[પાછળ] |
કાઠિયાવાડી લુહારોની ઉજળી પરંપરા લેખકઃ કાન્તિ ભટ્ટ મુંબઈ કે ગોવાને બંદર ઘણી વખત લાખ્ખો રૂપિયાની કિંમતનું વિદેશી બનાવટનું જહાજ અટકી પડે ત્યારે તેમાં કોઈ નાનકડો સ્પેરપાર્ટ મુંબઈની બજારમાં ન મળે ત્યારે તેવો સ્પેરપાર્ટ મુંબઈમાં કુંભારવાડા નામનાં લત્તામાં આવેલી કાઠિયાવાડી લુહારોની વર્કશોપમાં તત્કાળ બની જાય છે. મુંબઈમાં એક સ્ટીમર અટકી પડી અને રોજ રૂપિયા અડધા લાખનું ડેમરેજ ચઢતું હતું. તેનો સ્પેરપાર્ટ કુંભારવાડાનાં એક લુહારે બનાવી આપ્યો હતો. કવિ સુંદરમ્ લુહાર છે પણ તેઓ તો આધ્યાત્મિક એરણ ઉપર જીવનના અનુભવનાં હથોડા મારે છે પણ બાકીનાં લુહારો કાઠિયાવાડ, સૂરત કે ગોધરાથી મુંબઈ આવીને હજી પણ લોખંડ સાથે જ કાયાને ઘસે છે. બોમ્બે સેન્ટ્રલનું ભવ્ય સ્ટેશન અને રિઝર્વ બેંકનું જૂનું મકાન હરજીવન બેચર નામના સૂરતથી આવેલા લુહારે બાંધ્યું હતું. ૧૯૩૭માં તેના દીકરાના લગ્ન થયેલા ત્યારે મુંબઈ શહેરમાં વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો તેમાં બે-ત્રણ ટ્રકો ભાડે કરી તેમાં ચાલુ ટ્રકે મુંબઈ અને લખનૌની નાચનારીઓને નચાવી હતી. દેશમાં લુહારો ધમણ ચલાવીને કોલસાના તાપે લોખંડને તપાવીને હુશ હુશ કરતા હથોડા મારે છે તેવી ધમણવાળી ભઠ્ઠી ગઈકાલ સુધી બોરીવલી નામનાં મુંબઈનાં પરામાં હતી. મુંબઈની નવી પ્રજા તો રીક્ષા અને ટેક્સી જ જુએ છે પણ બોરીવલીમાં દેશી બળદગાડાનાં લાકડાના પૈડા ઉપર જે લોખંડના પાટા ચઢાવાતા હતા તે બોરીવલીના લુહાર ચઢાવતા હતા. શંકર લુહાર આવા પૈડાં ચઢાવીને અત્યારે મોટા ઉદ્યોગપતિ બની ગયા છે. વીરજી મોનજી પરમાર નામના લુહાર મુંબઈમાં આવીને રંધો ચલાવતા ચલાવતા કમાયા હતા. ચોપાટીના રસ્તા ઉપર મફતલાલ બાથ પાસેનો પૂલ છે તે પૂલ માત્ર એક મહિનામાં બાંધનાર કોઈ હોય તો મોનજીભાઈ પરમાર હતા. તેમના દીકરાઓ અત્યારે ભારત સરકારની મોટી મોટી સ્ટીલની ફેક્ટરીઓ પણ બાંધે છે. છોટાલાલ મકવાણા નામના ગોધરાના લુહાર માત્ર એક રૂપિયામાં બાળકોને સુવાના ત્રણ ઘોડિયા બાંધી આપતા હતા. એ મકવાણા મૂળ ભાવનગરનાં છે અને ૧૯૩૮ની સાલ સુધી મુંબઈમાં જે બાંધકામ થતા હતા તે ભાવનગરનાં મકવાણા થકી થતા હતા. મુંબઈનું ઓપેરા હાઉસ નામનું થિયેટર ગીરધરભાઈ મકવાણાએ બાંધ્યું હતું. કાઠિયાવાડના લુહાર ઉપર બ્રિટિશ સરકાર અને પછી ભારત સરકાર પૂનાના મિલિટરીના બાંધકામ માટે એટલો વિશ્વાસ હતો કે વગર ટેન્ડરે એ લુહારને બાંધકામ સોંપતા હતા. ઘણા લુહારનાં છોકરાઓ અત્યારે અમેરિકામાં છે. કેટલાક લુહારો ઝવેરી બની ગયા છે. રાજકોટથી મુંબઈમાં જે ચાંદીના દાગીના આવે છે તે લગભગ લુહાર કારીગરો જ બનાવે છે. હરજીવન પ્રાગજી પીઠવાના તો મહુવામાં જહાજો ચાલતા હતા. એક લુહારે ભાવનગરના મહારાજા પાસે તેની દુકાનનું ઉદ્દઘાટન કરાવ્યું ત્યારે ઓફિસને શુદ્ધ સોનાનું તાળું માર્યું હતું અને ચાવી પણ નક્કર સોનાની હતી. અત્યારે તેમના પૌત્રો પ્લાસ્ટર ઓફ પેરિસની ફેક્ટરી ધરાવે છે. ![]() |
[પાછળ] [ટોચ] |