[પાછળ] 
ગુજરાતનું ગૌરવ
હોમાયજી વ્યારાવાલા
લેખકઃ બીરેન કોઠારી

(આ લેખ ઈ.સ. ૨૦૧૧માં પદ્મવિભૂષણ હોમાયજી વ્યારાવાલાનાના ૯૯મા જન્મદિવસ પ્રસંગે શ્રી બીરેનભાઈએ પોતાના બ્લોગમાં પ્રગટ કર્યો હતો.)

“જન્મદિને તમને શી શુભેચ્છા આપીએ?”

“તંદુરસ્ત જીવનની શુભેચ્છા આપો, લાંબા જીવનની નહીં.”

આવા સવાલ-જવાબ જ વિચિત્ર કહેવાય. જન્મદિનની શુભેચ્છા આપતાં અગાઉ આવું કોઈને પૂછવાની જરૂર ખરી? જન્મદિનની શુભેચ્છા તો ‘મેની હેપી રીટર્ન્સ ઑફ ધ ડે’ અથવા તો ‘તુમ જિયો હજારોં સાલ’ પ્રકારની, એટલે કે દીર્ઘાયુષની જ હોય ને! અને આપણી શુભેચ્છા પાઠવવાથી કંઈ વરસના દિવસ ત્રણસો ને પાંસઠથી વધીને પચાસ હજાર થઈ જવાના છે? આ જાણવા છતાંય આવો સવાલ પૂછવાનું મન થયું, અને એ વ્યક્તિ સાથે અંતરંગ પરિચય હોવાથી પૂછી જ કાઢ્યું, જેનો જવાબ ઉપર મુજબ મળ્યો.

જેને આમ પૂછાયું હતું એ વ્યક્તિનો આ સાઠ, સીત્તેર, એંસી કે નેવુંમો નહીં, પણ નવ્વાણુંમો જન્મદિવસ હતો. જીવન પ્રત્યે એમને કશી ફરિયાદ નથી. એમના પ્રદાન વિષે ઘણું લખાયું છે, અને હજીય લખાશે. કેમ કે એ વ્યક્તિ ભારતનાં સૌ પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોવાનું બહુમાન ધરાવે છે. એમના કામથી કદાચ હજીય કોઈ અપરિચિત હોઈ શકે, પણ નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. હોમાય વ્યારાવાલા (Homai Vyarawalla) ના દશેક દાયકામાં પથરાયેલા સુદીર્ઘ અને અવનવા અનુભવોથી ભરપૂર જીવનની ઝલક આપવાનો આજે જરાય ઉપક્રમ નથી. પણ છેલ્લા દસ-બાર વરસના તેમની સાથેના અંતરંગ પરિચયે તેમની છબી મારા મનમાં ‘ડેવલપ’ થઈ છે એ મૂકવાની ઈચ્છા છે.

એમને પહેલી વાર મળવાનું બનેલું ઉર્વીશની સાથે. ‘સંદેશ’ માટે ઉર્વીશ એમનો ઈન્ટરવ્યૂ લેવા આવેલો અને હું એની સાથે જોડાયેલો. જો કે, એમનું નામ પહેલવહેલું સાંભળેલું રાજકોટના કલાકાર રમેશ ઠાકર દ્વારા. પહેલી મુલાકાતમાં મઝા તો આવી, પણ એવી લાગણી થઈ કે હું પણ વડોદરામાં છું તો એમને કોઈક રીતે મદદરૂપ થઈ શકું તો સારું. હોમાયબેનને ‘કંઈ કામકાજ હોય તો કહેજો’ જેવું કંઈક કહ્યું, એટલે એમણે માત્ર સ્મિત કર્યું. એનો અર્થ ‘હા’ થાય કે ‘ના’ એ ખબર ન પડી. પછી છૂટા પડતી વખતે ફરી મેં એમને કહ્યું ત્યારે એ સહજતાથી જરાય કડવાશ વિના બોલ્યાંઃ

‘તમારી ભાવના સમજું છું. મને મળવા આવનારા આમ જ કહેતા હોય છે. અને એમની ભાવનાની હું કદર કરું છું. પણ અહીંથી ગયા પછી કોઈને એ યાદ રહેતું નથી. એકાદ વાર ક્યારેક આવું કહી જનારને મેં કશું કામ ચીંધી જોયું, એ ભાઈએ હા પણ કહ્યું, પણ કામ ન કર્યું. એટલે હું હવે કોઈને કહેતી નથી. તમે આટલું કહ્યું એ બદલ આભાર.’

આવું સાંભળવાની અપેક્ષા જ નહીં રાખેલી. આનો જવાબ મારાથી શી રીતે અપાય ? મને પોતાને જ ખબર નહોતી કે મેં કહેવા ખાતર કહેલું કે ખરેખર ગંભીરતાથી કહેલું.

એ પછી થોડા મહિના વીત્યા હશે. અને ફરી વાર કોઈક કામસર એમને મળવા જવાના સંજોગો ઉભા થયા. અમસ્તુંય કોઈને મળવા જતી વખતે કંઈક લઈને જવાનો વિવેક આપણે કરીએ છીએ. ૮૯-૯૦ વરસનાં, એકાકી જીવન ગાળતાં હોમાયબેનને મારા કોઈક કામસર જવાનું થાય તો શુભેચ્છાની ચેષ્ટારૂપે કમ સે કમ ફળો તો લઈ જઈએ, એવું મનમાં રાખીને થોડી નારંગી લઈ ગયાં. આ વખતે મારી સાથે કામિની હતી. અમારું કામ પત્યું. અગાઉથી જણાવીને અમે મળવા ગયેલાં એટલે તેમણે સહકાર ઘણો આપ્યો. પણ અમે ફળો આપવાની કોશિશ કરી તો ધરાર ના પાડી દીધી. “તમે મને સીક સમજો છો?”, “મને ફ્રુટ્સ ભાવતાં જ નથી.”, “કોઈ મને પૂછ્યા વગર ફ્રુટ્સ લાવે એ મને ગમતું જ નથી.” આમ કહીને પૂરા વિવેક સાથે તેમણે ફળો અમને પાછાં આપ્યાં.

એમને મળવું હોય તો તેમના ઘેરથી છઠ્ઠે સાતમે ઘેર જયશ્રીબેન મિશ્રાને ત્યાં ફોન કરવો પડે. શ્રીમતી મિશ્રા યુનિવર્સિટીમાં નોકરી કરતાં હોવાથી સવારના દસ પહેલાં અને સાંજના છ પછી જ એ મળે. શ્રીમતી મિશ્રા આપણો સંદેશો હોમાયબેનને પહોંચાડે, હોમાયબેનની મંજૂરી મળી કે ન મળી એ જાણવા કલાકેક પછી ફોન કરીને શ્રીમતી મિશ્રાને પૂછવાનું. શ્રીમતી મિશ્રા હસતે મોંએ આ ફરજ બજાવતાં, પણ એમને તકલીફ આપવાનું ગમતું નહોતું. એટલે અમે હોમાયબેન પાસેથી એટલી મંજૂરી મેળવી લીધી કે અમે તમને ફોન કર્યા વિના મળવા આવી શકીએ? તમને અનૂકુળ નહીં હોય તો પાછા જતાં રહીશું. એમણે હા પાડી. પછી અમારી હિંમત ખૂલી. અમે કહ્યું, “તમને અગાઉ જે અનુભવ થયા હોય એ, પણ વધુ એક અનુભવ કરી જુઓ. અને અમને કંઈક કામ ચીંધી જુઓ. અમે ન કરીએ તો તમારે માટે વધુ એક આવો અનુભવ થશે. અને કામ કરીએ તો...” એમણે હસીને કહ્યું, “જોવસ.”

મેં અને કામિનીએ નીચે ઉતરીને પરસ્પર બોલ્યા વિના જ નક્કી કરી લીધું કે હોમાયબેનની માન્યતા બદલવી. પણ એને માટે એમને મળતા રહેવું પડે. મારા ઘરથી એ સાવ સામા છેડે રહે. એમને મળવા જવાનો સમય પણ કાઢવો પડે. નોકરીના કલાકોની અનિશ્ચિતતા, છોકરાં નાના. આ બધાં કારણો નડી શકે એમ હતાં જ. છતાંય થોડા દિવસ પછી એમને અમે મળવા ગયાં. એ ઓળખી ગયાં અને અમને આવકાર્યાં. અમે બેઠાં, જાતજાતની વાતો કરી. કલાકેક પછી ઉઠ્યા એટલે અમે કહ્યું,

“કંઈ કામ છે? કશું લાવવા-કરવાનું, નાનું-મોટું કોઈ પણ કામ..”

એમણે કશુંક યાદ કરીને કહ્યું, “એક કામ કરશો? મારે રબરની ટ્યૂબનો એક ટુકડો જોઈએ છે. કોઈ પણ ટાયરવાળાને ત્યાંથી મળી શકશે.”

અમે બહુ રાજી થઈ ગયાં. છેવટે એમણે અમને કામ ચીંધ્યું ખરું. હવે અમારે યાદ રાખીને એ કામ કરી બતાવવાનું હતું. રસ્તામાં અમે વાત કરીને એક પોલિસી નક્કી કરી. શી હતી એ પોલિસી? હોમાયબેનની ઉંમર જોતાં એ જે પણ નાનું મોટું કામ ચીંધે એ વિના વિલંબે, આપણું બધું કામ, અગત્યનું કામ પણ બાજુએ રાખીને કરી દેવું. એ નીતિ મુજબ એમને ઘેરથી અમારે ઘેર પહોંચતાં જ અમે રબરની એક ટ્યૂબ મેળવી લીધી અને બીજે દિવસે એમના હાથમાં મૂકી દીધી. હોમાયબેન કદાચ અમને કહીને ભૂલી ગયાં હશે કે ગમે એ હોય, બીજે જ દિવસે અમને પાછાં આવેલા જોઈને એમને આશ્ચર્ય થયું અને એમની લાક્ષણિક પારસીશાઈ હ્યુમરમાં કહ્યું, “કંઈ ભૂલીબૂલી ગયા ચ કે સું?” અમે પણ એમની મજાક પર હસ્યાં અને પછી રબર ટ્યૂબ એમના હાથમાં મૂકી.

એ કદાચ અમારી પહેલી કસોટી હતી. જેને આજે દસ-બાર વરસ વીતી ગયાં છે. હોમાયબેન હવે અમને કામ કહેતાં નથી, ફક્ત એસ.એમ.એસ. કરી દે છે. એમના માટે વસ્તુ લઈ જવામાં એક શરતનું કડકપણે પાલન કરવાનું અને તે એ કે એના પૈસા પૂરેપૂરા લઈ લેવાના. એમનો હિસાબ રાખવા માટે એમણે અમને બાકાયદા એક નાની ડાયરી આપી રાખી છે.

એક આયખામાં માણસ કેટલી જિંદગી જીવી શકે? કોને ખબર? હોમાયબેને જીવનના અનેક તબક્કા પસાર કર્યા છે. એમની ઓળખ એટલે કેમેરા અને ‘ડાલડા ૧૩' તરીકે ઓળખાતી ફિયાટ કાર. મુંબઈમાં સામાન્ય પરિવારમાં જન્મ, ઉછેર અને ભણતર, માણેકશા સાથે પરિચય, ફોટોગ્રાફી શીખવાની શરૂઆત અને પછી લગ્ન, થોડો સમય મુંબઈમાં કામ કર્યા પછી દિલ્હીમાં સ્થળાંતર, દેશના ઈતિહાસની મહત્વની ઘટનાઓ વખતે તેમનું દિલ્હીમાં હોવું અને એ ક્ષણોને કેમેરામાં કંડારવી, વ્યસ્ત વ્યાવસાયિક જીવન અને આનંદમય સંસારમાં પુત્ર ફારુકનું આગમન, ફિયાટ કારની ખરીદી, પતિ-પત્ની-પુત્રની ત્રિપુટીનો સુખી સંસાર, પછી એક દિવસ એક ભૂલથી માણેકશાનું અવસાન, થોડા સમય પછી ફોટોગ્રાફીના ક્ષેત્રમાંથી સ્વેચ્છા નિવૃત્તિ, કેમિકલ એન્જિનીયર પુત્રને મળેલી નોકરીના પગલે દિલ્હીને અલવિદા અને પીલાણીમાં સ્થળાંતર, પીલાણીમાં પોતાના અનેક શોખને વિકસાવવાની તક, ફારુકના જમશેદપુરની ધન સાથે લગ્ન પછી તેના સંસારજીવનની શરૂઆત, ત્યાર પછી વડોદરાથી આવેલી નોકરીની ઓફરને સ્વીકારતાં વડોદરામાં આગમન, થોડા સમયમાં ફારુકને કેન્સરની બિમારીનું નિદાન અને ઝડપથી તેનું મૃત્યુ, ત્યાર પછી થોડા વરસે પુત્રવધૂએ પોતાના માતાપિતા પાસે જઈને જમશેદપુર રહેતાં શરૂ થયેલું પોતાનું એકાકી જીવન, સ્વસ્થ, પ્રવૃત્ત અને શોખને પોષીને સ્વાવલંબી બની રહેવાને કારણે પસાર થતા આનંદમય દિવસો, ન્યુઝ ફોટોગ્રાફીમાં પ્રદાન બદલ અઠ્ઠાણુંમે વરસે પદ્મભૂષણના ઈલકાબથી સન્માન....

વાર્તા માટે જરૂરી હોય એવા આ મુદ્દાઓનો વિસ્તાર કરો એટલે અઠ્ઠાણું વરસના જીવન દરમ્યાન હોમાયબેન કેવા ઉતાર-ચડાવમાંથી પસાર થયાં હશે એની ઝલકનો અંદાજ આવી શકશે. એમનું જીવન ખરેખર એક ફિલ્મનો વિષય છે. એ લાંબું છે એટલે નહીં, પણ જબરદસ્ત ઘટનાપ્રધાન, ચડાવ-ઉતારવાળું છે એટલે.

ધીમે ધીમે અમારું મળવાનું નિયમિત બનવા લાગ્યું. પંદરેક દિવસ થાય ન થાય કે અમે એમને મળવા ઉપડીએ. જઈને બેસીએ અને વાતો કરીએ એટલે કંઈક કામ તો નીકળે જ. વચ્ચેના અરસામાં કંઈક જરૂર પડે તો એ કાગળ લખીને જણાવે. એમના કાગળ પણ વિશિષ્ટ. એ ‘રિસાયકલીંગ’માં પૂરેપૂરું માને. એટલે છાપેલા કાગળની પાછળની કોરી બાજુ પર લખે. અક્ષરો છટાદાર. અક્ષર પૂરો થયા પછી જે સ્ટ્રોકથી એ પૂરો કરે એમાં જ જોઈ શકનારને એમના મિજાજની દૃઢતાનો અંદાજ મળી જાય.

એ કહે, “મને મારાં ઓલખાનવાલા ‘કબાડીવાલા’ કહીને બોલાવતા.” કોઈ પણ નકામી ચીજ હોય તો પણ હોમાયબેન એની ઉપયોગિતા પારખી લે અને એનો યોગ્ય ઉપયોગ કરે. ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું ઘસાયેલું સૂત્ર એમના મોંએ ક્યારેય સાંભળ્યું નથી. અને જેમના મોંએ એ સાંભળ્યું છે, એમાંના મોટા ભાગના ‘વેસ્ટમાંથી બીજો વેસ્ટ’ જ બનાવતા હોય છે. પોતાની જરૂરિયાતની અમુક ચીજો હોમાયબેન જાતે જ બનાવી લે. એની કારીગરી અને ફીનીશિંગમાં સહેજ પણ બાંધછોડ નહીં. એમના પગના અંગૂઠા પર પહેલી આંગળી ચડી ગઈ હોવાથી બજારમાં મળતા કોઈ પણ ચપ્પલ એમને ફાવે જ નહીં. એમના પહેરેલા ચપ્પલ જોઈને માન્યામાં ન આવે કે એ જાતે બનાવેલા હશે.

વાનગીઓમાંય એ અખતરા કરતાં જરાય ન ગભરાય. મોટે ભાગે એનું પરિણામ હકારાત્મક જ મળે, પણ ક્યારેક નિષ્ફળતા મળે તો એ સ્વીકારવાની પણ હસતે મોંએ તૈયારી હોય. અખતરા માટેની સર્જનાત્મકતા એ કેવી કેવી જગાએથી ઝીલે, એનો એક પ્રસંગ જણાવું તો જ ખ્યાલ આવશે.

ફ્રીજમાં પોતાને ઘેર આઈસ્ક્રીમ બનાવવાનો અખતરો મોટા ભાગનાઓએ કરી જોયો હશે. એમાં જામી જતા બરફના ક્રિસ્ટલને કારણે આઈસ્ક્રીમની મઝા પણ બગડી હશે. ક્રિસ્ટલ ન જામે એનો ઉપાય શો? ત્યારે હોમાયબેન દિલ્હીમાં રહેતાં હતાં. એ વખતે ત્યાંની કોઈ જાણીતી આઈસ્ક્રીમની દુકાન પર ફૂડ એન્ડ ડ્રગ ખાતાએ દરોડો પાડ્યો. બીજે દિવસે છાપામાં આ સમાચાર છપાયા. સાથે સાથે ઝડપાયેલા મુદ્દામાલના પણ ફોટા છપાયેલા. એમાંની એક વિગતે હોમાયબેનનું ધ્યાન ખેંચ્યું. આ દુકાનમાંથી જથ્થાબંધ ‘બન’ પકડાયેલા. એમને થયું કે આઈસ્ક્રીમની દુકાનમાં ‘બન’નું શું કામ હોય? વિચાર કરતાં કરતાં લાગ્યું કે નક્કી એ આઈસ્ક્રીમ જમાવવા માટે વપરાતા હોવા જોઈએ. બનનો સ્વાદ ગળપણવાળો અને ભળી પણ ઝડપથી જાય. વિચાર આવ્યો એટલે એનો અમલ પણ કરી દીધો. અને ઘેર બનાવેલા આઈસ્ક્રીમમાં એમણે બન મૂક્યો. પ્રયોગ સફળ! આઈસ્ક્રીમ અત્યંત સરસ, ક્રિસ્ટલ વગરનો બન્યો હતો. એ રીત એમણે અપનાવી લીધી. (બનવાળો આઈસ્ક્રીમ અદ્‌ભુત બને છે, એમ સ્વાનુભવે કહું છું.)

લીંબુનું શરબત ચાખ્યું ન હોય એવું કોણ હશે? તપેલીના તળિયા સાથે ચમચીના ઘસાવાનો અવાજ છેક બહાર સુધી સંભળાય એટલે ખબર પડે કે રસોડામાં બની રહેલા શરબતમાં ખાંડ ઓગળી રહી છે. હોમાયબેને લીંબુના શરબતમાં એક ચપટી ‘ઈનો’ ઉમેરવાનો અખતરો કર્યો. એને લઈને લીંબુના શરબતના સ્વાદમાં મૂલ્યવૃદ્ધિ થઈ ગઈ. કેવો ઝણઝણાટીવાળો સ્વાદ! (અમારે ત્યાં હવે એ જ રીતે શરબત બને છે.) એ કહે, "મોંમાં પમરાટ લાગે એટલે મઝા આવી જાય."

આવી તો કેટલીય ચીજોમાં એ સર્જનાત્મકતા દેખાડે. પોતાના શરીરની એકે એક ખામીખૂબીને એ હદે ઓળખે કે આપણા માન્યામાં ન આવે. એ અત્યાર સુધી બે જ વખત હોસ્પિટલમાં દાખલ થયાં છે. પહેલી વાર પુત્ર ફારૂકના જન્મ વખતે, અને બીજી વાર બે-અઢી વરસ ઉપર. પોતાના શરીરની કાળજી જાતે જ લે અને અવનવા ઘરેલુ નુસખાના ઉપયોગથી શરીરની જાળવણી કરે. અરે, બીજી વખત હોસ્પિટલમાં દાખલ થયાં ત્યારે અમને કહે, “અહીં વધુ રહી તો હું દરદથી નહીં, ભૂખમરાથી મરી જઈશ.” અને એમના સ્વભાવથી પરિચિત એવા પરેશે અને મેં હોસ્પિટલની નજીક આવેલી એક હોટેલમાંથી એમને સવારનો ગરમ નાસ્તો મળે એવી વ્યવસ્થા ગોઠવેલી.

રસોડાનાં કેટલાંય નાનાં મોટાં સાધનો એ જરૂર મુજબ જાતે બનાવે, (જેનો ઉલ્લેખ ઉપર મૂકેલા પત્રમાં જોવા મળી શકશે.) તો અમુક કલાકૃતિઓ પણ જાતે સર્જી લે. કારીગરી એકદમ સુંદર અને સફાઈદાર! જાતે બનાવી છે એમ કહીને કદી માર્ક ઉઘરાવવા પ્રયત્ન ન કરે. એ તો આપણું ધ્યાન જાય અને પૂછીએ તો જ કહે. કરવત, હથોડી, ડ્રીલ મશીન જેવો તમામ પ્રકારનો જરૂરી સરંજામ એમના ઘરમાં હોય જ, અને એ બધુંય સારી પેઠે વાપરી જાણે. દેશી રીતે કહીએ તો, “એમનું માઈન્ડ એકદમ ટેકનિકલ.” કોઈ પણ સાધનના વપરાશની રીત એ બહુ ઝડપથી સમજી જાય.

કાને એમને ઓછું સંભળાતું હોવાથી શરૂમાં એમણે મોબાઈલ ફોન બાબતે બહુ ધ્યાન નહીં આપેલું. પણ એના વિશે જાણવાની જિજ્ઞાસા સંતોષી લીધેલી. એનાથી શું શું થઈ શકે એ બધું પૂછ્યું. પછી એક વખત કહ્યું, “મારે મોબાઈલ ખરીદવો છે.” એ કહે એટલે અમારે કામ કરવાનું જ. વાત કરવા કરતાં એસ.એમ.એસ. વધુ ફાવે કેમ કે એમણે સમજી વિચારીને જ નિર્ણય લીધો હોય. નવ દાયકા વટાવેલી વ્યક્તિ કોઈ પણ ઈચ્છા વ્યક્ત કરે અને આપણો ઈરાદો એ પૂરી કરવાનો હોય તો વિના વિલંબે એનો અમલ કરવો. કોને ખબર આપણને કંઈ થઈ ગયું તો? એ ન્યાયે અમે મોબાઈલ ફોન ખરીદી લીધો અને એમને હાથોહાથ આપી દીધો. ઘણી મથામણ પછી, મેન્યુઅલમાં વાંચી વાંચીને, ક્યારેક ભૂલથી ખોટા નંબર કે મિસ કોલ લાગી જાય તો અમને ઉંચાનીચા કરીને પણ છેવટે એ મોબાઈલ વાપરતાં શીખી ગયાં. એના દ્વારા વાત તો ભાગ્યે જ થઈ શકે, પણ એસ.એમ.એસ.માં એમને એટલી ફાવટ આવી ગઈ છે કે છેક જમશેદપુર રહેતી પુત્રવધૂ ધનની સાથે પણ એમનો વ્યવહાર એસ.એમ.એસ. દ્વારા જ ચાલે. એકતા કપૂરની કોઈ સોપ ઓપેરામાંય આવી સિચ્યુએશન જોઈ કે સાસુ અને વહુ એસ.એમ.એસ.થી એકબીજાનાં ખબરઅંતર પૂછે?

હમણાં (ઈ.સ. ૨૦૧૧ના) નવેમ્બરમાં જ જમશેદપુરથી (તેમના પુત્રવધુ) શ્રીમતી ધન વ્યારાવાલા ત્રણ વરસના અંતરાલ પછી વડોદરા આવેલાં. તેમની પોતાની તબિયત પણ નાદુરસ્ત છે, છતાં વડોદરા અને અમદાવાદ પોતાનાં સ્નેહીઓ, મિત્રોને મળવા આવેલાં. વડોદરા હતાં એ દરમ્યાન રોજ સાંજે હોમાયબેનને મળવા આવવાનો એમણે ક્રમ જાળવેલો. આવી એક સાંજે એમના મિલનના સાક્ષી બનવાનો મોકો અમને પણ મળેલો.

એ જ રીતે એમના જીવન પર અદભૂત પુસ્તક લખનાર દિલ્હીની સબિના ગડીહોક (Sabeena Gadihoke) સાથે પણ એમનો એસ.એમ.એસ. વ્યવહાર ચાલે. સબિનાને કંઈક પૂછાવવું હોય તો મને કે પરેશને ફોન યા ઈ-મેલ કરે, પણ હોમાયબેન સાથે તો એસ.એમ.એસ. જ. એ પણ એટલી સંભાળ રાખે કે મુંબઈ જતાં-આવતાં તો ખરી જ, પણ ક્યારેક તો ખાસ મળવા માટે જ અચાનક વડોદરા આવી ચડે.

હવે ઉંમરને લઈને હલનચલન મર્યાદિત થયું છે, છતાં એમનો જીવનરસ એવો ને એવો જ જીવંત છે. એમના જન્મદિવસની પૂર્વસંધ્યાએ મળવા ગયા ત્યારેય એ જ હસીમજાક. એમના મોબાઈલમાં કોઈનો નંબર નાંખતો હોઉં કે ડીલીટ કરતો હોઉં એ જોઈને હોમાયબેન મારી તરફ ઈશારો કરીને કામિનીને કહે, “આંય મારા આસીસ્તન્ત છેય. બિચારા વગર પગારે કામ કરે છે. ચાલો, કંઈક સમજીને આપી દેવસ.” કામ પતે એટલે હું ઈશારાથી કહું, “મારી ફી?” પછી તરત ઉમેરું, “ચાલો, આ વખતે જતી કરી, બસ?” એટલે એમના ખડખડાટ હસવાનો અવાજ સંભળાય.

“તમારું જીવન કેવું ગયું?” એમ પૂછીએ એટલે હસતાં હસતાં જ કહે, “જિંદગી જેવી હતી એવી મેં સ્વીકારી. કદી કોઈ ફરિયાદ નથી. ખોદાયજીએ મને આંય મોકલી તો મારી સંભાલ લેવાની જવાબદારી પન એવનની જ છે. એમ હું માનું છું.”

એમના પ્રત્યેનો આદર હોવા છતાં એમની સમક્ષ માથું ઝૂકાવવાની ઈચ્છા જ ન થાય, બલ્કે છૂટા પડતી વખતે અમે અચૂક હાથ જ મિલાવીએ, ખરા મિત્રોની જેમ. એ અડધી મિનીટ એટલી લાગણીસભર હોય કે બન્ને પક્ષે ભારેખમ મૌન છવાઈ જાય. પણ પછી મૌન તોડતાં એ જ કહે, “થેન્ક્સ ફોર કમિંગ. ગોડ બ્લેસ યુ.” અમે ડોકું હલાવીને હાથથી ‘બાય બાય’ કરતાં એક પણ શબ્દ બોલ્યા વિના વિદાય લઈએ, ‘ફિર મિલેંગે’ની લાગણી સાથે.

(Source: http://birenkothari.blogspot.com/2011/12/blog-post_09.html)
-----------------------------------------------------------------------------------------------------

ઈ.સ. ૧૯૩૮માં માત્ર ૨૪ વર્ષની વયે ભારતના પ્રથમ મહિલા ફોટો-જર્નાલિસ્ટ બનેલા
હોમાયજીએ લીધેલા કેટલાંક યાદગાર ફોટોગ્રાફ


તા.૩૧ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ બીરલા હાઉસ ખાતેથી નીકળેલી પૂજ્ય બાપુજીની અંતિમયાત્રા


ગાંધીજીના ત્રીજા પુત્ર રામદાસ ગાંધીના હસ્તે અગ્નિસંસ્કાર વિધિ


રાજઘાટ પર ઉપસ્થિત રહેલ ભારતના તે સમયના ગવર્નર-જનરલ લોર્ડ માઉન્ટબેટન અને તેમનો આખો પરિવાર


તા. ૩ જૂન, ૧૯૪૭ના રોજ વાઈસરોય તરફથી ભારતના બે ભાગલા પાડી આઝાદી આપવાની દરખાસ્ત મૂકવામાં આવી ત્યારે ગાંધીજીને તે વાત સ્વીકાર્ય બની ન હતી. તા. ૧૪ જૂન, ૧૯૪૭ના રોજ કોન્ગ્રેસની કાર્યકારિણી સભાને સંબોધી તેમણે સ્પષ્ટ શબ્દોમાં ભાગલાનો અસ્વીકાર કરવાની સલાહ આપી હતી.
આ ફોટો તે પ્રસંગનો છે.



મહમદઅલી ઝીણાની હિંસક રાજનીતિથી ત્રાસી ગયેલા કોન્ગ્રેસી નેતાઓએ ભાગલા સાથે આઝાદી સ્વીકારી લેવા તૈયારી બતાવી હતી. ગાંધીજીની વાત સાંભળ્યા પછી કોન્ગ્રેસ મહાસમિતિની મળેલી બેઠકમાં ભાગલા સાથે આઝાદી સ્વીકારવાનો વિધિસર ઠરાવ મૂકાયો હતા અને જવાહરલાલ નહેરુ સહિત લગભગ તમામ નેતાઓએ હાથ ઊંચા કરી ઠરાવ પસાર કર્યો હતો. આ ફોટો તે પ્રસંગનો છે. બેઠકના રૂમની બહાર બેઠેલા ઈન્દિરા ગાંધી પણ આ તસ્વીરમાં ઝડપાઈ ગયા છે. જોકે તે વખતે તેઓ રાજકારણમાં ન હતા.


તા. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ની રાત્રે ખૂદ વાઈસરોય માઉન્ટબેટન આઝાદી ઊજવતા ટોળાઓમાં સામેલ થયા હતા અને ભારતની પ્રજાને અભિનંદન આપ્યા હતા.


આઝાદી મળવાથી લગભગ ભાન ભૂલી ગયેલી પ્રજાએ નવી દિલ્હીના લાલ કિલ્લા પાસે ભેગા થઈ તેની અભૂતપૂર્વ ઊજવણી કરી હતી. પાછળ પશ્ચાદભૂમાં જામા મસ્જિદ દેખાય છે.


આઝાદી બાદના પ્રથમ વડા પ્રધાન તરીકે જવાહરલાલ નહેરુનો સોગંદવિધિ


આઝાદી બાદ રચાયેલા પ્રથમ પ્રધાનમંડળનો ૧૯૪૮માં નવા નીમાયેલા ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી સાથે હોમાયજીએ પાડેલો ફોટો


હોમાયજીને ફોટા પાડવાની સાથે ફોટા પડાવવાની પણ સારી આવડત હતી. જૂઓ તેમણે પડાવેલો પોતાનો સરસ ફોટો!


હોમાયજીબાનુ ફકત સારા ફોટોગ્રાફર ન હતા, એવણને તો પ્રાઈમસ પર રોટલી બનાવતા પણ બચપણથી જ આવડતું હતું !!

 [પાછળ]     [ટોચ]