[પાછળ] 
મા યાદ આવ્યાં?
લેખકઃ કાન્તિ મેપાણી
ટલાં વરસે મા ફરી યાદ આવ્યાં? ના ભાઈ ના, એ ભૂલાયાં જ ક્યાં છે તે એમને ફરી યાદ કરવાં પડે? આ શરીરના અણુએ અણુમાં એ બેઠાં છે. ભલે એ એમના દેહે આ લોકમાં નથી પણ મારા દેહે તો એ આ લોકમાં જ બેઠાં છે, એટલે એ ગયાં છે, જતાં રહ્યાં છે એમ કેમ કરીને કહી શકું?

અમેરિકા તો એ ક્યારેય આવેલાં જ નહીં. આવવાનાય નહોતાં. ‘અમેરિકા’ બોલતાં એમને આવડતું નહોતું. એ અહીં આવ્યા હોત તો આ દેશને જોઈને એમના શા પ્રત્યાઘાત હોત? એમને અહીં ગમ્યું હોત? આ બધા પ્રશ્નોના ઉત્તર મારામાં રહેલાં મા પાસેથી મારે મેળવવા રહ્યા.

એમને અમુક સ્થળ, ગામ કે શહેર ગમે છે એવું કહેતાં મેં તો એમને ક્યારેય સાંભળ્યાં નથી. ગમવા ન ગમવાની સંવેદના એમનામાં નહોતી કે પછી એ જમાનાની સ્ત્રીઓ પુરુષ-પતિની પાછળ પોતાનું વ્યક્તિત્વ ઢાંકી ઢબૂરીને બેસતી હતી? એમના સમયની ઘણી બધી સ્ત્રીઓને યાદ કરું છું. મામીઓ, ફોઈઓ, દૂરનાં અને નજીકના સંબંધની કેટલીય સ્ત્રીઓ કોઈનાયે મોઢેથી પોતાને આ ગમે છે અને પેલું નથી ગમતું એવું બોલાતું સાંભળ્યું નથી. અત્યારની સ્ત્રીઓ કરતાં એ જમાનાની સ્ત્રીઓમાં સમજ ઓછી હતી એવું માનવાની ભૂલ રખે કોઈ કરે અને આવી સમજ ભણતરથી જ આવે છે એવા ભ્રમમાંય કોઈ ન રહે.

હું જ્યાં છું, જેવો છું એ એમના લીધે છું. મારા અસ્તિત્વને સ્વીકારતાં એમના અસ્તિત્વને જ સ્વીકારું છું. શરીરનાં ઘાટ-ઘૂટ, રંગ-વર્ણ, પળેપળ શરીરના અને મગજના કોષોની ચાલી રહેલી પ્રવૃત્તિઓ –આ બધાયમાં એમની છાપ ઊપસી આવે છે.

મને મારું ગામનું ઘર ગમે છે, દીવાલો, ઓરડાઓ, કબાટો, ગોખલા, માળીયાં, ટોડલા, જાળીઓ, દરવાજા, આંગણું –એવું બધું આટલા હજાર માઈલથીય દેખાય છે. બીજાના ઘરનું, કેમ આવું કઈં યાદ આવતું નથી? મારા ઘરનું જ કેમ યાદ આવે છે? માના મૃત્યુ પછી પહેલવહેલો જ ગામ ગયો. બધુંય જેમનું તેમ જ હતું. આટલા વરસોમાં કોઈએ કઈં જ ખસેડ્યું નહોતું. સહેજ આઘુપાછું પણ નહોતું કર્યું છતાંય બધું ખાલીખમ લાગતું હતું અને “ખાલીપો” કોને કહેવાય એનું ભાન થયું. ક્યારેય ન પૂરી શકાય એવા ખાલીપાની અનુભૂતિ થઈ. એ સૂતાં ત્યાં જ ખાટલો પાથરીને સૂતો. છતમાંના વાંસ, વળીઓ, એની વચ્ચેથી થોડાં થોડાં દેખાતાં નળિયાં જોયા કર્યા. અને એ જોતાં આ ઘર બાપાએ જ્યારે બંધાવ્યું હતું, એ દિવસોની સ્મૃતિ ઊપસી આવી.

આ ઘર બંધાતું હતું ત્યારે માને કેવો ઉત્સાહ હતો, કેવો ઉમંગ હતો! એમની સગવડો ધ્યાનમાં રાખીને જ બાપા બધું બનાવડાવતા હતા. એમના આટલા વખતના ઘરસંસારમાં એમની જરૂરિયાતો બાપા બરાબર જાણી ગયા હતા. સુખી લગ્નજીવનની ચાવીઓની ચોપડી ક્યાંય એમના વાંચવામાં આવી હોય એ યાદ નથી આવતું. અને મા તો ભણેલાં જ ક્યાં હતાં? એમને તો કાળો અક્ષર કુહાડે માર્યો બરાબર. છતાંય મા અને બાપા એકમેકની નાની મોટી જરૂરિયાતોને કેવા સમજતાં હતાં! કેવી હતી એમની હૈયાઉકલત!

નવું નવું ઘર તૈયાર થયું ત્યારે તો માના શરીરમાં જુવાનીનું જોર, ફેરફુદરડી ફરતાં હોય તેમ એ એવડા મોટા ઘરમાં એકલાં ફરી વળતાં. ઘરનો ખૂણેખૂણો ચોખ્ખો ચણાક રાખતાં. ઊગતા સૂરજનાં સોનેરી કિરણો ઘરમાં આવતાં ત્યારે તાંબા-પિત્તળની હેલ્યો ઝગારા મારતી. મા એનું કેવું જતન કરતાં હતાં એની વાતો કરવા માંડતી.

પરસાળમાં મૂકેલી ઘંટીએ બેસી વહેલી પરોઢે દળણું દળતા – ત્યારે ઘંટીના એ રિધમિક સૂરમાં – એ તાલમાં મજાની નિંદર આવતી. એકાંતરે થતા વલોણામાંથી તાજેતાજું માખણ કાઢીને ખવડાવતાં. મામાએ મોકલેલી બકરીનું શેડકઢું દૂધ પાતાં. માખણનો સ્વાદ યાદ આવે છે, શેડકઢા દૂધની હૂંફ યાદ આવે છે અને જનેતાની કાળજી યાદ આવે છે.

બાળમાનસ જેવો શબ્દયે એમના સાંભળવામાં તો ક્યાંથી આવ્યો હોય? એવા બધા શબ્દો, ન સમજાય એવા શબ્દો ગામડાંના લોકોની વોકેબ્યુલરીમાં હતા નહીં. છતાંયે બાળમાનસની અભ્યાસી સ્ત્રીઓ કરતાં એમણે અમારાં બધાંનો ઉછેર સારી રીતે કર્યો. કોઈ કુટેવો પડી નથી. શરીર-મનની એવી કોઈ મોટી બિમારીય આવી નથી. આ બધું જ એમની માવજતનું જ પરિણામ છે.

એમની આંખોથી હું ઓઝલ થાઉં તો એ ઊંચાનીચાં થઈ જાય. મેં ભણવા માટે ઘર છોડ્યું બાપા આ બધું સમજતા હતા, સમજી શકતા હતા, કારણ કે એમના સંબંધોમાં લાગણી કરતાં રીઝનિંગ વધારે હતું. પણ, મા તો હતાં લાગણીઓથી ભરપૂર, લાગણીઓનો ઘૂઘવાતો સમંદર. એ આ પરિવર્તનોને સમજી ન શક્યાં. મારી અને એમની વચ્ચે એક દીવાલ ઊભી થઈ ગઈ. એ દીવાલને ગેરસમજૂતીની દીવાલ કહું? કઈં સમજાતું નથી. મારા પ્રત્યેનું એમનું વર્તન પરાયા જેવું થઈ ગયું. ખાસ કરીને મારા લગ્ન પછી આવો ભાવ અનુભવવા મળ્યો. એમની મમતાને મેં દગો દીધો એવું એમને લાગ્યું હશે? એમણે ક્યારેય કશાની માંગણી એમણે મારી પાસે કરી નથી, કશીય અપેક્ષા મારી પાસે રાખી નથી, હું એકનો એક દીકરો હોવા છતાંય પણ મારા પ્રત્યે એમનું મન ભાંગી ગયું એ વાત નક્કી.

આપણે મોટાં થઈએ, ધંધો ધાપો કરીએ, ઘરસંસાર માંડીએ, ત્યારે બધાને માતાપિતા સાથેના સંબંધોમાં આવું થતું હશે? ઓટ આવી જતી હશે? આવી દીવાલો ચણાઈ જતી હશે? કશીય ખબર પડતી નથી. પણ દીવાલ મેં તોડી નહીં. તોડવાનો ખાસ પ્રયત્ન પણ ન કર્યો. પહેલાંની જેમ મા ની નજીક જવાની બહુ કોશિષેય ન કરી – એ બધું જ હવે ઝાંખું ઝાંખું યાદ આવે છે. એનો પસ્તાવો હવે થાય છે.

(શ્રી પી.કે. દાવડાનો બ્લોગ ‘દાવડાનું આંગણું’)
 [પાછળ]     [ટોચ]