગ સંયોગોને કારણે આપણા ભારતીયો આવતાંની સાથે જ સારા સારા નોકરી-ધંધામાં ગોઠવાઈ ગયા અને પોતાના કૌશલ્ય અને ખંતથી ખૂબ આગળ આવ્યાં. અહીં વસતો સામાન્ય ભારતીય સામાન્ય અમેરિકન કરતાં વધુ કમાય છે, અને વધુ સારી રીતે અને ઊંચા જીવનધોરણ પર રહી શકે છે. આ બધું પહેલી પેઢીની ઈમિગ્રન્ટ પ્રજાથી પણ શક્ય બને એ એક અસાધારણ ઘટના છે. ૧૯૬૫થી પછી મુખ્યત્વે ભણેલા ગણેલા અને વ્યવસાયી ભારતીયો જ અહીં આવ્યા અને આ કારણે ભારતીયોની એક સંપન્ન અને સંસ્કારી લઘુમતિ તરીકેની ઉમદા છાપ પડી છે તે નોંધપાત્ર છે. આ ઉમદા છાપને કારણે અહીંના સ્થાયી થયેલા ભારતીયો રંગભેદના અને વિદેશી લઘુમતિઓ પ્રત્યે થતા ભેદભાવના અન્યાયમાંથી મુખ્યત્વે બચ્યા છે. જે રીતે ઈંગ્લેંડમાં ઝાડુ વળતા, હોટેલ સાફ કરતા કે બસ ચલાવતા ભારતીયો સહજ જ જોવા મળે તે અમેરિકામાં વિરલ દૃશ્ય બની રહે છે. આનો અર્થ એ નથી કે ઈંગ્લેંડમાં ડોકટરો કે અન્ય વ્યવસાયી ભારતીય લોકો નથી. ઘણા છે, પણ અગત્યની વાત એ છે કે એક લઘુમતિ તરીકે ભારતીયોની સામૂહિક છાપ કઈ અને કેવી પડે છે? અજાણ્યા અમેરિકનો સાથે વાતચીતના જ્યારે કોઈ પ્રસંગ પડે ત્યારે જે સુભગ સ્મરણથી એ કોઈ પરિચિત ભારતીયની પ્રશંસા કરે છે ત્યારે આ વાત વધુ સ્પષ્ટ થાય છે. સામાન્ય અમેરિકન અહીં વસતા ભારતીયને કોઈ પોસ્ટગ્રેજ્યુએટ સહવિદ્યાર્થી કે લોકપ્રિય પ્રોફેસર, ઑફિસનો કોઈ કુશળ એન્જિનિયર સાથી કે ઈમરજન્સી રૂમમાં જીવ બચાવનાર ડોક્ટર તરીકે ઓળખે છે. જે અમેરિકન પ્રજા સાથે અહીંના ભારતીયોનો નિત્ય સંપર્ક છે તે બહુધા ઊંચા સ્તરની હોય છે. આ અમેરિકનો ભારતીય વ્યવસાયીઓનાં કૌશલ્ય અને વાણિજ્ય સમજી શકે છે, અને તેનો આદર કરે છે. નિરુપદ્રવી અને સંપન્ન લઘુમતિ તરીકેની પહેલેથી જ પડેલી કયા છાપ ભારતીયો માટે અહીં મહાન આશીર્વાદ રૂપ થઈ પડી છે. ગઈ બે સદી સુધી અમેરિકા ગોરી બહુમતીનો દેશ રહ્યો છે. પણ આવતાં બસો વર્ષમાં તે ગોરી બહુમતીનો દેશ રહેશે કે નહીં તે શંકાનો વિષય છે. આ દેશમાં જે સંખ્યામાં જન્મ-મરણ થાય છે, અને જે સંખ્યામાં કાયદેસર અને ગેરકાયદેસર ઈમિગ્રેશન (પરદેશીઓનું વસવાટ માટે આગમન) થાય છે, તેની ગણતરી કરીએ તો આવતાં સો વર્ષમાં આ દેશની વસ્તી લગભગ ૩૦ કરોડની હશે. આ વસ્તીનો ત્રીજો ભાગ તો ૧૯૭૯ પછી આવેલા (મુખ્યત્વે બિનગોરા) ઈમિગ્રન્ટ્સ અને તેમના વંશજોનો હશે. આ હકીકતનો વિચાર કરીએ તો ભવિષ્યનું અમેરિકા એક ગોરા સમાજ કરતાં પંચરંગી પ્રજાના શંભુમેળાના સમું વધુ બની રહેશે. આ દેશની ઐતિહાસિક વિશિષ્ટતા એ છે કે ઈમિગ્રંટ લોકોએ આ દેશનું ઘડતર કર્યું છે. દુનિયાભરના દુઃખી અને દુભાયેલાઓની આશા સમા આ દેશમાં દર પેઢીએ નવા નવા ઈમિગ્રંટ્સ આવીને ઊભા જ હોય. અમેરિકા આજે જો પોતાના દરવાજા સાવ ઉઘાડા મૂકી દે તો અડધી દુનિયા અહીં ઠલવાઈ જાય એવું એનું લોહચુંબક જેવું આકર્ષણ છે. અહીંની અઢળક સમૃદ્ધિ અને વ્યક્તિ સ્વાતંત્ર્ય, સામાન્ય માણસને પણ જે આધુનિક સુવિધાઓ અને ઉચ્ચ જીવનધોરણ આપે છે, તે અન્ય દેશોમાં, ખાસ કરીને ગરીબ દેશામાં, બહુ જૂજ માણસોને મળે છે. અમેરિકાનો સમૃદ્ધ અને મોકળી સમાજ, વ્યક્તિને પોતાનું જીવન પોતાની રીતે જીવવાની ઉમદા તક આપે છે. અમેરિકાનું આ એક મોટું આકર્ષણ છે. અમેરિકાના આ આકર્ષણે અહીં સ્થાયી થયેલા મોટા ભાગના ભારતીઓ અહીં બેઠાં પણ સ્વજનોને આર્થિક સહાય કરતા રહે છે. ઘણાઓએ તો પોતાનાં આખાં ને આખા કટુંબોને અહીં બોલાવી લીધાં છે. આ કારણે અહીં ઘણાં સંયુકત કુટુંબો જોવા મળે છે. સાથે સાથે સંયુકત કુટુંબના બધા ફાયદાઓ-ગેરફાયદા ઠેઠ અમેરિકા સુધી પહોંચેલા છે. તે ઉપરાંત વૃદ્ધ ભારતીય માબાપોને અમેરિકામાં પોષવાના આકરા પ્રશ્નો ઊભા થયા છે. અમેરિકાની આકરી ભૌગોલિક અને સામાજિક આબોહવામાં ભારતીય વૃદ્ધોને પોષવા તે સહેલું કામ નથી. જે લોકો પોતાનાં સ્વજનોને અહીં લાવી શકયા નથી તેમનો કુટુંબવિરહ ઘણી વાર કપરો બને છે. ખાસ કરીને જન્મ, મરણ અને લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ સ્વજનોની યાદ જરૂર આવે વૃદ્ધ માબાપની પોતે સેવા કરી શક્તા નથી તેનો ડંખ પણ જરૂર રહે છે. આ બધાં કારણે આ ભારતીઓ બે-ત્રણ વરસે દેશમાં જરૂર આંટો મારે છે. અને જાણે કે પોતે પોતાની કંઈક ફરજ અદા કરતા હોય એવો સંતોષ અનુભવે છે. અહીં ઊછરતી પેઢીના સામાજિક અને સાંસ્કૃતિક ભવિષ્ય માટે પણ ભારતીઓને ઉપાધિ રહ્યા કરે છે. ઊછરતાં સંતાનો જીવનસાથી તરીકે કોને પસંદ કરશે? અને કેવી રીતે? એ જીવનસાથીની પસંદગીમાં માબાપ શો ભાગ ભજવી શકે? જાતીય સંબંધો, પ્રણય, લગ્ન અને છૂટાછેટા વગેરે વિશેના અમેરિકન ખ્યાલો અને વર્તન ભારતીઓને ખાસ કરીને ભારતીય સ્ત્રીઓને, જેમને ઘરે ઉમ્મરલાયક છોકરી હોય છે તેના માબાપને બહુ બહુ અકળાવે છે. ઘણા લોકો ઉમ્મરલાયક સંતાનોને દેશમાં લઈ જઈ પરણાવવા પ્રયત્ન કરે છે. બીજા લોકો ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા જરૂર કરે છે કે પોતાનાં સંતાનો કોઈ ભારતીયને જ પરણે. અહીં વસતા ભારતીઓને હમણાં તો અમેરિકાનાં ભૌતિક સુખ અને સુવિધાઓ જાણે કે સદી ગયાં છે. આ દેશનો મુકત સમાજ અને લઘુમતીઓના સંરક્ષણની ઉમદા પ્રથાઓ આપણા ભારતીઓ માટે અત્યારે તે આશીર્વાદ સમાં નીવડ્યાં છે, પરંતુ બહુમતી પ્રજાના સામૂહિક માનસને બદલાતાં વાર નથી લાગતી. આર્થિક સંયોગો વધુ વણસે તો લઘુમતીઓને પહેલાં સહન કરવું પડે. ઈમિગ્રંટ્સ થકી જ ઘડાયેલા આ દેશમાં લઘુમતીઓ આ પ્રકારની આશંકાઓમાંથી કયારેય સર્વથા મુકત થતી જ નથી. અન્ય વંશોની પ્રજાનો ઈતિહાસ એમ કહે છે કે અહીં વસતા ભારતીઓની ભવિષ્યની પેઢીઓ ભારતીય નહીં હોય પણ અમેરિકન હશે. એમના આચાર અને વિચાર, સંસ્કાર અને સંસ્કૃતિ અસ્તિત્વ અને અસ્મિતા એ બધું અમેરિકન જ હશે. એનો અર્થ એ નથી કે એ પેઢીઓ ભારતીય સંસ્કૃતિને ભૂલી જશે. આજે જે રીતે અહીંની અન્ય વંશીય પ્રજા પોતાના પૂર્વજોના મૂળ શોધવા પૂર્વજોની જન્મભૂમિમાં યાત્રાએ જાય છે તેવી જ રીતે આ પેઢીઓ પણ ભારતીય સંસ્કૃતિ અને જીવન વિશે સંશોધન કરીને તેનું ગૌરવ કરશે. એ અમેરિકન પ્રજાનો ભારતીય સંસ્કૃતિ અને જીવન પ્રત્યેનો રસ તે ઐતિહાસિક સંશોધન અને પ્રદર્શનથી વધુ નહીં હોય. ધર્મ અને વાણી સ્વાતંત્ર્યના આ દેશમાં પોતાની સંસ્કૃતિ જાળવવાની છૂટ બધાને છે, પણ એ જાળવણી અહીં ઊછરતી ભારતીય પ્રજા અમેરિકન ઢબે અને અહીં યોગ્ય થઈ રહે તેવી જ રીતે કરશે. દૂર દૂરથી વહી આવતી અનેક નદીઓ જેમ સમુદ્રને મળે છે તેમ દુનિયાને ખૂણેખૂણેથી અનેક વંશોની પ્રજાઓ અમેરિકામાં આવીને વસે છે. નદીના મુખ આગળ સમુદ્રનાં પાણી ભલે નદીનો રંગ બતાવે પરંતુ જેમ જેમ સમુદ્રમાં દૂર જઈએ તેમ બધું એકરસ થાય છે. એ પાણી નદીનાં મટીને સમુદ્રનાં બને છે. પહેલી પેઢીના ભારતીય ઈમિગ્રંટ્સ આજે નદીના મુખ આગળનાં પાણી સમા છે એટલે વિશિષ્ટતા એમની ભારતીયતા - હજી સ્પષ્ટ દેખાય છે. પણ એમની ભવિષ્યની પેઢીઓ તો અમેરિકન મહા સમુદ્રમાં કયાંય એકાકાર થઈ ગઈ હશે. અન્ય વંશીય પ્રજાઓ આ રીતે જ ધીમે ધીમે અમેરિકન બની છે. અમેરિકીરકણના આ ઐતિહાસિક સત્યને અમેરિકામાં સ્થાયી થઈને વસતા ભારતીઓએ નાછૂટકે સ્વીકારવું પડશે. (પરિચય પુસ્તિકા, ૧૯૯૯) |
[પાછળ] [ટોચ] |