[પાછળ] 
‘સર્વદા સુખદાયિની’ ભૈરવી
લેખકઃ અજિત પોપટ

શંકર જયકિસન અને નૌશાદ તો એમની ભૈરવી માટે ખૂબ વખણાયા પણ છે. જો કે ભૈરવી મોટા ભાગના સંગીતકારોની લાડકી બની રહી. લગભગ બધા સંગીતકારોને એ કેમ વહાલી હતી એ વિશે ભારતીય ભાષાઓમાં અગાઉ ખાસ લખાયાનું ધ્યાનમાં આવ્યું નથી. આ મુદ્દો થોડોક ટેક્નિકલ થઇ જવાનો ભય છે છતાં એ સમજવો જરૂરી બની રહે છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ સેંકડો રાગરાગિણીઓનું વર્ગીકરણ થાટ પદ્ધતિના આધારે કરેલું. આ થાટ પદ્ધતિ ખૂબ ઉપયોગી હોવા છતાં એની કેટલીક મર્યાદાઓ હતી. આપણે દક્ષિણ ભારતના કેટલાક રાગો પણ અપનાવ્યા છે. દક્ષિણ ભારતના જે રાગો આપણે અપનાવ્યા એ આ થાટ પદ્ધતિમાં કોઈ રીતે ફિટ બેસતા નથી. માત્ર બે દાખલા આપું. શંકર જયકિસને રાગ કીરવાણીમાં ફિલ્મ ‘દિલ એક મંદિર’માં ‘યાદ ન જાયે બીતે દિનોં કી’ અને ‘લવ મેરેજ’માં ‘કહે ઝૂમ ઝૂમ રાત યે દિવાની’ જેવાં યાદગાર ગીતો આપ્યાં. કીરવાણી રાગમાં ગ અને ધ (ગંધાર અને ધૈવત ) કોમળ સ્વરો આવે છે. બાકીના સ્વરો શુદ્ધ. આપણી થાટ પદ્ધતિમાં આ રાગ ક્યાંય ફિટ બેસે નહીં.

એજ રીતે શંકર જયકિસનનાં સૌથી યાદગાર ગીતોમાં ફિલ્મ ‘આરઝૂ’નું ‘બેદર્દી બાલમા તૂઝકો મેરા મન યાદ કરતા હૈ’ ગીત આવે છે. આ ગીત રાગ ચારુકેશીમાં છે. એ પણ કર્ણાટક સંગીતનો રાગ છે અને એેમાં ધૈવત અને નિષાદ ( ધ અને ની) કોમળ છે. બીજા બધા સ્વરો શુદ્ધ. એ પણ આપણી થાટ પદ્ધતિમાં ક્યાંય ફિટ બેસે નહીં.

પંડિત ભાતખંડેજીની થાટ પદ્ધતિમાં આવતા રાગરાગિણીના ચોક્કસ નિયમો છે, બાંધેલું વ્યાકરણ છે. જેમ કે ભૈરવ થાટમાં રિષભ અને ધૈવત કોમળ આવે, કાફી થાટમાં ગંધાર અને નિષાદ કોમળ આવે. ફિલ્મ સંગીત તો કોમન મેન માટે છે, આમ આદમી માટે છે. એટલે સંગીતકારો જરૂર પડ્યે છૂટ લઇને ગીતની તર્જ બાંધતા રહ્યા છે.

આ બધી દૃષ્ટિએ વિચાર કરીએ ત્યારે ભૈરવી નજર સામે આવે. ભૈરવી એક એવી રાગિણી છે જેમાં સપ્તકના બારેબાર સ્વરો યથેચ્છ વાપરી શકાય. અહીં યથેચ્છ શબ્દ મહત્ત્વનો છે. કુશળ સંગીતકાર તીવ્ર મધ્યમનો પણ ખૂબીપૂર્વક ઉપયોગ કરતા રહ્યા છે.

ભૈરવી એક માત્ર એવી રાગિણી છે જેમાં નોર્થ ઈન્ડિયન અને કર્ણાટક સંગીત બંનેના રાગોનો સહેલાઈથી સમાવેશ થઇ શકે છે. ભૈરવી રાગિણી બંને રાગ પદ્ધતિના અર્ક જેવી છે. વિદ્વાનોએ કદાચ એ અર્થમાં જ એને ભૈરવી ‘સર્વદા સુખદાયિની’ કહી હશે. ફિલ્મ સંગીતકારોને એટલેજ ભૈરવી વહાલી હશે.

ભૈરવી અષ્ટપ્રહરમાં એટલે કે ચોવીસ કલાકમાં ગમે ત્યારે સાંભળો તો તમને આનંદ જ આપશે. આપણે અગાઉ વાત કરેલી કે ભૈરવીમાં વિવિધ સંવેદનો અને ભાવપ્રાગટ્ય પણ સહેલાઈથી થાય છે. ‘‘બરસાત મેં હમ સે મિલે તુમ...’ ગીતમાં આનંદનો ભાવ છે તો ‘છોડ ગયે બાલમ’માં વિરહનો ભાવ છે.

આમ ભૈરવી બધી રીતે ફ્લેક્સિબલ (સ્થિતિસ્થાપક) રાગિણી છે. એને સંગીતના વ્યાકરણના બહુ બધા નિયમો બાંધી લેતા નથી. એ હિમાલય પરથી ધસમસતી આવતી ગંગા જેવી અને મેદાની પ્રદેશોમાં રેવાળ ચાલે વહેતી ગંગા જેવી છે.

શાસ્ત્રીય સંગીતની મહેફિલોમાં તો કાર્યક્રમની પરાકાષ્ઠા રૂપે અંતે ભૈરવી છેડાય છે. એટલે સંગીત રસિક ઘેર જવા નીકળે ત્યારે મનમાં ભૈરવીના સૂરો રમતાં હોય. સુવર્ણયુગના મોટાભાગના સંગીતકારોએ ભૈરવીને ખૂબ લાડ કર્યા અને આપણને સદાબહાર ગીતો આપ્યાં.

ઈતિહાસમાં ‘જો’ અને ‘તો’ હોતાં નથી એેમ કહેવાય છે. રાજ કપૂરના મૂળ સંગીતકાર રામ ગાંગુલી ‘બરસાત’ ફિલ્મના સંગીત સર્જનની સાથોસાથ બીજી ફિલ્મના કામમાં વ્યસ્ત ન રહ્યા હોત તો? કદાચ શંકર જયકિસનનો સૂર્યોદય ન થયો હોત...! એમ તો નૂરજહાં પાકિસ્તાન ચાલી ન ગઇ હોત તો ? લતાજીની કારકિર્દીને વેગ ન મળ્યો હોત...

આવા ‘જો’ અને ‘તો’ ઘણા નોંધી શકાય. એટલે જ ચિંતકો કહે છે કે જ્યારે જે થવાનું હોય છે એ થઇને રહે છે. રાજ કપૂર પૃથ્વી થિયેટર સાથે સંકળાયેલા શંકર જયકિસન નામના બે સાજિંદાનું હીર પારખી શકેલો. રામ ગાંગુલીને પડતાં મૂકીના આ બંનેને ‘બરસાત’થી પોતાની પ્રતિભા દર્શાવવાની તક આપી. ફિલ્મ સંગીતના સુવર્ણ યુગના ઈતિહાસનું આ એક સોનેરી પ્રકરણ હતું.

કપૂર ખાનદાનના ભૈરવી પ્રત્યેના અખૂટ પ્રેમને શંકર જયકિસન જોઈ શક્યા હતા. એેટલે ‘બરસાત’નું સંગીત તૈયાર કરવાની તક મળી એટલે ભૈરવીને આત્મસાત કરી લીધી. બરસાતનાં ૧૧ માંથી સાત ગીતો ભૈરવીમાં સર્જ્યાં. સાતે ગીતોમાં સાત અલગ અલગ સંવેદન પ્રગટ થયાં હતાં. જો કે ‘બરસાત’નાં તો તમામ ગીતો લોકપ્રિય નીવડ્યાં હતાં. અખબારી ભાષામાં કહીએ તો બરસાતના સંગીતે તહલકો મચાવી દીધો હતો. ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. સંગીત નહીં સમજનારા આમ આદમીને પણ આ ગીતોએ ઘેલું લગાડ્યું હતું.

યોગાનુયોગ કહો કે અકસ્માત ગણો, શંકર જયકિસન પણ ભૈરવીમાં રહેલા આમ આદમીને આકર્ષવાના ગુણને ઓળખી ગયા હતા. કદાચ એટલેજ, જ્યારે જ્યાં તક મળી ત્યારે ભૈરવી દ્વારા લક્ષ્યવેધ કરતા રહ્યા. પાંડવો-કૌરવોમાં માત્ર અર્જુને પક્ષીની આંખ વીંધેલી એમ આ બંને ભૈરવી દ્વારા ફિલ્મ રસિકોને ડોલાવતા રહ્યા. જયકિસને તો પોતાની પુત્રીનું નામ પણ ભૈરવી પાડ્યું.

ફિલ્મ રાજ કપૂરની હોય કે બીજા કોઈની, આ બન્ને ભૈરવીને પોતાની રીતે અજમાવતા રહ્યા. ભૈરવી એમને કામિયાબી બક્ષતી રહી. ભગવાનદાસ વર્માની ફિલ્મ ‘ઔરત’ (૧૯૫૨-૫૩)નાં નવમાંથી સાત ગીતો ભૈરવીમાં હતાં અને એ બધાં હિટ નીવડ્યાં હતાં. એ જ રીતે બી. કે. વર્માની રૂષિકેશ મુખર્જી નિર્દેશિત ફિલ્મ ‘આશિક’નાં પણ મોટા ભાગનાં ગીતો ભૈરવીમાં હતાં.

એેમ તો આ બન્નેએ સેંકડો ગીતો ભૈરવીમાં આપ્યાં છે. ભાગ્યની દેવી એમની સાથે સતત હતી. ભૈરવીનું લગભગ દરેક ગીત હિટ નીવડતું હતું. ભૈરવીની મદદથી આ બન્નેએ વિવિધ લાગણીઓ-સંવેદનો પ્રગટાવ્યાં. આનંદનાં-ગમગીનીનાં, મિલન-વિરહનાં, જન્મદિવસની શુભેચ્છાનાં અને રંગ બદલતી દુનિયા સામે પરમાત્માને ફરિયાદ કરવાના પણ. (જેમ કે ‘દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાઈ, કાહે કો દુનિયા બનાઈ?’) આમ તેઓ અનેકવિધ ભાવ ભૈરવીમાં પ્રગટાવતા રહ્યા.

યોગાનુયોગ કેવો! ૧૯૭૧ના સપ્ટેંબરમાં જયકિસનની અકાળ વિદાય પછી પણ શંકરે ભૈરવીનો પ્રેમ તજ્યો નહીં. એ તો પોતાને ફાળે આવેલી ફિલ્મોનાં સંગીતમાં પણ જ્યારે જ્યાં તક મળી ત્યાં ભૈરવી અજમાવતા રહ્યા. સંજોગો પારખીને સામા પૂરે તરી રહેલા શંકરે કારકિર્દીના સૂર્યાસ્ત સમયે મળેલી છેલ્લી થોડીક કહી શકાય એવી ફિલ્મોમાં પણ ભૈરવી પ્રત્યેનો પ્રેમ અકબંધ રાખ્યો. એનો સૌથી જાણીતો દાખલો ફિલ્મ ‘સંન્યાસી’ હતી. સોહનલાલ કંવરની બોક્સ ઓફિસ પર ઠીક ઠીક સફળ કહી શકાય એવી ફિલ્મ ‘સંન્યાસી’માં પણ મોટા ભાગનાં ગીતો ભૈરવીમાં આપ્યાં.

શાસ્ત્રીય સંગીતની બેઠકોમાં ભૈરવીથી કાર્યક્રમનું સમાપન થતું હોય છે. શંકર જયકિસને પણ જાણ્યે અજાણ્યે પોતાની સતત સફળ રહેલી કારકિર્દીનો ઉદય અને અસ્ત પણ ભૈરવીથી કર્યો એમ કહીએ તો ચાલે. ૧૯૪૮-૪૯થી ૧૯૮૭ સુધીની આશરે ત્રણ દાયકાની તેમની આ કારકિર્દી સતત ઝળહળતી રહી હતી.

ટ્રેજેડી એ હતી કે જયકિસનની વિદાય ટાણે સમગ્ર ફિલ્મ ઉદ્યોગ હાજર હતો, શંકર ગયા ત્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો હાજર હતા. રાજ કપૂર જેવાને પણ શંકરના અવસાનની જાણ ચોવીસ કલાક પછી થઈ એવા અહેવાલો હતા. કોઈએ સાચું કહ્યુ છે, સફળતાના સૌ સગાં, નિષ્ફળતા સદૈવ એકલી રહે છે!

(Source: https://ajitpopat.blogspot.com/search/label/Cine%20Magic)

----------------------------------------------

આપણા બધા જ સંગીતકારોએ ભૈરવીમાં સુંદર રચનાઓ આપી છે. રાગ ભૈરવીમાં ગવાયેલા સેંકડો ગીતોમાંથી આ પાંચ અવિસ્મરણીય ફિલ્મી ગીતો નીચેની લિન્ક કોપી કરી તમારા બ્રાઉઝરમાં પેસ્ટ કરી જરૂર સાંભળજો.

(૧) બાબુલ મોરા નૈહર છૂટો હી જાય (૧૯૩૮)
https://www.youtube.com/watch?v=R8y_BdNm8u8

(૨) કૂહુ કૂહુ બોલે કોયલિયા (૧૯૫૭)
https://www.youtube.com/watch?v=tqtG3xtyXW8

(૩) મુઝકો ઈસ રાત કી તનહાઈમેં (૧૯૬૦)
https://www.youtube.com/watch?v=9xl2Cv3vpMs

(૪) હમેં તુમસે પ્યાર કિતના (૧૯૮૧)
https://www.youtube.com/watch?v=fJqgTzGGr7E

(૫) જિહાલે મિસ્કીં મકું તગાફુલ (૧૯૮૫)
https://www.youtube.com/watch?v=QYiTtuwJzTQ
 [પાછળ]     [ટોચ]