[પાછળ] |
![]() પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ દર વર્ષે આવે અને દર વર્ષે બધાં ઉજવે. (જૈન ધર્મગુરુ શ્રી નમ્રમુનિ મહારાજના એક પર્યુષણ પ્રવચનનો સારાંશ) - પર્યુષણ શા માટે ઉજવવાના હોય? પર્યુષણ આત્માને શુદ્ધ કરવા માટે હોય. જેમને આત્માને શુદ્ધ કરવાના ભાવ હોય, આત્માને શુદ્ધ કરવાનું લક્ષ હોય એમને માટે પર્યુષણ પુરુષાર્થ પ્રારંભ કરવાનું પરિબળ હોય છે. જે શુદ્ધ થાય છે તે સિદ્ધ થાય છે. પર્વાધિરાજ પર્યુષણનો સંદેશ છેઃ નિરાશાને ખંખેરી નાંખો. ઘણાં બધાં માનતા હોય છે કે, ગમે તેટલું કરવા છતાં મારો ક્રોધ શાંત થતો નથી, મારા રાગ દ્વેષ ઘટતાં નથી. મારાથી આ થઈ શકતું નથી, હું આ કરી શકું નહીં... આજે તમારી આ માન્યતાઓનું પરિવર્તન કરી દો. તમારા આત્માને એક આશ્વાસન આપો. તમે પણ શુદ્ધ થઈ શકો છો, તમે પણ સિદ્ધ થઈ શકો છો. તમારી અંદરમાં એક વિશ્વાસને દઢ કરી દો. જે મારા પરમાત્મા કરી શકે છે, તે હું પણ કરી શકું છું. મારા પ્રભુએ જે કર્યું છે એ હું પણ કરી શકું છું, હું પણ મારા આત્માને શુદ્ધ કરી, સિદ્ધ બની શકું છું. હું પણ પ્રભુ બની શકું છું. પર્વાધિરાજ પર્યુષણ અવસરે, પ્રભુને પ્રાર્થના કરો... - હે પ્રભુ! હું અશુદ્ધ છું, માટે તારા શરણે શુદ્ધ થવા આવ્યો છું. મારે અશુદ્ધમાંથી શુદ્ધ થવું છે. મારે અવગુણીમાંથી ગુણવાન બનવું છે. મારે દોષીમાંથી દોષમુક્ત થવું છે. પ્રભુ! તમે શુદ્ધ બની ગયાં છો અને મને માર્ગ આપી ગયા છો કે શુદ્ધ બની શકાય છે. પ્રભુ! મારે શુદ્ધ થવું છે. આ પ્રાર્થના સાથે સ્વયંમાં રહેલા negative ને દૂર કરો, તમારા અંદરમાં રહેલી નિરાશાને ખંખેરી નાંખો. મારાથી કાંઈ થતું નથી, આટલા વર્ષો પર્યુષણ ઉજવ્યા, આટલી સાધના-આરાધના કરી પણ કાંઈ વધારે ફરક પડતો નથી. મારાથી કાંઈ થતું નથી, મારાથી કાંઈ થશે નહી. આવા નિરાશાના ભાવોને ખંખેરી નાંખો. શુદ્ધિ હર એક આત્મા કરી શકે છે, જે પુરુષાર્થ કરે છે તે અવશ્ય શુદ્ધ થાય છે, જે પુરુષાર્થ નથી કરતાં તે અશુદ્ધ રહી જાય છે. - આજે તમારા આત્માને એક positive message આપો. હું પણ શુદ્ધ થઇ શકું છું. હું પણ મારા આત્માને પરમાત્મા બનાવી શકું છું. મારામાં પણ પરિવર્તન આવી શકે છે. જો હું પુરુષાર્થ કરીશ તો હું પરમાત્મા જેવો બની શકીશ. ‘મારાથી ન થઈ શકે’, એ તમારી નિરાશા છે અને ‘મારાથી થઈ શકે.' એ તમારો પુરુષાર્થ છે. આજે અંતરમનમાં એક વાત સ્થિર કરી દો, કે, પ્રભુ બનવું એ પ્રભુ દ્વારા મારા પર કરેલી કૃપા છે. પ્રભુ કહે છે, આજે હું જેવો છું તેવો તું પણ બની શકે છે. જે મારું સ્થાન છે, ત્યાં તારું સ્થાન પણ બની શકે છે, જે મારું જ્ઞાન છે, તેવું તારું જ્ઞાન પણ પ્રગટી શકે છે, જે મારા ભાવ છે, તેવા તારા ભાવ પણ થઈ શકે છે. જૈન ધર્મનો આ સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત છે, જેવા મારા પરમાત્મા તેવો હું! જેવો પુરુષાર્થ એમણે કર્યો, તેવો પુરુષાર્થ હું પણ કરી શકું છું. જેવી પાત્રતા મારા પ્રભુ મહાવીરની, જેવી પાત્રતા પ્રભુ આદિનાથની અને જેવી પાત્રતા સર્વ તીર્થંકર પરમાત્માની, તેવી જ પાત્રતા મારામાં પણ છે. માત્ર એને પ્રગટ કરવાની જરૂર છે. માટે જ, આજથી નિરાશાને ખંખેરી નાંખો અને એક દૃઢ નિર્ણય પર આવો કે, પ્રભુ! એક દિવસ હું પણ તારા જેવો બનીશ. તમારા આ નિર્ણયને, તમારી ભાવના બનાવી દો અને દરરોજ એ ભાવ દૃઢ કરો, તો એક દિવસ પુરુષાર્થનો પણ પ્રારંભ થઈ જશે. આજે નિર્ણય કરતો કાલે પુરુષાર્થ થશે. કાલે પુરુષાર્થ થશે તો પરમ દિવસે સફળ થઈ શકશો. પણ ખોટ ક્યાં છે? problem ક્યાં છે? દર વર્ષે પર્યુષણ આવે છે, દર વર્ષે તમે તમારી ડોલ કૂવામાં નાંખો છો. ડોલ ભરાય એટલે દોરી ખેંચી બહાર કાઢો છો, પણ ડોલ જ્યાં ઉપર આવે છે ત્યાં સુધીમાં તો તે ખાલી થઈ ગઈ હોય છે. દર વર્ષે ધર્મક્ષેત્ર રૂપી કૂવામાં તમે તમારા આત્માને પ્રભુની જ્ઞાનવાણીથી ભરવા લઈ આવો છો. આઠ દિવસ તમને લાગે છે કે મારી ડોલ ભરાઈ ગઈ છે પણ જેવાં પર્યુષણ પૂરા થાય અને ધાર્મિક વાતાવરણથી બહાર આવો ત્યારે સમજાય કે મારી ડોલ તો ખાલી જ છે. ડોલ ભરાયેલ કેમ નથી રહેતી? કેમ કે, ડોલમાં નીચે નિરાશારૂપી કાણું છે. ગામડામાં જ્યારે ડોલમાં કાણું પડી જાય ત્યારે લોકો તેમાં રેણ કરાવે એટલે કાણું બંધ થઈ જાય, પછી પાણી નીકળી ન જાય. પર્વાધિરાજ પર્યુષણ તમારી ડોલમાં પડેલા નિરાશાના કાણાં પર રેણ મારવા માટે છે. રેણ શેનાથી મરાય ? નિરાશાનું રેણ છે positivity, તમારો આત્મવિશ્વાસ, તમારો સંવેગ ભાવ!! મારાથી કાંઈ નહીં થાય-તો ડોલ ખાલી થઈ જવાની છે. મારાથી બધું થઈ શકશે-તો ડોલ ભરાઈ જવાની છે. જરૂર શેની છે? ડોલ ભરવાની કે કાણું બંધ કરવાની? પુરુષાર્થ શેનો કરવો જોઈએ ? પહેલા ડોલ ભરવાનો કે પહેલાં કાણું બંધ કરવાનો? મારે પહેલાં કાણાં બંધ કરવા છે. મારે પહેલા મારી નિરાશા અને negativityને દૂર કરવા છે, મારે મારી નિરાશાને ખંખેરી નાંખવી છે, મારાથી પણ શુદ્ધિ થઈ શકે છે. આજે થોડી શુદ્ધિ થશે તો કાલે ચોક્કસ થોડી વધારે શુદ્ધિ થશે અને એમ કરતાં-કરતાં એક દિવસ પૂર્ણ શુદ્ધ થઈ શકીશ. - તમારી અનિત્યતાની પ્રજ્ઞાને વધારો: પર્વાધિરાજ પર્યુષણ કોણ ઉજવી શકે? પર્વાધિરાજ પર્યુષણ મનુષ્ય જ ઉજવી શકે. આત્મશુદ્ધિ કરી શકાય એવો ભાવ અને એવો ભવ માત્ર મનુષ્યનો જ છે. તિર્યંચના જીવો ક્રોધ કરી શકે પણ ક્ષમાપના ન કરી શકે, આ સમજ માત્ર મનુષ્ય પાસે હોય. સમજ વધે તો પર્યુષણ સાર્થક થાય, સમજ ઘટે તો પર્યુષણ નિરર્થક કહેવાય. પર્યુષણ સંપન્ન થાય ત્યારે તમારી પાસે પ્રભાવનાની મૂડી વધવી જોઈએ કે પ્રભુના પ્રભાવની મૂડી વધવી જોઈએ? પ્રભુનો પ્રભાવ પ્રજ્ઞાનો હોય. પ્રજ્ઞાની મૂડી વધારવા વિશુદ્ધિ કરવી જરૂરી છે. જો પ્રજ્ઞા વધે તો પ્રોબ્લેમ ઘટે. જેમ-જેમ આત્માની વિશુદ્ધિ થતી જાય, તેમ-તેમ પ્રજ્ઞાનું પ્રાગટ્ય થતું જાય. આત્માની વિશુદ્ધિ કરવા અને પ્રજ્ઞાનું પ્રાગટ્ય કરવા અનિત્યતતાનો ભાવ અનુભવવાવો જોઈએ. સંસારમાં આત્માને અશુદ્ધ કરનારા અનેક તત્ત્વોમાંથી ત્રણ તત્ત્વ મુખ્ય છે: શરીર, સંબંધો અને સંયોગો. આત્માને અશુદ્ધ કરનારા તમામ ભાવોની પાછળ ત્રણ માન્યતાઓ મુખ્ય ભાગ ભજવે છે. * શરીર શાશ્વત છે * સંબંધો શાશ્વત છે * સંયોગ શાશ્વત છે જો આ માન્યતાનું પરિવર્તન થઈ જાય તો આત્માને અશુદ્ધ કરનારા રાગ-દ્વેષ ઘટ્યા વિના રહે જ નહીં. શરીર, સંબંધો અને સંયોગો અશાશ્વત છે, અનિત્ય છે. આ બોધ જેમને સમજાઈ જાય તેની શુદ્ધિ થવા લાગે. પર્વાધિરાજ પર્યુષણમાં તમારા selfને બોધ આપી દો : આત્મા સિવાય બધું અનિત્ય છે, અશાશ્વત છે. શરીર તો અંતે મૃત્યુ પામવાનો સ્વભાવ લઈને આવ્યું છે. સંબંધો તો બધાં Expiry date લઇને આવ્યા છે. સંયોગો એક પણ કાયમ રહેવાવાળા નધી. આ ત્રણે અનિત્ય છે. એને ગમે તેટલાં પકડી રાખવાનો પ્રયત્ન કરશો, એ રહેવાવાળા નથી. જો એ રહેવાવાળા નથી તો એનો માટે વધારે મોહ રાખવા જેવો નથી. એના માટે વધારે રાગ-દ્વેષ કરવા જેવા નથી. જેમ-જેમ અનિત્યતાની પ્રજ્ઞા વધે છે, વ્યક્તિ જ્યાં હોય, ત્યાં શાંતિથી રહી શકે છે. જેમની પાસે અનિત્યતતાની સમજ નથી તેમની અશાંતિનો પાર નથી. પર્યુષણના અવસરે, આત્મશુદ્ધિના લક્ષ સાથે તમારે સર્વ પ્રથમ તમારી માન્યતાઓનું પરિવર્તન કરવાનું છે. પર્વાંધિરાજ પર્યુષણ મહાપર્વ એક એવું પર્વ છે જ્યાં automatic ભાવ જાગૃત થઈ જાય છે, અંદર એક પ્રેરણા જાગે છે, પોતાના આત્મા માટે કંઈક કરવાનો ઉલ્લાસ ભાવ પ્રગટે છે, પછી એ નાના બાળકો હોય, youngster હોય કે વડીલો હોય. ક્યારેય ધર્મસ્થાનકમાં ન આવનારને પણ આ આઠ દિવસ ધર્મસ્થાનકમાં આવવાના અને ધર્મસાધના કરવાના ભાવ થાય છે અને એ દિશામાં પુરુષાર્થ પણ કરે છે. |
[પાછળ] [ટોચ] |