[પાછળ]
હીરાની ચમક

લેખકઃ રમણલાલ વસંતલાલ દેસાઈ

ખાનદેશમાં તાપીને કિનારે બુરહાનપુર નામનું નગર. આજ પણ એ નગર છે જ. મીર ખલીલ બુરહાનપુરનો સૂબો અને તેની પત્ની શાહજાદા ઔરંગઝેબની માસી થાય. શાહજાદા ઔરંગઝેબને અને તેના પિતા શહેનશાહ શાહજહાનને બહુ બને નહિ, છતાં એ બાહોશ શાહજાદાને દક્ષિણ ગુજરાત, સિંધ અને મુલતાન જેવાં મહત્ત્વનાં સ્થળોએ સૂબાગીરી આપવામાં આવતી હતી. અને મધ્યભારતના ગોન્ડ રાજ્ય સામે તેમ જ અફઘાનિસ્તાનમાં લડવા માટે મોકલવામાં આવતો હતો. બાહોશ શાહજાદો પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરતો. માત્ર તેને લાગ્યા કરતું હતું કે તેની બાહોશીના પ્રમાણમાં તેના પિતા તેની કદર કરતા નહિ. શાહજાદો ચુસ્ત મુસલમાન. પાંચ વાર નિમાજ પઢે, કુરાન લખે-વાંચે, મુસ્લિમ સંતોને પૂજે અને શરાબને અડકે પણ નહિ. તેના પિતા અને એના ભાઈઓને દારૂની બહુ છોછ ન હતી. તેઓ મુસ્લિમ રીતરિવાજો પાળતા હતા ખરા; છતાં હિંદુ સાધુસંતો તરફ માનવૃત્તિ રાખતા હતા. અને વળી તેનો વડીલ ભાઈ દારા તો હિંદુ પંડિતો અને સાધુ સંતોને પોતાની પાસે બોલાવી ગીતા, ઉપનિષદ્ સમજવા મથન કરતો.

રાજકુટુંબની આ બંને પ્રણાલિકા શાહજાદા ઔરંગઝેબને જરા ય પસંદ ન હતી. એક ચુસ્ત મુસ્લિમ તરીકે ઔરંગઝેબ અન્ય ધર્મીઓ સાથે જરા ય હળતોમળતો નહિ અને અન્ય ધર્મના ઊંડાણમાં ઊતરવા મથતો પણ નહિ. દારૂ પ્રત્યે તેને અતિશય તિરસ્કાર. અને દારૂ પીનાર પ્રત્યે એથી પણ વધારે તિરસ્કાર, લપસી પડાય એવું ઈસ્લામીપણું ઔરંગઝેબ કદી પસંદ કરે નહિ, અને લપસી પડનાર પોતાનો ભાઈ હોય કે બાપ હોય તો પણ તેમના હળવા હૃદય માટે તે તેમનો મનમાં તિરસ્કાર કરતો અને પોતાની પવિત્ર ધર્મચુસ્તતા માટે અંગત ગર્વ પણ સેવતો. પિતા પુત્ર વચ્ચે સતત છણછણાટભર્યો સંબંધ ચાલ્યા જ કરતો. અને એક દિવસ તેને એકાએક દક્ષિણની સૂબાગીરી સંભાળવાનું શાહી ફરમાન મળી ગયું. દિલ્હીથી દૂર દૂર ફેંકાતા શાહજાદાને અણગમો તો ઘણો આવ્યો. દિલ્હી આગ્રાનો પ્રદેશ તેને ખૂબ ગમતો. હુકમનો અમલ તત્કાલ કરવાનો હતો, એટલે બીજે દિવસે પ્રભાતમાં આગ્રા તેને છોડવું પડે એમ હતું. એટલે તૈયારીના હુકમો આપી તે જમનાકિનારે સાંજે એકલો એકલો લટાર મારી રહ્યો હતો, અને મનમાં પિતાની અવકૃપા માટે પિતાના અસ્થિર હૃદયને દોષ દેવા લાગ્યો.

યમુનાતટ ઉપર એ જ વખતે એક સાધુ મોટી શિલા ઉપર ભાંગ ઘૂંટી રહ્યો હતો. નિર્વ્યસની શાહજાદાને આ સાધુ નિહાળી અત્યંત ક્રોધ ચડ્યો. પોતે ગાદીએ આવે તો માત્ર શરાબ જ નહિ, આસવ જ નહિ, પરંતુ સાધુઓનો ગાંજો અને ભાંગ પણ તે બંધ કરાવે! સાચું મુસ્લિમપણું કોઈ પણ વ્યસનને આવકારે નહિ. અને તેણે ખુદાને પ્રાર્થના કરી કે માનવજાતને નિર્વ્યસની બનાવવા, તથા સાચા ઈસ્લામને પુષ્ટ કરવા માટે પ્રભુ તેને દિલ્હીની શહેનશાહત અર્પણ કરે! યમુનાતટ જેવી સાર્વજનિક જગાએ કોઈ પણ પરધર્મી નશો કરવાની તૈયારી કરે તે એના રાજ્યમાં કદી પણ બની શકે નહિ એમ તેણે ધાર્યું. પિતાના નિર્બળ, નિર્માલ્ય અને નિરંકુશ રાજ્યમાં જ આવા જાહેર સ્થળે સાધુને ભાંગ તૈયાર કરવાની તક મળી શકી. અમુસ્લિમ કૃત્ય અટકે એ ખાતર પણ ઔરંગઝેબે દિલ્હીનું રાજ્ય મેળવવું જ જોઈએ, એવો ઝડપી વિચાર તેના મનમાં ફરી વળ્યો.

‘જય જમનામૈયા કી! શાહજાદા લાગો છે!’ ભાંગ રગડતા સાધુએ કહ્યું. ઔરંગઝેબ સાધુની પાસે આવી લાગ્યો હતો. એના એકબે અંગરક્ષકો એની પાછળ દૂર હતા. ‘હા, હું શાહજાદો છું. મને એક નવાઈ લાગે છે કે ખુદાને માર્ગે જવાનો ઢોંગ કરનાર માણસ આવું વ્યસન કેમ કરી શકે?’ ઔરંગઝેબે સાધુની પાસે આવીને કહ્યું.

‘હું આ ભાંગ લસોટું છું, તેને આપ વ્યસન કહો છો, નહિ? વ્યસનથી પણ પ્રભુ પાસે વહેલા પહોંચાતું હોય તો વ્યસન પણ ધર્મ બની જાય.’ સાધુએ કહ્યું.

‘એ ધર્મ જ ખોટો છે જે વ્યસનનો માર્ગ પ્રભુનો માર્ગ માને છે. હું જો શહેનશાહ હોઉં તો...’ ઔરંગઝેબે વાક્ય પૂરું ન કર્યું.

‘શહેનશાહ આપ થાઓ એવાં બધાં જ લક્ષણ આપના મુખ ઉપર દેખાય છે.’ સાધુએ કહ્યું.

‘ખોટી ખુશામત કરવાની જરૂર નથી. વ્યસન ઉપરાંત બીજું પણ તમે પાપ કરી રહ્યા છો.’ ઔરંગઝેબે વાક્ય પૂરું ન કર્યું.

‘વ્યસનને, વ્યસનીને, પાપીને, પાપને, આમ તિરસ્કારો નહિ, શાહજાદા! હું કદી કોઈની ખુશામત કરતો નથી. સાચું કહું? ઊંડાણમાં જોતાં મને કાંઈ કાંઈ દેખાય છે. તમારા જીવનમાં... શહેનશાહત તો છે જ... પણ...’ સાધુએ કહ્યું.

‘કેમ અર્ધું બોલી અટકી ગયા?’ ઔરંગઝેબે પૂછ્યું.

શહેનશાહતનું ભાવિ તેને માટે નિર્માણ થયું હતું એ કથન ગમ્યું ખરું, પરંતુ સાધુને હજી કંઈ કહેવાનું બાકી હતું એમ ઔરંગઝેબને લાગ્યું.

વ્યસન રહિત હો તો તેનો ઘમંડ ન કરશો. માનવી વ્યસનથી બચે છે, ખુદાની કૃપા વડે... તમે પણ, શાહજાદા! ખુદાની કૃપાથી જ નિર્વ્યસની રહ્યા છો. એનું અભિમાન રાખશો તો એકાદ વખત જરૂર પછડાશો.’ સાધુએ કહ્યું.

‘હુ પછડાઉં, વ્યસનમાં? અશક્ય! પક્કો સાચો મુસ્લિમ, બીજા રજવાડી મુસ્લિમો જેવો નથી કે જે તમારા સરખા કાફરોની ભવિષ્યવાણીથી ભોળવાઈ જાય.’ ઔરંગઝેબે કડકાઈથી જણાવ્યું.

‘એવો પ્રસંગ આવે ત્યારે મને યાદ કરજો. એ પ્રસંગ આવવાનો જ છે.’ સાધુએ કહ્યું.

‘અને ન આવે તો? કેટલાં વર્ષમાં તમારું ભવિષ્ય ખરું પડવાનું છે?’ ઔરંગઝેબે જરા તિરસ્કારપૂર્વક હસીને કહ્યું.

‘આ વર્ષમાં જ, શાહજાદા!’ સાધુએ કહ્યું.

‘એમ ન થાય તો.... આ જમનાકિનારે તમારે મુસલમાન બની જવું... કબૂલ છે?’ ઔરંગઝેબે પૂછ્યું.

‘મને સાધુને ઈસ્લામ અને આર્ય ધર્મ સરખા જ છે. અમે વ્યસની સઘળા વટલેલા. એક્કે ધર્મ અમારો નહિ. જીવનમૃત્યુની રમત જોતા અમે મસ્તાન ધર્મછાપથી પર થઈ ચૂક્યા છીએ. શાહજાદા! મારું એ ભવિષ્ય ભાખેલું ખરું પડે તો તમારા બીજા ભવિષ્ય તરફ પણ તમે નજર કરજો. એ પણ મને દેખાય છે.’

‘એમ? મને બિવરાવવો છે કે ચમકાવવો છે?’ ઔરંગઝેબે પૂછ્યું.

‘બેમાંથી એક્કે નહિ! ચમકાવવા હોત કે બિવરાવવા હોત તો હું તમારી શહેનશાહતને જોઈ શક્યો ન હોત... ખૂબ ખૂબ ખીલશે... મહાન કહેવાશો.... આખું હિંદ એક વાર તમારા ચરણ તળે હશે. પરંતુ મને સંકોડશો તો આખી શહેનશાહત તમારા દેખતાં જ ડગ મગી જશે.’ સાધુએ ઊંડે ઊંડે જોઈને કહ્યું.

‘બીજું કંઈ?’ શાહજાદા ઔરંગઝેબે જરા રમૂજથી આ વ્યસની સાધુને ખીલવવા પ્રયત્ન કર્યો.

‘અને બીજું એ જ કે આપની ડગમગતી મોગલાઈ ઉપર છેલ્લો નિઃશ્વાસ નાખવા આપ જમનાકિનારે આવી પણ શકશો નહિ, જે જમનાકિનારા ઉપર આપ મને પ્રશ્ન કરી રહ્યા છો તે!’ કહીને ભાંગનો લોટો ભરી આખો લોટો સાધુએ ગટગટાવ્યો. ‘જય જમનામૈયા’ કહી સાધુએ જમનાજળમાં કુદીને ડૂબકી મારી. થોડી વાર સુધી ઔરંગઝેબ તેને જોઈ રહ્યો, પરંતુ એને પાણી બહાર નીકળેલો ન જોતા બેદરકારીથી ટહેલતો ટહેલતો તે પાછો ફર્યો. 

ખાનદેશને ગુજરાતને એક બનાવતી નદી સૂર્ય દેહા – તાપીને એક કિનારે બુરહાનપુર નગર અને સામે કિનારે ઝઈનાબાદી મહેલ અને મહેલની આસપાસ વિશાળ બગીચો. મોગલ સૂબાઓની સૂબાગીરી સૂબાઓને મુલ્કી અને લશ્કરી બંને સત્તાઓ આપતી. સૂબો આખા સૈન્યનો સેનાપતિ પણ ખરો, અને રાજ્યભાગ તથા ખંડણી ઉઘરાવનાર શ્રેષ્ઠ અમલદાર પણ ખરો. કામ વ્યવસ્થિત ગોઠવાઈ ગયેલાં હોય એટલે જ્યાં સુધી કોઈ નાજુક કે જોખમભર્યું કામ માથે ન આવે ત્યાં સુધી સૂબાઓને મોજશોખ માટે તથા રંગરાગ માટે ઘણો વખત મળતો. ખાનદેશના સૂબા મીર ખલીલને તો બુરહાનપુરમાં કચેરીએ જવું પડે અને પ્રાંતમાં ફરવું પણ પડે. પરંતુ સૂબાની બેગમને કચેરીમાં કોઈ કામ હોય નહિ, મહેલ અને બાગબગીચો મૂકી ફરવાનું મન થાય નહિ એટલે મીર ખલીલની પત્ની તો તાપીકિનારે ઝઈનાબાદ બગીચામાં જ પોતાનો સમય પસાર કરતી. સાહેબી અને ઠઠારામાં સૂબાગીરી શાહી રૂઆબને પગલે ચાલતી એટલે સૂબાની બેગમની આસપાસ અનેક નોકર-સ્ત્રીઓ હાજર રહેતી. કોઈ નોકરડીને ગાતાં આવડે, કોઈ નોકરડીને કેશગૂંથણ આવડે, કોઈ ગુલામ સ્ત્રી ગંભીર વાર્તા કહેવાની કલામાં પ્રવીણ હોય તો કોઈ કોઈ ગુલામ સ્ત્રી હાસ્યરસની વાર્તા કહેવાનાં પ્રવીણ હોય. કોઈ સ્નાનક્રિયામાં પ્રવીણ હોય, કોઈ વસ્ત્રાભૂષણની ક્રિયામાં પ્રવીણ હોય. કોઈ શતરંજ-ચોપાટ પણ સરસ ખેલી શકતી હોય અને કોઈ દોડવાની રમતમાં પ્રવીણ હોય. કોઈ નોકર સ્ત્રી સખી બની સૂબાના મહેલની અને મોગલ રાજમહેલની ભેદભરમની વાત કહેતી હોય, તો કોઈ મૌન સેવતી દાસી આખા જનાનખાના ઉપર જાસૂસી કરતી હોય. બેગમ સાહેબાને જે વખત જેવી જાતનો આનંદ જોઈતો હોય તેવે વખતે તેવી જાતનો આનંદ આપવા માટે ગુલામ સ્ત્રીઓનું એક મોટું સૈન્ય સૂબાના મહેલમાં બેગમની આસપાસ તૈયાર જ હોય. એ યુગમાં ગુલામગીરીની પ્રથા ખરી. પરંતુ આજ જે પ્રકારનું દાસત્વ કરાવવામાં આવે છે તે પ્રકારના દાસત્વ કરતાં એ યુગની ગુલામગીરી વધારે કઠણ નહિ હોય. ઘણી દાસીઓ તે સખીઓ બની રહેતી,

એ તાપીકિનારે ઝઈનાબાદી રાજમહેલમાં પોતાની માસીને ત્યાં ઔરંગઝેબ આવ્યો. દક્ષિણની અણગમતી સૂબાગીરી પિતાએ તેને માથે મારી હતી; એ સૂબાગીરી સાચવવા દક્ષિણ જતાં જતાં તે ખાનદેશમાં માસીને ત્યાં કેટલાએક દિવસ રહ્યો અને વળી પિતાની ખફગી વહોરી લીધી.

પણ એ ખફગી વહેરવાનું કંઈ કારણ?

ઔરંગઝેબ આવ્યો તેને બીજે જ દિવસે તાપીકિનારે સુંદર બગીચામાં ફરવા લાગ્યો. ઝઈનાબાદ બગીચો ખૂબ ગમી ગયો. વિશાળ બગીચામાં ફરવાના, રમવાના, સંતાવાના અને કારસ્થાનો માટેનાં બહુ બહુ અનુકૂળ સ્થળો હતાં. યુવાન શાહજાદો ફરતાં ફરતાં એક વૃક્ષઘટા પાસે આવી ચઢ્યો. એ ઘટામાંથી હળવું હળવું સંગીત – સ્ત્રીકંઠનું સંગીત ચાલ્યું આવતું હતું. કડક મુસ્લિમ ઔરંગઝેબ સંગીતનો તો દુશ્મન, પણું કોણ જાણે કેમ આજે તાપીના શીતળ પ્રવાહે, તે બગીચાની ઉત્તેજક સૌરભે તેને સંગીત અભિમુખ બનાવ્યો. ધીમું ધીમુ, ઝીણું ઝીણું, ટુકડે ટુકડે ગવાતું ગીત તેને ચોટ લગાડી ગયું.

‘કોણ આવું સુંદર ગાનાર આ બગીચામાં હશે ?’ તેના હૃદયે પ્રશ્ન કર્યો અને તે વૃક્ષઘટાની બહુબહુ નજીક આવ્યો. નજીક આવતાં તેણે જોયું કે એક અદ્‌ભુત સૌંદર્યવતી યુવતી ફરતી ફરતી કાંઈક ગાતી હતી અને ન પહોંચાય એવા વૃક્ષે લટકતાં ફળને તોડવાને માટે વચમાં વચમાં કૂદકો પણ મારતી હતી. ઔરંગઝેબની નજર તે બાજુએ પડી, અને તે જ ક્ષણે એ યુવતીએ એક ફળ તોડવા કૂદકો માર્યો.

શાહજાદો પાંપણ પણ હલાવ્યા સિવાય આ નાનકડી સૌંદર્ય ફાળને નિહાળી રહ્યો. તેણે જાતે ઘણી ફાળો ભરેલી હતી, ઊંચી અને લાંબી. તેણે ઘણા પુરુષ અને સ્ત્રીઓને પણ ફાળ ભરતાં જોયાં હતાં. પરંતુ આ યુવતીની ફાળમાં તેને વાદળામાં ઊડતી, રમતી, કૂદતી વીજળીનો ભાસ થયો. એનાં કપડાં પણ એની ગતિ સાથે ઝોલાં લેતાં હતાં અને તેના સૌંદર્યને પાર્શ્વભૂમિ અર્પતાં હતાં. તે ગાતી જાય અને ફળ વીણતી જાય; ઊંચા આવેલાં ફળને માટે કૂદકો ભરતી જાય અને હસતી જાય. આમ કરતાં કરતાં તેનું ઉત્તરીય પણ અવ્યવસ્થિત બની ગયું અને રમતમાં તેને ભાન પણ ન રહ્યું કે એક યુવાનની નજર તેના દેહ ઉપર ચોંટી રહી છે.

એકાએક ઔરંગઝેબ તેની નજીક ગયો અને બોલ્યો: ‘હું થોડાંક ફળ ઉતારી આપું? હું તમારાથી ઊંચો છું.’

યુવતી એકાએક ચમકી. તેણે ધાર્યું ન હતું કે કોઈ યુવક તેની ફળ તોડવાની રમત નિહાળતો હશે. શરમાતા શરમાતાં, વસ્ત્રને સહજ ગભરાટપૂર્વક ઠીક ગોઠવીને તેણે જવાબ આપ્યો : ‘ના જી ફળ પૂરતાં થઈ ગયાં છે.’

‘તમારે અત્યારે ફળ કેમ તોડવાં પડે છે?’ ઔરંગઝેબે પૂછ્યું.

‘શહેનશાહના શાહજાદા અહીં પધાર્યા છે. બેગમ સાહેબા કહેતાં હતાં કે શાહજાદાને કેરી બહુ ભાવે છે. આ આંબાની કેરી બેનમૂન ગણાય છે, એટલે શાહજાદા માટે હું લઈ જાઉં છું...’ યુવતીએ કહ્યું.

‘એ શાહજાદો હું જ હોઉં તો ?’ ઔરંગઝેબે જરા હસતાં હસતાં પૂછ્યું. ઔરંગઝેબની આંખમાં મસ્તી વધતી જતી હતી.

‘બેઅદબીની મારે માફી જ માગવી રહી. વૃક્ષ સાથે મારે આવી જંગલી રમત નહોતી કરવી જોઈતી...મહાન શાહજાદા સમક્ષ.’ યુવતીએ શરમાતાં – ગભરાતાં જવાબ આપ્યો.

‘જંગલી રમત? મને એ રમત ગમી ગઈ હોય તો?... એ રમત જોયા પછી તો મને ઈનામ આપવાનું મન થયું. અને મારે માટે કેરી ચૂંટતી હતી એ સાંભળી મને ઈનામ આપવાનું વધારે મન થયું છે. કહો, શું ઈનામ આપું?’ ઔરંગઝેબે યુવતીને પોતાની દૃષ્ટિમાં ભરી લેતાં કહ્યું.

‘ઈનામ? નામવર! હું તો બેગમ સાહેબની એક નાચીઝ દાસી છું. આપનાં મને દર્શન થયાં એ મારે મન ખુદાના નૂરનાં દર્શન થયાં. એટલું ઈનામ મારા જેવી દાસીને માટે ઘણું છે.’ યુવતી બોલી.

‘દાસી! તારું નામ શું?’ ઔરંગઝેબે પૂછ્યું.

‘આ દેહને હીરાને નામે સહુ કોઈ પોકારે છે.’ યુવતીએ જવાબ આપ્યો.

‘હીરા! નામ પાડનારે બહુ જ સાચું નામ પાડ્યું છે. હું તને દાસીપણામાંથી મુક્ત કરી હીરા તરીકે મારે ગળે ભેરવી દઉં તો?’

‘શાહજાદા! આપની ખ્યાતિ તો એક ભારે મઝહબી પરહેજગારની છે. આસમાનમાં ઝુલતા આફતાબને જમીન ઉપરનો આગિયો શું ખેંચી શકે? અને તેમાં ય નામદાર! હું બેગમ સાહેબાની બાંદી છું. જીવનભર આ મહેલાત સાથે જડાયેલી છું.’ સહજ નિઃશ્વાસસહ હીરા બોલી; અને આવા એક રાજપુત્ર સાથે આટલી લાંબી વાત તેનાથી થઈ ગઈ તેને માટે તોબાહ કરતી તેણે શાહજાદાને સલામ કરી, પીઠ ફેરવી આગળ પગલાં ભર્યા.

‘હું માસી પાસેથી તને માગી લઉં તો?’ હીરાની પીઠને ઔરંગઝેબે સંભળાવ્યું. ક્ષણભર મુખ પાછું ફેરવી ઔરંગઝેબ તરફ ન સમજાય એવી દૃષ્ટિ નાખી હીરા ઝટપટ ત્યાંથી મહેલમાં ચાલી ગઈ. જતાં જતાં તેણે ઔરંગઝેબના હૃદયને મીઠો પરંતુ અસહ્ય ઘાવ કર્યો. સ્ત્રી અને સંગીત બંનેથી પર રહેવા મથતો શાહજાદો આજ સ્ત્રીલુબ્ધ બની ગયો.

ગુલામો, દાસીઓ અને બાંદીઓની એ યુગમાં કાંઈ ભારે કિંમત ન હતી. વળી એ ભેટ સોગાદમાં કે દહેજમાં આપવા જેવી માનવવસ્તુઓ ગણાતી હતી. માસીને પોતાના માનીતા ભાણેજનું મન જોતજોતામાં સમજાઈ ગયું. અને તે જ દિવસે ઔરંગઝેબને હીરાની ભેટ મળી. પરિણીત બેગમની નજર બહાર દાસીઓના દેહ સાથે માલિક ફાવે તે રમત રમી શકતો. ઔરંગઝેબે તે રાત્રિએ દાસી હીરાને પોતાના શયનગૃહમાં બોલાવી તેની પાસે સંગીત સાંભળવા આગ્રહ કર્યો. હીરા પોતાની ગાયકી માટે બહુ જ વખાણાતી. ઔરંગઝેબના શયનગૃહમાં તે એકલો જ હતો. ઔરંગઝેબનું માનસ હીરા ન ઓળખે એવી અજ્ઞાન ન હતી. એ ય આવી સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને. સંગીતનું એકાદ સાજ પણ તે સાથે લઈ આવી. અલબત્ત, કોઈ પણ સાજિંદા વગર ઔરંગઝેબની ગાદીની સામે તે નમ્રતાપૂર્વક બેસી ગઈ. પોતાના મુખને અર્ધું પોણું ઢાકેલું રાખ્યું.

ઔરંગઝેબે તેની ખબર પૂછી અને તેને સુંદર સંગીત સંભળાવવા વિનંતી કરી. હીરાએ પોતાના કંઠને ખામી ભરેલો જણાવ્યો. શાહજાદા સમક્ષ ગાઈ શકવા જેવી પોતાનામાં આવડત નથી એવી પણ જાહેરાત કરી; અને અત્યંત આગ્રહ થતાં પોતાની નાદુરસ્ત તબિયતનું કારણ પણ હીરાએ બતાવ્યું. અંતે ઔરંગઝેબે કહ્યુ :

‘હીરા! આ બધા તારા બહાનાં છે. તું જાણે છે કે હું તને સાચા દિલથી ચાહું છું, પછી તું મારી વિનંતીને કેમ નકારે છે?’

‘નામવર! મારે આપના પ્રેમનું પારખું જોવું છે. આપનો પ્રેમ સાચો હોય તો આપ મારી પણ વિનંતી સ્વીકારો, એટલે હું આપને મનભર સંગીત સંભળાવીશ.’ હીરાએ કહ્યું,

‘તારે માત્ર શબ્દોચ્ચાર જ કરવાનો રહે છે. માંગ માંગ જે માંગે તે આપું!’ ઔરંગઝેબે કહ્યું.

‘શાહજાદા! મારે હાથે શરાબનો એક ઘૂંટડો આપ પી લો એટલે બસ. હું જીવનભર આપની દાસી થવાને સર્જાયેલી છું તે સાચી આપની દાસી જ રહીશ.’ હીરાએ પોતાની આંખ ચમકાવી પોતાની માગણી ઔરંગઝેબ પાસે રજુ કરી. ઔરંગઝેબ ચમકી ઊઠ્યો અને બોલ્યો :

‘હીરા! તને કદાચ ખબર નહિ હોય. પણ મારી આસપાસ શરાબના રંગબેરંગી ફુવારા ઊડે છે છતાં હું સાચો મુસલમાન, એક ટીપું પણ મારા દેહ ઉપર પડવા દેતો નથી. તારી આ માગણી હું પૂરી કેમ કરી શકું?’

‘તો આપ માલિક છો. હું માત્ર એટલું જ સમજીશ કે શાહજાદાનો મારે માટેનો પ્રેમ ક્ષણિક છે. પળવારમાં પ્રગટ થઈ તે હોલવાઈ જવાનો છે!’ હીરાએ જવાબ આપ્યો.

‘હું તને તારા દાસી પદમાંથી ઊંચકી મારી પરિણીત બેગમ બનાવું તો? તો પછી તને મારા પ્રેમની ખાતરી તો થશે ને?’ ઔરંગઝેબે અત્યંજ આર્જવપુર્વક કહ્યું.

‘મોગલ શાહજાદાઓને બેગમોની ક્યાં ખોટ પડે એમ છે? પ્રેમની વાત કહી એટલે હું દાસી હોઉં કે બેગમ હોઉં તો પણ એક વાર મેં શર્ત મૂકી તે પાછી ખેંચી લઉં તો હું આપના મનથી પણ જોતજોતામાં ઊતરી જઈશ. બેગમ બનવાનું ભાગ્ય હોય તો યે મારી આ શર્ત એક વાર કબૂલ થાય તો જ મારા મનને ખાતરી થાય!’ હીરાએ કહ્યું.

ઔરંગઝેબ ખૂબ વિચારમાં પડ્યો. તેણે હીરાને ઘણું ઘણું સમજાવી. પરંતુ તે એકની બે થઈ નહિં. ઔરંગઝેબ હીરા પાછળ એટલો ઘેલો થયો હતો, અને એની ઘેલછા એટલી બધી વધતી જતી હતી, અને બાહોશ કલાધરી હીરા એ ઘેલછાને ધીમે ધીમે એટલી પ્રજ્જ્વલિત કરતી જતી હતી કે અંતે ઔરંગઝેબે તેને કહ્યું:

‘લાવ હીરા! જીવનમાં પહેલી જ વાર તારા પ્રેમને ખાતર, તારા ભાવિની ખાતરી આપવા માટે, કદી ન કરેલું કાર્ય કરી એક ઘૂંટડો શરાબ તારે હાથે પીશ.’ અને હીરાએ પોતાની પાસેથી એક નાનકડી રૂપાળી સુરાઈ બહાર કાઢી. સુંદર કાચના પ્યાલામાં થોડો સરખો શરાબ રેડ્યો અને તે ઔરંગઝેબના મુખ સામે ધર્યો.

ઓરંગઝેબે જેવો પ્યાલાને હોઠે અડાડ્યો કે તરત હીરાએ પ્યાલાને પાછો ખેંચી લીધો અને ઔરંગઝેબને અત્યંત પ્રસન્નતાપૂર્વક તે નિહાળી રહી.

‘કેમ હીરા! શું થયું ? પ્યાલો કેમ પાછા ખેંચી લીધો?’

હીરાને આપે તો બેગમ બનાવવાનું વચન આપ્યું. દાસી મટી બેગમ બનવાની લાયકાત હીરામાં હોય તે હીરા કદી એક પાક મુસ્લિમ શાહજાદાને શરાબનો ઘૂંટડા પાઈ ભ્રષ્ટ ન જ કરે, નામવર! મને ખાતરી થઈ ગઈ કે આપનો પ્રેમ સાચો જ છે. સામેથી મારો પ્રેમ પણ છે એ સાચો દર્શાવવા હું મારા પ્રિયતમને પાક મજહબમાંથી નીચે તો ન જ ખેંચી લાવું. બસ, નામવર ! હવે આપ કહો એટલે હું મારું ગીત શરૂ કરું !’ કહી હીરા ઊભી થઈ અને તેણે સુરાઈ, પ્યાલો અને શરાબ ત્રણે બારીમાંથી નીચે ફેંકી દીધાં અને ઔરંગઝેબને ભ્રષ્ટ થતાં બચાવી લીધો.

એ રાત્રે ઔરંગઝેબે હીરાનું સંગીત પણ સાંભળ્યું. બીજે દિવસે વચન આપ્યા પ્રમાણે તેણે હીરાને બેગમનું માનવંતું સ્થાન આપ્યું.

એ જ ઔરંગઝેબની સુપ્રસિદ્ધ બેગમ પ્રિયતમા હીરા ઝહીનાબાદી.

રાત્રે સૂતી વખતે ઔરંગઝેબે અલ્લાની ખૂબ પ્રાર્થના કરી. અને હૃદયને આભારની લાગણીથી ભરી દીધું. એ આભારની લાગણીમાં પ્રભુ સાથે હીરાનો પણ ભાગ હતો.

માત્ર પ્રાર્થના કરી રહ્યા પછી સૂતાં સૂતાં તેના કાનમાં એક ભણકાર વાગ્યો:

‘જય જમનામૈયા કી.’

અને ઘડીભર ઔરંગઝેબની દષ્ટિ સમક્ષ ઔરંગઝેબનું ભવિષ્ય ભાખી રહેલો પેલો જમનાકિનારાનો સાધુ ભાસ રૂપે દેખાયો.
[પાછળ]     [ટોચ]