[પાછળ] 
ત્રેપનસિંહ ચાવડા જીવે છે
લેખકઃ રમેશ પારેખ

છબીમાં બેઠેલા ડોસાજી ઠહાકો મારી હસી પડ્યા.

હસતાંવેંત તેમના મોંમાંથી દાંતનું ચોકઠું ખટ્ટાક દઈ છબીની બહાર પછડાયું, બરોબર મારા પગની પાસે જ. ગઈ કાલે મ્યુઝિયમમાં આ વાત બની. અહીંના પ્રેસરિપૉર્ટરો પ્રમાદી છે. હું જો અનાયાસ અહીં આવી ચડ્યો ન હોત તો આવી જબરદસ્ત સનસનાટીભરી વાત હજુ પણ આ મ્યુઝિયમમાં ધૂળ ખાતી પડી હોત. સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે વહીવટના કહેવાતા લોચાને લીધે મ્યુઝિયમ ઘણાં વર્ષ સુધી બંધ રહ્યું. દરમિયાન છબીની ફ્રેમ પર લખેલું ડોસાજીનું નામ મોટે ભાગે પોપડી પોપડી થઈ ખરી પડ્યું હતું. ખેર, તો, ગઈ કાલે મ્યુઝિ યમમાં આ ઘટના બની.

મારા પગ પાસે પડેલું ચોકઠું ખડખડાટ હસતું હતું.

મેં ડોસાજીને પૂછ્યું : ‘ચોકઠું પણ હસે છે. એ કેવી નવાઈ છે!’

‘નવાઈ શાની?’ ડોસાજી બોલ્યા : ‘ગરોળીની પૂંછડી તૂટી જાય પછી પણ તે છટપટ્યા કરે છે, તેવું જ આ ચોકઠાનું.’ અને ઉમેર્યું : ‘તમને હરકત ન હોય તો જરા ચોકઠું આપશો?’

‘ચોકઠું ઢીલું હશે ખરું?’ મેં તેને ચોકઠું આપ્યું.

‘ના,’ ચોકઠું મોંમાં ગોઠવતાં ડોસાજીએ કહ્યું : ‘બહુ હસવું આવે ત્યારે હસવાના ધક્કાથી એ બહાર નીકળી પડે છે; ઢીલું નથી.’

તેણે ચોકઠાને મોંમાં ગોઠવ્યું. પેઢાંની સામસામી ભીંસ દીધી. એટલે એમનું બોલવાનું પણ ચપટું થઈ બહાર આવ્યું. ‘અલ્યા, તું નીચે વળીવળીને અને આંખ ફાડીફાડીને શું જોતો’તો?’

‘તમારું નામ ઊકલતું ન હતું, વડીલ, તે ઉકેલવા પ્રયત્ન કરતો હતો…’

‘શું કરવા?’ તેમણે પૂછ્યું. હવે, તેમનું ચોકઠું બરાબર ગોઠવાઈ ગયું હતું.

‘આપ તો જાણો જ છો, વડીલ, કે દરેક વ્યક્તિનું, તેના નામનું ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક મૂલ્ય હોય છે. એ ક્યાંક સચવાઈ રહેવું જોઈએ, સંઘરાઈ રહેવું જોઈએ, લખાણમાં, ટેપમાં, દસ્તાવેજમાં, આવનાર પેઢીને કાયમ સુલભ બને તે રીતે. પછી એ દસ્તાવેજનું ઐતિહાસિક મૂલ્ય શું અને કેટલું એ તો ભવિષ્ય પોતે જ નક્કી કરતું હોય છે…’

‘તું ફ્રેમ પર લખેલું નામ ઉકેલી શક્યો?’

‘ના.’ મેં રંજ સાથે ડોક હલાવી.

‘ગગા, તારે મને જ પૂછી લેવું’તું ને?’ ડોસાજી સપ્રમાણ હસ્યા : ‘એ નામ શોધવા તું ઊંચોનીચો ને વાંકોચૂંકો થતો’તો, ત્યારે વાંદરા જેવો દેખાતો’તો…’

‘આપનો સ્વભાવ રમૂજી છે, વડીલ.’

‘આ છબીવાળાએ ”જરા હસો” એવું કહેલું ત્યારે હું ખાસ હસ્યો નહોતો, કેમ કે એનો ચહેરો સાપ જેવો લાગેલો. સાપની બીક મને નાનપણથી જ…’

‘છબીમાંથી આપનું નામ ભલે ખરી પડ્યું.’ મેં મૂળ વાત આગળ ચલાવી : ‘પણ જ્યારે તમે સામે ઊભા છો, ત્યારે તમને જ શા માટે ન પૂછી લેવું?’

‘તો તેં ઊંચાનીચા થવાની કસરત કરી તે નકામી નીવડી…’ હસતાં હસતાં ડોસાજી બોલ્યા : ‘અલ્યા, હું સાવ નવરોધૂપ બેઠો છું, આ છબીમાં. તારા જેવા ભટૂરિયાને જવાબ આપવા સિવાય મારે બીજું કામેય શું છે?’

મને કોઈ ભટૂરિયો કહે તે પસંદ નથી, એવું કંઈક કહેવાનું મન થયું. પણ થયું : આખી વાત ચેરાઈ જશે તેથી ડોસાજીની નકલ કરતો હોઉં તેવું અને તેટલું બનાવટી હસ્યો અને પછી માફી માગતો હોઉં તેના દીન સ્વરે કહ્યું : ‘મને એ સરત જ ન રહી. ખેર, આપનું શુભ નામ જણાવશો?’

‘અવશ્ય’ તે ઉદારતાથી બોલ્યા : ‘મારું નામ ભૂરાજી. ના, ભૂરાજી નહીં. લીલાજી…’

ડોસાજી અંદરથી અકળાઈ રહ્યા હોય તેવા ભાવ ચહેરા પર ઊપસ્યા. અને તે પોતે બોલેલાં વાક્યોની ચેકભૂંસ કરવા લાગ્યા : ‘ઊભો રે… ભૂરાજી કે લાલાજી? મને લાગે છે કે ભૂરાજી… પણ કદાચ છે તે લીલાજીય હોય… ઘણાં વરસ થયાં… મેં બાપે ખવરાવેલી બદામ બગાડી… કેવો ભૂલશંકર છું! મારું નામ કયું ને મારા બાપનું નામ કયું એ ભૂલી ગયો… પણ ભટૂરિયા, એટલું સાચું છે હોં કે આ બે નામમાંથી કોઈ એક નામ તો ચોક્કસ મારું છે… ટૂંકમાં કહું તો અમારા બેમાંથી એક ભૂરાજી હતો ને બીજો લીલાજી હતો…’

‘તમે પ્રયત્ન કરો, વડીલ… આપને આપનું અસલ નામ જરૂર યાદ આવી જશે…’

‘એ જ તો કરું છું. આ છબીમાં આટલાં વરસ બેસી રહ્યો છું, એટલે ક્યારેય નામ અંગે જરૂર પડી નથી. કોઈ વારંવાર નામ પૂછે તો આપણું નામ આપણને યાદ રહે, પાણી પિવડાવીએ અને ઝાડ મહોર્યા કરે એમ. નહીં તો પાણીના અભાવે ડાળીઓ બટકી જતી હોય છે…’

‘આપણે બન્ને તમારું નામ ગોતવાના સહિયારા પ્રયત્ન કરીએ તો?’

‘ભટૂરિયા, મૂઈ માને ધાવવાની વાત છોડ…’ ડોસાજી અકળાઈને દાંતિયું કરવા લાગ્યા.

‘તો થોડી વાર એ વાત બાજુએ મૂકીએ… ધારું છું, થોડી વારમાં આપને આપનું શુભ નામ યાદ આવી જશે.’

મેં વાતને પાટા પર ચડાવવા ખાતર કહ્યું : ‘હાલ પૂરતા તમને ભૂરાજી અથવા લીલાજી કહીશ તો ચાલશે ને?’ ભૂરાજી અથવા લીલાજી ખુશ થયા. તે બોલ્યા : ‘બુદ્ધિશાળી છે તું તો…’

‘આભાર.’ મેં ઉતાવળે પૂછ્યું : ‘પણ મને એ જાણવાની આતુરતા છે કે તમે જીવતાજાગતા અને દેખાવમાં પ્રતાપી આદમી, એકાએક છબી કેવી રીતે બની ગયા?’

‘જુવાન… જાવા દે ઠાલી-મફતની વાતું છે એ તો…’ ભૂરાજી અથવા લીલાજી ધીમા અને વ્યથિત સ્વરે બોલ્યા: ‘જાવા દે એને. સાપ ગિયા ને લિસોટા રિયા…’

‘તમને સાપની બીક લાગે છે, એવું તમે થોડી વાર પહેલાં બોલ્યા હતા…’ મેં તેમને યાદ દેવડાવી કહ્યું : ‘સાપ સાથેનો કોઈક પ્રસંગ કારણભૂત છે, એવું નથી ને?’

‘મારા બાપ… મારા બાપ લીલાજી અથવા ભૂરાજીને સાપ કરડેલો. મને એ બરાબર યાદ છે. કાળોતરો હતો… સડપ દઈને સીધો જાંઘમાં કરડેલો… ઓ મારા બાપ રે…’ લીલાજી અથવા ભૂરાજીએ ઠૂંઠવો મૂક્યો.

મારી આંખમાંય જાણે આંસુ આવી ગયાં હોય તેમ મેં રૂમાલથી આંખ લૂછીને બનાવટી રીતે નાક પણ નસીક્યું.

‘ભટૂરિયા, મેં તો તનેય રોવરાવ્યો.’ ભૂરાજી અથવા લીલાજી પાંચેક સેકન્ડ પછી ગળગળા અવાજે મને કહેવા લાગ્યા : ‘મારો બાપ સાપને કારણે મર્યો. હું છબી થઈ ગયો, એનું કારણ એ નથી.’

‘આપનું છબી થવાનું જે કંઈ કારણ છે તે ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે.’ આ ડોસાજીને ટેકલ કરવો કપરો છે એવું મને લાગવા માંડ્યું હતું. મારે કદાચ આખો જનમારો આ ડોસાજી સાથે ગાળવો પડે તો ગાળીશ પણ સત્ય શોધીને જ જંપવું છે — એવો મનોમન નિર્ણય કર્યો.

‘તું ઘણો જદ્દી છે, ભટૂરિયા…’ ડોસાજી બોલ્યા. ‘તારી જીદ જ છે તો પછી સાંભળ…’ દૂર દૂર નજર દોડાવીને જાણે કશું ફંફોળવા લાગ્યા : ‘હું આ છબીની બહાર હતો ત્યારે એક્ઝેટ ત્રેપન સિંહના મેં શિકાર કરેલા. કેટલા? ત્રેપન. એટલે મારું હુલામણું નામ ત્રેપનસિંહ પડ્યું. એ જ પ્રચલિત થઈ ગયું. લોકો અને હું મારું અસલ નામ જ ભૂલી ગયાં…’

‘આપના નામ અંગે તો આપણે કામચલાઉ સમાધાન શોધ્યું છે અને આપનું નામ લીલાજી અથવા ભૂરાજી નક્કી કર્યું છે…’ મેં મૂળ વાતની ગાડીને ઊથલી પડતાં બચાવી : ‘આપે ત્રેપન સિંહના શિકાર કર્યા. પછી?’

‘પછી જ્યારે ચોપનમા સિંહનો શિકાર કરવા ગયો, ત્યારે આ વાત બની.’

‘કઈ વાત?’ મેં જિજ્ઞાસાવશ પૂછ્યું.

‘કહું છું, કહું છું, ઉતાવળો ન થા.’ તેમણે અણગમો વ્યક્ત કર્યો : ‘આ ચોપનમો સિંહ પાજી નીકળ્યો… એ હરામજાદાએ આખી વાતને ઉલટાવી નાખી. શિકાર થયો, પરંતુ મારો.’ ભૂરાજી અથવા લીલાજીના અવાજમાં ખિન્નતા ઊભરાણી.

મને થયું કે અહીં કંઈક સારી વાત ઉચ્ચારવી જોઈએ. મેં કહ્યું : ‘ત્રેપન ત્રેપન સિંહના શિકાર કરવા એ કંઈ નાનીસૂની વાત નથી. બહુ જ મોટા પુરુષાર્થની અને પરાક્રમની ગાથા છે… ચોપનમા સિંહે જો તમારો શિકાર ન કરી નાખ્યો હોતો, તો તમે એનો પણ ખાત્મો બોલાવી દીધો હોત… અને તમે ચોપનસિંહ ચાવડા તરીકે ખ્યાતિ મેળવત…’

‘ચોક્કસ એમ જ બન્યું હોત.’ પ્રફુલ્લ અવાજે ડોસાજી બોલ્યા : ‘તું ભટૂરિયા, ઘણો બુદ્ધિશાળી છે. મને બુદ્ધિશાળી માણસો પસંદ છે.’

‘ફરી આભાર.’ મેં વાતનો દોર સાંધી રાખ્યો : ‘મને એક પ્રશ્ન થાય છે, વડીલ; પૂછું?’

‘પૂછ–પૂછ, બુદ્ધિશાળી માણસોના પ્રશ્નોના જવાબ આપવાની પણ એક લિજ્જત હોય છે.’ ડોસાજીએ મૂછે હાથ નાખ્યો.

‘તમે શિકાર કરતા એ દિવસો — એ મહાન દિવસોનું સ્મરણ થાય ખરું?’

‘થાય જ ને!’

‘એ વાતને કારણે આ છબીમાં તમને કોઈ થ્રિલ થાય છે ખરું?’

‘થ્રિલ?’ ડોસાજી દયામણું હસ્યા. ‘શિકાર કરતાં કરતાં થયેલા થ્રિલનો અનુભવ હાથમાં પકડેલી માછલી જેવો. ને સ્મૃતિ! એ તો માછલી પકડ્યાની હાથમાં ચોંટી રહેલી ગંધ…’

‘તમે માછલી પકડતા ખરા?’ મેં હોશિયાર પત્રકારની ચપળતા બતાવી.

‘ના રે ના. માછલીઓ પકડવાનો નહીં, ઉછેરવાનો મને શોખ હતો.’

‘તમે માછલીઓ ઉછેરતા એમ જ ને?’

‘મેં તને બુદ્ધિશાળી માન્યો એ મારી ભૂલ હતી.’ દાંતિયું કરીને ડોસાજી ઉવાચ્યા : ‘બાપ વારસામાં એક તળાવ મૂકી ગયેલા. હું એકનો એક દીકરો તેથી સુવાંગ તળાવ મારું થયું. મારા બાપે ઉછેરેલી માછલીઓ, કોણ જાણે શું થયું કે, એકીસાથે મરી ગઈ. મેં નવી નવી ને જાતજાતની માછલીઓથી તળાવ ભરી દીધું… એના ઉછેરમાં મને ઘણો જ રસ હતો…’ ‘વાહ! મઝા પડે એવી વાત છે. કોણ કહે છે શિકારીને હૃદય હોતું નથી?’ મેં ડોસાજી અથવા ભૂરાજી અથવા લીલાજીની આંખોમાં જોયું. મને નવાઈ લાગી. એમની આંખોમાં મરી ગયેલી માછલીઓ ચત્તીપાટ તરતી હતી. સહસા મારાથી પુછાઈ ગયું : ‘તમારી આંખોમાં મરેલી માછલીઓ? તમારી આંખોમાં?’ ‘વારસામાં મળેલું તળાવ જુગારમાં હારી ગયો એટલે આવું બન્યું છે, જુવાન…’ ‘એવું તે શું બન્યું હતું કે માછલીઓ મરી ગઈ, વડીલ?’ ‘મારી સાથે જુગાર રમતો હતો તે હકીકતમાં પ્રામાણિક હતો. તેણે માત્ર દાવમાં જીતેલું તળાવ જ લીધું અને મેં ઉછેરેલી માછલીઓ મને સુપરત કરી. મને એના પર માન થયું કે વાહ, અહીં ઉદારતા હજુ મરી પરવારી નથી. પણ તળાવ વિના માછલીઓને હું સાચવું ક્યાં? – છેવટે આ આંખોમાં તરતી મૂકી દીધી. પણ ખારાં પાણીમાં એ લાંબું ટકી શકી નહીં…’ ‘તમારે જુગાર રમવો જોઈતો ન હતો, તેવું અત્યારે ફીલ થાય છે?’ ‘ફીલ થાય તોય શું? જુગાર એ તો અમારો વંશપરંપરાગત ધર્મ છે. ધર્મને છોડી કેમ દેવાય? એમ કહી ભૂરાજી અથવા લીલાજીએ પોતાની બેઉ હથેળી બતાવી : ‘ગણ, આ મારી આંગળીઓ ગણ…’ તેમના આગ્રહને વશ થઈ મેં આંગળીઓ ગણી. ‘ઓહોહો! બેઉ હાથની પાંત્રીસ આંગળીઓ.’ ‘આટલી બધી આંગળીઓ?’ મારું આશ્ચર્ય કેમે કરતાં શમતું નહોતું. ‘હા, પેઢી દર પેઢી અમને આટઆટલી આંગળીઓ ઊગતી આવી છે. જુગાર રમી શકીએ તે માટે જ.’ ‘પણ આંગળીઓ છત્રીસને બદલે પાંત્રીસ કેમ? જમણા હાથમાં એક આંગળી ઓછી કેમ?’ ‘અઢારમો સિંહ પણ થોડોઘણો પાજી હતો. તેનો શિકાર તો કર્યો, પણ મરતાં મરતાં એક આંગળી એણે કરડી ખાધી’તી…’ ‘તોપણ તમે પાંત્રીસ આગળીના ધણી…’ મેં તેમને પોરસ ચડાવ્યો. ‘એ એવી એક આંગળી હતી જેનો અભાવ બાકીની પાંત્રીસે આંગળીમાં અંધારાની જેમ ફેલાઈ ગયો… પરિણામે મારો પાંત્રીસ આંગળીનો જુગાર આંધળુકિયો જુગાર બની ગયો હતો…’ વેદનાપૂર્વક ડોસાજીએ કહ્યું.

‘અરે હા,’ મેં સહસા કહ્યું : ‘તમારા ધર્મ વિશે મને ખાસ માહિતી નથી. એના પર કોઈ પ્રકાશ પાડશો?’

‘આમ તો ધર્મને કોણ જાણી શક્યું છે?’ ભૂરાજી અથવા લીલાજી બોલ્યા : ‘જ્યાં સુધી હું સમજ્યો છું, ત્યાં સુધી ધર્મ કંઈ શરીરની ચામડી નથી. લોહી-માંસ પણ નથી.

એ શરીરમાં રહેલી એ ચીજ છે, જે આપણને સતત જુગાર રમવા ઉશ્કેરી મૂકતી હોય છે… અમારે ધાર્મિક વડાઓ હોતા નથી. કહેવું હોય તો કહેવાય કે બાપ એ જ આ ધર્મનો વડો ને એ જ અધિષ્ઠાતા દેવતા. અમારા ધર્મમાં મરવું એ ધર્મોલ્લંઘન ગણાય છે. જીવવું એ જ તપ અને એ જ અમારી આરાધના.’

‘પણ આપણે તમારી વાત વિચારીએ, આ સંદર્ભમાં, તો ચોપનમા સિંહે તમારો શિકાર કર્યો એટલે તમે…’

‘ના, હું મર્યો ન કહેવાઉં, છબીમાં તો જીવી રહ્યો છું કે નહીં? તમે ક્યાં અને કેવી રીતે જીવો છો એ વાતમાં ધર્મ માથું મારતો નથી.’ ભૂરાજી અથવા લીલાજીએ મારી વાતને વચ્ચેથી કાપી નાખીને પ્રત્યુત્તર આપ્યો.

‘અચ્છા, આપના ધર્મમાં કોઈ દૈનિક ક્રિયાકાંડ ખરા?’

‘છે સ્તો. દરરોજ અમુક માળા અચૂક કરવી વડે, ફરજિયાત.’

‘માળા?’

‘હા. દરરોજ માળા કરવાની. મનમાં કોઈ એક ધારેલી વસ્તુનું ચિંતવન કર્યા કરવાનું, જેટલો સમય માળા કરો ત્યાં સુધી.’

‘ચિંતવન?’

‘ભટૂરિયા, તારી સ્મૃતિને શું થયું છે? કહ્યું ને કે મનમાં ધારેલી કોઈ પણ વસ્તુનું ચિંતવન? કોઈ પણ વસ્તુનું. દાખલા તરીકે, માછલીનું, ઢોરઢાંખરનું, કાન ખોતરવાની સળીનું, સમજાય છે કંઈ?’

મેં એવી રીતે માથું ધુણાવ્યું કે હા પણ ગણાય ને ના પણ ગણાય. પછી પૂછ્યું : ‘આ ધર્મને તમે વડીલોપાર્જિત વારસો ગણો છો કે સ્વયં પોતાની શ્રદ્ધાનો આધારસ્તંભ?’

‘શ્રદ્ધા? એ શું ચીજ છે?’ ભૂરાજી અથવા લીલાજી બોલ્યા : ‘એ શું ચીજ છે તે મને કહીશ?’

‘શ્રદ્ધા એટલે તો વડીલ… ભવિષ્યની અનુકૂળ પરિસ્થિતિની કલ્પના અને તેનો પૂરા સામર્થ્યથી સ્વીકાર…’ મેં ખરબચડો ઉત્તર આપ્યો.

‘છબીમાં બેઠેલાને ભવિષ્ય સાથે શી નિસ્બત?’ ભૂરાજી અથવા લીલાજીએ મૂળમાં ઘા કર્યો.

મેં કહ્યું : ‘માફ કરજો, સાહેબ, હું પત્રકાર છું, પંડિત નથી. આપના પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકું. કૃપા કરીને પ્રશ્ન પાછો ખેંચી લો.’

દાંતનું ચોકઠું મોંમાંથી બહાર નીકળી જાય નહીં તેવી કાળજીપૂર્વકનું ભૂરાજી અથવા લીલાજી હસ્યા : ‘જોયું? મેં ખોટું કહ્યું’તું? – કે તું બુદ્ધિશાળી છે? પૂછ પૂછ, વધુ પૂછ. તારા પ્રશ્નોમાં રસ પડે છે, ભટૂરિયા…’

‘આ છબીમાં તમે લગભગ સતત આસનસ્થ જ હો તેથી કોઈ ખાસ તકલીફ ઉઠાવવી પડતી નહીં હોય એમ માનું છું’. મેં બુદ્ધિશાળી જેવું હસતાં હસતાં ભૂરાજી અથવા લીલાજીને સવાલ કર્યો.

‘અમારા જેવાને — રોજ રોજ દોડાદોડ રહેનારને — તમારા સુખની ઈર્ષા પણ આવે. એ વાત જુદી થઈ. મારે તો એ પૂછવું છે કે છબીમાં સતત રહેવાનો તમારો અનુભવ કેવો?’

‘આ જે ભવ્ય ખુરસી પર બેસી રહું છું તેની ગાદી અલબત્ત, મખમલની છે, ગરમ ને સુંવાળી છે. પણ એમાં એક ખીલી ઊપસી આવી છે તે ગધની સતત ખૂંચ્યા કરે છે. ખીલી એ ખીલી છે, કાંઈ સિંહ નથી કે એનો શિકાર કરી શકાય.’ ભૂરાજી અથવા લીલાજીએ કહ્યું.

હું બુદ્ધિશાળી જેવું સપ્રમાણ હસ્યો ને બુદ્ધિશાળી જ પૂછી શકે તેવો પ્રશ્ન કર્યો : ‘છતાં પણ વડીલ, ખીલી જો પોતે ધારે તો આપણને એનો શિકાર ગણી શકે, ખરું?’

‘સાલા નપાવટ… મૂરખ…નરાધમ… ચાલ્યો જ અહીંથી…’ ભૂરાજી અથવા લીલાજી ઊઠ્યા : ‘બે બદામની ઝાંટ જેવી ખીલીનો હું શિકાર છું, એમ? તને ખીલીનું હોવું જ મહિમાવંત લાગ્યું? આ મખમલની ગાદી કાંઈ વિસાતમાં જ નથી, એમ?’ તેણે પોતાની સર્વશક્તિપૂર્વકની ત્રાડ પાડી : ‘ગો અવે… ગેટાઉટ.’

હું તો હક્કોબક્કો બની ગયો. ભૂરાજી અથવા લીલાજીનો જ્વાળામુખી ફાટવાનું કારણ મને જડ્યું નહીં.

અવાક. હાથમાં કલમ ને હું આખેઆખો જડ, જાણે છબી હોઉં.

સારી વાર પછી, અપમાનિત દશામાં, બગલમાં નોંધના કાગળો દબાવી હું ધીમે ધીમે મ્યુઝિયમની બહાર નીકળ્યો. પરંતુ બહારની હવાએ મારી ગ્લાનિને લૂછી નાખી. તરત જ મારા મગજમાં અમારા અખબારનું રોટરી મશીન ધમધમવા લાગ્યું… અને હું મારો રિપોર્ટ સડસડાટ છપાતો જોઈ રહ્યો : ‘ચોપનમા સિંહે જેનો કરપીણ શિકાર કર્યો હતો એ રા.રા. ત્રેપનસિંહ ચાવડાની હયાતીની લાગેલી ભાળ…’
 [પાછળ]     [ટોચ]